મોડા ઊઠવા વિશે – રતિલાલ બોરીસાગર

શિયાળાના રવિવારની એક સવારે પોણા આઠ વાગ્યે હું બ્રશ કરતો હતો ત્યાં જેમણે ગઈકાલથી આવવાની ધમકી આપી રાખી હતી તેવા એક સ્વજન પધાર્યા. પોણા આઠ વાગ્યે મને બ્રશ કરતો જોઈ એમને તીવ્ર આઘાત લાગ્યો હોય એમ એમણે પૂછ્યું :
‘અરે ! તમે હજુ હમણાં ઊઠ્યા ?’
‘હા, તમે આવવાના હતા એટલે આજે એક કલાક વહેલો ઊઠ્યો.’ મેં કહ્યું.
‘એટલે ? હું આવવાનો ન હોત તો તમે સાડા આઠ વાગ્યા સુધી સૂઈ રહેત ?’ મારા પ્રત્યુત્તરથી એમનો આઘાત તીવ્રતર બન્યો હતો એ હું જોઈ શક્યો.
‘હા, સાડાઆઠ વાગ્યા પછી તો સૂવું હોય તોય કોણ સૂવા દે ?’

ઘડીભર તો એ દિગ્મૂઢ બનીને મારી સામે જોઈ જ રહ્યા. મારા જેવા પામર અને ક્ષુદ્ર મનુષ્યને વહેલા ઊઠવાનો મહિમા સમજાવવો એ પોતાનો ધર્મ છે એમ એમને લાગ્યું એટલે એમણે કહ્યું : ‘માણસ આઠ કલાકની ઊંઘ લ્યે તોય એની મહામૂલી જિંદગીનો ત્રીજો ભાગ કેવળ ઊંઘવામાં જ વેડફાઈ જાય છે એ તમે જાણો છો ?’
‘એ તો મુરબ્બી ! જોવા-જોવાના દષ્ટિકોણનો સવાલ છે. એમ પણ કહી શકાય કે જિંદગીનો આ ત્રીજો ભાગ જ સાર્થક છે, ને ખરું પૂછો તો મહામૂલો જિંદગીનો 2/3 ભાગ જાગવામાં વેડફાઈ જાય છે.’ મારા જેવા અજ્ઞાનીને વહેલા ઊઠવાનો મહિમા સમજાવવાનું એમને ખૂબ જરૂરી લાગતું હતું, પણ એમ કરવા જશે તો પોતે જે કામે આવ્યા છે તે રહી જશે એવી તેમને બીક લાગી, એટલે પહેલાં તો એમણે એમના પુત્રરત્ન માટે સારી નોકરી શોધી આપવાની ભારપૂર્વક ભલામણ કરી ને પછી બાકીનો સમય મને વહેલા ઊઠવાનો મહિમા સમજાવવામાં વ્યતીત કર્યો. હું ઈચ્છું તો મને દરરોજ બ્રાહ્મમુહૂર્તે જગાડવાની જવાબદારી લેવાનીય તત્પરતા એમણે બતાવી. એમની બંને વાત પર યોગ્ય ધ્યાન આપવાનું વચન આપી મહામહેનતે મેં એમને વિદાય કર્યા.

અમારા આ વડીલની જેમ વહેલા ઊઠવાનો પક્ષ કરનારા ઘણા હોય છે. જોકે આ પક્ષ કરનારાઓ બધા જ વહેલા ઊઠતા હોય છે એવું નથી, પણ ‘વહેલા ઊઠવું જોઈએ’ એમ તેઓ માનતા હોય છે અને વહેલા ઊઠવાનો મહિમા ગાતા હોય છે. જે લોકો વહેલા ઊઠતા હોય છે એમના પ્રત્યે આવા લોકો અહોભાવથી જોતા હોય છે. અમારા એક કવિમિત્ર છે. એ વહેલા – ચાર વાગ્યે ઊઠે છે; એટલું જ નહીં, એટલા વહેલા દોડવા પણ જાય છે. આવી રીતે દોડતા જતાં એમને એક વાર કૂતરું કરડી ગયેલું. (માણસ કવિતા સાંભળીને સમસમીને બેસી રહે છે, પણ કૂતરાં એટલાં સહિષ્ણુ નથી હોતાં.) આ પછી એમણે દોડવાનો રસ્તો બદલ્યો પણ ટેવ ન બદલી. વહેલું ઊઠવું જોઈએ એમ માનનારા – પણ ઊઠી ન શકનારા અમારા એક બીજા મિત્રે એમની વાત કરતાં કહ્યું : ‘તમે જાણો છો – આપણા કવિરાજ દરરોજ ચાર વાગ્યે ઊઠે છે !’ એમના મુખ પર અહોભાવ ઊભરાતો હતો. ‘બિચારા !’ મેં ખેદ પ્રગટ કરતાં કહ્યું. ‘સૂવાના કીમતી સમયે એ જાગે છે. પોતાની ઊંઘ બગાડીને એ કવિતા લખે છે ને પછી કવિતા સંભળાવી બીજાનીય ઊંઘ બગાડે છે.’
‘પણ ચાર વાગ્યે ઊઠવું એ જેવી-તેવી વાત છે ?’
‘જેવી-તેવી વાત નહીં હોય કદાચ, પણ મને એમની પ્રત્યે તમારી જેમ અહોભાવ થતો નથી. ઊલટું મને તેમની દયા આવે છે. એ ચાર વાગ્યે ઊઠવાને બદલે સાત વાગ્યે ઊઠતા હોત તો એટલો સમય એમના ચિત્તમાં ને ઘરમાં કેટલી શાંતિ હોત ! ને ગુજરાતી કવિતાને લાભ થાય એ જુદો !’ મારા મિત્રને મારી વાત સમજાઈ નહીં. મોટા ભાગનાને સમજાતી નથી. સત્ય સમજવું ને સમજાવવું ખરે જ દુષ્કર હોય છે. એટલે જ સમજ્યે-વણસમજ્યે સૌ વહેલા ઊઠવાનો મહિમા ગાયા કરે છે. કેટલાક તો વળી શાસ્ત્રનો આધાર ટાંકીને એમ કહે છે કે ‘શાસ્ત્રમાં વહેલા ઊઠવાની આજ્ઞા છે.’ ક્યા શાસ્ત્રમાં આવી આજ્ઞા છે એની જોકે એમને ખબર હોતી નથી ને આવો સવાલ કોઈ એમને પૂછતુંય નથી. આવી આજ્ઞા કોઈ શાસ્ત્રમાં હોય એમ હું માનતો નથી ને કદાચ હોય તોપણ એ જમાના માટે કહેવાયેલું હોય તેને આ જમાનાને લાગુ પાડવું એ તો નર્યું અજ્ઞાન છે.

એમ તો પરંપરાથી જેમ બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાનો મહિમા ગવાતો આવ્યો છે તેમ વામકુક્ષિનો મહિમા પણ એટલો જ ગવાયો છે. એ જમાનામાં જેમ સૌ વહેલા ઊઠતા તેમ બપોરે જમીને સૌ સૂઈ જતા. ‘ખાઈને સૂઈ જવું ને મારીને ભાગી જવું.’ એવી કહેવત પણ આ વાતનું સમર્થન કરે છે. મારીને ભાગી જવાનું તો જોકે હજુય શક્ય છે ને આપણે લગભગ એમ જ કરતા હોઈએ છીએ, આપણે નહીં તો આપણને મારનાર એમ કરે છે; પણ જમીને સૂઈ જવાની બાબતમાં તો ‘ते हि नो दिवसा गता: ।’ એમ જ કહેવું પડે તેમ છે. સાંદીપનિ ઋષિને કે કણ્વઋષિને જમીને બસ પકડવાના યક્ષપ્રશ્નો નડતા નહોતા એટલે એ બધા જમીને વામકુક્ષિ કરી શકતા. આજે આપણે તો સામે ઘડિયાળ રાખીને જમવા બેસવું પડે છે, ઑફિસનો સમય થઈ ગયો હોત તો જમવાનું અર્ધેથી છોડીનેય ઊઠી જવું પડે છે ને જમીને તરત ભાગવું પડે છે. મારા એક મિત્ર તો બિચારા બૂટની દોરી પણ બસસ્ટૅન્ડે કે બસમાં જ બાંધે છે. આ સ્થિતિમાં વામકુક્ષિની તો વાત જ ક્યાં રહી ? એ જ રીતે સાંજે બસમાં અથડાતા-કૂટાતા આઠ વાગ્યે ઘેર આવીને જમીને છાપાં વાંચીએ ને બાબા-બેબીને એના સાહેબે આપેલા નવા ગણિતના દાખલા મેળવી આપીએ ત્યાં દસ-અગિયાર તો વાગી જાય, જ્યારે એ જમાનાના માણસે દિવસો વામકુક્ષિ કરતા ને રાત્રે વહેલા સૂઈ જતા. સાંદીપનિ ઋષિનાં પત્નીએ પતિના હાથમાંથી ધર્મગ્રંથ ખૂંચવી લઈને કહ્યું હોય કે ‘હવે સૂઈ જાઓ, બત્તીનું બિલ વધારે આવે છે.’ – એવું વાક્ય ક્યાંય નોંધાયું નથી. આપણે રાત્રે મોડા સૂઈ શકતા હોઈએ ને વામકુક્ષિ કેવળ રવિવારે (ને તે પણ કોઈ નિદ્રાશત્રુ સ્વજન ન આવી ચડે તો) જ કરી શકતા હોઈએ ત્યારે વહેલા ઊઠવાની વાત જ કેવી બેહૂદી છે ! આપણે રાતની ત્રણેક કલાકની ઊંઘ ને બપોરની કલાકેકની ઊંઘના બદલામાં આઠ વાગ્યે ઊઠીએ તો એમાં કશું ખોટું કરતા નથી. એમ કરવામાં આપણે આપણા પૂર્વજો કરતાં જરાય વધુ ઊંઘતા નથી એ સાદા હિસાબની વાત છે ! પણ આટલી સાદીસીધી વાત પણ સમજવાની તૈયારી કેટલાની ?

‘માણસ જ્યારે નિદ્રાધીન હોય છે ત્યારે એ ઈશ્વરની વધુ સમીપ હોય છે.’ એવું સંતપુરુષે કહ્યું છે. ક્યા સંતપુરુષે કહ્યું છે એની જોકે મને ખબર નથી, પણ આ કહેનાર પ્રત્યે મારું મસ્તક ભક્તિભાવથી નમી પડે છે. જીવનનું કેટલું મોટું તત્વજ્ઞાન આમાં સમાયેલું છે ! આપણે સૂતા હોઈએ ત્યારે આપણું સમગ્ર અસ્તિત્વ ઈશ્વરને સમર્પીને કેવા નિશ્ચિંત થઈને સૂઈએ છીએ ! માણસ સૂએ છે એ બતાવે છે કે માનવજાતે હજુ ઈશ્વરમાંથી પોતાની શ્રદ્ધા ખોઈ નથી. હવે તમે વહેલા ઊઠી જાઓ તો એનો અર્થ એ થયો કે એટલો તમને ઈશ્વરમાં ઓછો વિશ્વાસ છે. માણસ સૂએ ત્યારે એ અહમમાંથી મુક્ત બને છે. ‘મારું રક્ષણ હું કરું છું.’ એવા ક્ષુદ્ર અહમમાંથી મુક્ત થઈ ‘મારું રક્ષણ જગતનિયંતા કરે છે.’ એવી શ્રદ્ધા તે સેવે છે. તમે વહેલા ઊઠી જાઓ એટલે તરત પેલો ક્ષુદ્ર અહમ તમારા પર સવાર થઈ જવાનો. એટલે વસ્તુત: તો વહેલા ઊઠનારાઓ કરતાં ઈશ્વરને ચરણે પોતાની જાતને હવાલે કરી દઈ નિશ્ચિંત બનીને મોડા સુધી સૂઈ રહેનારાઓની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધુ બુલંદ હોય છે ! અને છતાં આવા પરમ શ્રદ્ધાળુ આત્માઓની કદર કરવાને બદલે જગત એમને આળસુ કહીને નિંદે છે. કવિએ ખરે જ સાચું કહ્યું છે :
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

જોકે મોડા ઊઠવાના પરમ પંથના પ્રવાસીઓ જગત સ્તુતિ કરે કે નિંદા કરે તેની પરવા કરતા નથી. પામર જગત ગમે તેટલાં વિધ્નો નાખે તોય ઈશ્વરનું સામીપ્ય છોડતા નથી. માણસજાતનું સુખ કોઈ અદેખાથી જોયું ગયું નહીં હોય તે એણે એલાર્મ ઘડિયાળ બનાવ્યું. પણ આવા મહાપુરુષોની સમાધિ એલાર્મ ઘડિયાળને કારણે તૂટતી નથી. અમારા એક પરિચિત મુરબ્બી આવા અનન્ય નિંદ્રાપ્રેમી છે. એમનાં પત્ની શરૂશરૂમાં એમને જગાડવા એલાર્મ મૂકતાં પણ એલાર્મની ઘંટડીના સાદે એમના પાડોશીઓ જાગી જતા, પરંતુ એમણે પોતે કદી આ સગવડનો લાભ લેવાનો મોહ રાખ્યો નહોતો. એમનાં ત્રણ પુત્રો, બે પુત્રીઓ અને એક પત્ની સવારમાં સાડા છ વાગ્યાથી એમને જગાડવાના પુરુષાર્થમાં રોકાઈ જાય છે, ત્યારે છેક નવ વાગ્યે એમનું નિંદ્રાગ્રહણ છૂટે છે. આવા એક વિરલ દશ્યનો હું સાક્ષી છું.
‘બાપુજી…..’ તેમનો પુત્ર કે પુત્રી તેમને ઢંઢોળે.
‘……….’
‘બાપુજી……’ ઢંઢોળવાની ક્રિયાનું પુનરાવર્તન થાય.
‘………’
‘બાપુજી…..એ….બાપુજી !’ કપાળેથી પરસેવો લૂછી પુત્રપુત્રી ફરી પિતૃભક્તિમાં પ્રવૃત્ત થાય. થોડી વાર પછી બીજો પુત્ર કે બીજી પુત્રી પોતાનું કૌશલ્ય અજમાવે. બીજી ટ્રાયલે પિતાજી સહેજ હલે. મૃત્યુ પામેલું સ્વજન સજીવન થાય ને જેટલો આનંદ થાય તેટલો આનંદ પુત્ર-પુત્રી અનુભવે.
‘બાપુજી….ઓ બાપુજી !’ હવે તો સફળતા હાથવેંતમાં છે એવી પ્રતીતિ એમને થઈ જાય… સહેજ હલવાની ભૂલ સુધારી લઈ પિતાજી ફરી સમાધિમાં લીન થઈ જાય.
‘બાપુજી…..બાપુજી, ઊઠો ! ચા થઈ ગઈ !’ ચાનું પવિત્ર સ્મરણ પિતાને જાગવા પ્રેરશે એવા ખ્યાલે પુત્ર-પુત્રી ચાનું પ્રલોભન આપે, પણ ભલભલાનું તપોભંગ કરનાર ચા આ અમારા સ્વજનને ચળાવી શકે નહિ. હતાશ થઈને તે સંતાનો દાતણ કરવા જાય અને અન્ય કોઈ થોડી વાર પછી તેનો ચાર્જ લે.
‘બાપુજી ! ઊઠો, ગુજરાતીમાં સમાચાર પૂરા થયા : હમણાં હિંદીમાં સમાચાર આવશે.’
‘………’
‘બાપુજી, આજે તમારે ઑફિસે વહેલા જવાનું છે.’
‘હં….’ પિતાના મુખમાંથી અસ્પષ્ટ ધ્વનિ સરી પડે. પિતા જન્મથી જ મૂંગા હોય ને આજે જ એમને વાણીનું વરદાન મળ્યું હોય એટલો હરખ એમનાં કુટુંબીજનોને થાય. ‘હવે તો બાપુજી ઊઠશે જ.’ એવા સંતાનોના ભ્રમનું નિરસન કરીને પિતાજી ફરી નિદ્રાવશ થાય. આખરે કુટુંબના તમામ સભ્યોના ભગીરથ પ્રયાસ પછી ‘તમે તો કદી મને નિરાંતે સૂવા દેશો જ નહીં’ એવો ઉપાલંભ આપીને નવ વાગ્યે એ ઊઠે છે. આ મુરબ્બીના વિરલ નિંદ્રાપ્રેમને કારણે જ મને એમના તરફ અનહદ ભક્તિભાવ છે.

વહેલા ઊઠવાથી શરીરની સ્ફૂર્તિ ને ચિત્તની પ્રસન્નતા વધે છે એવી એક માન્યતા છે. વહેલા ઊઠીને દુ:ખી થનારા માણસોએ, મોડે સુધી નિરાંતે સૂઈ રહેનારાઓનું સુખ જોઈ ન શકવાથી, આ ભ્રમ ફેલાવ્યો હશે એમ મને લાગે છે. કેટલાક ભોળા માણસો આવી વાતો સાચી માની લે છે ને પોતે વહેલા ઊઠી શકતા ન હોવાને કારણે શરીરની સ્ફૂર્તિ ને ચિત્તની પ્રસન્ના ગુમાવે છે એવી ગ્રંથિથી પીડાય છે પણ ખરેખર તો વહેલા ઊઠવાથી માણસ શરીરની સ્ફૂર્તિ ને ચિત્તની પ્રસન્નતા ખોઈ બેસે છે તે બહુ ઓછા માણસો જાણે છે ! અમારા એક મિત્ર એક દિવસ ઑફિસે આવ્યા ત્યારે જાણે શાક-મારકીટની ધક્કામુક્કીમાં કુટાઈને આવ્યા હોય એવા ઢીલા દેખાતા હતા. એમના ચહેરા પર વ્યગ્રતાનાં ચિહ્નો સ્પષ્ટ દેખાતાં હતાં. લગભગ દર ત્રણ મિનિટે એક બગાસું ખાતા હતા. અર્જુનના હાથમાંથી ગાંડિવ સરી જતું હતું એમ એમના હાથમાંથી વારેવારે પેન સરી જતી હતી. ઘડીઘડી એમનાથી ઘડિયાળ સામું જોવાઈ જતું હતું. મારા આ મિત્ર કામમાં બહુ સિન્સિયર છે એટલે એમનો આજનો આ વિષાદયોગ હું સમજી શક્યો નહીં. મેં એમને પૂછ્યું : ‘કેમ, આજે કંઈ તબિયત ઠીક નથી ?’
‘ના….’ એક દીર્ઘ-સુદીર્ધ બગાસું ખાઈને એમણે કહ્યું, ‘મારે ઘેર આવેલા એક મહેમાનને આજે સવારે પાંચ વાગ્યાની બસમાં જવાનું હતું. રાત્રે વાતચીતમાં બાર વાગ્યે સૂવા પામ્યો ને સવારે પોણા ચાર વાગ્યે ઊઠવું પડ્યું. એમને બસસ્ટેન્ડે મૂકીને આવ્યો ત્યારે તો છ વાગી ગયા હતા એટલે પછી સૂવાનો કંઈ અર્થ હતો નહીં….’ આટલું કહેતાં તો વળી એમણે બગાસું ખાધું. વહેલા ઊઠવાથી ચિત્તની પ્રસન્નતા ને શરીરની સ્ફૂર્તિ વધે છે એવો ભ્રમ સેવનારાઓ આ દષ્ટાંતમાંથી કંઈક બોધ લેશે એવી આશા છે.

વહેલા ઊઠનારાનાં મન બહુ સ્વસ્થ હોય છે એવી પણ એક માન્યતા છે. પણ વસ્તુત: સ્થિતિ ઊલટી છે. ઊંઘ પોતે જ સ્વસ્થતાનો પુરાવો છે. ચિત્ત સ્વસ્થ ન હોય, કંઈ ચિંતા હોય તો સરખી ઊંઘ નથી આવતી એવો સામાન્ય અનુભવ છે. એટલે કોઈ માણસ સૂતો હોય તો એ ચિંતારહિત છે એવું સ્વયંસ્પષ્ટ છે. રામે ચડાઈ કરી ત્યારે રાવણની ઊંઘ હરામ થઈ ગઈ હતી પણ કુંભકર્ણ કેવો નિશ્ચિંતતાથી સૂતો હતો ! આવી રહેલા મોતની પણ તેને ચિંતા ન હતી. એને જગાડવાનું અનિવાર્ય બન્યું ત્યારે પણ એને જગાડતાં સૌને કેટલી બધી મુસીબત પડેલી ! કોઈ રીતે ન જાગતા કુંભકર્ણને જગાડવા છેવટે એની પત્નીની મદદ લેવી પડેલી. (પત્ની ગમે તેવા પતિની ઊંઘ ઉડાડી દેવા સમર્થ હોય છે.) જાગ્યા પછી પણ કુંભકર્ણનો પહેલો સવાલ તો ‘મને કાચી નિદ્રાએ શીદ જગાડ્યો ?’ એવો જ હતો. સોનાની આખી લંકા ને સમગ્ર રાક્ષસકુળના વિનાશનાં પગલાં સંભળાતાં હોય તેવે વખતેય ઘસઘસાટ ઊંઘનાર આ અદ્દભુત માનવીની સ્વસ્થતા કેટલી બધી હશે ? એટલે ખરી વાત તો એ છે કે વહેલા ઊઠનારાઓ કરતાં મોડા ઊઠનારાઓનાં મન વધુ સ્વસ્થ હોય છે.

કુંભકર્ણનું દષ્ટાંત તો એક બીજી વાત પણ પુરવાર કરે છે કે જે માણસ વધુ વખત સૂઈ રહે તે નિરુપદ્રવી હોય છે. રાવણ અને બીજા રાક્ષસો ઋષિઓના યજ્ઞોમાં વિઘ્નો નાખતા એવાં વર્ણનો વાંચવા મળે છે, પણ કુંભકર્ણે કોઈ ઋષિને દુભવ્યા હોય એવી વાત ક્યાંય આવે છે ખરી ? રાક્ષસકોટિની વ્યક્તિ પણ સૂઈ રહેવાને કારણે નિરુપદ્રવી રહી શકી હોય તો સામાન્ય માણસો જો મોડે સુધી સૂઈ રહેવાનું રાખે તો એમની સજ્જનતાનો કેટલો બધો વિકાસ થાય ! તમે વહેલા જાગો તો નવરા પડવાનો વખત મળે, કોઈની નિંદા-કૂથલી કરવાનું સૂઝે, પણ મોડા ઊઠનારને તો આવો વખત જ રહેતો નથી; મોડા ઊઠવાને કારણે કામધંધે જવા માટે એમને એટલી ઝડપથી તૈયાર થવું પડતું હોય છે કે કોઈની સાથે વાત કરવાનોય વખત મળતો નથી; ખરેખર જો મોડા ઊઠનારાઓની સર્વે કરવામાં આવે તો એમાંથી મોટા ભાગના – કદાચ બધાય સજ્જનો હોવાના એવો મને પૂરો વિશ્વાસ છે.

‘તમારો આ લેખ વાંચીને બધા મોડા ઊઠવાનું શરૂ કરી દેશે.’ એવું મારા એક મિત્રે આ લેખની હસ્તપ્રત વાંચીને કહેલું. પણ મને લાગે છે કે જગત એમ જલદી સુધરી જતું નથી. સાચો માર્ગ સમજવો અને સમજાવવો મુશ્કેલ હોય છે ને એ માર્ગે ચાલવાનું તો એથી પણ વધુ મુશ્કેલ હોય છે. છતાં મારો આ લેખ વાંચી કોઈ એકાદ વ્યક્તિ પણ મોડા ઊઠવાને માર્ગે વળશે તો મારો શ્રમ હું સાર્થક ગણીશ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક વી.સી.આરની આત્મકથા – મૃગેશ શાહ
સુખી ઘડપણ – મથુરદાસ શાહ Next »   

17 પ્રતિભાવો : મોડા ઊઠવા વિશે – રતિલાલ બોરીસાગર

 1. Darshan says:

  મૃગેશભાઈ,
  I am not agree with this so called સુવિચાર on the homepage:

  કોઈ પ્રમાણિક પુરુષ કદી પણ પૈસાદાર થઈ શકે નહીં. કારણ કે સંપત્તિનો પાયો અપ્રમાણિકતા અને રક્ત શોષણ ઉપર રચાયેલો છે.

  This is a biased thought. And one type of insult of all new Indian young entrepreneurs.

  Please re-think on it. (as I assume you have thought once on it).

  Thanks,
  Darshan

 2. mr chakachak says:

  જોરદાર મજા પડી ગઈ……

  મોડા ઉઠવાથી આપણા ઘરના બાથરુમ તરફનો માર્ગ એકદમ સુગમ અને સરળ બની જાય છે. અને હા કાશમીર, ગોવા, સ્વીટ્ઝરલેન્ડ ફરવાના ચાન્સીસ પણ વધી જાય છે….;)

  રોજ તો મોડુ ઉઠ્વાનુ મારા માટે સઁભવ નથી પણ શનિવાર અને રવિવાર ની સવારે મોડા ઉઠ્વાનો આનઁદ ત્રીજા વિસ્વયુધ્ધ જીત્યા જેટલો હોય છે.

 3. nayan panchal says:

  મારા જેવા નિંદ્રાપ્રિય માણસ માટે સાંત્વનારુપ લેખ.

  આપણે તો ઝેન સાધુઓની જેમ સૂવાનુ એટલે માત્ર સૂવાનુ. માણસ જેટલુ સૂએ છે એટલો કર્મ કરવામાંથી અને તેના ફળ ભોગવવામાંથી બચી જાય છે.

  ભગવાન સૌને સદબુધ્ધિ આપે. સારૂ સૂઓ, મીઠાં સપના.

  નયન zzzzzzzzzzz…….

 4. ArpitaShyamal says:

  ha…ha..ha…what a funny article…

  આવી રીતે દોડતા જતાં એમને એક વાર કૂતરું કરડી ગયેલું. (માણસ કવિતા સાંભળીને સમસમીને બેસી રહે છે, પણ કૂતરાં એટલાં સહિષ્ણુ નથી હોતાં.) …:-)))

 5. Maharshi says:

  hahahhahahaha

  વહેલા ઊઠનારાનાં મન બહુ સ્વસ્થ હોય છે એવી પણ એક માન્યતા છે. પણ વસ્તુત: સ્થિતિ ઊલટી
  છે. ઊંઘ પોતે જ સ્વસ્થતાનો પુરાવો છે.

 6. dipika says:

  Arey Bhagwanji pan devpodhi ekadshi e sui jay chhe ane long time ni ungh manya pachhi, thak utarya pachi dev uthi ekadshi e uthi taaja maaja thai kame lagi jay chhe. Njoyed reading the article as I love early morning sleep.

 7. Bhavin says:

  વાહ ભાઈ વાહ જોરદાર મઝા પડી ગઇ….મારી મમ્મી ને હુ આ લેખ અવશ્ય વંચાવીશ…

 8. Tejal says:

  મજા અવિ ગઈ વચવાનિ ખરેખર્

 9. Ashish says:

  I had read this one in Guajrati TextBook, but it is nice to read again.
  It gives you different perspective on the matter.

 10. mukesh Thakkar says:

  very nice article. I wish my wife reads it and gets convinced from the arguments of benefits of waking up late.

 11. Maulik says:

  I am realy pleased to read this arti,
  I was firm belever of sleeping and now You made me more confident about this,
  thanks a ton..

 12. Jatan says:

  અદભુત્ ખુબ મજા આવી હસવાની, હુ પણ મોડા ઉઠવાનો હિમાયતી છુ, તમારો લેખ વાંચીને મારા શરીરમા ૧ શેર લોહી ચડ્યું છે

 13. shahi says:

  તમે સારા લેખક નથિ. બોરિન્ગ લેખ તમે ભગવાન મા અને આપનિ સસ્કુતિ મા માન્તા નથિ.

 14. MILAP DAVE says:

  i like it
  change in my habbits,
  thanks to mrugash shah.

 15. Japan says:

  મોડા ઉઠવા ના ફાયદા ખુબ
  Good One
  Very good Explanation

 16. Abhishek says:

  ર્ય ફુન્ન્ય્,
  ૃએઅલ્લ્ય એન્જોયબ્લે .થન્ક્સ તો પુત થિસ હેરે.
  અન્સ્દ એન્જોય લતે અન્દ હેઅલ્થ્ય સ્લેીપ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.