પ્રતિનિધિ લઘુકથાઓ – સં. મોહનલાલ પટેલ

[શ્રી મોહનલાલ પટેલ દ્વારા સંપાદિત પુસ્તક ‘ગુજરાતી પ્રતિનિધિ લઘુકથાઓ’ માંથી કેટલીક કથાઓ અહીં સાભાર લેવામાં આવી છે. જે તે વાર્તા સાથે સંપાદકીય નોંધ પુસ્તક અનુસાર મૂકવામાં આવી છે. 1985માં પ્રકાશિત થયેલું પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]

[1] યુધિષ્ઠિર – વિનોદ ભટ્ટ

નામ તેનું યુધિષ્ઠિર હતું. સરકારી અધિકારીના ઊંચા પદ પર હોવા છતાં ક્યારેય લાંચ લે નહીં. અત્યંત પ્રમાણિક. પોતાના અંગત કામ માટે સરકારી ટેલિફોનનો ઉપયોગ કરે તો આઠ આનાની પોસ્ટની ટિકિટો ખરીદીને ફાડી નાખે, ટૅક્સ-કલેકશન ખાતામાં હોવા છતાં ન્યાયી નજર રાખે. કાયદેસર રીતે થતો લાભ પ્રજાને કરી આપે – નિરપેક્ષ ભાવે. પગાર ઓછો ને લાંચ ખાય નહીં એટલે તેની પાસે સ્કૂટર નહોતું, તે સાયકલ વાપરતો.

પણ પ્રમાણિકતાનેય પોતાનું તેજ હોય છે. આ તેજને લીધે યુધિષ્ઠિરની સાયકલ જમીનથી એક વેંત અદ્ધર રહેતી. આ રીતે એક દિવસ રસ્તા પર જતાં તેને રોકીની ટ્રાફિક પોલીસે ઠપકો આપેલો : ‘સરકસમાં થતા પ્રયોગો જાહેર રસ્તા ઉપર થતા હશે ! …ચાલો નામ લખાવો…’
‘યુધિષ્ઠિર…’ તેણે પોતાનું નામ કહ્યું. ડાયરીમાં નામ લખતો પોલીસ અટકી ગયો. પછી દયા આવી ગઈ હોય એમ બોલ્યો : ‘આટલી વખત જવા દઉં છું… ફરીથી આવું ન કરતા….’ યુધિષ્ઠિર મનમાં હસતો સાયકલ ઉપર સવાર થઈને પોલીસ પાસેથી પસાર થઈ ગયો. પોલીસ તેની પીઠને આશ્ચર્યથી જોઈ રહ્યો. તે જે પોળમાં રહેતો હતો એ પોળના રહીશો સાયકલ પર જતાં તેની સામે કુતૂહલથી જોતાં. કો’ક પૂછતું ય ખરું : ‘સાયકલ પરથી પડી જવાની તમને બીક નથી લાગતી ?’ એ દિવસથી તેને સાયકલ ચલાવતાં થોડી થોડી બીક લાગવા માંડેલી.

અને એક દિવસ એક વેપારી તેની પાસે આવ્યો. તેનું કામ યુધિષ્ઠિરે સારી રીતે પતાવી આપેલું, એટલે ખુશ થઈને તેણે કંઈક આપવાનું વિચાર્યું. પણ આ માણસ ચોખ્ખો છે એટલે એવું કશું કરવા જતાં તે માઠું લગાડી બેસશે એવો ડર વેપારીને લાગ્યો. અચાનક કંઈ યાદ આવતાં ખિસ્સામાંથી તેણે એક ‘કી-ચેઈન’ કાઢી યુધિષ્ઠિર સાહેબના ટેબલ ઉપર સરકાવતાં કહ્યું : ‘સાહેબ, આ તમારા માટે છે…’
સાહેબ તેની સામે જોઈ રહ્યા એટલે વેપારી બોલ્યો : ‘આ તો સાહેબ, ગિફટ આર્ટિકલ છે….’ ને ‘કી-ચેઈન’ ટેબલ પર છોડીને વેપારી ચાલ્યો ગયો.

તેના ગયા પછી ‘કી-ચેઈન’ હાથમાં લઈને રમાડતાં યુધિષ્ઠિરે મનમાં વિચાર્યું : ‘આને લાંચ કહેવાય કે નહિ ?’ ‘કી-ચેઈન’ ની પાછળ લખ્યું હતું : ‘નરો વા કૂંજરો વા’

એ દિવસે ઑફિસ છૂટ્યા પછી યુધિષ્ઠિરે સ્ટૅન્ડમાંથી સાયકલ બહાર કાઢી. સાયકલ પર બેસવા જતાં તેણે જોયું તો આજે સાયકલ જમીનથી એક વેંત ઊંચી નહોતી. તેનાં ટાયર જમીનને અડકતાં હતાં. આ ચમત્કાર જોઈને તે સહેજ મરક્યો. પછી મનોમન બોલ્યો : ‘હાશ, ચાલો સારું થયું….. પડવાની બીક હવે નહીં લાગે.’

[સંપાદકની નોંધ : સત્યનો ગજ એક તસુ પણ ટૂંકો થાય તો ચારિત્ર્યની હોનારત અસત્યનો ગજ લઈને ફરનાર જેટલી જ થાય. કશા તફાવત વિના બંનેનો રથ જમીન ઉપર ફરતા થઈ જાય ! પણ લેખકે આટલી સાદી વાત કહેવા માટે કંઈ આ કથા રચી નથી. એમને જે કહેવું છે એ તો કથાના અંતમાં છે. ‘હાશ, ચાલો સારું થયું… પડવાની બીક હવે નહીં લાગે.’ માનવી બાંધછોડની જે મજા (!) ચાખી ગયો છે એ વૃત્તિ ઉપર અહીં એક માર્મિક કટાક્ષ છે. નુકશાનને માનવી જાણે છે. પણ એ નુકશાનને સ્વીકારી લઈનેય એની નજર વાંછિત લાભ ઉપર સ્થિર થઈ જાય છે. માનવીના સ્વભાવના એક પાસાનું ચોટાદાર દર્શન આ કથામાં છે. ]

.

[2] કિટ્ટા – અશ્વિન વસાવડા

‘પપ્પા ! પપ્પા ! મમ્મીએ મને માર્યું.’ રડતાં રડતાં કેતુએ મને ફરિયાદ કરી.
‘મમ્મી ગાંડી છે. મારા કેતુને માર્યો, તો આપણે મમ્મી સાથે કિટ્ટા કરી નાખીએ, બસ !’ અને મેં શીખવ્યું તેમ કેતુએ સુચિતા સાથે કિટ્ટા કરી નાખી.

બાલમંદિર જવાના સમયે કેતુએ રોજની જેમ સુચિતાને ચુંબન કરવા ન દીધું. સાંજનો નાસ્તો પણ સુચિતાએ આપેલો તે ન લીધો. મેં આપ્યો ત્યારે જ લીધો. કોઈ મોટું માણસ રાખી શકે તેટલા ટેકીલા અબોલા આજે તેણે રાખ્યા. મારા અને સુચિતા માટે આ મીઠી મૂંઝવણનો પ્રશ્ન બન્યો. સુચિતાએ મીઠો ગુસ્સો પણ કર્યો : ‘ચડાવો હજુ લાડકા દીકરાને !’

રાત્રે જમવા વખતે મેં કેતુને ફોસલાવ્યો : ‘ચાલ કેતુ, હવે મમ્મી જોડે સૈયા કરી નાખ જોઉં ! પણ આજે તે અડગ રહ્યો. ‘ના, હું મમ્મી જોડે નથી જ બોલવાનો, મને માર્યું’તું.’ સુચિતાએ પણ અનેક લાલચો આપી જોઈ. છેલ્લે પોતાની પાસેનું અંતિમ શસ્ત્ર અજમાવ્યું : ‘બાવા, બાવા, કેતુની મમ્મીને ઉપાડી જા !’

ધમાલ કરતો હોય કે રડતો હોય, સુચિતા આવું કહે ત્યારે કેતુ છાનો રહી જતો અને સુચિતા પાસે હઠાગ્રહપૂર્વક એ શબ્દો પાછા ખેંચાવતો : ‘ના બાવા, કેતુની મમ્મીને ન ઉપાડી જતો….’ પરંતુ આજે એ શસ્ત્ર પણ નકામું ગયું. બોલ્યા : ‘ભલે ઉપાડી જાય !’ – અને સુચિતા ઝંખવાણી પડી ગઈ. ક્રોધમાં મરાઈ ગયેલા એક તમાચાની શિક્ષા સુચિતાને અસહ્ય બની ગઈ. પથારીમાં જતી વેળાએ કેતુએ મને ચુંબન આપ્યું. પછી તે સુચિતા તરફ વળ્યો અને અટકી ગયો. કેતુ ઊંઘી ગયો.

સુચિતા મારી ઉપર ખૂબ ગુસ્સે થઈ. મમ્મી સાથે કિટ્ટા કરવાનું મેં તો માત્ર કેતુ રડતો બંધ રહે તે માટે ફોસલાવવા પૂરતું જ કહેલું. એ આટલો બધો જડ બનશે તે ધાર્યું નહોતું. મને ક્ષોભ થયો. સુચિતા પણ ઊંઘી ગઈ.

કેતુ ઝબકીને જાગી ગયો : ‘બાવાને ભગાડી મૂકોને પપ્પા….’ અને મમ્મીના નામની રડતી બૂમ સાંભળી સુચિતા પણ જાગી ગઈ – અને ડૂસકાં ભરતો કેતુ સુચિતાને વળગીને ફરી ઊંઘી ગયો.

[સંપાદકની નોંધ : પ્રથમ દષ્ટિએ તો સર્જકે આ કથામાં બાળહઠને અને મમ્મી-પપ્પાની આળપંપાળને બહેલાવીને ટૂંકી વાર્તાનો ઘાટ આપ્યો છે એવું લાગે. પણ વાર્તાની ગતિ તો, મૂળ લાગણી – જેને દબાવીને બહાર ન આવવા દેવા માટે સતત રખેવાળી કરતું સંપ્રજ્ઞાત મન સુષુપ્ત થઈ ગયું ત્યારે એક ઝબકના રૂપમાં બહાર છટકી આવી તેને આકાર આપવા તરફ છે. એ લાગણીના વિસ્ફોટને વધારે મુખર બનાવવા માટે જ આગળની ઘટનાઓ વિસ્તૃત ભૂમિકારૂપ છે.]

.

[3] યંત્રમાનવ

એને વિશે અમે ઘણું સાંભળ્યું હતું તે એને રૂબરૂ જોઈને બંધબેસતું લાગ્યું. ડૉરબેલ દબાવતાંની સાથે જ અંદરથી તાલબદ્ધ વ્યવસ્થિત પગલાં પાડતું કોઈ આવતું હોવાનું સંભળાયું.
‘આવો.’ બારણું ખોલતાંની સાથે જ આવકાર મળ્યો.
‘બેસો !’ અમે બેઠા.
થોડી જ વારમાં એક ટ્રેમાં તે પાણીના બે ગ્લાસ લઈ આવ્યો.

અમે પાણી પીધું.
‘કેમ છો ?’
‘મજામાં.’
‘ઘેર બધાં ?’
‘મજામાં.’
‘ઠંડી બહુ છે, નહીં ?’
‘હા.’ હું બોલ્યો.
‘કંઈ કામકાજ ?’
‘ખાસ કંઈ નહીં. અમે તો તને જોવા જ આવેલાં.’
‘અં હં.’
‘તારું કામ બરાબર માણસના જેવું જ છે !’
‘એટલે ?’
‘તું યંત્રમાનવ હોવા છતાં ‘આવો’, ‘બેસો, ‘કેમ છો ?’ બધું માણસની જેમ જ…’
‘તમે ભૂલો છો….’
‘કેમ ?’
‘એ યંત્રમાનવ તો આજે ઑફ હોઈ ડ્યુટી પર નથી. હું તો સાચે સાચનો માણસ છું.’
‘તોયે તારામાં ને એનામાં કંઈ ફેર નથી.’ એમ હું કહેવા જતો હતો. પણ હું અડધોપડધો ય સાચો માણસ હોઈશ તેથી કે ગમે તેમ પણ ન કહી શક્યો.’

[ સંપાદકની નોંધ : દિવસે દિવસે માનવસંબંધોમાં વધતી જતી ઔપચારિકતા અને માનવીય સંબંધની ઉષ્માના થતા જતા ઓસાર ઉપર એક માર્મિક વ્યંગ આ કથામાં છે. અરસપરસના વ્યવહારની યાંત્રિકતા અને લાગણીઓને કુંઠિત કરીને સત્ય ગોપવવાની ખંધાઈમાં નિપુણતા સુધી પહોંચેલા માનવીનું એક અચ્છું દર્શન એમાં છે. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શૈશવના એ દિવસો ! – જયન્ત પાઠક
વાતચીતની કલા – રમણલાલ વ. દેસાઈ Next »   

9 પ્રતિભાવો : પ્રતિનિધિ લઘુકથાઓ – સં. મોહનલાલ પટેલ

 1. nayan panchal says:

  ૧. વિનોદ ભટ્ટની (હું તો મારા પ્રિય લેખકોને તુંકારે જ બોલાવ છુ, પોતાનાપણું લાગે) એવરગ્રીન રચના. મોહનભાઈની નોંધ શબ્દશઃ સાચી. માણસ વધુ ને વધુ તકવાદી, બાંધછોડ કરનારો બનતો જાય છે. દુઃખ એ વાતનું છે કે તે આના માટે ગર્વ લે છે.

  ૨. ફિલ્મ “તારેં જમીન પર”નું “મા” ગીત સાંભળી લેવું.
  ૩. કદી વિમાનમાં Air-hostessની smile જોયી છે, એકદમ યાંત્રિક. કદાચ થોડા સમય પછી emotions,feelings પણ કૃત્રિમ રીતે બનશે અને બજારમાં મળશે.

  દિવસમાં એક વારતો નાના બાળકની જેમ મુક્તમને, ખિલખિલાટ હસી લેવુ. માણસ હોવાની લાગણી થા છે.

  નયન

 2. My attempt at transliteration for (3)…
  3. Robot

  We had heard a lot about him which was confirmed when we met him in person. We heard rhythmic, systematic footsteps from inside as soon as we pressed the doorbell, we heard systematic rhythmic footsteps.

  “Please come in.” We were invited in as soon as the door opened.
  “Please sit.” We sat down.
  Shortly thereafter, he came with two glasses of water on a tray.

  We drank the water.
  ‘How are you?’
  ‘Fine.’
  ‘Everyone at home?’
  ‘Fine.’
  ‘It’s quite cold, isn’t it?’
  ‘Yes,’ I said.
  ‘Can I help with anything?’
  ‘Not really. We just came to see you in action.’
  ‘Um hmm…’
  ‘You work like a real person!’
  ‘Meaning?’
  ‘Even though you are a robot, you say ‘Come in’, ‘Please sit’, ‘How are you?’ like a real person…’
  ‘You forget…’
  ‘What?’
  ‘The robot is off duty today. I am a real person.’
  ‘Yet there’s no difference between you and him,’ I was about to say. But either because I’m at least half a real person or for some other reason, I couldn’t really say that.

 3. pragnaju says:

  – વિનોદ ભટ્ટ વ્યંગ કથામા આપણી સામાન્ય બાંધછોડની નબળાઈ તરફ સારું ધ્યાન દોરે છે… તો આપણે ઘણીવાર બોલતા ‘‘ના બાવા, કેતુની મમ્મીને ન ઉપાડી જતો…”બાળ મન પરની અસરનો સુંદર ખ્યાલ અને ત્રીજી વાતમાં આપણે બધા રોબોટ થવા તરફ જઈ રહ્યા છીએ?

 4. Gira says:

  short story 3… kinda sounds funny.. haha and oh… and when it was translated in english by mr. sameer raiyani… it was hillarious… 😀 lol..
  other stories were nice too loll..

 5. Manish Patel says:

  short and sweet ….

 6. Aparna says:

  excellent stories
  though with different themes, they revolve around us only
  such imp things to be learnt for daily lives

  great works

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.