જીવનઘડતરની વાતો – મુકુન્દ પી. શાહ

[1] મૌનનું મહત્વ સમજો

મૌનનું મહત્વ ઘણું છે એની પ્રતીતિ આપણામાંના ઘણાને હોતી નથી. બિનજરૂરી ગપ્પાં મારવામાં તેમજ વાદવિવાદમાં આપણે આપણી શક્તિ અને સમય વેડફી નાખીએ છીએ. મૌન રહેવાથી શાંતિ અને શક્તિ મળે છે તેમજ માનસિક અને શારીરિક આરામ પણ મેળવી શકીએ છીએ. મૌનની શક્તિને વ્યક્ત કરવાનું સામર્થ્ય શબ્દોમાં નથી. મૌન એ શક્તિનો અખૂટ ભંડાર છે – એવો ભંડાર કે તમે એમાંથી જેટલું ખરચો એનાથી અનેકગણું મેળવી શકો. જાણીતા વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનું કથન છે કે ‘દિવસમાં એક કલાક મૌન રહી હું વગર સૂએ પણ ચોવીસ કલાક કામ કરી શકું છું. કેટલાય દિવસો સુધી મેં કામના ઢગલા વખતે આ પ્રમાણે કર્યું છે. ગણિતની દષ્ટિએ એક કલાકનું આસક્તિ વગરના મનવાળું એકાંત મૌન બરાબર સાત કલાકની ગાઢ નિદ્રા.’

ચીનનો એક બાદશાહ સઘળાં તીર્થસ્થાનમાં જઈ આવ્યા પછી ત્યાંના સંત કોન્ફ્યૂશિયસ પાસે ગયો અને દુ:ખી અવાજે કહ્યું : ‘મહર્ષિ, જીવનનાં ત્રીસ વર્ષ તીર્થધામોમાં ગાળવા છતાં મને આનંદની પ્રાપ્તિ થઈ નથી. થાકીને આપની પાસે આવ્યો છું. મને માર્ગ બતાવવા કૃપા કરો. મારું મન અત્યંત વ્યગ્ર છે. કોઈ માર્ગ નહિ મળે તો હું આત્મહત્યા કરીશ.’ સંત કોન્ફ્યૂશિયસે પોતાના શાંત હાસ્ય સાથે કહ્યું : ‘રાજન ! અત્યારે હું કામમાં છું. તમે પંદર દિવસ પછી આવજો. હું તમને આનંદના સાગરકિનારે લાવી મૂકીશ. પણ એક શરત છે. આ પંદર દિવસ તમારે એકાંતમાં રહી મૌન પાળવું પડશે.’ રાજાને સુખ અને શાંતિ માટે સાચી લગની હતી એટલે તેણે એ પ્રમાણે કર્યું અને પંદર દિવસ પછી તે સંત પાસે ગયો અને પ્રશ્ન પૂછવાને બદલે બોલ્યો : ‘તમારી શરત મુજબ એકાંતમાં મૌન પાળવાથી જ હું અગાધ આનંદસાગરને કિનારે આવી પહોંચ્યો છું. હું ધન્ય બની ગયો છું. સો તીર્થએ મને જે સુખ ન આપ્યું તે મને માત્ર સો પ્રહરના મૌને આપ્યું છે.’

મૌનાવસ્થામાં આપણી સઘળી પ્રવૃત્તિઓ અંતર્મુખી બને છે. એનો નાશ થતો નથી. એ પ્રાણના ઝરામાં જઈ નવજીવનના ઘૂંટ પીવા પડે છે. પ્રવૃત્તિઓ બહિર્મુખી હોય છે ત્યારે આપણને ક્ષીણ કરે છે અને અંતર્મુખી હોય ત્યારે પોષણ મેળવીને બળવાન બનાવે છે.

[2] સ્નેહપૂર્ણ વ્યવહાર

આ પૃથ્વી પર એવી કેટલીક વસ્તુઓ છે, જે મેળવવા માટે પૈસા ખર્ચવા પડતા નથી અને જેના ઉપયોગથી પૈસો જે કામ કરી શકતો નથી તે કામ તે કરી શકે છે. એમાંની એક છે સહાનુભૂતિ. તમારા કોઈ સંબંધીની તબિયતના સમાચાર પૂછવા તમારે હોસ્પિટલમાં જવાનો પ્રસંગ આવે ત્યારે દરદીની તબિયત અંગે શાંતિથી પૂછપરછ કરો. તેની વાત સહાનુભૂતિથી સાંભળી તેને આશ્વાસનના બે શબ્દો કહેશો તો તેને એટલું બધું સારું લાગશે કે વાત જ ન પૂછો. પોતાના પ્રત્યે હમદર્દી દાખવનાર પણ કોઈ છે એ વાતની પ્રતીતિ સામી વ્યક્તિને થતાં જ એ તમારા પ્રત્યે આદરની લાગણી અનુભવશે. હા, સહાનુભૂતિના શબ્દોમાં દંભ કે દેખાડો ન હોવો જોઈએ.

તમારે સૌનો પ્રેમ જીતવો હોય તો તમે ટીકાકાર બનશો નહિ. ટીકાકાર બનતા પહેલાં તમારી જાતને પૂછજો કે મારી અંદર કશી જ નબળાઈઓ નથી ને ? જો તમે સંપૂર્ણ ન હો તો બીજાના દોષ જોવાનો તમને અધિકાર નથી. અને ધારો કે તમે દોષરહિત છો તો પણ અન્યની ટીકા કરતા રહેવું એ ઈચ્છનીય નથી. એમ કરવાથી તમે વધુ ને વધુ અળખામણા બનતા જશો.

જગતમાં આપણે બધા જ માનવીઓ છીએ અને માનવતા પણ જગતમાં રહેલી છે. તો પણ આપણામાંના ઘણા જણ એકબીજાથી ભય પામીએ છીએ. જાણીતા વિચારક અને લેખક સત્યકામ વિદ્યાલંકારનું કહેવું છે કે ‘માનવી એકબીજાનો ડર રાખે છે એના કારણ માટે તમે કદી વિચાર્યું છે ખરું ? જગત આપણા સૌને માટે છે અને આપણે સૌએ આપસમાં એકબીજાને મિત્ર સમજવા જોઈએ અને એકબીજાને ચાહવા જોઈએ. આ જગત અત્યંત વિશાળ છે. એમાં હસવા, ખેલવા માટે પૂરતો અવકાશ છે. તો પણ આપણે કેટલા વિચિત્ર છીએ ? જ્યારે આપણે કોઈ વ્યક્તિને પસંદ કરતા નથી ત્યારે બીજાઓ સમક્ષ એ વ્યક્તિ વિશે ખરાબ બોલવા માંડીએ છીએ. જો કોઈ વ્યક્તિ આપણા જેવી નથી હોતી તો તેનું સૌથી મુખ્ય કારણ એ છે કે આપણે પણ તેમના જેવા નથી હોતા. એ બધી વાતો જવા દઈએ પણ આખરે તો આપણે બધા માનવી તો છીએ ને ?’

આપણે એકબીજાને સારી રીતે ઓળખવા જોઈએ. અધિક સહિષ્ણુ બનવું જોઈએ. અધિક ઉદાર, વધુ સહાયક અને લેવા કરતાં આપવાની ટેવ પાડવી જોઈએ. આપણે એકબીજાને મદદરૂપ બની શકીએ એવી ટેવ પાડવી જોઈએ. એકબીજાને પ્રેમ કરી શકીએ અને એકબીજાના જીવનને વધુ સુંદર બનાવી શકીએ એવો વર્તાવ રાખવો જોઈએ.

તમે તમારા ઘરથી જ શરૂઆત કરો અને તેનું પરિણામ જુઓ. તમારા કુટુંબની પ્રત્યેક વ્યક્તિને પ્રેમથી ચાહવા લાગો. તેમની વાત શાંતિથી સાંભળો. તેમને કોઈ અગવડ હોય, કોઈ દુ:ખદર્દ હોય તો સહાનુભૂતિ વ્યકત કરો. તેમને આશ્વાસન આપો. દુ:ખ-દર્દમાંથી તેમનો છુટકારો અવશ્ય થશે જ એવી આશા આપો. તમારા એવા પ્રેમાળ વર્તાવથી તમારું કુટુંબ તમને હૃદયથી ચાહવા લાગશે. આ જ પ્રમાણેનો વર્તાવ તમારા મિત્રમંડળમાં કરજો. તમારા આશ્ચર્ય વચ્ચે તમે જોશો કે એમ કરવાથી તમારું મિત્રમંડળ ઝડપથી વધવા માંડશે. તમને તેઓ હૃદયથી ચાહશે. તમારો આદર કરશે અને તમને આવકારશે. તમે જો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખશો તો અન્ય પણ તમારા પ્રત્યે એવો જ ઉમદા વ્યવહાર રાખશે એમાં શંકાને સ્થાન નથી. આ જગત તમે માનો છો એટલું ખરાબ નથી. ઠેરઠેર ભલમનસાઈ, માનવતા પડેલી છે જ એ તમે ક્યારેય ભૂલશો નહિ. તમારો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર એ માનવતાને જાગ્રત કર્યા વિના નહિ રહે. અને જાગ્રત માનવતા શું નથી કરી શકતી એ જ પ્રશ્ન છે. માનવતા જેવો બીજો કોઈ ધર્મ નથી. માનવતા અને સ્વર્ગને છેટું નથી. સ્વર્ગીય સુખ ઈચ્છનારે સાચા માનવી બનવું જ પડે.

[3] સમયનું મહત્વ ઓછું આંકશો નહિ

પૈસા-દોલત એ કીમતી ધન નથી પણ સમય સૌથી કીમતી ધન છે એ વસ્તુ તમે હંમેશાં યાદ રાખો. સમયસર કરેલાં કામ જ ઊગી નીકળે છે. સમય વીતી ગયા પછી કામનું ફળ મળતું નથી. કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે નિશ્ચિત સમયે ન કરવામાં આવે તો તેનું પરિણામ સારું આવતું નથી.

યુરોપનો વિજેતા નેપોલિયન સમયની કિંમત સુપેરે સમજતો હતો અને તે યુદ્ધ જીતવામાં અનુકૂળ સમયને ધ્યાનમાં રાખી સંગ્રામ ખેલતો અને તેને વિજય જ હાંસલ થતો. અંતિમ યુદ્ધ વેળા તે યોગ્ય સમય ચૂકી ગયો અને વોટરલૂના મેદાનમાં તેણે અને સેનાપતિ ગ્રાઉચીએ થોડી મિનિટનું મોડું કર્યું અને પરિણામે બાજી પલટાઈ ગઈ. વિજેતા બનવાને બદલે તે પરાજિત બની ગયો.

કેટલીક વખત તક સામે આવીને ઊભી હોય છે પરંતુ એ વખતે લાંબો વિચાર કરવા રહો, અન્યની સલાહ લેવા જવાનું તમે વિચારો, કોઈ હા પાડે અને કોઈ ના પાડે ત્યારે દ્વિધા અનુભવો અને કોઈ એક ચોક્કસ નિર્ણય પર ન આવી શકો તો હાથમાં આવેલી એ તક સરી પડે છે અને કેટલીક વાર તો જીવનમાં એવી તક ફરી સાંપડતી નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જશો નહિ. વિશ્વના મહાન પુરુષો સમયની કિંમત સારી પેઠે જાણતા હતા અને તેમને મળતી પ્રત્યેક ક્ષણોનો તેમણે સદઉપયોગ કર્યો છે. પૂજ્ય ગાંધીજીનું જ દષ્ટાંત લઈએ તો તેઓ સમયનું મહત્વ સારી પેઠે સમજતા હતા. થોડાં જ વર્ષોમાં તેમણે ભારતની જે કાયાપલટ કરી તેનું એક કારણ એ પણ હતું કે તેઓ એક પણ ક્ષણ નકામી જવા દેતા નહોતા.

નોંધી રાખો કે જે સમયસર કરવામાં આવે છે તે ઉત્સાહ તથા ઉલ્લાસની સાથે પૂરું થાય છે. દિવસો સુધી કામ મુલતવી રાખવાથી તે એક ભારરૂપ બની જાય છે. અને તે ઉકેલવામાં શક્તિ તેમજ સમય ખર્ચાય છે. જે લોકો તેમને સોંપેલા કાર્ય અંગે એમ કહે કે ‘થોડા સમય પછી હું તે જરૂર કરીશ.’ તો માની લેવું કે તે કામ તેઓ ક્યારેય સમયસર કરશે જ નહિ. યોગ્ય સમયે જો બી વાવવામાં આવે તો જ તેનું સંતોષકારક પરિણામ આવે છે, તેવી રીતે યોગ્ય સમયે કરેલું કામ સારી રીતે ફળે છે.

યુરોપ વગેરે સ્થળે જે જે મહાન સમ્રાટો થયા તે બધા વહેલા ઊઠીને કાર્ય કરતા હતા. રશિયાનો પીટર ધી ગ્રેટ હમેશાં અંધારામાં જ પથારીનો ત્યાગ કરતો હતો. એ કહેતો હતો કે જે રીતે બની શકે તે રીતે મારી જિંદગી હું લંબાવવાનું ઈચ્છું છું. એ માટે હું ઊંઘવાનો સમય ઓછો કરું છું. નેપોલિયન તેનાં યુદ્ધોની યોજના પ્રાત:કાળે જ ઘડતો હતો. જર્મનીનો પ્રસિદ્ધ સમ્રાટ આલ્ફ્રેડ ધી ગ્રેટ પણ વહેલો ઊઠી જતો હતો. આ બધા મહાનુભાવો સમયનું મૂલ્ય સમજતા હતા. એક વિદ્વાનનું કહેવું છે કે : ‘તમારા સમયનો પૂરેપૂરો ઉપયોગ ન કરવાનું તમને વારંવાર મન થશે પણ ક્યારેય એવા મનને તાબે થશો નહિ. જે કામ કરવાનું હોય તે તુરત જ કરી નાખો અને એ કરી લીધા પછી જ આરામનો વિચાર કરો. એ સિવાય એનો વિચાર ન કરો.’ ‘આ કામ કાલે કરીશું’ એમ તો તમે કદી વિચારશો જ નહિ, કેમ કે ‘કાલ’ કદી આવતી જ નથી. સાચું જ કહ્યું છે કે, ‘આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે.’

જે માનવી સમયનું મૂલ્ય સમજે છે, તેઓ કોઈ પણ કાર્યમાં એક મિનિટ જેટલું પણ મોડું કરતા નથી. તમે પણ સમયનું મૂલ્ય સમજો અને સુખી થાઓ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વેબનું લોકાર્પણ – યોગેશ કામદાર અને ડૉ. હરેશ કામદાર
ડાંગ ડાયરી – બીરેન કોઠારી Next »   

15 પ્રતિભાવો : જીવનઘડતરની વાતો – મુકુન્દ પી. શાહ

 1. nayan panchal says:

  જીવનપયોગી લેખ.

  1] મૌનનું મહત્વ સમજો

  મૌન રહેવાની સાથે મનુષ્યે પોતાના સઘળા વિચારોને પણ બ્રેક મારી દેવી જોઈએ. આજના સમયમા મૌન અને એકાંત થોડા દુર્લભ બની ગયા છે. જો માણસ આ બંને નિયમિત રીતે માણે તો પછી પૂછવુ જ શું!!!

  [2] સ્નેહપૂર્ણ વ્યવહાર

  Sympathy is what we give to our relatives when we don’t want to lend them CASH. (just kidding)

  “તમારે સૌનો પ્રેમ જીતવો હોય તો તમે ટીકાકાર બનશો નહિ. ટીકાકાર બનતા પહેલાં તમારી જાતને પૂછજો કે મારી અંદર કશી જ નબળાઈઓ નથી ને ?” If you judge people, it becomes difficult to love them.

  સાચી વાત છે, જ્યારે આપણે કોઈના તરફ એક આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની આંગળીઓ આપણા ખુદના તરફ હોય છે. (મારૂ observation છે કે અંગૂઠો ભગવાન તરફ હોય છે.)

  “…અન્યની ટીકા કરતા રહેવું એ ઈચ્છનીય નથી. એમ કરવાથી તમે વધુ ને વધુ અળખામણા બનતા જશો.” ખોટી પ્રશંસા પણ કરવી નહી (સિવાય કે તમે માર્કેટિંગ વિભાગમાં હોવ)

  ર્નિદંભ સહાનુભૂતિ ખરેખર સામેવાળાને મદદરૂપ થાય છે. આપણે કોઈનુ દુઃખ તો લઈ શકવાના નથી, પણ તેમને સહાનુભૂતિ જરૂર આપી શકીએ છીએ.

  [3] સમયનું મહત્વ ઓછું આંકશો નહિ

  Time and Tide wait for NONE. દરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે અને ઈચ્છનીય છે કે તે યોગ્ય સમયે જ થાય. માણસે દરેક ક્ષણનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ.

  Take care of the minutes and the hours will take care of themselves.

  નયન

 2. ભાવના શુક્લ says:

  બન્ને લેખ કૈક સમાન વાત કહિ જાય છે. મૌન રહેનાર ને સમય નુ મહત્વ આપોઆપ સમજાય અને સમય નો સુરુપયોગ મૌન ના ફાળાને નકારી ના શકે. દિવસ મા થોડીક ક્ષણો પણ મૌન રહી એટલોજ હીસાબ માંડીએ કે આજ ના દિવસનો ક્યો સમય શા મા ફાળવાયો અને ક્યા સુધાર કે પરિવર્તનની જરુર છે તો બીજા જ દિવસથી જીવનના તમામ ગણતરી બદલાય જાય.
  ઈસ્યુ ત્યા જ છે કે સમજે છે તેને આ બધુ કહેવાની જરુર જ નથી અને જે નથી સમજતા કે સમજવા માગતા તેમના માટે તો કોઇ લિપિ જ નથી. થોડા દિવસ પહેલા પાડોશ મા ઘરમા નળમા આવતા ગરમ પાણીનો પ્રશ્ન થયો…બસ મારા ઘરે આવીને કકળાટ માંડ્યો. મે કશુ ના કરતા મેન્ટેનન્સમા ફોન કર્યો અને મેન્ટેનન્સ માથી એક વ્યક્તિ તુરત જ આવ્યો તો પ્રશ્ન શુ છે તે કહેવા સમજાવવા ને બદલે આન્ટીએ શરુ કરી તેમની રામાયણ અને વાંક દેખાડૉ એટલા જોર શોરથી શરુ કર્યો કે ભાઈ બસ… પેલો માણસ સાંભળીને ચાલ્યો ગયો. પુરુ!!!! પ્રશ્ન હલ ના થયો અને આન્ટીને જાણે તેમની વાતો ની સત્યતા માટે મહાન સાબીતી મળી ગઈ. લગભગ તેમના ઓળખિતા પાળખીતા દરેક ને ખબર પડી કે તેઓ કેટલી મહાન મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ના ખબર પડી બસ પેલા માણસને જે પ્રશ્ન નુ ખરુ નિરાકરણ લાવી શકતો હતો. હવે આ આન્ટીને રિડ ગુજરતી પર આ લેખ વાચવાનુ કહેવુ તે ભેસ આગળ ભાગવત જેવુ છે. શુ કરી શકિયે!!!

 3. Hiral Thaker "Vasantiful" says:

  ત્રણે મુદા ખુબ જ સરસ છે.

  જરુર ન હોય ત્યારે મૈન રહો, જ્યારે બોલો ત્યારે સહાનુભુતિથી બોલો અને સાચા સમયે બોલો (આમાંય સમય નુ મહત્વ તો ખરુ જ ને!). ક્યારેક ખોટા સમયે બોલાયેલા શબ્દો કોઇની લાગણી ને દુભાવી શકે છે.

 4. Maharshi says:

  સમય ફાળવીને ધન્યવાદ આપી દવ ખુબ સરસ વિચારો…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.