હળવાશની પળોમાં – નારાયણ દેસાઈ

[ ‘ગાંધી-સાહિત્ય’ વાંચનનો જેને શોખ હોય અને તેના સંગ્રહમાં જો ‘મારું જીવન એ જ મારી વાણી’ પુસ્તક ન હોય તો કદાચ તે વ્યક્તિનું વાંચન અઘૂરું ગણાય – એટલા સુંદર અને લોકપ્રિય પુસ્તકમાંના તૃતિયખંડમાંથી આ લેખ (સંક્ષિપ્તમાં) સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક ચાર ખંડમાં વહેંચાયેલું છે. ઉત્તરરામચરિત માનસની જેમ ગાંધીજીના સ્વતંત્રતા પહેલાંના તેમજ સ્વતંત્રતા પછીના અનેક જીવનપ્રસંગો ખૂબ વિસ્તારથી વર્ણવેલા છે. ચાર ખંડના સંપુટની કિંમત રૂ. 1500 છે. પ્રાપ્તિ સ્થાન છે : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-380014.]

maarujivenvani‘ઈશ્વરની કૃપા અપરંપાર છે. લોકોને કહેજો કે સત્ય અને અહિંસા ન છોડે, પાછી પાની ન કરે, પોતાનું સર્વસ્વ અર્પણ કરે અને સ્વરાજ મેળવે.’ ચોથી જાન્યુઆરીને મળસકે સવારની પ્રાર્થના કરતાંયે પહેલાં, જ્યારે મુંબઈની પોલીસ ગઈ વખતની માફક જ, વિક્ટોરિયા રાણીનો અમલ થયો એનાયે પહેલાંના સન 1827ના 25મા ‘રેગ્યુલેશન’ મુજબ ગાંધીજીની ધરપકડ કરવા આવી ત્યારે તેમણે વલ્લભભાઈને ચિઠ્ઠી લખીને ઉપર મુજબનો પોતાનો સંદેશો હિંદુસ્તાનની જનતા સારુ પાઠવ્યો હતો. તેમને એ ખબર નહોતી કે વલ્લભભાઈ પણ તે જ દિવસે ગિરફતાર થઈને યરવડાની જેલમાં એમની જ ખોલીમાં આવવાના હતા.

સરકારના દૂતો પકડવા આવ્યા ત્યારે ગાંધીજી તો ભર નિદ્રામાં હતા. દેવદાસ ભાઈએ ઉઠાડીને કહ્યું : ‘જેની રાહ જોતા હતા તે દૂતો આવ્યા છે.’ ગાંધીજીએ મૌનમાં જ સ્મિત કર્યું. પોલીસ સાથે જવા તૈયાર થતાં વચ્ચે થોડી મિનિટો ફાજલ પાડી ગાંધીજીએ અમદાવાદના મજૂરોને સારુ એક સંદેશો લખી કાઢ્યો : ‘તમે લાજ રાખજો. દારૂ છોડજો. ખાદી જ પહેરજો, સંપીને રહેજો. અનસૂયાબહેન અને શંકરલાલ કહે તેમ કરજો, તમારાં બાળકોને ભણાવજો. કામ નેકીથી કરજો. તમારા હકો સાચવતાં માલિકોની સાથે વેર ન કરતા, સ્વરાજ-યજ્ઞમાં પૂરો ફાળો આપજો.’

કોઈકે સૂચવ્યું કે મૌન છોડીને જેલ જતાં પહેલાં કાંઈક કહો. પણ મૌનના વ્રતમાં વ્રત લીધું ત્યારથી નિયમ એ હતો કે કોઈ સંકટમાં હોય અને તેમના મૌન છોડવાથી તેને આશ્વાસન અથવા સહાય મળે એમ હોય તો તેને સારુ મૌન તોડી શકાય. અસાધારણ પ્રસંગોએ પોતાની કે બીજાની માંદગી કે બીજા સંકટ સારુ મૌન છોડી શકાય એવો એ અપવાદ હતો. પણ જેલ જવાની તો મુંબઈ બંદરે પગ મૂક્યો અને સાથીઓ પાસેથી સમાચારો સાંભળ્યા ત્યારથી જ વાટ જોતા થઈ ગયા હતા. એટલે એમણે એ પ્રસંગને મૌન છોડવા લાયક અસાધારણ પ્રસંગ નહીં માન્યો હોય. ગાંધીજીએ અમેરિકન તત્વચિંતક હેનરી ડેવિડ થોરોનું પેલું અમર વાક્ય તો હિંદની પ્રજાને ગોખાવ્યું જ હતું કે ‘અન્યાયી રાજ્યમાં ન્યાયી માણસનું યોગ્ય સ્થાન જેલમાં છે.’ તેથી ગાંધીજીને મન જેલ જવું એ અસાધારણ ઘટના નહોતી, મહત્વની ઘટના ભલે હોય. જીવનના દરેક મહત્વના પ્રસંગે યાદ કરતા હતા તેમ તેમણે ચિઠ્ઠી લખીને ‘વૈષ્ણવજન’ ગાવાનું સૂચન કર્યું. લોર્ડ વિલિંગ્ડન જ્યારે આખા દેશને જંજીરોમાં નાખવા સારુ જડબેસલાક ચોકઠું ગોઠવી રહ્યા હતા ત્યારે ગાંધીને અમદાવાદના મજૂરોને નેકીથી જીવવાનો મંત્ર આપવાનું સૂઝતું હતું અને પોતાને સારુ નેકીથી જીવવાની વ્યાખ્યા તેમને નરસિંહ મહેતાના આ ભજનમાં દેખાતી હતી.

ગાંધીજીના આંતરિક ઘડતરમાં સ્વપુરુષાર્થ ઉપરાંત જેમ સર્વ ધર્મોના આદરપૂર્વક કરેલા અધ્યયન દ્વારા મેળવેલ સારરૂપ બોધ કામ કરતો હતો, તેમ જ નાનપણથી સાંભળેલાં, ગાયેલાં કે ઝીલેલાં ભજનોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સંતોની વાણીમાં એમને ભારતીય સંસ્કૃતિનો સાર સર્વજનસુલભ થઈને ઊતરી આવેલો લાગતો હતો. નરસિંહ મહેતાના આ ભજનમાં તેમને ગીતાના જ્ઞાની, કર્મયોગી, ભક્ત કે સ્થિતપજ્ઞનાં લક્ષણો લોકભોગ્ય ભાષામાં ઊતરેલાં લાગતાં હતાં. એમનું પિંડ ભજનોથી બંધાયેલું હતું. સર્વ ધર્મના તત્વજ્ઞાનને તેઓ બુદ્ધિથી તપાસતા પણ તેના તત્વને હૃદયથી ઝીલતા. આ ભજનો એમને સારુ જેટલાં સ્વાભાવિક હતાં એટલાં જ તે લોકો આગળ પોતાના તત્વજ્ઞાનને પહોંચાડવાનાં સહજ માધ્યમો પણ હતાં.

યરવડાની જેલ ગાંધીજીને માટે જૂની ને જાણીતી હતી. ઉપરાંત તે સરળ અને સુખદ પણ હતી. તેઓ કહેતા : ‘ખરી જેલ તો દક્ષિણ આફ્રિકામાં ભોગવી. ગાળો ખાધી, માર ખાધા, સખત મજૂરી કરી. માર અલબત્ત જેલ અધિકારીને હાથે નહીં પણ ભયંકર ગુના કરીને આવેલા સાથી ક્રિમિનલ કેદીઓને હાથે.’ એ જેલમાં ન તો કોઈ પાયખાનાની સુચારુ વ્યવસ્થા. ખાવામાં દહાડામાં ત્રણ વખત મકાઈની કાંજી. અઠવાડિયામાં ત્રણ વખત બે દિવસ ભાત – એટલે એકલો ભાત, દાળશાક વિનાનો અને બે દિવસ વાલ – તે કેવળ ઉકાળેલા. ગાંધીજીને જે ખોલીમાં રહેવાનું હતું તે માંડ ત્રણચાર ફીટ પહોળી અને છ ફીટ લાંબી હતી. હવા માટે સાવ ઉપર નાનકડી બારી. મહેનત-મજૂરીનાં કામો પણ ત્યાં ખૂબ કરાવતા. યરવડાની જેલ તો એની સરખામણીમાં મહેલ જેવી – ગાંધીજીને ખાસ અલગ વિભાગમાં રાખવામાં આવ્યા હતા. એમનાં કામકાજ કરવા સારુ ક્રિમિનલ કેદીઓ આવતા અને સૌથી મોટી વાત તો એ કે અહીં ભીડ નહોતી, પણ સોબત હતી. વલ્લભભાઈ તો પહેલા દિવસથી સાથે હતા. મહાદેવભાઈને માર્ચ માસથી સાથે લાવીને રાખ્યા. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો ‘સેવક, ખેડૂત અને હમાલ’ ની આ ટોળી પરસ્પરની એકાત્મતાને લીધે અપૂર્વ હળવાશ, ઉમંગ અને આનંદ અનુભવી રહી હતી. જેલ બહાર જેટલી પ્રવૃત્તિઓમાં ત્રણે રોકાયેલા રહેતા હતા એટલી પ્રવૃત્તિઓ અંદર કરવાની નહોતી. તેથી પ્રમાણમાં નવરાશ હતી. આઝાદીના જંગમાં ફરી એક વાર જેલ જવાની તક મળવાથી ઉમંગ હતો અને ત્રણેને એકબીજાની સત્સંગતિનો આનંદ હતો.

સવારની ચા ની મહાદેવભાઈએ તો હા કહી હતી. પરંતુ, ‘અહીં બાપુની સાથે આવીને હવે શું ચા પીવી ? આપણે તો એ જે ખાય તે ખાવું એમ ઠરાવી દીધું. ચોખા છોડ્યા, શાક બાફવાનું ઠરાવ્યું અને બે વખત દૂધરોટી ઠરાવી, બાપુ પણ રોટી ખાય છે.’ સરદારના આ નિશ્ચયથી પ્રોત્સાહિત થઈને મહાદેવભાઈએ પણ ચા છોડી. ગાંધીજીની અંગત સેવાનાં ઘણાં કામો મહાદેવભાઈ માર્ચ માસમાં યરવડા આવ્યા તે પહેલાં જ સરદારે ઉપાડી લીધાં હતાં. ગાંધીજીએ જાતે જ પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખેલી. તેઓ કહે : ‘એક દિવસ માત્ર વેંતનો રૂમાલ લઈને જ નહાવાના ઓરડામાં ગયો, નાહી રહ્યા પછી જોયું કે ટુવાલ ભૂલી ગયો છું. એટલે પેલા રૂમાલને નિચોવીને એનાથી શરીર લૂછ્યું. રોજ કપડાં બદલવાનું તો રાખ્યું જ નથી અને હવે તો આ ટુવાલ વિના પણ ચાલે એમ જોયું…. પછી ધોવાનું શું હોય !’ મહાદેવભાઈએ બંને જણની સેવાનું કામ પોતાને માથે લઈ લીધું. સરદાર અને પોતાને માટે રસોઈ કરવી અને બાપુને માટે ટપાલ લખવી.

એક દિવસ સવારે ચાર ને બદલે ગાંધીજી ત્રણ વાગ્યે ઊઠી ગયા. ગાંધીજી ઊઠે ને મહાદેવભાઈ સૂતા રહે એવું તો બને નહીં. એમણે કહ્યું : ‘ટકોરા તો ત્રણ સાંભળ્યા.’ ગાંધીજીએ કહ્યું ‘ઊઠ્યા છીએ તો પ્રાર્થના કરી લઈએ.’ દાતણપાણી ને પ્રાર્થના કરી રહ્યા પછી ચાર વાગ્યા. લીંબુંનું પાણી અને મધ પીધાં. રોજ સાડા ચારથી સાડા પાંચ સુધી ગાંધીજી અને સરદારે ફરવાનો ક્રમ રાખ્યો. તે દિવસે ગાંધીજીએ સરદારને ઊંઘી જઈને બાકીની નિદ્રા પૂરી કરવા સૂચવ્યું. પણ સરદાર કહે, ‘આપણે તો તમારી પાછળ પાછળ જ ચાલવાના.’ પોતે શિસ્તબદ્ધ રહીને સરદારે શિસ્ત પળાવવાની તાકાત મેળવી હતી. છાપાં વિગતવાર વાંચવાનું અને બીજા સાથીઓનું ધ્યાન ખાસ સમાચારો ઉપર દોરવાનું કામ સરદારનું. એક દિવસ કસ્તૂરબાની ધરપકડના સમાચાર આવ્યા. મહાદેવભાઈએ કહ્યું કે આ વખતે બાને છ મહિનાની સજા થશે. ગાંધીજી એમની સાથે સંમત થયા અને કહ્યું કે ‘સી કલાસની સખત કેદની સજા થાય તો નવાઈ નહીં.’ સાંજના છાપામાં ખબર આવ્યા કે એમ જ થયું. ગાંધીજીના આનંદનો પાર ન રહ્યો, પણ સાથે એટલું બોલ્યા પણ ખરા કે ‘સાઠ વરસની ડોસીને સખત મજૂરી આપતાં એને શરમ નહીં આવી હોય ?’ વલ્લભભાઈને હસતાં હસતાં ગાંધીજીએ કહ્યું : ‘તમને ‘સી’ મળવો જોઈતો હતો’ વલ્લભભાઈ કહે, ‘મને કેમ્પ જેલમાં મોકલે તો બહુ રાજી થાઉં.’

સરદારને વપરાયેલાં કાગળોમાંથી સુઘડ પરબીડિયાં બનાવતા જોઈને ગાંધીજી એમના કૌશલ્ય પર ખુશ થતા. તેઓ માપ લીધા વિના માત્ર આંખથી જોઈને જ સરખા માપનાં પરબીડિયાં બનાવતા. એક દિવસ ગાંધીજીએ વિનોદમાં એમને પૂછ્યું : ‘સ્વરાજમાં હું લઈશ ચીપિયો અને તૂમડી !’ ગાંધીજીએ આવા હવાઈ વિચાર કરતા આગેવાનોને યાદ કરીને કહ્યું, ‘દાસ અને મોતીલાલજી પોતાના હોદ્દા ગણતા અને મહમદઅલી અને શૌકતઅલીએ પોતાને કેળવણીમંત્રી અને સરસેનાપતિ તરીકે ગણાવ્યા હતા. લાજમાં રહ્યા લાજમાં કે સ્વરાજ ન આવ્યું ને કશુંયે ન થયા.’

આ ત્રણ જણના ત્રિકોણમાં સૌથી વધારે હસાવનાર વલ્લભભાઈ હતા. એમના વિનોદમાં હંમેશાં પરિસ્થિતિ કે વ્યક્તિ વિશે નિર્મમ કટાક્ષ રહેતો. ગાંધીજી વિશે ટીખળ કરવાનું એ કદીયે ચૂકતા નહીં, પણ એ એમની સામે જ હોય. અને ઘણી વાર ગાંધીજી એનો વળતો જવાબ આપતાંયે ચૂકતા નહીં. ગાંધીજીને જે તે બીમારીના ઉપાય તરીકે સોડા લેવાનું સૂચવવાની ટેવ હતી. તે જોઈને કોઈ પણ આર્થિક, સામાજિક કે રાજનૈતિક પ્રશ્ન એ ત્રણ વચ્ચે ચર્ચાતો હોય તો સરદાર વચ્ચે જ કહી ઊઠતા, એમાં સોડા નાખો ની, એટલે પ્રશ્ન ઊકલી જશે ! અને બીજા બંને ખડખડાટ હસી પડતા. એક રાતે ગાંધીજી મહાદેવભાઈને કાગળો લખાવતા હતા. એક સરકારી પેન્શનર જેને દમનો વ્યાધિ હતો તે ગાંધીજી પાસે કાંઈ કુદરતી ઉપચારનું સૂચન માગતા હતા. મહાદેવભાઈએ કહ્યું કે આવા કાગળના ક્યાં જવાબ આપતા રહેશો ? ગાંધીજી ‘ભલે’ કહીને એ પત્રને છોડવા માગતા હતા, ત્યાં સરદાર બોલ્યા : ‘અરે લખો ની કે ઉપવાસ કર, ભાજી ખા, કોળું ખા, સોડા પી.’ ગાંધીજી ખડખડાટ હસ્યા અને બોલ્યા : ‘મહાદેવ એ કાગળ ઉપાડી લો, આપણે એને લખવું છે.’ અને મહાદેવે કચરાપેટીમાંથી એના ચાર ટુકડા ભેગા કરીને લખનારનાં નામ ને સરનામાં કાઢ્યાં.

સવારની પ્રાર્થના પછી ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીતા. ઊકળતું પાણી મધ અને લીંબુના રસ પર રેડે. પછી એ પાણી પીવા લાયક થાય ત્યાં સુધી વાટ જોતાં ત્રણે જણ સાથે બેસીને કાંઈક વાંચે. ગાંધીજીએ પાણી પર કપડાનો કટકો ઢાંકવા માંડ્યો અને એનું રહસ્ય મહાદેવને પૂછ્યું : ‘આ કટકો કેમ ઢાંકું છું ખબર છે ? નાનાં નાનાં એટલાં જંતુઓ હવામાં હોય છે કે તે પાણીની વરાળને લીધે અંદર પડવાનો સંભવ છે.’ વલ્લભભાઈએ તરત કહ્યું : ‘એટલી હદ સુધી આપણાથી અહિંસા ન પળાય.’ ગાંધીજીએ હસીને કહ્યું : ‘અહિંસા તો ન પળાય, પણ સ્વચ્છતા તો પળાય ના ?’ છાપાંઓ વાંચવાનો ઈજારો વલ્લભભાઈનો. એમાં એક નોંધમાં ગાંધીની રચનાત્મક ગફલતો (ગાંધીઝ કન્સ્ટ્રક્ટિવ વેક્યુઈટીઝ) શબ્દો વાંચી મહાદેવભાઈએ પૂછ્યું : ‘બાપુ આ રચનાત્મક ગફલત કેવીક હશે ?’ ગાંધીજી એનો જવાબ આપે તે પહેલાં જ વલ્લભભાઈએ જવાબ આપ્યો : ‘આજે તારી દાળ બળી ગઈ હતી ને, તેવી સ્તો !’ એમ તો વલ્લભભાઈએ ગાંધીજી જે ખાય તે ખાવાનો વિચાર રાખેલો, પણ મહાદેવ યરવડામાં આવ્યા ત્યાર પછી વલ્લભભાઈને મહાદેવના હાથની રસોઈ ખાવા લલચાવ્યા હતા. મહાદેવભાઈ અફસોસ કરતા રહ્યા કે વલ્લભભાઈ ત્રણ મહિના દાળ વિના રહેલા. આજે સારી દાળ ખાવાની આશા હતી, તે નિરાશ થયા હશે.’

ગાંધીજી જેલવાસને આત્મશુદ્ધિની પ્રક્રિયા માનતા હતા, સોનું જેમ વધુ તપે એમ તે વધુ શુદ્ધ થઈ જાય તેમ. એટલે જ તેમણે મહાદેવભાઈને કહ્યું હતું : ‘બે-એક વરસ આમનું આમ ચાલ્યા કરે તો આપણો બધો મેલ અને સડો દૂર થઈ જાય અને પછી આપણે બરોબર અધિકાર ભોગવવાને લાયક થઈ જઈએ.’ ગાંધીજી પોતાનો બોજો સાથીઓ ઉપર અને સરકાર ઉપર પણ ઓછામાં ઓછો પડે એવી રીતે વર્તતા. પણ બીજાની મુશ્કેલીની વાત જાણે તો એને મદદ કરવા બને એટલું બધું કરી છૂટતા. આથી કેદીઓ અંગે ચિંતા કરવી અને તેઓ કેદી તરીકેનો અધિકાર અને સાથી તરીકેનું કર્તવ્ય સમજતા. તેથી યરવડા જેલના બીજા કેદીઓના સમાચાર મેળવવા કે એમને તકલીફ હોય તો કાંઈક ઉપાય સૂચવવા જેલના અધિકારીઓ જોડે તેમની વાતચીત પણ થતી અને ઘણી વાર તો ઠેઠ ઉપલા અધિકારીઓ જોડે પત્રવ્યવહાર પણ થતો. વલ્લભભાઈ સારુ આગ્રહ કરીને ગાંધીજીએ મહાદેવભાઈ પાસે રંધાવીને તેમને અનુકૂળ આવે તેવું ખાવાનું આપવાની શરૂઆત કરાવી. સરદારને રાત્રે મચ્છરથી ઊંઘ નહોતી આવતી એ સાંભળી એમને મચ્છદરદાની મળવી જોઈએ એવો કાગળ જેલરને જાતે લખ્યો અને રવિવાર હતો છતાં એ પત્ર જેલરને ઘેર પહોંચાડવાની વૉર્ડરને સૂચના કરી. પોતે રાતે પેશાબ કરવા ઊઠે ત્યારે એમની પાવડીના ખખડાટથી મહાદેવ જાગી જાય છે એમ જાણ્યું એટલે પાવડી છોડી ચંપલ પહેરવા માંડ્યાં અને પેશાબખાનામાં જવાનું બંધ કરીને પાત્ર પોતાની પાસે રાખવા માંડ્યું. જ્યાં સુધી બીજા ઓરડામાં જવું પડતું ત્યાં સુધી મહાદેવભાઈ જાગી ન જાય એની કાળજી રાખીને થોડે દૂરથી પસાર થતા. પોતે બજારમાંથી ફળ નહોતા મંગાવતા પણ હરિદાસ નામના સાથી કેદી માંદા હતા તો એમને માટે બજારમાંથી ફળ આવવાં જ જોઈએ એવો આગ્રહ રાખ્યો.

જેલવાસ દરમિયાન ગાંધીજીનો અભ્યાસ તો સતત ચાલુ જ રહેતો. યરવડાની આ વખતની જેલનો નવો વિષય હતો ખગોળશાસ્ત્ર. રોજેરોજ આકાશદર્શન પણ કરે અને એને અંગેનું સાહિત્ય પણ વાંચે. ઘનશ્યામદાસ બિરલા પાસે મુદ્રા વિશેનાં ઘણાં પુસ્તકો મંગાવી લીધેલાં. જેલમાંથી પત્રો લખવાની પણ ગાંધીજીને છૂટ હતી. એમાં રાજકીય વિષયનો ઉલ્લેખ ન થવો જોઈએ. જેલના તંત્ર કે વ્યવસ્થા વિશે ફરિયાદ ન હોવી જોઈએ એવી શરત હતી, જે ગાંધીજીને માન્ય હતી. તંત્ર વિશેની ફરિયાદ હોય તો તેઓ જેલ અધિકારીઓને કરતા ખરા, પણ બીજા કોઈને કરતા નહીં. જતા અને આવતા બધા પત્રો વાંચવામાં આવતા અને અધિકારીને જ્યાં જરૂર લાગે ત્યાં એની ઉપર કાપકૂપી પણ કરવામાં આવતી. ગાંધીજીના લખેલા પત્રોમાં કાપકૂપ થવાની કોઈ ફરિયાદ નહોતી આવી. ગાંધીજીએ પોતે જ મર્યાદા સ્વીકારી લીધી હતી અને પોતાની જાતના પરીક્ષક એ બીજા કોઈ કરતાં પણ વધુ કડક હતા. ગાંધીજીના મત મુજબ એમના પત્રવ્યવહારના બે ઉદ્દેશો હતા : શિક્ષણ અને નૈતિક-આધ્યાત્મિક વિકાસ. એ વિષયોને લઈને એમની પાસે પત્રો આવે તો એનો જાતે જવાબ આપતા અથવા મહાદેવભાઈ પાસે લખાવીને પોતે સહી કરતા.

અઠવાડિયામાં આશ્રમવાસીઓને ઉદ્દેશીને મોટું પરબીડિયું જતું, તેમાં થોડા મોટા પત્રો અને ઘણી બધી ચબરખીઓ જતી. એ પત્રોમાં આશ્રમના બાળકો, આશ્રમની બહેનો ન વિસરાઈ હોય. આ લેખકે તો પોતાના જીવનમાં પત્રવ્યવહારની શરૂઆત જ આનાથી કરેલી. લખતાંવાંચતાં શીખ્યો તે પહેલાં શરૂ થયેલો આ પત્રવ્યવહાર હતો ! આશ્રમના સંગીતશિક્ષક પંડિત નારાયણ મોરેશ્વર ખરે દર અઠવાડિયે બાળકોને જરૂર પૂછે કે એમને કાંઈ બાપુને પત્ર લખાવવો છે. મારા જેવા નિરક્ષર લોકો પંડિતજીને પોતાના લહિયા બનાવીએ અને પછી એક અઠવાડિયા સુધી એનો શો જવાબ આવે છે એની આતુરતાપૂર્વક રાહ જોઈએ. સામાન્ય રીતે ગાંધીજી આશ્રમનાં સર્વ બાળકોને ઉદ્દેશીને સંયુક્ત પત્ર લખતા અને એનું સંબોધન કરતા : ‘વહાલાં પંખીડાં’, પણ જો અમારા પત્રોમાં કાંઈક દમ હોય તો બાપુજી એનો સ્વતંત્ર જવાબ આપતા. એમ જેને નામે બાપુનો અલાયદો પત્ર આવે તેની બીજા બધા ખૂબ તારીફ કરતા. (કેટલાક કદાચ અદેખાઈ પણ કરતા હશે !) અમે કાંઈક કાંઈક પ્રશ્નો વિચારી વિચારીને પંડિતજી પાસે લખાવતા. એવો એક પત્ર મેં લખાવેલો જેનો આશય એવો હતો કે આશ્રમમાં ગીતા બોલાય છે, તેમાં અર્જુન તો નાનકડો પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ તો એને લાંબો જવાબ આપે છે, જ્યારે અમે તમને લાંબા લાંબા કાગળ લખીએ છીએ ને તમે કેમ અમને ટૂંકા ને ટચ જવાબ આપો છો. આ પત્ર પંડિતજી મારફત ગયો ત્યારે જ લોકોએ એનાં વખાણ કરેલાં. એટલે બાપુ અલગ કાગળમાં જવાબ આપશે એની રાહ મેં જોઈ. અને સાચ્ચે જ એમનો અલગ કાગળ આવી પહોંચ્યો : ‘કૃષ્ણને પૂછનાર એક જ અર્જુન એટલે તેને બધા મલાવા કાં ન સૂઝે ? ને વળી કૃષ્ણ રહ્યો જ્ઞાની. હું રહ્યો થોડા જ્ઞાનવાળો ને પૂછનારા અર્જુન કેટલા ? ગણ જોઈએ. બધાયને થોડું થોડું વહેંચી દઉં તો કેવડી અને કેટલી ગીતા થાય ? કેમ કે કૃષ્ણને તો એક જ વાર પૂછાયું. મને તો આટલા અર્જુન દર અઠવાડિયે પૂછે.’

યરવડાની જેલ, જેને ગાંધીજીએ ‘યરવડા મંદિર’ એવું નામ આપ્યું હતું ત્યાં ગાંધીજીએ સરદાર પટેલ અને મહાદેવભાઈની સંગતિમાં ગાળેલા કેટલાક હળવાશના મહિનાઓની આ વાત છે. આ મહિનાઓ દરમિયાન ત્રણેયે પોતપોતાની રીતે અનરવત વિકાસ કર્યો હતો : મહેનત દ્વારા, અધ્યયન દ્વારા, ચિંતન દ્વારા, વાર્તા અને વિનોદ દ્વારા. ગાંધીજી જેલવાસ દરમિયાન રાજનૈતિક પ્રશ્નો અંગે પત્રો દ્વારા કોઈને સલાહ આપતા નહીં. પરંતુ છાપામાં આવતા સમાચારનો સારાંશ તેમને સરદાર રોજેરોજ સંભળાવતા અને જરૂરી લાગે ત્યારે કેટલીક નોંધો અને લેખો પણ વંચાવતા. એ વિષયોની ત્રણે વચ્ચે ચર્ચા પણ થતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાનખરની કૂંપળ – વસુધા ઈનામદાર
પીડ પરાઈ જાણે ! – પ્રીતિ શાહ Next »   

27 પ્રતિભાવો : હળવાશની પળોમાં – નારાયણ દેસાઈ

 1. Raj says:

  બોલે તો બાપુ ને કમાલ કર દિયા. સરસ લેખ અને એથિ પન સરસ અને ઉમદા ગાધીજી ના વીચાર અને જીવન ચરિત્ર

 2. nayan panchal says:

  સરસ લેખ.

  સરદારની વિનોદવૃતિનો કોઈ જોડ નથી. બાપુની સૌથી મોટી સિધ્ધિ એ હતી કે એ પોતાની જાતને ૧૦૦% વફાદાર હતા. હું અંગત રીતે બાપુના ઘણા વિચારો જોડે અસહમ છુ.

  નયન

 3. સરદારની વાત જ અનોખી … !! 🙂 .. gr8 sense of humour ..

  એક બીજી આડવાત નજરમાં આવી …
  “…યરવડાની જેલ તો એની સરખામણીમાં મહેલ જેવી – ગાંધીજીને ખાસ અલગ વિભાગમાં રાખવામાં આવ્યા હતા. એમનાં કામકાજ કરવા સારુ ક્રિમિનલ કેદીઓ આવતા અને સૌથી મોટી વાત તો એ કે અહીં ભીડ નહોતી, પણ સોબત હતી. વલ્લભભાઈ તો પહેલા દિવસથી સાથે હતા. મહાદેવભાઈને માર્ચ માસથી સાથે લાવીને રાખ્યા. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો ‘સેવક, ખેડૂત અને હમાલ’ ની આ ટોળી પરસ્પરની એકાત્મતાને લીધે અપૂર્વ હળવાશ, ઉમંગ અને આનંદ અનુભવી રહી હતી. જેલ બહાર જેટલી પ્રવૃત્તિઓમાં ત્રણે રોકાયેલા રહેતા હતા એટલી પ્રવૃત્તિઓ અંદર કરવાની નહોતી. તેથી પ્રમાણમાં નવરાશ હતી. આઝાદીના જંગમાં ફરી એક વાર જેલ જવાની તક મળવાથી ઉમંગ હતો અને ત્રણેને એકબીજાની સત્સંગતિનો આનંદ હતો…”

  મને લાગે છે .. જ્યારે આપણા કેટલાક વર્તમાન રાજકારણીઓના જેલવાસ દરમિયાન એમને મળતી અસામાન્ય સવલતોની પાછળ આ બનાવનો મહત્વનો ભાગ હોઈ શકે !!! 😀

 4. વીરેન્દ્ર પંડ્યા says:

  લેખ વાંચી ખૂબ આનંદ થયો. મોહનદાસ એમ જ કંઈ આખા દેશના બાપુ બની ગયા? એમનું સંપૂર્ણ જીવન ઉદાહરણીય હતું. આ એક અંશ પ્રસ્તુત કરવા બદલ આભાર.

 5. Maharshi says:

  ખુબ મજા આવી. વધુ લેખો વાંચવા મળે તો આનંદ થશે.

 6. H.P.Jhala says:

  નારાયન દેસાઈની વાત અને લેખ સરસ.
  બાપુ વિસે બહુ માહિતિ મલે.

 7. Soahm says:

  વિક્ટોરિયા રાણીનો અમલ થયો એનાયે પહેલાંના સન 1827ના 25મા ‘રેગ્યુલેશન’ મુજબ ગાંધીજીની ધરપકડ કરવા આવી . Shouldn’t that be 1927 instead of 1827??

  Otherwise just amazing.. I think I should get this for my personal librabry..

  Mrugesh Bhai, thank you for this amazing effort and keep it going on and on.

  Good Luck!!

 8. ચાંદસૂરજ says:

  કેટલુ પ્રમાણિક એમનું જીવન હતું કે ક્યાંય પોતા માટે પ્રમાણિકતાના સિધ્ધાંતોના આચરણમા જરાપણ “બાંધ છોડ કરવી” જેવા આચારવિચારને અવકાશ નહતો.

 9. pragnaju says:

  સર્વાંગ સુંદર-
  આવા લેખ અવાર નવાર જરુર પીરસજો
  “અસાધારણ પ્રસંગોએ પોતાની કે બીજાની માંદગી કે બીજા સંકટ સારુ મૌન છોડી શકાય એવો એ અપવાદ હતો” વિનોબાજી એ પણ આવા પ્રસંગે મૌન તોડેલું તો ચોખલીયાઓએ તેને રાજકીય મૌન ગણ્યુ હતું!નારાયણ દેસાઈની ઓડીઓ મૂકી શકાય તેમ હોય તો વેબ પર મૂકવા વિનંતી

 10. Saroj Raiyani says:

  Audio C Ds of Gandhi Katha narrated by Shri Narayan Desai at Gujarat vidyapith are avalable at Navjivan, Ahmedabad.

 11. તરઁગ હાથી, ગાંધીનગર says:

  મે ક્યાંક સાંભળ્યું હતું કે હંમેશા સાચું અને હકારાત્મક વિચારો કારણકે ”ચર” વાસ્તુ દિવસ માઁ એક વાર તથાસ્તુ બોલે છે એટલે તે સમયે બોલાયેલું અથવા તે સમયે વિચારવામાં આવેલ વિચાર સત્ય સાબિત થાય છે.

  આ વાક્ય કહેવા પાછળ એક હેતુ છે કે હંમેશા વર્તમાનમાં જીવો અને બને ત્યા સુધી સાચું અને હકારાત્મક જીવો.

  ગાંધીજી હંમેશા સાદું, વર્તમાનમાં અને સાચું અને હકારાત્મક જીવ્યા. સાદગી માં આનંદ છે તે સત્ય છે. ગાંધીજી એ સાદા જીવન ની વ્યાખ્યા આપી હતી તે વિશે જરા માહિતી મળશે તો આનંદ થશે. આજે આપણે સાદુ જીવન જીવી શકીએ તોય ઘણું.

  તરઁગ હાથી ગાંધીનગર

 12. Sir , thanksfor your collection, Please add such articles at a regular interval.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.