વેબનું લોકાર્પણ – યોગેશ કામદાર અને ડૉ. હરેશ કામદાર

[‘નવનીત સમર્પણ’ જૂન-2008 માંથી સાભાર.]

સ્થળ : જિનિવા, સ્વિટ્ઝરલેન્ડ
તારીખ : 30 એપ્રિલ, 1993.

યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ (CERN)ના ડાયરેક્ટર ઑફ રિસર્ચ હૂગલેન્ડ અને ડાયરેક્ટર ઑફ એડમિનિસ્ટ્રેશન વેબર બે પાનાનાં એક દસ્તાવેજ પર સહી કરે છે અને વિજ્ઞાન-તંત્રજ્ઞાન જગતની તાસીર હંમેશ માટે બદલાઈ જાય છે.

CERN એટલે યુરોપના દેશોના સહિયારા પ્રયત્નો દ્વારા અતિ આધુનિક વૈજ્ઞાનિક સંશોધન માટે સ્થપાયેલી સંસ્થા. છેલ્લી અડધી સદીથી પણ વધુ સમયથી તેની મુખ્ય પ્રવૃત્તિ છે કુતૂહલ દ્વારા પ્રેરાયેલા સંશોધનને પ્રોત્સાહન આપી આગળ ધપાવવાનું. અને સન 1954માં તેની સ્થાપના પણ આ ઉદ્દેશથી જ થયેલી. બ્રહ્માંડનાં રહસ્યોનો તાગ મેળવવો અને આ જ્ઞાન સમગ્ર માનવ જાતને ઉપલબ્ધ કરાવવાનું તેનું મિશન છે. અને એટલે જ CERN આવા પ્રકારનો દસ્તાવેજ બનાવી શકી.

એવું તે વળી શું હતું આ બે પાનાના દસ્તાવેજમાં ? હૂગલેન્ડ અને વેબરે જ્યારે સહીઓ કરી ત્યારે તેમણે વિશ્વભરનો જ્ઞાનભંડાર દરેક માટે ખુલ્લો મૂકી દીધો – તદ્દન નિ:શુલ્ક રીતે. આ દસ્તાવેજ આમેય માત્ર બે પાનાંનો અને તેમાં પણ માત્ર 27 શબ્દોએ જ્ઞાનવિશ્વમાં ક્રાંતિ આણી. CERN એ જાહેર કર્યું કે તે ઘડીથી વર્લ્ડ વાઈડ વેબ (World Wide Web = www) હર કોઈ માટે કોઈ જાતના બંધન કે ફી વગર ઉપલબ્ધ છે. અને છેલ્લાં 15 વર્ષમાં આપણે માહિતી યુગના જે ચમત્કારો જોઈએ છીએ અને માણીએ છીએ તે આ 27 શબ્દોને આભારી છે. વેબ સૌને મફતમાં ઉપલબ્ધ થઈ છે તેને કારણે ઈ-મેઈલથી લઈ ઈન્ટરનેટ વડે મફત ટેલિફોન કરવાની સગવડ કે પછી ફોટા, ચિત્રો, સંગીત વગેરે માણવાનો આનંદ આજે આપણા રોજિંદા જીવનનાં અંગ બની ગયાં છે. દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકવાની શક્યતા અને જાણીતા-અજાણ્યા સૌને આ જાળાના તાણાવાણામાં સમાવી લેવાની સગવડ આજથી દોઢ દાયકા પહેલાં આપણી પાસે નહોતી.

જોકે ઈન્ટરનેટ તો 1970ની શરૂઆતથી છે. પરંતુ જુદા જુદા કોમ્પ્યુટરોમાં રહેલી માહિતીને મેળવવાની પ્રક્રિયા એટલી તો જટિલ હતી કે બહુ ઓછા વૈજ્ઞાનિકો આ કલા હસ્તગત કરી શક્યા હતા. CERN ના વૈજ્ઞાનિકો આમાંના થોડાક હતા. પણ CERN માં સંશોધક તરીકે કામ કરતાં અંગ્રેજ યુવાન ટિમ બર્નર્સ-લિને હંમેશાં લાગતું કે એવી કોઈ સરળ અને સુગમ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેના મારફત CERNમાં રહેલા અને CERNની સહયોગી સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં રહેલાં દરેક કોમ્પ્યુટરમાં સંઘરાયેલી અલગ અલગ માહિતી સહેલાઈથી મેળવી શકાય. સન 1989માં ટિમ બર્નર્સ-લિએ પોતાનાં ઉપરીને એક નાનકડી નોંધ મોકલી : ‘માહિતીનું સંકલન – એક સુઝાવ’ ઉપરી માઈક સેન્ડોલે તેના પર ટકોર કરી : ‘અસંદિગ્ધ પણ મજેદાર’ ટિમ બર્નર્સ-લિએ કામ આગળ ધપાવ્યું. થોડા મહિનાઓની પ્રગતિ પછી તે માઈક સેન્ડોલને બે નવા કૉમ્પ્યુટર લેવા સમજાવી શક્યો. ઉપરીએ ટિમ બર્નર્સ-લિ માટે બે NEXT કોમ્પ્યુટર્સનો ઑર્ડર નોંધાવ્યો જે ઠેઠ 1990નાં સપ્ટેમ્બરમાં મળ્યાં. માત્ર ત્રણ મહિનામાં તો બર્નર્સ-લિએ બન્ને કોમ્પ્યુટર્સમાં રહેલી માહિતીને એક-બીજા તદ્દન સહેલાઈથી મેળવી શકે તેવું તંત્રજ્ઞાન ઊભું કરી દીધું. (આ તંત્રજ્ઞાન એટલે URL, http અને html – જે આજે પણ વાપરીએ છીએ.) આમ ઉદ્દભવી વેબ.

આ ગોઠવણમાં એક કચાશ હતી. માહિતી શોધવા અને જોવા માટે વપરાતું બ્રાઉઝર (browser) માત્ર NEXT કોમ્પ્યુટર્સ પર જ વાપરી શકાતું. એટલે જેને આ નવી અજાયબીનો અનુભવ લેવો હોય તેણે ટિમ બર્નર્સ-લિનાં કોમ્પ્યુટર પાસે જવું પડતું. બીજી બાજુ ઈન્ટરનેટ હળવે હળવે વિસ્તરતી જતી હતી અને પર્સનલ કોમ્પ્યુટર મોટા પ્રમાણમાં વેચાવા માંડ્યાં હતાં. આ બધાને સાંકળવાની એવી તે કેવી ટેકનોલૉજી વિકસાવવી જેથી કોઈ પ્રકારના અવરોધ વિના જુદાં-જુદાં પ્રકારનાં આ બધાં કૉમ્પ્યુટર ઈન્ટરનેટની મદદથી માહિતીનો આસાનીથી આપ-લે કરી શકે ? યુનિવર્સિટી ઑફ મિન્નેસોટાના કોમ્પ્યુટર વિભાગે ગોફર (Gopher) નામની ટેકનોલોજી વિકસાવી જેનો ઉપયોગ કરી જુદી જુદી જાતનાં અને ભાતનાં કોમ્પ્યુટરો એક-બીજા સાથે સાંકળી શકાય. આ એક ક્રાંતિકારી ટેકનોલોજી હતી પણ યુનિવર્સિટી એક વાતમાં થાપ ખાઈ ગઈ. ગોફર જેમ જેમ પ્રખ્યાત થતું ગયું અને તેનો વપરાશ વધતો ગયો એટલે 1993માં યુનિવર્સિટીએ તેના વપરાશ માટે ફી લેવાનું શરૂ કર્યું. બીજી બાજુ ટિમ બર્નર્સ-લિએ CERNમાં ઊભી કરેલી વેબ ટેકનોલોજી પણ વધુ ને વધુ ધારદાર થતી રહી. અને 30 એપ્રિલ 1993માં CERN દ્વારા કોઈ પણ ફી વગર આ ટેકનોલૉજી વિશ્વની તમામ વ્યક્તિઓને વાપરવાની છૂટ જાહેર કરી. ત્યારની ઘડી અને આજનો દિવસ – વેબનો ઝંઝાવાત ફેલાતો જ ગયો. ગોફરનું બાળ-મરણ નિપજ્યું.

doc11

doc12

CERNનું આ પગલું ક્રાંતિકારી હતું. વેબની ટેકનોલોજીનો ઉપયોગ સહુને માટે શક્ય બન્યો પરંતુ તેના પેટન્ટ કોઈ લઈ શકે નહીં (અને તેમાંથી ધન ઉપાર્જન કરી શકે નહીં) તેવી આ વ્યવસ્થા હતી. આ ટેકનોલોજીની કરામત એ હતી કે કોઈ પણ પ્રકારનું કોમ્પ્યુટર કેમ ન હોય, વેબનો અનુભવ એકસરખો જ રહે. સન 1991માં ટિમ બર્નર્સ-લિએ જ્યારે પોતાનાં બે NEXT કોમ્પ્યુટરને સાંકળી લીધાં કે પછી આજે જ્યારે કરોડો કોમ્પ્યુટરને વેબે જોડ્યાં છે – મૂળભૂત આશય એક જ હતો. તે એ કે વપરાશકાર માટે અટપટી ટેકનોલોજી શીખવાની જરૂર ન રહેવી જોઈએ (એટલે જ તો ટાબરિયાથી લઈ દાદા-દાદીઓ વેબનો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે.) આ ટેકનોલૉજી એકદમ જટિલ છે પણ વપરાશકારે તે શીખવાની કે જાણવાની કોઈ જરૂર નથી રહેતી. દરેક કોમ્પ્યુટરને માહિતીનો એક ટાપુ ગણી શકાય. આટલી બધી માહિતી જો સહુને અને સહેલાઈથી મળી ન શકે તો તેનો ઉપયોગ શું ? ટિમ બર્નર્સ-લિએ સુધારા-વધારા કરી CERNનાં સંશોધકો માટે વિશ્વના ખૂણે-ખૂણે પથરાયેલાં કોમ્પ્યુટરમાં સંઘરાયેલી માહિતી મેળવવાનું કામ સરળ કરી આપ્યું.

1993ની 30 એપ્રિલ પછી તો પાછું વળીને જોવાનો પ્રશ્ન જ ન રહ્યો. વેબનો તો જાણે રાફડો ફાટ્યો. જેને જોઈએ તે ઈન્ટરનેટના રાજમાર્ગ પર હંકારવા લાગ્યા. 1994માં માત્ર વીસેક હજાર વેબસાઈટ હતી, આજે સોળ કરોડથી વધુ છે. આનું કારણ એ છે કે વેબનો વપરાશ કરી માહિતી મેળવી પણ શકાય અને આવા વપરાશ દ્વારા વેબ પર માહિતી મૂકી પણ શકાય. અને એટલે આ ટેકનોલોજી માત્ર માહિતીનાં આદાન-પ્રદાન પૂરતી જ નહીં પણ નવા પ્રકારના વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ટિમ બર્નર્સ-લિ જ્યારે વેબની રચનામાં કાર્યરત હતો ત્યારે તેના કેટલાક સાથીઓને આ એક ‘અજાયબ રમકડાં’ માં રસ પડેલો પરંતુ ‘તેનો ઉપયોગ શું?’ તેવો પ્રશ્ન વારંવાર ઊભો કરાતો. બર્નર્સ-લિ હસીને કહેતો – ‘આપણી જિંદગી થોડી વધુ સગવડવાળી બનાવી શકાશે. માહિતીની ગોતા-ગોત સહેલી થશે.’

આ ટેકનોલોજી ક્રાંતિકારી હતી જ. પરંતુ તેણે આપણા જીવનમાં જે ક્રાંતિ આણી છે તેનું કારણ છે CERN દ્વારા દરેક વ્યક્તિ માટે તેને તદ્દન મફતમાં ઉપલબ્ધ કરાવવાનું પગલું. આ કામ થોડું કપરું હતું. CERNના ડાયરેક્ટરોને બર્નર્સ-લિ અને સાથીદારોએ સમજાવવા પડ્યા કે આ એક અદ્દભુત શોધ છે અને તેના પર માલિકી હક્ક જમાવવાને બદલે આપણે વિશ્વને ભેટ તરીકે પ્રદાન કરવી જોઈએ. CERN ના સંચાલકોએ નજીવી રોયલ્ટી રાખવાનું સૂચન કર્યું જેનો વેબના જનક બર્નર્સ-લિએ સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો. CERNના સંચાલકોએ મોટું દિલ દાખવી આ શોધ વિશ્વને ચરણે ધરી. જો વેબના ઉપયોગ માટે રોયલ્ટી ફી લેવાનું નક્કી કરાયું હોત તો ? તો માહિતી યુગની શરૂઆત ન થઈ હોત. આ વાત બીજી રીતે જોઈએ તો આજે જેટલી વેબસાઈટ છે અને જેટલા બહોળા પ્રમાણમાં વેબનો વપરાશ છે તો તદ્દન મામૂલી એવી રોયલ્ટી ફી વસૂલ કરાતી હોત તો ટિમ બર્નર્સ-લિ અને CERNની આવક બિલ ગેટ્સની આવક કરતાં 36થી 40 ગણી હોત.

બી.બી.સી સાથે વાર્તાલાપ દરમિયાન બર્નર્સ-લિએ કહ્યું કે આ તો હજી પા-પા પગલી જ છે. વેબનો ખરો પરચો તો મળવાનો હજુ બાકી છે. બીજા એક ઈન્ટરવ્યૂમાં બર્નર્સ-લિને પૂછવામાં આવ્યું હતું – રોયલ્ટી લઈ વેબને ઉપલબ્ધ કરાઈ હોત તો તમે અને CERN અબજોની કમાણી કરી રહ્યા હોત. આ રસ્તો તમે કેમ ન લીધો ? ટિમ બર્નર્સ-લિનો ટૂંકો પણ સચોટ ઉત્તર હતો : ‘મારાં મા-બાપ બન્ને શિક્ષક છે. તેમનાં જીવનમાંથી હું એટલું શીખ્યો છું કે જ્ઞાન વહેંચવા માટે છે, વેચવા માટે નહીં.’

(આ લેખની માહિતી અને સંદર્ભો વેબ વગર શક્ય ન બન્યા હોત.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાજી લગાવી જાનની – ડૉ. કુમારપાળ દેસાઈ
જીવનઘડતરની વાતો – મુકુન્દ પી. શાહ Next »   

15 પ્રતિભાવો : વેબનું લોકાર્પણ – યોગેશ કામદાર અને ડૉ. હરેશ કામદાર

 1. nayan panchal says:

  અદભૂત લેખ. Simply Amazing.

  હુ છેલ્લા કેટલાક વર્ષોથી અઠવાડિયાના સરેરાશ ૩૦-૪૦ કલાક નેટ પર વીતાવુ છુ, હુ પોતે IT ક્ષેત્રમાં છુ, છતા મને આના વિશે માહિતી ન હતી.

  આજે તો Internet બીજી દુનિયા બની ગઈ છે, માણસ એક સાથે બે જીવન જીવી શકે છે (secondlife.com) આ બધુ જ CERNને આભારી છે.

  Internet જેવી ક્રાંતિકારી શોધ વિશે આવી અદભૂત માહિતી પૂરી પાડવા રીડગુજરાતી, લેખકો અને મૃગેશભાઈનો ખૂબ ખૂબ આભાર.

  નયન

 2. Hiren says:

  અત્યન્ત માહિતિ સભર લેખ આપવા બદલ ખુબ ખુબ આભર

 3. Jalpa says:

  Very good article.
  I am also in the computer field since last 8yrs and spend 50 to 60 hrs per week on computer and net, but I was not knowing this stuff.
  Thank you so much for giving such a good knowledge…..

 4. માલવ says:

  ‘મારાં મા-બાપ બન્ને શિક્ષક છે. તેમનાં જીવનમાંથી હું એટલું શીખ્યો છું કે જ્ઞાન વહેંચવા માટે છે, વેચવા માટે નહીં.’

  આદભુત વિચાર.

 5. pragnaju says:

  હૂગલેન્ડ અને વેબરેને સલામ.” વિશ્વભરનો જ્ઞાનભંડાર દરેક માટે ખુલ્લો મૂકી દીધો – તદ્દન નિ:શુલ્ક રીતે. આ દસ્તાવેજ આમેય માત્ર બે પાનાંનો અને તેમાં પણ માત્ર 27 શબ્દોએ જ્ઞાનવિશ્વમાં ક્રાંતિ આણી. CERN એ જાહેર કર્યું કે તે ઘડીથી વર્લ્ડ વાઈડ વેબ (World Wide Web = www) હર કોઈ માટે કોઈ જાતના બંધન કે ફી વગર ઉપલબ્ધ છે. અને છેલ્લાં 15 વર્ષમાં આપણે માહિતી યુગના જે ચમત્કારો જોઈએ છીએ અને માણીએ છીએ તે આ 27 શબ્દોને આભારી છે. વેબ સૌને મફતમાં ઉપલબ્ધ થઈ છે”…

 6. Ron says:

  This is very interesting article and i think this is hidden article which you present to the people and many IT people dos’t know about WWW real history. And the big sacrifice of money of the CERN and Tim Burners Li I salute to the CERN and Tim Burners Li and this is not small amount of royalti…….VERY GOOD ARTICLE

 7. Nilesh Vyas says:

  very informative for novice

 8. Niraj says:

  Thanks a lot! Please put more articles of this type (information/knowledge). Parichay pustika vishe mahiti aapo ane ema paan sara lekhohoy chhe te aapo.
  Thanks again…

 9. Pinki says:

  નેટ જગત થકી ઘણું વાંચ્યું છે
  અને ઘણું મેળવ્યું પણ …..
  આ લેખ વાંચી આજે દિગ્મૂઢ થઈ જવાયું !!

  ટિમ બર્નર્સ-લિનો ટૂંકો પણ સચોટ ઉત્તર હતો : ‘મારાં મા-બાપ બન્ને શિક્ષક છે. તેમનાં જીવનમાંથી હું એટલું શીખ્યો છું કે જ્ઞાન વહેંચવા માટે છે, વેચવા માટે નહીં.’

  આ માહિતી માટે રીડગુજરાતીનો ખૂબ ખૂબ આભાર…..!!

 10. chetu says:

  સરસ માહિતી …મૃગેશભાઇ, આપનું યોગદાન પણ કંઇ કમ નથી.. વાચકો સમક્ષ આટ્લી મહેનત થી બધી માહિતીઓ પહોચાડ્વી એ પણ પ્રશંશનીય છે…!

 11. raulji Hardatsinh says:

  Thanks for information , I salute to Mr.Tim Burners Li for his great thoughts.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.