મહિમા અને માવજત – સંકલિત

[1] બાલમહિમા – હરભાઈ ત્રિવેદી

પ્રાત:કાળે કે સાયંકાળે આકાશમાં સંધ્યાના રંગો જેટલી ઝડપથી બદલાતા રહે છે તેટલી ઝડપથી બાળકનું મન હરપળે બદલાતું રહે છે. બાળકના આવા પળે પળે બદલાતા ચંચળ મનને સમજવાનું ઘણું મુશ્કેલ છે કારણ કે બાળકના બદલાતા મનના વિવિધ રંગોનાં કારણો શાં છે તે આપણે સહેજે જાણી શકાતા નથી. બાળકનું મુલાયમ મન દશ્ય-અદશ્ય એવા અનેક સંસ્કારોને આધીન હોય છે. બાળક કંઈક જુએ અથવા કોઈ વખત જોયેલું અચાનક યાદ આવી જાય તોપણ તેના ચિત્તનો રંગ બદલાઈ જાય છે.

બાળક કંઈ સાંભળે અથવા તો કોઈ વખત સાંભળેલું તેના સ્મૃતિપટ પર આવી જાય તો તેની અસર પણ તેના ચિત્તતંત્ર ઉપર થતી હોય છે. આવા સમયે તેનું ચંચળ ચિત્ત રંગ બદલતાં વાર લગાડતું નથી. નાનું બાળક તો એક પ્રયોગશીલ મહામાનવ છે. અનેક પ્રકારના પ્રયોગો કરવા માટે તેને અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થવાનું ગમે છે. આવા વિવિધ અનુભવોની અસરો પણ ઘણી વિવિધ હોય છે. અનુભવોની આ વિવિધતા સમજીને જ દરેક વડીલે બાળકના મનને અને તેના રંગોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.

બાળકોને હંમેશાં કંઈ ને કંઈ ક્રિયા કરવાનું ગમે છે. નિષ્ક્રિય રહેવું તે તેની પ્રકૃતિ નથી. જે વડીલો બાળકના ક્રિયાશીલ સ્વભાવને ઓળખી શકે છે અને ઉત્તેજન આપી શકે છે તે વડીલો જ બાલમહિમા સમજ્યા છે તેમ કહી શકાય. જે માતાપિતા બાલમહિમા સમજવા ઉત્સુક હોય છે તે માતાપિતા ક્રિયાશીલ પ્રવૃત્તિથી બાળકને વંચિત રાખતાં નથી પરંતુ ઉંમર અને શક્તિ અનુસાર કુટુંબમાં જ ચાલ્યા કરતી નાનીમોટી પ્રવૃત્તિઓમાં બાળકને સાથે લે છે. અને તે દ્વારા બાળકની ક્રિયાશીલતાને પોષ્યા કરે છે. બાળકને સાચી રીતે સમજવું તે ખરેખર ઘણું મુશ્કેલ હોય છે. જેમ જેમ તેને ઓળખવાના વધારે ને વધારે પ્રયત્નો કરીએ તેમ તેમ તેના સંબંધોની ઓળખ જાણે કે અધૂરી રહી જતી હોય તેવો ભાવ જે માતાપિતા અનુભવે તે માતાપિતા બાલમહિમા સમજવાનો પ્રયત્ન કરે છે તેમ આપણે કહીએ છીએ.

માતાપિતા કલ્પના કરી શકે તેનાથી પણ આગળ જઈને બાળક તરવરાટ અનુભવે છે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. નિત્યનવીન પ્રવૃત્તિઓ આદરતું બાળક પોતાના વિકાસ માટે મથી રહ્યું છે તેવો વિશ્વાસ રાખનાર માતાપિતા સાચા અર્થમાં બાલમહિમાનો અર્થ સમજવા પ્રયત્નશીલ છે તેમ આપણે ગણી શકીએ. બાલમહિમા એ તો વડીલના અંતરમાં કોતરાઈ રહેલી ભાવના છે. બાલમહિમા એ તો વડીલે સ્વીકારેલી બાળક તરફની એક જીવનનીતિ છે. એ ભાવના અને જીવનનીતિ દરેક વડીલના વ્યવહાર પાછળનું પ્રેરકબળ બને તો જ અને ત્યારે બાલમહિમા તેના સાચા અર્થમાં સ્થાપિત થઈ શકે.

કોઈ સુંદર ઋતુમાં સમીસાંજે આકાશમાં હરક્ષણે બદલાતા રંગો જોવા મળે છે તેવી જ રીતે બાળક પણ પોતાના નાના જગતમાં હરક્ષણે પોતાના બદલાતા રંગો જોવા મળે છે તેવી જ રીતે બાળક પણ પોતાના નાના જગતમાં હરક્ષણે પોતાના બદલાતા રંગો આપણને દેખાડે છે. માતાપિતાએ હંમેશાં બાળકના આ રંગો જોઈ રાજી થવું જોઈએ અને આ રહસ્ય જાણવા માટે મનોવૈજ્ઞાનિક નજરે અભ્યાસી બનવું જોઈએ. આવી રીતે જોનાર સમજનાર માતાપિતા કે શિક્ષક બાલમહિમાને સાચી રીતે સમજી શકશે.

.
[2] માવજતનો મંતર – દોલતભાઈ દેસાઈ

સૂરતમાં ‘હકીમચાચા’ની દોઢસો વર્ષ જાણીતી દવાઓની દુકાન. કોકવાર એ દુકાને જઈ ચાચા સાથે વાતો કરવાની મારી ટેવ. એક વાર એક નવયુવક ગોટી લેવા આવ્યો. પ્રથમ બાળકનો એ પિતા બન્યો હતો. હકીમને કહ્યું : ‘બાબાને પાવાની ગોટી આપો.’
હકીમે પૂછ્યું : ‘કેવી ગોટી આપું ? એક વાર ઘસારાવાળી, બે વાર ઘસારાવાળી કે ત્રણ વાર ઘસારાવાળી ?’
યુવક : ‘મને સમજ નથી પડતી. એક વાર ઘસારાવાળી ને ત્રણ વાર ઘસારાવાળી ગોટીમાં શો ફેર ?’
હકીમ કહે : ‘એક વાર ઘસારાવાળી ગોટી, ઓસરિયા પર એક જ ઘસરકો કરો ને પાણી સાથે બાળકને પાવ, તો પેટ ચોખ્ખું રહે. જ્યારે ત્રણ વાર ઘસરકાવાળી ગોટી ત્રણ વાર ઘસવી પડે.’
યુવક : ‘પણ એમાં દવા તો એક જ પ્રકારની ને ?’
હકીમ કહે : ‘બિલકુલ એક જ પ્રકારની દવા, પણ પૂટ પૂટમાં ફેર. એક ઘસરકાવાળી ગોટીમાં દવા ખૂબ ઘૂંટીને તૈયાર કરેલી, જ્યારે ત્રણ ઘસરકાવાળી ગોટીમાં દવા ઓછી ઘૂંટેલી.’
યુવક કહે : ‘ઓહ ! એટલે ફેર શો ?’
હકીમ કહે : ‘માવજતનો !!’

દવા એક જ, પણ માવજત જુદી ! જેટલી માવજત વધારે તેટલો દવા પર પૂટ ચડે ને દવાની માત્રા વધે. પણ દવા એક જ. આ માવજતનો મંતર મને હકીમચાચાએ સમજાવ્યો. આપણા જીવનમાંયે કેટકેટલી બાબતો માવજત માગે. રસોઈ માવજત માગે, આપણી કાયા માવજત માગે, બાળકોનો ઉછેર માવજત માગે, આપણો વ્યવસાય માવજત માગે, માંદગી માવજત માગે.

ઉદવાડા જાઓ તો પટેલ બાપાની વાડી જોજો. વાડીમાં બે ફૂટ જ ઊંચા આંબા. વીસ વીસ કેરી લટકે. ફલાવર-વાઝમાં મુકાય એવાં આંબા-જમરૂખી. નાળિયેરીની એવી જાત જે માત્ર છ ફૂટ ઊંચી થાય અને ખૂબ નાળિયેર આપે. બાપાની સાઠ એકરની વાડી જોઈ, ‘આ બધું કેવી રીતે બને ?’ એમ પૂછ્યું.
બાપા કહે : ‘માવજત.’
માવજતના મંતરને સમજવો હોય તો એક જ રોજિંદી ક્રિયા લઈએ – રોટલો બનાવવાની ક્રિયા. લોટ-પાણી જુદાં હોય તેને અમુક પ્રમાણમાં એકઠાં કરવાં પડે. માવજત કરનારમાં પ્રમાણભાન હોય. પ્રમાણ ચૂક્યા તો પદાર્થ બગડે. પછી મેળવીને લોટ ગૂંદવો પડે. મસળવો પડે. મસળવાની ક્રિયા ધીરજ માગે. માવજત કરનારમાં ધીરજની ખૂબ જરૂર. મસળીને આખડિયે રોટલો થબેડતાં થાપવો પડે. હળવેક હાથે એ કરવું પડે. એટલે માવજત કરનારમાં હળવેક હાથે કામ કરવાની આવડત જોઈએ. એ રોટલાને તાવડીમાં ધીમે તાપે શેકવો પડે. માવજત કરનારમાં શેકવાની આવડત શેકાવાની ધીરજ અને ક્ષમતા જોઈએ. છેવટે કદાચ હાથ દાઝે, પણ રોટલાને દેવતા પર ફુલાવવો પડે. માવજત કરનારને તાપ સહન કરતાં આવડવો જોઈએ. એ સહનશક્તિ. અને છેવટે એ રોટલા પર ઘી કે તેલ (જેને સંસ્કૃતમાં સ્નેહ કહેવાય) લગાડે. માવજત કરનાર પાસે પૂરતા પ્રમાણમાં સ્નેહ હોવો જોઈએ.

એક વાર માવજત કરી જુઓ : તમારો રોટલો રૂડો લાગશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુલાબને આવ્યાં કાળાં ફૂલ – ગુણવંતરાય ભટ્ટ
રહીએ છીએ તે ઘર છે ? – ડૉ. મણિભાઈ ભા. અમીન Next »   

16 પ્રતિભાવો : મહિમા અને માવજત – સંકલિત

 1. nayan panchal says:

  [1] બાલમહિમા – હરભાઈ ત્રિવેદી
  “નાનું બાળક તો એક પ્રયોગશીલ મહામાનવ છે.”

  બાળકને સમજવા માટે માતાપિતાએ પણ બાળક બનવુ પડે છે. ક્યાંક વાંચ્યુ હતુ કે બાળકના જન્મ સાથે માતાપિતાનો પણ જન્મ થાય છે, પછી બંને સાથે મોટા થાય છે.

  દરેક માતાપિતાએ વાંચવા જેવો લેખ. આ ઉપરાંત, ડૉ અબ્દુલ કલામની Ignited Minds પણ દરેક માતાપિતા અને શિક્ષકે વાંચવી જ રહી.

  [2] માવજતનો મંતર – દોલતભાઈ દેસાઈ

  “માવજત કરનારમાં શેકવાની આવડત, શેકાવાની ધીરજ અને ક્ષમતા જોઈએ.”

  જે પોતાના જીવનની જેટલી માવજત કરે, એટલુ એનુ જીવન વધુ સમૃધ્ધ થાય છે.

  ઉમદા લેખ.

  નયન

 2. pragnaju says:

  “બાલમહિમા” મા હરભાઈ ત્રિવેદીની રહસ્ય જાણવા માટે મનોવૈજ્ઞાનિક નજરે અભ્યાસી બનવું જોઈએ —અનુભવેલી વાત.દરેક વખતે નવી નવી અદભુત રહસ્ય જાણી પ્રસન્ન થઈ જવાય!
  શ્રી દોલતભાઈ દેસાઈના પ્રવચનોમાં અવાર નવાર સાંભળેલી વાત ફરી વાંચી આનંદ થયો.સામાન્ય સમજવાળાને પણ સહેલાઈથી સમજાય

 3. ભાવના શુક્લ says:

  માવજત અને ધીરજનો સીધો સંબંધ દર્શાવતો સર્વાંગ સુંદર લેખ..

 4. Hiral Thaker "Vasantiful" says:

  “એક વાર માવજત કરી જુઓ : તમારો રોટલો રૂડો લાગશે.”

  Excellent!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.