સ્વજન – ગિરીશ ગણાત્રા

સલીલને પરણીને મેઘાએ એના બંગલામાં પ્રવેશ કર્યો ત્યારે એણે જે એક સપનું સેવ્યું હતું તે પૂરું થયું. જો કે મેઘા જેવી આધુનિક યુવતીઓ ઈચ્છતી જ હોય છે કે સારું ઘર હોય – આ ‘સારું’ ઘર એટલે સમૃદ્ધ ઘર-બંગલો, કાર વગેરે. સારો વર હોય – ‘વર’ એટલે દેખાવમાં ફિલ્મ એક્ટર જેવો રૂડો, રૂપાળો, રંગીલો, ભણેલો, બાપનો કે પોતાનો કારોબાર ચલાવતો હોય એવો. બસ, એના નૂતન જીવનમાં આટલું હોય એટલે ભયો ભયો.

મેઘાને પણ આવો જ, એ ઈચ્છતી હતી એવો વર અને એવું ઘર મળી ગયું – સમકક્ષ કહેવાય એવું. પિતા સરકારમાં ઉદ્યોગ કમિશનર હતા એટલે રહેવા માટે સુંદર બગીચાથી આભૂષિત બંગલો સરકારે ફાળવેલો. કમિશનરને ઘેર મોભા પ્રમાણે માળી, નોકર-ચાકર મળી જ રહે. ઘરના ગેરેજમાં સરકારી કાર ઉપરાંત એક જીપ પણ પડી રહેતી. ઘણી વખત મેઘા કૉલેજમાં કાર લઈને આવતી. એક કમિશનર સાહેબની બેટી તરીકે એની સખીઓમાં કે મિત્રવૃંદમાં એનો દમામ જાણીતો હતો. સદાય સરકારી નોકરોને હુકમ કરવા ટેવાયેલા પિતા પાસેથી એ શીખી હતી કે નોકરોને કેમ સતત દાબમાં રાખવા. જ્યારે જ્યારે એ પિતાની ઑફિસની મુલાકાત લેતી ત્યારે પણ એ અધિકારીઓ, કલાર્ક-પટાવાળા પર રોફ છાંટતી જ રહેતી.

લગ્ન પછી એ સલીલના બંગલામાં રહેવા આવી. હનીમૂન પિરિયડ પૂરો થઈ ગયેલો એટલે હવે ઘરના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવાનું થયું. સાસુ દિવ્યાબહેન પણ ઈચ્છતા હતા કે વહુ ઘરકામ અને રસોડા પર ધ્યાન રાખતી રહે. સલીલ મોટો પુત્ર હોવાથી મેઘારૂપી એની પત્ની આ ઘરની ત્રીજી પેઢીની પહેલી કુળવધૂ હતી. સવારની સેવાપૂજાથી પરવારી દિવ્યાબહેન બંગલાના નીચેના ભાગમાં સૌના ચા-નાસ્તામાં અટવાયેલા હતાં ત્યારે એમણે ઉપરના ભાગમાંથી વહુની ઘાંટાઘાંટ સાંભળી. એ ઘરની નોકરબાઈ હંસાને એના કામ અંગે ધમકાવી રહી હતી અને હંસા મૂંગે મોઢે નવી શેઠાણીની વઢ સાંભળી રહી હતી. એ ઉપરનું કામ પતાવી નીચે આવી કે દિવ્યાબહેન એને રસોડામાં લઈ ગયાં અને એને ચા-નાસ્તો આપ્યાં પણ હંસા નાસ્તાને અડક્યા વિના ડીશ રસોડાના પ્લેટફોર્મ પર મૂકી માત્ર ચા પીને મૂંગે મોઢે ઘરનું ઝાડું કાઢવા લાગી.

દિવ્યાબહેન સમજી ગયાં કે હંસાને ખોટું લાગી ગયું છે નહિતર સવાર સવારના ઘરમાં પ્રવેશી જે રીતે એ દિવ્યાબહેનને ‘જય શ્રી કૃષ્ણ’ કહી, ઠાકોરજીનો પ્રસાદ લઈ હસતા મોંએ કામે લાગી જતી એમ આજે પણ થયું પરંતુ નવી વહુએ ઉપર એના જે હાલ કર્યાં એથી એ વિલાયેલા મોંએ કામ કરવા લાગી. જ્યારે એ કંકુબાના ઓરડામાં સાફસૂફી કરવા ગઈ ત્યારે દિવ્યાબહેનના સાસુ કંકુબાએ એનો પડેલો ચહેરો જોઈ પૂછ્યું :
‘અલી, આજે ડાચું ચઢાવીને કેમ કામ કરે છે ? મને “જેશીકૃષ્ણ’ પણ ન કહ્યું ?’
હંસા પ્રશ્ન ગળી ગઈ. કંકુબા ઓરડામાંથી બહાર આવ્યા અને પુત્રવધુ દિવ્યાને હંસાના વિલાયેલા ચહેરાની વાત કરી ત્યારે દિવ્યાએ નવી વહુ મેઘાએ હંસાની જે રીતે ધૂળ કાઢી નાખી એની વાત કહી ઊમેર્યું કે ‘બા, તમે ચિંતા ન કરશો. આ ઘરની રીતરસમથી નવી વહુ વાકેફ નથી એટલે એને બધું શિખવાડવું પડશે અને પછી હસતાં હસતાં કહ્યું પણ ખરું કે તમે મને જે રીતે પળોટી હતી એવી રીતે મારે પણ નવી વહુને પળોટવી પડશે ને !’

રસોડામાં આવ્યા પછી એકાદ બે ચીકણા રહી ગયેલા વાસણ અંગે પણ મેઘાએ હંસાનો ઊઘડો લઈ નાખ્યો. દિવ્યાબહેન એ વખતે કશું બોલ્યા નહિ પણ હંસા બપોરનું રસોડું ઉકેલતી હતી ત્યારે દિવ્યાબહેન મેઘાનો હાથ પકડી એના બેડરૂમમાં લઈ ગયા અને નવી વહુને પાસે બેસાડી લાડ-પ્યાર કરતાં કહ્યું :
‘મેઘા, એક વાત કહું તને ?’
‘કહોને મમ્મી…’
‘આ હંસા ભલે આપણી કામવાળી હોય પણ એને મોટીબા અને મેં પણ છોકરી જ ગણી છે. જેવી તારી નણંદ સોનલ એવી જ આ હંસા.’
‘તો ?’ મેઘાએ સામે પૂછ્યું.
‘જેટલું માન આ ઘરમાં સોનલનું છે એટલું હંસાનું છે. આપણા બંગલાની બાજુમાં આપણો જે ખાલી પ્લોટ છે ત્યાં તમારા સસરાએ એને માટે ઓરડીઓ બાંધી દીધી છે. બિચારી વરથી તરછોડાયેલી છે એટલે એના બે સંતાનો જોડે ત્યાં જ પ્લોટ પર રહે છે. એક તો દુણાયેલી છે અને બે સંતાનો ઉછેરવાનો ભાર છે એટલે એનું હૈયું નંદવાય નહિ તે જોવાનું. એ છેલ્લા અગિયાર વરસથી આપણે ત્યાં કામ કરે છે.’
‘અગિયાર વરસથી કામ કરે કે અઢાર વરસથી, પણ છે તો નોકરડી જ ને ?’
‘આપણે એને એ રીતે ગણતા નથી, અને વહુ, એ આ ઘરનું સ્વજન જ છે. એને આપણો આશરો છે, આપણને એનો.’
‘આપણે વળી શેનો આશરો ? પૈસા આપતા હજાર આવી ચાકરડીઓ મળી રહેશે.’
‘ચાકરડીઓ મળી રહેશે, માણસ નહિ મળે. હંસાએ કદી આ ઘરને પરાયું ગણ્યું નથી. તને નવાઈ લાગશે, તારા સસરાને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે હંસાને તિજોરીની ચાવી આપી પૈસા કાઢી લાવવાનું કહે છે. મોટીબાની અલમારી હંસા જ ઉઘાડ-બંધ કરે છે.’
‘પણ મમ્મી, નોકર પર આટલો બધો વિશ્વાસ રાખવો સારો નહિ. એક દિવસ એ બધું સાફ કરીને જતી રહેશે ત્યારે…ત્યારે…’
‘ત્યારે કશું જ નહિ થાય. વિશ્વાસ માણસમાં માણસાઈ ખીલવે છે. તું સલીલને પૂછી લેજે ને.’

મેઘાએ સલીલને વાત કરી ત્યારે સલીલે હસીને કહ્યું : ‘તારે હંસાની જરાયે ચિંતા ન કરવી. એને હું મોટી બહેન ગણું છું.’
‘પણ નોકર જોડે આવા સંબંધો સારા નહિ.’
‘પણ એને નોકર ગણીએ તો ને ? તને ખબર નહિ હોય, મારામાં હંસાનું લોહી વહે છે.’
‘હંસાનું લોહી ?’
‘હા, હું એસ.એસ.સી.માં આવ્યો ત્યારે પપ્પાથી છાના છાના સ્કૂટર ચલાવવાનું શીખતો હતો. એક દિવસ ઘરના બધા લગ્ન પ્રસંગે બહારગામ ગયેલા ત્યારે વાંચવા માટે હું ઘેર રોકાયેલો. બપોરે હું સ્કૂટર લઈ એક મિત્રને ઘેર નોટ્સ લેવા ગયો ત્યારે સાઈડ કાપતા એક કાર જોડે અથડાઈ ગયો. માથું ફૂટ્યું અને મને કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયું. એ દિવસે હંસાએ જ મને લોહી આપેલું. જો મેઘા, આ ઘરની એક રીતરસમ છે. અમે કોઈને નોકર ગણતા જ નથી. નથી ગણતા એટલે જ ધંધામાં બરકત આવી છે. ઑફિસમાં કામ કરતા બધા પોતાની જ ઑફિસ ગણી કામ કરે છે. અમારા ધંધામાં બધા કર્મચારીઓ અમારા સ્વજન જ છે અને અમે એ રીતે જ રાખીએ છીએ.’
‘મારા પપ્પાની ઑફિસમાં આવું બધું ન ચાલે. પપ્પાથી બધા બહુ બીએ છે.’
‘એનું કારણ છે. તારા પપ્પા પણ કોઈના નોકર ખરા ને ? કોઈ એના સાહેબ હશે ને ? સરકાર એટલે નોકરશાહી. કોઈ ને કોઈ એકબીજાનું નોકર જ રહેવાનું. અમે અહીં સ્વતંત્ર છીએ, અમારો કારોબાર સ્વતંત્ર છે એટલે બીજાને સ્વતંત્ર લેખીએ છીએ.’

મેઘાને સલીલનું તત્વજ્ઞાન ન સમજાયું. બીજા દિવસે બપોરે ચારેક વાગે એક બહેન આ બંગલાની બેલ રણકાવી ત્યારે મેઘાએ જ બારણું ખોલ્યું. બાવીસ-ત્રેવીસ વરસની એક સ્ત્રી એના બાળકને તેડીને બારણાં પાસે ઊભી હતી.
‘કોનું કામ છે ?’ મેઘાએ પૂછયું.
‘બા છે ?’
‘કોણ બા ? દિવ્યાબા કે કંકુબા ? તમે કોણ ?’
‘મારું નામ રાધા. હું પહેલાં આ ઘરમાં કામ કરતી હતી.’ મેઘાએ જોયું કે બાઈ નવા કીમતી કપડાં પહેરીને આવી છે અને એના છોકરાને પણ બરાબર શણગાર્યો છે. એને જોઈને એણે મોં મચકોડ્યું. એને બારણામાં જ ઊભી રાખી એ સાસુને ઊઠાડવા ગઈ. રાધાનું નામ સાંભળતાં જ દિવ્યાબહેન ઊઠીને બહાર આવ્યાં. રાધાના ઓવારણાં લઈ એને આનંદથી ઘરમાં લીધી અને પછી કંકુબાને ખબર કરવા ઘરમાં ગયાં. કંકુબા બહાર આવ્યા કે રાધા એને પગે લાગી, છોકરાને પગે લગાડ્યો.. એ જ ક્રિયા એણે દિવ્યાબહેન અને મેઘા જોડે કરી. કંકુબાએ સોફા પર પલાંઠી વાળતા કહ્યું :
‘અલી, કેટલા મહિને દેખાઈ ! તારા છોકરાને મારા ખોળામાં મૂક…. આ તારો બીજો છોકરો ને ?’
‘હા… મોટાને એના બાપુ ગામડે લઈ ગયા છે એટલે આને પગે લગાડવા લાવી છું.’
‘સારું થયું. કેટલા મહિનાનો થયો ?’
‘દોઢ મહિનાનો.’
દિવ્યાબહેન એને માટે પાણી લઈ આવ્યાં અને પછી એક કચોળામાં તેલ લઈ આવી છોકરાના માથામાં નાખતા બોલ્યાં : ‘સલીલના લગ્નમાં કેમ ન આવી ?’
‘ભાઈના લગનમાં મહાલવાનું કઈ બહેનને મન ન થાય ? પણ શું કરું ? એ દિવસે આ નાનાને બહુ વસમું લાગી ગયું હતું, એટલે એને હૉસ્પિટલમાં દાખલ કરવો પડેલો. પૂરું એક અઠવાડિયું ત્યાં રહેવાનું થયું. સાજો થયો કે તરત દોડી આવી છું.’ કહી એણે કેડે લટકાવેલી રેશમી કોથળીમાંથી પૈસાની થોડી નોટો કાઢી દિવ્યાબહેન સામે ધરતાં કહ્યું : ‘અમારા તરફથી ભાઈ-ભાભીને.’ અને પછી મેઘા સામે જોઈ બોલી, ‘આ જ અમારા ભાભીને ?’
‘હાસ્તો વળી’ કંકુબા બોલ્યા, ‘જેટલા લાડ કરવા હોય એટલા ભાભી જોડે કરી લેજે.’ એટલામાં મેઘાની નણંદ સોનલ કૉલેજથી આવી. રાધાને જોઈ એ તો એને વળગી જ પડી….

‘હાય રાધલી, કેમ ભાઈના લગ્નમાં દેખાઈ નહિ ? સાલ્લી, તારી તો એવી ખબર લઈ નાખવાની છું… તું જોજે તો ખરી….’
‘બેન છોડો…છોડો…. મને… તમે તો ગૂંગળાવી જ નાખી મને…. બા, સોનલબેનને કહો ને કે મને છોડે…’
‘સાલ્લી, ઠાકોર જોડે પરણી એટલે ઠકરાણી થઈ ગઈ ! જોયો તારો ઠસ્સો. બહુ મોંઘી થઈ ગઈ જાણે. હું તો મમ્મીને વારંવાર પૂછતી હતી કે રાધી કેમ ન દેખાઈ ? કંકોતરી બરાબર પહોંચી હતી ને….’ એ દિવસે રાધાની આ ઘરમાં એવી આગતા-સ્વાગતા થઈ કે જાણે પિયરે પગ ઘાલવા આવેલી પુત્રી. દિવ્યાબાએ લગ્ન નિમિત્તે એને માટે રાખી મૂકેલી નવીનક્કોર સાડી કાઢી આપી તો કંકુબાએ એના છોકરાના હાથમાં થોડા રૂપિયા મૂક્યા, એને માટે ચાંદીનો નાનકડો પ્યાલો અને ચાંદીની ચમચી આપી. રાધાની આંખમાં હર્ષના આંસું ઊભરાઈ આવ્યા.

એના ગયા પછી દિવ્યાબહેને મેઘાને કહ્યું : ‘આ રાધી આઠ-દસ વરસની હતી ત્યારથી અહીં આ ઘરમાં કામ કરતી અને અહીં જ રહેતી. જાતના ગરાસિયા. એનો મામો આપણી ફેકટરીમાં કામ કરતો, જોકે હજુય કરે છે ને મુકાદમ છે. એ એને અહીં મૂકી ગયો તે આઠ-નવ વરસ સુધી આ ઘરમાં જ રહી. એના નસીબ સારા તે એને સારો વર મળી ગયો. તારા સસરાએ જ એનાં લગ્ન કરાવી આપ્યાં. સુખી થઈ ગઈ. બાજુના ગામડે એના વરને ખેતી છે અને સારું કમાય છે. સોનલની તો એ બહેનપણી છે. જોયું ને, સોનલ એને કેવી વળગી પડી હતી તે ? સંસારમાં પડી ગઈ છે એટલે હવે વારંવાર અહીં આવી શકતી નથી. નહિતર લગ્ન થયા પછી એકાંતરે એનો અહીં આંટોફેરો તો હોય જ. મોટીબાની બહુ સેવાચાકરી કરી છે એણે.’

સાંજે સલીલ ઑફિસેથી આવ્યો અને એને ખબર પડી કે રાધા એના નવજાત શિશુને લઈને બપોર ઘેર આવી હતી ત્યારે એ સહસા બોલી ઊઠ્યો :
‘મમ્મી, તેં એને લગ્નની સાડી આપી ?’
‘વહેવાર તે ભુલાતો હશે ?’ દિવ્યાબહેને કહ્યું, ‘મોટીબાએ તો એના છોકરા માટે ચાંદીનો પ્યાલો ને ચમચી પણ આપી.’
‘સારું કર્યું. મારા લગ્નમાં કેમ ન આવી ?’
‘એ દિવસે જ એના છોકરાને હૉસ્પિટલમાં દાખલ કરેલો એટલે બિચારીને બહુ હોંશ હતી તોય ન આવી શકી. એને તારી બહુ બીક હતી.’
‘મારી બીક ?’
‘હા, બિચારી કહેતી હતી કે મોટાભાઈ મને વઢશે તો ? તારા લગ્નમાં એ હાજરી આપી ન શકી એનો એને ડર હતો.’
‘એ તો હું હજીય લડવાનો તો છું જ. એના ઠાકોરની તો ફેંટ પકડવાનો છું !’

આ પ્રસંગ પછી મેઘા વિચારતી જ રહી કે આ ઘરમાં નોકર-ચાકરનું બહુ માન રખાય છે. એમાંય જ્યારે એ એક વખત સલીલ જોડે બહારગામ ફરવા ગઈ ત્યારે ઘરના સૌ માટે નાની-મોટી ચીજ વસ્તુઓ લેતી આવેલી. એ વખતે જ નણંદે પૂછ્યું હતું : ‘ભાભી, હંસા અને એનાં છોકરાં માટે શું લેતા આવ્યા ?’ જો કે એમના માટે એ કશું જ લાવી નહોતી. છતાંય સોનલે બજારમાંથી કોઈ વસ્તુ લાવી ભાભીને નામે હંસાને આપી દીધી.

પણ આ જ તો હતી આ કુટુંબની વિચારધારા. સૌને સમાન ગણો. નોકર-ચાકર પણ આપણા સ્વજન જ છે જે આપણી સાથે દિવસનો મોટા ભાગનો સમય વિતાવે છે. પરણ્યા પછી સલીલ મેઘાને પહેલી વખત ફેક્ટરી પર લઈ ગયો ત્યારે દરેક કામદારોએ એનું જે માનભર્યું સ્વાગત કર્યું એમાં માલિક પ્રત્યે ડર નહોતો, પ્રેમ હતો. એ એના પપ્પાની ઑફિસે જતી ત્યારે દરેકના મોં પર પરાણે કરાતું અભિવાદન હતું, એમાં માત્ર ઔપચારિકતા હતી, દિલ નહોતું. જ્યારે અહીં મેઘા એકલી ફેકટરી જોવા નીકળી પડી ત્યારે એને ન ઓળખતી વ્યક્તિએ પણ એના વ્યવહારમાં જે મીઠાશ બતાવી એ જોઈને મેઘા ચક્તિ થઈ ગઈ. એના પપ્પાના ઘરના નોકરો, માળી, ડ્રાઈવર જે વ્યવહાર દાખવતા એમાં સત્તાને અપાતું માન હતું, અંતરનો ઉમળકો નહોતો. એણે એ બધાને ઘરમાં કામ કરી ગયેલી એક વખતની બાઈ રાધા સાથે સરખાવ્યા. નહિતર આ ઘર સાથે રાધાને હવે શું લેવાદેવા ? એ સુખી હતી એના સંસારમાં. આ ઘરની ઓશિયાળી પણ નહોતી છતાંય લાગણીના ઉમળકા સાથે આ ઘેર સૌને મળવા આવી એમાં એનો પ્રેમ વ્યક્ત થયો હતો.

ફેકટરીએથી ઘેર પાછા ફરતી વખતે મેઘાએ સલીલને કહ્યું : ‘આપણે બધાએ બે દિવસ કોઈ અગત્યના કારણસર શહેરની બહાર જેવું પડે એમ હોય તો ફેક્ટરીની દેખરેખ કોણ સંભાળે ?’
સલીલે કારને મુખ્ય રસ્તા પર લેતાં હસતાં હસતાં કહ્યું : ‘કોઈ નહિ ! ફેકટરી એની મળે જ ચાલે. એક વખત એવું બન્યું હતુંય ખરું. નાનાનો સ્વર્ગવાસ થયો ત્યારે મોટીબા સહિત અમારે સૌએ ત્રણ-ચાર દિવસ બહારગામ જવાનું થયું. અચાનક જવાનું થતાં ફેક્ટરીમાં કોઈને જાણ થઈ શકી નહિ. પાછા ફર્યા ત્યારે રોજની જેમ સૌ પોતપોતાનું કામ કરતા હતા. એ બધાને ખબર પડી કે ઘરમાં મૃત્યુનો પ્રસંગ આવ્યો છે એટલે સૌએ પોતપોતાની જવાબદારી જાતે જ ઉપાડી લીધી.’ કૉલેજમાં સંસ્કૃત સાહિત્ય ભણતી વખતે એણે સ્વજન વિશેનું સુભાષિત વાંચ્યું હતું પણ એનો ખરો અર્થ તો એ સાસરે આવી ત્યારે જ જાણવા મળ્યો.

દિલ જીતવા માટે કોઈ પરિશ્રમ નથી કરવો પડતો, માત્ર સમજદારી જ કેળવવી પડે છે. ગની દહીંવાલાની ગઝલ પંક્તિની જેમ એકમેકના મન સુધી પહોંચવાની સમજદારી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્પેશિયાલિસ્ટના પંજામાં – રમેશ. મ. ભટ્ટ
ગિરનારની ગોદમાં – મૃગેશ શાહ Next »   

20 પ્રતિભાવો : સ્વજન – ગિરીશ ગણાત્રા

 1. nayan panchal says:

  અત્યંત સુંદર વાર્તા.

  “‘એનું કારણ છે. તારા પપ્પા પણ કોઈના નોકર ખરા ને ? કોઈ એના સાહેબ હશે ને ? સરકાર એટલે નોકરશાહી. કોઈ ને કોઈ એકબીજાનું નોકર જ રહેવાનું.”

  સાચી વાત છે. હું indian army જોડે બે મહિના રહ્યો છુ, અને ઉપરની વાત ૧૦૦% સાચી છે, ગમે તેટલો મોટો માણસ હોય, પોતાના ઉપરીથી બીવાનો જ.

  જેવી રીતે જૂની પેઢીને ગાંધીજીએ અને નવી પેઢીને મુન્નાભાઈએ શીખવ્યુ છે કે માણસની સાચી ઓળખાણ એ પોતાનાથી નીચા લોકો જોડે કેવી રીતે વર્તે છે તેના પરથી થાય છે.

  મેં એક વસ્તુ માર્ક કરી છે કે નોકર-ચાકર આ બધા તો માનના ભૂખ્યા હોય છે, જો તમે એમને સાચા દિલથી આદર આપશો તો પોતાનાથી બનતુ બધુ જ કરી છૂટશે. આખરે એ માણસ પહેલા છે.

  નયન

 2. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા. ગીરીશભાઈ ગણાત્રાની દરેક વાર્તા કોઇને કોઇ સંદેશ જરુર આપી જતી હોય છે.

 3. DHIREN SHAH says:

  Such lessons for life by writing a in story form can be given by GIRISH GANATRA ONLY, WHICH TOUCHES TO HEART THORUGH AND THROUGH…

  so many salutes to writer girish ganatra….

 4. samir says:

  Nice Story! I live in Melbourne. I have found here that people respect every profession. Be it a garbage collector, construction worker or a store-person. They contribute to the progress of a nation as much as any high level officer or a businessman and hence deserve the respect they get. It is sad that this cannot be said about our country. On most occasions, people in low level occupations are looked upon with disgust.

 5. ચાંદસૂરજ says:

  માણસ માત્ર માન અને પ્રેમ ભૂખ્યો હોય છે અને એમાં ઊંચનીચને કોઈ સ્થાન નથી.કોઈને પ્રેમ
  કે માનનું પડિકું બંધાવી આપીએ તો એના વજનની ભારોભાર એ એની કિંમત પાછી વાળે જ છે એ આચારસંહિતાના પાઠો આપણને સદાય શીખવતા આવ્યા છે.

 6. Ambaram K Sanghani says:

  દરેક વ્યકિત પોતપોતાના સ્થાને રહીને પણ બીજાને માન આપી શકે છે અને માન પામી પણ શકે છે. જીવન જીવવાના નિયમો બહૂ જ સાદા અને સરળ હોય તો આ વાત જલ્દી સમજાય એમાં બેમત નથી. આવા સારા અનુભવો ઘણી જગ્યાએ થયા છે.

  ગિરીશભાઈનાં લેખો વાંચવા મળે એ જ આનંદની વાત છે. ખૂબ ખૂબ આભાર.

 7. Nilesh says:

  બહુજ સરસ વાર્તા. આવા ખાનદાન કુટુંબો અને સંબંધો એ જ ખરી મૂડી છે!

 8. Navnit Parekh says:

  બ હુ સ ર સ .દિલ ને સ્પ્ર્સ ક રિ જાય્.

 9. Apeksha Hathi says:

  મુ. ગિરીશ ભાઇ,

  ખુબ સરસ વાર્તા….

  આજના યુવાનો ને બોધ આપતી વાર્તા છે. “સ્વજન” શબ્દ ના અર્થ ને ઉજાગર કરે છે.

  પ્રેમ આપવા થી પ્રેમ મળે જ છે,ચાહે વ્યક્તિ નાની હોય કે મોટી.

  સમાજમા લાગણી સૌથી મોટી વસ્તુ છે,એ વાત દરેક માનવીએ જીવનમા ઉતારવી જોઈએ.

  આપનો ખુબ ખુબ આભાર.

  અપેક્ષા હાથી, ગાન્ધીનગર.

 10. sujata says:

  સંબ્ંધો નું ગ ણિ ત સ હુ કોઇ નથી સ મ જી શ ક તા…….
  સ્વ” ને ના ઓળ ખ ના રા સ્વ્ જ ન ન થી બ્ ના વી શ ક તા……….

 11. Dhaval B. Shah says:

  Nice story.

 12. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ!

  આપણે હરિના નોકર જ ને! એટલે આપણા પણ એના સ્વજન!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.