- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રહીમભાઈ રેંકડીવાળા – વિનુભાઈ પટેલ

કુવૈત એરવેઝનું વિમાન ન્યૂયોર્કથી જ આશરે છ કલાક મોડું ઊપડ્યું – પરોઢિયે ત્રણના સુમારે અને લંડનમાં માત્ર વીસ મિનિટના જ રોકાણની ઉદ્દઘોષણા કર્યા છતાં, આગળનાં બંને વ્હીલ બદલવાની કામગીરીમાં પૂરા બે કલાક થયા. પરિણામે કુવૈત પહોંચ્યા એટલે સૌ પ્રવાસીઓને કડવા વખના ઘૂંટડા જેવા શબ્દો સંભળાયા કે મુંબઈની વિમાનસેવા વીસ કલાક બાદ જ મળી શકશે. અમારે માટે ફરજિયાત રોકાણ નિયત થયું, અમારા પાસપોર્ટ માગી લીધા અને શૂન્ય ડિગ્રી સેલ્સિયસની કડકડતી ઠંડીમાં રાતના સાડાત્રણ-ચારે અમને બસ દ્વારા એરપોર્ટ હોટલમાં ધકેલી દીધા.

એકાદ માઈલ દૂરની આ પંચતારક હોટલની સુવિધા પામીને પણ અમે તો ત્યાં નજરકેદમાં જ હતા. હોટલની બહાર પગ મૂકવાનીયે મનાઈ અને ત્યાં કોઈ સંબંધી હોય તો તેને મળવા માટે હોટલ ઉપર બોલાવવાની પણ કોઈ જ છૂટ નહીં. આતંકના ભય હેઠળ આજકાલ વિમાન પ્રવાસીઓનું બહુ કડક પરીક્ષણ થાય છે અને આવાં ફરમાનોને તાબે થવું પડે છે. મુક્ત હેરફેરના સ્વાતંત્ર્ય ઉપર લદાયેલાં આવા નિયંત્રણોને લીધે સુખદાયક સુવિધાઓ મેળવીનેય સૌ પ્રવાસીઓ બેચેની જ ભોગવી રહ્યા હતા. મુંબઈ-કરાંચી-દુબઈના આવા સોએક જેટલા અમે પ્રવાસીઓ આ રીતે કુવૈત સરકારના એક દિનના બંદીવાન મહેમાન થઈ ગયેલા !

જાણીબૂજીને જ સવારે મોડા ઊઠ્યા. આઠેક હજાર માઈલથીયે લાંબા પ્રવાસનો કંટાળો અને બદલાતી સમયરેખાઓની દેહ ઉપર થતી વિપરીત અસરોને લીધે સારો એવો શ્રમ પડયો હતો. ઊઠ્યા પછીયે એકબીજા સમક્ષ વ્યર્થ બળાપો જ કાઢવાના હતા. બપોરે જમવા માટે અમે નીચે ઊતર્યા. વિધવિધ રાષ્ટ્રીયતા ધરાવતા લોકોના શંભુમેળામાં નજર તો તરસતી હતી કોઈક આપણું કહેવાય તેવું જો હોય તો તેને શોધવા માટે. જમીને હું અને મારાં પત્ની એક ગોળાકાર સોફા ઉપર બેઠાં હતાં. ત્યાં મારી ગુજરાતી વાણી સાંભળીને જ રહીમભાઈએ પાસે આવીને મને પૂછ્યું :
‘ક્યાં જવાના તમે ?’
‘મુંબઈ અને ત્યાંથી વડોદરા. તમે ?’ મેં પણ વળતો એ જ સવાલ કર્યો.
‘અમારે જામનગર જવું છે.’
‘ક્યાંથી આવ્યા ?’
‘લંડનથી.’
‘લંડનમાં જ રહો છો ?’
‘ના, હો. દીકરો અમારો લંડનમાં છે. હું અને મારી બીબી રહીએ જામનગરમાં, પણ બે-ત્રણ વર્ષે લંડનમાં જઈ આવીએ. માનો જીવ છે ને !’

આમ બોલતાં બોલતાં જ રહીમભાઈ અને એમનાં બીબી અમારી બાજુમાં બેસી ગયાં. અમારી જેમ એમનેય કોઈક પોતીકું ભેટી જાય તેવી ખેવના લાગેલી. લાંબી મજલથી શ્રમિત મનુષ્ય, પરબે પહોંચીને ખોબલે ખોબલે પાણી પીતાં રહી તરસ છિપાવે તેવી રહીમભાઈની હાલત હતી. વાતો ચાલુ થઈ એટલે એમણે તો નિર્દોષ અને નિખાલસ ભાવે એમનું જીવનવૃત્તાંત રજુ કરવા માંડ્યું :
‘આમ તો અમો મૂળ માણાવદરનાં, પણ દેશ આઝાદ થયો ત્યારે કોમી હુલ્લડ સળગ્યાં તે ટાણે અમો જામનગર આવી ગયાં.’ એમ કહેવામાં પણ એમની વાણીમાં લગીરે કડવાશ નહોતી.
‘સાહેબ, હું કંઈ ઝાઝું ભણ્યો નથી. અંગ્રેજી ફંગરેજી આવડતું નથી. રેલવેની સિંગલ કૅબિનની નોકરીમાં આયખું વિતાવી ગઈ સાલ જ રિટાયર થયો. અને થોડું પેન્શન આવે છે. એ સિવાય રોજ સાંજે પાંચથી નવ રેંકડી ફેરવીને ઈમિટેશન જ્વેલરીનો ધંધો કરું છું. પણ સાહેબ, અલ્લાને હરઘડી માથે રાખું છું. ભાવની રકઝક કદી કરવાની નહીં, દરેક આઈટેમ પર લખ્યો ભાવ લેવાનો. ખીસામાં પચીસ-ત્રીસનો વકરો થાય એટલે ‘ખુદા હાફિઝ’ કરતા ઘર ભેગા. રોજ ચાર કલાકની આ પેટસેવા. બાકી ટાઈમમાં થોડી ઈન્સાનની સેવા ને થોડી ખુદાની સેવા.’ આમ બોલતાં રહીમભાઈનો ચહેરો ખુશીથી ચમકતો હતો, અને જે સંતોષથી તે જિંદગી ગુજારી રહ્યા હતા તે જોવામાં હું પણ ખોવાઈ ગયો હતો. હવે રહીમભાઈ બોલતા અટકાવાના નહોતા. એમણે એમની વાગધારા વહેતી રાખી :
‘પાંચે વેળાની નમાજ તો ખરી જ. નવરો પડું તો હાથમાં માળા લઉં અને ખુદાની બંદગી કરું. આ સિવાય લોક આપણને હસે તેવુંય થોડું કામ કરું.’
‘એ વળી કેવું કામ ?’
‘રોજ મસ્જિદમાં ઝાડુ-પોતું મારવાનું કામ. લોકને હસવું હોય તો હસે. પણ મને તો એ કામ બહુ ગમે.’

રહીમભાઈની સામે હું એકીટશે તાકી રહ્યો હતો. એમના મુખ પર લગીરે દંભ નહોતો. એક ગુણવાન મુસલમાન તરીકે એમના શબ્દોમાં સચ્ચાઈનો રણકો હતો. કંઈક શ્વાસ ખાવા એ અટક્યા કે તુરત જ મેં એમને પૂછ્યું :
‘બીજું શું કરો રહીમભાઈ ?’
‘માણસ તરીકે માણસને ખપમાં આવવાના કામ.’ હું એમની સામે મીટ માંડીને બેઠો હતો. મારી જિજ્ઞાસા એ સમજી ગયેલા એટલે તુરત જ એમના શબ્દો સરકવા લાગ્યા :
‘સાંજે જમી પરવારીને બહાર ફળિયામાં ખાટલો ઢાળીને બેસું. એટલે દાદા, દાદા કરતાં શેરીનાં છોકરાં વીંટળાઈ વળે. એ બધાંને રમાડું, વાતો કરું, સૂવાની વેળા થાય એટલે શીંગ, ચણા, ચૉકલેટ, જલેબી એવું કંઈ ને કંઈ વહેંચું. એટલે મસ્તીમાં ઊછળતાં છોકરાં બધો થાક અને કંટાળો લઈ લે. પણ આ તો ઠીક, ખરું કામ તો મારે કરવાનું છે તે મરીઝોની સેવા. થોડી દવાઓય ઘરમાં રાખું. અડધી રાતેય મારા નામની બૂમ પડે એટલે ઝટ દોડું હું ત્યાં. સમજ પડે તો દવા દઉં, ન સમજ પડે તો દાકતર બોલાવું યા તો દવાખાના ભેગો કરું. અને ત્યાં એની ખડે પગે સેવામાં ખોડાઈ જઉં. આવી સેવા વખતે ધંધો હરામ ને રેંકડીને આરામ !’ પછી આંખો બંધ કરીને સ્વગત બોલતા રહ્યા :

‘ખુદાનો શુકર છે તો ગજા પ્રમાણે ઈન્સાનની તહેનાત ગુજારું છું. મઝહબના ફરમાન મુજબ મારી આમના અઢી ટકાની ખેરાત કરી દઉં છું. જિંદગીમાં ક્યારેય કોઈની કનેથી સૂતની રકમ લીધી નથી. તો પરવરદિગારે મારી બહુ પરવા કરી છે. મારાં ફરજંદ-દીકરો, દીકરી, દામાદ અને એક ભાઈ બધાંય લંડનમાં લીલાલહેર કરે છે. જામનગરમાં મેડીબંધું પોતીકું ઘર પણ છે. માગ્યા વગર લંડનથી ચેકો આવે છે એટલે અમારો ગુજારો આરામથી થાય છે. કોને ખબર છે, કોના નસીબે અમારા દીદાર ફરી ગયાં. બાકી સાહેબ, હું તો મામૂલી રેંકડીવાળો. મારું શું ગજું આ વિમાનની સફર કરવાનું !’ રહીમભાઈ બોલાતાં થાક્યા હોય તેમ થંભ્યા. મને થયું એમને હવે ખાસ કહેવાનું બાકી નહીં હોય, પણ પછીથી ભૂતકાળના ઊંડાણમાંથી શબ્દોનો પ્રવાહ પુન: વહેવા લાગ્યો :
‘તે દિવસે મારા અબ્બાજાને બહુ બીમાર હતા. ઘડી બે ઘડીમાં જ ઈન્તકાલ થશે માનીને ઘરનાં બધાં અમે એમની નજીક બેઠાં બેઠાં ખુદાની બંદગી કરતાં હતાં. એકાએક બહાર બૂમાબૂમ અને ચિચિયારીઓ થઈ. ત્યારે હું જવાન, પહેલવાનની તાકાત મારાં બાવડામાં. કસરત-કુસ્તીમાં બધા મને ઉસ્તાદ માને. એકદમ જ હું તીરની જેમ ત્યાંથી છૂટ્યો. એક જુવાન ઔરત પર, વરુનું ટોળું શિકાર પર તૂટી પડે તેમ, માણસો તૂટી પડેલા. મારા જીસમમાં જાણે જીન આવી ગયો. હું ધ્રૂજવા લાગ્યો. દોડતોકને બાઈની આડે પહોંચીને હું ઢાલ બનીને ઊભો રહી ગયો. બે હાથ પહોળા કરીને મેં એ ટોળાને પડકાર કર્યો :
‘ખબરદાર, જો કોઈએ આ ઔરત પર હાથ ઉગામ્યો છે તો !’ ટોળામાં એકવાર તો સન્નાટો વ્યાપી ગયો. પછી કોઈક બોલ્યું :
‘રહીમભાઈ, આ તો બદનામ કુલટા છે. એને હવે જીવતી ન છોડાય…. કેટલાંય ઘરને આગ લગાડશે.’ એક બોલ્યો એટલે બીજાએ પણ તેમાં બૂમ ભેગો ચિચિયો કર્યો :
‘હઠી જાવ રહીમભાઈ વચ્ચેથી. આજે એને ખતમ કરી દેવી છે.’ એટલે મેં ફરીથી ડારો દીધો : ‘બંધ કરો બકવાસ તમારો. જો હવે કોઈ કંઈ બોલ્યું છે તો. ચાલ્યા જાવ બધા અહીંથી ઝટ.’ એ ઔરતનો હાથ પકડીને મક્કમતાથી મેં ટોળાને છોડીને ચાલવા માંડ્યું. ભયભીત ટોળું આપોઆપ વીખરાઈ ગયું. પછી એ ઔરતે તો મારા બે પાંવ પકડી લીધા :
‘રહીમભાઈ, કસાઈવાડેથી છોડાયેલી હું તો ગાય છું. હવે મારો, કાપો કે જિવાડો – બધુંય તમારે હાથ.’ એમ બોલીને બાઈ ડૂસકે ચડી ગઈ. શાંત પાડીને એને મારી હારે લઈને ઘેર પહોંચ્યો.

અબ્બાજાનનો દમ ઘૂંટાતો હતો. એમનો જાન છૂટતો નહોતો. મોત સામે ઝઝૂમી રહ્યા હતા. એમને બહુ દર્દ થતું હોય તેમ લાગતું હતું. એમની પાસે જઈને મેં હળવેથી બોલાવ્યા :
‘બાબા !’
અબ્બાજાનની આંખ થોડી ફરકી, હોઠ પણ ફફડ્યા, એમનો હાથ માંડ માંડ લગીર ઊંચો થયો. મને થયું, બાબા અલવિદા કરી રહ્યા છે. હું ઝટ એમની બાજુમાં બેસી ગયો. જોર કરીને એ સમજમાં ન આવે તેવું બોલી ગયા.
‘નિ…કા…હ !’
ત્યાં બેઠેલાં બધાં એકબીજા સામે જોવા લાગ્યાં – બાબા શું કહે છે તેનો તાગ મેળવવા માટે. મારા ભાઈએ તેનો ખુલાસો કર્યો : ‘બાબા ‘નિકાહ’ લબ્ઝ બોલ્યા. બાબાની મરજી છે કે તું જેને લાવ્યો છે તેની સાથે શાદી કરજે.’ મારી અમ્માએ પણ તુરત જ એમાં પોતાનો સૂર પુરાવ્યો : ‘જો બાબાની મરજી વો તેરી અબ ફર્જ !’
‘પણ અમ્મા, આ બાઈની મરજી…’
પેલી ઔરત ઝટ વચ્ચે બોલી ઊઠી. સૌની નજર એની પર તકાઈ ગઈ. અને તેણે સૌની સમક્ષ બોલી નાખ્યું : ‘કસાઈઓના હાથમાંથી મને તમે છોડાવી છે. હવે તમે જ મારો યા પાળો !’ એ સાંભળીને મારાથી બોલ્યા વિના ન રહેવાયું : ‘નમાજ પઢતાં મસ્જિદ કોટે વળગી આ તો !’ મારા આ શબ્દો પૂરા થયા ન થયા અને બાબાનો દમ તૂટી ગયો.’

રહીમભાઈ બોલતા અટક્યા, ત્યારે બાજુમાં બેઠેલાં પ્રૌઢ અને સ્થૂળકાય પણ ગૌરાંગી અને ઘાટીલાં એમનાં બીબી અત્યંત અહોભાવથી એમના શૌહર સામું જોઈ રહ્યાં હતાં. રહીમભાઈ બોલી રહ્યા ત્યારે મુગ્ધ વયની કન્યકાની જેમ એમનું મુખ લજ્જાથી લાલ લાલ થઈ ગયું. રહીમભાઈનાં એ પત્ની એમની પાંચ દાયકાની વયને એમના સ્વરૂપ હેઠળ સહજતાથી સંતાડી શકતાં હતાં. રહીમભાઈ બોલી રહ્યા એટલે પૂર્ણવિરામ તો એમનાં બીબીએ જ કરી આપ્યું : ‘બાબાની ઈંતકાલની દુવા અને ખુદાના શુકરગુજર તો અમે બે અને અમારાં બેનો બનેલો અમારો સંસાર, કંસાર જેવો મીઠો છે. આવતી સાલ મક્કાની હજ કરવા લંડનમાં જ લડકાએ અમારાં નામ નોંધાવી દીધાં છે. એકવાર હજ થાય પછી કોઈ તમન્ના અમોને બાકી નથી.’
‘અને આજે દેશમાં જવાનું છે તે એ હજ ખાતર. નહીં લહેણું, નહીં દહેણુંનો બધો હિસાબ સાફ કરી દેવો પડે ને ભાઈસા’બ.’ રહીમભાઈ પછીથી જાણે સોનાનું સ્મિત વેરી રહ્યા, અને મરક મરક મારી સામે જોઈ રહ્યા.

સહજ મેં પણ મારી પત્નીનો હાથ મારા હાથમાં લીધો. કુવૈત એરપોર્ટ ઉપરથી તે જ ક્ષણે સિંહગર્જના જેવો અવાજ કરતું એક વિમાન ઊડયું અને તેમાં રહીમભાઈ એમનાં બીબીને લઈને હજ કરવા ઊપડી ગયા તેવા દીવાસ્વપ્નમાં હું તત્ક્ષણ ખોવાઈ ગયો. રહીમભાઈનાં પત્ની સાથે મારી પત્નીએ પણ સ્મિતવિનિમય કર્યો, રહીમભાઈ સમા નેકદીલ મુસલમાન સાથે જિંદગી જોડી શકવાની ખુશનસીબી મળી તેની મુબારકબાદી આપવા માટે, મારા મનમાં જાણીતો શેર ઝબકી ગયો : ‘તુમ જીઓ હજારો સાલ, હર સાલ મેં હો દિન હજાર !’

કુવૈત એરપોર્ટની હોટલમાં વીસેક કલાક બંદીવાન રહ્યાં, તેના ફળસ્વરૂપ રહીમભાઈની યાદગાર મુલાકાત મારા દિલમાં કાયમ માટે અંકાઈ ગઈ; અને જામનગરના રસ્તા ઉપર રેંકડી ચલાવતા રહીમભાઈની આ દિલચશ્પ વાર્તા બની ગઈ. એવું ન કહેવાય કે રેંકડીવાળા રહીમભાઈની જિંદગીની સફર તો જેટ વિમાનની સફર જેવી જ રોચક છે !