સ્પેશિયાલિસ્ટના પંજામાં – રમેશ. મ. ભટ્ટ

અમારા મોં સામે જોઈ શ્રીમતીએ કહ્યું : ‘તમે મારું કહ્યું ક્યારે માનશો ?’
અમે કહ્યું : ‘તમે સાચું બોલતાં ક્યારે થશો ?’
શ્રીમતીએ તદ્દન કંટાળો વ્યક્ત કર્યો. અને પછી એમણે કહ્યું : ‘તમને તમારા શરીરનું જરાયે ભાન નથી.’
‘પણ થયું છે શું એ તો કહો ?’
‘તમારું શરીર દિવસે દિવસે કથળતું હોય એમ લાગે છે !’
‘પણ અમને નથી લાગતું !’
‘એટલે તો કહું છું.’
‘શું કહો છો ?’
‘કે તમને તમારા શરીરની કાંઈ જ દરકાર નથી.’
‘તો અમે શું કરીએ ? ડૉક્ટરની દવા લાવીએ ?’
‘ના.’
‘તો પછી શું કરીએ ?’
‘કો’ક સ્પેશિયાલિસ્ટની પાસે જઈએ !’
‘શેના સ્પેશિયાલિસ્ટ ?’
‘શરીરના.’
‘કેમ, તમે છો જ ને ?’
‘શું હું ડૉક્ટર છું ?’
‘તો પછી તમને શી રીતે ખબર પડી કે અમારી તબિયત સારી નથી રહેતી ?’
‘આ તમે રોજ બૂમો પાડો છો કે હવે હું થાકી જાઉં છું, કાંઈ ગમતું નથી….’

અમે શ્રીમતીને એમની યાદી આપતાં રોક્યાં અને એમણે કરેલા અનુમાન પર વિચાર કરતાં લાગ્યું કે ક્યારેક શ્રીમતી અને બેબીના સ્ટંટથી કંટાળીને થાકીએ છીએ, કંટાળીએ છીએ એમ કહીએ છીએ એનો અર્થ એમણે આવો કર્યો ! અને એમના આગ્રહથી જેમ અમારા ફેમિલિ ડૉક્ટરનું આગમન અમારા ઘેર થયેલું એ પ્રમાણે અમારે પણ સ્પેશિયાલિસ્ટના પંજામાં આવવું જ પડ્યું.

કન્સલ્ટ કરનાર સ્પેશિયાલિસ્ટના મંદિરમાં અમે ઝડપથી પ્રવેશતા હતા ત્યાં જ શ્રીમતીએ કહ્યું : ‘જરા ધીમા ચાલો !’
‘કેમ ? અમારે અહીં માંદગીનું નાટક ભજવવાનું છે ?’
‘એમ નહિ – હું પાછળ પડી જાઉં ને ?’ દવાખાનામાં પણ ‘આગળ પાછળ’ ભાવ સાચવતાં શ્રીમતી આજે વધારે ઉત્સાહમાં જણાતાં હતાં ! અમે જે ડૉક્ટરને ત્યાં ‘ફેમેલી રૂમ’ ન હોય તેમના દવાખાનાને ફૅમિલી રૂમ વિનાની હોટેલ એવું કહેલું. તેથી અમારા ડોક્ટરને માઠું લાગેલું ! એમણે કહેલું કે હોટેલ તો તબિયત ખરાબ કરે છે ! અમે તો શરીર સારું કરી આપીએ છીએ ! અમને લાગે છે કે સ્પેશિયાલિસ્ટનાં મકાનો એ તીર્થસ્થાનોમાં રહેલાં મંદિર સમાન છે.

અમે કેટલીક વાર બેસી રહ્યા અને અમારો વારો આવ્યો ત્યારે શ્રીમતીએ કહ્યું : ‘ચાલો !’ અને અમે ચાલ્યા ! ડૉક્ટરની સામે ખુરશીમાં બેઠા ! ડૉક્ટરે અમારી સામે જોયું ! થોડી વાર કાંઈ જ બોલ્યા નહિ ! અમે પણ એમને અનુસર્યા ! દ્વિધાનો ભાવ અનુભવતા ડોક્ટરે પ્રશ્ન પૂછ્યો : ‘કોના માટે આવ્યાં છો ?’ શ્રીમતીએ અમારા તરફ ઈશારો કર્યો ! ડોક્ટર સમજ્યા પણ અમે ન સમજ્યા એટલે અમે કહ્યું : ‘તમારા માટે !’ શ્રીમતીને વીજળીનો શૉક લાગ્યો હોય એમ ચમક્યાં ! અને પછી હળવેથી છતાં જોરથી અમને ચૂપ રાખવાના હેતુથી અમારા પગની આંગળીઓ દાબી ! અમે ‘બૂમ’ પાડી ઊઠત તો ડૉક્ટરને નિદાન કરવું ઘણું જ સરળ થઈ જાત ! પણ અમે શિસ્ત જાળવી !

પછી ડૉક્ટર ઊભા થયા. અમને કહ્યું : ‘ચાલો.’
અમે ઊભા થયા. બહાર શ્રીમતીએ કહેલું એમ જ ડૉક્ટરે અમને કહ્યું. પછી એક નાના અંધારિયા ઓરડામાં લઈ જઈ અમને કહ્યું : ‘સૂઈ જાવ.’
અમે સૂતા ! પછી પૂછ્યું : ‘બોલો શું થાય છે ?’
અમે કહ્યું : ‘ગભરામણ.’
‘બસ ?’
‘એ શું તમને ઓછું લાગે છે ?’
‘ના, એમ નહિ. પણ બીજું કંઈ થાય છે ?’
‘હા.’
‘શું ?’
‘હમણાં અમે થોડી વારમાં બેભાન થઈશું !’
‘એ કેવી રીતે !’
‘તમે અમને ખુલ્લી હવામાં લઈ જાવ.’
ડૉક્ટરે અમારી વાત ન માની ! અને અમારાં શ્રીમતીને બોલાવ્યાં. ડોક્ટરે ઈશારાથી પૂછ્યું કે : ‘આમનું મગજ ઠેકાણે તો છે ને ?’
શ્રીમતીએ કહ્યું, ‘મગજ તો હમણાંથી ઠીક છે ! પણ થાકી જાય છે ! કંટાળે છે !’

પછી ડૉક્ટરે અમારું પહેરણ ઊંચું કરવા કહ્યું. અમે એમ કર્યું. એટલે સ્ટેથોસ્કોપ અમારી છાતી પર ફેરવવા માંડ્યું ! પછી કહે : ‘શ્વાસ લો.’
અમે કહ્યું : ‘એ તો લઈએ જ છીએ !’
એટલે પછી થોડીક ક્ષણ એમણે આ વિધિ કરી અને ડોકું ધુણાવ્યું. આ જોતાં જ અમારો શ્વાસ જોરથી ચાલવા લાગ્યો ! અમે પૂછ્યું : ‘શું શ્વાસ નથી સંભળાતો ?’ ડૉક્ટર માત્ર ખચકાયા અને બહાર નીકળ્યા ! અમે એમની સાથે બહાર નીકળી છૂટકારાનો દમ ખેંચ્યો !

શ્રીમતીએ ડૉક્ટરને પૂછ્યું : ‘શું લાગે છે ?’
‘હૃદય નબળું પડ્યું હોય એમ લાગે છે !’ આ સાંભળતાં અમારું હૃદય હમણાં જ બંધ પડશે એમ લાગવાથી અમે હૃદય પર હાથ મૂકી જોયો !
ડૉક્ટરે કહ્યું : ‘તમે ગભરાશો નહિ.’ અમે કહ્યું : ‘સારું પણ આ વાતની તમને શી રીતે ખબર પડી ?’
‘હું હૃદયનો સ્પેશિયાલિસ્ટ છું.’ ડૉક્ટર ગૌરવથી બોલ્યા.
અમે પૂછ્યું : ‘તો ડૉક્ટર, અમારું હૃદય નબળું પડ્યું છે એનો અર્થ એવો કે અમે હવે વધુ પ્રેમાળ બનવાના, કેમ ખરું ને ?’ ડૉક્ટરે અમારી વાત ઉડાવી હસવા માંડ્યું ! હૃદયના સ્પેશિયાનાલિસ્ટ પુરુષો પણ હોઈ શકે ? અમારાં શ્રીમતી અમારા હૃદયનાં સ્પેશિયાલિસ્ટ છે !
ડૉક્ટરને અમે પૂછ્યું : ‘તમે કેવા હૃદય જોયાં છે ?’
‘ઘણાંનાં જોયાં છે !’
‘અમે તો ક્રૂર, પ્રેમાળ, ઘાતકી હૃદય જોયાં છે !’
પછી અમે ડૉક્ટરને પૂછ્યું : ‘તમોએ જે બહાર પાટિયું લગાવ્યું છે એમાં ‘હૃદયના રોગોના અનુભવી’ એમ લખ્યું છે !’
‘બરાબર છે !’
‘તો તમારું જ હૃદય સારું કરો ને ?’
અમારા પ્રશ્નથી ડૉક્ટરને અમારું મગજ ‘ચસ્કેલ’ લાગ્યું ! એમણે કહ્યું : ‘આ બધા રોગો મને થયા છે એવો અર્થ નથી !’
અમારે હવે આગળ ચર્ચા ન કરવી એવો ઈશારો શ્રીમતીએ કર્યો ! પછી સ્પેશિયાલિસ્ટે કહ્યું : ‘પણ તમારે એક કામ કરવું પડશે !’
‘શું ?’ અમે પૂછ્યું.
‘ફોટો પડાવવો પડશે.’
‘પડાવ્યો છે !’
‘તમે અહીં લાવ્યા છો ?’
‘ના. એમ ફોટા કંઈ સાથે લઈને ફરાતું હશે ?’
‘પણ મને બતાવવા તો લાવવા હતા !’
અમને જોતા હોવા છતાં પણ અમારો ફોટો જોવાની આટલી દિલચશ્પી શા માટે એ અમને ન સમજાયું !
અમે કહ્યું : ‘અમે જાતે જ હાજર છીએ પછી ફોટાની શી જરૂર છે ?’
‘અરે ભલા માણસ, તમારા હૃદયના ફોટાની વાત કરું છું !’

આ વાત સાંભળી અમે પહેલી જ વાર શરમિંદા પડ્યા ! શ્રીમતીની સામે જોયું ! આ જ અમારા હૃદયની તસવીર છે – એમ કવિની જેમ અમે કહેતાં શરમાયા ! પણ હૃદયના સ્પેશિયાલિસ્ટ ન જ સમજ્યા. ડૉક્ટરે પછી એક્સ-રે ફોટાની વાત સમજાવી. અમારું મોં ન દેખાય તેવો, અમારાં હાડકાંપાંસળાં દેખાય એવો ફોટો પાડ્યો અને પછી એમણે કાગળ ઉપર કેટલાક ન ઊકલે એવા લીટા તાણ્યા !
અમે પૂછ્યું : ‘આ શું લખ્યું છે એ તો સમજાવો !’
ડૉક્ટરે કંટાળો વ્યક્ત કર્યો ! એમણે કહ્યું : ‘તમારા ફૅમિલી ડૉક્ટરને બતાવજો. એ તમને સમજાવશે.’
‘પણ તમે દવા તો આપો.’
‘દવા તો લખી આપી છે !’
‘તે કાગળથી આવો રોગ મટશે ?’ આથી ડોક્ટર શ્રીમતીની સહાય માગતા હોય તેમ જોઈ રહ્યા. શ્રીમતી કહે : ‘ચાલો હવે.’
અને ડૉક્ટર સામે ફરીને પૂછ્યું : ‘કેટલી ફી ?’
‘પાંચસો રૂપિયા.’
અમારાથી આ સાંભળી બોલી જવાયું : ‘કેવી રીતે ?’
‘અઢીસો ફોટાના અને અઢીસો તપાસવાના.’
અમારાથી આગળ ન બોલાયું ! શ્રીમતીએ એમની ખાનગી બચતમાંથી એ રકમ આપી !

અમે બહાર નીકળ્યાં ! કન્સલટિંગનો કેસ (!) જ માત્ર અમારા હાથમાં હતો. શ્રીમતીએ અમારી સામે જોયું ! અમે કહ્યું : ‘ગભરાશો નહિ – હવે અમે ધીમે ધીમ જ ચાલીશું.’
‘કેમ ?’
‘અમારું હૃદય નબળું પડ્યું છે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’
સ્વજન – ગિરીશ ગણાત્રા Next »   

14 પ્રતિભાવો : સ્પેશિયાલિસ્ટના પંજામાં – રમેશ. મ. ભટ્ટ

 1. nayan panchal says:

  “દ્વિધાનો ભાવ અનુભવતા ડોક્ટરે પ્રશ્ન પૂછ્યો : ‘કોના માટે આવ્યાં છો ?’ ડોક્ટર સમજ્યા પણ અમે ન સમજ્યા એટલે અમે કહ્યું : ‘તમારા માટે !’ ”

  હવે તો શરીર માટે નહી પરંતુ પોતાના ખિસ્સા માટે, માંદા પડવામા મજા નથી.

  નયન

 2. ચાંદસૂરજ says:

  ગંભીર વાતાવરણના વસવાટમાં પણ રમૂજ અને મજાકનો વાસ હોય છે એ લેખકે સરસ રીતે બ્યાન કર્યું.કદાચ ગંભીરતાને એનો ધક્કો લાગતો હશે!

 3. navin patel says:

  ઇન્તેરેસ્તિન્ગ એન્દ હિલરિઓઉસ્.

 4. Jatan says:

  પછી અમે ડૉક્ટરને પૂછ્યું : ‘તમોએ જે બહાર પાટિયું લગાવ્યું છે એમાં ‘હૃદયના રોગોના અનુભવી’ એમ લખ્યું છે !’
  ‘બરાબર છે !’
  ‘તો તમારું જ હૃદય સારું કરો ને ?’

  ‘તે કાગળથી આવો રોગ મટશે ?’ આથી ડોક્ટર શ્રીમતીની સહાય માગતા હોય તેમ જોઈ રહ્યા.

  બહુજ મજા આવિ, બહુજ સરસ,

 5. Jatan says:

  પછી અમે ડૉક્ટરને પૂછ્યું : ‘તમોએ જે બહાર પાટિયું લગાવ્યું છે એમાં ‘હૃદયના રોગોના અનુભવી’ એમ લખ્યું છે !’
  ‘બરાબર છે !’
  ‘તો તમારું જ હૃદય સારું કરો ને ?’

  ‘તે કાગળથી આવો રોગ મટશે ?’ આથી ડોક્ટર શ્રીમતીની સહાય માગતા હોય તેમ જોઈ રહ્યા.

  બહુજ મજા આવિ, બહુજ સરસ, સરસ લેખ છે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.