- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાર્તાલાપ – ઉમાશંકર જોશી

રેડિયોએ વાર્તાલાપની એક નવી જ રીત દાખલ કરી છે. જે બોલનાર છે એની ઓળખાણ તો આરંભમાં જ આપી દેવામાં આવી છે, પણ એ કોની સાથે વાર્તાલાપ કરી રહ્યો છે એ કોણ કહી શકે ? સંભવ છે કે એ કોઈની સાથે વાર્તાલાપ કરી રહ્યો ન હોય. કોઈને આ ઘડીએ એને સાંભળવાનું મન કે ફૂરસદ ન હોય. બનવાજોગ છે કે અત્યારે હું પોતાની સાથે વાત કરવામાં મશગૂલ હોઉં. પણ રેડિયો મથકવાળાઓની કંઈક એવી આશા ખરી કે કોઈને કોઈ સાંભળતું હશે. જેની સાથે વાત કરતા હોઈએ તેના મુખ ઉપર આપણા શબ્દોનો કેવો પડઘો પડે છે એ જાણી ન શકીએ તો બોલવાનું આગળ ચાલે શી રીતે ? શામળભટ્ટની વાર્તાઓમાં આડુ અંતરપટ રાખીને વાત કરતા એની આ કાંઈક યાદ આપે છે. માઈલોના અંતરપટ પાર કોઈના ને કોઈના કાન જાગતા હશે એ આશાએ માણસે બોલ્યે જવાનું. પણ એટલું સારું છે કે અંતરપટની પેલી બાજુનો અવાજ અહીં સુધી સંભળાતો નથી. બોલનાર અને સાંભળનાર બંનેય એકમેકની દયા ઉપર છે. આ પરોક્ષતા દાખલ કરીને રેડિયોએ આપણને, શામળભટ્ટનાં પાત્રો કરતાં વિશેષ તો, દેવોની કોટિમાં મૂક્યા છે એમ કહેવું જોઈએ. परोक्षप्रिया: खलु देवा: । દેવોને પરોક્ષ વ્યવહાર જ પ્રિય છે.

આપણે સૌ માનવીઓ દેવોની આ લાક્ષણિકતા ધરાવતા હોઈએ છીએ. દિવસભર આપણે પ્રત્યક્ષ બીજાઓની આગળ જે શબ્દો બોલીએ છીએ તેના કરતાં કેટલાયગણા શબ્દો મનમાં અને સ્વપ્નમાં આપણે પરોક્ષપણે બોલતા હોઈએ છીએ. ચુપચાપ બેઠા હો અને કોઈની નજર અમથી તમારી ઉપર પડે ત્યાં તો મધપુડા ઉપર જાણે કાંકરો પડ્યો ન હોય એમ મધમાખોની પેઠે શબ્દોનું એક આખું ટોળું મનમાં ગણગણ કરતું ગુંજવા માંડે છે. સ્વપ્નમાં સારું છે : આપણે કશું જ કરવાનું નહિ; આપણો બિલકુલ પરોક્ષ વ્યવહાર અને છતાં બધાની સાથે, એક રીતે, પ્રત્યક્ષ વાતો કરવાનો લહાવો. ઝાડ, પંખી, પથ્થર ગમે તેને બોલતાં સાંભળવા મળે એ વધારામાં. આપણે પુસ્તકો વાંચીએ છીએ અને કાંઈક લખીએ છીએ ત્યારે આપણો અવાજ સંભળાવીએ છીએ. પણ આ બંને પરોક્ષ ક્રિયાઓમાં રહેલ દેવત્વ મેળવવા કરતાં તો પ્રત્યક્ષ વાત કરી માનવી થવું સારું. મારી પસદંગીનો ક્રમ કાંઈક આવો છે : હું તો સ્વપ્ન કરતાં જાગૃતિને ઓછી પસંદ કરું છું. જાગૃતિમાં પણ શાંત બેસી રહેવા મળે ત્યાં સુધી વાતો કરતો નથી. વાતો કરવા મળે ત્યાં સુધી વાંચતો નથી અને વાંચવાનું બને ત્યાં સુધી લખતો નથી.

ઊંઘવું એ મનુષ્યજાતિની કદાચ સૌથી નિર્દોષ પ્રવૃત્તિ છે. અને પ્રવૃત્તિમાં પણ માણસનો આદર્શ તો, ભમરડો જ્યારે વેગથી ઘૂમતો હોય ત્યારે નિશ્ચેષ્ટ ‘ઊંઘતો’ હોય છે. એવી સમાધિદશા મેળવવાનો જ હોય છે. પણ આ દુનિયા ઊંઘની દુશ્મન છે અને માણસને જાગવું જ પડે છે. જાગીને ભાઈ, પણ પછી તો નિરાંતે બેસવા દો. પણ ના, અમે તો અમસ્તા પણ તમને જીભનો ચાબખો લગાવતા જવાના. કોઈ તમને જંપવા દેવાનું નહિ. અને તેમાં આપણા દેશમાં તો વાતો એ જ વ્યવસાય છે. હિંદુસ્તાન એટલે ગામડું. ગામડું એટલે ચોરો અને ચોરો એટલે તડાકીદાસોનો અડ્ડો. મારા એક મિત્ર ગામડાની આર્થિક અને ખેતીવિષયક તપાસ કરવા ગયા છે. તે કહે છે કે મને કોઈ નિરાંતે કામ કરવા દેતું નથી. કોઈને કોઈ આવીને બેઠું જ હોય અથવા હાથ પકડી ચા પીવા લઈ જાય અને દિવસ વાતોમાં વેતરાઈ જાય. છાત્રાલયોમાં પણ આ વાતનો વાયરો સતત ફૂંકાતો હોય છે. જાહેર સંસ્થાઓમાં પણ એમ જ. બોલવામાં માણસને શક્તિનો ઠીકઠીક વ્યય કરવો પડતો હોય છે તેથી તો હા કે ના કહેવામાં નાનીઅમથી લૂલીબાઈનો ઉપયોગ કરવાને બદલે માણસ અધમણનું માથું આમ કે તેમ ડોલાવવું પસંદ કરે છે. અને તેમ છતાં આખો વખત તક મળતાં જ બોલબોલ કરતાં એ થાકતો નથી એ નવાઈની વાત છે.

તેમ છતાં માણસ માટે જો મને મોટું આકર્ષણ હોય તો તેની આ વાચાળતા (Garrulity) માટે પણ છે. ઘણી વાર ખાસ કરીને વૌઠા જેવા મોટા મેળામાં લાખ બે લાખ માણસની કલબલનાં મોજાનાં શિખરે તોતિંગ ચકડોળમાં અર્ધી ક્ષણ ઝૂલતો હોઉં ત્યારે, અથવા સાંજે કોઈ ડુંગર ઉપરથી ગોધૂલિના અંચલ પછવાડેથી ઊભરાતો ગ્રામજનતાનો આછો કલરવ સંભળાતો હોય ત્યારે, મને વિચારો આવે છે. સૃષ્ટિનાં માનવપ્રાણીઓના અવાજો પણ આપણી આજુબાજુનાં પશુઓને, પંખીઓને, ખિસકોલી-કીડા જેવા જીવોને થોડો સરખો પણ આનંદ આપતા હશે ? આપતા હોય તો કેવું સારું ! ન આપતાં હોય તોપણ માણસજાતને મૂંગી તો કલ્પી શકાતી નથી. માણસ બોલે છે છતાં આટલો મીંઢો છે, રહસ્યમય છે, તો ન બોલતો હોય એનો વિચાર પણ નથી કરી શકાતો. ઋગવેદ કહે છે : वदन्बह्मा अवदतो वनीयान બોલતો બ્રાહ્મણ ન બોલતા કરતાં સારો.

બીજાં પ્રાણીઓની જેમ માણસના પણ ગળામાંથી અવાજ નીકળી શકે છે એનો લાભ લઈ, એ અવાજોને ચોક્કસ અર્થ આપી, માણસે ભાષા ઉપજાવી અને ભાષા દ્વારા એક માણસ પોતાનો ભાવ બીજા માણસને પહોંચાડી શકે એવું સાધન ઊભું થયું. માણસ વાત કરે છે ત્યારે જાણે કે એના હૃદયથી સામાના હૃદય સુધી શબ્દોનો એક પુલ રચાઈ જાય છે. પણ ખૂબી એ છે કે ઘણી વાર તો પુલને છેડે માત્ર પગરવ સંભળાયા કરે છે એટલું જ. આ છેડે કોઈ આવી પહોંચતું નથી. વાતચીત મારફત માણસ પોતાની જાતને વ્યક્ત કરે છે એટલી જ છુપાવે પણ છે. શબ્દોના ઝાકઝમાળ અંચળામાં પોતાની જાતને ગોપાવીને બેઠેલા માણસો ક્યાં જોવા નથી મળતા ? તેમ છતાં માણસ બોલે એ જ સારું છે. શેક્સપિયરના જીવન વિષે આપણે લગભગ કાંઈ જાણતા નથી. પોતે સીધું પણ જવલ્લે જ બોલ્યો છે. માત્ર સેંકડો પાત્રો પાસે એવી વાતો કરાવી છે. પણ એ પાત્રોની વાતો સાંભળીને આપણે એની વાતનો પણ કાંઈક તો અણસાર જરૂર પામી શકીએ છીએ. ભગવાન પણ ભલેને સીધું સંભાષણ કરતો નથી. નિરવધિ માનવસમુદાયની નિરંતર ચાલતી વાતો દ્વારા એ પોતાના હૃદયને વ્યક્ત કરી રહ્યો નથી શું ? જગતની વાતો સાંભળતાં સાંભળતાં એના અવાજના આરોહઅવરોહ પણ ક્યારેક પકડાઈ જતા નથી શું ? માણસના મનની વાત થોડીક પણ ઊઘાડી પાડી ન શકે તો મૂંઝાઈ જાય. સહદેવ જોષીનું મન ભરેલું હતું અને બોલવાની મનાઈ હતી. કેવા મૂંઝાતા ! ચેખોવે એક ગાડીવાનની વારતા લખી છે કે પોતાના દીકરાના તાજા જ મૃત્યુ વિષે આખો દિવસ ગાડીમાં બેસનારાઓ જોડે વાતે વળવા એણે પ્રયત્નો કર્યા. પણ કોઈએ દાદ ન દીધી. છેવટે પાછા વળતાં એણે પોતાના ઘોડા સાથે વાતો આદરી. ભાઈ, તને તો એ કેવો ચાહતો ! તને નવડાવતો, ચંદી આપતો, પંપાળતો…. છેવટે કોઈ ન જડે તો માણસ પોતાની જાત સાથે વાત કરી લે છે. મારા એક ભાઈબંધ પોતે સાંભળેલો એક કિસ્સો કહે છે. ડોસા ખેતરેથી પાછા વળતા હતા અને ઘેર આજે દીકરાની વહુને તેડેલી એટલે સાંકડા ઘરમાં બધાં સમાશું કેવી રીતે એની રસિક મૂંઝવણમાં પડ્યા હતા. હું ઓસરીમાં પડી રહીશ… ડોશીને પડોશમાં મોકલીશ, બહેન કાકીને ત્યાં જશે. હાં, બેઠું ! બેઠું ! એમ ડોસા આખે રસ્તે વાત મનમાં બેસાડતા આવતા હતા. ખેતરે ખેતરે વાડ ન હોત તો ખેડૂતો વાતો કોની સાથે કરત ?

માણસ વાતો જ કર્યા કરે એ આરોગ્યની નિશાની નથી. નરી વાતો એ આત્માનો કાટ છે. આપણે જાણીએ છીએ કે હેમ્લેટ એટલે Words, Words, Words – વાતો, વાતો ને વાતો. અંતે એનું જીવન પાયમાલ થયું. પણ પછી ઑથેલોના મુખ સામે જુઓ. એની મોંફાડ જાણે સિવાયેલી જ ન હોય એવો એ મૂગો છે. મૂગાપણાથી પણ એ સર્વનાશ નોતરે છે. માણસ મગજને તાળું લગાવીને ફરે ત્યારે તો એનાથી ગભરાવા જ માંડવું. શ્વેતકેતુ ભણીગણીને ઘેર આવ્યો અને બહુ ઓછાબોલો ભારેખમ મોંએ ફરતો હતો. પિતાને ચિંતા થઈ. ધીરે રહીને પિતાએ પૂછ્યું : ભાઈ, તું ભણી આવ્યો છે, તો કહે તો ખરો કે એવું શું છે જે જાણ્યાથી આ બધું જ જાણી શકાય. ત્યાં તો ભાઈનું ભોટપણું પ્રગટ થયું. આવા શ્વેતકેતુઓનો ક્યારેય તોટો હોતો નથી. માણસ તોબરો ચઢાવીને ફરે છે એમ આપણે કહીએ છીએ એનો અર્થ પણ એ જ કે થોડાક શબ્દો બહાર કાઢવાના છે તે એણે મોઢામાં ભરી રાખ્યા છે.

પણ માણસ પરાણે વાતો કરે એ પણ ભૂંડું લાગે છે. યુરોપની એક સામાજિક ટેવ આપણા ઉચ્ચ ભદ્રવર્ગમાં કેળવાતી આવે છે; મહેમાનો સાથે વિનયભરી રીતભાતથી મીઠાશથી વાત કરવાની જાણે કે તાલીમ જ એ વર્ગનાં બાળકોને આપવામાં આવે છે. પૂરી ટાપટીપ સાથે સજ્જ કરેલું વ્યક્તિત્વ બીજાઓ આગળ ધર્યા કરીને સારી છાપ પાડવાનો એ દ્વારા કોઈને કોઈ હેતુ સાધવાનો આશય હોય છે. જાપાને જગતમાં પોતનો પગપેસારો મજબૂત કરવામાં સ્ત્રીઓને આ કામમાં યોજી હતી, મુત્સદ્દીગીરીમાં આવી વ્યક્તિને નિરર્થક પણ મધુર વાતચીતનો ઓપ આપવાની રીત ખપમાં લેવાની હોય છે. હમણાં જ એક નેતાને એક સન્નારીએ વિનયભરી વાત માટે બોલાવ્યા હતા. તે પછી એમના પતિ જાણે અચાનક જ પેલા ભાઈને મળ્યા હોય એમ મુલાકાત યોજાઈ હતી અને તે ભારે કડવાશભરી હોવાનું સંભળાયું છે. પેલા ભાઈને આને માટે જ નિમંત્રણ અપાયું હશે. પણ પછીથી પેલાં સન્નારી સાથે મિત્રતાભરી વાતચીત ગોઠવાઈ અને મહેમાન વિદાય થયા. બીજા જ ક્ષેત્રની વાત કરીએ. આપણે ત્યાં પણ જીવન હવે સરળ રહ્યું નથી, ભારે સંકુલતાઓ પ્રગટી છે. યુવાન સ્ત્રીઓને કોઈ ને કોઈ કામને બહાને જ બીજાઓને મળવાનું ભારે તટસ્થતા જાળવીને કેવળ ‘બિઝનેસ’ પતાવવાનું હોય એમ વાતો કરતાં કરતાં પણ આશય તો એ બે ક્ષણની સોબતનો રસ લૂંટવાનો હોય એવા દાખલાઓ હવે વિરલ નથી. અન્યથા વાર્તાલાપ કરતાં તો માણસના મૌનમાં ઘણી વાર ઘણી ઘણી વાતો હોય છે. મને એક પ્રસંગ યાદ છે : થોડાંક જુવાન સ્ત્રીપુરુષો સાહિત્યની, કળાની, જીવનની વાતોમાં મચ્યાં હતાં. એક સન્નારી મટકું પણ માર્યા વગર મૌન બેસી રહી હતી. કદાચ એ પ્રસંગે એણે જ સૌથી વધુ સંભાષણ કર્યું હતું.

કોણ જાણે પણ મને પોતાને તો ગમે તેવી વાતનો કંટાળો નથી. જેને ચોંટણિયા કહે છે તેથી હું સહેજ પણ ગભરાતો નથી. ભારેમાં ભારે ગુંદરિયા (bores) સામે મને મૂકો, હું તો એનું વાગંમધુ ગટગટ પીધે જવાનો. એક વાર આવા એક સજ્જનની સોબત હું માણી રહ્યો હતો ત્યાં મારા ભાઈ અને એક મિત્ર આવી ચઢ્યા. પાંચ મિનિટના સેવનથી જ બંને પોતે બેહોશ થઈને પટકાઈ પડશે કે શું એવા ડરથી નાઠા. કલાકેક પછી આવ્યા અમારી વાતો તો પ્રિયજનોની પેઠે ચાલતી જ હતી. મારી એમ.એ.ની પરીક્ષા વખતે ભાઈએ, મારો વખત ન બગડે એ માટે ‘વખત ન બગાડવા વિનંતી છે’ એવું એક પાટિયું દીવાલ ઉપર ટીંગાડેલું. જે મિત્ર આવે તે સહાનુભૂતિ બતાવે અને કહે ‘આપણા દેશના લોકોના મનમાં સમયની પવિત્રતા વસતી જ નથી. આપણે ત્યાં તો સવારના પહોરમાં જ જાણે આપણે તૈયાર થઈને એમની રાહ જોઈ બેસી રહ્યા ન હોઈએ એમ ભાઈઓ મળવા ચાલ્યા આવે છે. ભારે તકલીફ છે.’ આમ મિત્રો કહેતા જાય અને વાતોમાં વખત બગાડવો ન જોઈએ એ વિષય ઉપર જ મારો પા કલાક તો બગાડે. મેં ભાઈને વિનંતી કરીને એ પાટિયું દૂર કરાવ્યું.

વાતોથી કંટાળવાનું કંઈ કારણ ? સામે ચાલીને તમારી સાથે વાત કરવા કોઈ આવે એ નસીબ ક્યાંથી ? જ્યારે પેન્શનરોને પૂનામાં ટેકરી ઉપર કે અમદાવાદમાં ઝાડ નીચે એકઠા મળીને માખો – તો નહિ પણ વખત મારતા જોઈએ છીએ ત્યારે થાય છે કે એકવાર જેઓ વર્ગો, કચેરીઓ કે સભાઓ ગજાવતા તેમની જોડે તેમનાં ઘરનાં માણસો પણ વાત કરવાનું ટાળે છે અને સૌ સમદુ:ખીઓ આમ આયુષ્ય વિતાવે છે ! તમે એમની જોડે એક વાક્ય બોલ્યા તો એને પકડી લઈ તેઓ તમારી સોબતનો પૂરો કસ કાઢવા કરશે. આથી જ, મને થાય છે કે, કોઈ પણ માણસ આપણા મુખારવિંદને જોઈ બોલવા લલચાય એ એનો આપણી ઉપર ઓછો અહેસાન છે ? એમ માનો કે એ આપણી ઉપર એની જાતને લાદવા માગે છે; તો પણ તમારી પાસેથી એ કાંઈ પામી શકે એમ એ માને છે એ તમારે માટે નાનુંસૂનું પ્રમાણપત્ર છે ! વૃદ્ધો કે અકાલવૃદ્ધોની આપકહાણીઓ આપણા કાનમાં ઠલવાઈ તોયે શું ! કોઈ દુભાયા-દુણાયા બે ઘડી તમારી આગળ ફોલ્લા ફોડી ગયા તેથી શું બગડી ગયું ! કોઈ લાઘવગ્રંથિથી પીડાતો હોય ને તમારી ઉપર થોડી વાર રુઆબ છાંટી પોતાનામાં આત્મવિશ્વાસ પ્રગટાવી શકતો હોય તો એને એમ કરવા દેવામાં તમારું ગયું શું ? ગંગામાં કોઈ પથરા નાખે, કપડાં ધુએ, કચરો ઠાલવે એ જો હળવો થયો હોય નરવો થતો હોય તો ગંગાનું શું બગડ્યું ! સ્ત્રીઓ તેમના પતિદેવોના મુખેથી ઑફિસોની બહારની અનેક ખટલાની વાતો, ઘણી વાર તો જરીક પણ ચાંચ ન ડૂબે છતાં, કેવી અખૂટ ધીરજથી સાંભળ્યા કરે છે ! ઘણી વાર તો આપણું કશું જતું નથી ને સામાને આરામ થઈ જાય છે. એક સાક્ષર વિષે એમને ત્યાં ઊતરેલા એક વિદ્વાને કહેલી એક વાત મને યાદ આવે છે : સાંજે એક ભાઈ મળવા આવ્યા તેવા જ સાક્ષરવર્ય એની ઉપર તૂટી પડ્યા ને કોઈક ચર્ચાસ્પદ મુદ્દા બહુ જોરથી ગર્જ્યા. બીજે દિવસે સવારે મહેમાને એ સાક્ષરવર્યને કહ્યું કે કાલ સાંજે મળવા આવનાર ભાઈ તમે કાંઈ બહું કહ્યું ! સાંભળીને એ બોલ્યા : ‘એ તો ઠીક પણ ઊંઘ મજાની આવી !’ આપણે વાતોનો વિસામો ન થઈ શકીએ, પણ આવો આપણો ઉપયોગ થઈ શકતો હોય ને એ રીતે જગતમાં કાંઈક સ્વાસ્થ્ય શાતા અને સંવાદિતા સ્થપાતાં હોય તો આપણને શો વાંધો ?

મને પૂછો તો હું તો વાતોમાંથી જ શીખું છું; એટલે કે માણસમાંથી ચોપડીઓ વાંચીએ છીએ તે તાળો મેળવવા. બોલાતા શબ્દોમાં જે જાદુ છે તે તો જુદું જ છે. સાહિત્યમાં પણ તેથી જ નાટકનો મહિમા છે. એમાં શબ્દને માણસની જીભ ઉપર રણકતો રજૂ કરવામાં આવે છે. હવે, વાતમાંથી શીખવા નીકળ્યા હોઈએ તો આની જોડે વાત થાય ને આની જોડે નહિ, એ કેમ પાલવે ? આપણને શી ખબર કે કોની જીભ ઉપરથી આપણે માટેનો શબ્દ સરકી આવશે ? પરમેશ્વર કોની દ્વારા બોલશે, કોણ કહે ? આપણી પોતાની જાતને ઓળખવા માટે પણ બીજાની વાતોનો ઓછો ઉપયોગ નથી. શિક્ષકો જાણે છે કે જેવા વિદ્યાર્થીઓ એવી પોતાની વાણી. સામેનું માણસ જો તેજસ્વી હોય તો તમારું પણ ઉત્તમ સ્વરૂપ બહાર ઊપસી આવવા પ્રયત્ન કરવાનું જ. કેટલીક વાર આપણને આપણી વાણી સાંભળીને તાજુબી થતી નથી ? આ તિજોરીમાં આ ધન ક્યે ખૂણે આટલા દિવસ પડી રહ્યું હતું એવું આપણને એ વખતે થતું નથી ! આ હકીકત જ આપણી સાથે વાત કરાવનારાઓનું મહત્વ કરવા બેસે છે, તિજોરીની કૂંચી તમારી પાસે ક્યાં છે જ ? તમારે તો જે માણસ મળે તેની સાથે વાતો કર્યે જવાની અને ક્યારેક, એમ હજારો ઝૂડા અજમાવ્યા પછી બનવાજોગ છે કે એકાદ કૂંચી લાગુ પડી જાય; તો તમારા જેવું સદભાગી કોઈ નહિ.

કોના સાન્નિધ્યમાં હૈયું એવું તો ખૂલી જાય છે,
જેવું એકાંતમાં ખૂલે પોતાની પણ પાસના !

આ ‘કોઈ’ તમને મળ્યું તો તમને વાતો કરતાં આવડી. કેટલીક વાર આ કૂંચી આપણી પોતાની પાસેથી પણ મળી જવાનો ભય છે. સિંહગઢ ઉપર કાકાસાહેબે એક વાર વાસરીમાં લખાવેલું એક વાક્ય મારા હૃદયમાં કોતરાઈ ગયું છે : ‘પ્રભુ બહુ દયાળુ છે. ઘણીય વાર એણે મને મારે મોઢે બોધ આપ્યો છે.’ માણસ પોતાની જોડે મનમાં વાત કરતો હોય છે તેનું આ દષ્ટિએ ઘણું મહત્વ ગણાય. મને ઘણી વાર એમ થાય છે કે માણસ આખો વખત પોતાની જોડે જ તો વાત કરી રહ્યો હોતો નથી ? મોં ખોલીને એ બોલે છે ત્યારે પણ જેમ પ્રેમી કોઈના પણ અવાજમાં પ્રિયતમાનો સ્વર સાંભળે છે તેમ એ બધાની વાતોમાં પોતાનો જ ‘સૂર’ સાંભળી રહ્યો હોય છે; માણસનું બધું જ જાણે એક અખંડ આત્મસંભાષણ ન હોય ! ક્યારેક તો એ ભાષાને-શબ્દોને પણ છોડી દે છે. શબ્દોનાં ખોખાંમાં એની વાત સમાતી નથી, ઉભરાય છે અને કેવળ સ્વર રૂપે સંગીતરૂપે એ બહાર આવે છે. સંગીત એ માણસનું આત્મસંભાષણ નથી તો બીજું છે શું ? વાતચીતમાં પણ માણસના શબ્દો કરતાં એના અવાજમાં જ મોટા ભાગનો અર્થ સમાયો નથી ? ઘણા માણસો બોલે છે ત્યારે એમનું વ્યાકરણ એમના કથિતાર્થમાંથી નહિ, પણ એમના આરોહઅવરોહમાંથી પામી શકાય છે. કોઈ કોઈ માણસ વાતચીતની હોડીના સઢ પડી જાય છે ત્યારે વચ્ચે સિસોટીમાં ગીત ગાઈ લે છે. ઘરની લાજાળ ઓછાબોલી ઠાવકી કન્યા કોઈ જૂના કે પ્રચલિત ગીતની પંક્તિમાં પોતાની બધી આરજૂ ઠાલવી દે છે.

આપણે પોતે બોલીએ છીએ તેમાં કોની હાજરીમાં ગળામાં ઘૂંટડો ગળાઈ જાય છે, આપણા કાબૂ બહાર અમુક અસ્પષ્ટ ઉદ્દગારો – અવાજો થઈ જાય છે, એ બધું બરાબર ધ્યાનથી જોવા જેવું છે. આપણી છૂપી વાત ક્યારેક ‘હું તો આ છું ?’ – એમ કહેતી આબાદ પોત બતાવી દે છે. આમ, શબ્દની મદદથી વાત ચાલતી હોય છે, પણ કદાચ વાતનો મર્મ તો શબ્દની બહાર જ શોધવાનો રહે છે. એક ‘હં !’ ઉદ્દગારનો જુદા જુદા પ્રસંગોએ કેવો ઉપયોગ થાય છે એનો એકલા એકલા અભિનય કરી જોવા જેવો છે. ગૉર્કી કહે છે કે ‘હં!’નો અનેક વિવિધ પ્રસંગે અસરકારક ઉપયોગ કરવાની લેનિનને ભારે ફાવટ હતી.

દરેક માણસ એક દ્વીપ જેવો છે. એની આસપાસ વાર્તાલાપનાં મોજાં અથડાયાં કરે છે અને એ રીતે એની એકલતા કાંઈક સહ્ય બને છે. એમ ન બને તો વાર્તાલાપ એ કેવળ ઘોંઘાટ છે. એથી બચવા તો માણસ પોતાની અંદર નાસે છે ને પોકારે છે :

મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહીં શબ્દ-કાંકરી.

અને માણસનું મૌન જ્યારે આટલો કચવાટ પણ ન કરે, માણસ પોતાની સાથે વાત કરતો પણ જંપી જાય ત્યારે તો એના કાનમાં પરમેશ્વર જ વાત કરી રહ્યો હોય છે.

[‘ગોષ્ઠી’ માંથી. જૂન 3, 1947]