કથાકૉર્નર – વિકાસ નાયક

[ યુવાલેખક તેમજ ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાં ‘ઈન્ટરનેટ કૉર્નર’ના કોલમિસ્ટ શ્રી વિકાસભાઈની કલમથી હવે રીડગુજરાતીના વાચકો પરિચિત છે. અગાઉ આપણે તેમના પુસ્તક ‘મહેક’ અને ‘કરંડિયો’ માંથી ઘણી સુંદર કૃતિઓ માણી છે. આજે આપણે માણીશું તેમના અન્ય એક પુસ્તક ‘કથાકૉર્નર’ માંથી કેટલાક જીવનપ્રેરક લેખો. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી વિકાસભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vikas.nayak@gmail.com સંપર્ક કરી શકો છો. તેમના પુસ્તકની વધુ વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પ્રાર્થનાનું ફળ

kathacornerએક વેપારીજહાજ દરિયામાં પોતાની યાત્રા દરમિયાન ભયંકર મોટા એવા દરિયાઈ તોફાનને ભટકાઈ પડ્યું અને તેમાં મુસાફરી કરી રહેલા બધા લોકો જહાજ પરનાં માલસામાન અને સંપત્તિસહિત ડૂબી ગયાં. ફક્ત બે સાહસિક વેપારીઓ તરતા તરતા દૂરના નિર્જન એવા એક નાનકડા ટાપુ સુધી પહોંચી પોતાનો જીવ બચાવવામાં સફળ થઈ શક્યા. બચી ગયેલા આ બે મનુષ્યો એવા તો હેબતાઈ ગયા કે શું કરવું તેનો નિર્ણય તેઓ કરી શક્યા નહીં. ઈશ્વરને પ્રાર્થના કરવા સિવાયનો બીજો કોઈ રસ્તો તેમને સૂઝ્યો નહીં.

છતાં બંનેમાંથી કોની પ્રાર્થના વધુ શક્તિશાળી છે એ શોધી કાઢવા બંનેએ એવો નિર્ણય કર્યો કે ટાપુને બે ભાગમાં વહેંચી દેવો અને દરેક ભાગ પોતાની વચ્ચે વહેંચી લેવો. ટાપુની બે ભાગમાં વહેંચણી કર્યા બાદ બંનેએ પોતપોતાના ભાગમાં પોતાનું નવું જીવન શરૂ કર્યું. બંને એ પહેલા ખોરાક માટે પ્રાર્થના કરી. બીજે દિવસે સવારે પહેલા માણસે જોયું કે પોતાના ભાગમાં ફળોથી લદાયેલું એક વૃક્ષ ઊભું હતું. તેણે બધાં ફળો તોડી પેટ ભરી પોતાની ભૂખ શાંત કરી. બીજા માણસનો ટાપુનો ભાગ ઉજ્જડ જ રહ્યો.

એક અઠવાડિયા બાદ પહેલો માણસ એકલોએકલો ભટકી થાકી ગયો અને આથી તેણે એક પત્ની મળે એવી પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે તેણે જોયું કે કોઈક વહાણ તૂટી પડ્યું હતું અને તેમાંથી બચી ગયેલી સુંદર એવી એક સ્ત્રી આ ટાપુના તેના હિસ્સાના ભાગ પર આશ્રય લેવા માટે આવી હતી. ટાપુના બીજા હિસ્સામાં કંઈ જ નહોતું. પહેલા માણસે હવે એક સુંદર ઘર, સારાં વસ્ત્રો અને વધુ ખોરાકની પ્રાર્થના કરી. બીજા દિવસે જાણે ચમત્કાર થયો અને તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ છતાં બીજા માણસ પાસે હજી કંઈ જ નહોતું. છેવટે પહેલા માણસે એક વહાણ મોકલી આપવા પ્રાર્થના કરી જેમાં બેસીને તે પોતાની પત્ની સાથે પાછો પોતાની દુનિયામાં જઈ શકે. બીજે દિવસે સવારે તેણે જોયું કે પોતાના ટાપુના હિસ્સાવાળા ભાગમાં એક વહાણ ઊભું હતું.

પહેલા માણસે પોતાની પત્ની સહિત વહાણમાં સવાર થઈ ફરી પોતાની દુનિયામાં પાછા ફરવાનું નક્કી કર્યું. બીજા માણસને ત્યાં જ ટાપુ પર તેના હિસ્સાના ભાગમાં છોડી દઈને તેણે વિચાર્યું કે ઈશ્વરે પણ જેની કોઈ પ્રાર્થના સાંભળી જ નથી એવા ઈશ્વરની કૃપાને યોગ્ય ન હોય, તેવા માણસ પર પોતે પણ દયા ખાવી જોઈએ નહીં. જેવું તેણે વહાણ ચલાવવાની શરૂઆત કરી ત્યાં જ આકાશવાણી થઈ : ‘તારા સાથી એવા બીજા માણસને તું અહીં ટાપુ પર જ એકલો શા માટે છોડી જાય છે ?’
‘મારા પર ઈશ્વરની જે કૃપા ફળી છે તે ફક્ત મારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી તેનું જ પરિણામ છે. તે બીજા માણસની એક પણ પ્રાર્થનાનો જવાબ ઈશ્વરે આપ્યો નથી તેથી તે કશાને લાયક નથી.’
આકાશવાણીએ તેને શાંત કરી મૂકતા કહ્યું : ‘તું ભૂલ કરે છે. તે બીજા માણસની ફક્ત એક જ પ્રાર્થના હતી. હંમેશાં જે મેં પૂરી કરી છે. જો તેની પ્રાર્થના મેં સાંભળી ન હોત તો તેં જેં કંઈ મેળવ્યું છે એ બધું તેં ક્યારેય મેળવ્યું ન હોત.’
પહેલા માણસે પૂછ્યું : ‘મને કહો જોઈએ એવી તે શી પ્રાર્થના તેણે કરી જેનું ફળ મને મળ્યું હોય ?’
આકાશવાણીએ જવાબ આપ્યો : ‘તેની પ્રાર્થના એ જ હતી કે તારી બધી પ્રાર્થનાઓ ફળે અને તારી બધી મનોકામના પૂર્ણ થાય.’

આ વાર્તાનો સાર એ છે કે આપણા પર ઈશ્વરની જે કૃપા છે, ઈશ્વરના જે આશીર્વાદ છે એ કંઈ ફક્ત આપણી જ પ્રાર્થનાના ફળ સ્વરૂપે નથી હોતા, પણ આપણા માટે બીજાઓએ (આપણાં માતાપિતા, મિત્રો કે હિતેચ્છુઓએ) કરેલી પ્રાર્થનાનું ફળ પણ હોય છે.

આજે હું પણ ઈશ્વરને કહું છું કે તમારા બધાની પ્રાર્થના પણ ફળો.
.
[2] પ્યાલાને નીચે મૂકી દો !

પ્રોફેસરે અડધા પાણી ભરેલા પ્યાલાને ઊંચો કરી કલાસ લેવાની શરૂઆત કરી. બધા વિદ્યાર્થીઓને દેખાય એ રીતે થોડી વાર સુધી પ્યાલાને ઊંચે જ પકડી રાખી તેમણે પૂછ્યું : ‘આ પ્યાલાનું વજન કેટલું હશે ?’
વિદ્યાર્થીએ જવાબ આપ્યો : ‘50 ગ્રામ…! 100 ગ્રામ… ! 125 ગ્રામ….!’
પ્રોફેસર બોલ્યા : ‘પ્યાલાનું વજન તો મનેય ખબર નથી. આપણે તે માપીએ તો ખબર પડે પણ મારો પ્રશ્ન એ છે કે જો હું થોડી ક્ષણો સુધી આ પ્યાલાને આમ જ ઊંચકી રાખું તો શું થાય ?’
વિદ્યાર્થીઓ કહે : ‘કંઈ ના થાય !’
પ્રોફેસરે કહ્યું : ‘અને જો હું આ પ્યાલો આ રીતે જ કલાક સુધી ઊંચકી રાખું તો ?’
એક વિદ્યાર્થીએ કહ્યું : ‘તો તમારો હાથ દુ:ખવા માંડશે.’

પ્રોફેસર બોલ્યા : ‘બરાબર, અને જો હું આ પ્યાલો આ જ રીતે આખો દિવસ ઊંચકીને ઊભો રહું તો શું થાય ?’ તરત બીજા એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો : ‘તો પછી તમારો હાથ બુઠ્ઠો થઈ જશે. તમને સખત સ્નાયુતાણનો અનુભવ થશે. કદાચ લકવો પણ થઈ જાય અને ચોક્કસ તમારે હૉસ્પિટલ ભેગા થઈ જવું પડશે !’ આ સાંભળી આખા વર્ગમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
‘ખૂબ સરસ ! પણ હવે મને એક વાત કહો, આ બધી અલગ અલગ ક્રિયાઓ વખતે પ્યાલાના વજનમાં કોઈ ફરક પડ્યો ?’ પ્રોફેસરે પૂછ્યું.
‘ના…’ વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો.
પ્રોફેસરે પૂછ્યું : ‘તો પછી હાથ શા માટે દુખવા લાગશે અને સ્નાયુતાણનો અનુભવ શા માટે થશે ?’
વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા.
એક વિદ્યાર્થીએ કહ્યું : ‘પ્યાલાને નીચે મૂકી દો ! બધી ઝંઝટ જ ખતમ !’
પ્રોફેસરે કહ્યું : ‘બરાબર ! જીવનમાં મુશ્કેલીઓનું પણ એવું જ છે ! જો તે થોડી ક્ષણો માટે જ તમારા મગજ પર સવાર હોય ત્યાં સુધી ઠીક છે, પણ તમે લાંબા સમય સુધી તેમને પકડી રાખી તેના વિશે જ વિચાર્યા કરો તો તમારું મગજ દુ:ખવા લાગશે. હજી થોડા વધુ સમય સુધી તેમને મગજ પર સવાર રહેવા દો તો લકવા જેવી સ્થિતિ જ થઈ જશે. તમે કંઈ જ કરી શકશો નહીં.’

તમારા જીવનમાં એ મહત્વનું છે કે તમે મુશ્કેલીઓ વિશે વિચારો, પણ એથીય વધુ મહત્વનું એ છે કે રાત્રે સૂતા પહેલાં એનો ‘ભાર’ તમે ‘ઉતારી’ મૂકો ! જેથી તમે નિરાંતે નિદ્રા માણી શકો. આ રીતે તમે તણાવમુક્ત રહી શકશો. રોજ સવારે તમે તાજામાજા ઊઠી શકશો અને સખતાઈથી આવનારા સંકટોનો સામનો કરી શકશો. પછી ભલેને તમારા માર્ગમાં આવનારું સંકટ ગમે તેટલું મોટું કેમ ન હોય !
આથી મિત્રો, જીવનમાં ‘પ્યાલા’ને ઊંચકી રાખતા જ નહીં પણ નીચે મૂકી દેતા પણ શીખી જાઓ, સુખી જીવન જીવવા માટે !
.
 [3] સ્વ-મૂલ્યાંકન

એક નાનકડો છોકરો દવાની દુકાનમાં ગયો, ત્યાંથી તેણે એક ખાલી ખોખું લીધું અને તેના પર ચડી તેણે ટેલિફોન સુધી ઊંચે પહોંચવા કોશિશ કરી. બટન દબાવી તેણે ફોન જોડ્યો. દુકાનના માલિકનું ધ્યાન એ તરફ ગયું. તેણે છોકરાની વાત સાંભળવા માંડી.

છોકરાએ પૂછ્યું : ‘મૅડમ, શું તમે મને તમારા ઘરના વાડામાં વધી ગયેલ ઘાસ કાપવાનું કામ સોંપશો ?’
સામેથી સ્ત્રી બોલી : ‘મારે ત્યાં એક ઘાસ કાપવાવાળો પહેલેથી જ રાખેલો છે.’
છોકરાએ કહ્યું : ‘મૅડમ, હું એનાથી અડધી કિંમતમાં તમારે ત્યાં ઘાસ કાપી આપીશ.’
સ્ત્રીએ જવાબ આપ્યો કે તે અત્યારે તેને ત્યાં જે ઘાસ કાપવાવાળો છે તેના કામથી અતિ સંતુષ્ટ છે.

નાનકડા છોકરામાં ગજબની ધીરજ હતી ! તે કહે, ‘મૅડમ, હું તમારા ઘાસ કાપવાની સાથે સાથે કચરા-પોતું પણ કરી આપીશ. જેથી રવિવારને દિવસે ફલોરિડાના ઉત્તર પામ બીચ વિસ્તારમાં તમારું ઘર સૌથી ચોખ્ખુંચણાક અને સુંદર દેખાશે. ફરી પાછો તે સ્ત્રીએ સામેથી નકારાત્મક પ્રતિભાવ આપ્યો. ચહેરા પર સ્મિત સાથે તે છોકરાએ ફોન મૂકી દીધો.

દુકાનદારે આ બધી વાત ધ્યાનથી સાંભળી. તે નાનકડા છોકરા પાસે ગયો અને તેણે તેને સંબોધતા કહ્યું : ‘બેટા, મને તારો અભિગમ ખૂબ ગમ્યો. તારો હકારાત્મક સ્વભાવ અને ઉત્સાહી જુસ્સો કાબિલેતારીફ છે. શું તને મારે ત્યાં નોકરી કરવી ગમશે ?’
છોકરાએ જવાબ આપ્યો : ‘ના સાહેબ ! તમારો ખૂબ ખૂબ આભાર. આ તો હું મારા કામ વિશે મારી માલકણ શું વિચારે છે એ જાણવા પ્રત્યન કરી રહ્યો હતો !’
.
[4] સાચું મૂલ્ય

એક પ્રખ્યાત વક્તાએ પાંચસો રૂપિયાની નોટ બધાનું ધ્યાન ખેંચાય એ રીતે ઊંચી કરી પોતાના સંભાષણની શરૂઆત કરી. લગભગ બસો જણાની હાજરીવાળા એ ખંડમાં, તેમણે પ્રશ્ન કર્યો, ‘આ પાંચસો રૂપિયાની નોટ કોને લેવી ગમશે ?’ એક પછી એક હાથ ઊંચા થવા માંડ્યા.
તેમણે કહ્યું : ‘હું તમારામાંના એકને જ આ નોટ આપવાનો છું, પણ પહેલાં મને આ કરવા દો.’ આ પ્રમાણે કહી તેમણે પાંચસોની એ નોટનો ડૂચો વાળી નાખ્યો. પછી તેમણે ફરી પૂછ્યું :
‘હજી આ નોટ કોને જોઈએ છે ?’
ફરી પાછા એ બધા હાથ ઊંચા થયા જેમણે પહેલા પણ પાંચસોની નોટ માટે હાથ ઊંચા કર્યા હતા.

તેમણે વિચિત્ર હકીકત કરી. તેમણે પાંચસોની એ ડૂચાવાળી નોટને જમીન પર નાંખી દઈ પગ વડે મસળી નાંખી. માટીવાળી ગંદી થયેલી ડૂચો વળેલી એ નોટ ફરી તેમણે ઊંચી કરી પૂછ્યું. ‘હજી કોને આ નોટ જોઈએ છે ?’ ફરી પાછા એ જ બધા હાથ ઊંચા થયા.

તેમણે કહ્યું : ‘મારા મિત્રો, તમે બધા એક અતિ મહત્વનો પાઠ શિખ્યા છો. મેં આ નોટ સાથે ગમે તેવાં ચેડાં કર્યાં તે છતાં તેનું મૂલ્ય બિલકુલ ઓછું ન થયું તેથી તમે બધાએ એ નોટ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. મેલીઘેલી ડૂચાવાળી હોવા છતાં તેનું મૂલ્ય હજીયે રૂપિયા પાંચસો જ છે.’

આપણાં જીવનમાંયે ઘણી વાર આપણે તરછોડાતા હોઈએ છીએ, આપણે ડૂચો વળી ગયો હોય એવી આપણી સ્થિતિ થઈ જાય છે અને ઘણી વાર આપણે લીધેલા ખોટા નિર્ણયને લીધે કે પછી સંજોગોવશાત્ આપણે જમીનદોસ્ત કે ધૂળધાણી થઈ ગયા હોઈએ છીએ. આપણને એમ લાગવા માંડે છે, કે આપણી કોઈ જ કિંમત નથી, આપણું કોઈ જ મહત્વ નથી…. પણ યાદ રાખો, કંઈ પણ થઈ ગયું હોય કે કંઈ પણ થવાનું હોય, તમારું મૂલ્ય કે મહત્વ ક્યારેય ઓછું થતું નથી. તમે ખાસ છો. ક્યારેય ભૂલશો નહીં કે તમે વિશેષ છો. ક્યારેય તમારી ગઈકાલની નિરાશાઓ કે નિષ્ફળતાઓને તમારી આવતીકાલના સ્વપ્નોને કચડી નાખવા દેશો નહીં.
.
[5] જીવનનો બોધપાઠ

એક માણસને ચાર પુત્ર હતા. તે ઈચ્છતો હતો કે તેના પુત્રો શીખે કે કોઈના વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેથી તેણે પોતાના દરેક પુત્રને વારાફરતી દૂર દેશમાં આવેલું એક ‘પૅર’નું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. પહેલો પુત્ર શિયાળામાં ગયો. બીજો પુત્ર વસંતઋતુમાં, ત્રીજો ઉનાળામાં અને ચોથો સૌથી યુવાન પુત્ર પાનખરમાં નીકળ્યો.

તેઓ બધા જઈને પાછા ફર્યા એટલે તેણે બધાને એકસાથે બોલાવ્યા અને પોતાના અનુભવો વર્ણવવા કહ્યું. પહેલા પુત્રે કહ્યું : ‘‘પૅરનું’ ઝાડ કદરૂપું, વાંકું વળેલું અને વાંકુંચૂકું હતું.’ બીજા પુત્રે કહ્યું : ‘ના, એ તો લીલી કળીઓથી અને આશાથી ભર્યુંભર્યું હતું. ત્રીજો પુત્ર કહે : ‘હું તમારા બંન્નેથી સહમત નથી. પૅરનું વૃક્ષ તો સુંદર, સુગંધિત પુષ્પોથી લદાયેલું હતું અને એનું સૌંદર્ય અદ્દભુત અને અનુપમ હતું, જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં.’ સૌથી યુવાન પુત્રે આ બીજા કોઈ ભાઈ સાથે સહમત ન થતા કહ્યું, ‘એ તો પાકટ વૃક્ષ હતું, જે ફૂલોથી ભરેલું અને જીવનના અને સંતોષના પ્રતીકસમું હતું.’

માણસે પોતાના બધા પુત્રોને કહ્યું કે તેઓ બધા પોતપોતાની રીતે સાચા હતા, કારણ કે તેમણે દરેકે તે વૃક્ષની એક ઋતુ જ જોઈ હતી. તેણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, કે એ વૃક્ષ વિશે કે પછી કોઈ મનુષ્ય વિશે પણ તેની ફક્ત એક બાજુ જોઈને અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેમના હોવાનો અર્થ કે સુખ, દુ:ખ, પ્રેમ જેવી લાગણી, જે તેમના જીવનમાં આવે છે તેનું માપ કે સરવૈયું તેમના જીવનના અંતે જ કરી શકાય, જ્યારે બધી ઋતુઓ પૂરી થઈ ગઈ હોય. જો તમે શિયાળામાં હિંમત હારી જશો, તો વસંતની આશા અને વસંતનું વચન ચૂકી જશો. ઉનાળાનું સૌંદર્ય અને પાનખરની સંતુષ્ટતા, પૂર્ણતા પામી શકશો નહીં.

સાર : ફક્ત એક ઋતુની વેદનાને બાકીની ઋતુઓના આનંદનો નાશ કરવા દેશો નહીં. જીવનને ફકત એક વિકટ ઋતુ દ્વારા મૂલવશો નહીં. મુશ્કેલીના સમયગાળામાં ટકી રહેશો તો સુખના સારા દિવસો પાછળથી જરૂર આવશે જ.

[કુલ પાન : 128. કિંમત રૂ: 85. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001 ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગિરનારની ગોદમાં – મૃગેશ શાહ
પૂજા – અલકા ભટ્ટ Next »   

20 પ્રતિભાવો : કથાકૉર્નર – વિકાસ નાયક

 1. nayan panchal says:

  [1] પ્રાર્થનાનું ફળ

  પ્રાર્થના એ તો ઈશ્વર સાથેનો સંવાદ છે. ઇશ્વર જ્યારે આપણને બીજાને મદદ કરવાની તક આપે છે ત્યારે તેને ઝડપી લેવી જોઇએ, કદાચ ફરી એવી તક મળે ન મળે.

  આપણે કોઈના માટે સારુ ન માંગી શકીએ તો ભલે, પરંતુ ખરાબ તો ક્યારેય ન માંગવુ જોઇએ.

  [2] પ્યાલાને નીચે મૂકી દો !

  સાચી વાત છે. દોરામા જ્યારે બહુ ગૂંચ આવી જાય ત્યારે તેને ઉકેલવા કરતા ઢીલો છોડી દેવો જોઇએ.

  સૂતા સમયે તો મગજની સ્વિચ બંધ કરીને નાના બાળકની જેમ સૂઈ જવુ જોઇએ. બની શકે તમારુ unconcious mind સવારે તેનો ઉકેલ તમને આપી દે.

  [3] સ્વ-મૂલ્યાંકન

  Introspection જીવનમા બહુ જરૂરી છે. માણસે પોતાને તો વફાદાર રહેવુ જ જોઈએ. શક્ય હોય તો પોતાના સ્વજનો, મિત્રો પાસેથી તેમના પ્રામાણિક અભિપ્રાય જાણવા જોઈએ.

  [4] સાચું મૂલ્ય

  જેવી રીતે ૫૦૦ની નોટનુ મૂલ્ય નથી બદલાતુ કારણ કે તેની ખરીદીક્ષમતા એની એ જ રહે છે. એ જ રીતે માણસનુ મૂલ્ય પણ તેની આંતરિક ક્ષમતા પરથી નક્કી થાય છે. થોડી ઘણી નિષ્ફળતાથી માણસ કંઈ નકામો નથી થઈ જતો. He can always bounce back.

  આપણે પણ નિષ્ફળ માણસનો સાથ છોડી ન દેતા, તેને બનતી મદદ કરવી જોઇએ.

  Whenever you feel low or depressed, remember you are the same sperm who won battle against million others.

  [5] જીવનનો બોધપાઠ

  જીવનમા બધા દિવસો ક્યારેય એકસરખા નથી હોતા. સમય સમયનુ કામ કરે છે, આપણે આપણુ કામ કરવુ જોઇએ.

  કોઇ માણસ સંપૂર્ણ સારો કે ખરાબ નથી હોતો.

  ક્યારેય ત્વરિત અભિપ્રાય પર આવી ન જવુ જોઇએ. મોટાભાગે બધા જ layered personality ધરાવતા હોય છે.
  કોઇ પરિસ્થિતીને પણ તરત સારી કે ખરાબ ગણવી યોગ્ય નથી. ઘણીવાર ખરાબ દેખાતી પરિસ્થિતી પણ છૂપા આશીર્વાદ લઇને આવે છે.

  નયન

 2. એકે એક વાત ખૂબ જ સચોટ અને સુંદર રીતે માર્મિક ભાષા માં કહેવાઈ છે અને દરેક વાત વાચકના મન પર તેની અસર છોડી જાય છે….

  સુંદર…

 3. Vikram Bhatt says:

  ઇન્ટરનેટ પર પ્રચલિત અજાણ્યા લેખકોના લેખોનું સારુ ભાષાંતર.

 4. ArpitaShyamal says:

  ખુબ જ સરસ ….Excellent …gives so many true lessons in life…

 5. મનીષ મિસ્ત્રી says:

  જેમ પાણી ઝરણામાંથી, ઘડામાંથી કે મીનરલ વૉટરની બૉટલમાંથી ભરો તો પણ સરખી જ તૃષા-તૃપ્તિ કરાવે છે તેમ જ કથાઓ અન્યત્રથી લીધેલી હોય તો પણ તેમની માર્મિકતા ઘટતી નથી. ઉપરાંત, ભાષા બદલાવાના કારણે તેનો પરિપ્રેક્ષ્ય કે બોધ બદલાતો નથી તેથી તેનું મૂલ્ય પણ કચડાયેલી નૉટની માફક અકબંધ રહેવા પામે છે.

  રીડ-ગુજરાતીના વાચકો સહજ રીતે સંકલનો પ્રત્યે આકર્ષિત છે, અન્યથા તેઓ રોજે-રોજ બે નવી રચનાઓ પિરસતી આ સુંદર સાઈટને બદલે કોઈ નવલકથા ચલાવતી RSS શૃંખલા માણતા હોત. વધુમાં, જો તમે આ લાઈન પણ વાંચી રહ્યા હોવ તો તમે એવા વીરલ રસીકોમાંના છો કે જે વાંચનનું ઊંડાણ અને મર્મ પણ જાણવા માગો છો, અન્યથા માહિતી ના આ મહાસાગરમાંથી બધાને ટૂંકમાં અને જલ્દી ઘણું-બધું જોઈએ છે, તે જગ-જાહેર છે.

  આ પ્રકારનાં સંકલનો વધુ ને વધુ ઊપલબ્ધ કરાવવા બદલ રીડ-ગુજરાતી (મૃગેશભાઈ) નો ખૂબ-ખૂબ આભાર.

 6. Hiral Thaker "Vasantiful" says:

  Excellent!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.