દર્પણ – ફાધર વાલેસ

હમણાં હમણાં એક મઝાની હકીકત ક્યાંક વાંચી. ન્યૂઝીલૅન્ડ ટાપુમાં કેટલીક આદિવાસી કોમ રહે છે તે ‘માઓરી’ નામથી ઓળખાય છે. ગાઢ જંગલોના પ્રદેશમાં શહેરોથી દૂર અને રસ્તા-રેલ્વે વિના તેઓ પોતાનાં ગામોમાં રહે છે. ભાષા જુદી, ધર્મ જુદો, સંસ્કૃતિ જુદી. હા, સંસ્કૃતિ ખરી. જુદી ને જૂની પણ સાચી. આપણે ફક્ત આપણને જ ‘સુધારેલા’ માનીને આપણા જેવાં કપડાં ન પહેરે કે શિષ્ટ ઉચ્ચારો ન કરે એ બધાને પ્રાકૃત કહેવાનો અન્યાય કરીએ છીએ, પણ એ પ્રાકૃત લોકોમાં ઉમદા સંસ્કારો ને વિચારો હોઈ શકે ને હોય છે પણ ખરા. હવે એ ‘માઓરી’ આદિવાસીઓ સુખસગવડનાં ઓછાં સાધનો વાપરે છે, ને એમાં (સ્ત્રી સમાજને ખૂબ નવાઈ લાગે એવી વાત છે પણ સાચી જ છે) તેઓ અરીસાનો બિલકુલ ઉપયોગ કરતા નથી, અરે, અરીસો શું છે એ તેઓ જાણતાં નથી. (ને તોય સુખી સંસાર ચલાવે છે એ નોંધવા જેવી હકીકત છે.) અરીસા બનાવવા કોઈ ધાતુ કે કાચ એ પ્રદેશમાં નથી, અને બહારથી લાવવાની દુર્બુદ્ધિ એમને સૂઝી પણ નહિ એટલે તે વિના સુખેથી જીવે છે, એટલું જ નહિ પણ એ પહાડી પ્રદેશ હોવાથી એમાં જે નદીઓ છે તે ખૂબ ઝડપે વહેનારી ને પથ્થર ને ખડકની વચ્ચેથી રસ્તો કાઢીને આગળ વધનારી છે, એટલે કે ત્યાં કોઈ શાંત વહેનાર પાણી નથી કે કોઈ સરોવર-તળાવ પણ નથી. અરીસા નહિ, કાચ નહિ શાંત પાણી નહિ. માટે જેની સામે જોઈને પોતાનું મોં જોઈ શકાય એવું સાધન જ ત્યાં નથી. અને હકીકતમાં એ ‘માઓરી’ આદિવાસીઓમાં કોઈએ કોઈ દિવસ પોતાનું મોં જોયું નથી !

હવે હમણાં બન્યું એવું કે એ પ્રદેશની ભૂગોળ ને વનસ્પતિસૃષ્ટિનો અભ્યાસ કરવા ગોરા સંશોધકોની એક ટુકડી ત્યાં પહોંચી ગઈ. એમને આદિવાસીઓની એ વિશિષ્ટતાની તરત ખબર પડી અને પોતાની પાસે જે અરીસા હતા એ લઈને પેલા આદિવાસીઓની સામે ધરવા લાગ્યા એમને એમ હતું કે આ લોકો પોતાનું મોં જોશે એટલે એમને મઝા પડશે. પણ કંઈક જુદું પરિણામ આવ્યું. અરીસો સામે ધરે. પેલો ત્યાં ધારીને જુએ. આ મોં કોનું હશે એનો વિચાર કરે. અને હાથના ઈશારાથી કહી દે કે હું આને ઓળખતો નથી. કોઈ દિવસ એણે એ મોં જોયું નથી. પછી ઓળખે ક્યાંથી !

ત્યારે એ પ્રવાસીઓએ બીજો ઉપાય અજમાવ્યો. એમની પાસે ફોટો પાડી શકે અને પાડ્યા પછી તરત અંદર ધોવરાવીને એક મિનિટમાં છાપેલો ફોટો હાથમાં મૂકી આપે એવા કેમેરા (એને ‘પોલોરોઈડ’ કેમેરા કહે છે.) હતા એટલે માણસને ઊભો રાખીને ફોટો પાડે અને એક મિનિટમાં એનો ફોટો એને બતાવે. ફોટો સારો, મઝાનો આબેહૂબ ! પણ કોનો ? ફરીથી એ માણસ અજ્ઞાન બતાવે. અમારા જેવો કોઈ આદિવાસી લાગે છે પણ એ અમારા ગામનો નથી એ વાત ચોક્કસ. હું એને ઓળખતો નથી ને ? છેવટે બીજી યુક્તિ કરી. ચાર માણસોને ભેગા કરે. વચ્ચે પાંચમો ઊભો રાખે. પછી સમૂહ ફોટો પાડે. બતાવે. વચલો માણસ બીજા ચારને તરત ઓળખી કાઢે. પણ એ ચારની વચ્ચે કોણ ઊભો હતો ? પોતે. માટે આ છબીમાં પણ વચ્ચે ઊભો રહેનાર પોતે હશે ને ? પછી અરીસો ફરીથી લાવીને સામે મૂક્યો અને એની આગળ ચેષ્ટાઓ કરવાનું કહ્યું. હાથ ઊંચો કરે તો ત્યાં પણ ઊંચો થાય, ભમ્મર ચડાવે તો પેલાની પણ ચડે. એટલે આખરે ખ્યાલ આવ્યો. ખાતરી થઈ. અને જ્યારે એ સરળ આદિવાસીઓને ખબર પડી કે ફોટામાંનો પેલો વિચિત્ર અપરિચિત ચહેરો મારો જ છે, કે અરીસામાં દેખાતું એ બેડોળ બેહુદું મોં મારું જ છે ત્યારે એવા તો હસ્યા કે આખું ગામ ત્યાં ભેગું થયું.

હસવાનો જ આ પ્રસંગ છે, પણ વિચાર કરવા જેવો પ્રસંગ પણ છે. પોતાનું મોં જોયું નહિ, પહેલી વાર જોયું ત્યારે ઓળખ્યું નહિ એ રમૂજી પ્રસંગ છે. પણ એ તો બાહ્ય મોંની વાત થઈ. એ જોવાથી કોઈ ફાયદો નથી અને એ ઓળખવાની કશી આવશ્યકતા પણ નથી. એની સામે જોવાથી તે કંઈ સારું રૂપાળું થવાનું હતું ? પણ બીજું મોં છે. અંદરનું છે. આત્માનું છે. પડદાની પાછળનું છે. સ્વભાવ, પ્રકૃતિ વ્યક્તિત્વનું મોં છે. ચારિત્ર્યનું, ગુણદોષનું પાપપુણ્યનું છે. ખરું મોં છે. અને તો પણ આપણે કહેવાતા સુધરેલા, સંસ્કારી ભદ્ર લોકો એની સામે જોતા નથી, એને ઓળખતા પણ નથી. આપણા પ્રદેશમાં શાંત પાણી નથી, ચળકતી ધાતુ નથી, અરીસા નથી, વિવેક નથી, આત્મખોજની વૃત્તિ નથી. એટલે બીજા બધાંને તો ઓળખીએ છીએ. ગામમાં કોણ કેવું છે ને કોનું મન મેલું ને કોનું દિલ સાચું એનું પૂરું વિવેચન આપણે ઝટ દઈને કરવા તૈયાર છીએ, ફોટાના ચાર ચહેરા તરત ઓળખી કાઢીએ છીએ. પણ એ ચારની વચ્ચે ઊભેલા પાંચમા માણસને તો ઓળખતા નથી. એ વિચિત્ર વિકૃત ચહેરો કોનો છે એ આપણે જાણતા નથી, એ અણઘડ અજાણી વ્યક્તિ કોણ છે એ કહી શકતા નથી. અને જો કોઈ આપણને સમજાવે, કોઈ દિવસ બતાવી આપે, ખાતરી કરાવે કે એ ચહેરો તમારો જ છે, એ વાસના ને એ ઈર્ષ્યા ને એ મિજાજ ને એ ગુમાન તમારાં જ છે, જો કોઈ આપણને આપણા સાચા સ્વભાવનો પરિચય કરાવે, આત્માની છબી નજર સામે મૂકે, આપણા ખરા વ્યક્તિત્વનું આપણને દર્શન કરાવે તો આપણને એવું હસવું આવશે, એવું રડવું આવશે કે કદાચ એ અરીસાનો પ્રયોગ ફરીથી કરવાનું મન ન થાય.

અને તોય એ કરવાની જરૂર છે. ફરી ફરીથી એ અરીસામાં જોવાની જરૂર છે. કારણ કે દેહના ચહેરાની બાબતમાં જે શક્ય નથી તે અંતરના ચારિત્ર્યની બાબતમાં શક્ય છે. દેહનો ચહેરો જોવાથી એ સુધરતો નથી, સુંદર રૂપાળો બનતો નથી. ઊલટું એમાં સમય જતાં કરચલીઓ પડતી જાય છે, ડાઘા નીકળે છે, ડાચાં બેસી જાય છે, અને એનો ઉપાય આપણી પાસે નથી. પણ અંતરનું એ મોં જોવાથી ઘણો ફાયદો થઈ શકે. કારણ કે એ જોવાથી વિકૃતિઓનું ભાન થશે, ને ભાન થવાથી એ દૂર કરવાની તાકીદ લાગશે ને પ્રયત્ન થશે ને કોઈ ને કોઈ સફળતા મળશે ને એ વાસના કંઈક શમી જશે ને એ ઈર્ષ્યા કંઈક ઓછી થશે ને એ ગુમાન ઊતરી જશે.

આપણી જાતને આપણે ઓળખતા નથી, આપણો સાચો સ્વભાવ, આપણી શક્તિ ને આપણી નબળાઈઓ, આપણી વિશિષ્ટતા ને આપણી મર્યાદાઓ આપણે જાણતા નથી. અંતરનો ફોટો પાડે એવો કેમેરા આપણી પાસે નથી. દિલનું પ્રતિબિંબ ઝીલે એવો અરીસો આપણી પાસે નથી. મનના ઊંડાણ સુધી પહોંચે એવી દષ્ટિ આપણી પાસે નથી. પણ એ દષ્ટિ કેળવી શકાય. ધાતુનું ચોસલું ઘસી ઘસીને સપાટ ને લીસું ને ચળકતું ને અરીસાની ગરજ સારતું બનાવી શકાય. સરોવરમાં નહિ તો માટેના ઘડામાં પાણી સ્થિર રાખીને પોતાનું મોં જોઈ શકાય. અને જોઈને એનું પ્રસાધન કરી શકાય. આત્મજ્ઞાનના દર્પણ વિના આત્માનો શણગાર ન થાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક વિશેષ નિબંધસ્પર્ધા વિશે – મુંબઈ સમાચાર
વાર્તાલાપ – ઉમાશંકર જોશી Next »   

13 પ્રતિભાવો : દર્પણ – ફાધર વાલેસ

 1. nayan panchal says:

  સરસ લેખ.

  Very famous line in english, “whenever you point a finger to anyone, remaining four fingers would be pointed towards you.”

  પરંતુ આપણે આટલી સાદી વાત પણ ભૂલી જઈએ છીએ.

  ક્યાંક વાર્તા વાંચી હતી, યાદશક્તિના આધારે લખું છું.

  “એક માણસ બ્રહ્માજી પાસે ગયો અને તેમની પાસે આજીવન સુખ-શાંતિથી જીવી શકાય એ માટે માર્ગદર્શન આપવા વિનંતી કરી.

  બ્રહ્માજીએ તેને બે કોથળા આપ્યા અને કહ્યુઃ એક કોથળામા તારા ર્દુગુણો અને બીજાના સદગુણો ભરેલા છે, તેને તારી સામે રાખજે. બીજા કોથળામાં તારા સદગુણો અને બીજાના ર્દુગુણો છે, તેને તારી પીઠ પર રાખજે.

  પરંતુ, માણસે કર્યુ ઊલટું.”

  ભગવાન સૌને સદ્-બુધ્ધિ આપે.

  નયન

 2. ખુબ જ સુંદર વાત !!! ..

  ફાધર વાલેસ ની પોતાની વેબસાઈટ આ રહી …

  http://carlosvalles.com/indexing.htm

 3. એમના પોતાના શબ્દોમાં એમના જીવન વિશે એમણે લખેલ શબ્દો …

  http://carlosvalles.com/ningles/ibiogra.htm

 4. pragnaju says:

  “ઘડામાં પાણી સ્થિર રાખીને પોતાનું મોં જોઈ શકાય.અને જોઈને એનું પ્રસાધન કરી શકાય. આત્મજ્ઞાનના દર્પણ વિના આત્માનો શણગાર ન થાય.”કેટલી ગહન વાત સુંદર વાર્તા રીતે સમજાવી
  કુણાલનો આભાર- તેમની સાઈટ બતાવવા..તેમાની આ પંક્તીઓ ઘણી ગમી.
  Waiting is believing, and waiting is loving. Waiting for the coming of Christ is anticipating his coming in the private eschatology of one’s own heart.
  આખી સાઈટ ગુજરાતીમાં હોય તો?

 5. Hiral Thaker "Vasantiful" says:

  Realy very true and very nice.!!!!

  આપણા દોષો, મર્યાદાઓ, અસ્ંસ્કારિતતા જોવાનુ જ્ઞાન ક્યારેય થતુ નથી ને એટલે જ જ્યારે સામે આવે છે ત્યારે ઓળખી શકાતુ નથી.

 6. nirlep bhatt says:

  ખૂબ સરસ વાત કહેી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.