પીડ પરાઈ જાણે ! – પ્રીતિ શાહ

[‘નવચેતન’ સામાયિક માર્ચ-2004 માંથી સાભાર.]

nikita1જીવનવિજેતા કોણ ? અપાર આપત્તિઓની આંધીની વચ્ચે પોતાના જીવનદીપકનું તેજ દઢ મનોબળથી જાળવી રાખે તે ? આવી વ્યક્તિઓ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી હોય છે અને પોતાના સત્વથી આફતોને હસતે મુખે સહન કરતી હોય છે. સમાજમાં તમને આવી વ્યક્તિઓ તો જોવા મળે પરંતુ એવી વ્યક્તિઓ વિરલ છે કે જે સ્વયં જીવનસંઘર્ષ ખેડતાં ખેડતાં પોતાના જેવી સ્થિતિમાં મથામણ કરનારાઓને મદદ કરે. પોતાનું દુ:ખ અને યાતનાને અળગી કરીને એ બીજાનાં દુ:ખ અને યાતના ઓછાં કરવા પ્રયત્ન કરે. વિરલ હોય છે આવી પ્રતિભા અને એવી એક પ્રતિભા છે નિકીતા ઘીયા. આ નિકીતાએ માત્ર દસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. એણે અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ કર્યો.

અગિયારમા ધોરણની પરીક્ષા આપીને વેકેશન માણવા મુંબઈ ગઈ. આ સમયે એક વાર એનાં મામીએ નિકીતાના હાથ જોયા, તો સાવ પીળા પડી ગયેલા. આ જોઈને એમને આશ્ચર્ય થયું અને નિકીતાને ડૉક્ટરી તપાસ માટે લઈ ગયા. કમળો હોવાની શંકા હતી પણ લોહીની તપાસ કરતાં માત્ર ચાર ટકા હિમોગ્લોબિન હોવાનું માલૂમ પડ્યું, પરંતુ એથીયે મોટો વજ્રઘાત તો એ થયો કે નિકીતાની બંને કિડની 90 ટકા કામ કરતી નહોતી. વસંત આવતા પહેલાં પાનખર ચોપાસથી તૂટી પડે એવી આ ઘટના બની. 1984ના જૂનમાં આ નિદાન થયું અને નિકીતાને મુશ્કેલીઓ પડવા માંડી. નિકીતાની સ્થિતિ ગંભીર બનતી હતી. એની મમ્મીએ એને કિડની આપવાનું નક્કી કર્યું. 1986માં મુંબઈની બીચકેન્ડી હૉસ્પિટલમાં નિકીતામાં કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. આ માટે એને છ મહિના મુંબઈ રહેવું પડ્યું. આ સમયે દવાની આડઅસરો એના દેહ પર દેખાવા લાગી. 25 કિલો જેટલું વજન વધી ગયું. સ્ટીરોઈડને લીધે ચહેરા પર વાળ ઊગવા લાગ્યા અને માથાના વાળ ઊતરવા લાગ્યા. યૌવનના ઉંબરે પગ મૂકતી યુવતી માટે આ કેવી ભયાનક પરિસ્થિતિ કહેવાય ! ભણવાનું એનું એક વર્ષ પણ બગડ્યું. જોકે એ પછી એણે બી.કૉમ કર્યું પણ 1986થી નિકીતા નિરાશા અને હતાશાના અંધકારમાં જીવવા લાગી. 1989માં એની પ્રત્યારોપણ કરેલી કિડની પર અસર શરૂ થઈ અને સ્થિતિ વધુ ને વધુ બગડતી ગઈ. 1997થી ડાયાલિસિસ કરાવવાનું શરૂ થયું.

1986થી 1999 સુધીનાં તેર વર્ષો નિકીતાના જીવનના ડિપ્રેશનથી ભરેલા વર્ષો બની રહ્યાં. શા માટે પોતાને જ આવી બીમારી આવે ? શા માટે એને જ આટલી બધી વેદના સહેવી પડે ? આવે સમયે માતા રેણુકાબહેનનો મજબૂત સાથ મળી રહ્યો. એના મામાએ નિકીતાના જુસ્સાને ટકાવવા માટે તન, મન અને ધનથી સહાય કરી. માતાનો સ્નેહ અને મામા-મામીનો સાથ હોય પણ શરીરની સ્થિતિ કથળતી જતી હતી. ડાયાલિસિસ કર્યું ત્યારે છ મહિના પથારીવશ રહેવું પડ્યું. 1997ના જૂન મહિનાથી નડિયાદની હૉસ્પિટલમાં એને અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ માટે જવું પડતું હતું. અપાર વેદના અને આકરા દુ:ખની તાવણીમાંથી પસાર થવું પડ્યું.

નિકીતાના જગતમાં ચોપાસ વ્યથા, વેદના અને અંધકાર હતાં. એક બાજુ દેહની પીડા વધતી હતી અને બીજી બાજુ હતાશા જીવનને રહેંસી નાખતી હતી. આ સમયે કાળા આકાશમાં કોઈ વીજળીનો અણસાર થાય એ રીતે નિકીતાના જીવનમાં એક નવી રોશની ફેલાઈ. 1999માં એના મિત્ર મકરન્દનું આરંગેત્રલ જોયું. એના મનમાં વસતો કલાકાર નૃત્ય કરવા માટે થનગની રહ્યો. એને નૃત્ય કરવાની અદમ્ય ઈચ્છા થઈ. આવીને પોતાની માતાને કહ્યું : ‘મારે નૃત્ય કરવું છે.’ જ્યાં જીવનની આવી અકથ્ય વેદના હોય ત્યાં કલા ક્યાંથી આવી શકે ? કિડનીની આટલી મુશ્કેલી હોય ત્યાં નૃત્ય કઈ રીતે થઈ શકે ? શરીરના અંગમરોડ, પગની ગતિશીલતા, ચહેરા પર ભાવપ્રદર્શન – એ બધું કઈ રીતે શક્ય બને ? આમ છતાં માતાએ કહ્યું કે ડૉક્ટર સંમતિ આપે તો જરૂર તું નૃત્ય કર. અને ડૉક્ટરની સંમતિ મળતાં એનો મિત્ર મકરન્દ એને એના ગુરુ બીજૉય શિવરામ પાસે લઈ ગયો. ફરી નૃત્યશિક્ષા-દીક્ષાનો પ્રારંભ થયો. કલાનો પ્રેમ દેહની વેદનાના પાશવારને ઓળંગી ગયો.

nikita2નડિયાદની હૉસ્પિટલના સ્થાપનાદિનની ઉજવણી હતી. આ સ્થાપનાદિન સમયે હૉસ્પિટલના ડૉક્ટરો અને કર્મચારીઓ સહુ ભેગા મળે અને આનંદોત્સવ કરે. નિકીતાને મન થયું કે જે હૉસ્પિટલમાં એણે આટલી સારવાર લીધી તેના સ્થાપનાદિનનો આનંદ એ નૃત્યથી અભિવ્યક્ત કરે તો કેવું ? એણે હૉસ્પિટલના સંચાલકોને વિનંતી કરી. સંચાલકો વિચારમાં પડી ગયા. કિડની હૉસ્પિટલના કોઈ દર્દીને આ રીતે કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપી નહોતી. સંચાલકોએ પણ અંતિમ નિર્ણય ડૉક્ટરોને સોંપ્યો. ડૉ. રાજાપુરકરે પોતાના દર્દીનો જુસ્સો જોયો. આ છોકરીનો કલાપ્રેમ અને જીવનાનંદની ઈચ્છા એમને સ્પર્શી ગયાં. એમણે નિકીતાને હૉસ્પિટલના સ્થાપનાદિને ભરતનાટ્યમ કરવાની અનુમતિ આપી અને પોતાના આ દર્દીને કોઈ તકલીફ ઊભી થાય તો તરત દોડી શકાય તે માટે મંચની બાજુમાં સાત મિનિટ સુધી ઊભા રહ્યા. પંદર વર્ષના લાંબા ગાળા બાદ નિકીતા આ રીતે પોતાની નૃત્યકલા પ્રસ્તુત કરતી હતી. આરંગેત્રલ સમયે નિકીતા વિદ્યાર્થીની હતી અને આજે ગંભીર રોગની દર્દી હતી. આ સમયગાળામાં એ હતાશાના ડુંગર તળે કચડાઈ હતી પરંતુ એની કલાસાધનાએ એના જીવનમાં ઉત્સાહનો સંચાર કર્યો.

આ ઉત્સાહની વાટમાંથી પ્રેરણાનો દીપક ઝળહળી ઊઠ્યો. વાત એવી બની કે નિકીતાએ ડૉ. રાજાપુરકરનું જીવન જોયું. એમના અપાર ઉત્સાહ અને અગાધ અનુકંપા એને સ્પર્શી ગયાં. સવારના આઠ વાગ્યાથી મોડી રાત સુધી કામ કરે. કોઈ દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય અને રાત્રે બે વાગ્યે પણ ફોન કરે તો એને પ્રેમથી પ્રત્યુત્તર આપે અને નર્સ-ડૉક્ટરોને જરૂરી સૂચના આપે. કેવા નિષ્ઠાવાન આ ડૉક્ટર ! પરંતુ એ નિષ્ઠાવાન ડૉક્ટર પાસેથી નિકેએતાને પ્રબળ પ્રેરણા તો ત્યારે મળી કે જ્યારે એણે જાણ્યું કે આ ડૉક્ટરે ત્રણ-ત્રણ વખત બાયપાસ કરાવેલી છે. બીજી વ્યક્તિ પથારીવશ થઈને જીવે. એના જીવનની પ્રવૃત્તિઓ સંકેલી લે ત્યારે આ ડૉક્ટર તો અપ્રતિમ ઉત્સાહથી પોતાનું કાર્ય કર્યે જાય છે. નિકીતાને મનોમન સવાલ જાગ્યો કે જો ડૉ. રાજાપુરકર આવી શારીરિક સ્થિતિમાં પણ આટલી માનવસેવા કરે તો એ પોતે કેમ એ કરી શકે નહીં ? ડૉ. રાજાપુરકરની પ્રેરણાથી બે વાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલી યુવતી હૉસ્પિટલના ગ્રંથાલયમાં ઉત્સાહથી કામ કરે છે. એ જ રીતે તદ્દન નકારાત્મક વલણ ધરાવતી બોરસદથી આવતી યુવતી આ ડાયાલિસિસ સેન્ટરમાં સવારના 9 થી 4 વાગ્યા સુધી આજે કામ કરે છે. નિકીતાના ચિત્ત પર છવાયેલાં હતાશા અને નિરાશાનાં વાદળો હટી ગયાં અને એના જીવનમાં સેવાનો સૂર્ય ઊગી આવ્યો. એણે વિચાર કર્યો કે પોતાનું જીવન પણ શા માટે બીજાના ઉપયોગમાં ન આવી શકે ? એની પાસે નૃત્યકલા હતી અને એ નૃત્યકલા દ્વારા એણે માનવસેવા કરવાનો નિર્ધાર કર્યો.

બીજાને તો સેવાનું ક્ષેત્ર શોધવા જવું પડે પણ નિકીતાની તો સન્મુખ જ હતું. એણે જોયું કે કિડની હૉસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવતા ગરીબ દર્દીઓને અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવવાની જરૂર હોય, પરંતુ પૈસાના અભાવે માત્ર બે વાર જ કરાવતા. જેને બે વાર કરાવવાની જરૂર હોય તે માત્ર એક જ વાર કરાવતા. નિકીતાએ મનોમન નક્કી કર્યું કે આવા દર્દીઓને મદદ કરવી અને તે પોતાની નૃત્યકલા પ્રસ્તુત કરીને. આ કાર્યના શ્રીગણેશ જૂનાગઢમાં કર્યા. જૂનાગઢના મેડિકલ ડૉક્ટર કુશળ નૃત્યવિદ અને સ્નેહાળ સ્વજન હતા. આથી નિકીતાએ પહેલો ચેરિટી શૉ જૂનાગઢમાં કર્યો. એની ભાવના, હિંમત અને સેવાવૃત્તિને ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો. એ પછી વડોદરામાં બે વખત એના ચેરિટી શૉ કર્યા. વલસાડમાં કરેલા ચેરિટી શૉ દ્વારા મળેલી રકમમાંથી અડધી રકમ ત્યાંની કસ્તૂરબા હૉસ્પિટલમાં અને અડધી રકમ ગરીબ દર્દીઓના આ ફંડમાં આપી. વાપીમાં મણિબહેન નાગરજી મહેતા હૉસ્પિટલને સઘળી રકમ આપી. ચેન્નાઈમાં ટૅન્કર ફાઉન્ડેશન ચાલે છે. જે ગરીબોને ડાયાલિસિસ માટે આર્થિક સહાય કરે છે. એણે પણ નિકીતાનો ચેરિટી શૉ રાખ્યો. અમદાવાદમાં 2 સિનિયર સિટિઝનોની ‘આનંદ’ નામની સંસ્થામાં વાર્ષિક દિન નિમિત્તે નિકીતાને નિમંત્રણ આપવામાં આવ્યું અને આ વડીલોએ આ ઉમદા કામ માટે રૂ. 1,18,000નો ફાળો નિકીતાને એના નૃત્ય બાદ અર્પણ કર્યો. અત્યાર સુધીમાં નિકીતાએ ડાયાલિસિસ કરાવતાં દર્દીઓ માટે રૂ. 24,00,000 ની માતબર રકમ એકત્રિત કરી અને બીજા ચાર લાખ કિડનીના દર્દથી પીડાતાં બાળકો માટે એકત્રિત કરીને આપ્યાં. દીવે દીવો પેટાય તે આનું નામ. ભાવનાનો એ દીપક કેટલાયના જીવનને અજવાળી શકે છે.

અમદાવાદમાં ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન નામનું કિડનીઓનાં દર્દીઓનું આગવું સંગઠન છે. આ દર્દીઓ માટેના કાર્યક્રમમાં તો નિકીતાએ ભાગ લીધો જ, પરંતુ નિકીતા સહુને માટે પ્રેરણારૂપ બની. એક વખત એને વિચાર આવ્યો કે નૃત્યને બદલે કોઈ કાર્યક્રમનું આયોજન કરું તો કેવું ? એણે નમ્રતાબહેન શોધનનાં ભજનોનો ચેરિટી શૉ રાખ્યો અને સમગ્ર શૉનું બહુ સફળતાપૂર્વક આયોજન કર્યું. ગરીબ દર્દીઓના ડાયાલિસિસ માટે ફંડ ઊભું કરવાના પ્રયાસમાં એને અનેક લોકોનો સાથ અને સહકાર મળ્યા. માનવીમાં, માનવતામાં શ્રદ્ધા જાગે એવા અનેક અનુભવો થયા. વડોદરાની એક હૉટલમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન થતી વાતચીત સાંભળીને ત્યાંના વેઈટરો અને રસોઈયાએ રૂ. 600નો ફાળો આપ્યો. અમદાવાદના એક હૉલમાં સામાન્ય કર્મચારીએ કામ પેટે મળતાં રૂ. 300 લેવાની ના પાડી. અમદાવાદમાં રહેતો એક વિદ્યાર્થી નિયમિત રીતે પૈસા ઉઘરાવીને નિકીતાને એના ફંડ માટે આપે છે. કશી જ અપેક્ષા વિના, સ્વેચ્છાએ નિકીતાને પોતાની કિડની આપવા માટે અસંખ્ય કાગળો મળે છે. આ બધું જોઈને જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો. નિકીતા કહે છે કે અત્યારે મારું એક જ ધ્યેય છે અને તે ગરીબ દર્દીઓને મદદ કરવી. એની સાથેની મુલાકાત પૂરી કરતાં છેલ્લે મેં પૂછ્યું કે, ‘હવે તો અહીં પણ સારી ટ્રીટમેન્ટ થાય છે તો પછી શા માટે અઠવાડિયામાં ત્રણ વાર નડિયાદ જાઓ છો ? તકલીફ નથી પડતી ?’ ત્યારે એના મોઢા પર સંતોષ અને આંખમાં આનંદ સાથે એણે કહ્યું : ‘નડિયાદ તો મારી કર્મભૂમિ છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હળવાશની પળોમાં – નારાયણ દેસાઈ
મારે કંઈક બનવું છે ! – જયશ્રી Next »   

17 પ્રતિભાવો : પીડ પરાઈ જાણે ! – પ્રીતિ શાહ

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ. આપણે એમના જેટલા મહાન ન બની શકીએ તો કંઈ વાંધો નહિ, માત્ર નાની નાની બાબતો વિશે ફરિયાદ કરવાનુ બંધ કરી દેવો જોઇએ.

  હું નિકિતાબેન માટે જરૂરથી પ્રાર્થના કરીશ. પ્રભુ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે.

  નયન

 2. Mohit Parikh says:

  THis is really inspirational. What Nikitaben is doing is bringing out the best in human nature. Why this doesnt become the news headlines in TV And newspapers? It would do more and more good to the society if stories like these are read and heard by more and more people of teh society. I think, our community desperately need this.

 3. સુરેશ જાની says:

  એકવીસમી સદીના કેવળ સ્વાર્થલક્ષી સમાજમાં ‘રણમાં મીઠી વીરડી’ જેવું જીવન.

  આવા જ લેખો આપતા રહો. શીક્ષીતોની ઉંઘ એક દી’ આવાં લખાણૉથી જરુર ઉઘડશે.

 4. Palakh says:

  A very inspirational story. When god makes our body weak, he blesses us with strong will power to face those problems. Sometimes I think it is better to have a weak body and strong will power rather than a strong body and weak will power. Keep up the good work.

 5. sujata says:

  jeeve je pota maate ane sahuno laage bhaar
  jeeve je sahune maate ane j hadvo laage sansaar………

  once again thanks Mrugeshbhai…….

 6. Dipak says:

  I PRAY TO GOD FOR EVERY SUCESS IN HER WORK.I SURPRISE THAT WHAT MEDIA PEOPLE ARE DOING? WHY THEY DON’T HILIGHT THIS ISSUE? MANY CONGRATULATIONS TO YOU ALL.

 7. asthasheth says:

  water came into my eyes while reading this stories.I feel that if hundreds of Nikita come in the world then there will be no difference between the earth and the heaven.very inspiring story I give my full support to Nikita.

 8. kalpesh patel says:

  તમરિ કવિત વાચિને ખુબ મજા આવિ

 9. uma says:

  potanoo dukh bhulee ne bija mate karya kare te sacho vaishavjan. mari shubha kamana ane prarthana Nikita sathe j chhe.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.