- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ફ્લાય ઓવર ઍન્ડ સ્પીડબ્રેકર્સ – મહેશ દવે

ફોઈએ મારું નામ ‘રૂપા’ પાડ્યું ત્યારે એમને ખબરે નહીં હોય કે મોટી થઈને હું આવી રૂપાળી થઈશ. જોકે હું દસેક વર્ષની હતી ને મોસાળ ગઈ’તી ત્યારે મંગળામામી વારેવારે કે’તા, ‘ભનીબા, તમારા જનમતાની સાથે જ કપૂરી દાયણે કઈ દીધેલું કે આ છોડી રૂપાળી થાશે.’ રૂપાળું કોને કહેવાય અને કદરૂપુ એટલે શું, એનું કશુંયે ભાન એ વખતે મને નો’તું. નિશાળમાં ઘણી છોકરીઓ સાથે સઈપણા હતાં. એમાં દેખાવડી કોણ અને બેડોળ કોણ, એવો વિચાર મનમાં ક્યારેય આવ્યો નો’તો. આજે વિચાર કરું છું ત્યારે લાગે છે કે મારી સૌથી પાકી સૈયર સમુ ભીને વાન હતી, એનું નાક ચીબુ, આંખ સહેજ ફાંગી અને એ જરા ઠીંગુસ હતી. હા, પની કરીને એક બીજી છોકરી આંખે-નાકે નમણી હતી ખરી, પણ એની સાથે મને બઉ બનતું નહીં.

‘રૂપાળી છું’ એવી સમજ મારામાં ક્યારે આવી અને એનું અભિમાન મારામાં ક્યારે દાખલ થયું એ કંઈ યાદ નથી, પણ નવમા-દસમામાં ભણતી’તી ત્યારે છોકરાઓ મારી સામે ટીકી ટીકીને જોતા એ યાદ છે. અમારી છોકરીઓની નિશાળ ‘કન્યાશાળા’ કેવા’તી અને છોકરાઓની નિશાળ ‘બૉયઝ સ્કૂલ’ કેવા’તી. બંને નિશાળો નજીક નજીક. સાંજે એકસાથે છૂટે. સામેથી આવતા છોકરાઓમાંથી ઘણા મારી તરફ જોઈ રે’તા. હું તરત આંખ ઢાળી દેતી, મોં નીચું કરી દેતી ને મારે રસ્તે ચાલવા માંડતી.

રૂપાળું હોવું એ મોટી લૉટરી છે એની ખબર તો બહુ પાછળથી પડી. અમારી નાત નાની. છોકરીઓ ઝાઝું ભણે નહીં. કો’ક કો’ક છોકરાં શહેરમાં જઈ ભણતાં, પણ એય પરણે તો નાતમાં જ. ઓછી ભણેલી અમારા જેવી ગામડાની બુડથલ જ એમને મળે. જેને શહેરમાં ભણેલો છોકરો મળે એ બહુ ભાગ્યશાળી ગણાતી. પંદર-સત્તર વરસે સગપણ ને એકાદ વરસમાં લગ્ન, એ નાતનો રિવાજ. બધાં છાનું રાખતા, પણ ખબર પડી જતી કે કઈ છોકરીને જોવા ગામમાં કયો મુરતિયો આવ્યો છે. છોકરો જોવા આવે ત્યારે છોકરીએ પહેલાં ચેવડો ને પેંડા લઈને જવાનું, ને પછી ચા આપવા. છોકરો ને એના માબાપ થોડુંક પૂછે. છોકરી રૂપાળી છે કે નઈ એ સિવાય બીજું તો શું જુએ ? કાં તો ગોળધાણા ખવાય કે કાં તો પછી મેળ નયે પડે. ક્યાંક છોકરીને જોવા ઘણા મુરતિયા આવે ને તોય ઠેકાણું ન પડે, પણ મને તો પહેલી વાર જોવા આવ્યા ને એમણે હા ભણી દીધી ને આમ મારી લૉટરી લાગી ગઈ.

છોકરો શહેરમાં રહી ઈજનેરીનું ભણતો’તો. ઘરેય સારું હતું. બા-બાપુજીએ અને જોવા આવેલાઓએ કહ્યું : ‘કરો કંકુના.’ પણ છોકરાના બાપે શરત મૂકી, ‘ધરમશીભાઈ, છોડીને કૉલેજ તો કરાવવી પડશે. છોકરો ઈજનેર થઈ મોટો સાયબ બને ત્યારે ઘરમાં કંઈક સરખું તો જોવે ને ?’ બાપુએ ડોકું ધુણાવ્યું. પેલાઓએ આગળ ચલાવ્યું : ‘હવે તો જિલ્લામથકે બાજુમાં જ કૉલેજ થઈ છે. અપડાઉન કરીનેય છોડી ભણી શકે.’ બાપુ સહેજ અચકાયા, પણ માની ગયા. આમ મનોજકુમાર સાથે મારું પાક્કું થયું. તે રૂપના પ્રતાપે જ ને ? હું બી.એ.નું કરતી’તી ને મનોજ એન્જિનિયર થવાના હતા. એમણે ચોખ્ખું કહ્યું : ‘પહેલા ભણતર, પછી જ લગ્ન.’ આમ લગ્નને બે-ચાર વરસ નીકળી જવાના હતા. બાપુજીને ગામના ઘણાય કે’તા, ‘ધરમશીભાઈ, પે’લા લગ્ન લઈ લો. પછી ભલેને બેય ભણે. લાંબું ખેંચતા ક્યાંક છે ને કંઈ ડખો ઊભો થાય તો છોકરાને તો કંઈ નય, પણ છોડી ચેરાય જાય.’ પણ ચાર વર્ષ પછી અમારાં લગ્ન રંગેચંગે થઈ ગયાં. ત્યારે હું ઓગણી વરસની ને એવા એ હતા પચીસના.

એમની હારે હું થોડો વખત સાસરીમાં રહી. પછી તો એ શહેરમાં ચાલ્યા ગયા. નોકરીનો જોગાડ થઈ ગયો એટલે સાસુ-સસરા કહે, ‘વવને મોકલી દઈએ મનોજ પાહે. એને ખાવા-પીવાનું દખ નો રે.’ આમ શરૂ થયું મારું શહેરી જીવન. અમે અમદાવાદમાં રહેતા ને એમને નોકરી ગાંધીનગર. કોક વાર એમને વહેલુંમોડું થાતું, બાકી ટાઈમસર. એ મને શહેરની રસમ શિખવાડતા ગયા. કાઠિયાવાડી બોલું તો ટોકતા, ચોખ્ખું ગુજરાતી બોલાવતા. જો કે આજે એકતાળીસ વર્ષની થઈ તોય ક્યારેક કાઠિયાવાડી લહેકો આવી જાય છે. શહેરમાં આવ્યા ને એમણે કહ્યું : ‘મને ‘ઈ’ ને ‘એય’ નહીં કહેવાનું, નામથી બોલાવવાનું.’ શરૂ શરૂમાં શરમ લાગતી, પણ પછી કોઠે પડી ગયું. પછી મને કે’ છે, ‘મને તુંકારે ‘મનોજ’ કહીને જ બોલાવવાનો, ‘તમે’ નહીં ‘તું’ જ કહેવાનું.’ બળ્યું કેમે કરી તુંકારો મોઢે ચડે જ નહીં, પણ એય ફાવી ગયું. મારું બોલવાનું ઘણું સુધરી ગયું. એમાં પાડોશ જે રીતે બોલતો હતો એનો ફાળોય ખરો. વારતહેવારે પિયર જતી ત્યારે બા-બાપુની આંતરડી ઠરતી, કે’તા, ‘વા રૂપા, તું તો શહેરમાં જઈને શેઠાણી થઈ ગઈ.’ મારું બોલવાનું સાંભળી નાનો ભઈ મશ્કરી ઉડાવતો, ‘રૂપલી તો મઢમઢી થઈ ગઈ છે…. ચાપલાશથી બોલે છે.’

લગ્ન પછી બે વર્ષે સરોજનો જન્મ થયો. હું સુવાવડે પિયર ગઈ તે દરમિયાન મનોજે ગાંધીનગરની સરકારી નોકરી છોડી દીધી ને પહોંચ્યો મુંબઈ. ખાનગી કંપનીમાં નોકરી મળી હતી. મને લખ્યું : ‘સરોજને તારા જેવી રોઝડી નથી રાખવી. એ તો ભણીગણીને થશે ફટાક ફાંકડી… ચપ ચપ અંગ્રેજી બોલશે.’ ગોદમાં પડેલી નાનકડી સરોજને હું જોઈ રહી. મનમાં થયું, ‘ભઈલો મને તો અમથો મઢમઢી કે’ છે, પણ મારી દીકરી તો સાચુકલી મઢમ થશે.’ મુંબઈ નોકરી લેવા બદલ મેં લખ્યું : ‘મનોજ, આવા ઊઠમધડા શું કામ કરે છે ?’ જવાબ આવ્યો : ‘રૂપા, સરકારી નોકરીમાં કામ કરો કે ન કરો, સારું કરો કે નરસું કરો, પગાર તો ધોરણ પ્રમાણે વધતો હોય એટલો જ વધે. અહીં ખાનગીમાં તો હોંશિયારી પ્રમાણે વધે. ગાંધીનગર કરતાં અત્યારે જ સાતસો તો વધારે મળે છે. ને રહેવાનો ફલેટ લટકામાં.’ મનોજના પત્રોમાં આવી કામની વાતો થોડી જ હોય, પણ બીજું બધું એવું લખે કે ગલગલિયાં થાય, મનોજ પાસે દોડી જવાનું મન થાય. આયે કેવી વાત છે ? જ્યાં મોટી થઈ, ઓગણીસ વર્ષ રહી તે ઘર આકરું લાગતું હતું ને બે વર્ષ રહી એ ઘર વહાલું લાગતું હતું.

ગમે તેમ તોય અમદાવાદ આપણું લાગતું. ગુજરાતનું મોટું ગામડું જ કો’ ને ! પણ મુંબઈ એટલે મુંબઈ. લોકો કહે છે એમ પચરંગી ને બિન્ધાસ. હું મુંબઈમાં પલોટાઈ, બદલાઈ ને ખોવાઈ ગઈ. મારું બોલવું-ચાલવું, પહેરવું-ઓઢવું – બધુંય ફરી ગયું. ત્યાં વળી મનોજે નવું તૂત કાઢ્યું. મને કહે : ‘અંગ્રેજી બોલવાના કલાસમાં જા. અંગ્રેજી બોલચાલ શીખ.’ હું તો ગિન્નાઈ ગઈ, પણ મનોજ બહુ જક્કી છે. મને કલાસમાં મોકલીને જ રહ્યો. હું ગોટ-પીટ કરતી થઈ ગઈ – ‘બાય બાય ને થૅન્ક યૂ, ડૅમ ઈટ ને ઑ.કે.’ ને એવું બધું.

બે વર્ષ પછી હું સુજાતની સુવાવડે ગઈ ત્યારે મનોજ પહોંચી ગયો બહેરીન. દર વખતે હું સુવાવડે જાઉં ત્યારે જ મનોજ આવા ઉધામા કરે છે. મેં નક્કી કર્યું ‘હવે નો સુવાવડ.’ મનોજે લખ્યું : ‘હું પણ એ જ મતનો છું. હું ઑપરેશન કરાવી લઉં ?’ મેં લખ્યું : ‘ના, હું જ કરાવીશ.’ ને કરાવ્યું પણ ખરું. બહેરીનમાંય રહેવા માટે ‘લકઝુરિયસ ફલૅટ’ મળ્યો હતો, ગાડી મળી હતી, બધું એવું હતું કે જાણે સિનેમા જોતા હોઈએ એવું લાગે. કંપની સાથે બે વર્ષનો ‘કોન્ટ્રાક્ટ’ હતો. મને ચિંતા થતી કે બે વર્ષ પછી શું થશે ? મનોજ કહે : ‘કંપનીવાળા જ મોટા પગારે બીજા પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કરશે, પણ આપણે રહેવાના નથી.’ મને શું ખબર કે એ દૂર દૂર બીજા પરદેશમાં જવાના પ્લાન કરતો હશે ? બહેરિનમાં મને ગાડી ચલાવતાંય શિખવાડ્યું. મને કહે, ‘ગમે ત્યારે ગાડી ચલાવવાનું કામ પડે. શીખી લીધું સારું.’

કૉન્ટ્રેક્ટ પૂરો થયો ને મનોજ કહે છે : ‘હવે આપણે અમેરિકા જવાનું છે.’ મને ધ્રાસકો પડ્યો. મનોજે બધી તૈયારી કરી હશે, પણ મને કંઈ કહેતો નહોતો. મેં ધોખો કર્યો તો કહે છે, ‘તું ના પાડત, તારી ઉપરવટ મારાથી જવાત નહીં. તને નારાજ થોડી જ કરી શકું ?’ આમ કહી મને ગાલે ટપલી મારી. પુરુષોને કેવા લટુડાપટુડા કરી મનાવતા આવડે છે ?! હું માની ગઈ એટલે બોલ્યો : ‘અમેરિકા ઈઝ ધ લૅન્ડ ઑફ ફોર્ચુન’ મનોજે પશ્ચિમના આકાશ તરફ જોયું, ‘નસીબ તો ત્યાં જ ખૂલે.’ અમેરિકા ‘સેટલ’ થવાનું નિયતિમાં લખ્યું હશે તે ત્યાં આવ્યા. મનોજે નોકરીનું તો પહેલેથી જ ગોઠવી દીધું હતું. ન્યૂ જર્સીમાં તો ઘણા ગુજરાતી હતા. બે વર્ષમાં તો હું પાવરધી થઈ ગઈ. ગાડી તો આવડતી હતી, પણ અહીં અમેરિકાના રસ્તા જુદા. ‘ટર્ન પાઈપ’ ને ‘નોર્થ’ ને ‘સાઉથ’ ને ‘એક્ઝિટ’ ને એવું તો કેટલુંય. મારે તો કંઈ શીખવું નો’તું, પણ મનોજ પાછળ પડ્યો. મને લઈ જાય, પોતે બાજુમાં બેસે, ગાડી મારે ચલાવવાની, નકશા વાંચતા શિખવાડે. મને એ બધું માથાકૂટ જેવું લાગતું, પણ શીખતી ગઈ તેમ તેમ મજા પડવા લાગી. સરોજ ને સુજાતને ‘પબ્લિક સ્કૂલ’માં દાખલ કર્યાં. અમે સારા એરિયામાં રહેતા હતા એટલે સ્કૂલ સારી હતી, મફત ભણવાનું ને અમેરિકન છોકરાછોકરી સાથે ભળવાનું. અમેરિકનોની જેમ બંને ‘યાઉં યાઉં’ જેવું બોલતા થઈ ગયા હતા. એમનું બોલવું મને સમજાવા માંડ્યું હતું. હુંયે એવી રીતે અંગ્રેજી બોલવા લાગી, દેશ એવો વેશ. પણ હૈયામાં ઝીણી ઝીણી બળતરા થયા કરતી હતી. દેશમાં જવાનું મન થતું, પણ અહીંયાં રજા મળે નહીં, છોકરાઓની રજાઓ સાથે મેળ પડે નહીં ને મારી મૂંઝવણનો પાર નહોતો. મનોજ કહે : ‘તું ઘરે એકલી પડે છે એટલે મૂંઝાય છે. જૉબ કરવા માંડ, બધી ફિકર જતી રહેશે.’ મારી ફિકરનું તો બહાનું હતું, પણ મને સમજાતું હતું કે મનોજ ક્યારનોય મને જોબે વળગાડવા માગતો હતો. તેને પૈસાનો લોભ નહોતો, પણ એના મનમાં કંઈ બીજું હતું એવું મને લાગ્યા કરતું કે પછી એ મારો વહેમ પણ હોય.

પહેલા સ્ટોરમાં રહી, પછી જ્વેલર્સને ત્યાં જોડાઈ અને હવે ટેબલ વર્ક મળ્યું. અહીં માણસના વિકાસનો ગ્રાફ ઝડપી હતો. અમે મૉર્ગેજ ઉપર ‘હાઉસ’ પણ લીધું હતું. પાંચ વર્ષ તો ક્યાંય નીકળી ગયાં. સરોજ અગિયાર વર્ષની હતી, પણ યુવાન સ્ત્રી જેવી લાગતી હતી. સુજાતેય ગજુ કાઢ્યું હતું. અજબ લાગે એવું છે, પણ દેખાવે ને સ્વભાવે સરોજ મનોજ ઉપર પડી હતી. એક્સ્ટ્રોવર્ટ ને સાહસિક. સુજાત મારા પર પડ્યો હતો, ઈન્ટ્રોવર્ટ ને નરમ. મને સમજાતું નહોતું. ‘મનોજ કેમ મને ઝડપથી આગળ ને આગળ ધકેલ્યે જતો હતો’, પણ હું પ્રવાહમાં તણાયે જતી હતી. મનોજ મને એક વાર કહે, ‘જો રૂપા, ક્યારેક દેશમાં આંટો મારી આવવાનો, પણ હવે કાયમ અહીં જ રહેવાનું છે. સરોજ અને સુજાતને અહીં ભણાવીગણાવી સ્માર્ટ કરવાનાં છે.’
મેં કહ્યું : ‘તું છે પછી મારે શી ચિંતા ?’
‘નહીં, તારેય જવાબદારી સંભાળવાની તૈયારી રાખવાની. અમેરિકા એક વાત શિખવાડે છે – એવરીબડી હેઝ ટુ બી સેલ્ફ-સપૉર્ટિંગ’ મનોજ આવું બોલે ત્યારે હું એની છાતીમાં માથું નાખી એનામાં ભરાઈ જતી. એ મારું આભ હતો…. ને એ આભ એકાએક તૂટી પડ્યું. ઑફિસમાં ટેબલ ઉપર જ મનોજ ઢળી પડ્યો…. માસીવ હાર્ટ એટૅક ! સાડત્રીસ વર્ષ એ કાંઈ મૃત્યુ પામવાની ઉંમર નહોતી, પણ વિધાતાએ શું ધાર્યું હતું એ સમજાતું નહોતું.

ઘટના બની ગયા પછી બધું ડહાપણ સૂઝે છે. ‘આટલી ફાસ્ટ લાઈફ જીવવાની શું જરૂર હતી ? શાંતિથી દેશમાં રહ્યા હોત તો શું ખોટું હતું ?….’ પણ મનોજ કહેતો હતો તેમ, ‘નો યૂઝ ક્રાઈંગ ઓવર સ્પિલ્ટ મિલ્ક.’ જો બીત ગઈ સો બીત ગઈ. મને રહી રહીને વિચાર આવે છે : ‘મનોજને શું ભાવિનો અણસાર આવી ગયો હશે ? તેથી એ મને તૈયાર કરી રહ્યો હતો ?’ એ જે હોય તે. મારે હવે એનાં સપનાં પૂરાં કરવાનાં હતાં, મેં બમણા જોશથી કામ કરવા માંડ્યું. ઈન્સ્યુરન્સના પૈસા આવ્યા. મૉર્ગેજના હપ્તા ભરાવા માંડ્યા. સરોજ અને સુજાતનો ભણવાનો હમણાં તો કોઈ ખર્ચ નહોતો, પણ યુનિવર્સિટીમાં જશે પછી તો ફીનો ભારે ખર્ચો. એ માટે પૈસા ભેગા કરવાના હતા.

મનોજના મૃત્યુને આજે દસ વર્ષ થઈ ગયા. હું આજે એકતાળીસ વર્ષની થઈ. મનોજ જીવતો હોત તો એને સુડતાળીસ થયા હોત. વચ્ચે દેશમાં એક વાર ગઈ હતી. મનોજે સાચું કહ્યું હતું, ‘દેશમાં જવાનું નથી.’ મારી સાથે ભણતી પની પણ મારી જેમ વિધવા થઈ હતી. રાન રાન ને પાન પાન હતી. એના દીકરા વિધવા માના છોકરા તરીકે ગરીબાઈમાં ઊછરતા હતા. કદરૂપી સમુ સુખી હતી. એનો હસબન્ડ સ્કૂલમાં શિક્ષક હતો. શિક્ષકોના પગાર સારા હતા… એય ને બેઉ જણા ગામમાં ને ગામમાં જ મોજ ને ધુબાકા મારતા હતાં. કદરૂપા માણસના નસીબ ઊજળાં હશે ને રૂપાળાનાં અવળાં ?! પણ હું દેશમાં ન આવી તે સારું જ થયું.

સરોજ આજે એકવીસની છે, સુજાત ઓગણીસનો. એમના મિત્રો સરોજને ‘સૅરી’ કહે છે, સુજાતને ‘સુઝાં’. યુનિવર્સિટીનો ખર્ચો મેં ઉપાડ્યો. મનોજની ઈચ્છા હતી એમ બંનેને ભણાવ્યા ને ચબરાક બનાવ્યા, પણ ઝાઝી ચબરાકી શું સારી છે ? બેમાંથી એકે મારા કહ્યામાં નથી. એમને મારી કંઈ પડી નથી. અહીં ઘણા ગુજરાતીઓ ને ભારતીય એન.આર.આઈ છે. બંનેને કહું છું કે સારું પાત્ર જોઈ પરણી જાવ. મારી હયાતીમાં તમારા છોકરાં ઊછરી જાય, પણ એ તો કહે છે : ‘મૉમ, ડૉન્ટ બૉધર અસ…. વી કેન લુક આફટર અવરસેલ્વઝ…’ સરોજ મોડી વહેલી ઘેર આવે છે. મને ચિંતા થાય છે. ક્યારેક કોઈ બ્લૅક સાથે ઘેર આવે છે. જૉબ પણ કરે છે. સુજાત બહુ બિયર પીવે છે. મારી જિંદગીની મહેનત એમને મન કંઈ નથી. બંને માને છે કે મેં મારી ફરજ બજાવી એમાં શી નવાઈ કરી હતી ? હવે તેમને સ્વતંત્ર છોડી દેવાના : ‘ડૉન્ટ બોધર અસ’ ઍન્ડ ‘ડૉન્ટ વરી’ એ એમના મંત્રો હતા.

સરોજ અને સુજાત સાથે મારો સ્નેહસંબંધ કેટલો ટકશે ? જાણતી નથી. આજે એકતાળીસમે વર્ષે વિચારું છું, રૂપાળી થઈ હું સુખી થઈ કે કદરૂપી રહી સમુ સુખી થઈ ? મારા એકના કિસ્સા પરથી થોડાં જ કંઈ દુનિયા આખીના નિયમ બંધાતા હશે ? હવે તો ‘જીના યહાં, મરના યહાં, ઈસકે સિવા જાના કહાં.’ હું હારી ને થાકી ગઈ છું. મારી ફરતે આજુબાજુ ફર્નિચર ખડકાયેલું છે. એની વચ્ચે હું સાવ શૂન્ય……