- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ગિરનારની ગોદમાં – મૃગેશ શાહ

[અનોખી સંસ્થા]
વિવિધ પ્રકારના વૃક્ષોને પોતાની પ્રકૃતિ અનુસાર ખાતર, પાણી અને અનુકૂળ આબોહવાની જરૂરિયાત રહેતી હોય છે. વૃક્ષોની જેમ સમાજરૂપી ભૂમિમાં પાંગરતા કલાના ઉપાસકોની વાત પણ કંઈક એવી જ છે. તેઓને જો પોતાના વ્યક્તિત્વ વિકાસ માટેની મોકળાશ અને અનુકૂળ વાતાવરણ મળી રહે તો તેમનામાં બીજ સ્વરૂપે પડેલી કલા મહોરી ઊઠે છે. કોઈ પણ વિષયમાં રસ લઈને અદ્વિતિય સંશોધનાત્મક કાર્ય કરવું તે એક પ્રકારની કલા જ છે તેથી આપણે ત્યાં અભ્યાસના વિષયોમાં તલ્લીનતા કેળવવા જરૂરી એકાંત અને માર્ગદર્શન મળી રહે એ માટે પુસ્તકાલયોનો વિકાસ કરવામાં આવ્યો છે. પરંતુ કલાની વ્યાખ્યા કેવળ અભ્યાસના વિષયો પૂરતી સીમિત નથી થઈ જતી. સાહિત્ય, સંગીત, ચિત્રકામ જેવી અનેક કલાઓ આપણે ત્યાં છે જેના ઉપાસકોને આજના ઘોંઘાટભર્યા માહોલમાં જરૂરી એકાંત મળી શકતું નથી. ઘણી વાર કંઈક સર્જન કરવાનું મન થઈ આવે ત્યારે રોજિંદા કામોની વચ્ચે અટવાઈ જઈને સર્જક પોતાના અંતરના ભાવને વ્યક્ત કરવાની અનુકૂળતા મેળવી શકતો નથી.

પૂજ્ય મહાત્મા ગાંધીજીના પરિવારમાં જન્મેલા શ્રી નવિનભાઈ ગાંધી તેમજ શ્રી ધીરેનભાઈ ગાંધીને સર્જકોની આ વ્યથાનો અંદાજ આવ્યો. તેમને વિચાર આવ્યો કે કુદરતના ખોળે, પ્રકૃતિના સાનિધ્યમાં કોઈ એવી સંસ્થાની રચના થવી જોઈએ કે જ્યાં આવીને સર્જકો તેમનું પોતીકુ એકાંત મેળવી શકે. એવી કોઈક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જ્યાં આવીને કલાકારો પોતાની કલા ઉપાસનામાં લીન થઈ જાય. જો આમ થાય તો જ સમાજને ઉત્તમ કૃતિઓ સમય સમયપર મળતી રહે. ગાંધીજીની છત્રછાયામાં સાબરમતી આશ્રમ ખાતે તેમજ ટાગોરની શિક્ષણ સંસ્થા ‘શાંતિ નિકેતન’માં અભ્યાસ કર્યા બાદ બંને ભાઈઓની આ ઈચ્છા વધુ તીવ્ર બની. ગાંધીજીના સત્ય અને ટાગોરના સૌંદર્ય – એમ બંનેની ઉપાસના થઈ શકે એ માટે કોઈક સંસ્થાનું નિર્માણ કરવાની ઈચ્છા તેમને થઈ આવી. પણ ક્યાં-શું-કેવી રીતે કરવું એનું ચિત્ર સ્પષ્ટ નહોતું થઈ રહ્યું. 1948માં સ્વરાજ પ્રાપ્તિબાદ તેમણે પોતાનો આ વિચાર તે સમયના રાજકીય, સામાજિક અને સેવાક્ષેત્રે કાર્યરત એવા સાધુચરિત મહાપુરુષ શ્રી રતુભાઈ અદાણીને કહ્યો. તેમણે આ વાતને તરત વધાવી લીધી. માત્ર માર્ગદર્શન નહીં, પરંતુ ખરેખર આવી સંસ્થા કાર્યરત બને તે હેતુથી પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ ગિરનારની તળેટીમાં સુયોગ્ય જમીન માટે ભારે જહેમત ઊઠાવી. આખરે, બંને ભાઈઓનું સપનું સાકાર થયું. ગિરની તળેટીમાં સર્જકોને પ્રોત્સાહિત કરતી સંસ્થાની મંગલ શરૂઆત થઈ. તેને નામ અપાયું : ‘રૂપાયતન’ – એટલે કે ‘રૂપનું ધામ !’

સંસ્થાની સ્થાપના પછી ત્યાં માટીકામ, ચિત્રકામ, હાથકાગળ, મુદ્રણકલાની શરૂઆત થઈ. ‘પ્યારા બાપુ’ અને પાછળથી ‘વૈષ્ણવજન’ જેવાં શિષ્ટ, સુરૂચિપૂર્ણ સામાયિકોનું પ્રકાશન ઈત્યાદિ પ્રવૃત્તિઓનો સારો એવો વિકાસ થયો. એ સમયે ‘પ્યારાબાપુ’ નું સંપાદન કવિશ્રી રતિલાલ ‘અનીલ’ કરતા, જ્યારે ‘વૈષ્ણવજન’નું સંપાદન સાંઈ કવિ મકરંદ દવે ત્યાં રહીને કરતા. લગભગ પંદર વર્ષ સુધી ગાંધી પરિવારના આ બે ભાઈઓએ અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવી સુંદર અને કલાત્મક સર્જનો કર્યા. અનેક સર્જકોને રૂપાયતનમાં આવતા-જતા કર્યાં. કઠોર પરિશ્રમ કરીને સંઘર્ષોના આક્રમણ સામે એકલા હાથે ઝૂઝતા રહ્યા. પરંતુ છેવટે પરિણામ સ્વરૂપે તેઓએ ધાર્યું હતું એવો સાથ-સહકાર લોકો તરફથી ન મળ્યો. સમયાંતરે સામાયિકોનું પ્રકાશન બંધ કરી દેવું પડ્યું. તેઓ નિરાશ અને હતોત્સાહ થઈ ગયા. અંતે હારીને બંને ભાઈઓએ રતુભાઈ સમક્ષ રૂપાયતન સંસ્થા સમેટી લેવાનો સંકલ્પ જાહેર કર્યો. રતુભાઈ અને તેમના ધર્મપત્ની કુસુમબહેને સમજાવવાના અનેક પ્રયત્નો કરી જોયા, પરંતુ ગાંધીબંધુઓનો નિર્ણય અફર હતો. રતુભાઈ અને કુસુમબહેને ત્વરિત નિર્ણય કરી રૂપાયતન સંસ્થાનો વહીવટ સંભાળી લીધો અને આ દંપતિ રૂપાયતનમાં જ સેવાની ધુણી ધખાવીને બેસી ગયા.

રતુભાઈએ પોતાના સામર્થ્યનું તેલ પૂર્યું અને રૂપાયતન ઝળહળી ઉઠ્યું. કુસુમબેને પોતાના વાત્સલ્ય, મમતા, નિષ્ઠા, કર્મઠતાનું સિંચન કર્યું અને રૂપાયતન મ્હોરી ઉઠ્યું. એ પછી રૂપાયતન સંસ્થાનું ટ્રસ્ટ રચવામાં આવ્યું. સોરઠ ક્ષેત્રના અગણિત સેવાભાવી, અગ્રણીઓ અને ટ્રસ્ટીઓને સામેલ કરી એમની સેવા લેવાનું આયોજન થયું. અનેક લોકોએ પોતાની સેવા અર્પિત કરીને વિશિષ્ટ પ્રદાન આપ્યું. જીવનની અંતિમ ક્ષણ સુધી રતુભાઈ સંસ્થાના પ્રમુખપદે રહ્યા. ત્યારબાદ તેમના અનુગામી તરીકે પૂર્વ કાનુનમંત્રી શ્રી દિવ્યકાંત નાણાવટીએ સુકાન સંભાળ્યું. એ સમયે મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી શ્રી શશીકાંત દવે વહન કરતા હતા. આ બંને વડિલોની દષ્ટિસંપન્ન વિચારધારા અને વહિવટી કુશળતા તેમજ સહિયારા સુસંચાલનના પરિણામે શિક્ષણ, લોકશિક્ષણ, જનજાગૃતિ, પર્યાવરણ, કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને માનવ વિકાસને લગતી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના વ્યાપથી રૂપાયતનનું રૂપ વધુ દીપી ઊઠ્યું. નવેમ્બર 2003માં શ્રી દિવ્યકાંતભાઈનો સ્વર્ગવાસ થતાં સુવિખ્યાત કવિ અને ધારાશાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર નાણાવટી રૂપાયતનના હાલના પ્રમુખ બન્યા. તેમની સાથે મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી શ્રી હેમંતભાઈ નાણાવટી હાલ સંભાળી રહ્યા છે.

પોતાના મૂળ સિદ્ધાંતોને સ્મરણમાં રાખીને આજે પણ ‘રૂપાયતન’ સાહિત્ય અને શિક્ષણના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આસપાસના વિસ્તારના પછાતજાતિના બાળકો માટે અહીં સાત ધોરણ સુધીની ‘આશ્રમ શાળા’ ચલાવવામાં આવે છે. આર્થિકરીતે નબળા વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સંસ્થા સ્વયં ઉઠાવે છે. પ્રકૃતિની ગોદમાં અહીં બાળકો માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરાયેલી છે. સંસ્થા દ્વારા સાહિત્યકારોને આમંત્રણ આપીને કવિસંમેલનોનું આયોજન પણ કરવામાં આવે છે. રૂપાયતને ભૂતકાળમાં ઉત્કૃષ્ટ પ્રકાશનો કરેલાં જે કમનસીબે હાલ પ્રાપ્ય નથી પરંતુ આ પ્રવૃત્તિને પુનર્જીવિત કરવાના હેતુથી પ્રથમ પ્રકાશન તરીકે રતુભાઈના સંસ્મરણોને વર્ણવતા ‘સમર્પિત જીવનની ઝાંખી’ નું પ્રકાશન કરવામાં આવ્યું. ત્યારબાદ આ પ્રવૃત્તિના ભાગરૂપે નારાયણભાઈ દેસાઈના વકતવ્ય ‘રાષ્ટ્ર, રચનાત્મક કાર્ય અને રાષ્ટ્રપિતા’ તથા ચાલુ વર્ષે પૂ. મોરારિબાપુના વક્તવ્ય ‘નરસિંહ વંદના’નું પ્રકાશન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું. માત્ર આટલું જ નહિ, 103 એકરમાં ફેલાયેલા ‘રૂપાયતન’માં ગત વર્ષે પૂ. મોરારિબાપુની પ્રેરણાથી સર્જકો/કલાકારોને સર્જનાત્મક કાર્ય માટે નિ:શુલ્ક યોગ્ય આવાસની સુવિધા મળી રહે તે હેતુથી ‘નરસિંહ મહેતા ભવન’ની સ્થાપના કરવામાં આવી. અહીં આવતા વિવિધ ક્ષેત્રના સાહિત્યકારો, ચિત્રકારો, સંગીતજ્ઞો તથા સર્જકો પોતીકું એકાંત અને મોકળાશ મેળવીને ગિરનારની ગોદમાં પ્રકૃતિનું સાનિધ્ય માણતાં માણતાં સર્જનકાર્યમાં લીન બની જાય છે. આમ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સાહિત્યકારો અને સંતો દ્વારા સેવાયેલી આ દિવ્યભૂમિમાં અને ગિરનારની ગોદમાં રહેવાનું આમંત્રણ મને ‘રૂપાયતન’ જેવી સંસ્થા તરફથી મળ્યું તે મારા માટે ખરેખર અનુપમ અવસર હતો.

[રૂપાયતનમાંથી પ્રકૃતિનું દર્શન]
વહેલી સવારે જૂનાગઢ પહોંચીને હું ‘રૂપાયતન’ જઈ રહ્યો હતો ત્યારે આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય પૂરબહારમાં ખીલ્યું હતું. ચોતરફ પર્વતોની વચ્ચે વાંકાચૂકા ઢોળાવવાળા રસ્તાઓ તથા વૃક્ષોને ડોલાવતો શીતલ પવન કેવો આહ્લાદક લાગી રહ્યો હતો ! દામોદરકુંડને પસાર કરીને ભવનાથ તરફ જતા રસ્તાની ડાબીબાજુ ‘રૂપાયતન’ જવા માટે કેડીયો રસ્તો પડે છે. લીલોતરીથી છલોછલ ભરેલા આ સાંકડા અને વાંકાચુકા માર્ગ પર આવતી કેટલીક ધર્મશાળાઓ અને વિશ્રામગૃહોને પસાર કરીને આશરે એકાદ કિલોમીટર જેટલું અંતર કાપતાં છેલ્લે ‘રૂપાયતન’નું પ્રવેશદ્વાર દેખાય છે. પગ મૂકતાંની સાથે જ ચારે તરફ પર્વતોના ઊંચા શિખરોનું નયનરમ્ય દ્રશ્ય આપણું મન મોહી લે છે. પ્રકૃતિએ જાણે છૂટે હાથે અહીં સુંદરતા ફેલાવી છે. નાનકડા ઢોળાવને ચઢીને રૂમની ગૅલેરીમાં પગ મૂકતાં જ નજર સામે વાદળોને જેના શિખરો સ્પર્શે છે એવા ગરવા ગઢ ગિરનારના દિવ્ય સ્વરૂપની ઝાંખી કરીને આપણું મસ્તક નમી પડે છે.

રૂપાયતનમાંથી ગિરનાર દર્શનની વાત જ કંઈક અલગ છે ! વહેલી સવારે ઉષાની લાલિમા સાથે વાદળોની રજાઈ ઓઢીને સૂતેલા ગિરનારને જાણે જાગવાનો સમય થતાં તળેટીનો સમગ્ર વિસ્તાર પક્ષીઓના કલરવથી ગાજી ઊઠે છે. હાલમાં વર્ષાઋતુની શરૂઆત હોવાથી મોરના ટહુકાઓથી આ વનપ્રદેશ ભર્યો ભર્યો લાગે છે. સર સર વહી જતા પવનથી ડોલતા આંબા, આંબલી અને વિવિધ પ્રકારના વૃક્ષો એવો ધ્વનિ ઉત્પન્ન કરે છે જાણે માણસોનું કોઈ ટોળું ખાનગીમાં કંઈક ગુસપુસ કરી રહ્યું હોય ! દક્ષિણ તરફ આવેલા નીલગીરીના ઉત્તુંગ વૃક્ષો પર રહેતી વાનર-ટોળકી સવાર થતાં જંગલ તરફ ખોરાકની શોધમાં જવા માટે એકબીજાને સાદ કરીને નીચે ઊતરી રહી છે. રૂમની સામે આવેલા નાનકડા તળાવમાં ચાંચ બોળી રહેલા આ કાળા-સફેદ બગલાઓ કેવા સ્ફૂર્તિમાં દેખાય છે ! સૂર્યોદયના પ્રથમ કિરણે વાદળોથી ગિરનારના શિખરો એવા ઢંકાયેલા રહે છે જાણે કોઈ નવોઢાએ ઘૂમટો તાણયો હોય તેમ લાગે છે. ધીમે ધીમે વહી જતાં આ વાદળો જાણે માઈલો દૂરથી ગિરનારની પરિક્રમા કરવા નીકળ્યાં હોય એમ જણાય છે. જ્યારે આ તળેટીના પ્રદેશમાં સૂર્યપ્રકાશ ફેલાય અને શિખર વર્ષાઋતુના કાળાડિબાંગ વાદળોથી ઢંકાયેલું રહે ત્યારે ગિરનાર જાણે વાદળોરૂપી કાળી ટોપી પહેરીને આપણને પૂછતો હોય કે ‘જુઓ તો ! હું કેવો લાગું છું !’ એવું દ્રશ્ય ખડું થાય છે….. એથી ઊલટું, એકતરફ સૂર્યપ્રકાશથી શિખરો ચમકતાં હોય ત્યારે પાસેથી પસાર થતા મોટાં વાદળો તળેટીમાં એવી રીતે છાંયો બનાવે છે કે જાણે ગિરનાર પોતાનો ખોળો પાથરી આપણને કહેતો હોય કે ‘લાવ તારા દુ:ખ, દર્દ, નિરાશા અને નકારાત્મક વિચારો આ ઝોળીમાં ફેંકીને નિશ્ચિંત થઈ જા…..’ કેટલાક વાદળોને તો જાણે હાથો હાથ ટપાલ આપવાની હોય એમ સીધા તળેટીમાં ઊતરી આવે છે ! વર્ષાઋતુમાં વાદળો વચ્ચેથી ડોકાતો સૂર્ય ગિરનારના વિવિધ ઢોળાવો પર એવી રીતે પ્રકાશ ફેંકે છે જાણે કોઈ ‘ટોર્ચ’ લઈને પોતાની ખોવાયેલી ચીજ શોધી રહ્યું હોય એમ લાગે છે.

બપોર સુધી પ્રકૃતિના આ વિવિધ સ્વરૂપોને નિરખતાં એમ લાગે છે કે એક જ દિવસમાં તો આપણે કેટકેટલું પામી લીધું ! શહેરમાં સમય જે રીતે સડસડાટ વહી જાય છે તેની સરખામણીમાં અહીંના બે-ત્રણ કલાકનો સમય જાણે આખા દિવસ જેવડો મોટો લાગે છે. ગિરનારની ગોદમાં મધ્યાહ્નની છટા પણ અનોખી છે. વન્ય પ્રદેશોમાં કુણું કુણું ઘાસ ચરીને આવતી ગાયો અહીં તળાવડીમાં પાણી પીને વિશ્રામ કરે છે. ગરમીથી રક્ષણ મેળવવા પાણીમાં તરતી ભેંસોની પીઠ પર બેઠેલા બગલા શું વાતો કરતા હશે ! મંદ મંદ પવન સાથે ટહુકા કરતી કોયલનો કંઠ કેટલો મીઠો લાગે છે. યાંત્રિક કોલાહલથી દૂર પ્રકૃતિના આ પરમ શાંત વાતાવરણને માણતાં કંઈક જુદી જ અનુભૂતિ થાય છે. અરે ! આ સામે તો જુઓ ! બપોરની ગરમીમાં હળવા વસ્ત્રો પહેરીને પેઢી પર બેઠેલા કોઈ શેઠિયા જેવો આ ગિરનાર આછાં વાદળો સાથે કેવો રૂડો-રૂપાળો લાગે છે !

સાંજે પશ્ચિમ તરફથી આવતા સૂર્યના કિરણોમાં આ અવધૂત ગઢ ઝળહળી ઊઠે છે. સંધ્યાના રંગો પરાવર્તન પામીને ગિરનારની ચોતરફ જાણે હેલોજન લાઈટો મૂકી હોય તેવો પીળો પ્રકાશ પાથરીને કોઈ અલગ સ્વરૂપનું જ દર્શન કરાવે છે. વર્ષાઋતુમાં સાંજના સમયે ક્યારેક અચાનક વાદળો ધોધમાર વરસી પડે છે. એકાદ ઝાપટું વરસી પડે પછી શિખરોના ખડકોની ભીનાશ અને આછા ટપકતાં પાણીને જોઈને જાણે ગિરનારને ભારે શ્રમથી પરસેવો વળ્યો હોય એવો લાગે છે ! પણ ના, એ તો એની પર આરોહણ કરતા ભક્તોનો શ્રમ હરી લે છે તેથી જ ભીનો ભીનો થઈ જાય છે. આ વાદળછાયા વાતાવરણ વચ્ચે જો ક્યાંક દૂરથી સૂર્યના કિરણો તેની પર પડે તો સમગ્ર ગિરનારને ચાંદીના વરખથી શણગાર્યો હોય એવો ચકચક્તિ થઈ ઊઠે છે. સંધ્યાનો સમય થતાં એક તરફ ગાયો પોતાના નિવાસસ્થાન તરફ પાછી ફરી રહી છે તો બીજી બાજુ ચણ માટે દૂર દૂર ગયેલા પક્ષીઓ કલરવ કરતાં કરતાં પોતાના આશ્રયસ્થાનમાં ગોઠવાઈ ગયા છે. હળવે પગલે અંધારાનું સામ્રાજ્ય ચોતરફ ફેલાઈ રહ્યું છે. આપણને એમ લાગે કે જાણે પ્રકૃતિ આંખો મીંચીને સૂઈ ગઈ છે પણ ત્યાં તો દૂર પહાડોની પાછળથી થતો ચંદ્રોદય સૌંદર્યની નૂતન દષ્ટિ અને નવા કલ્પનો ઊભા કરે છે. મખમલી રાત્રિની આ નીરવ શાંતીમાં આકાશમાં ટમટમતા તારલાની સાથે સામે ગિરનાર પર વીજળીના દીવાઓની હારમાળા કેવી અદ્દભુત દીસે છે ! આખા દિવસ દરમ્યાન જુદા જુદા સ્વરૂપે પ્રગટ થતો પ્રકૃતિનો વૈભવ, પક્ષીઓનો કલરવ, વનવગડાની સુંદરતા અને પરમ એકાંતમાં પસાર થયેલી એ પળો – સાચે જ આ બધું અહીંની મહામૂલી બક્ષિસ છે.

રૂપાયતનમાં પ્રકૃતિને વધારે નજીકથી નીરખવાનું એક બીજું વિશિષ્ટ સ્થાન છે : ‘દિવ્ય સેતુ.’ સદીઓ અગાઉ આ સ્થાન પર નવાબોનો હિંચકો રહેતો એમ કહેવાય છે. આજે પણ રૂપાયતનમાં સાધનાના હેતુથી આવતા સાધકો ધ્યાન, સંધ્યા આદિ માટે ‘દિવ્ય સેતુ’ને વિશેષ પસંદ કરે છે. કોઈક પ્રસંગે કવિસંમેલનની બેઠક પણ ત્યાં યોજવામાં આવે છે. આ સેતુ પરથી ચારેબાજુ પર્વતોની હારમાળાનું જે અદ્દભુત પ્રાકૃતિક દ્રશ્ય દેખાય છે તેને શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. આ જગ્યાને ‘દિવ્ય સેતુ’ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેની એક તરફ મુસ્લિમ સમાજનો પવિત્ર ‘દાતાર’ પર્વત આવેલો છે જ્યારે બીજી તરફ તીર્થ સ્વરૂપ ‘ગિરનાર’ના દર્શન થાય છે. ‘દિવ્યસેતુ’ ના ઓટલા પર બેસીને સામે નજર નાંખીએ તો એમ લાગે છે કે ‘દત્ત’ થી ‘દાતાર’ સુધીની આ હારમાળા જાણે સમાજમાં વિવિધ કોમ વચ્ચે પ્રેમનો સેતુ નિર્માણ કરવાનો આપણને સંદેશ આપી રહી છે. ગિરનાર જ જેમનું કાવ્યક્ષેત્ર રહ્યું છે તેવા આપણા કવિવર રાજેન્દ્ર શુક્લએ આ સેતુ વિશે પોતાની ગઝલ નીચે પ્રમાણે કહી છે, જે ‘દિવ્ય સેતુ’ ખાતે શિલ્પિત કરવામાં આવી છે.

તેજઘૂંટાઈ ટશર દત્તથી દાતાર લગ,
કોની આ પહોંચી નજર દત્તથી દાતાર લગ !

એક ડગલું બસ ડગર દત્તથી દાતાર લગ,
પળ મહીં પૂરી સફર દત્તથી દાતાર લગ !

કેવું પ્રસરે છે અફર દત્તથી દાતાર લગ,
જુગજુગાંતરની અસર દત્તથી દાતાર લગ !

આવરી આઠે પ્રહર દત્તથી દાતાર લગ,
આવતી જાતી લહર દત્તથી દાતાર લગ !

ધૂપ ગુગળનો અને જો ધૂણી લોબાનની,
તું વિહર થઈ તરબતર દત્તથી દાતાર લગ !

તળેટીની આસપાસનો આ પ્રદેશ સુંદર અને દર્શનીય છે. રૂપાયતનથી અંદરની તરફ થોડે દૂર ‘લાલઢોરી’ નામની જગ્યા આવેલી છે. ત્યાંથી થોડેક દૂર નાનકડું તળાવ છે. એ પછી આગળ જંગલ વિસ્તાર શરૂ થાય છે. આ જંગલમાં 14 જેટલા સિંહોની વસ્તી હોવાનું કહેવાય છે. આ પ્રદેશના બે મુખ્ય જગપ્રસિદ્ધ તહેવારો છે. એક છે શિવરાત્રી અને બીજો ગિરનારની પરિક્રમા. બંને તહેવારોમાં દશ લાખથી વધુ માણસો જોડાય છે. ગિરનારના જંગલ વિસ્તારોમાં અને ગુફાઓમાં તપસ્યા કરતા અનેક નાગાબાવાઓ અહીં શિવરાત્રી સમયે રાત્રિસ્નાન માટે બહાર પધારે છે. તેમના દર્શન કરવા તળેટીના વિસ્તારમાં એટલી બધી ભીડ ઊમટે છે કે સવારથી વાહનવ્યવહાર માટે માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે. એ દિવસોમાં રસ્તાની બંને તરફ ઠેર ઠેર અન્નક્ષેત્રો અને સદાવ્રતોમાં હજારો માણસો ભોજનનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવે છે. આ જ રીતે પરિક્રમાના સમયે પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરિક્રમાની શરૂઆત દિવાળી પછીના દિવસોમાં થાય છે અને તે ત્રણ દિવસ સુધી ચાલે છે. જંગલમાં કેડીના રસ્તે પસાર થતાં લોકો ‘જય ગિરનારી’ બોલતાં ભાવથી તેનો લ્હાવો લે છે. ઘણાં સાહસિક લોકો પરિક્રમાના દિવસો પછી એકલાં ગિરનારનો ખોળો ખૂંદવા નીકળી પડે છે. ત્યાંના રહેવાસી એક ભાઈએ આ બાબતે પોતાનો અનુભવ જણાવતાં મને કહ્યું કે : ‘હું તો પરિક્રમા પૂરી થઈ જાય પછી એકલો નિરાંતે નીકળું છું. 1962ની સાલમાં લશ્કરમાં હતો તેથી લાયસન્સ રિવોલ્વર તો આજે પણ રાખું છું. સાવ એકલા જવાનો મને જરાય ડર નથી લાગતો. જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા રિવોલ્વર રાખવી પડે છે પણ જો કે તેની જરૂરત રહેતી નથી. ઘણીવાર મેં અહીં રાત્રીના સમયે ઝાડ પર દીપડાને બેઠેલા ભાળ્યા છે. આપણને જોઈને ઘણી વાર પૂંછડી પટપટાવે ! જંગલનો કાનૂન એવો છે કે જો તમે કોઈ પ્રાણીને પરેશાન ન કરો તો બહુધા તેઓ કોઈને હેરાન કરતા નથી……’ પરિક્રમાના દિવસોમાં ગિરનારના પ્રવેશદ્વારથી શરૂ કરીને આખા તળેટી વિસ્તારમાં જાણે માણસોનું ઘોડાપૂર ઊમટી પડે છે ! આ પ્રવેશદ્વાર બાબતે એક લોકવાયકા એવી પણ છે કે સમગ્ર તળેટી વિસ્તારમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ સિવાય અન્ય કોઈ ધંધા-રોજગારના નફાકીય હેતુથી જો કોઈ પોતાની પ્રવૃત્તિ વિકસાવવાનો પ્રયત્ન કરે તો તે સફળ નીવડી શકતો નથી. કદાચ આ કારણને લીધે આજે પણ આ ભૂમિની પવિત્રતા અને તેનું સૌંદર્ય યથાવત રહ્યું છે.

[ગિરનાર આરોહણ]
રૂપાયતન ખાતેના રોકાણમાં એક દિવસ મેં ગિરનાર આરોહણ માટે ફાળવ્યો હતો. ગિરનાર હિમાલય કરતાં પણ પહેલાનો અને આદિ પર્વત હોવાનું ઈતિહાસવિદોએ સાબિત કર્યું છે. જાણીતા સાહિત્યકાર ગુણવંતભાઈ શાહ તો એમ લખે છે કે : ‘ ગિરનાર જો હિમાલયને પત્ર લખે તો “ચિંરંજીવ હિમાલય” એમ સંબોધન કરે અને હિમાલય જો ગિરનારને પત્ર લખે તો “પૂજ્ય દાદાજી” એમ માનભર્યું સંબોધન કરે.’ તુકારામ, મીરાં, કબીર જેવા અનેક સંતો-સાધકોએ તેની મુલાકાત લીધી છે. ભક્તકવિ નરસિંહની તો આ જન્મભૂમિ ! સોરઠી દોહાઓમાં ‘ન ચઢ્યો ગિરનાર…. એનો એળે ગયો અવતાર….’ એમ કહેવાય છે. આ ગિરનાર પર અનેક સ્થાનકો આવેલા હોવાથી તે પવિત્રતમ ક્ષેત્ર ગણાય છે. અહીંના તમામ મંદિરો જુદી જુદી ‘ટૂંક’ તરીકે ઓળખાય છે. 4000 પગથિયાં પર 3100 ફૂટની ઉંચાઈએ જૈનોના આરાધ્ય ભગવાન નેમિનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ત્યાં પાસે વસ્તુપાલ અને તેજપાલના નકશીદાર દેરાસર આવેલા છે. 5000 પગથિયાં પર અંબાજીનું મંદિર આવેલું છે. આગળનો રસ્તો વિકટ હોઈ મોટે ભાગે શ્રદ્ધાળુઓ ત્યાં સુધી દર્શન કરીને પરત ફરે છે. અહીં પ્રતિવર્ષ ‘ગિરનાર આરોહણ સ્પર્ધા’ યોજાય છે જેમાં અંતિમ પડાવ અંબાજી સુધીનો રખાય છે. અત્યાર સુધીમાં 59 મિનિટમાં 5000 પગથિયાં ચઢીને ઉતરવાનો રેકોર્ડ આ સ્પર્ધામાં નોંધાયેલો છે. ત્યાંથી આગળ બીજા 2000 પગથિયાં ચઢતાં સૌથી ઊંચી દત્તાત્રયની ટૂંક આવે છે. ગિરનાર ચઢાણની શરૂઆત વહેલી સવારથી કરવી પડે છે જેથી સાંજ સુધીમાં પરત ફરી શકાય.

સવારે 6.30 વાગ્યે મેં મુખ્ય પ્રવેશ દ્વારથી ચઢવાની શરૂઆત કરી ત્યારે વાદળછાયા વાતાવરણમાં કુદરતી ઠંડક પ્રસરેલી હતી. નજીકથી ગિરનારનું સ્વરૂપ નયનરમ્ય લાગતું હતું. વિશાળ ઊંચા ખડકોને જોતાં એમ લાગતું કે આટલે ઊંચે તો કેમ કરીને ચઢી શકાશે ? પણ તેના વિરાટ શિખરો તો જાણે શ્રદ્ધાળુનોને સતત નિમંત્રણ આપી રહ્યા હતા. દર પચાસ પગથિયે નંબર ચિત્રિત કરવામાં આવ્યા છે જેથી થોડો વિશ્રામ કરતાં કરતાં ચોક્કસ ગણતરીપૂર્વક આગળ વધી શકાય. 100-200 પગથિયાં સુધીનો આસપાસનો વિસ્તાર સપાટ મેદાન પ્રદેશ જેવો છે. ઊંચા ઊંચા વૃક્ષો પર બેઠેલા મોર ટહુકા કરીને વાતાવરણને આનંદથી ભરી દે છે. ક્યાંક વાનરોની ટોળકી પોતાની ધમાલમાં મસ્ત દેખાય છે. યાત્રિકો લાકડીના ટેકે ઈષ્ટદેવનું સ્મરણ કરતાં પગથિયાં ચઢી રહ્યા છે. અમુક અંતરે ચા-પાણી-નાસ્તાની દુકાનો આવેલી છે. લીંબુપાણી પીને થોડો વિશ્રામ કરી યાત્રિકો આગળ વધે છે અને બીજા પચાસ-સો પગથિયાં ચઢવાની સ્ફૂર્તિ પ્રાપ્ત કરી લે છે. 1000 પગથિયાંની ઉપર જતાં ચોતરફ ઊંચા શિખરોનું પ્રાકૃતિક દ્રશ્ય મનને આહલાદકતાથી ભરી દે છે. વિશાળ ઊંચા પર્વતોની ગોદમાં તરતા આ રૂની પૂણી જેવા હલકાફૂલકા વાદળો કેવા અદ્દભુત લાગે છે ! વાદળોથી ઢંકાયેલા ખડકો ક્યારેક બિહામણી આકૃતિ ઉપસાવે છે. જાણે કોઈ અલૌલિક પ્રદેશની સફર આપણે નીકળ્યા હોઈએ તેવું લાગે છે ! 2000 પગથિયાંના પડાવ પછી હવે ચોતરફ કાળાડિબાંગ વાદળો છવાઈ ગયાં છે. તળેટીનો પ્રદેશ તો સાવ અદ્રશ્ય બની ગયો છે ! પવનના સૂસવાટા સાથે વાદળોમાંથી હળવો પાણીનો છંટકાવ શરૂ થાય છે. અહીં ઊંચાઈ પર મોસમનું કંઈ નક્કી કહી શકાતું નથી. ગમે ત્યારે વાદળો વરસી પડે છે તો ક્યારેક વળી અચાનક સુસવાટા મારતો પવન શરૂ થઈ જાય છે. ખડકો વચ્ચેથી પસાર થતાં જ્યારે મેં 3000 પગથિયાનું ચઢાણ પૂરું કર્યું ત્યારે વાતાવરણ વધુ બિહામણું બન્યું હતું. વરસાદના ઝાપટાં શરૂ થઈ જતાં કોઈક ખડકનો આશરો લઈને થોડીક મિનિટો માટે રોકાઈ જવું પડતું. વરસતા વરસાદમાં ન તો ઉપર કોઈ શિખરો દેખાતા, ન તો નીચે કોઈ તળેટીનો પ્રદેશ. નજર સામે આગળના માત્ર પાંચ પગથિયા રહેતા ! આ બધા વચ્ચે પણ પ્રકૃતિની છટામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ચઢવાનો આનંદ અનેરો હતો.

ચાર કલાકના ચઢાણ બાદ 4000 પગથિયાં પાસે પહોંચીને ભગવાન નેમીનાથના દર્શન કરતાં એક શિખર સર કર્યાનો ઉરમાં આનંદ પ્રગટી રહ્યો હતો. યાત્રિકો માટે અહીં સ્નાન સેવાપૂજા આદિની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. સમગ્ર મંદિર આરસનું બનેલું છે જેમાં કાળા પથ્થરમાંથી બનાવેલી ભગવાન નેમીનાથની મૂર્તિમાં ઝળહળતાં હીરાઓ અનુપમ તેજ પ્રસરાવી રહ્યા છે. મંદિરનું પરિસર ભવ્ય છે. સામે આવેલા વસ્તુપાલ અને તેજપાલના દેરાસરોનું કોતરણીકામ દર્શનીય છે. કોટ ફરતે આગળના રસ્તા તરફ જતાં ઉપરનું ચઢાણ શરૂ થાય છે. અહીંથી 1000 પગથિયાં પાર કરતાં અંબાજીનું મંદિર આવેલું છે. આ મંદિર પાસેનું છેલ્લું ચઢાણ સીધું અને અઘરું છે. ધીમા ધીમા વસતા વરસાદ, ધુમ્મસ અને ઠંડા પવનોથી પ્રકૃતિના નૂતન સ્વરૂપના દર્શન અહીં થાય છે. ભાવિકો માતાજીની જય બોલાવતા મંદિરના પરિસરમાં પ્રવેશે છે. મંદિરના ગર્ભગૃહમાં ઝાંખો પ્રકાશ પથરાયેલો છે. પવનના સુસવાટાઓને લીધે લાઈટો બંધ-ચાલુ થયા કરે છે. પૂજારીજી સાથે વાત કરતાં તેમણે મને જણાવ્યું કે માતાજીનું આ સ્વરૂપ 5500 વર્ષ પુરાણું છે. દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવાય છે અને આગળની યાત્રા માટે શક્તિ પ્રાપ્ત થાય છે.

અગાઉ આપણે જોયું તેમ મોટાભાગના લોકો અંબાજીની ટૂંકથી પાછા ફરે છે. આગળનો રસ્તો વિકટ અને નિર્જન હોવાથી માર્ગમાં સાથીદારોની જરૂરિયાત રહે છે. હું પણ એ દ્વિધામાં હતો કે આગળ જવું કે નહિ ? કેટલું ચઢાણ હજી બાકી છે અને કોઈ સાથીદાર મળશે કે કેમ તે પ્રશ્ન મને મૂંઝવતો હતો. એક દૂકાનવાળા ભાઈને મેં પૂછ્યું કે :
‘ભાઈ, દતાત્રેય અહીંથી કેટલા પગથિયાં છે ?’
‘બે હજાર છે.’
બે હજાર સાંભળીને મન જરા ઢીલું પડ્યું પણ એ ભાઈ આગળ બોલ્યાં : ‘આશરે 500 ઉતરવાના છે અને 1500 ચઢવાના છે…..’ 500 ઉતરવાના સાંભળીને ઉત્સાહ વધી ગયો. આટલા ચઢ્યાં તો હવે 1500 તો ચઢી નંખાશે ! – એમ વિચારી મેં આગળ વધવાનું નક્કી કર્યું. ચા-નાસ્તો કરીને હું અંબાજી મંદિરનું પરિસર છોડી હેલીપેડ તરફ આગળ વધ્યો ત્યાં જ પાંચેક વિદ્યાર્થીઓ મળી ગયા.
‘દત્તાત્રેય જવાનું કે ?’ મેં પૂછ્યું.
‘હાસ્તો વળી ! હવે આટલે આવ્યા એટલે બધું પૂરું જ કરી દેવાનું !’ સૌ ઉત્સાહથી બોલી ઊઠ્યા અને અમે સૌ ‘યા હોમ’ કરીને આગળ નીકળી પડ્યા.

આગળનો રસ્તો ઘણો જ વિકટ હતો. કેટલાક પગથિયાં તો વળી પાળી અને ટેકા વગરના હતા. વરસાદને કારણે ભીનાં પગથિયાં ઊતરવામાં સાવચેતી રાખવી પડતી. અમારે એક શિખર પરથી ઊતરીને દૂર રહેલા બીજા શિખર પર ચઢવાનું હતું. આ માર્ગ પર કોઈ દુકાન કે સ્ટોલ આવેલાં નથી. જરૂરિયાતની સામગ્રી જાતે લઈને જ આગળ વધવું પડે છે. પવનના સૂસવાટાઓ હજી પણ યથાવત હતા. 500 પગથિયાં તો જોતજોતામાં ઊતરાઈ ગયા પરંતુ ખરું ચઢાણ હવે શરૂ થયું હતું. સીધા અને ઊંચા પગથિયાંઓ દૂર સુધી એક સરખાં દેખાતા હતા. અગાઉ 50 પગથિયે વિશ્રામ કરવાને બદલે હવે તો 25 પગથિયે બેસી જવું પડતું ! એટલામાં એક પુલ આવ્યો. પૂલની પાસે આવેલી ગોરખમઢીથી અમારી બીજા શિખરની યાત્રા શરૂ થઈ. વાદળો અને ધુમ્મસને કારણે દૂર સુધીનું દ્રશ્ય સાવ ધૂંધળું દેખાતું. જેમ આગળ વધતા જઈએ તેમ ચઢાણ જાણે વધતું જ જતું. વાતાવરણની ભયાનકતા એટલી હતી કે જાણે અમે દુનિયાથી સાવ વિખૂટા પડીને મધ્ય દરિયે આવી ચઢ્યા હોઈએ એમ લાગતું હતું. ન તો આગળ કોઈ યાત્રિક દેખાતો ન તો પાછળ કોઈ પથિક. ધૂમ્મસથી ઢંકાયેલી અતિશય ઊંડી ખીણોનું એ દ્રશ્ય કાળજું કંપાવે એવું હતું ! ગોરખમઢીથી લગભગ અડધો કલાક જેટલું ચઢાણ ચઢીને અમે ‘ગુરુદત્ત દ્વાર’ પાસે પહોંચ્યા. આ દ્વાર પાસેથી બે માર્ગ પડે છે. 300 પગથિયાં ચઢીને એક રસ્તો દત્ત ભગવાનના મંદિર તરફ જાય છે, જ્યારે 200 પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. અમારે સૌ પ્રથમ મંદિરના દર્શન કરવા હતા તેથી વિશ્રામ લેતાં લેતાં અમે બપોરે સાડા બાર વાગ્યે દત્તાત્રયની આખરી ટૂંક સુધી પહોંચ્યા. મંદિરની પાસેનું ચઢાણ એટલું કઠીન હતું કે અમારે પાંચ-પાંચ પગથિયે બેસી જવું પડતું. છેલ્લે ટોચે પહોંચીને દર્શન કર્યાં ત્યારે સૌના અંતરમાં અપાર આનંદ ઊમટી આવ્યો.

ભગવાન દત્તાત્રેયનું આ મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં 12,000 વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે ! અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. મંદિરના પૂજારીજીએ અમને જણાવ્યું કે ‘પાસેના મહાકાળીમાતાના શિખરેથી જગદંબા ખુદ કોઈને કોઈ સ્વરૂપે અહીં પધારે છે તેવો ભાવ અહીં અનુભવાય છે. અગાઉ પ્રત્યેક યાત્રિકોને અહીં ભસ્મનું તિલક કરવામાં આવતું પરંતુ એકવાર પૂજારીથી આ તિલક થઈ શક્યું નહીં. શક્ય છે કે એ સ્વરૂપે આદ્યશક્તિએ અહીં દર્શન આપ્યા હોય. આ ઘટના બાદ અમે ભસ્મની વાટકી અહીં મૂકી દઈએ છીએ જેથી યાત્રિકો પોતાની મેળે તિલક કરી લે છે. કેટલીય ચેતનાઓ અહીં સામાન્ય માણસનો વેશ ધારણ કરીને આવે છે. કોણ ઓળખી શકે ? કોણ પામી શકે ? ચૈતસિક આંખોવાળા મહાપુરુષો તેને પામી શકે છે.’

અડધો કલાક ઉપર રોકાઈને અમે ફરી ‘ગુરુદત્ત દ્વાર’ આવી પહોંચ્યા. હવે 200 પગથિયાં અમારે ‘કમંડળ કુંડ’ માટે ઉતરવાના હતા. ત્યાં એક કુંડ આવેલો છે અને ભગવાન દત્તાત્રેયનું સુંદર મંદિર છે. આ મંદિરમાં દત્તાત્રેય ભગવાનનો ધૂણો છે જ્યાં દર સોમવારે સ્વયંભૂ અગ્નિની જવાળાઓ પ્રગટે છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી જમાડે છે. અમે સૌએ ત્યાં દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી. ભોજનબાદ તુરંત અમે ઊતરવાનું શરૂ કર્યું. ફરી ચઢાણ અને ઉતરાણની કસરત કરતાં એક કલાકના અંતે અમે પુન: અંબાજી મંદિર આવી પહોંચ્યા. હવે તો જો કે ઊતરવામાં પણ એટલો જ શ્રમ લાગી રહ્યો હતો. 200-300 પગથિયાને અંતે વિશ્રામ કરતાં કરતાં બપોરે 4 વાગે અમે છેક તળેટીમાં પગ મૂક્યો ત્યારે સૌના મોમાંથી ‘હાશ’ શબ્દ સરી પડ્યો ! અમારા સૌ માટે આ એક યાદગાર અનુભવ બની રહ્યો. સંગાથ આપવા બદલ મેં તમામ વિદ્યાર્થીઓનો આભાર માન્યો. સૌએ સાથે મળીને નાસ્તો કર્યો અને એકબીજાની ભાવભરી વિદાય લીધી. આ યાદગાર સંસ્મરણો સાથે સાંજે હું રૂપાયતન પરત ફર્યો.

[જૂનાગઢ દર્શન]
જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં એક પ્રસિદ્ધ સ્થાન છે ‘ઉપરકોટ’નો કિલ્લો. નવાબોના સમયનો આ કિલ્લો ગિરનારથી આશરે 3-4 કિ.મી. ના અંતરે આવેલો છે. વિશાળ મોટા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં ઢોળાવવાળા રસ્તે બે તોપો મૂકવામાં આવેલી છે. ત્યાંથી જૂનાગઢ શહેરનું દ્રશ્ય નયનરમ્ય દેખાય છે. આ ઉપરકોટ વિસ્તારનું સર્વપ્રથમ દર્શનીય સ્થાન છે ‘જુમા મસ્જિદ’. ભારતમાં ભાગ્યેજ જોવા મળે તેવા પ્રકારની આ મસ્જિદ 15મી સદીની છે. એનો ચોક છાપરાવાળો છે જેમાં પ્રકાશ માટે ત્રણ અષ્ટકોણીય પ્રવેશકો છે. એની ઉપર સ્તંભો ઉપર ગોઠવેલા ગુંબજો હોવાની શક્યતા છે. પૂર્વાભિમુખ મુખ્ય પ્રવેશદ્વાર નમાજખંડ કરતાં એક માળ નીચે આવેલું છે. મિહરાબ એટલે કે મક્કાની દિશા તરફનો ગોખલો, ઝરોખા અને દીવાલો પરના પટ્ટા સ્થાનિક પરંપરાગત પથ્થર કોતરણી કળાની અસર દાખવે છે. ત્યાંથી થોડે આગળ ઢાળ ઊતરીને જતા બૌદ્ધગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી આ ગુફાઓમાં ભોંયરામાં ઊતરતા હોઈ તેવો પ્રવેશદ્વાર છે. વિશાળ ખડકોને કોતરીને રસ્તા બનાવવામાં આવ્યા હોય તેવું જણાય છે. ગુફામાં કુદરતી ઠંડક પ્રસરેલી રહે છે. સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉપર જાળીઓ મૂકવામાં આવી છે.

બૌદ્ધગુફાઓથી થોડે આગળ જતાં જગપ્રસિદ્ધ ‘અડી કડી વાવ’ અને ‘નવઘણ કુવો’ આવેલાં છે. એક કહેવત અનુસાર એમ કહેવાય છે કે ‘અડી કડી વાવ અને નવઘણ કુવો, જેના જૂએ તે જીવતો મૂઓ.’ અર્થાત જેણે પોતાના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત ન લીધી એનું જીવન વ્યર્થ છે ! – આવી એક રમૂજી લોકોક્તિ છે. અડી કડીની વાવનું સર્જન પથ્થરો કાપીને કરાયું છે. 162 પગથિયાવાળી આ વાવ – 81 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 41 મીટર ઊંડી છે. સમગ્ર વાવ એક સળંગ ખડકમાંથી કાપીને બનાવેલી છે. જો કે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ, મોભ કે ગવાક્ષો એમાં નથી. જટિલ ભૂસ્તર રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્ત્રોત શોધવાની કુશળતાને વ્યક્ત કરે છે. કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં, ન કશી નોંધ કે ન કશું લખાણ. સમય માપન લગભગ અશક્ય, પણ એટલું ચોક્કસ કહેવાય છે કે આ સૌથી પ્રાચીન વાવમાંની એક છે ! હાલમાં વાવમાં પાણી તો છે પરંતુ તે અવાવરું અને દુર્ગંધ મારતું હોવાથી તેને કોઈ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. ઉપરકોટના બીજે છેડે આવેલો છે સુપ્રસિદ્ધ ‘નવઘણ કૂવો’. ત્યાં દર્શાવેલી માહિતી અનુસાર : ‘પછીના સમયમાં આવનારી વાવના સ્વરૂપનો અણસાર આપતા આ કૂવાનું નામ ‘રાનવઘણ’ (ઈ.સ. 1025-44) પરથી પડ્યું. જ્યાંથી કૂવામાં જઈ શકાય છે તે આગળ મોટું થાળું કદાચ રાનવઘણના રાજ્ય દરમ્યાન બંધાયું હતું. પહેલાં સીધાં અને પછી જમણી તરફ ચક્રાકારે નીચે જતાં પગથિયાં છે. પ્રકાશ માટે દિવાલમાં બાકોરાં કર્યાં છે. થાળું બંધાયું એ પહેલાના સમયનો આ કૂવો જણાય છે. આને કેટલાક અભ્યાસીઓ વાવનું જૂનામાં જૂનું ઉદાહરણ માને છે.’ ઉપરકોટના કિલ્લાની ઉપર તરફ ચઢતાં વિશાળ તોપ મૂકવામાં આવેલી છે. તોપના દરવાજાની બાજુમાં મોટા બે સુંદર સરોવર આવેલા છે. ચારેબાજુ પર્વતો અને કિલ્લાની વચ્ચે ઉંચાઈ પર આવેલા આ સરોવર ખરેખર નવાઈ પમાડે તેવા છે ! આમ, ઉપરકોટનો સમગ્ર વિસ્તાર શિલ્પ સ્થાપત્યના એક ઉત્તમ નમૂનારૂપ બની રહે છે.

જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા….’, ‘નારાયણનું નામ જ લેતાં….’, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ….’ કેટલા મધુર અને ઉત્તમ પદોનો જન્મ આ ભૂમિ પર થયો ! જાણે ગિરનારની તળેટીમાં હજુયે એ કરતાલ વાગ્યા કરે છે. કવિવર રાજેન્દ્ર શુક્લ કહે છે ને કે :

હજો હાથ કરતાલને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

જૂનાગઢના બજારમાં નીકળીએ ત્યારે એમ લાગે કે એક હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઈને પિતાના શ્રાદ્ધ માટે ઘી લેવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થયા હશે ત્યારનું એ દ્રશ્ય કેવું અદ્દભુત હશે ! નરસિંહમહેતાના નિવાસ્થાને પહોંચીએ એટલે તેમના જીવનના ‘પિતાજીનું શ્રાદ્ધ’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘શામળશાની હૂંડી’ના એ તમામ જીવનપ્રસંગો આપણી નજર સમક્ષ આવવા લાગે છે. પ્રવેશદ્વારની અંદર જમણી તરફ દામોદર ભગવાનું મુખ્ય મંદિર આવેલું છે. સામેની બાજુ શ્રી મહેતાજીના જીવનપ્રસંગોના સુંદર ચિત્રોની આર્ટ ગેલેરી છે. બાજુમાં ગોપનાથ મહાદેવનું મંદિર છે. ‘અસલ રાસ ચોરો’ છે ત્યાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. ભક્તિની ભીનાશથી ભરેલું આ ખૂબ જ શાંત અને સુંદર સ્થાન છે. મહેતાજીના નિવાસસ્થાનથી એટલે કે જુનાગઢ શહેરથી ત્રણ કિલોમીટર દૂર ગિરનાર તરફ જતા મધ્યમાં પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ‘દામોદર કુંડ’ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં ‘બ્રહ્મકુંડ’ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાના એક ‘અશ્વત્થામા’ પ્રતિદિન પ્રાત:કાળે બ્રાહ્મ મુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-5ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં ભવનાથ મંદિર, અશોક શિલાલેખ અને મ્યુઝિયમ મુખ્ય છે. પ્રવાસીઓ નજીકના તુલસીશ્યામ અને સાસણગીરના પ્રદેશોની પણ મુલાકાત લે છે.

[સમાપન]
જૂનાગઢ એટલે જૂનાગઢ ! ભક્તિ, સાધના, સાહિત્ય અને સેવાની આ ભૂમિ છે. અહીંનો લીલોછમ હરિયાળો પ્રદેશ અને વાદળને સ્પર્શતાં ઉત્તુંગ ગિરનારના શિખરોને છોડીને જવાનું મન નથી થતું. એમ થાય છે કે પક્ષીઓના ટહુકા, વગડાનું એકાંત, તળેટીનો આહલાદક પવન અને પ્રકૃતિનું આ સૌંદર્ય શેમાં ભરીને લઈ જાઉં ? સવારનું નયનરમ્ય સૌંદર્ય, મધ્યાનનું શાંત વાતાવરણ અને સંધ્યાના રંગમાં શણગારાયેલો ગિરનાર હવે ફરી ક્યારે જોવા મળશે ? પણ, જીવન તો આગળ ધપતું જ જાય છે અને આપણે આ સંસ્મરણોને વાગોળતાં તેને અનુસરતા રહેવાનું છે. છેલ્લે, રૂપાયતનને અલવિદા કહીને હું જૂનાગઢ છોડી રહ્યો છું ત્યારે ફરી મને કવિવર રાજેન્દ્ર શુક્લની એક ગઝલ યાદ આવે છે :

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

[સૌ સાહિત્યકારો, સર્જકો, સંગીત, ચિત્રકલા તેમજ વિવિધ કલાના ઉપાસકોનું રૂપાયતનમાં સ્વાગત છે ! વધુ માહિતી માટે આપ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હેમંતભાઈનો +91 9825268645 અથવા આ સરનામે સંપર્ક કરી શકો છો : hemant_nanavaty@yahoo.co.in સંપર્ક માટે : ‘રૂપાયતન’ ગિરિતળેટી, ભવનાથ. જૂનાગઢ-362004. ફોન : +91 285 2627573.]
.
[તંત્રી : આજે આ વિશેષ લેખનું પ્રકાશન હોવાથી એક જ લેખ આપવામાં આવ્યો છે જેની નોંધ લેશો. આ લેખ સાથે 110 જેટલા વિવિધ ફોટોગ્રાફ સાથેની ચાર આલ્બમની લીન્ક નીચે પ્રમાણે આપવામાં આવી છે. પ્રત્યેક ચિત્રને કલીક કરીને આપ તમામ ફોટોગ્રાફ જોઈ શકો છો.]

Rupayatan [1]
Girnaar [2]
Aarohaan [3]
Junagadh [4]