- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રહીએ છીએ તે ઘર છે ? – ડૉ. મણિભાઈ ભા. અમીન

પોતાના પ્યારા મિત્ર શ્રીકૃષ્ણને મળવા સુદામા પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે હસતે મુખડે વિદાય આપતી પત્ની અને ઘરઆંગણે નાચતાં-રમતાં બાળકોને જોઈને જે આનંદવિભોર અવસ્થામાં તે પ્રભુચિંતન-કીર્તન કરતા કરતા ગયા હતા તે સર્વ હર્ષ, આનંદ અને ઉલ્લાસ, કૃષ્ણને મળીને પોતાના ઘર આગળ આવતાં જ ઓસરી ગયો. સ્થળ ઉપર પોતાનું જ ઘર જોવા ન મળ્યું ! પત્નીએ દોડતાં આવીને પૂછ્યું : ‘શું શોધો છો ?’ ત્યારે મૂલ્યવાન પોશાક અને સુવર્ણના અલંકારોમાં સજ્જ, નોકરચાકરોથી ઘેરાયેલી અને આલીશાન મહેલમાંથી નીકળીને આવેલી પોતાની પત્નીને જ ન ઓળખતાં તેઓએ કહ્યું : ‘હું શોધું છું મારું ઘર !’ સુદામા સુખ-દુ:ખથી પર એવા સંત હતા, છતાં તેઓને પણ ‘ઘર’ ન જડતાં દુ:ખ થયું. આજે એકાદ ઘર તો નહિ, પણ ‘ઘરાં ને ઘરાં’ જ અદશ્ય થવા માંડ્યાં છે ! જ્યારે શોધવા છતાં ઘર ન જડે ત્યારે માનવીની અંતરવ્યથા કેવી હશે ?

પત્નીને સુદામાએ ઘરના સ્થાને મહેલ બતાવ્યો, ઈશ્વરની કૃપા દર્શાવી, તોપણ સુદામાને આનંદ ન થયો. ઊલટું દુ:ખ થયું. તેઓએ વિચાર્યું : ‘આવા મહેલમાં જો જીવ પરોવાશે-મોહશે, તો ઘરની સાદગી, શાંતિ, પવિત્રતા અને પ્રસન્નતા વગેરે જરૂર તેમાંથી જતાં રહેશે. ઘર જેવી પવિત્ર સંસ્થાને, પ્રદર્શન-ઘર બનાવાયાં તો અંદર રહેનારાનું જીવનસૌંદર્ય, હૃદયસૌંદર્ય વગેરે જરૂર કરમાઈ જશે… ઘર એટલે માનવતાનું ઝરણું, ઘર એટલે પ્રેમસરોવર. ઘરમાં પ્રેમ, આનંદ, હાસ્ય, નાચકૂદ તેમ જ સહકાર, શ્રમ અને શાંતિ હોય તો જ તે ઘર, નહિતર ‘ઘોર !’

પત્નીના આગ્રહથી સુદામા મહેલમાં ગયા. આસપાસ જોયું ને ફરી વિચારમાં પડ્યા : ‘આ મહેલમાં કઈ ચીજ અમારા શ્રમની-પરસેવાની છે ? પત્નીની બનાવેલી છે ? વળી ઘરની સાફસૂફી, કચરો, વાસણ વગેરે નોકરો કરે, ઘરની ગૃહિણીનો તો ક્યાંય સ્પર્શ નહિ, હાથ કે કસબ ક્યાંયે જોવા ન મળે ! ચારિત્ર્ય બાંધવાની મોટી શાળા ‘ઘર’ છે. સારું કે નઠારું ચારિત્ર્ય ઘરમાંથી જ ઊપજી આવે છે. જીવન જીવવાના નિયમોનાં વિવિધ ‘બીજ’ ઘરમાંથી જ રોપાય છે. ‘વિદ્યા-શીલ, વેચાય નહીં… સત્ય, સદાચાર, શ્રમ ને સંસ્કૃતિને ત્યજાય નહીં… સ્નેહ, સંયમ અને સંપ ભુલાય નહીં… વિનય અને વિવેક વીસરાય નહીં… લજ્જા અને મર્યાદા મુકાય નહીં… માતા-પિતા અને પરમાત્માને તરછોડાય નહીં વગેરે વગેરે અનેક માનવમૂલ્યોનું સર્જન ‘ઘર’ જ કરે, મહેલ ન કરે !

કંસ, જરાસંધ, શિશુપાલ, નરકાસુર, દુર્યોધન વગેરેના મહેલનું સર્જન સુદામાની આંખો સામે સ્પષ્ટ હતું. આવા વિચારથી સુદામા મહેલમાંથી બહાર નીકળી ગયા. પર્ણકુટી બાંધીને રહ્યા. પત્નીએ પણ સમજીને સાથ આપ્યો. શ્રીકૃષ્ણે આપેલ સર્વ સમૃદ્ધિનો સ્વીકાર પ્રસાદ સમજી કર્યો અને તેનો ઉપયોગ વૈદિક સંસ્કૃતિના કાર્યમાં અને સમાજના કલ્યાણમાં કર્યો. મહાઅમાત્ય ચાણક્યે કદાચ આવું વિચારીને જ મહેલમાં ન રહેતાં, સ્વાશ્રય અને શ્રમથી પર્ણકુટીમાં રહેવાનું પસંદ કર્યું હશે ! ભારતીય સંસ્કૃતિની મહેક આ પર્ણકુટીમાંથી જ તેઓએ વિશ્વમાં વ્યાપક બનાવીને અનેકને આકર્ષ્યા હતા. આપણી ઘરવ્યવસ્થાનું નિર્માણ ઋષિઓએ કર્યું હતું. તેઓએ ઘરને એક નાના રાષ્ટ્રનું રૂપ આપ્યું હતું. જેમાં પિતા રાષ્ટ્રપતિ હતા, માતા રાષ્ટ્રલક્ષ્મી હતી, મોટો પુત્ર પ્રધાનમંત્રી હતો, નાનાં બાળકો, નોકરો, ગાયો, ભેંસો, બળદ અને ખેતી સાથે સંબંધ ધરાવતા સુથાર, લુહાર, કુંભાર, હજામ, મોચી, ધોબી વગેરે પ્રજા હતી. આ નાના રાષ્ટ્રને પ્રેમથી, સ્વસ્થતાથી, સહકારથી, સમજદારી વગેરેથી સુચારુ રૂપથી ચલાવતાં ઘરના પ્રત્યેકને તાલીમ મળતી. વિશાળ કુટુંબ અને રાષ્ટ્રસંચાલનનું શિક્ષણ આમ ઘરમાંથી જ મળી જતું.

ઘરમાંથી જ પ્રેમશક્તિ, સંઘશક્તિ, શ્રમશક્તિ, જ્ઞાનશક્તિ અને શાસનશક્તિ નિર્માણ થતી. તેઓએ ‘ગૃહ-મહિમા’નું વર્ણન વેદોમાં અનેક સ્થળે કર્યું છે. અર્થવવેદ (પૈપ્લદ શાખા)માં ગાયું છે इमे गृहा मयोभुव उर्जस्वन्त: पयस्वन्त: पूर्णा वामस्य तिष्ठन्तस्ते नो जानन्तु जानत: । આ ઘર સુખને આપવાવાળું છે, ધાન્યથી ભરપૂર છે, ઘી-દૂધથી સંપન્ન છે, સર્વ પ્રકારના સૌંદર્યથી યુક્ત આ ઘર અમારી સાથે ઘનિષ્ઠતા પ્રાપ્ત કરે અને અમે તેને સારી રીતે સમજીએ. ઘર કોને કહેવાય ? ઘર હોય ત્યાં શું શું હોવું આવશ્યક છે તે સર્વની સ્પષ્ટ સમજ ઋષિએ જણાવી દીધી છે. અન્ય હજારો ચીજવસ્તુઓ ઘરમાં ખડકેલી હોય પણ જો ઋષિએ વર્ણન કરેલ ‘સુખ, ધાન્ય, ઘી-દૂધની સંપન્નતા, સર્વ પ્રકાર (ઘર, મન, હૃદય વગેરે)નું સૌંદર્ય અને ઘનિષ્ઠતા ન હોય તો તે ‘ઘર’ નથી.

જ્યાં અતિ થાય છે ત્યાં રોગ, દુ:ખ, કલહ, યુદ્ધ અને અશાંતિ પેદા થઈ જાય છે ! અતિનો એક છેડો જંગલ-ગૂફા છે, બીજો છેડો શહેર બંગલો છે, જ્યારે ગામ-ઘર એ મધ્યમાં છે. ગામડાં અને ઘર એ ઈન્દ્રિયશુદ્ધિ માટે છે, ઈન્દ્રિયતૃપ્તિ માટે નથી. એ માનવીની જરૂરિયાતનો (‘નીડ’) વિચાર કરીને રચેલી યોજના છે, સંસ્કૃતિ છે, તેમાં લોભના (‘ગીડ’) વિચારને સ્થાન નથી. કારણ કે લોભ એ સર્વ પાપ અને દુ:ખનું ‘બી’ છે, જે અશાંતિનું નિર્માણ કરે છે. ઋષિઓને આ જ્ઞાન હોવાથી સુખ, શાંતિ અને આનંદ મળે તે માટે તેઓ માનવજાતને ગુફામાંથી ઘરમાં લાવ્યા. ભૂમિના નિર્માણ વગર ‘બી’ ઊગતું નથી, વૃક્ષ બનતું નથી તેમ ઘરના નિર્માણ વગર જીવનમૂલ્યો સ્થપાતાં નથી અને મનુષ્યત્વથી ખીલેલાં માનવી સર્જાતાં નથી. ઘરમાં ઘનિષ્ઠતા-આત્મીયતા, ભાવ, પ્રેમ, પવિત્રતા વધે અને જળવાય તે માટે ઘરની સ્થાપના ભૂમિપૂજન, ગણેશપૂજન વગેરેથી થતી. ઘરનો ઉંબરો, પાણિયારું, રસોડું, બારસાખ અને મોભ આદિમાં દેવત્વ સ્થપાતું, તેનું પૂજન થતું અને પ્રસાદ વહેંચાતો. તમામ પ્રસંગો ઘરઆંગણે જ ગણેશપૂજનથી થતાં. ઘરને એક મંદિર માનવામાં આવતું. તેમાં પૂજાઘર અને રસોડાને ભારે મહત્વ અપાતું અને બેઉની પવિત્રતા જાળવવામાં આવતી. ઘરના વાતાવરણમાં સાદગી અને સ્વચ્છતા રખાતી. ક્યાંયે સમૃદ્ધિની આછકલાઈ ન દર્શાવાતી.

આમ, ઘર ધરતી સાથે જડાયેલ છે અને આકાશથી સંબંધિત છે. ભૌતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ એક સાથે સર્જનાર ઘર છે. ઈશદર્શન કે ઈશઅનુભૂતિનો ધોરીમાર્ગ ઘરમાંથી જ નીકળે છે અને પડોશી સાથેના વહેવારથી શરૂ થઈ પરમાત્મા સુધી લઈ જાય છે. આવા ઘરોમાંથી બાળકોને ગર્ભમાંથી જ સંસ્કારો મળતા. રસોડા દ્વારા ઘરના તમામ નાના-મોટા વર્ગ, અતિથિઓ, અભ્યાગતો અને પશુ-પક્ષી સાથેના સંબંધો, પ્રેમ, ભાવ વગેરેનું નિર્માણ થતું… શ્રમ દ્વારા શીલરક્ષા, રક્તશુદ્ધિ, અંત:કરણશુદ્ધિ, તેમ જ સશક્ત સંતાનો અને પવિત્ર અર્થની પ્રાપ્તિ થતી. કુટુંબજીવનની પ્રણાલી દ્વારા મળતાં સહઅસ્તિત્વ, સહકાર, સદાચાર, સંપ, સહનશીલતા, પ્રેમ અને ઉદારતા વગેરે ગુણો ખીલતા…. પશુપાલન અને વૃક્ષપાલનથી કુદરત સાથે મેળ અને પ્રેમ વધતો અને તેથી પૌષ્ટિક આહાર, નીરોગી તન, વિશુદ્ધ મન અને શીલની ખીલવણી થતી. આમ, ‘ઘર’થી જીવનમાં શાંતિ, તનમાં આરોગ્ય, મનમાં પ્રસન્નતા, બુદ્ધિમાં સ્વસ્થતા અને કુટુંબ તેમ જ સમાજમાં સંપ અને સહકાર રહેતો. ઋષિ અપેક્ષિત ‘ઘર’ શબ્દમાં જે રહસ્ય છે, જે અર્થ છે, જે ભાવ છે, જે ઉમળકો છે, તે બીજે ક્યાંયે જોવા નહીં મળે !

‘ઘર’ એ સાવ નાનકડો પણ મધુરો અને મીઠાશભર્યો શબ્દ છે. ઘર એટલે ઘર; બીજા કોઈ પર્યાય વડે તે સમજાવી ન શકાય. તેના અણુએ અણુમાં સજીવતા ભરેલી હોય છે, અને તે છે શ્રમની, મમતાની, પ્રેમની અને માનવમનની ઉદાર અને પવિત્ર ભાવનાઓની. ઘર એટલે માત્ર તનનો જ નહિ, મનનો પણ વિસામો છે. ઘર નાનું હોય કે મોટું, સમૃદ્ધ હોય કે ગરીબ, બંગલો હોય કે ઝૂંપડી, સૌથી પહેલાં તે ઘર હોવું જોઈએ; બીજું બધું ત્યાર પછી. ઘર એટલે માત્ર વૉલ-પેપરથી સજાવેલી ભીંતો નહિ, મોર્ડન બારી-બારણાં નહિ, આધુનિક સાધનોથી સજ્જ રસોડું પણ નહિ. ઘર એ કોઈ દેખાડવાની ચીજ નથી, એ તો છે પ્રેમ, શાંતિ, આનંદ વગેરેની અનુભૂતિ, અંદર પગ મૂકતાં જ એક ‘હાશ’ અનુભવાય, તન અને મનના તાપો શમવા લાગે, મન હર્ષ અને અને ઉમળકાથી ઊભરાઈ જાય, હૃદય વાત્સલ્ય ભાવોથી ભરાઈ છલકાઈ જાય. ઘર એટલે ‘સ્વીટ હોમ’. ધરતીનો છેડો. આવા ઘરમાં જે જન્મ્યો અને જીવ્યો હોય તેને ઘર પ્રત્યે ભારે પ્રેમ અને મમત્વ હોય છે. આવું ઘર છોડતાં તેને દુ:ખ થાય છે અને જો કદાચ વેચવાનો પ્રસંગ આવે ત્યારે તેની આંખો અશ્રુઓથી છલકાઈ જાય છે ! અન્યને ખબર ન પડે પણ તેને ઘરમાં-ઘરની ભીંતો વગેરેમાં બાપ-દાદાઓનાં, માતા-પિતાનાં, બાળપણનાં, એવાં અનેક સંસ્મરણો ઢબુરાઈને પડેલાં નજરે તરવરી આવે છે !!

ઘર કે જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધો વગેરેનું શ્રેય, કલ્યાણ, સ્વાસ્થ્ય અને સગવડો વગેરે વિચારીને થતી હોય તેમાં અને ઘર કે જેમાં લોકોને બતાવવા માટે પ્રદર્શન માટેની વ્યવસ્થા હોય – તે બેઉમાં અકલ્પ્ય ફેર હોય છે, સ્થૂળ અને મનોવૈજ્ઞાનિક પરિણામો, બેઉમાં જુદાં જુદાં હોય છે. ઘર આપણને રક્ષે અને સંસ્કારે તેને બદલે આપણે ઘરને સાચવતા પહેરગીરો બની ગયા છીએ !! અહંકાર, લોભ, અને વિલાસિતાને પોષતી ધન પાછળની અતિ ઘેલછા આનું મહત્વનું કારણ છે. અર્થનો અતિપ્રભાવ અને અતિ અભાવ બેઉ હાનિકારક છે ! આનું પરિણામ એ આવ્યું છે કે આજે ‘ઘર’ નષ્ટ થતાં જાય છે. સહકાર, શાંતિ, પ્રેમ વગેરેના સ્થાને આડંબર, આળસ અને અશાંતિ વધ્યાં છે ! આલીશાન મકાનો બાંધીને માનવી સુખ અને શાંતિ અનુભવવા મથે છે પરંતુ તે સઘળાં તો શ્રમ સાથે રહેલાં છે, પ્રેમની પાસે પાંગરતાં હોય છે અને પ્રમાણિકતા પર અવલંબતાં હોય છે. માનવીને આ ખબર તો છે જ પરંતુ બુદ્ધિના કેફથી તે બુદ્ધિ ચલાવીને શ્રમને, પ્રેમ વગેરે (હળ હાંકતો પુરુષ, ઘંટી પીસતી સ્ત્રી, વલોણું ખેંચતાં દંપતી) ચિત્રોમાં મઢીને ઘરની દીવાલો પર ટીંગાડી દે છે અને શાંતિ અનુભવવા મથે છે. આમ છતાં શાંતિ મળતી નથી ત્યારે તે કથાઓમાં, મંદિરોમાં, કલબોમાં કે પહાડોમાં દોડાદોડ કરે છે ! શ્રમ, સ્વાશ્રય, શાંતિ, પ્રેમ અને આનંદને ખરીદીને કે બહારથી લાવીને ટિંગાડાય નહિ. ઘરમાં જ તેનું જીવંતપણું જીવવું જોઈએ – હોવું જોઈએ. ચિત્રો કદાચ શોભા વધારશે પણ કૃત્રિમતા પણ દેખાડશે !

આજે માનવીનું બાહ્યક્ષેત્ર અને બુદ્ધિની ચંચળતા વિરાટ બની છે, પરંતુ આંતરિક ક્ષેત્ર અને અંત:કરણ સાવ સાંકડું, સડેલું અને નબળું બન્યું છે. ઘર તો હૃદયની ભાવનાઓથી બને છે, ભલે તે નાનું હોય. અંત:કરણ તો આકાશ જેટલું વિશાળ હોય છે. આવા અંત:કરણથી ઝૂંપડી પણ ઘર બને છે. આવા ઘરમાં સુખ, શાંતિ તો મળે છે જ પરંતુ રાષ્ટ્રનું ગૌરવ વધારે, રાષ્ટ્રને સુખી અને સંપન્ન બનાવે તેવાં વીરો, વીરાંગનાઓ અને જ્ઞાનીઓ પણ આવાં ઘરોમાં નિર્માણ થાય છે !

આપણે તપાસીએ કે જેમાં આપણે રહીએ છીએ તે ‘ઘર’ છે ?