કર્તવ્યપાલન – કે. કા. જાની

ભડકો થવા માટે માત્ર એક ચિનગારીની જ જરૂર હોય છે. શીલાના મનમાં કેટલાય દિવસથી ભેગો થયેલો સૂકાં પાંદડાંનો ઢગલો ભભૂકવાને એ સાડીરૂપી ચિનગારી નિમિત્તરૂપ બની. તે દિવસે બપોરે ટીચર્સ રૂમમાં સૌ પોતપોતાના ટિફિન-બોક્ષમાંથી નાસ્તો કરી રહ્યાં હતાં. ત્યારે મયૂરીએ અમેરિકન જ્યોર્જેટની સાડીઓની વાત ઉચ્ચારી હતી. તેનો એક ઓળખીતો સાડીઓનો ધંધો કરતો હતો અને તે અમેરિકન જ્યોર્જેટની સાડીઓની એક ગાંસડી સસ્તે ભાવે મુંબઈથી લાવવાનો હતો. બજારભાવ કરતાં વીસેક રૂપિયા ઓછા ભાવથી એ સાડીઓ મળવાની હતી.

પહેલી તારીખ હતી એટલે બધાંની પર્સ ગરમ હતી. બધાંએ ધડાધડ ઓર્ડર નોંધાવવા માંડ્યા. એક જણીએ તો પોતાને માટે, નણંદ માટે અને ભાભી માટે એમ ત્રણ સાડીઓ નોંધાવી. પણ લતા શાંત હતી. આ મહિનામાં લતાના લગ્નને એક વરસ પૂરું થવાનું હતું, અને એ નિમિત્તે તે એમ્બ્રોઈડરી કરેલી ભારે સીફોન ખરીદવાની હતી. એક જણીએ શીલાને વક્રોક્તિમાં કહ્યું :
‘અરે શીલા, તારાં લગ્નની વર્ષગાંઠ પણ આ મહિનામાં જ છે, તો તું અમેરિકન જર્યોજેટની સાડી કેમ નથી નોંધાવતી ?’….. અને શીલાનું મગજ તપી ગયું. આને શો જવાબ આપવો ? દર મહિને પોતાનો પગાર મોજશોખમાં વાપરનાર એ બાઈને શું કહેવું ? તેને ક્યાં ખબર છે કે અમારે સાસુ-સસરાને દર મહિને પૈસા મોકલવા પડે છે ! પણ બોલવામાં કંઈ સાર નથી એમ માનીને, પાણીના ઘૂંટડા સાથે જ, તેણે પોતાનો ક્રોધ પણ ગળે ઉતારીએ દીધો, અને હાથ ધોવા માટે જતી રહી.

પણ પેટમાં ઊતરી ગયેલો ગુસ્સો ધૂંધવાતો હતો. તેની પીઠ પાછળ કેવી કેવી કોમેન્ટ્સ ચાલતી હશે તેના તે વિચાર કરતી હતી…. ‘આ તે કોઈ માણસ છે ? કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેતી નથી ! કદાચ તેનો પતિ ના પાડતો હશે ? અગર તો તે પોતે મૂંજી હશે ! પણ આટઆટલા પૈસાનું શું કરતા હશે ? હૂતોહૂતી બે જણાં જ છે ! અને લગ્ન થયે ત્રણ વર્ષ થયાં તો પણ બાળકો કેમ નથી ? બેમાંથી એક જણમાં કંઈક વાંધો હશે ! અને બચાવી બચાવીને બેન્કમાં પૈસા મૂકતાં લાગે છે ! કપડાં પણ કેટલાં સાદાં પહેરે છે ! પર્સ પણ કેટલી જૂની થઈ ગઈ છે ! નોટબુકો-ચોપડીઓ મૂકવાથી તે ફાટી ગઈ છે તોય પણ બદલતી નથી !’……… આવી આવી શીલાની ટીકાઓ તેની સાથે કામ કરતી શિક્ષિકાઓ કરતી હતી. કેટલીક વાર તો આડકતરી રીતે તેને કાને પણ કેટલીક ટીકાઓ પડતી. કોઈક વાર તે આવે ત્યારે બધાં મોઢે રૂમાલ રાખીને હસ્યા કરતાં. આ બધી ટીકાઓનો અર્થ તે સમજી શકતી હતી. તેને થયું કે તે આટલી આજ્ઞાંકિત પણે શા માટે વર્તતી હશે ? બીજી બહેનપણીઓની જેમ હરવાફરવાનું કે મોજશોખ તે શા માટે નહિ કરતી હોય ? પોતે કમાતી હોવા છતાં આ બધાં તેને તુચ્છ કેમ ગણે છે ? પોતાની મૂર્ખાઈ પ્રત્યે તેને તિરસ્કાર આવ્યો !

રિસેસ પછીના પિરિયડમાં ભણાવવા તરફ તેનું લક્ષ નહોતું. કેટલાંય દિવસથી મનમાં દાબી રાખેલો ઘાસનો જથ્થો આજે એક જ ચિનગારીથી ભભૂકી ઊઠ્યો હતો. તેણે નક્કી કર્યું કે આ વખતનો પગાર પોતે પોતાની મરજી મુજબ વાપરવો. દર મહિને પગારના પૈસા પતિને શા માટે આપી દેવા ? તેને પોતાની લાગણીઓ નહિ હોય ? આ મહિને સુરેશ નારાજ થાય કે ચિડાય તેની તે પરવા નથી કરવાની. તેની જ નહિ, પણ તેનાં પેલાં લૂલાં લંગડાં કાકીસાસુ અને કાકાસસરાની પણ તે ચિંતા નથી કરવાની. પોતાના શોખની આડે કોઈને નથી આવવા દેવાની. શાળા છૂટ્યા પછી લતાને એકલી જોઈને તેણે કહ્યું :
‘મારે તારી સાથે ખરીદી કરવા આવવું છે. મારે પણ એક એમ્બ્રોઈડરી કરેલી સીફોન સાડી લેવી છે. કાલે જઈશું ?’
લતાએ શીલા તરફ અવિશ્વાસની નજરે જોઈને કહ્યું :
‘કાલે સાંજે તો અમે પિકચરમાં જવાનાં છીએ. તું કોઈ વાર આવતી નથી એટલે તને પૂછ્યું નથી.’
‘કંઈ નહિ. આ વખતે તો હું પણ પિક્ચરમાં આવીશ. ત્રણનો શો છે ને ? જરૂર આવીશ. અને સાડી લેવા ક્યારે સવારે જઈશું ? મોડું થાય તો પછી પૈસા ખરચાઈ જાય ! વળી પિક્ચરમાં જતી વખતે સાડી પહેરીને આવી શકાય.’ લતાને આ સૂચના પસંદ પડી. સવારે ખરીદી કરવા જવાનું નક્કી કરીને બંને જણ છૂટાં પડ્યાં.

કૉલેજમાંથી સુરેશ હમણાં જ આવ્યો લાગ્યો. શીલાને જોઈને તેણે ગેસ ઉપર ચાનું પાણી મૂક્યું. શીલાએ પૂછપરછ કરી : ‘કંઈ કાગળપત્ર છે ?’
‘હા. કાકાનો કાગળ છે.’
પત્ર વાંચવાનો તેને ઉત્સાહ રહ્યો નહોતો. કાગળ તરફ નજર પણ ન કરતાં તે હાથપગ ધોવા જતી રહી, અને જતાં જતાં કહેતી ગઈ : ‘આજે પહેલી તારીખ છે ને ? પૈસા મંગાવ્યા હશે !’
પાણીમાં ખાંડ નાખતાં નાખતાં તે ચમક્યો. પછી તે જરા વક્રોક્તિથી બોલ્યો : ‘તેઓ કદી પણ પૈસા માગતાં નથી ! અત્યાર સુધીમાં કોઈ વાર મંગાવ્યા છે ?’
‘છતાં પણ આપણે મોકલ્યા કરીએ છીએ. આપણા મોજશોખને ભોગે પણ મોકલીએ છીએ. શા માટે મોકલતાં હોઈશું ?’
શીલા પતિના જવાબની રાહ જોઈ રહી, પણ તે થોડી વાર શાંત રહ્યો. પછી પાણીમાં ખાંડ નાખ્યા પછી તેણે કહ્યું : ‘નકામો વાદવિવાદ શા માટે કરે છે ? તેમને આપણે પૈસા શા માટે મોકલીએ છીએ તે તું પણ જાણે જ છે ને ?’
‘હા, જાણું છું ખરી, પણ સમજાતું નથી. તેમને તેમનો પુત્ર છે, પૂત્રવધૂ છે, તે તેમની મુશ્કેલીઓ અને જરૂરિયાતો ન સંભાળી લ્યે ? તેઓ દૂર જઈને બેસે, વર્ષો સુધી ફરકે પણ નહિ, અને તમારે ‘પોતાનું’ માનીને બધી જવાબદારી માથે લઈ લેવી એ ક્યાંનો ન્યાય ? એટલો બધો તમારે તેમની સાથે શો સંબંધ ?
‘શીલા, સંબંધ એ હંમેશા માન્યતાની બાબત છે. મનના ધાગા સોયદોરાથી કોઈની સાથે જેમ સાંધી શકાતા નથી તેમ, તે તૂટે ત્યારે કેમ તૂટ્યા તેની ચિકિત્સા પણ કરી શકાતી નથી. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ છેવટે તો સ્વાતિ નક્ષત્રના વર્ષાબિંદુ જેવો જ છે. ક્યાંક તેનું મોતી બને છે, તો ક્યાંક તે માટીની સાથે ભળી જાય છે. આ બાબતનો કોઈ નિયમ નથી હોતો.’
‘બસ કરો તમારું હંમેશનું આ લેકચર ! એ લેકચર સાંભળી સાંભળી હું કંટાળી ગઈ છું. તેમનાં બધાં દુ:ખ અને મુશ્કેલીઓ દૂર કરવાની જવાબદારી તમારે માથે છે ? તેમને સુણાવી દ્યો કે દીકરાને બોલાવી લ્યે. અમેરિકા ગયો એટલે શું થઈ ગયું ? બેત્રણ વર્ષે તો આવવું જોઈએ ને ? અને અવાય નહિ તો કંઈ નહિ, પણ પૈસા તો મોકલવા જોઈએ ને ? અને તે પણ ન બને તો માબાપને અમેરિકા લઈ જાય. તેઓ તેમની સાથેનો સંબંધ તોડીને અલગ રહે, અને આપણે અહીં આર્થિક ભીંસ વેઠ્યા કરીએ ! તમને જ તેમના પ્રત્યે આટલી બધી લાગણી શા માટે ઊભરાઈ જાય છે ?’
‘સાંભળ શીલા ! નાનપણમાં મારાં માબાપ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં પછી મામા, માસી કે બીજાં કોઈ સગાંવહાલાંએ મારો ભાવ નહોતો પૂછ્યો, ત્યારે તેમને મારા પ્રત્યે શા માટે લાગણી ઊભરાઈ ગઈ હશે કે તેમણે મને પાળીપોષીને મોટો કર્યો ? તે વખતે તેમને મારા પ્રત્યે લાગણી હોવાનું જે કારણ હતું તે જ કારણ અત્યારે મને તેમના પ્રત્યે લાગણી ઊભરાવા માટે છે !’

એટલામાં ગેસ પરની ચા ઊકળવા માંડી હતી અને તેમાંથી વાસ આવતી હતી. ગેસ બંધ કરતાં સુરેશે કહ્યું : ‘શીલા, પ્લીઝ, આ બાબતમાં મારે વાદવિવાદ નથી કરવો. મારે માથે તેમની જવાબદારી છે એ તો મેં લગ્ન પહેલાં જ તને કહી દીધું હતું !’ અને આટલું બોલીને તે બીજા રૂમમાં જતો રહ્યો. ખિન્ન હૃદયે તેણે ઊકળી ગયેલી ચાની તપેલી તરફ જોયું, ને તે ઉતારી લીધી.
‘હા, કહ્યું હતું તે વાત સાચી છે. પણ તેમના પ્રત્યેની જવાબદારી અદા કરવામાં બધો પગાર ખરચાઈ જશે તેની તો મને સ્વપ્ને પણ કલ્પના નહોતી !’

અને સુરેશને પણ એવી ક્યાં ખબર હતી ? લગ્ન થયાં ત્યાં સુધી કાકાનું ગાડું ધીમે ધીમે ચાલ્યે જતું હતું. ક્યાંક તે નામું લખવા જતા. થોડુંઘણું જમીનમાંથી મળતું. વચ્ચે વચ્ચે સુરેશ પણ પૈસા મોકલતો. પણ કંઈ ખાસ મુશ્કેલી જેવું નહોતું. પણ સુરેશનાં લગ્ન થયા પછી પાંચ-છ મહિને જ કાકીને પગે ફ્રેકચર થયું; પછી પ્લાસ્ટર. લાંબી ચાલેલી એ બીમારી. છેવટે એ પગ ખોટો પડી ગયો. ફરીથી ઑપરેશન કરવું પડ્યું. ત્યાર પછી કાકાનું મોતિયાનું ઑપરેશન. પછી તેમને આવેલો હાર્ટ ઍટેક, અને તેને પરિણામે કરવી પડેલી દોડધામ. અનિચ્છાએ પણ આ બધામાં પૈસાનો ખૂબ ખર્ચ કરવો પડ્યો. પગાર હાથમાં આવે કે તરત જ ખલાસ થઈ જાય. તેમાં વળી તેનું ખોરંભે પડેલું પ્રમોશન, અને તેને અંગે વરતાતી પૈસાની તંગી ! મોજશોખની તો વાત જ ન કરવી, પણ બે વખતી ખાવાપીવાના ખર્ચને પણ માંડ માંડ પહોંચી વળાતું. આને કારણે જ કરવું પડતું ફેમિલી પ્લાનિંગ.

આજે ત્રણ ત્રણ વરસ થયાં તો પણ તેઓ બંને એકલાં જ હતાં. શીલાને થયું કે પોતે તેના હાથમાં પગાર આપી દે છે તેનું આ બધું પરિણામ છે. તેની ભાવનાની તે કંઈ કદર જ નથી કરતો. એક વખત એવો હતો કે તે તેની પાછળ ઘેલી બની ગઈ હતી. પણ પોતે મૂર્ખ હતી એમ અત્યારે તેને લાગતું હતું. ચાનો કપ હાથમાં આપતાં શીલાએ પૂછ્યું : ‘કાકા શું લખે છે ?’
‘આવતા ગુરુવારે કોર્ટમાં મુદત છે.’
‘ગયા બે મહિનાથી આ વળી એક નવો ખર્ચો જાગ્યો છે. આ તમારો ચોથો આંટો છે.’ ચિડાઈને શીલા બોલી.
‘તું ચિંતા શા માટે કરે છે ? બધું મારા પર છોડી દે. તારી જાત પણ મને સોંપી દે.’ તેની પાસે સરકીને સુરેશે કહ્યું. પણ શીલા ‘બસ કરો’ કહીને દૂર સરકી, અને બોલી : ‘છેલ્લાં ત્રણ વર્ષથી બધું તમને જ સોંપ્યું છે ને ! બધો પગાર તમને જ આપું છું ને ! નહિ મોજશોખ કે નહિ બહેનપણીઓ સાથે હરવાફરવાનું. કીમતી સાડીઓ, પર્સ કે કંઈ જ નહિ. કેમ જાણે હું પૈસા કમાવાનું મશીન ન હોઉં !’
‘શીલા, હું મારે માટે કંઈ ખર્ચ કરું છું ? મિત્રોને ભેગા કરીને પાર્ટીઓ આપું છું ? કે નાટક-સિનેમામાં જાઉં છું ?’
‘એમ કરતા હોત તો તો મને સંતોષ થાત કે મારા પતિ મોજશોખ માણે છે. પણ હું શ્રમ કરીને પૈસા લાવું છું તે બીજા માટે વપરાય છે !’
‘બીજા માટે ? કાકા-કાકી પરાયાં છે ?’ સુરેશે ગુસ્સે થઈને પૂછ્યું.
‘પારકાં નહિ, આપણાં જ. અને તેમનો દીકરો તેમનો નહિ, કેમ ? તેમનું બધું જ તમારે કરવાની શી જરૂર છે ? તેમનો દીકરો બધું સંભાળી લેશે. જમીનની મુદત માટે આ તમારો ચોથો આંટો છે. પૈસાનો તો ઘાણ બોલી જાય છે. અને જમીન મળી જશે ત્યારે તે તમારે નામે થોડી ચડાવી દેવાના છે ? તે વખતે તો દીકરા પ્રત્યેનું હેત ફાટી નીકળશે !’
‘મને એ જમીન લેવાની જરા પણ અપેક્ષા નથી. હું જે કંઈ કરું છું તે મારી ફરજ ગણીને જ કરું છું.’
‘અને માબાપની સંભાળ લેવાની દીકરાની ફરજ નથી ?’
‘શીલા, ફરજ માટે કંઈ ઈન્કમટેક્ષ જેવા કાયદા નથી હોતા, કે જેથી જબરદસ્તીથી એ વસૂલ કરી શકાય. કોણે ફરજ બજાવવી અને કોણે ન બજાવવી, તે દરેક વ્યક્તિએ પોતે જ નક્કી કરવાનું હોય છે. આ બાબત તને પણ લાગુ પડે જ છે. તને આ ફરજ બજાવવાનું પસંદ ન હોય તો તું પણ તારી મરજી મુજબ વર્તી શકે છે.’
‘વર્તવાની જ છું. આજથી હું મારો પગાર મારી મરજી પ્રમાણે જ અને મારે માટે જ વાપરવાની છું.’
‘વાપર, વાપર, જરૂર વાપર. તું ભાગ્યશાળી છે, શીલા, કે તું એમ કહી શકે છે કે મારો પગાર હું મારી મરજી પ્રમાણે વાપરીશ. હું પુરુષ જેવો પુરુષ છું છતાં એમ કહી શકતો નથી એટલો કમભાગી છું.’
‘શા માટે નથી કહેતા ? ફરજનો બોજો માથે ઉપાડીને શા માટે ફરો છો ? જીવનનો ગુલાબી રંગ ઝાંખો શા માટે પાડી દો છો ?’
‘પોતાનાં માણસો માટે કંઈ કરીએ તો એ ઝાંખો પડી ગયેલો રંગ પણ ફરીથી ગુલાબી રંગ પકડી લે છે ! કંઈ નહિ, જવા દે. તને એ અત્યારે નહિ સમજાય.’ એમ કહીને સુરેશ જતો રહ્યો.

રાત્રે તે ઘેર મોડો આવ્યો. જમતાં જમતાં શીલાએ તેને કહી દીધું : ‘કાલે સવારમાં જ હું જરા ખરીદી કરવા જવાની છું એટલે રસોઈ થઈ શકશે નહિ. કાલનો દિવસ બહાર જ જમી લેજો. બપોરના પાછું પિક્ચરમાં જવાનું છે.’ તેણે ‘હં’ કહીને જવાબ આપ્યો.

બીજે દિવસે સાડીની ખરીદી કર્યા પછી શીલાએ એક હૉટેલમાં જઈને બે-ત્રણ ડીશ પેટ ભરીને ખાઈ લીધી. સિનેમામાં જતી વખતે સાડી પહેરવાનું નક્કી કરીને તે ઘેર પાછી ફરી. ઘેર પાછાં ફરતાં તેણે ખૂણા પરની દુકાન પાસે રિક્ષા ઊભી રાખી. બે-ચાર નોટબુકો અને ચોપડીઓ સમાય એવી એક સુંદર નવી પર્સ ખરીદી લીધી. પછી લીપસ્ટીક, ઊંચી જાતનું ક્રીમ, નેઈલ પેઈન્ટ અને એક ભારે કીમતી સેન્ટની શીશી પણ ખરીદી. આજે લગભગ ત્રણસો રૂપિયાનો ધુમાડો થયો હતો, પણ તેની કંઈ ચિંતા નહોતી. પતિની દરકાર કર્યા વગર પૈસા ખર્ચવાની આજે તેને ધૂન લાગી હતી. તેનું મન પ્રફુલ્લિત બન્યું હતું, પણ ઘેર આવીને તે પાછી ઉદાસ બની ગઈ. સુરેશ બ્રેડને ચટણી લગાડીને સેન્ડવીચ બનાવતો હતો. પોતે કંઈક ગુનો કર્યો હોય એમ તેને લાગ્યું. પોતે ખાધેલી ત્રણચાર ડીશ તેના પેટમાં ઉછાળા મારતી હોય એમ તેને લાગ્યું. પણ હવે પીછેહઠ કરી શકાય તેમ નહોતું. તેણે ધીમે અવાજે પૂછ્યું : ‘હૉટેલમાં જઈને કેમ ન જમી આવ્યા ?’
‘પરવડે નહિ એટલા માટે.’
‘કાકા-કાકી માટે ખર્ચ કરવો પરવડે છે, ને પોતાને માટે નથી પરવડતો ?’
‘પરવડે અને કરવો પડે એ બે જુદી જુદી બાબતો છે, શીલા ! ઈચ્છાની મર્યાદાઓ બાંધી શકાય છે; કારણ કે તે ફક્ત આપણી જ હોય છે. પણ ફરજનો એક છેડો બીજા સાથે જોડાયેલો હોય છે, એટલે તેની લંબાઈ-પહોળાઈ નક્કી કરી શકાતી નથી. પણ જવા દે. હું મારું ફોડી લઈશ. તેમનું નામ શા માટે વચ્ચે લાવે છે ? તેમનો ખર્ચ હવે પછીથી હું જ ભોગવી લઈશ. એકાદ-બે ટ્યૂશન રાખવાના હું વિચારમાં જ છું; એટલે કંઈક બોજો હળવો થશે. તને ભૂખ લાગી હોય તો લે આ સેન્ડવીચ, મસ્ત છે. સાથે કોફી પીશું કે ચા ?’

શીલાને થયું કે પોતે કદાચ રડી પડશે. પણ તે મન મક્કમ કરીને પોતાના નિર્ણયને વળગી રહી.
‘મેં તો જમી લીધું છે. તમે ખાઈ લો.’ તે બની શકે તેટલી કડકાઈથી બોલીને અંદર જતી રહી. શીલાને મનમાં થતું હતું કે તેણે તેને કૉફી તો કરી દેવી જોઈએ. છતાં તે મનની ખુમારીમાં ને ખુમારીમાં કોટ પર સૂઈ રહી. થોડી વારે સુરેશે અંદર આવીને કહ્યું : ‘આજે જતાં જતાં તું છત્રી ભૂલી ગઈ હતી ને ? તડકો કેવો હતો ! તને ગરમી જલદી લાગી જાય છે તે તો જાણે છે ને ?’
તેના પ્રેમાળ શબ્દોથી ભીંજાયા છતાં પણ તેણે કડકાઈથી કહ્યું : ‘હું કંઈ એવી મીણની પૂતળી નથી. અત્યારે પણ હું તો છત્રી વગર જ પિક્ચરમાં જવાની છું.’ અને….. એ તરત જ ઊઠી. એકદમ મસ્ત મેકઅપ કરવાનો હતો. હેરસ્ટાઈલ પણ કરવાની હતી. એક વાર તો સૌને ચકિત કરી દેવાનાં હતાં ! તે ખુશમિજાજમાં તૈયાર થઈ રહી હતી. સુરેશ એકીટશે જોઈ રહ્યો હતો. તેણે કહ્યું : ‘અત્યારે તો છત્રી લઈ જ જજે. તડકો સખત છે. લૂ લાગી જશે.’
પણ તેણે ખભા ઉલાળ્યા. સાડી સરખી કરી. સેન્ટ છાંટ્યું. પછી તેની સામે આવીને પૂછવા લાગી : ‘કેવી લાગું છું ?’
‘સરસ ! ઘણી સરસ !’
‘બહેનપણીઓ પણ ઘડીભર જોઈ રહેશે.’ તેણે ખુશમિજાજમાં કહ્યું અને પર્સ ઉલાળીને નીકળી ગઈ.
‘બીજાને ખુશ કરવા આટઆટલું કરે છે, તો પછી પોતાના માણસને ખુશ કરવા માટે થોડુંક કરવામાં શો વાંધો આવતો હશે ?’ શીલાએ જતાં જતાં સુરેશના શબ્દો સાંભળ્યા, પણ તે તરફ દુર્લક્ષ કરીને તે જતી રહી. તેની શબ્દજાળમાં તે ફસાવા માગતી નહોતી.

બસની રાહ જોતી તે સ્ટેન્ડ પર ઊભી રહી. બસમાં ચડ્યા પછી કંડકટરને પૈસા આપવા પર્સ ઉઘાડતાં જ તેણે તેમાં ફોલ્ડિંગ છત્રી જોઈ. તેને ખાતરી થઈ કે સુરેશનું જ આ કામ છે, છત્રી માટેના વાદવિવાદ પછી તેણે સુરેશને કહ્યું હતું : ‘તમે પણ નવો રેઈનકોટ લઈ લ્યો. કેટલો ફાટી ગયો છે !’
તેણે કહ્યું હતું : ‘મારી ચિંતા તું ન કર. તું નાજુક છે. જરાક ગરમી લાગે એટલે તારો ચહેરો લાલચોળ થઈ જાય છે.’ એમ કહીને તેણે આ ફોલ્ડિંગ છત્રી લઈ લીધી હતી. અને કપડાં પણ તેણે કેટલાય વખતથી લીધાં નહોતાં. અને પોતે આજે એક જ દિવસમાં કેટલો ખર્ચ કરી નાખ્યો હતો ?

શીલાનો નશો ધીમે ધીમે ઊતરવા લાગ્યો. માત્ર બહેનપણીઓ શું કહેશે તે તરફ લક્ષ આપીને, પતિને શું લાગશે તેનો તો તેણે વિચાર જ નહોતો કર્યો ! પતિ આટલો નજીક હતો અને પ્રેમાળ હતો, છતાં તેના તરફ દુર્લક્ષ કરીને પારકાની પરવા કરી હતી. તેને થયું કે પોતે ગંભીર ભૂલ કરી છે. ડગલે ને પગલે પતિ તેની સંભાળ રાખે છે, પણ આજે તેના ખાવાપીવાની પણ તેણે કંઈ વ્યવસ્થા નહોતી કરી ! તેને માટે વહેલા ઊઠીને ભાખરી-શાક બનાવ્યા પછી બહાર જવાની જરૂર હતી ! શીલાનું હૃદય ભરાઈ આવ્યું. પોતે અક્ષમ્ય ગુનો કર્યો છે તેનું તેને ભાન થયું. પોતાની નિર્દયતા ઉપર ચીડ ચડી. મનમાં તરંગ આવતાં જ તેણે કુટુંબની બધી જ જવાબદારીઓ ફગાવી દઈને પોતાના પગારના પૈસામાંથી મોજશોખ કરવા માંડ્યો હતો, અને તે પણ પતિના આશ્રય નીચે. પણ પતિ કોના પીઠબળથી પોતાની જવાબદારીઓને ઠોકરે મારી શકે તેમ હતો ?

બસ ઊભી રહી. તે બસમાંથી ઊતરીને સામેના બસ-સ્ટેન્ડ તરફ દોડી, અને ઘર તરફ જતી બસમાં ચડી ગઈ. ઘર પાસેના સ્ટેન્ડ પર ઊતરીને તે દોડતી ઘેર પહોંચી ગઈ. તેને પાછી આવેલી જોઈને સુરેશે આશ્ચર્યથી પૂછ્યું : ‘કેમ ? પાછી કેમ આવી ?’
જવાબ આપવાને બદલે સુરેશના ખભા પર માથું ઢાળીને શીલા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દાદાનો દલ્લો – ઈલા આરબ મહેતા
ખડખડાટ – સંકલિત Next »   

20 પ્રતિભાવો : કર્તવ્યપાલન – કે. કા. જાની

 1. Mital says:

  Awesome Story.
  I liked the matured talks of Suresh, when was replying to Sheila to make her understand about their responsibilities towards Kaka-Kaki.

  There are only 2% of the people in this world, who understand their own ફરજ and act according to their conscience, the rest 98% should really learn from them.

  Very great story.
  Thanks.

 2. nayan panchal says:

  વિષય ચીલાચાલુ હોવા છતા ખૂબ જ સુંદર રીતે લખાયેલી વાર્તા.

  “સંબંધ એ હંમેશા માન્યતાની બાબત છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ છેવટે તો સ્વાતિ નક્ષત્રના વર્ષાબિંદુ જેવો જ છે. ક્યાંક તેનું મોતી બને છે, તો ક્યાંક તે માટીની સાથે ભળી જાય છે. આ બાબતનો કોઈ નિયમ નથી હોતો.”

  “પરવડે અને કરવો પડે એ બે જુદી જુદી બાબતો છે! ઈચ્છાની મર્યાદાઓ બાંધી શકાય છે; કારણ કે તે ફક્ત આપણી જ હોય છે. પણ ફરજનો એક છેડો બીજા સાથે જોડાયેલો હોય છે, એટલે તેની લંબાઈ-પહોળાઈ નક્કી કરી શકાતી નથી.”

  સુરેશનુ પાત્ર એકદમ પરિપક્વ. પત્ની અને માતા-પિતા(અહીં કાકા-કાકી) વચ્ચે સૅન્ડવિચ થતા દરેક પુત્રે હંમેશા પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરીને જે સાચુ હોય તેનો જ સાથ આપવો જોઈએ.

  નયન

 3. Mohit Parikh says:

  I think its a debatable story. Both shila and suresh had valid arguments but not much of focus was given to details. Considering that, i just wonder how Mital worked out the amazing statistics of 2% and 98%!!(Just trying to joke!!)

 4. rajnikant says:

  અગનપંખ

 5. rajnikant says:

  વાંચવા જ

 6. Bhavin says:

  REALLY NICE STORY – GOOD ONE –

 7. asthasheth says:

  બહુજ સરસ વાર્તા ચે

 8. sujata says:

  ઈચ્છાની મર્યાદાઓ બાંધી શકાય છે; કારણ કે તે ફક્ત આપણી જ હોય છે. પણ ફરજનો એક છેડો બીજા સાથે જોડાયેલો હોય છે, એટલે તેની લંબાઈ-પહોળાઈ નક્કી કરી શકાતી નથી.
  ઉત્ત્મ વિચાર્………..

 9. Mital says:

  Mohit,
  You should read the whole story again and re-think over and over again, until you don’t get the clear picture of how I got my statisitcal figures over there( Pun intended!!!)

 10. ભાવના શુક્લ says:

  સુખ એક અનુભુતી છે…પૈસા વાપરવા-ન વાપરવાએ મનની દલીલો છે… ક્યારેક ખરુ સુખ કયુ છે તેની સમજ આડા રસ્તે ચડી જતી હોય ત્યારે તેને સાચા રસ્તે વાળવા મન દોડાદોડી કરી મુકે છે અને જેવી અનુભુતી થાય ત્યા જ સમજાઈ જાય છે અને ભટકતી સમજ વળી પાછી નિત્ય રસ્તે ચડી જાય… સુખ પિક્ચર જોવામા પણ મળે..હોટલમા ખાવામા પણ મળે અને રવિવારની સવારે કુણા તડકામા પેપર વાચી રહેલા પતિ માટે નાનકડા ગમતીલા ગીતને ગણગણતા ચા બનાવી સાથે પિવામા પણ મળે… સવાલ સાચી અનુભુતિનો હોય શકે..પૈસા ખરચી હોટલમા ખાઈ..મનપસંદ ખરીદી કરી મીત્રો સાથે મુવી જોવા જતી શિલા સુખ શોધવા ગઈ અને દુઃખી થઈ… એજ સુખ તેને પાછા વળી સુરેશના ખભે માથુ મુકી રડતા રડતા પાછુ મળી ગયુ..
  સુખની સાચી સમજ પાછી મળી…
  લોકો જ્યારે પીઠ પાછળ તમારી ટીકા કરતા હોય ત્યારે ખરેખર ખુશ થવુ કે તમારુ વ્યક્તિત્વ તેમના ગળે ઉતરતુ નથી..સ્વિકારી શકતા નથી જે તેજ વલય તમને વિટળાઈ વળેલુ હોય તેને.. અને નાસમજ અને ઇર્ષાતો કૈ પણ બોલાવે..તેમની ટીકા સાંભળી અને સાથે જ સુખની તમારી વ્યાખ્યામા આવતી અનુભુતિને યાદ કરી જરા મનમા ધિરુ મલકાઈ જશો તો પારકા શબ્દો ક્યારેય પીડા નહી આપે.
  સરસ વાર્તા!!!

 11. Hiral Thaker "Vasantiful" says:

  “વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ છેવટે તો સ્વાતિ નક્ષત્રના વર્ષાબિંદુ જેવો જ છે. ક્યાંક તેનું મોતી બને છે, તો ક્યાંક તે માટીની સાથે ભળી જાય છે. આ બાબતનો કોઈ નિયમ નથી હોતો.”

  “પરવડે અને કરવો પડે એ બે જુદી જુદી બાબતો છે, શીલા ! ઈચ્છાની મર્યાદાઓ બાંધી શકાય છે; કારણ કે તે ફક્ત આપણી જ હોય છે. પણ ફરજનો એક છેડો બીજા સાથે જોડાયેલો હોય છે, એટલે તેની લંબાઈ-પહોળાઈ નક્કી કરી શકાતી નથી.”

  ખુબ જ સરસ વારતા.

  સમજ્દારી કે સમજ્ણ હોય તો ફરજો આપોઆપ સમજાઇ જાય! અને ખરેખર સાચા દિલથી ફરજ બજાવ્યા પછી અધિકારની અપેક્ષા ખરી પડે છે.

 12. Hardik Panchal says:

  Bahu j mast story che…sambandh e manyata ni vat che…

  ane ek vastu to mane bahu j gami…….

  “પરવડે અને કરવો પડે એ બે જુદી જુદી બાબતો છે! ઈચ્છાની મર્યાદાઓ બાંધી શકાય છે; કારણ કે તે ફક્ત આપણી જ હોય છે. પણ ફરજનો એક છેડો બીજા સાથે જોડાયેલો હોય છે, એટલે તેની લંબાઈ-પહોળાઈ નક્કી કરી શકાતી નથી.”

  saras rite varnvyu che..

 13. Maharshi says:

  સરસ વાત!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.