પાનખરની કૂંપળ – વસુધા ઈનામદાર

[પ્રસ્તુત વાર્તા ‘અનુજા’ વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લેખિકા વસુધાબહેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

anujaનિત્ય નિયમ પ્રમાણે આજે પણ લતાબહેન સૂર્યોદય પહેલાં ઊઠી ગયાં. સ્નાનવિધિથી પરવારીને વાડામાં ઉગાડેલાં ફૂલો ચૂંટવા લાગ્યાં. અચાનક એમને ચક્કર આવતાં હોય એમ લાગ્યું. તેઓ બાજુમાં મૂકેલા બાંકડા ઉપર બેસી ગયાં. થોડાક દિવસથી એમને માથામાં દુ:ખાવો શરૂ થયો હતો, દુ:ખાવો એટલો અસહ્ય હતો કે આંખની પાંપણ પણ ઊંચી નહોતી કરી શકાતી. ડૉક્ટરે કહ્યું હતું કે, મોતિયો પાકવા આવ્યો પણ હજી આંખના ઑપરેશન માટે થોડી રાહ જોવી પડશે. તેઓ થોડી વાર બેસી રહ્યાં. લતાબહેનની પૂજા હજી બાકી હતી. થોડુંક સારું લાગતાં જ તેઓ ફરી ફૂલ ચૂંટવા લાગ્યાં. છાબડી ફૂલોથી ભરાઈ ગઈ. તેઓ ‘શ્રી કૃષ્ણ શરણં મમ’ કરતા વાડાનાં બે પગથિયાં ચઢીને રસોડામાં આવ્યાં. નીલેશ અને ઈલાને આટલા વહેલાં રસોડામાં ઊભેલાં જોઈને તેમને આશ્ચર્ય થયું. પણ એથી વધુ આશ્ચર્ય એમને ઘરમાં ઊભેલા ચારપાંચ મજૂર જેવા માણસોને જોઈને થયું.

લતાબહેને હાથમાંની ફૂલોની છાબડી મૂકી દઈને પોતાના દીકરા નીલેશ પાસે ગયાં. ઈલા ધીમા સાદે ઊભેલા નોકરો સાથે વાત કરી રહી હતી, ઘરનું આગળનું બારણું ખુલ્લું હતું. લતાબહેન નીલેશ તરફ જોઈને બોલ્યાં : ‘નીલેશ બેટા, આ બધું શું થઈ રહ્યું છે ? ઈલા, આ બધા કોણ છે ? શા માટે અહીં આવ્યા છે ? ને આ બધો સામાન….’
ઈલા જરા ચિડાઈને જ બોલી : ‘બા, તમે શાંતિ રાખો. આ બધો મારો સામાન છે. અમે નવા મકાનમાં રહેવા જઈએ છીએ.’ ઈલાના એ શબ્દોથી લતાબહેન ત્યાં ને ત્યાં જાણે થીજી ગયાં. કોઈએ માથા ઉપર જોરદાર પ્રહાર કર્યો હોય તેવું તેમને થયું. આંખે અંધારાં આવી ગયાં. બાજુમાં પડેલા સોફા ઉપર તેઓ ફસડાઈ પડ્યાં ને ધીમે સાદે બોલ્યાં : ‘નીલેશ, બેટા નીલ, કહી દે કે આ વાત ખોટી છે. તું….. તું…. આમ મને મૂકીને ચાલ્યો ના જઈશ. તારા બાપુજી ગયા પછી તું જ મારા જીવવાનો સહારો છે. તું મને મૂકીને….’ બોલતાં બોલતાં એમનો કંઠ ભરાઈ આવ્યો.

નીલેશ બા તરફ જતો હતો, પણ ઈલાએ રોકી લીધો. ઈલા બોલી : ‘નીલેશ, ચાલો, આ સામાન ખસેડવામાં મદદ કરવા માંડો.’ લતાબહેન સોફા ઉપર જ બેસી રહ્યાં. શૂન્ય દષ્ટિથી ઈલા અને નીલેશ તરફ જોઈ રહ્યાં. સામાન ખસેડવાનો અવાજ. નીલેશ અને ઈલાના ધીમા સાદે બોલાતા શબ્દોને તે જાણે પકડવા મથી રહ્યાં હતાં. પતિના મૃત્યુ પછી પુત્ર અને પુત્રવધૂના કારણે જ એમને જીવન જીવવા જેવું લાગતું હતું. તેઓ જાણે તંદ્રામાં હોય એમ જડવત સોફા ઉપર બેસી રહ્યાં. ત્યાં પરસાળમાં હીંચકો છોડવાનો અવાજ આવ્યો. કોણ જાણે ક્યાંથી એમનામાં શક્તિ આવી અને લતાબહેન ઊભાં થયાં. હીંચકા આગળ જઈને ખૂબ મક્કમતાથી તેઓ બોલ્યાં : ‘હીંચકો લઈ જવાનો નથી.’ આવ્યાં એનાથી બમણી ઝડપે તેઓ તેમની પૂજાની ઓરડી તરફ જતાં રહ્યાં. નીલેશને કહેવાની ઈચ્છા થઈ હતી : ‘બા, તારા આ હીંચકા સિવાય બીજું કશું હું લઈ જતો નથી. આ હીંચકો મારો બચપણનો સાથી છે.’
પણ એ કશું કહે તે પહેલાં ઈલા બોલી : ‘નથી લઈ જવો એ જૂનોપુરાણો હીંચકો.’
નીલેશે કહ્યું : ‘તને આ હીંચકાની કિંમત નહીં સમજાય. બા અને બાપુજીની સાથે હીંચકે બેસીને મેં કેટલીય વાર્તાઓ સાંભળી છે. હું નિશાળેથી આવતો ત્યારે બા હીંચકે બેસીને મારી રાહ જોતી અને….’

ઈલાએ નીલેશની વાતમાં બહુ રસ ન લીધો. એણે નીલેશને કહ્યું : ‘અંદરથી પેલા મજૂર પાસેથી ગાદલાં અને ખાટલા ઉપડાવીને વ્યવસ્થિત રીતે ટ્રકમાં મુકાવો. બા, તમારું પુરાણ શરૂ થશે તો આખો દિવસ આમ જ નીકળી જશે.’ ઈલા બાના પૂજારૂમ તરફ નજર કરતાં બોલી : ‘સારું થયું બા પૂજા કરવા ગયાં.’ ઘરનો સામાન એક એક કરીને ગોઠવાતો જતો હતો. ગાદલાં, ખુરશી, ડાઈનિંગ ટેબલ, ટી.વી. સેટ બધું જ ! ઈલાએ નીલેશની સામે જોઈને કહ્યું : ‘તમારા બાની એક પણ વસ્તુ મારે ન જોઈએ, પણ મારી બાએ આપેલી બધી જ વસ્તુઓ હું લઈ જવાની છું.’

નીલેશે બા-બાપુજીનો ફોટો દીવાલ પરથી ઉતાર્યો. એ જોઈ રહ્યો. ‘મારી બા, બાપુજી સાથે ફોટામાં કેટલી ખુશ દેખાય છે. આજે બાપુજી હોત તો !’ એના વિચારોનેય જાણે અટકાવતી હોય તેમ ઈલાએ કહ્યું : ‘તમે સામાનવાળાની સાથે જાવ. હું તમારી પાછળ જ આવું છું.’ ઘરમાંથી નીકળતાં પહેલાં, ઈલા આખા ઘરમાં ફરી વળી. તેણે ખાતરી કરી લીધી કશું ભુલાઈ તો નથી ગયું ને ? તેણે ખાલી થઈ ગયેલા ઓરડાઓ તરફ જોયું ને મનોમન વિચાર્યું, ‘મારા પિયરની વસ્તુઓથી આ ઘરની શોભા હતી. પોપડા ઊખડી ગયેલી દીવાલો, હવે એ બધા સામાન વગર વધુ દયામણી લાગે છે. બે ભાંગીતૂટી ખુરશી સિવાય બા પાસે શું છે ! ના…ના… કહેતાં બે વર્ષમાં મેં કેટલું બધું વસાવ્યું ! આખી જિંદગીમાં બાએ શું વસાવ્યું ? એક દીકરો અને એક દીકરી છતાં ઘરમાં કાંઈ નથી. કંઈ વાત નીકળે તો હંમેશા કહે છે : ‘મેં દિયર અને નણંદને ભણાવ્યાં, પરણાવ્યાં ને એમના ઘર વસાવી આપ્યાં ને પોતાનું ઘર !!’ એક ઉપહાસભર્યું સ્મિત તેના ચહેરા ઉપર ફરી વળ્યું. નીલેશ પણ એના બાપુજીની જેમ શિક્ષક છે, પણ બાપુજીની કમાણી ક્યાં અને નીલેશની ક્યાં ?’ નીકળતાં પહેલાં બાને આવજો કહેવાનું મન થયું, પણ કદાચ નવું ઘર જોવા આવવાના બહાને સાથે આવવાનું કહેશે તો ? ઈલા ચૂપચાપ ઘરમાંથી નીકળી ગઈ.

પૂજાની ઓરડીમાં બેઠાં બેઠાં લતાબહેનને ઘરમાં પ્રસરેલી શાંતિનો અનુભવ થયો. તેઓ ભગવાનને નમસ્કાર કરીને ઊભાં થયાં. ને પોતાના જ ઘરમાં ડરતાં ડરતાં ફરી વળ્યાં. ઘરના કરતાં હૃદયમાં વ્યાપી વળેલો ખાલીપો વધારે ગાઢ હતો. તેઓ જાણે પતિને ઉદ્દેશીને બોલ્યા : ‘તમે… તમે જુઓ છો ને, આપણા નીલેશે શું કર્યું ? મને એકલી મૂકીને જતો રહ્યો. હું આજે સાવ એકલી પડી ગઈ છું, સાવ એકલી અટૂલી.’ લતાબહેનના શબ્દો ડૂસકામાં વિલીન થઈ ગયા. એમનો જીવ રૂંધાતો હતો. એક વેદનાની કળ રગેરગમાં ફરી વળી ને શાંત થઈ ગઈ. તેઓ રસોડામાંથી પાણીનો પ્યાલો ભરી લાવ્યાં ને હીંચકા ઉપર બેઠાં. એમણે હીંચકાને ઠેસ મારી. પાણીનો ઘૂંટ ધીમે ધીમે ગળા નીચે ઊતરવા લાગ્યો. એમના વણબોલાયેલા શબ્દો…આંસુ… લાગણી અને મમતાના તાણાવાણા વીખરાતા ગયા. મનની સાથોસાથ શરીર પણ હળવું ફૂલ થઈને હીંચકે ઝૂલતું રહ્યું.

થોડા દિવસોમાં જ લતાબહેન એક નવા જોશથી ઊભાં થયાં. એમના સુખ-દુ:ખમાં લપેટાયેલી ક્ષણોની સાક્ષી જેવો એ હીંચકો એમને પ્રિય હતો. પતિની સ્નેહભરી સ્મૃતિથી તેઓ ફરી અડીખમ ઊભા થવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. નીલેશ અને ઈલાને ભૂલવાનો એક જોરદાર પ્રયાસ તેમણે આદર્યો. જિંદગીના નવા પાના ઉપર ઈતિહાસ નહીં પણ ભવિષ્ય ચીતરવાની તેમણે શરૂઆત કરી. નીલેશ અવારનવાર આવતો પણ એની સાથે તેઓ જરૂર પૂરતું બોલતાં. નીલેશ એમની માયા-મમતાને વિનાકારણે ઠુકરાવીને જતો રહ્યો. એ આઘાત એમણે સહી લીધો અને એ વિશેની કડવાશ સમજપૂર્વક કાઢી નાખી.

સાંજના લતાબહેન હીંચકે બેઠાં સંધ્યાના રંગો નિહાળતાં હતાં. એમણે સ્કૂટર ઊભું રહ્યાનો અવાજ સાંભળ્યો. નીલેશ હતો. તે આવીને બાની સાથે હીંચકે બેઠો. એમના દિલમાં મમતાનો દરિયો ઊછળવા લાગ્યો. દીકરાના માથે હાથ ફેરવવાની ઈચ્છા થઈ પણ પત્નીની આંગળી પકડીને ઘરમાંથી નીકળી ગયેલા દીકરાની સામે તે માત્ર જોઈ જ રહ્યાં. લાગણીના આરોહ-અવરોહને સમ ઉપર લાવીને તે અટક્યાં. એમને નીલેશ શરીરે થોડોક દૂબળો લાગ્યો. એમના જીભ ઉપર પ્રશ્ન આવીને ઊભો રહ્યો : ‘બેટા, તું સુખી છે ને ?’ પણ તેઓ કશું બોલ્યાં નહીં. નીલેશે જ પૂછ્યું : ‘બા, કેમ છો ?’
‘સારું છે ભાઈ.’
નીલેશને થયું બા પૂછશે : ‘ઈલા કેમ છે ?’ પણ બા કશું બોલ્યાં નહીં. હીંચકો હાલતો રહ્યો. બાને શાંત અને સ્વસ્થ જોઈને નીલેશને આશ્ચર્ય થયું. એ વિચારતો. અમે જુદાં રહેવા ગયાં તો મને એમ હતું કે બા ગુસ્સે થશે, રડશે, ઝઘડશે, કદાચ ખાવા-પીવામાં ધ્યાન નહીં રાખે ને બીમાર પડશે. પણ એવું કશું જ ન થયું. તેણે બાને પૂછ્યું : ‘બા, તારી દવા નિયમિત લે છે ?’
‘હા, હા, લઉં છું ને. જો ને પહેલાં તો આપણી સોસાયટીમાં કોઈનેય ઓળખતી નહોતી. આ ચાર નંબરનો બંગલો છે ને ત્યાં એક ડૉક્ટર રહે છે. ક્યારેક તો ઘેર બેઠાં દવા આપી જાય છે.’ નીલેશને થયું અમારા જવાથી બાને કશું દુ:ખ થયું નથી. અરે, એટલું જ નહીં, બા એ વિષય પણ છેડતાં નથી. વાત વાતમાં બાએ નીલેશને કહ્યું હતું કે, તેમણે સવારની રસોઈની ઝંઝટમાંથી મુક્તિ મેળવી છે. શાક માર્કેટમાં આવવા-જવાનું ખાસ ફાવતું નથી. તેથી ટિફિન બંધાવી દીધું છે અને સાંજે ફળાહાર કરી લે છે.

નીલેશ ઘેર આવ્યો ત્યારે ઈલા નવું રેફ્રિજરેટર હોંશે હોંશે બતાવી રહી હતી. નીલેશનું ધ્યાન પોતાની વાતોમાં નથી એવો ખ્યાલ આવતાં જ ઈલાએ કહ્યું : ‘કેમ, તમારી બાને મળી આવ્યા ને ?’ ખુશમાં છે ને તમારી બા તમારા વગર !’
નીલેશે કહ્યું : ‘એમ નથી ઈલા, આપણે બાને ખૂબ ખૂબ દુ:ખી કર્યાં છે. આપણે એમનું અપમાન જ નહીં એમનો ઉપહાસ કર્યો છે. એમનું મૌન જ એ વાતની સાક્ષી પૂરે છે. તે આપણાથી નારાજ છે. એમની સાથે રહીને આપણે જાણે એમના વિરુદ્ધ કાવતરું….’
ઈલા એકદમ ગુસ્સે થઈને બોલી : ‘સાચું કહું તમારી બાને આપણા જવાથી રાહત થઈ છે. સાંભળ્યું છે કે એમણે મહિલામંડળમાં જવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, નવરાત્રિની ગરબા હરીફાઈની પ્રવૃત્તિના હેડ બન્યાં છે. ગયા અઠવાડિયે ત્રણ દિવસના પ્રવાસે જઈ આવ્યાં અને તમે કહો છો આપણે એમને દુ:ખી કર્યા છે !’
નીલેશે કહ્યું : ‘જો ઈલા બા આ બધી પ્રવૃત્તિમાં મન પરોવે છે તે આપણે એમને કહ્યા વગર ઘરમાંથી નીકળી ગયાં તેના દુ:ખમાં. આપણે બાને પૂછ્યું હોત તો બાએ સામે ચાલીને ફલૅટ લેવામાં મદદ કરી હોત.’
‘અરે, બા પાસે છે શું તે આપણને મદદ કરત ! આ ઉંમરે દેવદર્શને જવાના બદલે મહિલામંડળોમાં જાય છે તે શું તેમને શોભે છે ?’
‘ઈલા, બા ધારે તો આ ઉંમરે ઘણું કરી શકે. એ બાપુજીના અવસાન પછી મનથી ભાંગી પડી હતી. આપણી બધી પ્રવૃત્તિમાં રસ લઈને તે આનંદમાં રહેવાનો પ્રયત્ન કરતી હતી, ત્યાં વળી આપણે એને આઘાત આપ્યો !’ નીલેશે કહ્યું.
ઈલા પટ દઈને બોલી : ‘પાછું તમારું બા પુરાણ ચાલુ થયું. ચાલો જમી લઈએ. આપણે ત્યાંથી નીકળે બે મહિના થયા. બાના હાથની રસોઈ તમને કેટલી ભાવે છે. પોતાના સગા દીકરાને જમવાનું કહે છે ખરાં !’ નીલેશે કહ્યું : ‘ઈલા, તારી તો ઊલટી ગંગા. બાને આપણે બોલાવવાં જોઈએ, જમવા નહીં, આપણી સાથે રહેવા.’ ઈલા કશું બોલી નહીં.

ત્યાર પછીનાં બે અઠવાડિયાં એમ જ ગયાં. નીલેશ બાને ત્યાં ગયો ત્યારે બા બહાર જવાની તૈયારીમાં જ હતાં. નીલેશને જોઈને તે બોલ્યાં : ‘ભાઈ, સારું થયું તું આવ્યો. ચાલ આવે છે મારી સાથે ? બૅન્કમાં જવાનું છે.’
નીલેશે પૂછ્યું : ‘શું બા, પૈસા જોઈએ છે ? કેટલા જોઈએ ? કાલે આપી જઈશ.’
લતાબહેન બોલ્યાં : ‘ના, ભાઈ ના. આ તો થોડાક શૅર પડ્યા હતા તે વેચી દીધા અને બેચાર જૂના દાગીનાય કાઢી નાખ્યા. ઈલાને તો આમેય જૂના માણસો અને જૂની ચીજવસ્તુઓ પ્રત્યે નફરત છે. એ બધી રકમ બૅન્કમાં મૂકી આવીએ.’

સાંજે જ્યારે નીલેશ બાથી છૂટો પડ્યો ત્યારે પોતાના મનની સ્થિતિ તે કળી ન શક્યો. અત્યંત ઉત્સાહથી જીવન જીવી લેવા મથતી બાને જોઈને તે રાજી થતો, તો એક બાજુ તેને આશ્ચર્ય થતું કે આ એ જ બા છે, જે ચાર દીવાલોમાં ગોંધાઈને દેવ-દીવા કરીને રસોડું અને ઘર સંભાળતી. મારી અને ઈલાની ખાવાપીવાની કાળજી રાખતી બાની દુનિયા અમારી આસપાસ હતી. એ જ બા-બાપુજીના શૅર વેચી કાઢે ને મને પૂછે પણ નહીં. આવડો મોટો સોનાનો દાગીનો એણે વેચી નાખ્યો. નીલેશ ઘરમાં પ્રવેશ્યો ત્યારે ઈલા એની સામે જોઈને બોલી : ‘કેમ, આજે શું નવી વાત લાવ્યા છો ? કે બા તમારી પાસે આ ફલેટમાં આવવા માટે આજીજી તો નહોતાં કરતાં ને ?’
‘ના ઈલા, તું કે હું બાને સમજી નથી શક્યાં. બા તો ખૂબ મજામાં છે. આજે તો મને આશ્ચર્ય થાય એવી વાત બની ગઈ છે. બાએ બાપુજીએ સાચવી રાખેલા શૅર વેચી નાખ્યા એટલું જ નહીં, પેલો જૂનો ચંદનહાર પણ વેચી નાખ્યો…. !’ ઈલાને તો જાણે વીંછીએ ડંખ માર્યો હોય તેમ ચીસ નીકળી પડી, ‘શું વાત કરો છો ! આટલો ભારે સોનાનો હાર…. અરે, એ ચંદનહારની આજે ઘડાઈ જ કેટલી બધી થાય. મને કેટલો ગમતો હતો એ હાર… આજકાલ તો એન્ટિક દાગીનાનો જમાનો છે. તમારે જ લઈ લેવો હતો ને ! બાને પૈસા આપી દીધા હોત. તમારામાં તો અક્કલ જ નથી !’
નીલેશે કહ્યું : ‘હા, સાચી વાત છે તારી. મારામાં અક્ક્લ હોત તો આમ મારી માને એકલી મૂકીને તારી સાથે રહેવા ન આવત. અને આમેય તને તો જૂની ચીજવસ્તુઓ પ્રત્યે નફરત છે, પછી એ જૂનાપુરાણા હારમાં માટે તું કેમ આમ અકળાય છે ?’
ઈલાએ નીલેશને પૂછ્યું : ‘કેટલા પૈસા આપ્યા ?’
નીલેશે કહ્યું : ‘જો એ કાંઈ મેં બાને પૂછ્યું નથી. હારની સાથે સાથે બાએ બીજી બધી વસ્તુઓ પણ વેચી નાખી છે. બા કહેતાં હતાં કે, દોઢેક લાખ તો શૅરના જ આવ્યા હશે.’
‘શું વાત કરો છો ! આટલી મોટી રકમ ને બાએ આપણને પૂછ્યું સરખું નહીં !’
‘ઈલા, તું ઘરમાંથી નીકળી ત્યારે બાને તેં પૂછ્યું હતું ? છેલ્લી ઘડી સુધી એ વાતની તો તેં એમને ગંધ પણ આવવા ન દીધી.’
ઈલાએ નીલેશને કહ્યું : ‘તમારે બાને ભાર દઈને કહેવું હતું ને કે…’
નીલેશે અકળાઈને કહ્યું : ‘ઈલા, મોડી રાતે મારે તારી સાથે એ વિશે હવે વાદવિવાદ નથી કરવો.’
ઈલાએ કહ્યું : ‘તમારે વાત ન કરવી હોય તો ન કરશો, પણ હું તો કાલે જઈને બા સાથે વાત કરીશ. એમની હયાતીમાં જ એ ઘર આપણા નામે કરાવતી આવીશ.’
નીલેશ હસીને બોલ્યો : ‘ઈલા, એ માટે તું મોડી પડી છે. બાએ મકાન અને બૅન્કની રોકડ રકમ એમના મૃત્યુ બાદ અનાથ આશ્રમને મળે એવી વ્યવસ્થા કરી છે.’

રાત ઈલાની આંખોને ઉજાગરો કરાવતી રહી. ઈલા આખી રાત વિચારતી રહી. બા સાથે કેવી રીતે વાત કરવી ? બાને કઈ રીતે રોકવાં…. એમની સાથે પ્રેમભર્યો વર્તાવ કરવો કે પછી લઢી-ધમકાવીને દીકરા-વહુનો હક્ક જાહેર કરવો !

ઘરનું કામકાજ પતાવીને ઈલા જ્યારે બાના ઘર આગળ આવીને ઊભી રહી ત્યારે એ પળ વાર સ્તબ્ધ થઈ ગઈ. ઘરનું રંગરોગાન થઈ ગયું હતું. લતાબહેન ઓટલા ઉપર ઊભાં રહીને ચારપાંચ બહેનો સાથે હસી હસીને વાતો કરતાં હતાં. ઈલાનો એ બહેનો સાથે એમણે પરિચય કરાવ્યો. એમાંથી એક બહેન બોલી ઊઠ્યાં : ‘ઈલાબહેન, તમારાં સાસુ, તમારો અને નીલેશનો ઉપકાર માને છે. તમે એમને છોડીને ન ગયાં હોત તો આ પ્રકારની સેવા કરવાનું તેમને સૂઝયું ન હોત. એમનું જીવન ઘરની ચાર દીવાલોમાં જ પૂરું થઈ ગયું હોત. એમની પાસેથી અમારી જેવી બહેનોએ ઘણું બધું શીખવાનું છે. આ ઉંમરે એમનું જીવન જાણે ફરી મહેકવા માંડ્યું. એમની મદદ ન હોત તો અમે અહીં બહેનો માટે વિવિધ પ્રવૃત્તિના કલાસ ન ખોલી શક્યાં હોત.’

ઈલા બાનું એ નવું રૂપ જોઈ જ રહી. તેણે બાનાં ચરણ સ્પર્શ કરીને કહ્યું : ‘બા, મને માફ કરજો.’ લતાબહેન એનો હાથ પકડીને બોલ્યાં : ‘પ્રતિકુળ પરિસ્થિતિમાંથી સારું શોધી કાઢવાની મારી ટેવે મને આજે અહીં પહોંચાડી છે.’ ઈલાને હીંચકા પર બેસાડીને તેઓ એની સાથે બેસી ગયાં. એમણે હીંચકાને એક ઠેસ મારી…. હીંચકો હીંચતો રહ્યો.

[કુલ પાન : 118. કિંમત રૂ. 65. પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાતચીતની કલા – રમણલાલ વ. દેસાઈ
હળવાશની પળોમાં – નારાયણ દેસાઈ Next »   

17 પ્રતિભાવો : પાનખરની કૂંપળ – વસુધા ઈનામદાર

 1. nayan panchal says:

  સરસ વાર્તા. મને ત્રણ વાત ખૂબ ગમી.

  ૧. ક્ષમા

  “નીલેશ એમની માયા-મમતાને વિનાકારણે ઠુકરાવીને જતો રહ્યો. એ આઘાત એમણે સહી લીધો અને એ વિશેની કડવાશ સમજપૂર્વક કાઢી નાખી.” બા આ બધુ એટલા માટે કરી શક્યા કારણ કે તેમણે નીલેશ અને ઈલાને દિલથી ક્ષમા કરી દીધા. જો બાએ એવુ ન કર્યુ હોત તો તે પોતે પણ કદાચ આ બધુ ન કરી શક્યા હોત.

  ૨. સકારાત્મક અભિગમ

  It’s better late than never. બાએ ખૂબ જ સમજી વિચારીને પોતાના જીવનને મોટી ઉંમરે પણ યોગ્ય દિશા આપી. ખૂબ જ સરસ.

  ૩. બાપુજીની દૂરદર્શિતા

  જો મકાન બાના નામે ન હોત તો?
  જો બા પાસે ઘરેણા-શેયર્સ ન હોત તો?

  નયન

 2. Rupal says:

  Very good story.

 3. urmila says:

  If Ba didnot have the house and her jewellery – Ba would have been on the streets – thanks to her husband that he though of her future – this is happening to older generation all the time in this day and age – articles like these will make older generation think of their safety and security

 4. Samir says:

  Shame on Nilesh and all those sons who desert their parents in old age

 5. jawaharlal nanda says:

  since in this era, positive attitude must be creat in mind, thinking , which u r doing through this pages, well done, go ahead, keep it up please, yehi to hai sachi samajseva

 6. DHIREN SHAH says:

  NICELY ORGANISED MODERN STORY FOR INDIAN WOMEN WHO WILL HAVE TO FACE AND SO MANY RICH AND POOR WOMEN ARE FACING THE SAME SITUATION IN INDIA, BUT DO NOT GET SUCH IDEAS TO LIVE LIFE
  IN LATER PART OF LIFE AND BELIEVE THAT THIER ONLY SUPPORT IN LIFE
  IS THIER SON OR DAUGHTER.

  IT IS NICE IDEA ,BRAVE AND COURAGE IF WOMEN START TO LIVE IN SOCIETY…..

  DHIREN SHAH WITH INDIAN REGARDS

 7. Soahm says:

  A Perfect slap on the face or Nilesh and Ila. Couldn’t be better and a nice end of the story. Just like the hinchako.. Ila didnt realize in what direction to go where as Latabahen’s life was in perfect harmony!!!

  nice….

 8. Mitali Lad says:

  Very good story. One thing I learn from it that there is always negative and positive aspect of every situation in life. I like the way baa has taken the positive aspect of the situation and went in the direction which made her fulfilled something which she wants, even at this stage of life. Very good lesson to learn for all the ladies at this age. Instead of feeling pity or sad, that your chid has left you in old age, she has taken this opportunity to make her wishes come true and enjoy life.

 9. Palakh says:

  A thoughtful story. After reading this story and other such type of stories, I always think has the world really changed so much. Is this a story or a part of reality. If it is a reality than shame on this generation to ignore the feelings of elders. However, I have not seen any of my relatives or friends treating their parents in this harsh manner. Infact I have seen the opposite where children respect their parents feelings, take into consideration of their parents comforts. So I would request, to publish more articles or stories where kids really take good care of their parents after they grow old. I think by reading more positive stories, it will have a positive impact on us.

 10. Anonymous says:

  I agree with Palakh. I have seen more cases where children take really good care of the parents and consider their parents feelings and comforts equal in their life. So instead of creating negative impact on the society I would publish such stories where children do everything and anything for their parents and I am sure there are such stories outside.

 11. I am simlply speachless…. I don’t know what to comment… Baa is my hero… and idol….

 12. niraj says:

  બહુજ સુદર વાર્તા………………….બા એ જ કર્યુ તે બરબર જ કર્યુ

 13. Jinal says:

  ખુબ જ સરસ!! Approach is very approachable(!!!) and excellent understanding.

 14. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  પોપડા ઉખડી ગયેલી દિવાલો જ પીઠ્બળ બની રહી.

 15. Rajni Gohil says:

  This truly shows the strength of positive attitude. When there is a will there is a way.

  કર્મની ગતિ કેવી ન્યારી છે. ભગવાને લતાબહેનને જે તક આપી તે ઝડપી લઈ લતાબહેને ભગવાનને ગમે એવું સત્કાર્ય કરી બતાવ્યું. આપણે પણ આ બોધદાયક વાર્તા પરથી લતાબેનની માફક પ્રતિકુળ પરિસ્થિતિમાંથી સારું શોધી કાઢવાની ટેવે પાડી શું સત્કાર્ય કરવાનુ ન શીખી શકીએ?

  પ્રત્યવાયો ન વિધ્યતે. એટલે કે આ દુનિયામાં દુઃખ છે જ નહીં. લતાબહેને એવું જીવન જીવીને સાબિત કરી આપ્યું. આ સુંદર વાર્તા વાંચીને આપણને બોધ મળે છે કે દુઃખ માંથી પણ સુખ શોધવાની ચાવી આપણી અંદર પડી છે તે આપણે ગોતી શકીએ તેમ છીએ, જો પ્રયત્ન કરીએ તો! સુપ્તસ્ય સિંહસ્ય મુખે મ્રુગાઃ ન પ્રવિશ્યન્તિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.