ડાંગ ડાયરી – બીરેન કોઠારી

[‘નવનીત સમર્પણ’ મે-08 માંથી સાભાર.]

[ગાંધીના ગુજરાતનું ગિરિમથક]

dview1હજી આજેય જ્યાં દીપડાઓ માનવ પર અને માનવો દીપડા પર હુમલા કરે છે, વાઘનું અસ્તિત્વ આ વિસ્તાર પૂરતું નામશેષ થઈ ગયું છે, છતાં વાઘદેવ તરીકે તેની પ્રતિમાનું સ્થાપન દરેક ગામની બારીએ (એટલે કે પ્રવેશદ્વારે યા પાદરે) જોવા મળે છે, એવો ગુજરાતમાં આવેલો પ્રદેશ એટલે ડાંગ. ડાંગ જિલ્લાના કુલ 1,778 ચો.કિ.મી. વિસ્તારમાંથી 1,708 ચો.કિ.મી.નો વિસ્તાર તો જંગલમય છે, છતાં મોટા ભાગના સામાન્ય પ્રવાસીઓનો ડાંગ સાથેનો પરિચય કેવળ સાપુતારા પૂરતો છે અને બિનપ્રવાસીઓનો પરિચય આહવા પૂરતો.

1960માં મહાગુજરાતની રચના પછી સાપુતારા ગુજરાત રાજ્યમાં જ રહે અને અન્ય પાડોશી રાજ્ય તેને પડાવી ન જાય એ માટે ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયકે જે કામ કર્યું તેની ભાગ્યે જ નોંધ લેવાઈ છે. બહુ રસપ્રદ વાતો છે એ બધી. પણ દુ:ખની વાત એ છે કે સાપુતારા ગુજરાતને મળ્યું એ પછી તેનો જોઈએ એટલો લાભ ગુજરાત લઈ શક્યું નથી. આ જ રીતે આબુ રાજસ્થાનના ખોળામાં સરકી ગયું, ત્યાર પછી પ્રવાસન ધામ તરીકે થયેલો તેનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. (ગુજરાતીઓ ત્યાં જઈ જઈને કંટાળી ગયા છે, છતાં દર વરસે ત્યાં વધુ ને વધુ કંટાળવા માટે જાય છે.) તેની સરખામણીમાં સાપુતારા વિકાસમાં હજી પા પા પગલી ભરે છે એમ કહી શકાય. પ્રવાસીઓ અહીં આવે છે, રોકાય છે. પણ હજી તેઓ જોઈએ એવી મજા માણી શકતા નથી. એક જ વારમાં તેઓ અહીં કંટાળી જાય છે. નાશિક અને શિરડીના માર્ગે આવેલું હોવાથી ગુજરાતથી આવતા મોટા ભાગના લોકો શિરડી જતાં જ વચ્ચે સાપુતારા થોભે છે. ખાસ સાપુતારા માટે બહુ ઓછા લોકો આવે છે. ડાંગ જેવા અતિશય રમણીય પ્રદેશમાં આવેલું હોવા છતાં સાપુતારાની હાલત આવી કેમ ?

ખેર ! અન્ય કોઈ પણ ગિરિમથકની જેમ સાપુતારામાં પણ સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, બોટિંગ થઈ શકે એવું સરોવર વગેરે છે. આમ છતાં સાપુતારા ગયા પછી ખરી મજા છે સાપુતારા છોડીને આસપાસના પ્રદેશમાં ફરી વળવાની. અનેક લાક્ષણિકતાઓથી ભર્યો ભર્યો આ પ્રદેશ.

[સંપ્રદાયની બેન્ક દ્વારા લાલચની લોન]
વિકાસની દષ્ટિએ પ્રમાણમાં પછાત ગણાતો ડાંગ જિલ્લો કુદરતી સંપત્તિની દષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. સાગ, સાદડ, વાંસ, મહુડો, આંબા વગેરેનાં વૃક્ષો તો ઠેર ઠેર દેખાય, એ ઉપરાંત અનેક ઔષધીય વનસ્પતિઓનો ભંડાર અહીંનાં જંગલોમાં છે, જેને ખુલ્લી પડેલી તિજોરી સાથે સરખાવી શકાય. અહીંનાં ગામડાંઓમાં રહેતા આદિવાસી લોકો સારવાર માટે કોઈ દવાખાને જવાને બદલે ‘ભગત’ (ભૂવા) તરીકે ઓળખાતા સ્થાનિક વૈદને ત્યાં જવાનું પસંદ કરે છે. ભગત વન્ય ઔષધિઓના જાણકાર મનાય છે અને તેઓ મંત્રોચ્ચાર સાથે દરદીઓનો દેશી પદ્ધતિએ ઈલાજ કરે છે. આવા એક પ્રસિદ્ધ ભગતને ત્યાં તો સુરત, વલસાડ જેવાં શહેરોમાંથી પણ લોકો આવે છે. લાકડાના મોટા બોક્સની બહાર ફક્ત માથું રહે તે રીતે દરદીને બોક્સમાં બેસાડીને તેના શરીરે વિવિધ ઔષધિઓની ધૂણી વરાળની સાથે (સ્ટીમ બાથની જેમ) આપવામાં આવે છે. કોઈ જાદુગરના મેજિક બોક્સ જેવો દેખાવ લાગે ! આ ભગતોની સહકારી મંડળીઓ બનાવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે, જેમાં આંશિક સફળતા જ મળી રહી છે, કેમ કે અમુક ભગતો પોતાનું ટ્રેડ સીક્રેટ ખુલ્લું કરવા રાજી નથી.

અહીંના ગ્રામજનો ખાસ તો, ભૌતિક રીતે પછાત હોવાને કારણે વરસોથી વિવિધ ધર્મોના પ્રચારકોનું આકર્ષણ બની રહ્યા છે. ખ્રિસ્તી મિશનરીઓ ઉપરાંત મોક્ષમાર્ગી, જૈન, સ્વામિનારાયણ વગેરે પંથના અનુયાયીઓનાં આખેઆખાં ગામ અહીં જોવા મળે છે. વરસો અગાઉ ધર્માંતર કરીને વિધર્મી બનેલા લોકોને હવે પાછા પોતાના મૂળ ધર્મમાં લાવવાના પ્રયત્નો જોરશોરથી થઈ રહ્યા છે. પોતે અપનાવેલો સંપ્રદાય ગમે તે હોય, આદિવાસીઓ પોતાની અસલી, સદીઓ જૂની પરંપરાઓને હજીય વળગી રહ્યા છે. જેમ કે, દરેક ગામને પાદરે પથ્થરની યા લાકડાની એક પ્રતિમા અવશ્ય જોવા મળે, જેમાં સૂર્યદેવ, ચંદ્રદેવ, મોરદેવ, વાઘદેવ અને નાગદેવ કોતરેલા યા દોરેલા જોવા મળે છે. આ પાંચ દેવો અહીંના પર્યાવરણના મુખ્ય હિસ્સારૂપ હોવાથી ભારે શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. દર વાઘબારસે આ પ્રતિમાનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ક્યારેક ગામ પર કશી પ્રાકૃતિક આફત આવે ત્યારે દેવને કોઈએ છેડ્યા હશે એમ માનીને દેવને બલિ ચડવીને રાજી કરવામાં આવે છે. જેમ કે, ક્યારેક કોઈ દીપડો ગામના ઢોરઢાંખર પર હુમલો કરે ત્યારે વાઘદેવ રૂઠ્યા હશે એમ મનાય છે. વાઘદેવ રીઝેલા હોય તો ચરતાં પશુઓની બાજુમાંથી પસાર થવા છતાં દીપડો તેમને કાંઈ કરતો નથી, એમ દઢપણે મનાય છે. વીસ-પચીસ વર્ષ અગાઉ અહીં વાઘ હતા, પણ હવે તો વાઘ ‘લુપ્ત પ્રજાતિ’માં કમસે કમ આ વિસ્તાર પૂરતા આવી ગયા છે. દીપડા હજીય અવારનવાર પોતાની હાજરી પુરાવી જાય છે. દીપડાને મારી નાખવાના બનાવો પણ છૂટાછવાયા બનતા રહે છે, જેના માટે મોટે ભાગે તેમની ચામડી, નખ વગેરેનો વેપાર કરતી ટોળકીઓ જવાબદાર હોય છે.

[બોરડી ઝૂડવાની મજા]
ડાંગની મૂળ પ્રજા ભીલ ઉપરાંત અહીં કુનબી, વારલી, કુકણા, ઢોડિયા, ચૌધરી, હળપતિ જેવી જાતિઓના લોકો પણ વસેલા છે. અસલમાં ડાંગમાં કુલ પાંચ ભીલ રાજાઓ હતા, જેઓ લીંગા, વાસુરણા, દહેર, ગાડવી અને પિંપરી ગામમાં રહેતા હતા. હજી આજેય વરસે એક વાર ભરાતા ડાંગ દરબારમાં આ રાજાઓ હાજરી આપે છે, પણ તેમની પાસે કશી સત્તા કે મતા નથી. શબરી આ જ પ્રદેશમાંના ભીલ રાજાની કન્યા હતી. પોતાનાં લગ્ન નિમિત્તે થનારા સામૂહિક પશુવધને ટાળવા માટે તે ઘેરથી ભાગી ગઈ હતી. પંપા સરોવરની આસપાસના પ્રદેશમાં આવીને તે છુપાઈને રહેવા લાગી. આ પ્રદેશમાં વસતા ઋષિમુનિઓ પંપા સરોવરમાં સ્નાન કરવા આવે ત્યારે તેમની કેડીને વાળી ઝૂડીને તે સાફ રાખતી. તેની આવી સેવાથી પ્રસન્ન થઈને શબરીને આશીર્વાદ આપવામાં આવ્યા કે તારી આટલી ભક્તિ છે તો ભગવાન રામનાં અવશ્ય દર્શન થશે. ત્યારથી શબરીને રામદર્શનની લગની લાગી અને ભગવાનને પ્રસાદી તરીકે ધરવા માટે તે બોર એકઠાં કરવા લાગી. બોર જેવું જંગલી ફળ જ શાથી, બીજું કોઈ ફળ કેમ નહીં ?

આ પ્રશ્ન મનમાં ઊગે તો તેનો જવાબ મેળવવા માટે પંપા સરોવર તેમ જ શબરીધામ વિસ્તારમાં ચક્કર મારવાં પડે. અત્યંત જૂના, પુરાણાં બોરડીનાં કેટલાંય વૃક્ષો આ વિસ્તારમાં હજી આજેય અડીખમ ઊભેલાં છે, જેમનાં અત્યંત જાડાં થડ તેમની ઉંમરની સાહેદી આપે છે. આ બોરડી પર થતાં, સાવ લીલાં, કાચાં દેખાતાં બોરનો સ્વાદ એટલો મીઠો છે કે જાતે ચાખ્યા વિના તેને વર્ણવી ન શકાય. બોરડીના માલિકને વિનંતી કરતાં આપણા માટે તેઓ પોતાની બોરડી ઝૂડીને બોર ખંખેરી આપે. આવા બોર આ વિસ્તારમાં ક્યાંય વેચાતાં નથી મળતાં. સુબીર ખાતે આવેલા શબરીધામમાં પાંચ-છ વરસ અગાઉ શબરીમાતાનું મંદિર બનાવાયું છે. આ સ્થળે રામ, લક્ષ્મણ અને શબરી જે પથ્થર પર બિરાજ્યાં હતાં તે મૂળ પથ્થરોને ગ્રેનાઈટના ઓટલામાં જડી લેવામાં આવ્યા છે. આ મૂળ પથ્થરોને અહીંના લોકો વરસોથી પૂજતા આવ્યા હોવાનું મનાય છે. અહીં પ્રસાદી (ભોજન)ની વ્યવસ્થા પણ છે. ધર્માંતરની એક પ્રક્રિયા યા વિધિ તરીકે ઘણા ધર્માંતરિત લોકોનાં આંગણાંમાંથી વરસો જૂનાં બોરડીનાં વૃક્ષો કપાવી દેવાયાં હોવાનીય વાત જાણવા મળી. આ વાત સાચી હોય કે ખોટી, પણ જૂનાં, પુરાણાં બોરડીનાં કપાયેલાં ઝાડનાં થડ ઘણે સ્થાને જોવા મળે છે ખરાં.

[ભરોસાની ભેંસના પાડા]
મોટા ભાગની કહેવતો કાલાતીત હોવાનું મનાય છે, પણ તે સ્થાનાતીત હોઈ શકે ખરી ? ખેતી માટે તેમ જ ગાડે જોડવા માટે ડાંગમાં પાડાનો ઉપયોગ છૂટથી થાય છે. ચરોતર વિસ્તારની પ્રચલિત કહેવત ‘ભરોસાની ભેંસ પાડો જણે’નો ડાંગના લોકોને ક્યાંથી અર્થ સમજાય ? ડાંગના પર્વતીય પ્રદેશમાં મુખ્ય ખેતી નાગલીની છે. એ ઉપરાંત વરઈ, ખરસાણી, અડદ, તુવેર, ચણા, મગ તેમજ મગફળીનો પાક પણ લેવાય છે. એક એન.જી.ઓ. દ્વારા કાજુના વાવેતરના સફળ અખતરા પણ થઈ રહ્યા છે. ડાંગનું મુખ્ય ધાન નાગલી આજકાલ હેલ્થફૂડ તરીકે પ્રચલિત છે. રતાશ પડતા આ ધાનમાંથી હવે વિવિધ વાનગીઓ બનાવવાની રેસિપી કુકરી બુક્સમાં જોવા મળે છે. આ ટ્રેન્ડ વધતો રહ્યો તો બહુ જલદી ડાંગના લોકો માટે નાગલી દુર્લભ થઈ જશે, એવું અનુમાન સહેજે કરી શકાય. અત્યારે ડાંગના જંગલના વાંસ પર ફૂલો બેસવાની મોસમ છે. કાંટસ અને માનવેલ એમ બે પ્રકારનાં વાંસ મુખ્યત્વે ડાંગમાં જોવા મળે છે. માનવેલ પ્રકારના વાંસ નક્કર અને લંબાઈ તેમ જ કદમાં ટૂંકા છે, જ્યારે કાંટસ પ્રકારના વાંસ પોલા, પહોળા અને અતિશય લાંબા-ત્રીસથી ચાલીસ ફૂટ જેટલા હોય છે. કાંટસ વાંસમાં ચાલીસ વરસ પછી ફૂલો આવ્યાં છે. ખરેખર તો તેને ફળ કહી શકાય, નહીં કે ફૂલ. પણ સોનેરી પીળા રંગનાં આ ફૂલો આવે ત્યાર પછી વાંસનું મૃત્યુ થાય છે. વાંસનાં ઝુંડેઝુંડ ઊભાં ને ઊભાં જ સુકાઈને આપમેળે કુદરતી રીતે નષ્ટ થાય છે. આખા ડાંગમાં એકસાથે વાંસ પર ફૂલ આવવાને કારણે પર્યાવરણપ્રેમીઓ થોડા ચિંતિત પણ છે, કેમકે આટલા બધા વાંસ એક સાથે નષ્ટ થઈ જાય તો તેની જગા લેનારા નવા વાંસ ક્યારે પેદા થઈ રહે ? પણ સામાન્ય સંજોગોમાં પ્રકૃતિ પોતાનું સંતુલન જાળવી લેતી હોય છે. ડાંગમાં પણ તે જાળવી લેશે.

ડાંગમાં ઊગેલા વાંસનાં ઝુંડની જેમ અહીં વિવિધ પ્રકારની એન.જી.ઓનાં પણ ઝુંડ જોવા મળે છે, જેમનો મુખ્ય દાવો આદિવાસીઓના ઉત્થાનનો છે. અમુક એન.જી.ઓ તો એ હદની વિનમ્રતાથી ચૂપચાપ કામ કરે છે કે જેના ઉત્થાન માટે તેઓ કામ કરે છે એ લોકોને ખુદને તેના અસ્તિત્વની ખબર નથી. અમુક એન.જી.ઓ સુત્રો થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમનું નક્કર કામ શું છે તે શોધવા કરતાં તેમણે લખેલાં સુત્રો શોધવાં વધુ સહેલાં પડે તેમ છે.

[નેમ ઈઝ એવરીથિંગ]
ડાંગી બોલીમાં ઘણે અંશે મરાઠીની છાંટ વરતાય છે. અહીંનાં મોટા ભાગનાં ગામનાં નામોમાં ડાંગી બોલીના શબ્દો જોવા મળે છે. પાડા એટલે ફળિયું. તેના પરથી દેવીપાડા, નાનાપાડા, બારીપાડા વગેરે જેવાં ગામોનાં નામો છે. એ સિવાય પણ અમુક ગામનાં નામની ઉદ્દભવકથા રસપ્રદ છે. શિવારીમાળ ગામની આસપાસ શિવારીનાં લાલ ફૂલોનાં વૃક્ષોની હારમાળા છે. હારમાળાને ડાંગીમાં ‘માળ’ કહે છે. પાતાળ એટલે પાણીનો ઝરો અને સાકરા એટલે ચકલી. જે ગામ પાસે પાણીનો ઝરો છે અને ત્યાં ચકલી આકારના પથ્થરો હોવાથી ગામનું નામ પડ્યું સાકરપાતાળ ! કરંજનાં અસંખ્ય પુષ્પોના છોડ જે ગામની આસપાસ છે, એ ગામનું નામ કરંજડા ! નડગખાદી ગામનું નામ જરા વિશિષ્ટ છે, તેની કથા બહુ રસપ્રદ છે. વરસો અગાઉ અહીં રાતના નાટક ભજવાતું હતું, જેમાં એક માણસ રીંછનું ચામડું પહેરીને રીંછનો વેશ ભજવતો હતો. રીંછને ડાંગીમાં નડગ કહે છે. નાટકના આ રીંછ પર સાચુકલા વાઘે હુમલો કર્યો અને રીંછ બનેલા પેલા માણસને ખાઈ ગયો, એટલે ગામમાં બૂમ પડી, ‘એ…..નડગ ખાધી રે !’ (એટલે કે રીંછને ખાઈ ગયો.) ત્યારથી ગામનું નામ પડ્યું નડગખાદી. ડાંગીમાં સુસવર એટલે મગર. દેવીમાતાએ એક પ્રચંડકાય મગરરાક્ષસના બે ટુકડા કરી દીધા. મગરના ધડનો અડધો ભાગ જે સ્થળે પડ્યો તે ગામ સુસરદા એટલે કે સુસવર અરધા. (અર્થાત્ અડધો મગર.) આવું જાણ્યા પછી એમ લાગે કે માત્ર ડાંગના જ શા માટે, આપણા વિસ્તારનાં ગામોનાં નામની ઉદ્દભવકથા પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.

[સૌંદર્યબોધ]
dview2 ડાંગ વિસ્તારમાં પડતા અતિશય વરસાદને કારણે તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય એમાં નવાઈ શી ? ડાંગની પાણીની સમસ્યા પણ ચેરાપુંજી જેવી જ હતી. પર્વતીય વિસ્તારને કારણે અહીં પાણીનો સંગ્રહ થઈ શકતો નહીં. અને સારામાં સારો વરસાદ થવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી પડતી. છેલ્લાં ચાર-પાંચ વરસમાં બનેલા ચેક ડેમ્સને કારણે ઘણે અંશે આ સમસ્યા હળવી થઈ છે.

ચોમાસામાં અહીં કેટલાય નાના-મોટા ધોધનું સૌંદર્ય માણી શકાય. વઘઈ નજીક આવેલો ગિરાધોધ સૌંદર્યની રીતે બેનમૂન, પણ અત્યંત જીવલેણ છે. અહીં સ્નાન કરવા માટે આવતા લોકો લલચાઈને ધુબાકા મારવા જાય છે અને ત્યાં જ તેઓ મોતને નોતરે છે. ધોધના નીચેના ભાગમાં પાણીના મારથી ધોવાઈને પોલા બની ગયેલા ખડકોનો ખ્યાલ ન હોવાથી મોટા ભાગના તેમાં ફસાઈ જાય છે અને મૃત્યુને ભેટે છે. આ ખડકો એટલા ખતરનાક છે કે ડૂબી ગયા પછી ચોવીસ કલાકે લાશ હાથમાં આવે તો એ વહેલી મળી ગણાય છે. હમણાં હમણાં ગિરાધોધના પ્રવેશમાર્ગે છેલ્લાં દસ વર્ષમાં અપમૃત્યુ પામેલાઓનાં નામની યાદી મૂકવામાં આવી છે તેમ જ એક ચોકિયાત પણ પહેરો ભરે છે. મગરથી સાવધાન રહેવાની સૂચનાઓ પણ લખાયેલી જોવા મળે છે. છતાં આટલી તકેદારી અપૂરતી હોય એમ લાગે છે. વણદીઠી ભોમકા પર પાંખ વીંઝવા જતું યૌવન સાવચેતીની સૂચનાઓને ધરાર અવગણે છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગનાં અપમૃત્યુ જુલાઈથી ડિસેમ્બરના સમયગાળામાં, જ્યારે પાણીનું વહેણ વધુ હોય ત્યારે જ થયેલાં છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન કોઈ મૃત્યુ નોંધાયેલાં નથી. 2006ના ઑક્ટોબરમાં ડૂબીને મૃત્યુ પામેલા સુરતના યુવાન અંકિત શ્રોફની સ્મૃતિમાં તેના પરિવારજનોએ એક ફાઉન્ડેશન સ્થાપીને વધુ દુર્ઘટનાઓ ન થાય તે માટે વિવિધ કાર્યવાહી હાથ ધરવાની યોજના બનાવી છે.

[એક ઐસે ગગન કે તલે]
ડાંગના પર્વતો સહ્યાદ્રિની પર્વતમાળાનો હિસ્સો હોવાથી અહીંના ખડકો અગ્નિકૃત પ્રકારના, અત્યંત કઠણ, ભૂખરા રંગના છે. માટી લાલાશ પડતી હોવાથી ડાંગના કોઈ પણ ગામડાનો લેન્ડસ્કેપ સેપિયા રંગના ફોટોગ્રાફ જેવો જણાય છે. કિલાદ નામના નાનકડા ગામની બાજુમાં અંબિકા નદીને કિનારે જંગલ ખાતા દ્વારા તંબૂઓ ઊભા કરાયા છે, જેમાં ખાસ કશી સુવિધા વિના રાત્રિરોકાણની મજા લઈ શકાય એમ છે. આ ઉપરાંત અહીંથી સાવ નજીક આવેલા નેશનલ પાર્કમાં પણ સ્થળ પર પરવાનગી મેળવીને પ્રવેશી શકાય છે. સ્પોટેડ ડિયર તરીકે ઓળખાતાં ટપકાંવાળાં હરણોનાં ઝુંડ અહીં નજરે પડી જાય છે. આ ઉપરાંત વિવિધ પક્ષીઓ પણ દેખા દે છે. કિલાદની કેમ્પ સાઈટ પાસે એક કેડી છે, જે ત્રણેક કિલોમીટર સુધી જંગલમાં દોરી જાય છે. સાગ, સાદડ, સીસમ, વાંસ, મહુડો વગેરે અનેક વૃક્ષોની ઓળખ અહીં અપાયેલી છે. એ જ રીતે વઘઈ પાસે આવેલો વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિશાસ્ત્રના અભ્યાસુ ઉપરાંત પ્રકૃતિમાં થોડોઘણો રસ ધરાવનાર માટે બહુ મહત્વનું સ્થળ છે. થોડી વધુ માહિતી મેળવવા ઈચ્છનારે નિરાશ થવું પડે એમ છે, કેમ કે ઉદ્યાનના પ્રવેશદ્વાર પાસે જ ગૌરવપૂર્વક જાહેરાત કરાતી હોય એમ લખ્યું છે કે ‘અહીં ગાઈડની વ્યવસ્થા નથી.’ ‘તું જ તારો પ્રકાશ બન.’ એવી પ્રાચીન ફિલસૂફીને અહીં બહુ સ્થૂળ રીતે વ્યક્ત કરાયેલી છે. આમ છતાં વનસ્પતિ ઉદ્યાનમાં મારેલું એક નિરાંતનું ચક્કર આપણા માટે એક નવીન વિશ્વ ખોલી આપે છે, એટલું નક્કી.

બિલિમોરા, વલસાડ, સુરત જેવા નજીકનાં શહેરોના લોકો માટે આ પ્રદેશ શનિ-રવિની રજા ગાળવાનું ઉત્તમ સ્થળ છે. અહીં રાત્રિરોકાણની સુવિધાઓ પ્રમાણમાં જૂજ છે. તેના વિશેની જાણકારી તો એથીય ઓછી છે. સાપુતારામાં આવેલા પ્રવાસન ખાતાના માહિતી કેન્દ્રને ખરેખર અનેક રીતે સજ્જ કરવાની જરૂર છે. સાપુતારાથી ફૂટીને સાવ નજીકમાં જ આવેલી ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પસાર કરીને નજીકના હતગડ ગામના રસ્તે સ્ટ્રોબેરીની ખેતી થતી જોવા મળે છે, અહીંથી સ્ટ્રોબેરી ખરીદી શકાય છે.

ડાંગનાં જંગલો કૃત્રિમ રીતે નષ્ટ કરાઈ રહ્યાં હોવા છતાં આ પ્રદેશમાં જે કંઈ બચી ગયું છે, સચવાયું છે એ જોતાં પ્રવાસન ધામ તરીકે તેનો વધુ વિકાસ થાય તેની રાહ જોવાને બદલે વરસમાં એકાદ વાર બે-એક આખા દિવસ માટે ડાંગ પ્રદેશમાં આવી જવા જેવું ખરું. પ્રવાસન ધામ તરીકે તેનો પુરજોશમાં વિકાસ થવા લાગશે તો અત્યારે છે એવી મજા પછી નહીં રહે એ પણ સાચું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનઘડતરની વાતો – મુકુન્દ પી. શાહ
નયણાં – વેણીભાઈ પુરોહિત Next »   

31 પ્રતિભાવો : ડાંગ ડાયરી – બીરેન કોઠારી

 1. pragnaju says:

  ડાંગની ખૂબ સુંદર માહિતી.હજુ ઘણી બાકી!શ્રી ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયકે કરેલી સેવાને સલામ

 2. nayan panchal says:

  “અમુક એન.જી.ઓ તો એ હદની વિનમ્રતાથી ચૂપચાપ કામ કરે છે કે જેના ઉત્થાન માટે તેઓ કામ કરે છે એ લોકોને ખુદને તેના અસ્તિત્વની ખબર નથી. અમુક એન.જી.ઓ સુત્રો થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમનું નક્કર કામ શું છે તે શોધવા કરતાં તેમણે લખેલાં સુત્રો શોધવાં વધુ સહેલાં પડે તેમ છે.” સત્ય કટાક્ષ.

  “કાંટસ વાંસમાં ચાલીસ વરસ પછી ફૂલો આવ્યાં છે.” વાંસને ફૂલ આવવાની cycle એકદમ નિયમિત છે, પરંતુ વૈજ્ઞાનિકોનુ અવલોકન એવુ છે કે જે વરસે વાંસને ફૂલ આવે છે તે વર્ષે હવામાન અત્યંત અનિયમિત હોય છે અને પૂર, દુકાળ જેવી કુદરતી આફત આવી શકે છે.

  “ડાંગની પાણીની સમસ્યા પણ ચેરાપુંજી જેવી જ હતી. પર્વતીય વિસ્તારને કારણે અહીં પાણીનો સંગ્રહ થઈ શકતો નહીં. અને સારામાં સારો વરસાદ થવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી પડતી.” કેટલી વિચિત્ર વાત છે કે આજે પણ ઉનાળામા ચેરાપુંજીમા પાણીની તંગી પડે છે.

  અત્યંત માહિતીસભર લેખ. ગુજરાત સરકાર પ્રવાસન વર્ષની ઉજવણી દરમિયાન આવા સ્થળોના વિકાસમા રસ દાખવે તો તે સાચી ઉજવણી થશે.

  નયન

 3. Nilesh says:

  ગયા વર્ષે અમે વેકેશન માટે સાપુતારા ગયા હતા. ખરેખર સુંદર અને રમણીય સ્થળ છે. ડાંગ જિલ્લામાં પણ થોડું ફર્યા હતા – ગામડાઓમાં ગયા હતા. આ એક સરસ અનુભવ હતો.

 4. Ritika Nanavati says:

  સરસ લેખ….

  ધન્યવાદ…

 5. ભાવના શુક્લ says:

  સુંદર રળીયામણી ડાંગ ની શબ્દ સફર સાચુકલી અનુભુતી જેવી જ છે. ગામો ના નામોની ઉદભવકથા તો વળી વધુ મજેદાર રહી…

 6. manvantpatel says:

  ડાઁગનેી સુઁદર માહિતેી અને શ્રેી.ઘેલુભાઇ અને છોટુભાઇના પ્રયાસોને સો સલામ !

 7. ashvin dakhara says:

  વેર્

  ખુબ સરસ

 8. shouryaa says:

  i truly enjoyed reading this.
  i have seen waghai and gira falls , beautiful place . Dang has been blessed with lots of natural beauty and u see that everywhere on ur way to waghai.
  we didnt know about those sad incidents at gira falls and no one even warned us there. botonical garden is worth visiting too.
  thanks for this article.

 9. vatsal vora, vatsal2gnr@gmail.com says:

  ખરેખર ખૂબ જ સુંદર પ્રદેશ છે. હાલમાં જ હું સાપુતારાની મુલાકાતે જઇ આવ્‍યો છું જે કોઇને સાપુતારાની સુંદરતાના ફોટાઓ જોવાની ઇચ્‍છા હોય તેઓ મને ઇ-મેઇલ કરી શકે છે.

  ખૂબ જ આહલાદક વાતાવરણ અને અચૂક જોવા જેવી જગ્‍યા છે.

 10. અમારા ડાંગની મુલાકાત લેવા આ૫ સૌને સાયબર ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ છે.

 11. Nilesh Mahemdavad says:

  Dang aatlu saru hashe te lekh pachi j janva madu…baki to saputara thi aagad vadhu che j kon….lekh vaachine..tya javano mud aavi gyo…ane baki photo to kamalna che….

  Great…

 12. joy christie says:

  Dear Birenbhai,
  Thanks. It was very informative and the pics itself tempt you to visit it soon.
  Regards
  Joy

 13. MAYUR PATEL says:

  AFTER READING YOUR ARTICLE, I THINK WE SHOULD HAVE A PLAN FOR TWO DAYS VISIT, IF POSSIBLE FOR EVERY ONE TOGETHER OF IYC.

  VERY GOOD, KEEP IT UP.

  MAYUR & HETAL

 14. Bharat Pandya says:

  ગુજરાત્માં આવા સ્થળો છે તેનેી ઘણાને ખબર પણ નથેી, તમે શબ્દો દ્વારા સફર કરાવેી.
  ભરત પન્ડ્યા- ભાવ્નગર્.

 15. Saurin says:

  હુ છેલ્લા કેટલાક વર્શોમા ૨-૩ વાર સાપુતારા જઈ આવ્યો છુ,
  છેલ્લી વાર ચોમાસા મા જવાનો લાભ મળ્યો હતો,
  ત્યાનુ કુદરતી સૌન્દર્ય અદભુત છે

 16. NILAY THAKOR says:

  Realy an nformative article about Dang Dist. by Biren Kothari. I am Impressed by the language of the auther. I am staying very near to Dang Dist. and inspired to visit the small villeges of Dang dist., after reading the article. Wish the auther a bright future. Thanks to him.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.