સુખી ઘડપણ – મથુરદાસ શાહ

માબાપ ઘરડાં થાય ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે સંયુક્ત કુટુંબ તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત વ્યક્તિ માટે એક અગત્યનું સાધન ગણાતું હતું. પરંતુ જેમ જેમ પશ્ચિમનું અનુકરણ કરતા ગયા, ઔદ્યોગીકરણ વધતું ગયું, ગામડાં તૂટતાં ગયાં તેમ તેમ સંયુક્ત કુટુંબ પાછળની ઉદાત્ત અને સુંદર ભાવના લુપ્ત થવા માંડી. શહેરોમાં સામાન્ય મધ્યમવર્ગ માટે રહેઠાણની વ્યવસ્થા તથા આવકની મર્યાદા જોતાં દીકરાને પોતાનાં વહુ-છોકરાં સાથે શહેરમાં રહેવાનું થયું અને માબાપને ગામડામાં રહેવાનું બન્યું. આમ થતાં સામાજિક ક્ષેત્રે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેનો ઉકેલ કેવી રીતે કરવો તે જુદી વિચારણા માગે છે. આ લેખમાં તો કુટુંબ સાથે ઘરડાં માબાપે રહેવું હોય તો કેવી રીતે રહેવું તે વિશે મારા વિચારો વ્યક્ત કરું છું.

આજે જ્ઞાન અને વિજ્ઞાનનો વ્યાપ પુષ્કળ પ્રમાણમાં વધતો જાય છે. બે દેશો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. દુનિયાના કોઈ પણ દેશમાં ફોન થઈ શકે છે તેમ જ ખૂબ જ ઝડપથી જઈ પણ શકાય છે. વિજ્ઞાનની શોધોને પરિણામે આગળની પેઢીનું જ્ઞાન અને ચાલુ પેઢીના જ્ઞાન વચ્ચે ઘણો મોટો તફાવત માલૂમ પડે છે. આજનાં યુવાન-યુવતીઓ પાસે જેટલું દુનિયા વિષેનું જ્ઞાન છે તેટલું આજનાં ઘરડાં માબાપને ન હતું. શાળા અને કૉલેજમાં ભણાવાતા વિષયોમાં પણ ઘણો મોટો ફેરફાર જોવા મળે છે. વિજ્ઞાન અને ગણિત જેવા સ્થાયી વિષયોમાં પણ નવા નવા નિયમો વાંચવા મળે છે. સમાજમાં પૈસાના સ્થાનની અગત્યતા વધી ગઈ છે. પૈસાથી બધું જ થઈ શકે છે એમ સમાજ માનતો થયો છે. ગમે તે રીતે પૈસા મેળવનાર માણસને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે. વસ્તીવધારો થતો જાય છે. શહેરીકરણ વધતું જાય છે. ઔદ્યોગીકરણને કારણે પ્રદૂષણ પણ વધતું જાય છે. શાળા અને કૉલેજોમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓને નોકરી કે ધંધા મેળવવામાં પારવાર મુશ્કેલીઓ અનુભવવી પડે છે, અને પરિણામે અર્ધબેકારી અને પૂર્ણબેકારીના પ્રશ્નો વધુ ને વધુ વિકટ અને જટિલ બનતા જાય છે. પરિણામે એક જ ઘરમાં માબાપ અને વહુ-દીકરો બાળકો સાથે આનંદથી રહે તેવાં કુટુંબોની સંખ્યા ઘટતી જાય છે. સહિષ્ણુતા, ત્યાગ, નિર્વ્યાજ પ્રેમ વગેરે સદગુણો, જેની તંદુરસ્ત સંયુક્ત કુટુંબની વ્યવસ્થા માટે જરૂરત છે, તેની માત્રા ક્રમે ક્રમે ઘટતી જાય છે.

ઉપરોક્ત કારણોસર બે પેઢી સાથે રહી શકતી નથી. જ્યાં બીજો વિકલ્પ ન હોય ત્યાં ફરજિયાત સાથે રહેવું પડે છે. સમાજની હજી થોડી બીક છે. તેથી મને-કમને પણ દીકરો-વહુ માબાપને પોતાની સાથે રાખે છે પરંતુ તેમાં દરરોજ કંકાસ, કલેશ, અજંપો વગેરે નજરે પડે છે. આવી પરિસ્થિતિમાં પણ જો ખરેખર સુખી ઘડપણ પોતાનાં છોકરા-છોકરીઓ સાથે રહીને વિતાવવું હોય તો તે શક્ય છે કે કેમ તેની મેં વિચારણા કરી અને પ્રયોગો કર્યા છે. મને તે સફળ જણાયા છે તેથી હું તે ટૂંકમાં જણાવીશ, જેથી આ વાંચીને ઘરડાં માબાપો પોતાની સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ફેરફારો કરીને અમલ કરવાનો પ્રયત્ન કરશે તો મને ખાતરી છે કે, જેમના જીવનમાં કલેશ-કંકાસ હશે તો જરૂર ઓછા થઈ જશે.

ખરેખર તો ઘરડાં માબાપે પાંચ વસ્તુઓ કરવાની જરૂર છે.
[1] પોતાનું શરીરસ્વાસ્થ્ય સારી રીતે જાળવી રાખવું જોઈએ, જેથી શક્ય હોય ત્યાં સુધી કુટુંબીજનો ઉપર શારીરિક રીતે પરવશ અને બોજારૂપ ન થવાય. આ માટે મિતાહારી, સાત્વિક તથા નિયમિત ખોરાક તથા શરીરની અનુકૂળતા પ્રમાણે અને તેમાંય ખાસ કરીને દરરોજ વહેલી સવારે ચાર-પાંચ માઈલ ખુલ્લી હવામાં ફરવાનું રાખવામાં આવે તો ફાયદાકારક ગણાય છે. શરીરનું સ્વાસ્થ્ય પ્રારબ્ધકર્મ અનુસાર નક્કી થયેલ છે છતાં પણ મનુષ્યે યત્ન કરવો જોઈએ અને તેથી આ પગલાનો અમલ કરવાનું સૂચન કરું છું.

[2] માનસિક શાંતિ પણ એટલી જ જરૂરી છે. આ માટે જીવન જીવવાનો દષ્ટિકોણ સાચો હોવો જરૂરી છે. ગીતા, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરેમાં ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત અને પાયાનાં મૂલ્યોનું જતન કરવામાં આવ્યું છે. આ મૂલ્યો આપણને જીવન પ્રત્યેનો સાચો દષ્ટિકોણ-અભિગમ સમજાવે છે. તેને લક્ષમાં લઈને જીવનનો હેતુ બરાબર સમજીને સાચું જીવન જીવવાની કળા હસ્તગત કરી લઈએ તો માનસિક અશાંતિ ઘણી બધી ઓછી થઈ શકે છે. ‘तुष्यन्ति च रमन्ति च’ એમ જે ગીતામાં કહ્યું છે તે ટૂંકામાં આ દષ્ટિકોણ સમજાવે છે. આથી આવાં પુસ્તકોનું વાચન, સંતપુરુષો સાથેનો સમાગમ અને તે પ્રમાણેનું રોજબરોજનું વર્તન બનાવતાં જઈશું તો માનસિક શાંતિ પૂરતા પ્રમાણમાં મળી રહેશે.

[3] ત્રીજી વાત આર્થિક પરવશતા ન થાય તે જોવાની છે. આ માટે દરેકે પોતાના ઘડપણ માટે અગાઉથી પૂરતી બચત કરવી જોઈએ. આપણા દેશમાં ઘડપણ આવે ત્યાર પછી તેને જોઈતી રકમ માટે પશ્ચિમના દેશોની જેમ પેન્શન, દવાદારૂ, ઓછા ભાડાવાળાં મકાન વગેરેની વ્યવસ્થા કરતાં ઘણાં વર્ષો જશે. તેથી દરેક માણસે ઘડપણમાં આર્થિક પરવશતા ન આવે તે માટેની વ્યવસ્થા કરવી જ જોઈએ. જેટલું કમાતા હોઈએ તેને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરવું જોઈએ અને નાનીમોટી રકમ પણ નિયમિત રીતે બચાવવી જ જોઈએ. આ જો થાય તો ઘડપણમાં આર્થિક પરવશતા ઓછી થઈ શકે.

[4] ચોથી વાત ઘડપણમાં કાંઈ ને કાંઈ કામ કરવું જોઈએ એ અંગેની છે. જો આર્થિક રીતે જરૂરી ન હોય તો સાચા વાનપ્રસ્થની જેમ સમાજને પોતાનો અનુભવ નિ:શુલ્ક આપવો જોઈએ અર્થાત યજ્ઞાર્થે કર્મ કરવું જોઈએ. યુવાનીમાં એટલે કે નિવૃત્ત થતા પહેલાં સમાજે વ્યક્તિને ઘણું આપ્યું છે તેથી નિવૃત્ત થયા પછી વ્યક્તિએ સમાજને આપવું જોઈએ. સમાજોપયોગી એવી ઘણી પ્રવૃત્તિઓ છે કે જેમાં નિવૃત્ત થયેલ માણસ જરૂર સમય આપી શકે. પોતાની શક્તિ અને અનુભવ પ્રમાણે સૌને માનદ સેવા કરવાની પૂરતી તકો છે તેમ માનું છું, આ માટે સ્વતંત્ર અને અલગ વ્યવસ્થાતંત્ર થાય તો વધારે અનુકૂળતા થઈ શકે. કોઈ પણ નિવૃત્ત માણસને કોઈ પણ પ્રકારનું કામ જોઈતું હોય તો તે માટે ગોઠવણ કરી આપવાનું તંત્ર જો ઊભું કરવામાં આવે તો સૌને જરૂરિયાત પ્રમાણે પ્રવૃત્તિ મળી રહે. તે ન થાય ત્યાં સુધી પણ નિવૃત્ત માણસે માનદ સેવા આપવી હોય તો તે માટેની તકો અત્યારે છે જ. માત્ર નિ:સ્વાર્થપણે સેવાભાવનાથી કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ. ખરેખર તો આવા માણસોની અત્યારે તંગી છે. સમાજને અનુભવી માણસોના અનુભવની પણ જરૂર છે. ઉપરાંત યજ્ઞાર્થે કર્મ કરવાથી આત્મકલ્યાણ પણ સાધી શકાય છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે આવું નિષ્કામકર્મ પણ ભવિષ્યમાં પ્રારબ્ધકર્મ બની શકે છે. આથી વાનપ્રસ્થકાળમાં ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો પ્રમાણે પોતાના અનુભવોનો લાભ સમાજને નિ:શુલ્ક મળે તે પ્રમાણે ગોઠવણ થાય તો વાનપ્રસ્થી પોતાના નિત્ય કર્મો ઉપરાંત સદવાચન અને સત્સંગ તેમ જ કુટુંબના સભ્યો સાથે કલ્લોલ કરતાં બાકીનો સમય બચે તે યજ્ઞાર્થે સમાજની સેવા કરવામાં કાઢી શકે. જો આમ થાય તો ઘડપણ સુખી થાય.

[5] છેવટે પાંચમી વાત સંયુક્ત કુટુંબમાં માબાપોએ કેવી રીતે રહેવું તે વિષે મારા અનુભવોને આધારે જણાવું છું. આમાં પણ પાંચ વસ્તુઓ કરવાની જરૂર છે :

(ક) ઘરમાં પોતાનું કામ પોતાની મેળે જ કરી લેવું. જ્યાં સુધી શારીરિક અશક્તિ ન હોય ત્યાં સુધી બીજા પર આધાર રાખવો – દીકરા વહુ કે પૌત્રી-પૌત્રી પર આધાર રાખવો તે પોતાના હિત માટે યોગ્ય નથી. પોતાની શારીરિક તંદુરસ્તી માટે પણ આવો શ્રમ જરૂરી છે.

(ખ) જે ફાજલ સમય હોય તેમાં શક્ય તેટલી રીતે દીકરા-વહુને ઘરકામમાં પણ પૂરેપૂરી મદદ કરવી જોઈએ. ઘરડા માણસો હવે ઉપયોગી નથી પણ બોજારૂપ છે તેવી છાપને ભૂંસી નાખવી જોઈએ. રસોઈકામમાં દાદીમા મદદરૂપ થઈ શકે અને દાદા ઘરના તેમ જ બહારના કામમાં બહુવિધ મદદરૂપ થઈ શકે.

(ગ) પૌત્ર-પૌત્રીઓને સારા સંસ્કારો મળે તે પણ જરૂરી છે. સંયુક્ત કુટુંબમાં આ એક સુંદર વ્યવસ્થા હતી કે જેમાં દાદા-દાદી બાળકોને સંસ્કારી વાર્તાઓ કહીને તેમનામાં સારા સંસ્કારો રેડતાં. આ પ્રથા હવે ઓછી થતી ગઈ છે. તેને ફરીવાર જીવંત કરવી જોઈએ. અત્યારે સસ્તું સાહિત્ય કે પુનિત ટ્રસ્ટ કે સદવિચાર પરિવાર જેવી સંસ્થાઓ મારફતે સંસ્કારી બાળસાહિત્ય અને બાળવાર્તાઓની પ્રાપ્તિ વધી રહી છે ત્યારે તેનો ઉપયોગ કરીને દાદા-દાદીએ પોતાનાં પૌત્ર અને પૌત્રીઓને આવી મજાની વાર્તાઓ કહીને સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ.

(ઘ) ચોથું ધ્યાન એ વાતનું રાખવાનું છે કે, મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે બે પેઢી વચ્ચે જ્ઞાન અને વિજ્ઞાનનું અંતર વધતું જાય છે તેથી રીતરિવાજ અને માન્યતામાં પણ ફેર દેખાય છે. આથી આ પરિસ્થિતિનું ભાન ઘરડાં માબાપે રાખવું જોઈએ. નાની નાની બાબતોમાં અને રીતરિવાજ અને માન્યતામાં આપણા કરતાં જુદા વિચારો આપણાં દીકરા-વહુ રાખતાં હોય તે સ્વાભાવિક છે. જ્યાં સુધી ખરાબ માર્ગે તેઓ જતાં ન હોય ત્યાં સુધી તેમને ટોકવાં નહિ. આવી નાની બાબતો ઉપર દરરોજ તેમની ટીકા થતી હોય તેવું આપણને જોવા મળે છે અને પરિણામે કલેશ વધતો દેખાય છે. આવું કરવાની કશી જરૂર નથી. આપણા વિચારો અને આપણાં માબાપના વિચારો વચ્ચે અંતર હતું તેનો સ્વીકાર કરીને આગળ ચાલવું જોઈએ. જો દીકરા-વહુની નકામી ટીકા અને ટકટક ચાલુ રાખીએ તો એમનો પ્રેમ મળવાનો સંભવ નથી. ઘડપણ સુખેથી વિતાવી શકાશે નહિ.

(ચ) આ જ રીતે પાંચમી વાત પણ એટલી જ અગત્યની છે. જ્યાં જ્યાં દીકરા-વહુએ સારું કામ કર્યું હોય ત્યાં ત્યાં તેમને બિરદાવવાનું ચૂકવું નહિ. ઘણી બાબતો એવી હોય છે કે જેમાં દીકરા-વહુ કે મોટાં બાળકો ઘણું સારું કામ કરતાં હોય છે. સારી રસોઈ બની હોય અને સાસુ-સસરા વહુની આવડતનાં વખાણ કરે તો વહુને કેટલું સારું લાગે ! આવી અનેક નાનીમોટી બાબતો છે કે જેમાં સાચી પ્રશંસાના શબ્દો બોલવામાં સંકુચિતતા છોડવી જોઈએ. આવું થશે તો દીકરા-વહુને લાગશે કે માબાપ ઉપયોગી છે. નાની બાબતોમાં ખોટી ટીકા કરતાં નથી અને જરૂર જણાય ત્યાં અમારી પ્રશંસા પણ કરે છે. આવું તેમના મનમાં થાય તો સ્વાભાવિક રીતે માબાપનાં ઘણાં વર્ષોના અનુભવોનો લાભ લેવા પણ તેઓ પ્રયત્નશીલ થાય છે.

ઉપરોક્ત વિચારો મારા અનુભવને આધારે લખું છું. છેવટે સનાતન સત્ય તો સ્વીકારવું જ પડે છે. મરણ સો ટકા અનિવાર્ય છે. પ્રારબ્ધકર્મ પ્રમાણે મનુષ્યની ત્રણ અવસ્થાઓ બાળપણ, યુવાની અને ઘડપણનું નિર્માણ અનિવાર્ય છે. તો શા માટે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને ઘડપણ સુધી સુખી જીવન ન જીવવું ? તેમાં આપણે જ માત્ર સુખી નહિ થઈએ, પરંતુ આપણાં વહુ દીકરો કે દીકરી – જમાઈ તેટલાં જ સુખી થશે. એટલું જ નહિ પણ એમનાં બાળકો પણ સારા સંસ્કારો મેળવશે અને સમાજની તંદુરસ્તીમાં આપણે યત્ કિંચિંત્ ફાળો આપી શકીશું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોડા ઊઠવા વિશે – રતિલાલ બોરીસાગર
શૈશવના એ દિવસો ! – જયન્ત પાઠક Next »   

15 પ્રતિભાવો : સુખી ઘડપણ – મથુરદાસ શાહ

 1. nayan panchal says:

  Good article.

  However, not applicable to me now.
  Wait, it is applicable to me: need to start saving, should start some exercises, n need to get married so that I can have my family n this article make sense in future.

  Nayan

 2. urmila says:

  informative and pratical article in the sense that writer has though of all aspects of modern life and how to face the fact that one is getting old and accept it – and yet can live comfortably with the new generation with love and respect-more of these articles should be published- thanks to the writer and Mrugeshbhai

 3. Mohit Parikh says:

  Respected Mathurdas Shah,

  This is a very good and helpful article. sorry for typing in english but i find it convenient typing in this language than in gujarati. I think its not only applicable to parents but children as well. The ideas suggested are highly practicle and make sense. One thing that struk me the most was lack of a system that allows people to do voluntary work. I guess its very important that we have a system wherein people can do some voluntary work and contribute to the betterment of society and thereby their own. I wish that you and all the people who have opportunity to live in a joint family make the most of it.

 4. pragnaju says:

  ઘડપણ અંગે ઘણા જ સુંદર વિચારો.ઘડપણને શરીરની ઉંમર કરતા માનસીક સ્થિતી સાથે વધારે સબંધ છે! બને ત્યાં સુધી ફરીયાદો કરવાનું ટાળી ,ચલો આપણે જ વ્યવસ્થિત થઈએ!

 5. manvantpatel says:

  નક્કર અને ઉપયોગી માહિતી કુશળતાપૂર્વક અપાઇ છે.
  આભાર !….ઘડપણ કેણે મોકલ્યુઁ ? જવાબ મળે ખરો ???

 6. Palakh says:

  Very good article. I tried to type in gujarati but some words did not appear the same so switched to English.
  Very few authors actually see the other side of the coin. Most of the time articles are written on how youngsters should behave and adjust with an elderly member in the family. I read the first article where it actually gives some tips for the elderly members to adjust. Most of the suggestions are quiet practical and easy to implement. Thanks a lot. Keep up the good work

 7. nayan panchal says:

  માનંવતભાઈ,

  મને જવાબ મળી ગયો. જેણે બાળપણ મોકલ્યુ તેણે જ ઘડપણ પણ મોકલ્યુ.

  નયન

 8. પહેલુ સુખ તે જાતે નર્યા. આ કહેવત આવા બધા અનુભવોને ધ્યાનમાં રાખીને જ પડી હશે એકદમ સચોટ નિચોડ છે અનુભવોનો.

 9. વત્‍સલ વોરા says:

  માત્ર એક જ લીટીમાં કહેવું હોય તો

  ‘‘ જતું કરવાની સુટેવ વિકસાવો‘‘

 10. Bhumi says:

  This is true. but we should not forget that, when son & daughter in-law were in their childhood they don’t need to do any thing like this to get their parent’s love & care. our parents accept us & love us, whatever & however we are. so can’t we love them as they are? why they need to be so sophisticated to get our love & care & perticularly in their old age?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.