બાજી લગાવી જાનની – ડૉ. કુમારપાળ દેસાઈ

સાત જુવાનોને સપનું આવ્યું ! સપનું કેવું ? કદી સાકાર ન થાય તેવું ! સાતેય વીસ વર્ષના ફૂટડા જુવાન, સહુનાં હૈયામાં હિંમત ભારે. એમના મનમાં થયું કે એવું કામ કરીએ, કે કદી કોઈએ કરવાની હામ ભીડી ન હોય. આવું થાય તો નામ થાય. યુવાનીનું સાચું કામ થાય. સાતે યુવાનોને થયું કે આપણે પર્વત પર ચડીએ : એના ઊંચા શિખરે ચડીએ ! મારવો તો મીર, અને હણવો તો હાથી !

નાના નાના પર્વત તો ઘણા ચડે. કુશળ પર્વતખેડુ રમતવાતમાં એને આંબી જાય. યુવાનોને તો સાહસ કરવું હતું, અઘરો પડકાર ઝીલવો હતો, આપત્તિની મોજ માણવી હતી ! યુવાનોએ વિચાર કર્યો કે પર્વત પર ચડવું જ છે, તો આપણે આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કીલીમાંજારો પર જ આરોહણ કેમ ન કરવું ? કીલીમાંજારો પર્વત એટલો ઊંચો હતો કે બધા તેને ‘ભગવાનનું સિંહાસન’ કહે. ભગવાનનું સિંહાસન તો સહુથી ઊંચું જ હોય ને ! એની સહુ ભક્તિભાવથી પૂજા કરે. આ કીલીમાંજારોની ઊંચાઈ પૂરી 19,340 ફૂટની. એના સૌથી ઊંચા શિખર પર તો બારે માસ બરફ રહે. એના પર ઠંડી એટલી કે ન પૂછો બાત !

સાત જુવાનોએ સાહસનો વિચાર તો કર્યો, પણ અગાઉ આમાંથી એકે જુવાન નાનોસરખો પર્વત પણ ચડી આવ્યો ન હતો. એમણે પહેલે જ ધડાકે આવી કપરી કામગીરી ઉપાડી. આથીય વધુ આશ્ચર્યની બાબત એ હતી કે સાતેય જુવાન તદ્દન અંધ હતા. એમને સપાટ જમીન પર ચાલતાં બીજાનો સહારો લેવો પડે, લાકડીના ટેકે ટેકે સંભાળીને ડગ ભરવાં પડે. આમાંય વારંવાર ઠોકરો ખાવી પડે. ખાડા-ટેકરાનીય ખબર ન પડે. એ વળી પર્વત ચડી શકે કેવી રીતે ? તેય વળી કીલીમાંજારો ! કીલીમાંજારોનો અર્થ છે ‘પ્રકાશિત પર્વત.’ એને વળી આ અંધ કેવી રીતે પાર કરી શકે ? સહુએ અંધ જુવાનોની વાત હસી કાઢી.
કોઈ કહે : ‘અરે જુવાનો ! આ તમે તુક્કો લડાવો છો. જ્યાં ચાલવાનાં ફાંફાં છે, ત્યાં પર્વત ચડવાની વાત કેવી ? એય વળી દેખાતો માનવી હારી ખાય એવા કીલીમાંજારો પર.’
બીજા કોઈએ આ જુવાનોને મીઠી ચેતવણી આપતાં કહ્યું : ‘ભાઈઓ ! ભલા થઈને આવું જોખમ ઉઠાવવું રહેવા દો ! જમીન પર ચાલતાં પડી જશો તો કોઈ હાથ પકડીને ઉઠાડનાર મળશે, પણ પર્વત પરથી ગબડ્યા તો ખીણમાં જતાં કોઈ બચાવનાર નહીં મળે.’

કોઈ અનુભવીએ એવું સૂચન કર્યું, ‘તમે લાકડીના સહારે લડખડતા ચાલી શકો છો ખરા. અરે ! રસ્તો બતાવે દોડી પણ શકો. તમે તરી પણ શકો. હમણાં જ ઈંગ્લૅન્ડના ચાર અંધ જુવાનોએ ફ્રાંસથી ઈંગ્લૅન્ડ સુધીની ઈંગ્લૅન્ડની ખાડી સાડા ચૌદ કલાકમાં તરીને પાર કરી. તમે બધા એવું કોઈ તરવાનું સાહસ હાથ ધરો ને ? પણ આ પર્વત ચડવાનું જોખમ રહેવા દો. આવી ઘણી બધી સલાહ-શિખામણ મળી. કોઈએ ડર કે ભય પણ બતાવ્યો. સાતે આફ્રિકી જુવાન તો મનમાં ગાંઠ વાળીને બેઠા હતા કે ગમે તે થાય, પણ પાછા હઠવું નથી. આફત આવે તો પણ ડગવું નથી. મુશ્કેલીથી કદી નમવું નથી. કોઈ અંધજને મેળવી ન હોય તેવી કામયાબી મેળવવી છે. એથીય વધુ માત્ર દેખતો માનવી જ કરી શકે એમ મનાતું હોય તેવી બાબતમાં સિદ્ધિ મેળવવી છે.

સાતે જુવાનો સખત મહેનત કરવા લાગ્યા. લોકો ગમે તે કહે, એની પરવા ન કરે. કોઈ મજાક કરે. કોઈ મશ્કરી કરે. કોઈ એમને શેખચલ્લીની જમાત કહે. પણ આવી વાતોથી બીએ એ બીજા ! એમણે તો પર્વત ચડવાની તાલીમ લેવા માંડી. મનમાં એક જ નિરધાર કે કીલીમાંજારો પર ચડવું છે ! એને આંબવો છે ! પછી જ જંપવું છે. સાત જુવાન જુદા જુદા દેશના. જહૉન ઓપિયો, તોફીરી કીબુકા અને લોરેન્સ સેરવામ્બાલા. એ ત્રણ ફૂટડા જુવાન હતા યુગાન્ડા દેશના. મોસેસ મુતી અને લારમાસેન ઍડેકેતી હતા કેનિયા દેશના. બાકીના બે નિઓલ પલોર અને મેથિયાસ ગૈલાંગા હતા તાંઝાનિયા દેશના. પર્વત ચડવામાં પરસ્પર સમજણથી ચડવું પડે. એકબીજાના સહકાર વિના સહેજે ન ચાલે. સાત અંધ જુવાનોએ બે વર્ષ સુધી સતત મહેનત કરી. બરાબર તૈયાર થઈ ગયા. પર્વતના નીચા ઢોળાવો પર દસ દિવસ સુધી તાલીમ લીધી. પર્વતના વાતાવરણનો અનુભવ કર્યો. આવનારી મુશ્કેલીઓનો અંદાજ મેળવ્યો.

1969ના ફેબ્રુઆરી મહિનામાં સાતે અંધ જુવાનોના જીવનની સોનેરી ઘડી આવી. કીલીમાંજારો પરના આરોહણની શરૂઆત થઈ. કેનિયાન અંધજન માટેના મંડળના એક સક્રિય સભ્ય એલેક્સ મકાયે યુવાનોના જિગરને બિરદાવતાં કહ્યું : ‘અંધ જુવાનોનું આ સાહસ કોઈ તુક્કો કે મજાક નથી. અંધ માનવીઓ શાંબા (ઝૂંપડી)ની છાયામાં નવરા બેસીને પરવશ જીવન જીવવાનું નથી. આ સાહસ કરીને બતાવવું છે કે અંધજન એ દેશ માટે બોજારૂપ નાગરિક નથી, એ તો દેખતા માનવી જેટલા જ દેશને મદદરૂપ બની શકે છે.’ સાહસિકોની સફર આગળ ચાલી. દરેક અંધ જુવાને ખોરાક, સૂવાનું બેડિંગ, કપડાં અને પાણી સઘળું સાથમાં લીધું. દરેકે પોતાની પીઠ પર ચાળીસ રતલ વજન ઊંચકીને આરોહણ શરૂ કર્યું. પીઠ પર આટલો બોજ. આગળ કશું દેખાય નહીં. લાકડીના ટેકે જ આગળ વધવાનું. ચાર દેખાતા માનવીઓને ભોમિયા તરીકે સાથમાં રાખ્યા. આમ તો દરેક પર્વતખેડુએ એક સામાન ઊંચકનાર હોય. અહીં તો સાત જણ વચ્ચે માત્ર બે જ સામાન ઊંચકનાર હતા. બાકીનો સામાન જુવાનોએ પોતાની પીઠ પર લઈ લીધો. દરેક પર્વતખેડુને એક બ્રેઈલ ઘડિયાળ આપી હતી. એના પર લખ્યું હતું : ‘કીલીમાંજારો પર ચઢાઈ, 1969.’

પર્વત ચઢનારને ઋતુ પર ઘણો આધાર રાખવો પડે. ઋતુ વણસે તો થોભી જવું પડે. આ સાહસવીરોને ઋતુએ સતત સાથ આપ્યો. હિંમતે મર્દા તો મદદે ખુદા. ત્રણ દિવસ સુધી કેનિયાના રેડિયો મથક પરથી આ આરોહકો માટે ઋતુ અંગેનો ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. આફત આવતી હતી. આરોહણ આગળ વધતું હતું. ખરબચડી ધરતી પર પગ ગબડી પડે. પીઠ પર ભાર એટલે વાગેય ઘણું, પણ જુવાનો તો કપડાં ખંખેરી ઊભા થઈ જાય. એમનાં હૈયાં થનગનતાં હતાં. આવાં થનગનતાં હૈયા આગળ ગમે તેવી આફત મીણની માફક ઓગળી જતી.

એક દિવસ પસાર કર્યો. રાત્રે વળી આરામ કર્યો. ફરી આગળ ચાલવાનું શરૂ કર્યું. બીજા દિવસે અને ત્રીજા દિવસે આરોહણ ચાલુ જ રહ્યું. બરાબર સાડાત્રણ દિવસની મહેનતને પરિણામે આ સાહસવીરો 18,635 ફૂટ ઊંચે આવેલા ‘ગિલમેન પૉઈન્ટ’ નામના સ્થળે પહોંચ્યા. બસ, શિખર સુધી આવી ગયા. હવે આખરી ચઢાણ ! અંધ જુવાનો સાથે રહેલા ભોમિયાએ સંદેશો મોકલ્યો : ‘ભવ્ય ઘડી આવી ચૂકી છે ! અમે બધા શિખર પર આવી પહોંચ્યા છીએ !’ આખા આફ્રિકા ખંડમાં સમાચાર ફરી વળ્યા. બધે આનંદ આનંદ થઈ ગયો. અંધ સાહસવીરોની સિદ્ધિને બિરદાવવા ‘ઈસ્ટ આફ્રિકન ઍરવેઝ’ નામની વિમાની કંપનીએ કીલીમાંજારોના હિમાચ્છાદિત શિખરની આસપાસ વિમાન ઉડાડ્યાં. શિખરની નજીક આવીને, હવામાં પાંખ વીંઝીને ગર્જના કરતાં સલામી આપી. શાંત વાતાવરણમાં આખરી આરોહણ કરતા એકલા અંધ સાહસવીરોના હૃદયમાં વિમાનના એ ગગનભેદી અવાજોએ અનેરો ઉત્સાહ રેડ્યો.

જેમ જેમ શિખરની નજીક આવતા હતા તેમ તેમ ઠંડી વધતી હતી. પારો શૂન્ય ડિગ્રી સેન્ટિગ્રેડથી પણ નીચે ગયો હતો. ભોમિયાએ આસપાસની રમણીય સૃષ્ટિનું બયાન કર્યું. ભોમિયાનું વર્ણન સાંભળીને સાતે અંધ જુવાન રોમાંચ અનુભવવા લાગ્યા. જાણે પોતે જ આ દશ્ય નિહાળી રહ્યા ન હોય ! કીલીમાંજારો પર્વતના સુષુપ્ત જ્વાળામુખી સમા કીબો શિખરની ટોચ પર પહોંચવા માટે ઘણું ફરીને જેવું પડે. જાણે બરફના ઘુમ્મટની પ્રદક્ષિણા કરવાની ના હોય ! આ માટે ત્રણ હજાર ફૂટનું અંતર કાપવાનું હતું. અઘરું ચઢાણ. ચોતરફ બરફ. એમાંય ખાંચા બનાવીને આગળ ધપવાનું. આ ત્રણ હજાર ફૂટનું અંતર પાર કરતાં લગભગ નવ કલાક લાગ્યા. આમાં ચાર કલાક જેટલો સમય તો પગથિયાં ખોદવામાં ગયો. બરફ તોડીને એક પગથિયું તૈયાર કરે, પગથિયું તૈયાર કરીને જ એક-એક ડગલું આગળ મૂકવું પડે !

ઈ.સ. 1969ના ફેબ્રુઆરીની બાવીસમી તારીખ. આ દિવસે અંધ સાહસિકોએ આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કીલોમાંજારોના સર્વોચ્ચ શિખર કીબો પર પગ મૂક્યો. 19,340 ફૂટના આરોહણ પછી દુનિયાને અજાયબ કરનારી સિદ્ધિ મેળવી. સાહસિકોના વિજયનો સંદેશો ધરતી પર પહોંચ્યો. એમને સાથ આપનારા જેફ્રે સેલિસબરીએ ખબર આપી. ‘મુશ્કેલી ઘણી આવી. એને પુરુષાર્થથી હટાવી દીધી. જુવાન સાહસવીરો સાચે જ અદ્દભુત ખમીર ધરાવનારા આદમી નીકળ્યા !’ ઈંગ્લૅન્ડની રાણી એલિઝાબેથે અભિનંદન પાઠવ્યાં. 1953માં એવરેસ્ટ શિખર પર આરોહણ કરનારી ટુકડીના નાયક લૉર્ડ હન્ટે વધાઈ આપી.

અંધ જુવાનોએ દેખતાઓનેય દોહ્યલું એવું સાહસ કરી બતાવ્યું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનસાથીની પસંદગી – અવંતિકા ગુણવંત
વેબનું લોકાર્પણ – યોગેશ કામદાર અને ડૉ. હરેશ કામદાર Next »   

7 પ્રતિભાવો : બાજી લગાવી જાનની – ડૉ. કુમારપાળ દેસાઈ

 1. nayan panchal says:

  નિશાનચૂક માફ, નહિ માફ નીચુ નિશાન.

  સરસ inspiring લેખ. સાચી વાત છે, “હિંમતે મર્દા તો મદદે ખુદા.”

  સત્યકથાઓ વાંચવાનો એક અલગ આનંદ છે અને તેમા પણ જ્યારે વીરરસ ભળે, પછી તો પૂછવુ જ શું!! રીડગુજરાતીના વાંચકોને મારી ખાસ વિનંતી છે કે એક વાર હર્ષલ પબ્લિકેશનની શ્રી વિજયગુપ્ત મૌર્ય દ્વારા લખાયેલી “જીદંગી જીદંગી” અવશ્ય વાંચે.

  નયન

 2. કલ્પેશ says:

  બીજુ કાઇ નહી તો આપણે કોઇને કામ (જે આપણને અશક્ય લાગે છે) કરતા ના રોકીએ.
  કોણ જાણે છે કોનામા કેટલી શક્તિ ભરેલી છે?

 3. ભાવના શુક્લ says:

  અદભુત !!!!
  સાહસકથા મા સાહસ જેવુ તત્વ ખરેખર અનુભવાયુ જ્યારે વાચતા વાચતા જાણ્યુ કે સાતેય ૨૦ વર્ષીય યુવાનો નેત્ર હીન હતા…વાહ રે ઈશ્વર..તુ પણ કયા ક્યા જઈ કેવી જિજિવિષાઓ મા વસે છે. ખુદ થી હટીને ખુદા થવુ તે આનુ નામ.

 4. રાજેશ રેડ્ડી નામના શાયરનો એક શેર યાદ આવ્યો ..

  हमने देखा है कईं ऐसे ख़ुदाओं को यहां,
  सामने जिनके वो सचमुच का ख़ुदा कुछ भी नहि …

 5. bhadresh says:

  સર હુ ખુબજખુશ થયો કે ગુજરાતિ મા આજ્સુધિ આટલુ સારુ વાચવાનુ મલ્યુ નથિ તમારો ખુબજ આભાર્

  લિ. ભદ્રેશ જે જોશિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.