ગુલાબને આવ્યાં કાળાં ફૂલ – ગુણવંતરાય ભટ્ટ

સરિતા બંગલાના બગીચામાં નવા રોપા માળી પાસે નખાવી રહી હતી. તેનું નિરીક્ષણ કરતો ઉદયન વરંડામાં ખુરશી નાંખીને હાથમાં પુસ્તક લઈને બેઠો હતો. જાસુદ, મોગરો, ચંપો, ગુલાબ ઈત્યાદિ પુષ્પોના છોડના રોપા ક્યાં નાખવા તેની સૂચના સરિતા માળીને આપી રહી હતી. થોડે દૂરની જગ્યાએ માળી રોપા રોપી રહ્યો હતો ત્યારે સરિતા વરંડા પાસે આવીને ઉત્સાહભરી બોલી : ‘બગીચો નવેસરથી સરસ બનાવવો છે.’
‘માટે તો લાવ્યા છીએ, આ બધા છોડ. તેં મંગાવ્યા હતા તે પ્રમાણે આવ્યા છે ને બધા રોપા ?’
‘હા, મેં ચૅક કરી જોયા. આપણે બધાને ઓળખીએ તો નહિ, પરંતુ રામલાલે જુદા પાડીને ગણી બતાવ્યા. લિસ્ટ પ્રમાણે મેં મેળવી જોયાં.’
‘પૈસા આપી દીધા ને ?’
‘હા, તે બિચારો ક્યાંથી લાવે તેટલા પૈસા ! મેં આપીને જ મોકલ્યો હતો. બિલ લાવ્યો હતો તેની સાથે મેળવીને બીજા પૈસા પાછા લઈ લીધા. એક રૂપિયો ને પંચોતેર પૈસા.’
‘એ સરસ કર્યું !’ તેણે સસ્મિત વ્યંગ કર્યો.
‘હિસાબ પ્રમાણે તો…’
‘હા, પાછા પણ લઈ લેવા જ જોઈએ.’
‘આપી દઉં પાછા ?’
‘હવે ? રહેવા દે, ચાલશે. પાછા ન લીધા હોત તો સારું થાત. પછી વળી કોઈ વખત… બસોના આવ્યા ને ?’
‘હા, મેં બસો આપેલા તેમાંથી આ પાછા આવ્યા.’
‘મારી ગણતરી સાચી ને ?’
‘સાચી. ત્યાં જાસૂદ નાખે છે. અહીં દરવાજા પાસે ગુલાબ નંખાવીશ.’
‘તારાં ગુલાબ અહીં રસ્તા પરથી જતું કોઈ લઈ નહિ જાય ?’
‘તો દેખાય પણ અહીં જ સારાં ને ?’
‘તેની ના કહેવાય !’
‘ધ્યાન રાખીશ. પેલા ખૂણામાં રાખીએ તો ?’
‘ત્યાં પણ રસ્તા પર જ ને. નંખાવ ગમે ત્યાં. કોઈ નહિ લઈ જાય. અને કોઈક વખત એકાદું લઈ જશે તોપણ શું ?’
‘એમ થોડું લઈ જવા દેવાય ! કોઈ માગીને લઈ જાય તો જુદી વાત. આપીએ હોંશથી.’
‘હા, પાછળની કેળનાં પાંદડાં સૌ લઈ જાય જ છે ને !’
‘રસ્તે જતા બધાને અપાય ? જેને તેને તો ના જ પાડું ને. કથા કે પૂજાના કામ માટે લઈ જાય તે સમજાય.’
‘તે વિના પણ લઈ જતા હશે લોકો ?’
‘નામ તો કથાનું જ લે ને બધા.’
‘તેમાં સાચા કેટલા તે કોણ જાણે, કેમ ? માટે તેં બંધ જ કરી દીધું, કેમ ? તે પણ ઉત્તમ કર્યું.’

માળીને આ બાજુ આવતો જોઈને સરિતા તે તરફ વળી. આદેશ કર્યો, ‘ચંપો દરવાજાની પાસ ડાલો, ભૈયાજી !’
‘વહાં અચ્છા નહિ રહેગા.’
‘કયું ?’
‘બડા પેડ હોએગા. ઈધર રાતરાની આયેગી. ઉધર ચંપો રખેગા.’
‘હેં ? બરાબર છે ?’ સરિતાએ ઉદયનની સલાહ પૂછી.
‘સાચું કહે છે. દરવાજા પાસે રાતરાણી અને તેની બાજુમાં ગુલાબ નંખાવ. પણે ચંપો રહેશે તો બરાબર રહેશે.’ ઉદયનની સલાહ પ્રમાણે સરિતા માળીને સૂચના આપવા લાગી. ઉદયન પુસ્તકનાં પાનાં ફેરવતો વાંચી રહ્યો.

બંગલાની સજાવટનો સરિતાને ઉત્સાહ અનેરો હતો. મોટા ભાગની સુવિધાઓ બંગલામાં રખાવી હતી. ફ્રીઝ, વૉશિંગ મશીન, ઘરઘંટી અને મિક્ચર તો સામાન્ય બની ગયાં હતાં. ટી.વી. અને વી.સી.આર.નો સેટ હતો. બે રૂમ એરકન્ડિશન્ડ હતા. સુંદર કલાત્મક વૉલપીસ અને નયનરમ્ય ઝુમ્મરથી ડ્રોઈંગરૂમ શણગાર્યો હતો. શૉ-કેસમાં અવનવી કીમતી ચીજો ગોઠવી હતી. અને આ બધાનું વર્ણન કરતાં સરિતા થાકતી ન હતી. નવા આગંતુકને ઘડીભર તો એમ જ લાગે કે પોતે કોઈ પ્રદર્શનમેળામાં તો આવ્યો નથી ને ? સરિતા ‘ગાઈડ’ની જેમ દરેક ચીજનું વર્ણન, તેનું મહત્વ અને છેવટે મૂલ્ય પણ બોલી નાખે – વધારે કીમતી હોય તો ખાસ.

ઉદયનને પોતાનો ધંધો હતો. સ્થિતિ સારી હોવાનો સંતોષ હતો. સરિતાનો શોખ પૂરો કરવા ખાતર તે ઘણો ખર્ચ કરતો. તે એમ માનતો કે ઈચ્છાઓનો અંત નથી હોતો. તેમાં પણ જ્યારે બીજાને બતાવવા ખાતર કે દેખાદેખીથી વસ્તુ લાવીએ તેમાં નૈસર્ગિક આનંદ લુપ્ત થઈ જાય છે. પરંતુ સરિતાના ગૃહસુશોભનના શોખને તે રોકતો નહિ. તેને ક્યારેક દેખાઈ આવતું કે તેનો શોખ અંત:સ્ફૂરણાથી, બાહ્ય પરિબળોને આધીન રહીને સ્ત્રીસહજ સ્વભાવે પોતાના શોખોને તે પોષી રહી છે. ઉદયનને તેની સામે પણ ખાસ વાંધો ન હતો, પરંતુ તે શોખ-વૈભવ સરિતા પ્રદર્શિત કરે છે તેના પ્રમાણમાં હોવી જોઈએ તેટલી નિખાલસતા-ઉદારતા તેના સ્વભાવમાં નથી, તેવું તે સમજતો હતો. તેથી તેના આ શોખને આત્મવંચનામાં ખપાવતો. છતાં ક્યારેક કટાક્ષબાણ છોડવાથી આગળ બોલીને તે સરિતાને નાખુશ કરતો નહિ. આ પ્રમાણે તેમનો સંસાર નદીના શાંત વહેણની જેમ વહ્યા કરતો હતો.

ઉદયન શહેરમાં રહેવા આવ્યો ત્યારે એક નાની ઓરડીમાં રહેતો હતો. તે નાની ઓરડીને વાળીઝૂડીને સરિતા સાફ રાખતી. નાના એવા ફળિયામાં એક તુલસીક્યારો રાખેલો. ઉદયનની પહેલાં સરિતા ઊઠી જઈને સ્નાનાદિ નિત્યકાર્ય પતાવી પૂજા કરીને તુલસીને જળ ચઢાવી વંદન કરીને તેના ગૃહકાર્યમાં જોડાઈ જતી. આ નાની ઓરડીના આંગણે પણ જો કોઈ અતિથિ આવે તો આનંદિત બની જતી. જોકે આ નાના નિવાસસ્થાનમાં પણ ગોઠવેલી ચીજો પ્રત્યે અતિથિનું ધ્યાન દોરાય તેવું તે ઈચ્છતી ખરી; પરંતુ સાથે સાથે અતિથિ-સત્કાર કરવામાં પણ મણા રાખતી નહિ.

દિનાંતરે ઉદયનનો ધંધો વિકસતો ગયો અને તે નાની ઓરડીમાંથી એક મોટા બંગલામાં તેનું નિવાસસ્થાન બદલાઈ ગયું. સરિતાનો અતૃપ્ત ગૃહસજાવટનો શોખ વિકસતો રહ્યો. ફરક માત્ર એટલો આવી ગયો કે હવે તે શોભા બીજાને ફક્ત પ્રદર્શન જેવી લાગી રહી. ગૃહ પ્રત્યેના આત્મજાત સાલસ પ્રેમ કે રસવૃત્તિનાં દર્શન કોઈ ચીજ કે ગોઠવણમાં થતાં નહિ. આડંબરના અસ્તર નીચે, સચવાયેલા નમૂનાના સંગ્રહસ્થાન જેવું તે દેખાતું હતું. તેથી તેના પ્રતિભાવ પણ તેવા જ શુષ્ક મળતા. મોંઘી ચીજનું મૂલ્ય છતું કરવા તેનું મન બે-કાબૂ બનતાં બોલી ઊઠતી : ‘આના સાતસો રૂપિયા આપ્યા. કોઈ માને ? ફૉરેનનું છે.’
‘હશે, અત્યારે કિંમતનું તો ક્યાં કહેવા જેવું જ છે ! જેટલા ખર્ચો તેટલા ઓછા. સ્નેહાક્ષીબહેનના ત્યાં લાવ્યા તેના પૂરા હજાર થયા. પણ જીવનાં એટલાં ઉદાર. જરૂર પડે નાના છોકરા પાસે મંગાવો તો પણ આપે. કહે કે વાપરવાની વસ્તુ કોઈને ઉપયોગ ના થાય તો કરવાની શું ?’

વિવેક ખાતર પણ કોઈને વસ્તુ આપવાની સભ્યતા સરિતા દાખવી શકતી નહિ. વિવેકના શબ્દો પણ તેના મુખમાંથી નીકળતા નહિ. તેના શૉ-કેસમાં રાખેલી ચીજોનો સ્પર્શ પણ કોઈક ભાગ્યશાળી જ કરી શક્યું હશે. આજીવન નિરુપયોગી રહેવા સર્જાયાં હોય તેમ ચિનાઈ કાચનાં કપ-રકાબી, પ્યાલાઓ અને ડીસો કબાટમાં પુરાયા પછી ત્યાં જ પડ્યાં રહેલાં હતાં. એક કીમતી શેતરંજી સરિતાના બંગલામાં હતી. પરંતુ તેનો ઉપયોગ મહેમાનોને બતાવીને યથાયોગ્ય સ્થાને મૂકવા સિવાય થયો ન હતો. સરિતાને નખશિખ પિછાનતો ઉદયન સખેદ માર્મિક હાસ્ય વેરતો તેની પ્રવૃત્તિ નિહાળી રહ્યો હતો.

સરિતાએ પૂછ્યું, ‘આ બટમોગરો ક્યાં રાખીશું ?’
‘એમ કર, દરવાજાની પાસે જ તેને રાખ. સુગંધ સરસ મળશે. જતા-આવતા લોકો ને સૌનું ધ્યાન આ બાજુ દોરાશે.’
‘તેની બાજુમાં કાળા ગુલાબનો છોડ આવશે, કેમ ?’
‘બસ…બસ. કાળાં ગુલાબ ત્યાં ઠીક રહેશે. તુરત જ ધ્યાન દોરશે આવનારનું !’ સરિતા ઉત્સાહમાં આ કામગીરી કરાવી રહી હતી ત્યાં જ ઉદયનને યાદ આવ્યું ને બોલ્યો : ‘શશિકાન્તનાં ફાધર-મધર આવ્યાં છે.’
‘કોનાં ?’
‘શશીનાં.’
‘હં શશીભાઈનાં. તે ? તે મળ્યા’તાં ? કોણે કહ્યું ? ક્યારથી આવ્યા છે ?’ સરિતાના મુખમાંથી પ્રશ્નો નીકળી ગયા.
‘પોતે મળ્યો હતો. ત્રણ દિવસ થયા એમને આવ્યે. પરમ દિવસ જવાનાં છે. આવતી કાલે સવારે જમવાનું આપણે ત્યાં રાખવા મેં કહ્યું છે.’
‘પણ…….’
‘શું પણ ? કાલે રજા છે. અનુકૂળ આવી ગયું. પરમ દિવસે તો જતાં રહેવાનાં છે. મેં તેને ઠપકો આપ્યો કે તારે મને વહેલા જણાવવું જોઈએ ને. આ તો આપણે મળી ગયા ને વાત કરી તેથી ખબર પડી. નહિ તો જતાં જ રહેને.’
‘તો આપણે શું કરીએ ?’ બોલ્યા પછી તે માળી પર છંછેડાઈ ગઈ, ‘જલ્દી કરો ભૈયાજી, મારો આખો દિવસ બગાડ્યો તમે તો.’ અને પછી ઉદયનને ઉદ્દેશીને કહ્યું : ‘તમે ઓચિંતા આમંત્રણ આપી આવો પછી મારે મુશ્કેલી ના થાય ?’
‘આ કહ્યું તો ખરું, જમવાનું તો કાલે છે ને. સાંજકના આ બાજુ નીકળશે તો આવશે.’
‘જમવાનું કહ્યા પછી આજે……’
‘ના ગમ્યું તને ?’
‘ગમવા ના ગમવાની વાત નથી.’
‘તો ? એ તો ના પાડતો હતો, છતાં મેં આગ્રહ કરીને કહ્યું છે. હું ઘેર જાઉં છું ત્યારે ત્યાં આપણાં ઘર હોવા છતાં તેનાં બા-બાપુજી તેમને ત્યાં મને એક ટંક તો જમાડે જ. અને હું મહિનો અહીં એકલો હતો ત્યારે શશિકાન્તના ઘરે જ જમેલો ને.’
‘હું તો તમને ના કહેતી હતી કે કોઈના ઘેર જમવું નહિ.’
‘અને મનથી આગ્રહ કરે તો ના પાડવી નહિ, નન્નો પકડી રાખવો નહિ તેમ તેં જ કહેલું ને ? શશીને હું વધારે ઓળખું છું તારા કરતાં. તેના પ્રેમાગ્રહને વશ થઈને હું ત્યાં જમેલો.’
‘એ બધું પારાયણ અત્યારે ક્યાં ઉખાળો છો. કાલે જમવા આવવાનાં છે ને ! જમાડીશું. વ્યવહારમાં તો ઊભાં રહેવું પડશે ને આપણે.’

હવે સરિતા નીરસ બની ગઈ હોય તેમ માળીને બધી સૂચનાઓ એક સાથે આપી દીધી. બંને અંદર બેઠાં હતાં ત્યાં દરવાજો ખખડ્યો. શશી અને તેનાં બા-બાપુજી આવી રહ્યાં હતાં. સરિતાના રકતકપોલ પર જાણે કાળું ધાબું પ્રસરી વળ્યું. તે સમયે માળીએ બહારથી ઊંચા સ્વરે પ્રશ્ન કર્યો : ‘કાલા ગુલાબ ઈધર ડાલું ને બેનજી ?’
‘હા.’ ત્રસ્ત સ્વરે બોલીને સરિતાએ માથું ધુણાવ્યું. મરક મરક હસતો ઉદયન બોલ્યો : ‘હા ત્યાં જ દરવાજા પાસે ભૈયાજી.’ તેણે શશીને સત્કાર્યો : ‘આવ શશિ, આવો બાપુજી.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રહીમભાઈ રેંકડીવાળા – વિનુભાઈ પટેલ
મહિમા અને માવજત – સંકલિત Next »   

15 પ્રતિભાવો : ગુલાબને આવ્યાં કાળાં ફૂલ – ગુણવંતરાય ભટ્ટ

 1. nayan panchal says:

  માનવમનને કળવું ઘણું મુશ્કેલ છે. એમાં પણ સ્ત્રીનુ મન તો ઘણા લોકો પી.એચ.ડી. કરી શકે એટલુ ગહન હોય છે.

  આજના સમયનો પ્રોબ્લેમ આ છેઃ “humans are meant to be loved, things are meant to be used;
  in reality, people love things and use humans.”

  આ વાર્તામાં પણ સરિતા માળી કરતા પોતાની ચીજવસ્તુઓ પ્રત્યે વધારે લાગણી(!!)શીલ છે.

  નયન

 2. Maharshi says:

  🙂

 3. Ritika Nanavati says:

  આવા સ્વભાવ ના લોકો પન હોય છે!!!!!
  આવુ હોય તો ગુલાબી ગુલાબ પન કાળુ થઐ જાય.

 4. pragnaju says:

  આપણા ધરમા બનતી સામાન્ય ઘટનાઓવાળી સુંદર વાત…અને રોજ ઉભા થતા પ્રશ્નોનું સરસ સમાધાન.‘કાલા ગુલાબ ઈધર ડાલું ને બેનજી ?’ નો પણ મરક મરક હસતો ઉતર અપાય.
  અહીં કાળો ગુલાબ અશુભના પ્રતિક કરતા તે માટેની ગુલાબના નીષ્ણાતોની વાખ્યા પ્રમાણે વધુ સારી લાગે છે-Black roses represent new beginnings and overcoming of a long hard journey.

 5. Mehul raval says:

  વાહ ભાઇ વાહ સરસ વાર્તા છે

 6. ભાવના શુક્લ says:

  કાળા ગુલાબ દ્વારા માનવમનમા એક બારી ખોલી ઝાકવા મળ્યુ તે સુંદર… પ્રદર્શન અને ઉપયોગીતા બન્ને સાથે ભાગ્યેજ રહી શકે.. પ્રદર્શન મા શ્રેષ્ઠ ગણાતા કાળા ગુલાબની વ્યાખ્યા ગમે તે હોય પણ છોડ પરથી ઉતારી લિધા પછી શુ સજાવી શકે? માણસનુ મન પણ જો કાળ ગુલાબ જેવુ થતુ જાય તો…ઉપયોગીતા ગુમાવતુ જશે..
  કાળા ગુલાબના મેડીકલ ઉપયોગો જાણનારા ક્ષમા કરે, અહિ તો મન ના પ્રતિક સમુ ભાસ્યુ..

 7. ભાવના શુક્લ says:

  અને ફુલ તો ફુલ છે. પુષ્પની વ્યાખ્યાને કોમળતા જોડે જ સીધો સંબંધ હોય શકે… રંગની દેન તો ઇશ્વરના હાથમા છે…

 8. Hiral Thaker "Vasantiful" says:

  સરસ વારતા.

  ગુલાબ કાળુ હોય કે લાલ કે ગુલાબી તેના જેવી કોમળતા સ્વભાવમાં આવે એટલે બસ પછી એને ગમે ત્યાં રોપો…મનના ગમે તે ખુણામાં!

 9. Rajni Gohil says:

  કાળા ગુલાબનાં છોડ પર ફૂલ તો આવે ત્યારે સાચું પણ સરિતાએ તો પોતાના મનના કાળા ગુલાબનું પ્રદર્શન કરી નાંખ્યું.આપણે ભૂલેચુકે મનને કાળો ડાઘ ન લાગવા દેવો એવો પાઠ આ વાર્તામાંથી લેવો જોઇએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.