- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જાંબુના ઝાડ પર – જ્યોતીન્દ્ર દવે

[આત્મકથાત્મક નિબંધ ‘વ્યતીતને વાગોળું છું’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

અમારા ઘરની નજીકમાં એક મોટું મેદાન હતું. એ મેદાન દ્વિમુખી હતું. અમારી જ્ઞાતિના એક કુટુંબના મકાનનો પાછલો દરવાજો પડતો હતો તે બાજુ ખૂબ ઊંચી ને એની જોડાજોડ ઢોળાવ. એ ઊંચાણવાળી જગાએ ત્રણ પ્રચંડ વૃક્ષો. એક જાંબુડાનું ને બીજાં બે લીમડાનાં.

અમે સમવયસ્ક બાળમિત્રો રમવા માટે ટેકરે ભેગા થતા. જાંબુની ઋતુમાં અમારામાંથી એક જણ ઝાડ પર ચડી પાકાં પાકાં જાંબુ તોડીને નીચે ફેંકે ને નીચે ઊભેલાઓ જાંબુ પરની ધૂળ પોતાની ધોતડી વડે સાફ કરે ને કોઈક ઘેરથી ટોપલી લઈ આવ્યું હોય તેમાં બધાં જાંબુ ભેગાં કરે. જાંબુ પાડવાની ક્રિયા પતાવીને ઝાડ પર ચડેલો છોકરો નીચે આવે પછી બધા ભેગા મળીને જાંબુનો આસ્વાદ માણે. જાંબુડા પર ચડવાનું કામ મોટે ભાગે મારે ભાગે જ આવે. એક તો સૌ મિત્રોમાં હું સૌથી હળવા વજનનો ને બીજું, વૃક્ષારોહણની ક્રિયામાં હું કુશળ.

એક દિવસ બપોરે ધોમધખતા તડકામાં અમે સૌ જાંબુડા આગળ ભેગા થયા. એક સોનીમહાજનના છોકરાએ પ્રસ્તાવ મૂક્યો, ‘આ સસરાં જાંબુ પણ કેવાં પાકી ગયાં છે ! આજ તો દોસ, જાંબુનું સરબત બનાવીએ. એવી મજા પડહે.’ પરંતુ સરબત બનાવવાની મુશ્કેલીનો ખ્યાલ આપી બીજા એક બાળમિત્રે કેવળ જાંબુ ખાઈને જ ચલાવી લેવાનું સૂચન કર્યું અને સૌએ તેને માન્ય રાખ્યું. ઝાડ પર ચડીને પાકાં પાકાં જાંબુ ચૂંટવાની કામગીરી બજાવવા માટે મારા અપવાદ સિવાય, સર્વાનુમતે મારી વરણી કરવામાં આવી.

શરૂઆતમાં મેં ઘણી આનાકાની કરી. ઉન્નતિ કપરી છે, પતન સહેલ છે એ માનવજીવનના સામાન્ય અનુભવ કરતાં વિપરીત રીતે ઝાડ પર ચડવું પ્રમાણમાં સહેલું છે, પણ ચડ્યા પછી ઊતરવું મુશ્કેલ છે. ઉપર ચડતી વેળા ગમ્ય સ્થાન તરફ નજર સ્થિર રાખી શકાય છે પણ ઊતરતી વેળા નજર ઊંચે ને જવાનું નીચે એવો વિપરીત ક્રમ કષ્ટદાયક બને છે. હાથપગ, ઘૂંટણ વગેરે છોલાય છે અને ભૂમિ પર પગ પડે તે પહેલાં થોડાક અંતરથી ઊંધે મોંએ ભૂસકો મારવો પડે છે. જમીન પર ઊભા ને ઊભા આવી શક્યા તો ઠીક, નહિ તો, મોં ને જીભના સ્વાદ ખાતર કમર ને પાંસળીને ભૂમિનો માર ખમવો પડે છે.

કોઈક કોઈકવાર આ બધાનો અનુભવ મને થઈ ચૂક્યો હતો એટલે મેં ડોકું હલાવીને કહ્યું : ‘ઝાડ પર ચડી જાઉં (ચપટી વગાડીને) આમ જોતજોતામાં, પણ ઉપરથી ઊતરતી વેળા મારો દમ નીકળી જાય તેનું શું ?’
‘અરે ! આમ પોતડી ઢીલી કેમ કરવા માંડી ? દમણવાલી બાઈ જેવો ડરપોક કાંથી નીકલો ?’ એક મિત્રે ઉપાલંભ આપ્યો. દમણવાળી બાઈ નામની એક વિધવા અમારી બાજુના મહોલ્લામાં રહેતી હતી. કુટુંબમાં કોઈ હતું નહિ. એ આખા ઘરમાં એનો એકલીનો જ નિવાસ હતો. કૂતરા-બિલાડાથી તો એ ડરતી જ, પણ ઘરમાં કોઈક ખૂણે કીડિયારું નીકળ્યું હોય તો પણ ગભરાટની મારી ઘરની બહાર આવીને ઓટલા પર બેસતી ને પાડોશમાં રહેનારાંઓને બૂમ પાડીને વીનવતી, ‘ઓ મગનભાઈ, અરે તિકમજી ! એઈ લલ્લુ ડોસા, મારું કોઈ સાંભળો છો કે ? આ મારા ઘરમાં કીડીનું લશ્કર દાખલ પયડું છે, તમે કોઈ આવીને એને કાઢી મેલો તો હું અંદર દાખલ થાઉં. નહિ તો એ બધીઓ ચટકીચટકીને મારો જીવ લેશે.’

દમણવાળી બાઈની સાથે મારી તુલના થઈ તે મને સ્વાભાવિક રીતે જ ગમ્યું નહિ. મેં કહ્યું : ‘હું ડરપોક નથી જ એ તો તમે જાણો છો. ઊતરવાનું કેટલું મુશ્કેલ છે એ પણ મારાથી તમને કહેવાય નહિ ?’
‘કે’વાય, કે’વાય, સાડીસત્તર વાર કે’વાય. તને કે’વાની કયો સાલો ના પાડે છે ? પણ તેનો ઉપાય બી કંઈ હસે ને ?’ એકે કહ્યું.
બીજાએ પ્રસ્તાવ રજૂ કર્યો : ‘ઉપાય છે મારી પાસે. આપણે એમ કરીએ, સૌ પોતડી કાઢી સખત ગાંઠ મારીને લાંબા દોરડા જેવું બનાવીએ. તે લઈને એ ઝાડ પર ચડે ને ઊતરતી વેળા મસમોટી ડાલ પર એ બાંધીને સરતોસરતો નીચે ઊતરે. મારી વાત ખોટી હોય તો કહો.’
ત્રીજો બોલી ઊઠ્યો : ‘આવી ફેંકી દેવા જેવી શું વાત લાવ્યો છે ? આપણે બધા પોતિયાં કાઢીને નાગા બાવા બનીને ઊભા રહીશું તે કેવા લાગીશું ?’
‘કેવા એટલે ? છીએ તેવા જ વલી ! પોતડી પહેરી કે કાઢી એમાં આપણી પોતીકી જાતમાં શું ફેર પડી જવાનો ?’ પ્રસ્તાવ મૂકનાર ભાઈએ જવાબ વાળ્યો. ત્રીજાએ પ્રત્યુત્તર વાળ્યો : ‘ના, ના હું તો ના પાડું છું. કોઈ આવી ચડે ને આપણને જુએ તો ?’
‘તો સું વલી ?’ પ્રસ્તાવકે જવાબ દીધો, ‘કહી દેવાનું, એઈ મિસ્તર ! જોયા શું કરો છ ? કોઈ દાડો નાગા છોકરા જોયા નથી ?’ પણ મારા મનમાં આ કંઈ બેઠું નહિ. મેં અસંમતિ દર્શાવી. ‘તમે કહો છ તે બધું ઠીક છે. પણ તમારી પોતડી તો જુઓ, સત્તર ઠેકાણેથી સાંધેલી છે. હું એ ઝાલીને સરતો સરતો નીચે ઊતરું ને અધવચથી એ ફસકી જાય તો મારો તો બોરકૂટો જ નીકળી જાય ને ? ને ડાળ પરથી તમારી પોતડી છોડીને લાવશે કોણ – તમારો કાકો ?’

આખરે એક જણે તોડ કાઢ્યો. ‘આપણે એક કામ કરીએ. બધા મળીને એકબીજાના હાથમાં હાથ રાખીને કૂંડાળું વળીને ઝાડ આગળ ઊભા રહીએ. એ નીચે ઊતરતો જાય તેમ તેમ આપણે કે’તા રે’વાનું કે ‘બસ, હવે ઘૂંટણ ઊંચા રાખીને પગ થડ પર ટેકવીને એક ડગલું આગળ ચાલ, એમ એક એક ડગલું એ નીચે ઊતરતો જાય તે આપણે જોયા કરીએ. જો પડી જવાનો થાય તો બૂમ પાડીને કહી દઈએ, ‘સમાલ બચ્ચા ! થડ પર પગ બરાબર બઝાડ.’ એમ કરતાં પડી બી જાય તો આપણે બધાએ મલીને એને ઝીલી લેવાનો. શું કહો છ ? છે ને મારી વાત બરાબર ?’ પણ ઝાડ પરથી નીચે ઊતરવાનો પ્રશ્ન આપોઆપ જ ઊકલી ગયો !

હું ઝાડ પર ચડી ગયો. જેટલાં જાંબુ તોડાયાં તેટલાં તોડી તોડીને નીચે ફેંક્યાં. એક ડાળ પરથી બીજી ડાળ પર કરતાં કરતાં હું લગભગ ટોચની ડાળે પહોંચ્યો. એ ડાળ બીજી નીચેની એની બહેનો કરતાં કદમાં પાતળી, દેખાવમાં નાજુક તેમજ ખરેખરા અર્થમાં નમણી પણ હતી. પરંતુ એના પર જાંબુવાન મહારાજે ભારે કૃપા વરસાવી હતી. એના પર લગભગ છેડા સુધી પાકાં, રસદાર ને લોભામણાં જાંબુઓનાં ઝૂમખાં લટકીને લહેર કરતાં હતાં. હું ધીરે ધીરે આગળ વધતો, જાંબુઓ ચૂંટતો ને નીચે ફેંકતો ડાળીના મધ્યભાગ સુધી આવી પહોંચ્યો. આહારવિહારમાં સંયમ ન જાળવી જાણનારી વ્યક્તિની પેઠે આરંભના ભાગમાં એ હૃષ્ટપુષ્ટ હતી, પરંતુ પછી આગળ જતાં સંકોચાતી ને દીન બનતી અંતે કૃશ તથા કરમાયેલી થઈ જવા છતાં જાંબુની માયા એનાથી છૂટતી નહિ. તેથી આ અવસ્થાને સહન કરવો પડતો મુશ્કેલ એવો જાંબુનો ભાર એ પરાણે ઉપાડી રહી હતી.

છેવાડા સુધી સહીસલામત રીતે જઈ શકાશે કે નહિ એવી દ્વિધા અનુભવતો હું કંઈક વાર સુધી નિષ્ક્રિય બની એના મધ્યભાગ પર બેસી રહ્યો. પછી ‘કંઈ નહિ, પડશે તેવા દેવાશે.’ કહી આગળ વધ્યો. ‘બસ, હવે આવી પહોંચ્યો. નીચો વળી જરા હાથ લંબાવીશ એટલે ડાળીનો છેડો પણ આવી જશે હાથમાં.’ હું મનમાં બોલ્યો. જરાક આગળ વધ્યો. હાથ લંબાવ્યો ને એકસામટા બે અવાજ નીકળ્યા. ‘કુચુડુડુ-કુચુડુડુ’ – ને ‘ઊંહું-ઊંહું’ – પહેલો અવાજ ડાળીમાંથી ને બીજો અવાજ મારા મુખમાંથી. મારા સ્પર્શથી એના અંગમાં રોમાંચ થયો હોય અને હવે તો આનંદાતિરેક સહન થઈ શકતો નથી એવો જાણે ભાવ પ્રગટ કરતી હોય તેમ ડાળી ઝૂકીને નમી પડી. પણ નમનની ક્રિયા ભારે પડી – એને તથા મને, બંનેને.

અવસાન સમયે પણ તમારો વિયોગ તો નહિ જ વેઠું એમ જાણે મને કહેતી હોય તેમ મને લઈને એ પડી, બીજી એનાથી કંઈક સંગીન એવી બીજી ડાળ પર. જાણે અમારો – મારો ને પેલી ડાળીનો સહયોગ જોઈને અત્યંત ખુશીમાં આવી ગઈ હોય તેમ એ જાડી ડાળી ધ્રૂજી ઊઠી. અમે બંને – પેલી પાતળી ડાળી ને હું પડ્યાં એ બીજી જાડી ડાળી પર. એ જાડી જરાક આડી થઈ. નીચી થઈ, વળી ઊંચી થઈ. સાથે સાથે અમારી પણ એવી જ ગતિ કરી ને પછી અમને લઈને પડતું મૂક્યું તે આવે બીજી ડાળ. આમ શાખા-પ્રશાખાઓ પર પ્રવાસ કરતો કરતો હું અનેક ઝાંખરાં, ડાળીઓ, ઝૂમખાં સહિત, લાવલશ્કર સાથે રાજા રણમેદાન પર ઊતરી પડે, તેમ ઊતરી આવ્યો મેદાન પર.

આ જોઈને ઝાડ આગળ ટોળું વળીને ઊભેલા બધા મારા મિત્રો ત્યાં ધસી આવ્યા. જાંબુ તોડી તોડીને ખાવા લાગ્યા. ‘બેટમજી ! પહેલાં મને બહાર તો કાઢો, પછી ખાઓ તમારે ખાવાં હોય તેટલાં જાંબુ.’ મેં ઘાંટો પાડીને કહ્યું. પણ જાંબુ ઉડાવવામાં પડેલા એ કોઈ સાંભળે તો ને ? એક કાનેથી સાંભળેલું બીજે કાનેથી કાઢી નાખ્યું. ના, એમ નહિ, પણ એક કાન પર અવાજ આવ્યો તેને કાન ખંખેરીને દૂર કાઢી મૂક્યો, ‘અરે, સાલા નફફટ, પાજી, સુવ્વર, ગધ્ધા – કોઈ કરતાં કોઈ તો મારી સામે જુઓ.’ મેં રાડ પાડી. એક-બે જણે ડાળપાંખડાં, ઝાંખરાં ને જાંબુમાં અટવાયેલા, ગૂંચવાયેલા ને ગભરાયેલા એવા મારા સામે જોયું. પળવાર અમારી ‘મળી દષ્ટોદષ્ટ’ પણ દુષ્ટોના દિલમાં કંઈ પણ ભાવસંચલન થયું નહિ. મારા પક્ષે ભાવસંચલન તો થયું. ભારે પ્રમાણમાં થયું, પણ શરીરસંચલન થઈ શક્યું નહિ.

અંતે બધાં જાંબુઓને નામશેષ, અથવા ઠળિયાશેષ બનાવી દીધા પછી બે-એક જણે મહેર કરી. મહામહેનતે ડાળાંપાંખડાં, ઝાંખરાં આદિમાંથી મને છૂટો કરી જરા દૂર જઈ હાંફતા હાંફતા ઊભા રહી મારી અવસ્થાનું અવલોકન કરવા લાગ્યા. હાથની હથેલી, ઘૂંટણ, પગનાં આંગળાં ને હાથની આંગળીઓ છોલાઈ ગઈ હતી. કોઈ કોઈ ઠેકાણે લોહીની ટશર ફૂટી આવી હતી. પહેરેલું ખમીશ ફાટતાં સહેજમાં જ બચી ગયું હતું. અને ઉઝરડા તો ઠેકઠેકાણે પડ્યા હતા. પણ સદભાગ્યે લોહી કોઈ ઠેકાણેથી નીકળ્યું નહોતું.

આમ તો કોઈ ને કોઈ ઠેકાણે મને શરીર પર થોડીઘણી પણ ઈજા થઈ ન હોય, અંગાંગ સર્વે એક પણ ઘા વિનાના હોય એવો કોઈ દિવસ મારો પસાર થતો નહિ. એ ઉપરથી મારા મામાએ મને ‘કાગળનો સિપાઈ’ એવું બિરુદ બક્ષ્યું હતું. સિપાઈની ઉપાધિ મને ગમતી. પણ એને પાછી ‘કાગળ’ની એવી ઉપાધિ વળગે એ મને રુચતું નહોતું. મારા મિત્રો આગળ હું બડાશ હાંકતો, ‘જાણો છ મારા મામા મને સિપાઈ કહે છે ? હું કોણ ? સિપાઈ !’
‘હવે જોયો મોટો સિપાઈ ! સિપાઈની ટાંગ સુધી પોંચે એવડો તો થા ! અરે ! સિપાઈનો ડરેસ તો પે’રી જો. તું એમાં એવો ભેરવાઈ જશે કે દેખાસે બી નઈ !’ મારા મિત્રો કહેતા.

અને આમ કોઈ પણ જાતના ઘા ઉઝરડા કે ઘસરકા વિનાનું શરીર લઈને હું ફર્યો નહોતો. પરંતુ તે દિવસે થયેલી ઈજાઓ પ્રમાણમાં ને પરિણામમાં વધારે ભારે નીકળી. ઘેર ગયો ને મારી માતાએ કપડાં બદલાવ્યાં ત્યારે મારા શરીર પર ઘા જોઈને એ ઠરી ગઈ. એ પછી હુકમ નીકળ્યો કે હવેથી એ છોકરાઓ જોડે ફરવા જવાનું નથી ને ટેકરા પર પગ મૂકવાનો નથી. આ હુકમ સામે મેં માતામહ આગળ ‘અપીલ’ મૂકી. મારી ‘અપીલ’નો સ્વીકાર થયો. મારા માતામહે મારી માતાને કહ્યું : ‘અરે ! ઝીણી (મારી માતાનું એ લાડનું નામ હતું.) છોકરાઓને રમતાં રમતાં વાગે પણ ખરું. એ એમ જ ઘડાય. ઘેર બેસી રહે, બહાર હરવાફરવા ન જાય તો ઘરકૂકડી બની જાય. કોઈ વાર વાગે પણ ખરું. વાગે ત્યારે દવાદારૂ પણ કરવાનાં.’ પછી મારા સામું જોઈને કહ્યું : ‘જજે દીકરા, તારે ફાવે ત્યાં. પણ વાગે કરે કે કોઈનો માર ખાઈને આવે ત્યારે ફરિયાદ કરવાની નહિ સમજ્યો ?’

અને હું સમજ્યો અને સમજણ પ્રમાણે તેનો અમલ પણ કરવા લાગ્યો.

[કુલ પાન : 76. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ]