- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

લીલું હૈયું, સૂકું પાન [એકાંકી નાટક] – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા

પાત્રો :

દાદાજી – સિત્તેરેક વર્ષાના લાગણીસભર વૃદ્ધ
પૂર્ણેન્દુ – દાદાજીનો પૌત્ર (માતાપિતા વિહોણો) ઉંમર 25 વર્ષ.
યામા – પૂર્ણેન્દુની પત્ની, ઉંમર 24 વર્ષ.
પ્રમોદરાય – યામાના પિતા

[પડદો ખૂલે છે.]
[ દશ્ય : પહેલું ]
(મધ્યમવર્ગના ઘરનું દશ્ય. દાદાજી અને પૂર્ણેન્દુ વાતો કરી રહ્યા છે.)

પૂર્ણેન્દુ : દાદજી ! શા માટે આપ આટલું બધું દબાણ કરો છો? મારે વહેલાં લગ્ન નથી કરવાં. મને તમારી સેવા કરવાનો થોડો મોકો તો આપો.

દાદાજી : બેટા! હું તો છું પાનખરનું પાંદડું ! ક્યારે ખરી પડીશ, એની કોને ખબર? તને ભરોસાપાત્ર જીવનસંગિનીના હાથમાં સોંપીને આંખો બંધ કરીશ, તો મારો પરલોક પણ સુધરશે, દીકરા! તારો ડર હું સમજી શકું છું. તને એક જ વાતની ચિંતા છે કે તારી પત્ની મને સુખ નહીં આપે તો? બેટા! ઘડપણ એ કશું ઝંખવાની ઉંમર છે જ નહીં, વિદાયવેળાએ તો વધુમાં વધુ આપવાની તમન્ના હોવી જોઈએ. અને તમને બન્નેને સુખી જોવાં એ પણ એક લ્હાવો જ છે ને! સૂકા ઝાડને સીંચવા જવાનીને તરસી ન મરાય, દીકરા!

પૂર્ણેન્દુ : દાદાજી ! તમારી બધી વાત સાચી, પણ મને ય થોડુંક ઋણ અદા કરવાનો અવસર તો આપો. મમ્મી-પપ્પાનું સુખ તો મેં નથી જોયું, પણ મને એટલી ખબર છે કે છેલ્લાં બાવીસ વર્ષથી તમે મારો પડછાયો બનીને જીવ્યા છો. રિસેસ પડે કે તમે મારે માટે નાસ્તાનું બૉક્સ લઈને હાજર! હું કૉલેજિયન બન્યો ત્યાં સુધી તમારા કર્તવ્યમાં તમે ક્યારે ય ઓટ આવવા દીધી નથી! મારા આવવાના સમયે બારણું ખુલ્લું રાખી તમે તરસી આંખે મારી વાટ જોતાં બેઠા જ હો. દાદાજી! જન્મજન્માંતરમાં ય તમારું ઋણ ફેડી શકાય તેમ નથી!

દાદાજી : એ ઋણ ફેડવાનો એક જ માર્ગ છે પૂર્ણેન્દુ! મને ગમતું કરવાનો. હમણાં જ પ્રમોદરાય અહીં આવી પહોંચશે, તેમની દીકરીના વિવાહ અંગે વાતચીત કરવા! એમની દીકરી યામાને તું પણ સારી રીતે ઓળખે છે. પૂર્ણેન્દુ! તું હા કહીશ, તો મારા આત્માને ટાઢક વળશે. મારું મરણ પણ સુધરી જશે.
(કોલબેલ રણકવાનો અવાજ. દાદાજી જાતે જ બારણું ખોલવા જાય છે)

દાદાજી : આવો. પધારો, પ્રમોદરાય! હું તમારી જ વાત કરતો હતો. પ્રમોદરાય! આ છે મારો પૂર્ણેન્દુ – મારા ઘડપણની ટેકણલાકડી.

પૂર્ણેન્દુ : નમસ્તે મુરબ્બી ! આવો, બેસો.

પ્રમોદરાય : બાકી તમારો પૌત્ર છે ફાંકડો, હોં ! રંગ રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો-કોડામણો! અને એમાં ય તમારા સંસ્કાર ભળ્યા. એટલે સોનામાં સુગંધ! મારી દીકરી યામા પૂર્ણેન્દુને સારી રીતે ઓળખે છે. એની તો હા જ છે! પૂર્ણેન્દુ હા પાડે, એટલે કરીએ કંકુના!

પૂર્ણેન્દુ : જુઓ મુરબ્બી ! મારા દાદાજી મારે મન મમ્મી, પપ્પા, મિત્ર – મારું સર્વસ્વ છે. દાદાજીની આંગળી પકડીને હું આ જગતને જોતાં શીખ્યો છું. મમ્મી-પપ્પાના અવસાન પછી મારા દાદાજીએ મને જીવથી યે અધિક જાળવીને મોટો કર્યો છે. મને માતૃપ્રેમની ખોટ ન સાલે, એટલા માટે દાદાજીએ નર મટીને નારીનું રૂપ જાણે કે ધારણ કરી લીધું હતું. આજે એ જવાબદારીના બોજમાંથી મારે એમને મુક્ત કરીને સુખચેનની જિંદગી અર્પવી છે. આપને લાગે છે કે યામા એ જવાબદારી અદા કરવા તત્પર છે, તો જ એને અમારા ઘરમાં મોકલવાનું વિચારજો! મારી અને દાદાજી વચ્ચે દિવાલ બનનારની નહીં, સેતુ બનનારની અમારે જરૂર છે, વડીલ !

દાદાજી : મારો પૂર્ણેન્દુ લાગણીશીલ છે. પ્રમોદરાય ! એની વાતથી માઠું ન લગાડશો.

પ્રમોદરાય : તમારો પૂર્ણેન્દુ તો એકોતેર પેઢીને તારે એવો શાણો અને સમજુ છે. એના શબ્દેશબ્દમાં તમારા પ્રત્યેની લાગણી અને ભક્તિ ટપકે છે. સગા બાપને ય એક પળમાં તરછોડે એવા આ ઘોર કળિયુગમાં દાદાની લાગણી ખાતર પોતાના સુખનો વિચાર ન કરનાર આવા જવાનો છે ક્યાં? દીકરા પૂર્ણેન્દુ ! મારી દીકરી પણ માતૃપ્રેમથી વંચિત છે. દાદાજીના લાડકોડ એને માતૃપ્રેમની ખોટ પૂરી પાડશે. તો દાદાજી ! આપણા તરફથી વાત પાકી. લો. મોં મીઠું કરો. હવે અખાત્રીજે ચાંલ્લા અને લગ્ન બન્ને સાથે જ !
(પ્રમોદરાય પેંડાનું પેકેટ કાઢીને દાદાજી અને પૂર્ણેન્દુને પેંડો ખવડાવે છે. પૂર્ણેન્દુ પ્રમોદરાય તથા દાદાજીને પગે લાગે છે. દાદાજી પૂર્ણેન્દુને ભેટે છે. ભીની આંખે માથું થપથપાવતાં આશીર્વાદ આપે છે. બેક ગ્રાઉન્ડમાં લગ્નસૂચક શરણાઈના સૂર.)

[ પડદો પડે છે.]

[પડદો ખૂલે છે.]
[ દશ્ય : બીજું ]

યામા : પૂર્ણેન્દુ ! પરણીને આ ઘરમાં આવ્યે મને પૂરા પચ્ચીસ દિવસ થયા. યાદ છે તને?

પૂર્ણેન્દુ : યામા ! તું મને એટલો બધો ‘ડલ’ માને છે કે આપણાં લગ્નને હજી એક મહિનો ય નથી થયો, એટલું ય યાદ ન રહે?

યામા : માણસને ભૂત વળગે ને, ત્યારે એ બધું જ ભૂલી જાય છે !

પૂર્ણેન્દુ : એટલે તું કહેવા શું માગે છે, યામા? કશુંક સમજાય તેવું તો બોલ.

યામા : હા, પૂર્ણેન્દુ ! તને પણ એક ભૂત વળગ્યું છે. એ ભૂતનું નામ છે દાદાજી. ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, ઊંધતા ને જાગતાં… તારી જીભે બસ એક જ નામ હોય છે.. દાદાજી….દાદાજી….દાદાજી ! પૂર્ણેન્દુ ! તારાં લગ્ન દાદાજી સાથે થયાં છે કે મારી સાથે? મને તો એ જ સમજણ નથી પડતી! વૃદ્ધ દાદાજી સાથે રહીને તારું જવાન હૈયું પણ ઘરડું થઈ ગયું લાગે છે. પચ્ચીસ દિવસમાં તેં પચ્ચીસ સો વાર દાદાજીનું નામ લીધું હશે અને મારું નામ? ક્યારેક ભૂલથી.

પૂર્ણેન્દુ : યામા ! હું તારી બધી જ વાતો સાંભળી લઈશ, પણ દાદાજી વિરુદ્ધનો એક પણ શબ્દ નહીં સાંભળું, સમજી ! મારો અને દાદાજીનો પ્રેમ જોઈને તને હ્રદયમાં આનંદ થવો જોઈએ, એને બદલે તને ઈર્ષ્યા કેમ થાય છે? તારા પપ્પાના શબ્દો હજી યે મારા કાનમાં ગુંજે છે….. ‘મારી યામા તમાર અને દાદાજીની વચ્ચે સેતુ બનવાના હેતુથી જ તમારા ઘરમાં આવી રહી છે’ – શું એ બધું નાટક હતું? એક કુંવારા છોકરાને જાળમાં સપડાવવાની લીલા માત્ર હતી? યામા ! કાન ખોલીને સાંભળી લે, જે દિવસે તું મારા દાદાજીને દુભવીશ, તે દિવસે તારો પગ આ ઘરમાં નહીં હોય, સમજી ?

યામા : ઓ.કે. પૂર્ણેન્દુ ! આ તો જરા તારો ટેસ્ટ લઈ લીધો ! તું દાદાજીના પ્રેમ અંગેની મારી પરિક્ષામાં પાસ. ફર્સ્ટકલાસ ફર્સ્ટ ! હું તને ડી.ડી.એલ એનાયત કરું છું. ડી.ડી.એલ એટલે કે ડિપ્લોમા ઈન દાદાજીઝ લવ. કોંગ્રેચ્યુલેશન, પૂર્ણેન્દુ!

પૂર્ણેન્દુ : આ વાત મજાકમાં કાઢી નાખવા જેવી નથી, યામા !

યામા : તારું દિલ દુભાયું હોય તો માફી માંગુ છું, બસ ! ચાલ, હવે જરીક હસ તો. ન હસું તો તને દાદાજીના સોગંદ ! મારા સોગંદથી કદાચ તું ન હસે તો !

પૂર્ણેન્દુ : જો પાછો વ્યંગ ! યામા ! તારું નામ ‘યામા’ નહીં, ‘વામા’ પાડવું જોઈતું હતું. – વક્રજિહ્વા, એટલે કે વાંકું બોલનારી!

યામા : ઓ.કે. પૂર્ણપુરુષોત્તમ પૂર્ણેન્દુ મહારાજ ! દયા કરો દેવતા ! કૃપા કરો કંથ ! ક્ષમા કરો સ્વામી ! (યામા ખડખડાટ હસે છે.)

પૂર્ણેન્દુ : પૂરી નવરાશે ઘડી છે તને ભગવાને ! ચાલ, ઑફિસે જવાનો સમય થયો. હું જાઉં છું. દાદાજી દેવસેવામાં બેઠેલા છે. એમનો ખ્યાલ રાખજે.
(પૂર્ણેન્દુ જાય છે. યામા સ્વગત બોલે છે.)

યામા : તારા દાદાજીનો ‘બરાબર’ ખ્યાલ રાખીશ…. પૂર્ણેન્દુ ! બરાબર ! મને ભૂત ભગાડતાં બરાબર આવડે છે !

[ પડદો પડે છે.]

[પડદો ખૂલે છે.]
[ દશ્ય : ત્રીજું ]

(પૂર્ણેન્દુના ઘરનો ડ્રોઈંગરૂમ. યામા વાળ છૂટા મૂકીને પગ લાંબા કરીને મસ્તીથી બેઠી છે. દાદાજી અંદરના ઓરડામાં છે.)

યામા : ક્યાં ગયા ડોસા ? કપડાં સૂકવતાં આટલી બધી વાર?

દાદાજી : આવું છું, દીકરી !

યામા : શટ અપ ! મારે તમારી દીકરી નથી થવું, સમજ્યા? તમારા દીકરાને દીકરી બનાવી દઈને હજી પેટ નથી ભરાયું? હું છું આ ઘરની વહુ, સમજ્યા? આ ઘરની માલિક ! અત્યાર સુધી તમારું રાજ ચાલતું હતું, હવે એ બધું ખતમ. હવેથી મારો પડ્યો બોલ ઉપાડવો હશે તો જ આ ઘરમાં તમારાથી રહેવાશે, નહીં તો તીર્થધામોની ધર્મશાળાઓમાં પૂરતી જગ્યા છે !

દાદાજી : એમ આકરી ન થા, દીકરી ! ક્રોધ કરવાથી તબિયત બગડે !

યામા : તમારું અપમાન કરવાથી મારી તબિયત સુધરે છે ! તમે જ મારા સુખના શત્રુ છો. પૂર્ણેન્દુના મગજ પર તમે એટલા બધા છવાઈ ગયા છો કે એ ઈડિયટ, તમારા સિવાય કશું જ વિચારી શક્તો જ નથી ! મારા દામ્પત્યમાં તમે જ કાંટાની જેમ ખટકી રહ્યા છો.

દાદાજી : એવું ન બોલ દીકરી ! એવું ન બોલ. તમને સુખી જોવા તો આજ સુધી જીવતો રહ્યો છું. પૂર્ણેન્દુ વર્ષોથી મારી સાથે રહ્યો, એટલે મારી માયા છોડી શકતો નથી ! એ મૂરખાને એટલી ય ખબર નથી કે નવોઢાનું મન કેવી રીતે રીઝવી શકાય !

યામા : એ બધું તો એને હું ચપટીમાં શીખવી દઈશ, પણ એ માટે તમારે તમારું કાળજું કઠણ કરીને અહીંથી બિસ્તરાં-પોટલાં બાંધવા પડશે ! પૂર્ણેન્દુની તમે આજ સુધી કાળજી લીધી એનું વળતર તમને પેન્શનરૂપે દર મહિને મળતું રહેશે. આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ, સમજ્યા ? પૂર્ણેન્દુને પણ આ વાતની ગંધ આવી તો તમારી ખેર નથી !

દાદાજી : દીકરી, ઝેર પી-પીને મોટા થયેલાને ઝેરનો કટોરો પચાવવાની શિખામણ તારે વારંવાર આપવી નહીં પડે ! અને તું ય કયાં પારકી છે ! કાલ સુધી અણસમજ પૂર્ણેન્દુ બાળક રૂપે છાતીમાં લાતો મારતો હતો ત્યારે ય હું હરખાતો હતો, આજે એ હક તને આપું છું. બસ ! તું નારાજ ના થઈશ. પૂર્ણેન્દુ આગળ હંમેશા હું હસતો રહીશ અને તારી ઈચ્છા મુજબ તારો માર્ગ મોકળો કરી આપીશ. હવે તો ખુશ ને, દીકરી ?

યામા : ઓ.કે. જોઉં છું, વચનપાલનની તાકાત તમારામાં છે કે નહીં ! જાઓ હવે. (દાદાજી જાય છે એટલામાં યામા ફરી પાછા બોલાવે છે.) અરે, જરા પાછા આવો. અને સાંભળો, મારા માટે એક મસાલેદાર ચા બનાવી લાવો અને ઠંડા પાણીનો ગ્લાસ પણ લેતાં આવજો.
(એકાએક પૂર્ણેન્દુનો પ્રવેશ)

પૂર્ણેન્દુ : યામા ! યામા ! આ હું શું સાંભળી રહ્યો છું ? ઉંબરા પાસે ઊભાં ઊભાં મેં તારા શબ્દો સાંભળી લીધા છે. દાદાજીને ચા બનાવવાનો હુકમ આપતાં તને શરમ નથી આવતી ? તારામાંથી લાજશરમ સાવ ચાલ્યાં ગયાં છે? યામા ! નીચતાની આટલી પરાકાષ્ઠાએ તું પહોંચીશ એની મને કલ્પના નહોતી ! દાદાજી ! તમે જ કહેતા હતાને કે મારી પુત્રવધૂ હીરા જેવી છે? કાગળનાં ફૂલની ખુશબો ક્ષણિક હોય છે એની પ્રતીતિ તમને થઈ ગઈ ને? યામા! તેં અક્ષમ્ય અપરાધ કર્યો છે. દાદાજીના પગમાં પડીને માફી માગ ! ચાલ, ઊભી થા !
(યામા ઊભી થાય છે.)

દાદાજી : (યામાને ઊભી થતી રોકતાં) અરે પૂર્ણેન્દુ ! તને આજે થયું છે શું? વગર સમજે બિચારી વહુનું આટલું બધું અપમાન કરતાં તને શરમ નથી આવતી?

પૂર્ણેન્દુ : તમારું એ અપમાન કરે અને હું મૌન રહું, એવો કહ્યાગરો કંથ હું નથી, દાદાજી ! તમને ચા બનાવવાનો એ હુકમ કરે એ શું નાનોસૂનો અપરાધ છે?

દાદાજી : જ્યાં અપરાધનો સવાલ જ ઊભો થતો ન હોય, ત્યાં નાનો શું ને મોટો શું? જો સાંભળ, આજે પત્તાં રમતાં મેં અને યામાએ એક શરત લગાવી હતી કે જે કોઈ સળંગ પાંચ બાજી હારે, એણે રમતને અંતે ચા બનાવવાની ! યામા જીતી ગઈ અને હું હાર્યો ! રમતમાં તો ખેલદિલી દાખવવી જ જોઈએ! એણે મને ખૂબ વાર્યો, પણ મેં કહ્યું : રમતમાં અંચાઈ ન ચાલે, દીકરી ! ચા હું જ બનાવીશ ! મારી ચામાં જાદુ છે ! પરાણે પરાણે મેં એને મનાવી લીધી. એટલામાં તું ટપકી પડ્યો ! રંગમાં ભંગ પાડીને તારા હાથમાં શું આવ્યું?

પૂર્ણેન્દુ : સૉરી દાદાજી ! મારા મનમાં એમ કે યામા મારી ગેરહાજરીમાં તમારા ઉપર ત્રાસ ગુજારે છે ! દાદાજી ! મને ખબર છે કે યામા તમને ખૂબ વહાલી છે. પણ આમને આમ કરશો તો એ તમારે માથે છાણાં થાપશે ! પછી મને દોષ ન દેતા !

દાદાજી : અરે દીકરા, છાણાં થાપવાની વાત તો હવે જૂની થઈ ગઈ ! હવે નવી કહેવત…. ‘માથે છાણાં થાપશે નહીં, પણ માથે ગૅસ સળગાવશે’ એમ કહેવાનું શરૂ થઈ જશે ! પણ મારી યામા તો યામા જ છે ! ચાલ, દીકરી, મારી પેલી અધૂરી શરત પૂરી કરું ને !

યામા : ઓ મારા ‘વહાલા’ દાદાજી ! મારી જીત તે તમારી જીત ! શરત ફોક ! ચાલો, હું જ ચા બનાવી લાવું છું. તમે પણ પીશો ને કટાણે ટપકી પડેલા પૂર્ણેન્દુ મહારાજ ! (યામા, દાદાજી અને પૂર્ણેન્દુ હસે છે.)

[ પડદો પડે છે.]

[પડદો ખૂલે છે.]
[ દશ્ય : ચોથું ]

(અંદરના ઓરડામાં દાદજી બેઠા છે. બહારના ડ્રોઈંગરૂમમાં યામા અને પૂર્ણેન્દુ બેઠેલાં છે.)

દાદાજી : (અંદરથી) પૂર્ણેન્દુ ! તું હજી તૈયાર નથી થયો, ભાઈ? આપણે મોડા પડીશું તો ગાડી ઊપડી જશે !

પૂર્ણેન્દુ : દાદાજી, ગાડી તો નવા વાગ્યે ઊપડે છે. હજી તો સાત વાગ્યા છે ! ઉતાવળ કરવાનો શો અર્થ ?

દાદાજી : ભલે…. અમારા ઘરડાંઓનો જીવ અધીરીયો હોય ! હું સેવા-પૂજા પતાવી લઉં ત્યાં સુધીમાં તું તૈયાર થઈ જા !

યામા : હું દાદાજીને સ્ટેશન મૂકવા નહીં આવું. એમનાથી જુદા પડવાની હિંમત મારામાં નથી ! દાદાજીને કેટકેટલું મનાવ્યા કે હવે પુત્રવધુ તરીકે હું ઘરમાં આવી છું તો નિરાંતે ‘ગોવિંદ ગુણ’ ગાઓ, પણ દાદાજી તો એક જ વાત પકડીને બેસી ગયા છે કે હું બાકીનું જીવન હવે વતનમાં ગુજારવા ઈચ્છું છું !
(રડવાનો અભિનય)

પૂર્ણેન્દુ : તારી લાગણી હું સમજી શકું છું, યામા! તું તો દાદાજીને મારાં કરતાં પણ વધુ વહાલી છે. એમ ભાંગી પડીશ તો દાદાજી પણ દુ:ખી થઈ જશે. જા, અંદર જઈને પાણી પીને સ્વસ્થ થા અને દાદાજીનો સામાન તૈયાર કર.
(યામા અંદર જાય છે. દાદાજી બહાર આવે છે.)

દાદાજી : પૂર્ણેન્દુ ! આજે દેવસેવા જલદી પતાવી નાખી. જતાં-જતાં તને એક વિનંતી કરવાની છે, દીકરા!

પૂર્ણેન્દુ : અરે દાદાજી ! એ શું બોલ્યાં? આપે વિનંતી કરવાની હોય? આપનો આદેશ હું હંમેશા માથે ચઢાવતો આવ્યો છું ! કહો, દાદાજી !

દાદાજી : (પૂર્ણેન્દુના માથે હાથ ફેરવતાં) દીકરા ! યામા થકી આપણા ઘરનું બારણું ઉઘાડું છે. યામા જેવી સંસ્કારી અને ચારિત્ર્યવાન પત્ની તને મળી એનો મને ખૂબ-ખૂબ આનંદ છે. મારી ગેરહાજરીમાં તું યામાને દૂભવતો નહીં ! યામા મા વગરની છોકરી છે. મા હોય તો દીકરી સુખ-દુ:ખની વાત એની આગળ કરીને હૈયુ ઠાલવે. આપણે ઘરે એના પિતાએ એક જ વિશ્વાસે મોકલી છે કે એ સુખી થશે. આપને એને સુખી જ રાખવી જોઈએ, બેટા!

પૂર્ણેન્દુ : દાદાજી ! આપ તો સાક્ષાત્ દેવતા છો ! સૌ પ્રત્યે દુઆ વરસાવવી એ જ આપનું કાર્ય છે. હું આપને વચન આપું છું કે હું આપની ગેરહાજરીમાં યામાને લેશમાત્ર નહીં દૂભવું.
(યામા એકાએક દોડી આવે છે. બેઠેલા દાદાજીના પગ પકડી લે છે.)

યામા: દાદાજી….દાદાજી ! આ પાપિણીને તમે માફ કરો. મારા અપમાનને મૂંગે મોઢે સહન કરતા રહ્યા, છતાં ય હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો. મારો માર્ગ મોકળો કરવા હ્રદય પર પથ્થર મૂકી તમે પૂર્ણેન્દુને છોડીને ગામડે એકલા રહેવા તૈયાર થયા, અને જતાં-જતાં ય મારા વિશે કશી ફરિયાદ કરવાને બદલે, મારાં વખાણ કરીને મને સારી રીતે રાખવાની ભલામણ કરી રહ્યા છો. વાહ….દાદાજી ! વાહ ! તમે કેટલા વિરાટ છો અને હું કેટલી વામણી !

હવે હું તમને એક પળ માટે ય ક્યાંય નહીં જવા દઉં ! તમને જાકરો આપ્યો, એ તમારી પુત્રવધૂ હતી. તમને દીકરીએ તરીકે વિનવણી કરી રહી છું, દાદાજી ! મારે માથે હાથ મૂકી મારા ગુના માફ કરો, દાદાજી !

પૂર્ણેન્દુ : દાદાજી ! તમે કેમ કશું બોલતા નથી? આંખો ખોલો, દાદાજી !

યામા : દાદાજી ! મારે માથે હાથ મૂકો, દાદાજી !
(યામા હાથ ઊંચો કરવાની કોશિશ કરે છે. હાથ નિશ્ચેતન લાગતાં ચીસ પાડી ઊઠે છે.)

યામા : પૂર્ણેન્દુ….પૂર્ણેન્દુ ! દાદાજી બોલતા નથી… દાદાજીને શું થઈ ગયું છે? દાદાજી ! તમારી યામા…. તમારી દીકરી તમને બોલાવે છે…. દાદાજી ! ફકત એક વાર, બસ, એક વાર કહો કે તારા સઘળા ગુના માફ કરું છું.

પૂર્ણેન્દુ : દાદાજી ! આ અનાથ પૂર્ણેન્દુને રડતો મૂકીને તમે કયાં ચાલ્યા ગયા?

(નેપથ્યમાં ગીત)
અમે રે પ્રવાસી અણદીઠ ભોમના,
      અટવાયા ભવરણ માંહ્ય જી;
વાટ જડે નહીં ગામની,
      દીસતી ક્યાંય નથી છાંય જી. અમે રે…..
પંથ લાંબો ને ભાથું ખૂટ્યું,
      જળવિણ કંઠ શોષાય જી;
હાથ ગ્રહો ને અલબેલડા,
      હવે નથી હૈયે હામ જી. અમે….
કૉમેન્ટ્રેટર : દાદાજી કદી મરતા નથી, દાદાજી કદી મરશે નહીં. જ્યાં-જ્યાં નિર્મળ લાગણી અને ક્ષમાશીલ હ્રદય છે, ત્યાં દાદાજીનો વાસ છે.

[ પડદો પડે છે.]
[સમાપ્ત]