પૂજા – અલકા ભટ્ટ

એ દિવસ મારા જીવનનો સૌથી મહત્વનો દિન હતો. છતાં મારા મનમાં ગજબની શાંતિ હતી. કોઈ હલચલ નહિ. કોઈ વ્યગ્રતા નહિ. સુશાંતે કહ્યું’તું, રોજરોજની કચકચ પૂરી થઈ જાય તો સારું. સુશાંત આવ્યો. આવતાં જ પૂછ્યું :
‘નિર્ણયમાં કંઈ ફેરફાર તો નથી થઈ રહ્યો ને ?’
‘મારો નિર્ણય અડગ છે. જે કરવા ધાર્યું છે એમ જ થશે.’
‘પણ પૂજા, આ કોઈ ફિલ્મ કે ઉજાણી માણવાનો નિર્ણય નથી. આખી જિંદગીનો સવાલ છે.’
‘જો, નિર્ણય ગમે તેટલો નાનો હોય કે મોટો, ખોટો હોય કે સાચો. બસ, એક વાર કરી લેવો જોઈએ. પછી એને પૂરો કરવા માટે પૂરી દઢતાથી મંડી પડીએ તો જીવનની કપરી ક્ષણો પણ ઉજાણી જેવી હળવીફૂલ બની જાય છે !’
‘ભલે, તો નિર્ણય મુજબ આવતે અઠવાડિયે કોર્ટમાં લગ્ન કરીશું. પણ એક વાત. પહેલાં ફલેટ જોઈ લે. પસંદ પડે તો….’
‘ક્યા ફલેટની વાત કરે છે તું ? આપણે લગ્ન કરીને સીધાં ઘેર જ જઈશું.’ હું મૂંઝાઈ ગઈ.
‘પણ કોઈ સીધી રીતે વાત પણ નહિ કરે આપણી સાથે.’
‘જો, બા-બાપુજીની ઈચ્છા વિરુદ્ધ આપણે પગલું ભરી રહ્યાં છીએ તો એમની નારાજગી પણ સહેવી જ પડશે.’
‘એટલે…..?’
‘આજ સુધી એમણે તને ભણાવ્યોગણાવ્યો, નોકરી પણ અપાવી, પોતાની ફરજ બજાવી. અને આજે ફરજ બજાવવાનો સમય આવ્યો છે ત્યારે એમનાથી મોઢું ફેરવી લેવાનું ? માત્ર મારા માટે ?
‘બીજું હું કરી પણ શું શકું ?’
‘આપણે બંને આ કામ પાર પાડીશું.’ મેં દઢતાથી કહ્યું.

સુશાંતના ગયા પછી હું વિચારોમાં ડૂબી ગઈ. માબાપ વગરની છોકરી, નાનપણથી સગાંસંબંધીઓની દયાને ટેકે આગળ વધતી રહી. હું આટલી સાહસિક થઈ જઈશ એવું કોઈએ વિચાર્યું પણ નહિ હોય. સગાંઓની સાથે મેં એ જ દિવસે સંબંધ તોડી નાખ્યો હતો, જે દિવસે એમણે એક એવા માણસ સાથે મારો સંબંધ બાંધવાનું નક્કી કર્યું હતું, જેનો એક પગ યમરાજના દરબારમાં હતો. દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. તો પૂરું કરી ચૂકી હતી. ઈશ્વરનો ઉપકાર કે નોકરી માટે ભટકવું પડ્યું નહિ. એક કૉલેજમાં વ્યાખ્યાતાની નોકરી મળી ગઈ. સુશાંત પણ એ જ કૉલેજમાં વ્યાખ્યાતા હતો. લાંબા સમયના પરિચય પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સુશાંતને ઘેર હું પહેલાં પણ ઘણીવાર ગઈ હતી. એના ઘરનાં સભ્યો કટ્ટર રૂઢીવાદી વિચારો ધરાવતાં હતાં. એમને હું ગમતી, પણ પુત્રવધૂ તરીકે અપનાવવામાં અધર્મ સમજતાં હતાં. એટલે જ્યારે સુશાંતે ઘરમાં નિર્ણય જણાવ્યો ત્યારે ચોખ્ખી ના ન પાડી શક્યાં; કારણ કે, સુશાંત એકમાત્ર આધાર હતો. પણ મારા તરફ એમની નફરત વધી ગઈ.

ખેર, એ દિવસ પણ આવી ગયો અને કોર્ટમાં જઈને લગ્ન કરી લીધાં. મિત્રોની શુભેચ્છા મેળવ્યા બાદ જવાની તૈયારી થવા લાગી ત્યારે સુશાંતે પૂછ્યું : ‘હવે શું મરજી છે તારી, પૂજા ?’
‘વારંવાર બદલવી પડે એ મરજી ન કહેવાય. ઘરે જ ચાલો.’
‘ખૂબ દઢ નિશ્ચય છે તારો, ખેર. ચાલો !’
ઘેર પહોંચીને સાસુને પગે લાગવા ગઈ તો આશીર્વાદને બદલે મને એમના મોઢા પર ઘૃણા અને તિરસ્કારના ભાવ દેખાયા. સસરાને પગે લાગી, પણ આશીર્વાદ માટે ન તો એમનો હાથ ઊંચો થયો, ન તો તે કંઈ બોલ્યા. સુશાંતની નાની બહેન સ્નિગ્ધા, જે પહેલેથી જ મને ખૂબ પ્રેમ કરતી હતી, એક બાજુ સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ – પોતાનાં બાબાપુજીના પ્રત્યાઘાત જોઈને. સુશાંત મને લઈને ઉપર આવ્યો અને વરસી પડ્યો : ‘આ જ તમાશો જોવા જીદ કરતી હતી ને ? મેં પહેલાં જ કહ્યું હતું.’
‘તો શું થઈ ગયું ?’ મેં શાંત સ્વરે કહ્યું.
બપોર સુધી ઘરમાં શાંતિ છવાયેલી રહી. જમવાનું લઈને સ્નિગ્ધા ઉપર આવી. સુશાંત ચૂપચાપ બેસી રહ્યો, પણ મેં ઊઠીને થાળીઓ લઈ લીધી અને કહ્યું :
‘સ્નિગ્ધા, તું પણ અહીં જ અમારી સાથે જમ ને !’
‘ના. તમે જમો. બા નીચે મારી રાહ જોતાં બેસી રહેશે.’ એ ચાલી ગઈ. સુશાંતને પરાણે આગ્રહ કરીને મેં ખવડાવ્યું. જમ્યા પછી એ સૂઈ ગયો એટલે થાળીઓ લઈ નીચે આવી. બધાં વાસણ ઊટકવાના બાકી હતાં. ચૂપચાપ ધોવા લાગી. બા ગુસ્સે થઈ ગયાં.
‘રહેવા દે. હું જાતે સાફ કરી લઈશ….’ પણ હું નીચા મોઢે વાસણ માંજતી રહી.

સાંજે બા રાતનું ભોજન તૈયાર કરવામાં પડ્યાં એટલે હું પણ મદદ કરવા નીચે પહોંચી ગઈ – એમની ના હોવા છતાંય. રાત્રે સુશાંત બોલ્યો :
‘આવા વાતાવરણમાં રહેવા કરતાં તો ચાલ, દસ-વીસ દિવસ ક્યાંક બહાર ફરી આવીએ.’
‘શું ફરવાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ ન રાખી શકાય ?’
‘એટલે…?’
‘એટલે એમ કે આ નાજુક સમયે ઘરમાં રહેવું જ આવશ્યક છે. નહિ તો મારી અને બા-બાપુજી વચ્ચેની ખાઈ ક્યારેય પૂરી નહિ શકું.’
‘પૂજા, લાગે છે મારા કરતાં તને એ લોકોની ચિંતા વધારે છે.’
‘માત્ર તારા માટે, જે ‘તારાં’ છે, એમને હું ‘મારાં’ બનાવવા માગું છું. તું સાથ આપીશ ને ?’
સુશાંત હસી પડ્યો : ‘ખબર નથી પડતી કઈ માટીની બનેલી છે તું ?’

ઘરના તંગ વાતાવરણમાં રહીને હું ક્યારેય મારા મનને તંગ થવા દેતી નહિ. રજાઓ પૂરી થઈ ગઈ. મેં કૉલેજમાં જવાનું શરૂ કર્યું. જિંદગી મને ક્યારેય બોજ જેવી લાગી નહિ. બોજ તો ત્યારે જ લાગે, જ્યારે મારી પસંદનું પાત્ર ન મળ્યું હોય. આખી દુનિયામાંથી મેં એક માનવીને શોધી કાઢ્યો હતો અને એ મને પ્રાપ્ત પણ થયો હતો, જે મારા સુખદુ:ખમાં ભાગીદાર હતો. પછી મને જિંદગી શા માટે બોજારૂપ લાગે ? રોજ વહેલી સવારે ઊઠીને ઘર વાળીઝૂડીને પછી નાસ્તો તૈયાર કરતી. બાને રસોઈમાં મદદ કરતી, પણ બા હંમેશાં મારી સાથે ખૂબ ઓછું બોલતાં. સુશાંત, બાપુજી અને સ્નિગ્ધાને જમાડીને પછી હું જમતી. પછી તૈયાર થઈ સુશાંતની સાથે જ કૉલેજ ચાલી જતી. સાંજે આવીને બધાં માટે ચા બનાવતી અને પછી રાત્રિના ભોજનની તૈયારી શરૂ કરી દેતી. તેમ છતાં મેં ક્યારેય થાક લાગવાનું નામ ન લીધું; કારણ કે ઉરમાં ઉમંગ હતો.

તે દિવસે કૉલેજમાં વાર્ષિકદિનની ઉજવણી હતી. સુશાંત આખો દિવસ કૉલેજમાં જ રોકાયેલો રહ્યો. પણ હું મારું કામ પતાવી, કાર્યક્રમ માટે ન રોકાતાં ઘેર ચાલી આવી. બાને થોડો તાવ ચડ્યો હતો. ઘેર પહોંચતાં જ જોયું તો બા રસોડામાં કંઈ કામ કરી રહ્યાં હતાં.
‘બા, હું કહીને તો ગઈ હતી કે કાર્યક્રમ માટે રોકાવાની નથી. જલદી આવી જઈશ. તાવમાં તમારે કામ ન કરવું જોઈએ.’ મેં એમને હાથ લગાડીને જોયું તો તાવ વધી ગયો હતો. પણ મારો હાથ એમણે ઝાટકો મારીને દૂર કર્યો : ‘હજુ આખા ઘરનું કામ કરવાની શક્તિ છે મારામાં. મારા પર ઉપકાર કરવાની જરૂર નથી. મારે માટે કાર્યક્રમ છોડીને આવવાનો એટલો અફસોસ હોય તો ત્યાં પાછી જા અને કર મજા.’ હું સ્તબ્ધ થઈ ગઈ. કેટલી નાની અમસ્તી વાતને કેવા અર્થમાં લઈ લીધી ! મેં એવું કંઈ જ કહ્યું ન હતું, જેથી ગુસ્સો ચઢે. એ રાત્રે સુશાંતને મેં કહ્યું : ‘શું ઓછું છે મારામાં કે બા બાપુજીની નારાજગી જતી જ નથી. એમને તો એવી જ વહુ જોઈતી હતી ને, જે એમને માન આપે, એમની સેવા કરે ? શું બીજી જ્ઞાતિની છોકરીમાં એ ગુણ નથી હોતા ? પોતાની જ જ્ઞાતિની છોકરી એમની સેવા કરી શકે ? જો તેઓ એમની પસંદગીની વહુ લાવ્યાં હોત અને એણે એમની સેવા કરવાની, માન આપવાની ના પાડીને, બીજે જ દિવસે જુદા રહેવાની દરખાસ્ત મૂકી હોત તો શું થાત ? માત્ર એટલું જ કહેત કે, શું કરીએ, અમારું નસીબ જ વાંકું છે કે પુત્રનું સુખ ન મળ્યું ! જ્યારે મારા જેવી વહુ એમને મળી છે, તેમ છતાં નારાજ છે. એમને બીજું શું જોઈએ છે સુશાંત ?’ એ રાત્રે પહેલી વાર આ ઘરમાં આવ્યા પછી મારી આંખોમાં આંસુ ધસી આવ્યાં.

બે અઠવાડિયાં પછી પાડોશી સરોજબહેનને ત્યાં આલોકના લગ્નનો પ્રસંગ હતો. લગ્ન ખૂબ ધામધૂમથી થયાં. આલોકની પત્ની ચૈતાલી ખૂબ સુંદર હતી. અને પિયરથી અઢળક વસ્તુઓ લઈને આવી હતી. આ જાણી બા મારી તરફ વધુ અણગમો દર્શાવવા લાગ્યાં. લગ્ન પતી ગયા પછી બીજે દિવસે આલોક ચૈતાલીને લઈને સહેલગાહે ઊપડી ગયો. એકાદ મહિના પછી સરોજબહેન અચાનક આવી ચઢ્યા : ‘અરે સરોજ, બહુ દા’ડા પછી દેખાઈ ? તેં તો હવે ઘરની બહાર જ નીકળવાનું બંધ કરી દીધું છે કે શું ?’ બા બોલ્યાં. કોઈએ સરોજબહેનની દુ:ખતી નસ દબાવી હોય એમ બોલી ઊઠ્યાં :
‘શું કહું બહેન ? વહુ તો આખો દિવસ નખરાં કરવામાંથી જ ઊંચી નથી આવતી. હું તો ક્યાં ક્યાં પહોંચું ? પોતાના બાપની દોલતનો એટલો તો ઘમંડ છે. તમે તો બહુ નસીબદાર ! આવી ભણેલી ગણેલી સેવાચાકરી કરે એવી વહુ મળી છે, અને વળી કમાય છે પણ ખરી. ઘર પણ બરાબર સાચવે છે !’
હું એ વખતે દાદરો ઊતરી રહી હતી.
સરોજબહેનની વાત સાંભળી ત્યાં જ ઊભી રહી ગઈ. પણ બાએ સરોજબહેનના કથનના કંઈ પ્રત્યાઘાત ન પાડ્યા.

સ્નિગ્ધા માટે છોકરાની શોધખોળ ચાલી રહી હતી. એક સારો છોકરો પણ જોયો હતો. પણ છોકરાવાળાઓને લગ્નની ઉતાવળ હતી. છોકરો લશ્કરમાં અધિકારી હતો અને રજાઓ ઓછી હતી. રજા પૂરી થાય એ પહેલાં જ લગ્ન પતાવી દેવા માગતો હતો. નહિ તો પૂરું એક વર્ષ નીકળી જાય એમ હતું. બા-બાપુજી ખૂબ ચિંતામાં હતાં. સુશાંતને બાપુજીએ કહ્યું :
‘આટલા ઓછા સમયમાં લગ્નની તૈયારી કરવાનું અશક્ય છે. પૈસાનો બંદોબસ્ત પણ ક્યાંથી કરવો ?’ બાપુજીની વાત સાંભળી મેં બાપુજીના હાથમાં મારી બેન્કની પાસબુક મૂકી દીધી. મારા પગારના પૈસાને બા અડતાં સુદ્ધાં ન હતાં. પગારમાંથી હું માત્ર સો રૂપિયા મારી પાસે રાખી બાકીના બેન્કમાં મૂકી દેતી. ખાસ્સી રકમ એક વર્ષમાં એકઠી થઈ ગઈ હતી. મુશ્કેલીના આ સમયે આટલી રકમ જોઈને બાપુજીને લાગ્યું કે જાણે ભગવાન મળી ગયા. એમની આંખો ઢળી પડી. તેઓ ચૂપચાપ ખંડમાં ચાલ્યા ગયા. બા તો રડી જ પડ્યાં.

સુશાંત એકીટશે મારી સામે જોઈ રહ્યો. એકાંત મળતાં એણે મારો હાથ પકડી લીધો : ‘પૂજા, આ ઘરને માટે આટલું બધું શા માટે કરે છે ? અહીં તારી ક્યારેય કદર થઈ નથી.’
‘જો, જે દિવસે મેં તારી સાથે આ ઘરના ઉંબરે પગ મૂક્યો હતો એ દિવસથી આ ઘરનાં લોકોને મેં અપનાવી લીધાં હતાં. અને સ્નિગ્ધા પણ આપણી જ તો છે. આપણે તેને માટે જે કંઈ કરીએ તે ઓછું છે. બાબાપુજીનો બોજો આપણે ઓછો નહિ કરીએ તો બીજું કોણ કરશે ?’
સુશાંત ભાવુક થઈ ગયો : ‘પૂજા, તારું નામ સાચે જ તારા ગુણને અનુરૂપ છે.’

બીજે દિવસે કૉલેજ જવા માટે નીકળી તો બાના ચહેરા પર પહેલાંની કઠોરતા ન હતી.
‘થોડા દિવસની રજા લઈ લેજે.’ તે બોલ્યાં.
‘ભલે બા.’ મેં જવાબ વાળ્યો.
પછી તો સ્નિગ્ધાનાં લગ્ન માટેની ખરીદીથી માંડીને દરેક બાબતમાં મારી સલાહ પૂછ્યા વગર કામ જ ન થતું. બાપુજીએ પોતાના પ્રોવિડન્ડ ફંડમાંથી પૈસા કાઢવાની વાત મૂકી તો સુશાંત પાસે મેં ના કહેવડાવી દીધી, ‘બાપુજી પાસે ભલે પડ્યા એમના જમા રૂપિયા. અત્યારે વપરાઈ જશે તો પછી એમની બાકીની જિંદગીમાં શું કરશે ?’ મેં સુશાંત સાથે દલીલ કરી.
‘પણ આખી જિંદગી આપણે એમની સાથે જ છીએ.’
હું હસી પડી, ‘વૃદ્ધ માણસોની પાસે નિવૃત્ત થયા પછી પોતાનાં નાણાં હોય, તો એક પ્રકારનો સંતોષ એમને રહે છે. આપણે ભલે એમની ગમે તેટલી સેવા કરીએ, એ લોકો પૈસા પોતાની પાસે ન હોય તો પોતાની જાતને બીજાના ઉપર બોજારૂપ છે એમ સમજતાં હોય છે. અને પછી ઘણી જાતના માનસિક વિકારના શિકાર થઈ જાય છે.’
‘વાહ, શું તારી દાર્શનિકતા ! કોઈક દિવસ મારે કૉલેજમાં તારું લેક્ચર સાંભળવા આવવું પડશે !’

સ્નિગ્ધા વિદાય થઈ ત્યારે બા ખૂબ રડ્યાં. જમવાની પણ ના પાડી દીધી. મેં એમને પરાણે બે કોળિયા ખવડાવ્યું :
‘બા, તમારે તો ખુશ થવું કે સ્નિગ્ધાને આટલું સરસ ઘર અને વર મળ્યાં. અને શું હું તમારી પુત્રી નથી ?’ બા આંસુ લૂછતાં લૂછતાં મારી સામે જોવા લાગ્યાં. પછી એમણે મને એમની નજીક ખેંચી. મને લાગ્યું, મારી ઈચ્છાઓને એક દિશા મળી ગઈ.
બસ, હવે કોઈ ઈચ્છા બાકી રહી નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કથાકૉર્નર – વિકાસ નાયક
નવી દષ્ટિ – જાનકી શાહ Next »   

14 પ્રતિભાવો : પૂજા – અલકા ભટ્ટ

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ.

  પૂજા જેવી સમજણ, ખંત, ધીરજ અને વિચારશીલતા બધામા હોય તો પછી જોવાનુ શું!!!

  ભગવાન સૌને પૂજા જેવા ગુણ આપે.

  નયન

 2. ખૂબ જ સરસ લેખ…..વાસ્તવિક જીવનમાં ય આમ થતુ મેં જોયુ છે….સારા માણસોને અને ખાસ કરીને વહુઓની કિંમત કોઈક સાથે સરખામણી થાય પછી જ સમજાય છે….
  સુંદર વાત અને સરસ અભિવ્યક્તિ

 3. Nimish says:

  Thanks very much!
  Humanity shall always be put before community in any scenario of life, but it’s really a pity that still a huge amount of people in our country don’t understand this very simple idea of living!
  Great, Thanks very much!

 4. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ. જીંદગીમાં અઘરા લાગતા રસ્તાઓ ખરેખર છેલ્લે કાયમી સુખ તરફ દોરી જતા હોય છે એવું આ વાર્તા વાચીને લાગે છે.

 5. Ambaram K Sanghani says:

  અલકાબહેન,
  પૂજા ખૂબ જ ધીરજવાન હશે ત્યારે જ તો કુટુંબ અને સમાજને આવી ઉર્ધ્વગતિ પ્રાપ્ત થાય છે. આવા હ્રદયસ્પશી લેખ બદલ ખૂબ જ આભાર! અભિનંદન પણ.

 6. dhara says:

  really very very nice article..and for young generation it is like guide line….and for old generation also…..both viseversa… ant bhala to sab bhala 🙂

 7. Chirag says:

  Sounds like story of my life. I married to a girl of my dream – my parents didn’t approve it becuase she was from USA not from India. But as time passed and they got to know her, they found that even though we all live in USA, she is more Indian than we are in many many ways – right now, nothing gets done if my Mausami doesn’t approve it. My parents love my Mausmai so much that they have never missed my sister after her wedding. My sister and my Mausami (my wife) are best friends and they are really close. She married me because she loved me. Her parents loved me from day one but it was my parents who had issue but true love and family values, your calture and nature will win the hearts of your enemy. This summer we will celebrate our 7th year wedding anniversary with Jay & Veer (our handsome twins)…

 8. તરંગ હાથી, ગાધીનગર says:

  ખુબ સ-રસ લેખ,

  પુજા એ જે રીતે પારકા ને પોતાના બનાવ્યા તે માર મતે આનન્દ દાયક છે.

  કચ કચ સિવાય ધીરજ થી પણ કામ પાર પાડી શકાય છે.

  ખુબ ખુબ આભાર અલ્કા બેન ફરી થી આવી સામાજીક ક્થા લઈ આવશો. અમે રાહ જોશું હો?

 9. Ashish Dave says:

  Interesting story.

  Ashish Dave
  Sunnyvale, California

 10. Rajni Gohil says:

  અલકાબેને આપણને પૂજાની પૂજા કરવાનું મન થાય એટલું સુંદર પાત્ર આપ્યું છે. સત્યમેવ જયતે, તે પણ બતાવ્યું છે. આત્મવિશ્વાસથી ડગ્યા વગર, યાહોમ કરીને પડો, ફતેહ છે આગળ અને ધીરજનાં ફળ મીંઠા જેવો બોધપાઠ આપતી કેટલી સુંદર વાર્તા છે.

  સાસુ-સસરાના કંટા જેવા સ્વભાવ વચ્ચે પણ પૂજા જેવું ગુલાબનું ફૂલ કેવી સુગંધ પ્રસરાવી ગઇ! આ વાર્તા પરથી બધી વહુઓ પૂજા જેવા ગુણ કેળવે તો કેવું સારું!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.