દાદાનો દલ્લો – ઈલા આરબ મહેતા

દાદા ગામનું ઘર બંધ કરી રહેવા આવવાના છે એવો કાગળ મળ્યો ત્યારથી જ ઘરમાં અણગમાનું વાદળ છવાઈ ગયું. મુંબઈનું સાંકડું ઘર. ટૂંકો પગાર. બા-બાપુ ને ચાર મોટાં છોકરાં. એમાં વળી એકનો વધારો ! આમેય ઘરડું માણસ કચકચિયુંય ખરું ! આ ઘરમાં અમસ્તીય જાતજાતની રામાયણો હતી. નં.1 : સવારના વહેલા ઊઠી પાણી ભરવું. નં 2: કમલેશને વાંચવા બેસાડવો. નં 3 : વાસંતી અને અખિલને દરેક સિનેમા જોવા જતાં અટકાવવાની. નં 4, નં 5, નં 6…. રામાયણો તો ઘણીબધી ગણાવી શકાય તેમ હતું.

એક નાનકડી કાળી બેગ ને કુંજો લઈ દાદા ઘરમાં આવ્યા ત્યારે હસતે મુખે ‘આવો’ કહેવાનીય કોઈને ઈચ્છા ન થઈ. રમાબહેન રોજ સવારે પાંચ વાગ્યે પાણી ભરવા ઊઠતાં. ત્યાર પછી કામની દોડાદોડીમાં, છોકરાંઓ સાથે લડવામાં, પાડોશણો સાથે ગપ્પાં મારવામાં દિવસ ક્યાં દોડી જતો તે સમજાતું નહિ. છોકરાંઓ મોટાં હતાં. કેટલું કામ કરવા માટે માને અકળાવું પડે છે તે સમજતાં પણ માને મદદ કરવાનું કોઈનેય સૂઝતું નહિ.

આવ્યા પછી બે-ત્રણ દિવસે દાદાએ કહ્યું : ‘રમા, કાલથી સવારે પાણી ભરવા હું ને કમલેશ ઊઠશું. તમે ન ઊઠતાં.’ રમાબહેન ખડખડાટ હસી પડ્યાં. જન્મારામાં શેક્યો પાપડેય ભાંગવા ઊભાં ન થનારાં છોકરાં ઘરકામ કરશે ? બીજે દિવસે સવારે દાદા પાંચ વાગ્યે ઊઠ્યા. ચંડીપાઠના શ્લોકો ગણગણતાં એમણે કમલેશને ઉઠાડ્યો. પણ એ તો પડખું ફરી સૂઈ ગયો. ‘કંઈ નહિ દીકરા ! રોજ ક્યાં છટકવાનો છે ?’ એવું વિચારતાં દાદાએ એકલે હાથે પાણી ભર્યું. સાંજે વાસંતી બહેનપણીઓ સાથે ચોપાટી ફરવા જતી હતી. દાદાએ હાક મારી એને પાછી બોલાવી ને શાકની ઝોળી હાથમાં પકડાવી. વાસંતી ચીસ પાડી ઊઠી, ‘હું શાક લાવું ? મને તો શરમ આવે.’ ઝોળી ત્યાં જ મૂકી એ ચાલી ગઈ. દાદાએ નીલિમાને વાંચવાની ને અખિલને સિનેમા ન જોવાની શિખામણ આપી. છોકરાઓનાં મગજ બગડ્યાં !

‘આખો દિવસ અમારી પાછળ કટકટ !’ બાપુએ પણ ઠીક અમારે માથે સાલ ઠોકી બેસાડ્યું છે.
‘કમલેશ, લોટરીનું પરિણામ બહાર પડ્યું કે ?’ દાદાએ પૂછ્યું.
‘કેમ દાદાજી, તમે લોટરી લગાવી છે કે શું ?’ નીલિમાએ પૂછ્યું.
‘લોટરી મેં લગાવી છે પણ નસીબ તમારાં બધાનાં છે હોં ! મેં ટિકિટો લેતી વખતે મારા ભગવાનને પ્રાર્થના કરી હતી કે જો ઈનામ મળશે તો ચાર છોકરાંઓને મરતી વખતે આપતો જોઈશ.’ દાદાએ કહ્યું. ત્યાં સુધીમાં કમલેશે દાદાની ચાર ટિકિટો લઈ નંબર સરખાવવા માંડ્યાં. ને અચાનક એના મોમાંથી ચીસ નીકળી ગઈ. ‘પચાસ હજાર !’ કમલેશ દાદાને વળગી નાચવા લાગ્યો. સૂકા ઘાસમાં આગ પ્રસરે એમ ઘરમાં, પાડોશમાં વાત ફેલાઈ ગઈ. દાદાની પ્રતિષ્ઠા, પદ ને સન્માન જોતજોતામાં વધી ગયાં. ચારે છોકરાંઓ દાદાની જોડે જઈ દાદાના નામનું બેન્કમાં ખાતું ખોલાવી આવ્યાં. પચાસ હજારનો ચેક મુકાઈ ગયો. સાધારણ મધ્યમ વર્ગના કુટુંબ માટે પચાસ હજારની રકમ આકાશમાંના સૂર્ય જેવી તેજસ્વી અને જીવનદાતા હતી. હવા બદલાઈ ગઈ. માણસો બદલાઈ ગયા. દાદા ન બદલાયા. ઊલટાના એ વધારે ગંભીર અને ઉદાસ લાગતા હતા.

હવે કમલેશ દાદાની સાથે પાણી ભરવા ઊઠતો. દાદા પાણી ભરતા ને એને વાંચવા બેસાડતા. (દાદાને પૈસે આગળ ભણવા માટે અમેરિકા જવાનાં એ સ્વપ્નાં જોતો થઈ ગયો !) અંગ્રેજી એકાઉન્ટન્સી ને કંપની-લૉ ગોખતાં ગોખતાં ધીરે ધીરે પોતાના અભ્યાસમાં સ્થિર થવા માંડ્યું. રમાબહેને કહ્યું :
‘દાદાજી, તમે આ ઉંમરે પાણી ન ભરશો. હવે તો હું એક ઘાટી રાખી લઈશ.’
પણ દાદાએ ડોકું ધુણાવ્યું : ‘ના રે બેટા, મારે કોઈ નોકરની જરૂર નથી. આ આપણું શરીર એક ખેતર જેવું છે. જેમ ખેડીએ તેમ ઝાઝું વળતર આપે. એને નકામું પડ્યું રહેવા દઈએ તો માંહ્ય થોર ઊગે !’ દાદા કંજૂસ હતા. કોઈનેય એમણે પાઈ પરખાવી ન હતી. ઊલટું પોતે કંઈક નોકરી કરતા હોય તેવું લાગ્યું. તેઓ ક્યાં જતા એની કોઈને ખબર ન હતી. સવારે પાઠપૂજા કરી અગિયાર વાગ્યે જમીને તેઓ ચાલ્યા જતા. સાંજના છ વાગ્યે એ ઘેર પાછા ફરતા. પાછા આવતા ત્યારે બીજા દિવસનું તાજું લીલું શાક ને છોકરાઓ માટે થોડાં ફળ લાવતા. રમાબહેને સુરેશભાઈના કાનમાં ગુસપુસ કરતાં કહ્યું :
‘કંઈક ધંધામાં પૈસા રોક્યા લાગે છે, પણ ખબર નથી પડવા દેતા.’ દાદાએ પૈસાનું શું કર્યું તેની કોઈને ખબર નહોતી પડી, પણ ઘરમાં નાનાં-મોટાં સહુ સમજી ગયાં કે દાદાને વહાલાં થવું હોય તો કામ કરી, પૈસા રળી, ઉદ્યોગી માણસો થવું પડશે.

એકવાર અખિલ સિનેમાની લાઈનમાં ઊભેલો. ક્યારે દાદા આવ્યા ને ક્યારે એની બાજુમાં ઊભા રહ્યા તેની ખબર ન પડી. ખબર પડી ત્યારે લજવાયો. ગુસ્સે થયો. તે સાંજે દાદાએ કહ્યું : ‘અખિલ, તું સવારના સ્કૂલે ગયો. સાડા બારે પાછો આવ્યો. એકથી અઢી સિનેમાની લાઈનમાં ઊભો રહ્યો. એના કરતાં રોજ તારે મને એકથી અઢી વાગ્યા સુધી મારું કામ ટાઈપ કરી આપવું પડશે. હું તને એના પૈસા આપીશ.’ અખિલ ના પાડી દેત. પણ દાદાની લોટરી ! બીજે દિવસે દાદાએ જૂનું ટાઈપરાઈટર આણ્યું. એક જૂના પુસ્તકમાંથી એને ટાઈપ કરવાનું દાદાએ સોંપ્યું. અખિલ જે વિવિધ લેખો ટાઈપ કરતો હતો એમાં ઘણું બધું વૈવિધ્ય હતું. નાની નાની જ્ઞાનની, ગમ્મતની, સદુપદેશની વાતો હતી. દાદાએ આ બધી વાર્તાઓ ટાઈપ કરાવી. તેની નાની નાની પુસ્તિકાઓ બનાવીને એકવાર તે પોટલું બાંધી લઈ ગયા. અખિલને મહેનતાણાના પૈસા મળ્યા પણ જોડે બીજી પણ એક વાત બની. ટાઈપ કરતાં અખિલ વાચનના રંગે રંગાયો. રમાબહેન રોજ રોજ વઢતાં ત્યારે માંડ ચોપડી ઝાલી ભણવા બેસતો અખિલ હવે દાદાની સાથે લાઈબ્રેરીમાં ટહેલવા લાગ્યો. પુસ્તકો મિત્રો બન્યાં.

પણ દાદાજી એ જો લોટરીનાઅ પૈસાનો વેપાર કરવા માંડ્યો તો એ વેપારી તરીકે પણ પાક્કા અને ગણતરીબાજ નીકળ્યા. એસ.એસ.સી પાસ થઈ નીલિમાએ કૉલેજની ફીના પૈસા દાદા આગળ માગ્યા, ત્યારે દાદાએ ડોકું ધુણાવી કહ્યું : ‘એમ હું પૈસા આપું-બાપું નહિ. હું તો રહ્યો વેપારી. મારે તો મૂડી પર વ્યાજ જોઈએ.’ નીલિમા કંઈ સમજી નહિ. દાદાએ કહ્યું : ‘જો મારું વ્યાજ એટલે એમ કે હું તને ફીના અર્ધા પૈસા આપું, અર્ધા તારે લાવવના.’
‘પણ હું ક્યાંથી પૈસા લાવું ? આજકાલ એસ.એસ.સી પાસને નોકરી પણ કોણ આપે છે ?’ નીલિમાએ મોઢું ચડાવી કહ્યું.
‘જો દીકરી, મેં ક્યાં નોકરી કરવાનું કહ્યું ? નોકરી મેળવવાની આશમાં ઘેર બેસી રહેવા કરતાં હાથપગ હલાવી નોકરી શોધી કાઢો.’
‘પણ ક્યાંથી ખોળી કાઢું ?’
‘જો, આપણા બિલ્ડિંગમાં ત્રીજે માળે જ્યોતિ બહેન રહે છે. છોકરાને અંગ્રેજી શીખવનાર કોઈ એમને જોઈએ છે. તું સાંજના તપાસ કર.’ પણ નીલિમાને સંકોચ થયો. એણે ડોકું ધુણાવી ના પાડી.
દાદાએ એને કહ્યું : ‘જો નીલિમા, ધારો કે આપણે સોનીને ત્યાં જઈએ. જઈને કહીએ કે સોની, સોની, સોનું દે.. તો કાં તો સોની સોનું દે; કાં તો ના પાડે. એમ દુનિયામાં કામ શોધવાનું. જો ન હોય તો ના પાડે. કંઈ ફાંસી તો નહિ આપે ને ?’ નીલિમા દાદાની પાસેથી સાહસ અને જોમના પાઠ શીખી. નીલિમાને મહિને પચાસ રૂપિયાનું ટ્યુશન મળ્યું. જ્યોતિબહેને તો ના પાડી પણ એમણે એમની બહેનને ત્યાં નીલિમાને મોકલી.

હવે સહુ દાદાને ઓળખતાં થયાં. રમાબહેને પણ છાપામાં ટચુકડી જાહેરખબર છપાવી – અપરણિત પુરુષોને ઑફિસમાં ભાણાં પહોંચતાં કરવાની. બેત્રણ પુરુષોએ જવાબ આપ્યો ને રમાબહેન ઘેર બેઠાં સોએક રૂપિયા રળતાં થઈ ગયાં. પચાસ હજારનું તેજ સહુની આંખો અંજાવી ગયું. પણ એ તેજે આંખો આંધળી કરવાને બદલે નવી દષ્ટિ આપી. મહિનાને અંતે જે ઘરમાં તાણ, કકળાટ ને પરસ્પરનો દ્વેષ હતાં ત્યાં સુખ, શાંતિ ને સ્વસ્થતા પ્રસર્યાં.
…ને પછી દાદા એક દિવસ અવસાન પામ્યાં. કાળી પેટીમાંથી દાદાની પાસબુક મળી આવી. દાદાએ મૂકેલા પચાસ હજાર અને આજ સુધીનું વ્યાજ એમાં જમા હતું. ઉધાર પક્ષે ઈન્કમટેક્ષ, છોકરાંઓની ફીના પૈસા અને બીજા પરચુરણ રકમો. પાસબુક પર એક ચિઠ્ઠી ટાંકણીથી ભરાવેલી હતી.

ચિ. સુરેશ,
આ દેહનો ઝાઝો ભરોસો નથી. એટલે તમને મારો બધો જ વારસો હું આપી જાઉં તે પહેલાં બેત્રણ વાતો કરી લઉં. લોટરીનું ઈનામ લાગ્યું ત્યારે મારા મને પડકાર કર્યો : ‘અલ્યા પુરુષાર્થ વગરની આ કમાણી તને પચશે ખરી ? આ લોટરીના ઈનામની રકમમાં બિચારા કેટકેટલા મજૂરો, ગરીબો ને દુ:ખીઓનો પસીનો વહ્યો હશે ?’ ત્યારથી મેં નક્કી કર્યું કે દેનારાએ ભલે દીધું પણ એણે જે વિશ્વાસથી દીધું તેને લાયક થવું. પ્રારબ્ધ ફળ્યું પણ પુરુષાર્થની નક્કર ધરતી વગર એનાં ફળ ઝાઝો વખત નહિ ટકે.

એટલે જ મેં તમને કામની મીઠાશ સમજાવી. જીવતરની જરૂરિયાતો સ્વમાન ને સ્વપ્રયત્નથી રળી ખાવાની ટેવ પાડી. ને હુંય નવરો નહોતો બેસી રહેતો. રસ્તે રઝળતાં છોકરાંઓ માટે મેં એક નાનકડી નિશાળ ખોલી. નહિતર ‘ઉપરવાળા’ નું ઋણ શી રીતે ફેડું ? આ નિશાળમાં ભિખારીઓ, ચોરો, રઝળુ છોકરાઓ આવતા. એમને મેં લખતાં-વાંચતાં શીખવ્યું. સંસ્કાર આપ્યા. થોડા છોકરાઓ ભણ્યા, થોડા ભાગી ગયા, થોડા મોટી શાળામાં ગયા. મારી સફળતાનો હિસાબ તો એ રાખે છે જ, મારે તો કામ કર્યાનો સંતોષ લેવો’તો. તમે મારો વારસો સંભાળો ત્યારે આટલું પણ સાથે યાદ રાખજો. જેણે આપ્યું છે તે ‘ઉપરવાળા’ની આંખો સહસ્ત્ર છે, જ્યારે આપણા હાથ તો માત્ર બે જ છે. એ સહસ્ત્ર આંખોની અમીધારા આપણા હાથ પર વરસી રહો.’

– દાદાના આશીર્વાદ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રહીએ છીએ તે ઘર છે ? – ડૉ. મણિભાઈ ભા. અમીન
કર્તવ્યપાલન – કે. કા. જાની Next »   

19 પ્રતિભાવો : દાદાનો દલ્લો – ઈલા આરબ મહેતા

 1. Mital says:

  Excellent

 2. nayan panchal says:

  ખૂબ જ સરસ વાત.

  દરેક ઘરમા આવુ એક વ્યક્તિ હોય તો પછી પૂછવુ જ શું!!
  દાદાજીની જય હો.

  નયન

 3. Devendra Shah says:

  Really eye opener. To take lesson by everyone. Self-respect and self-dependency is very important for satisfied and pleasant life.

  Hats off to Illaben !

 4. asthasheth says:

  very interesting story

 5. sujata says:

  દાદા અમારા એવા
  સ હુ ને ગ મે તે વા
  દા દા નુ ચે એક વ્ ચ ન્
  do good be good O! my son………..

 6. ભાવના શુક્લ says:

  પરીશ્રમની સમજ અને મહત્વ દર્શાવતી સુંદર વાત!

 7. rita saujani says:

  Very Nice Story!

 8. pankita says:

  Too Good Story!

 9. Kavita says:

  મારા દાદા ની યાદ આવી ગઈ. એ પણ ઍવુ જ કહૅતા.

 10. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  કોઇ એ વાવેલા આંબા ની કેરીઓ આપણે ખાધી ને આપણે વાવેલા આંબાની કેરીઓ બીજા માટે.

 11. rutvi says:

  ખરેખર , બહુ જ સાચી જ વાત કરી છે.
  દરેક ઘર મા આવા એક દાદા તો હોવા જ જોઈએ , જે પરીવાર ને સાચા રસ્તે દોરવણી આપે ,

  દરેક પરિવાર નો સભ્ય આવી સમજદારી વિકસાવે તો આપણો દેશ કેટલો આગળ આવી જાય?

  આવો લેખ આપવા બદલ આભાર.

 12. Mittal says:

  nice story,
  realy dadaji is right

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.