- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ગુણગ્રાહી શ્રી ગિરીશ ગણાત્રા – પ્રો. સુરેશ મ. શાહ

[‘બુક શેલ્ફ’ સામાયિકમાંથી સાભાર.]

માત્ર 63 વર્ષનું જ ટૂંકું આયખું સભર અને સરસ રીતે માણનાર ગિરીશ ગણાત્રા છેલ્લાં 25-30 વરસથી ગુજરાતી વાચનપ્રિય અને કથારસપ્રિય પ્રજામાં પોતાની લેખિની દ્વારા અનોખું સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલા સર્જક હતા. કારકિર્દીમાં એવું કોઈ વિશિષ્ટ તત્વ ન હતું કે તેમની અભિવ્યક્તિને કલમનો ઉત્તમ કસબ સાંપડે, પણ પોતાની આજુબાજુના વાતાવરણમાંથી સાચને પારખવાની અને તેને સર્વના લાભ માટે રજૂ કરવાની એક આગવી લઢણ હતી, પરિણામે તેમની કલમમાંથી જે પ્રગટ થતું ગયું તે સર્વ સંવેદનશીલ વાચકને ગમતું ગયું અને વાચકોએ જાતે જ તેનો પ્રચાર કરીને ગમતાનો ગુલાલ ઉડાડ્યો અને ગિરીશભાઈ જોતજોતામાં તો કલમની પ્રસાદીની રાહ જોતા વાચકોના પ્રિય લેખક બની રહ્યા.

તેઓએ પોતે નજરે જોયેલી સત્યઘટનાઓને પ્રસંગકથા તરીકે આલેખવા માટે ‘ગોરસ’ નામની કટાર શરૂ કરી ‘જન્મભૂમિ’ અને ‘સૌરાષ્ટ્ર સમાચાર’ માં અને વાચકો તેમના ‘ગોરસ’ને આસ્વાદવા આતુરતાથી રાહ જોતા રહ્યા. સત્ય ઘટનાઓ હતી, રજૂઆતની શૈલી નિરાડંબરી હતી અને સરળતા તેનું મુખ્ય લક્ષણ હતું. જાણે કે 20મી સદીના દાદા-દાદી આપણી સામે બેસીને રોજ સંધ્યાકાળે વાળુ કરીને વાર્તાની માંડણી ના કરી રહ્યાં હોય ! એ સમયે તો ઘરના વડીલ જ વાર્તા, કથા દ્વારા સંસ્કારવર્ધનનું કામ કરી રહ્યા હતાને ! જે બાળક-કિશોરને ગળથૂથીમાંથી જ મળતું હતું, પરિણામે એક ચોક્કસ વાતાવરણવાળો સમાજ સર્જાતો જતો હતો. જોતજોતામાં તેઓ માનવીની અંદર રહેલા સંવેદનને સાચા અર્થમાં ધબકતું કરનાર અને રાખનાર એ જ પરંપરાના સર્જક બની રહ્યા.

તેઓ સૌરાષ્ટ્રના હળિયાદ ગામે સંયુક્ત પરિવારમાં 1940માં જન્મેલા અને પછી ગુજરાત-સૌરાષ્ટ્ર અને મુંબઈમાં કારકિર્દી, વ્યવસાય અર્થે પરિભ્રમણ. છેલ્લે અમદાવાદમાં 2003માં 19મી ઑક્ટોબરે નિર્વાણ. આર્ટસમાં ગ્રેજ્યુએટ થયા મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અને રાજકોટથી એલ.એલ.બી કર્યું પણ વકીલાત ના કરી, લેખન દ્વારા સાચની વકીલાત કરવા માટે. કારકિર્દીના ક્ષેત્રે તેઓએ નોકરી જ સ્વીકારી. પ્રારંભમાં કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રીના પી.એ. તરીકેની કામગીરી સંભાળીને ચાહના મેળવી અને પછી રાજકોટ ઑલ ઈન્ડિયા રેડિયોમાં એનાઉન્સરથી શરૂઆત કરી, એકઝીક્યુટીવના પદ સુધી પહોંચી, રેડિયોના માધ્યમ દ્વારા પણ અનેકોના પ્રીતિભાજન બન્યા. તે કામગીરી પણ છોડીને 1973થી બૅન્ક ઑફ બરોડામાં જોડાયા અને 1998 સુધીમાં સિનિયર મેનેજર સુધી પણ પહોંચ્યા અને ત્યાંથી જ નિવૃત્તિ લઈ અમદાવાદમાં સ્થિરવાસ કર્યો.

તેઓ સ્પષ્ટપણે માનતા કે માનવના શૈશવકાળમાં જ સાચા સંસ્કારનું સિંચન થાય છે અને એ સંસ્કારો કે જે કોરી પાટી પર પડેલા એકડા સમાન હોય છે તે જ સમગ્ર જીવનને ઉજાળે છે અને એ રીતે શૈશવ એ જ સંસારનું પહેલું સોપાન છે. આપણી આસપાસના જીવનનો સળવળાટ જ આપણને સંસ્કારી બનાવવાનું સારું એવું ભાથું પૂરું પાડે છે. તેઓ કહે છે કે આપણને સારા કે ખરાબ બનતાં કોઈ રોકતું નથી, આપણે જ આપણી છબીને સારી બનાવવાની છે અને તે માટે વાચન-મનન ને અનુસરણ જ અગત્યનું ભાથું છે. તેઓએ એક જગ્યાએ કહ્યું છે કે થોડાંક વરસોથી આપણા માનસમાં સારું એવું પરિવર્તન આવ્યું છે. મૂળભૂત મૂલ્યોને આપણે વિસરાવી દીધાં હોય તેમ લાગે છે. આપમતલબી જીવનશૈલી, વિવેકભાન વિનાના રંગરાગ, ટૂંકા રસ્તા અને વધુ ફાયદાનું ચિંતન, થોડાંક દેવદર્શનો કે પગપાળી યાત્રા, ઈહલોકને ઉજાડી પરલોકને નંદનવન બનાવવાનાં આંધળાં ધર્મઝનૂનો કે ખોખલી અંધશ્રદ્ધાઓ દ્વારા આપણે જાણે કે જીવનનું ચણતર કરી રહ્યા છીએ. નાનાં નાનાં સ્ખલનો આપણને ભાવી ગયાં છે. વિવિધ કાર્યો કરાવવા આપણે કેટલા પેંતરા રચીએ છીએ અને જાતને કેટલી બધી છેતરતા હોઈએ છીએ તે અજાણ્યું નથી; આવા વાતાવરણમાં ભાવિ પેઢી કેવી ઘડાઈ રહી છે તેની આપણને જાણે તમા જ નથી.

ગિરીશભાઈએ બાલ્ય-કિશોરવયમાં જ એ સમયની પરંપરા અને કુટુંબવત્સલતા દ્વારા સંસ્કારો તો પ્રાપ્ત કર્યા જ હતા પણ વ્યાપક વાંચન અને લેખન દ્વારા પોતાનું જીવન સારી રીતે સંસ્કાર્યું હતું. તેમની કલમમાં માનવીના આંતરમનને સ્પર્શવાની અને તે દ્વારા હૃદય પરિવર્તન કરવાની અનેરી તાકાત હતી. અનેક વાચકો પત્રો દ્વારા તેમની મૂંઝવણો ઠાલવતા અને માર્ગદર્શન મેળવી પોતાના જીવનને નવપલ્લવિત કરતા હતા. તેઓ સ્વભાવથી જ સૌરાષ્ટ્રની પરંપરાનું આગવું ખમીર ધરાવતા હતા અને ખુમારી પણ તેવી જ હતી. સર્વ પ્રત્યે તેમનું વર્તન હંમેશાં ખેલદિલીભર્યું રહેતું હતું. આતિથ્ય-સત્કારમાં તેઓ ભારતીય પરંપરા ‘મહેમાં જો હમારા હોતા હૈ, વો જાનસે પ્યારા હોતા હૈ’ ને જાળવીને સૌરાષ્ટ્રની સ્વાભાવિક લઢણનું ઉચ્ચ શિખર આચરનારા હતાં. તેઓ કહેતા કે કોઈને ત્યાં એક વખત જમ્યા કે તેઓને દશ વખત જમાડીએ તો જ આપણે માનવ સાચા.

સાચા માનવીઓ તેમને ખૂબ ગમતા અને નાના માનવીઓ માટે તેમના મનમાં હંમેશાં કૂણો અને સદભાવભર્યો ભાવ રહેતો હતો. વાસ્તવમાં તેઓ જે કાંઈ લખતા એ જીવનમાંથી જ જડેલું હતું અને માત્ર બીજાને માટે લખતા એવું નહિ પણ એ વિચારો પોતાના જીવન-વ્યવહારમાં પણ અમલમાં મૂકતા હતા તેવું તેમના જીવન-વ્યવહારોમાં એ સતત જોવા મળે છે એટલે જ સમગ્ર જીવન દરમ્યાન તેઓ સતત માનવતાવાદી રહ્યા હતા એટલું જ નહિ પણ એવી અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લઈ કાર્યશીલ રહેતા હતા.

આના અનુસંધાનમાં જ તેઓએ અનેક ઑર્થોપેડિક શિબિરોમાં ભાગ લઈ જયપુર ફૂટ અને કેલિપર્સનું કાર્ય ઉમળકાભેર કર્યું હતું. એક સામાયિકનું સંપાદન કરી યુવા વિકાસ-કેન્દ્રની પ્રવૃત્તિઓમાં સહયોગ આપ્યો હતો. યોગ શિબિરોમાં સક્રિયતા દાખવી હતી અને એ રીતે સતત પુરુષાર્થભર્યું જીવન જીવ્યા હતા. તેઓની આવી પ્રવૃત્તિઓ દ્વારા તેઓ સતત અનેક પુરસ્કરોથી નવાજિત થયા હતા પણ તેનો સહેજ માત્ર પણ ગર્વ તેમના વર્તનમાં અભિવ્યકત થતો ન હતો. તેઓની જીવનપ્રેરક કથાઓ, સત્ય પ્રસંગો, બાળકથાઓ, વિજ્ઞાનકથાઓ વગેરેનાં 50 જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે જે સતત વંચાય છે અને પ્રેરણાનું અનેરું ભાથું પૂરું પાડે છે. જો કે તેઓને સહુથી વધુ ખ્યાતિ તો તેમના ‘ગોરસ’ શીર્ષક નીચેના લેખોથી મળી છે અને તે નામથી પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. જન્મભૂમિ અને સૌરાષ્ટ્ર સમાચારની આ કૉલમ દ્વારા તેઓ સમગ્ર ગુજરાતી પ્રજાની સારી એવી ચાહના સંપાદિત કરી શક્યા છે. આ ઉપરાંત મુંબઈ સમાચારમાં તેમની ‘જીવનશિલ્પ’ નામની કૉલમ આવતી જે કાલ્પનિક પ્રસંગો પર આધારિત હતી. છેલ્લે છેલ્લે દિવ્ય ભાસ્કરમાં પણ ‘જંતર ઝીણાં વાગે’ નામની કૉલમ પણ ઘણી જ લોકપ્રિય નીવડી હતી. જ્યારે કલકત્તાના ‘હલચલ’ અને અમદાવાદના ‘સમભાવ’માં પણ તેમના લેખો નિયમિતપણે આવતા હતા. આ સિવાય પણ તેઓએ અનેક સામાયિકોમાં પોતાની લેખિની દ્વારા સમાજ ઉપયોગી લેખો લખ્યા હતા.

નવાઈ તો એ છે કે જ્યારથી તેમની કૉલમો શરૂ થઈ ત્યારથી જ તેઓ સારી એવી પ્રસિદ્ધિને વર્યા, એટલું જ નહિ પણ વાચક એવું અનુભવવા લાગ્યો કે જાણે આ અમારા પોતાના જ લેખક છે અને અમારે જે કહેવું છે, જાણવું છે તે સરસ રીતે રજૂ કરી અમને પ્રેરણા પૂરી પાડે છે. સાચું તો એ છે કે તેમનાં લખાણોમાં જે અભિવ્યક્ત થતું તે માત્ર ધન મેળવવાની લેખિની ન હતી પણ હૃદયની અનુભૂતિ અને પોતાના આચરણનો પણ શિલાલેખ હતો એટલે જ તેઓ સર્વસાધારણ જનસમાજના માનીતા લેખક બની શક્યા છે. તેઓના લેખને વાંચવા જ મોટેભાગે તો વાચક વર્તમાનપત્ર મંગાવે અને તેમના લેખને પહેલાં વાંચીને પછી જ અન્ય લખાણ તરફ વળે એવું તો વાચક તેના સમાચારપત્રોમાં આવેલા પત્રો કે લોકવિચારમાં સતત જોવા મળે છે.

જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે અનેકોએ આઘાત અને દુ:ખની લાગણી તો અનુભવી પણ જન્મભૂમિ પ્રવાસીને તો પત્રો લખી વિનંતી કરી કે ભલે ગિરીશભાઈની કલમમાંથી હવે નવું ના મળે પણ અમને જૂના લેખો પણ પુન:છાપીને તરોતાજા રાખો અને એટલે જ પ્રવાસીમાં તો દર મહિનાના છેલ્લા રવિવારે લોક-માંગને સંતોષવા જ કૃતજ્ઞતાપૂર્વક ‘ગોરસ’ રજૂ કરવામાં આવે છે. છેલ્લાં અઢી વરસથી અને હજુ પણ તેની એટલી જ લોકપ્રિયતા રહી છે તે દર્શાવે છે કે ગિરીશ ગણાત્રા આમપ્રજાની સંવેદનાના સાચા હામી હતા. તેઓના અવસાન પછી તરત જ તેમને યોગ્ય અંજલિ આપવા ‘ગોરસાંજલિ’ ગ્રંથ બહાર પડ્યો અને પછી ‘શબ્દાંજલિ’. પણ આ બંને પુસ્તકો અને પુન: છપાતી કૉલમો તેમની લોકપ્રિયતાની દ્યોતક છે.

આવા માન્યવર શ્રી ગિરીશ ગણાત્રા આપણી વચ્ચે દેહસ્વરૂપે નથી પણ શબ્દદેહ દ્વારા સતત અનુભવાય છે અને એ જ એમના જીવનની સાચી ફલશ્રુતિ છે ને એક ઉમદા માનવી તરીકે જીવી ગયાની અને જીવવા માટેની પ્રેરણાનો અમીસ્ત્રોત બની રહ્યાની.