સત્યનો માર્ગ – મોહનદાસ ગાંધી

પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમકે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે; પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાનો અર્થ જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આઘાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું.

આ માર્ગ જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે, છતાં મને એ સહેલામાં સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું. અને મારી સમજણ પ્રમાણે, આગળ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ધ સત્યની-ઈશ્વરની-ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય બીજું કાંઈ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે. એ કઈ રીતે વધતો ગયો છે એ મારું જગત એટલે ‘નવજીવન’ ઈત્યાદિના વાંચનાર જાણી ભલે મારા પ્રયોગોના ભાગીદાર બને અને તેની ઝાંખી પણ મારી સાથે કરે. વળી, જેટલું મારે સારું શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારું મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વસિષ્ઠ-વિશ્વામિત્રના આખ્યાનમાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તીધર્મ અને ઈસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ધ કરે છે.

જે પ્રકરણો હું લખવાનો છું તેમાં વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાના નીર સમાન છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.

મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દષ્ટાંતરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમકે, કહેવાયોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઈચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઈચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે તો હું અવશ્ય કહું કે,

‘मो सम कौन कुटिल ख्ल कामी ?
जिन तनु दियो ताहि विसरायो ऐसो निमकहरामी ।
(મારા સમાન કોણ કુટિલ, ખલ અને કામી વ્યક્તિ હશે ? જેણે આ દેહ આપ્યો એને જ હું વિસરી ગયો, એવો તો હું નમકહરામી છું… [સંત તુલસીદાસજી વિરચિત વિનયપત્રિકાનું એક પદ.])

કેમ કે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોશ્વાસનો સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનાર ગણું છું, તેનાથી હજીયે હું દૂર છું એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા વિકારને હું જોઈ શકું છું. પણ એને હજીયે કાઢી શકતો નથી.

[‘સત્યના પ્રયોગો’ ની પ્રસ્તાવનામાંથી સાભાર.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક મીઠું પ્રકરણ – સુન્દરમ્
એક વી.સી.આરની આત્મકથા – મૃગેશ શાહ Next »   

16 પ્રતિભાવો : સત્યનો માર્ગ – મોહનદાસ ગાંધી

 1. pragnaju says:

  સત્યના પ્રયોગો દરેક ઘરમાં હોવું જરુરી છે-તેનો અભ્યાસ કરી તે વિચારો આચરણમા મૂકવા પૂરો પ્રયત્ન કરીએ તો આનંદ જ આનંદ્

 2. સુરેશ જાની says:

  મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દષ્ટાંતરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે.
  ———————–
  શુધ્ધ અંતરવાળી વ્યક્તી જ આ લખી શકે. અધકચરા અનુયાયીઓએ તેમનાં વચનોને બ્રહ્મવાક્ય ગણીને ઘણો અનર્થ કર્યો છે.
  દરેકે પોતાનું સત્ય પોતે જ શોધવાનું હોય છે. હ, એમાં કોઈ માર્ગદર્શક બની શકે.

 3. હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને……… એ જ રીતે સત્યનો માર્ગ પણ શૂરવીરો માટે નો જ છે. પરંતુ જો દરેક જણ એને અપનાવી શકે તો……. એનાથી ઊત્તમ કાંઈ જ નથી.

 4. Maharshi says:

  અમૂલ્ય વાત!!

 5. shah hirva says:

  ગાન્ધિજિ એટલે જ તો મુઠઈ ઉન્ચેઆ માનવિ છે.

 6. Ashok Raichura says:

  સત્ય નો હમેશા વિજય થાય છે પણ તે હમેશા બધાની સાથે વહૈચૈ છે અને તે ત્યાગ આપી જાણૅ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.