એક વી.સી.આરની આત્મકથા – મૃગેશ શાહ

[ વાચકમિત્રો, આપણે નાના હતાં ત્યારે શાળામાં ‘એક ઘંટની આત્મકથા’, ‘જૂની છત્રીની આત્મકથા’, ‘તૂટેલી ખુરશીની આત્મકથા’ જેવા નિબંધો અભ્યાસક્રમમાં આવતા. પરંતુ વર્તમાન સમયમાં જો તેના નવા સ્વરૂપ વિશે વિચાર કરવામાં આવે તો આપણી આસપાસ જૂના થતાં ઉપકરણો વિશે ઘણું લખી શકાય તેમ છે. તો આજે પ્રસ્તુત છે ‘એક વી.સી.આર (VCR – Video Cassette Recorder) ની આત્મકથા’. આ વાંચીને કદાચ કોઈને ‘ડેસ્ક્ટૉપ કમ્પ્યુટરની આત્મકથા’ લખવાનું મન થાય તો તે પણ સહર્ષ આવકાર્ય છે ! ]

મારા નામથી તો તમે સૌ કોઈ પરિચિત હશો જ, પરંતુ આજની નવી પેઢી કદાચ મને ન પણ ઓળખે. માટે તેઓને મારી ઓળખ આપવી હું જરૂરી સમજું છું. લોકો મને વી.સી.આર. (વિડિયો કેસેટ રેકોર્ડર) તરીકે ઓળખે છે; અલબત્ત, હવે તો ‘ઓળખતા હતા’ – એવો શબ્દપ્રયોગ કરવો વધુ ઉચિત લાગે છે. કરમની કઠનાઈને કારણે મેં આજે મારું પ્રભુત્વ ગુમાવ્યું છે. એક જમાનામાં માન અને પ્રતિષ્ઠાના માપદંડ તરીકે સમાજમાં મારી ગણના થતી. મારી હાજરી હોય ત્યાં જે તે વ્યક્તિ ધનવાન કહેવાતો. પરંતુ આજે એ દિવસો નથી રહ્યા. નવા જમાનાના ડી.વી.ડી પ્લેયરોએ મને ક્યાંયનું નથી રહેવા દીધું. મારા દુ:ખની શું વાત કરું ? મરણપથારીએ અંતિમ શ્વાસ લેતાં લેતાં મારા જીવનના એ સોનેરી દિવસોને હું યાદ કર્યા કરું છું.

ઈ.સ 1965માં ચાર્લ્સ ગિનસબર્ગ અને રૅય ડૉલ્બૅ નામના બે કુશળ તકનીકી ઈજનેરોએ અમારા કુળનો આવિષ્કાર કર્યો એ પછી ગૃહઉપયોગી ઉપકરણ તરીકે વર્ષો બાદ મારો જન્મ જાપાનમાં થયો. વિશાળ કારખાનામાં અદ્યતન સાધનોની મદદથી મને સુંદર રૂપ આપવામાં આવ્યું. હોંશિયાર ઈજનેરોએ મારામાં ‘ઑટો-રિવાઈન્ડ’, ‘ઓટો-રેકોર્ડ’, ‘પ્રોગ્રામ મેમરી’, ‘પ્રોગ્રામ લોક’ જેવી સુવિધાઓ ઉમેરીને મને ગૌરવ બક્ષ્યું. દિવસો સુધી મહેનત કરીને તેઓએ મારા પર અદ્દભુત કામ કર્યું. એ જમાનામાં તો લગભગ અશક્ય જ કહી શકાય એવી 36 ચેનલોની સુવિધા મારામાં મૂકવામાં આવી. મને ગરમી ન લાગે તે માટે મારામાં ટચૂકડા પંખાઓ પણ ગોઠવવામાં આવ્યા. વિવિધ રીતે મારું પરિક્ષણ કરવામાં આવ્યું. પરિક્ષણ માટે મારા સાથી મિત્ર ‘ટેલીવિઝન’ સાથે મને પ્રથમ વખત જોડવામાં આવ્યું ત્યારે મારા રોમ રોમ પુલકિત થઈ ઊઠ્યાં ! મને હજી એ દિવસ યાદ છે જ્યારે પહેલી વાર મને કેસેટ વાંચવાનો લ્હાવો મળ્યો. કેવી રોમાંચક ક્ષણો હતી એ ! મને જાણે મારા જન્મની ધન્યતા મહેસૂસ થઈ રહી હતી. ‘હેડ’ પર સરકતી પટ્ટીમાંની માહિતીનું ધ્વનિ અને દશ્યમાં રૂપાંતર કરવાની મને તો ખૂબ જ મજા પડી. મારા તમામ અંગો એક સાથે એ કાર્યમાં લાગી ગયા. ઈજનેરોએ મને જુદી જુદી રીતે ચકાસ્યું અને પછી મારા વિશે વિસ્તૃત અહેવાલ લખ્યો. એ પછી તો તેઓએ મારા ઉપયોગ વિશે જુદી જુદી લીપીમાં પુસ્તિકાઓ પણ છાપી અને ત્યારે મને શ્રેષ્ઠ સાહિત્યકાર હોવાની મહત્તા પ્રાપ્ત થઈ કારણ કે તમામ પુસ્તિકાઓ પર સુંદર અક્ષરોમાં મારું નામ અંકિત કરવામાં આવ્યું હતું. મારા વિવિધ ભાગોનો તેમાં સચિત્ર પરિચય આપવામાં આવ્યો હતો. તમામ વિધીઓ પૂરી થયા બાદ મને સન્માનપૂર્વક એક ખોખામાં બંધ કર્યું. મારા નાજુક અંગોને નુકશાન ન થાય તે માટે કાળજીપૂર્વક ચારેબાજુ થર્મોકોલ રાખવામાં આવ્યા. વિવિધ પ્રકારના લેબલો લગાડીને જ્યારે મને આદરપૂર્વક કારખાનામાંથી બહાર લાવવામાં આવ્યું ત્યારે અહો ! શું મારો ઠાઠ હતો !!

થોડા સમય બાદ ફરતાં ફરતાં હું ભારત આવી પહોંચ્યું. એક વિશાળ શો-રૂમમાં કાચના કલાત્મક શૉ-કેસમાં મને મખમલની ગાદી પર રાખવામાં આવ્યું. જતા-આવતા ગ્રાહકો મને અહોભાવથી જોઈ રહેતા પરંતુ મારી ઊંચી કિંમત જોઈને કોઈ ખરીદવાની હિંમત કરતું નહીં. બાળકો તેમના માતાપિતા પાસે જીદ કરતાં પરંતુ તેઓ એમને અન્ય કોઈ લાલચ આપીને વાત ટાળી દેતાં. આ બધું સાંભળી મને મારા રૂપ પર ગર્વ થતો. પરંતુ આખરે દિવસો અને મહિનાઓ વીતતાં મને થોડી ચિંતા થવા લાગી કે શું મારે આમ અહીં બેસી રહીને જ જીવન પસાર કરવું પડશે કે ? આ જીવનમાં હું કોઈને મનોરંજન આપી શકીશ કે નહીં ? મારા મૂલ્યનું કદર કરનાર શું પેદા જ નથી થયો ? દીકરીના સ્વયંવરમાં ધનુષ્ય ન ઊંચકી શકનાર નિર્માલ્ય રાજાઓને જોઈને જનક મહારાજને જેમ ધરતી વીરવિહીન લાગી હતી તેમ મને પણ જગતના લોકો સાવ નિર્ધન ભાસી રહ્યા હતા.

પણ ત્યાં તો એક દિવસ એક શેઠ એમના બાળકોને લઈને શૉ-રૂમમાં આવી પહોંચ્યા. આવીને તેઓ સીધા મારી સામે ઊભા રહ્યા. મને અચાનક અંત:સ્ફૂરણ થયું કે બસ આજ મારા માલિક બનવાને લાયક છે ! મારા વિશે વિવિધ વિગતો પૂછીને છેવટે એમણે થેલીમાંથી નોટોના બંડલો કાઢી દુકાનમાલિક સામે મૂક્યાં. મને રોમાંચ થઈ આવ્યો ! મારા આનંદની તો કોઈ સીમા નહોતી. સ્કૂટર પાછળ બાળકોના ખોળામાં બેસીને મેં એમને ત્યાં ગૃહપ્રવેશ કર્યો. શું વાત કરું તમને, આખું ઘર મને જોવા ભેગું થયું હતું ! આજુબાજુના પાડોશીઓ અને એમના બાળકો તો રીતસર મને અડકવા આતુર હતા. મારા આવવાથી શેઠનો મોભો વધી ગયો હતો. ગૃહિણીઓએ પૂજા કરીને મને ચાંલ્લા કર્યા. ટેલીવિઝનના કબાટમાં મખમલની ગાદી પર મને બેસાડ્યું. મને ધૂળની એલર્જી હોવાથી તેઓએ મારા પર સરસ મજાનો ભરત ભરેલો રૂમાલ ઢાંક્યો. દુકાનમાંથી નિષ્ણાત વ્યક્તિએ આવીને મારી ઉપયોગીતા અને વિવિધ સુવિધાઓ વિશે શેઠને અવગત કર્યા. બાળકો તો કેસેટો લઈને તૈયાર જ બેઠા હતા. એ જ દિવસે મેં એમને બે ફિલ્મો બતાવી. ઘરના બધા લોકો મારું કામ જોઈને પ્રસન્ન થઈ ઊઠ્યાં.

એ પછી કેટલાય વર્ષો સુધી મારી પ્રતિષ્ઠાની ચર્ચાઓ વધતી જ રહી. રોજ રાતના જમી પરવારીને પરિવારના સભ્યો મારી સામે ગોઠવાઈ જતા. વેકેશનમાં તો આખી રાત મારે જાગવું પડતું. તેઓ એક પછી એક કેસેટો મૂક્યા જ કરે, પરંતુ હું મારું કામ કરવામાં કંઈ પાછી પાની ન કરું ! તહેવારો તથા જયાપાર્વતી વ્રતના દિવસોમાં મારો ભરપૂર ઉપયોગ થતો. માત્ર શેઠ જ નહીં, ઘરના તમામ સભ્યો મારી ખૂબ કાળજી રાખતાં. રોજ સવારે શેઠાણી મને બરાબર સાફ કરે. બાળકોએ જો મારી કોઈ વસ્તુ આમતેમ મૂકી હોય તો તેઓને ધમકાવે. મહેમાનો આવે ત્યારે મારી ઓળખાણ તો ખાસ કરાવે. મારું ભવ્ય રૂપ જોઈને કેટલાય સગાવહાલાના પેટમાં તેલ રેડાઈ જાય ! પણ એ તો શું થાય ? બધાને કંઈ મારી કીંમત થોડી પરવડે ? મારા ઠાઠની તમને શી વાત કરું ? લગ્નના દિવસોમાં મારા દર્શન દુર્લભ થઈ જતા. લોકો પોતાના સ્નેહીઓને બોલાવીને કલાકો સુધી કેસેટો જોયા કરતાં. મને આ બધાનો ખૂબ આનંદ આવતો.

કદાચ તમને થશે કે આટલા બધા માનપાન પણ તમારે તો એક કબાટમાં જ પુરાઈને રહેવાનું ને ? પણ ના. વાસ્તવિકતા એવી નહોતી. તમારી જેમ મારે પણ નાના-મોટા પ્રવાસે જવાનું ક્યારેક થતું. શેઠના મિત્રો અથવા સગા-સ્નેહીઓ એક-બે દિવસ માટે મને તેમના ઘરે લઈ જતાં. મેં ઘણા સ્કૂટરો અને ગાડીઓનો પ્રવાસ કર્યો છે. પરંતુ એ તો હકીકત છે કે જે હૂંફ મને મારા ઘરે મળતી એટલી તેઓને ત્યાં ન હતી. ગમે તે બટનો દબાવીને તેઓના બાળકો મને દુ:ખ પહોંચાડતા. ઘસાઈ ગયેલી કેસેટો લગાડવામાં આવે ત્યારે મને તીવ્ર વેદના થતી. પણ હું કોને કહું ? કેટલાક તો વળી મારા પર સ્કેચપેનથી લીટા કરવાની કોશિશ કરતા. કોઈક ગુસ્સામાં આવીને મને ઠોકતા. એક વાર તો મારા મુખ્ય કાચ પર મોટી તડ પડી ગઈ. બસ, એ પછી મારા શેઠે મને ક્યાંય ન મોકલવાનું નક્કી કર્યું. મને રાહત થઈ.

વર્ષો વીતી ગયાં. શેઠના બાળકો મોટા થઈ ગયા હતા. હવે તેઓને મારી માટે પહેલાની જેમ સમય નહોતો. એમના અભ્યાસમાં તેઓ વ્યસત રહેતાં. તેમ છતાં ક્યારેક શનિ-રવિ તેઓ મને સંભારતા. પરંતુ, તેઓ જે પ્રકારની ફિલ્મો જોવા માટે મારો ઉપયોગ કરતાં તેની વાત હું તમને ન કરું એ જ સારું છે. ઘરમાં મારું સ્થાન હવે પહેલા જેવું નહોતું રહ્યું. પહેલાંની જેમ મહેમાનો પાસે મારાં ગુણગાન ગવાતા નહોતા. જો કે કોઈ મને તિરસ્કારતું નહોતું પરંતુ કોઈ મને પ્રેમ પણ કરતું નહોતું. શેઠ ક્યારેક એકલાં હોય ત્યારે કોઈક જૂની કેસેટ કાઢીને જોઈ લેતાં પરંતુ શેઠાણી એમની સખીઓ સાથે હોય ત્યારે ટેલીવિઝનમાંથી મારો વાયર કાઢીને કોઈ બીજા પ્રકારનો વાયર લગાડતા. કહેવાય છે કે એમાં વગર કેસેટ લગાડે અનેક ફિલ્મો દેખાતી ! ખબર નહીં એ શું હશે પરંતુ એના આવ્યા પછી કોઈ મારો ભાવ પૂછવા તૈયાર નહોતું.

સમય વીતતાં એક દિવસ મને અસાધ્ય રોગ લાગુ પડ્યો. ઘસારાના પરિણામે મારા હૃદય તરીકે ઓળખાતા ‘હેડ’ માં ક્ષતિ ઊભી થઈ અને તે અંગનું પ્રત્યારોપણ કરવું જરૂરી બન્યું. તેનો ખર્ચ જો કે ઘણો વધારે હતો પણ મને વિશ્વાસ હતો કે શેઠ મને બચાવી લેશે. પરંતુ હવે નિવૃત્ત શેઠના હાથમાં ક્યાં કશું રહ્યું હતું ? એમના સંતાનો અને નવી આવેલી વહુઓ જે નિર્ણય કરે એ પ્રમાણે બધું થતું. મારે લાચારીથી જોઈ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મારી અકથ્ય વેદના મારે કોને કહેવી ?

એક દિવસ શેઠના એક સંતાને આવીને મારા તમામ વાયરો છૂટા કરી નાખ્યાં. પહેલાં તો મને આનંદ થયો કે હવે મારો ઉપચાર જલદીથી થશે પરંતુ તેણે તો મને બહાર કાઢીને સાવ જમીન પર મૂકી દીધું. એક નવા લાવેલા ખોખામાંથી કંઈક મારા જેવા કદ-આકારનું ઉપકરણ તેણે મારી જગ્યાએ ગોઠવી દીધું. એના પર ‘ડી.વી.ડી પ્લેયર’ લખેલું હતું. ન તો કોઈએ તેની પૂજા કરી કે ન તો તેને કોઈ જોવા આવ્યું. મારા જેટલી સુવિધાઓ કે વૈભવ તેમાં જણાતા નહોતાં પરંતુ ‘ઊતર્યો અમલદાર કોડીનો’ એ ન્યાયે હવે કોઈ મારી સામે જોવા તૈયાર નહોતું. મારો તમામ ગર્વ ઓગળીને શૂન્ય થઈ ગયો. બધો અહંકાર ચૂર ચૂર થઈ ગયો પરંતુ સાથે ગુસ્સો પણ એટલો જ આવ્યો કે માણસ સાવ આવો સ્વાર્થી ?

બીજે દિવસે તો નાના શેઠાણીએ ઉપરના માળે લઈ જઈને મને સ્ટોરરૂમમાં મૂકી દીધું. ક્યાં એ કારખાનાની સુંદર જગ્યા, શૉ-રૂમનો વૈભવી ઠાઠ, મખમલની ગાદીના કબાટ અને ક્યાં ગંદકીથી ભરેલું આ નર્કાગાર ! શું મારી હાલત થઈ છે ! ચારેબાજુ કરોળિયાએ જાળાંઓ કર્યાં છે. ધૂળની એલર્જી હોવા છતાં અહીં મને ધૂળના ઢગલા વચ્ચે નાખી રાખ્યું છે. જીવનમાં કદી આવા દિવસો જોવાનો વારો આવશે એવો તો ખ્યાલ સુદ્ધાં ન હતો. કદાચ મને મારા અભિમાનની સજા મળી રહી છે. આમને આમ હજી કેટલા દિવસો કાઢવા પડશે એ નક્કી નથી. કોઈક ભંગારવાળો આવીને મને અહીંથી છોડાવે તો સારું એમ મનમાં થયા કરે છે.

હે મારા આધુનિક યુગના પ્લેયર મિત્રો, હું મારા અનુભવથી તમને બે શબ્દો કહેવા ઈચ્છું છું કે કદી તમારા રૂપનું અભિમાન કરશો નહીં. આ માણસ જાત વખત આવ્યે પોતાના માતાપિતાને પણ ‘આઉટ ડેટેડ’ ગણીને ઘરની બહાર મૂકતાં અચકાતી નથી તો પછી આપણું તો શું ગજું ? અમારો જમાનો કંઈક સારો હતો કે કોઈક અમારી પૂજા કરતું, પોતાના ઘરનું માનીને સ્વચ્છ રાખતું પરંતુ હવે કોઈની પાસે એવો સમય નથી. તમારી એક ભૂલે તેઓ તમને દરવાજો દેખાડવામાં વાર નહીં લગાડે. આથી અભિમાન કે અપેક્ષા રાખ્યા વિના તમને સોંપેલું કામ તમે ખંતથી કરજો. બાકી તો જીવનની અંતિમ ક્ષણોમાં એટલું જ કહેવા માગું છું કે ‘મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા…..’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સત્યનો માર્ગ – મોહનદાસ ગાંધી
મોડા ઊઠવા વિશે – રતિલાલ બોરીસાગર Next »   

12 પ્રતિભાવો : એક વી.સી.આરની આત્મકથા – મૃગેશ શાહ

 1. nayan panchal says:

  મૃગેશભાઈ,

  ૧. સ્કૂલના દિવસોની યાદ તાજી કરાવી દીધી.
  ૨. તમે તો મને પણ વી.સી.આર. બનાવી દીધો.
  ૩. સમયની ચક્ર સતત ફર્યા જ કરે છે. કદાચ, આ જ વી.સી.આર રિસાઈકલ થઈને ફરી જન્મ લેશે.

  ખૂબ જ સરસ લેખ.

  નયન

 2. …અને એક દિવસ સવારે ભયાનક ભૂકંપ આવ્યો અને હું બીજી વસ્તુઓ સાથે માળિયા પરથી નીચે પડ્યો અને મારા ઉપર કાટમાળનો ઢગલો થઇ ગયો અને જીવતે જીવત મારી કબર ખોદાઈ ગઇ…

 3. …બે દિવસ સુધી આમને આમ પડ્યા રહ્યા પછી છેક ત્રીજે દિવસે માણસનો અવાજ કાને પડ્યો અને અહો, આશ્ચર્ય! તે જાપાની ભાષામાં હતો! મને ગર્વ હતો કે તે અવાજ અમારા દેશ જાપાનથી આવેલા રેસ્ક્યુ ડિપાર્ટ્મેન્ટના માણસોનો હતો! જેઓ મારા માલિક જે મારી સાથે કાટમાળમાં દબાયેલા પડ્યા હતા તેમને બચાવવા આવ્યા હતા.

 4. sujata says:

  wild imagination……!

 5. dipika says:

  hmmmmmm, bhautika pachad dot mukanar manavi ni jaruriyato samay ni sathe badlati jati hoy chhe. Ane juna mulyo pan ene kaat khai gayela lagta hoy chhe. Very good article…

 6. ટીકાકાર says:

  મોહતાજ કશાનો નહતો કોણ માનશે,
  મારો પણ એક જમાનો હતો કોણ માનશે…

 7. manvant says:

  નીરસ વસ્તુને સરસ બનાવી !
  અઁત દયાજનક !…આભાર !

 8. pragnaju says:

  ગંમત સાથે જ્ઞાનની આ પધ્ધતી ગમી સાથે આવું-“મારો તમામ ગર્વ ઓગળીને શૂન્ય થઈ ગયો. બધો અહંકાર ચૂર ચૂર થઈ ગયો ” જેવું તત્વ જ્ઞાન! આ જ શૈલીમા સમજવામાં કઠણ હોય તેવા રોજીંદા સાધનો વિષે પણ લખશો?

 9. Rajan says:

  શેઠના બાળકો મોટા થઈ ગયા હતા. હવે તેઓને મારી માટે પહેલાની જેમ સમય નહોતો. એમના અભ્યાસમાં તેઓ વ્યસત રહેતાં. ક્યારેક શનિ-રવિ તેઓ મને સંભારતા. પરંતુ, તેઓ જે પ્રકારની ફિલ્મો જોવા માટે મારો ઉપયોગ કરતાં તેની વાત હું તમને ન કરું એ જ સારું છે.
  hahahaha….

 10. Hetal says:

  very interesting!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.