નવી દષ્ટિ – જાનકી શાહ

‘બેલા, અરે ઓ બેલા, આ દૂધની તપેલી ગૅસ પર છે ને તું ક્યાં ચાલી ગઈ ?’
‘એ તો બા, ટીનુ એની રમવાની સાઈકલ ચલાવતાં ચલાવતાં એકદમ ચીસ પાડી ઊઠ્યો એટલે હું જોવા ગયેલી કે એને કશું વધારે વાગ્યું તો નથી ને !’ બેલા રસોડામાં પ્રવેશતાં બોલી.
‘પણ ગૅસ તો જરા ધીમો પાડતાં જઈએ ! આ હું હમણાં અહીં ન આવી હોત તો કોણ જાણે કેટલું દૂધ ઊભરાઈને નકામું ચાલ્યું જાત !’ માયાબહેનનો ઠપકો સાંભળી બેલાનું મોં પડી ગયું. નીચી નજર રાખીને તે રસોડાનું બીજું કામ આટોપી લેવામાં પરોવાઈ.
‘હજુ તારે શાક સમારવાનું બાકી છે ? જરા ઉતાવળ રાખજે, હં ! હમણાં બીનાને કૉલેજમાં જવાનો વખત થશે અને એ જમવા આવશે.’

‘મમ્મી, આ શાની દવા છે ?’ બેડરૂમમાંથી ટીનુંનો અવાજ સંભળાયો. દવાનું નામ સાંભળી બેલા ચમકી અને તરત તે તરફ દોડી. નાનકડા ટીનુને દવાની બાટલીઓ તરફ ખૂબ આકર્ષણ હતું. તે તરત બાટલી લઈને તેનું ઢાંકણું ફેરવવા મંડી પડતો. બેલાએ નાનાં છોકરાંઓ રમતમાં અજાણપણે જ દવા ખાઈ લે અને ભયંકર પરિણામોનાં ભોગ થઈ પડે એવી વાત ઘણાંની પાસે સાંભળેલી. તેથી બાળકનો હાથ પહોંચે નહીં તે રીતે દવાની બાટલીઓ હંમેશાં ઊંચી મૂકવાનો તે આગ્રહ રાખતી. આજે ભૂલથી કદાચ બીનાએ ડ્રેસિંગ ટેબલ પર બાટલી મૂકી દીધી હશે અને ટીનુના હાથમાં આવી ગઈ હશે. બેલા ટીનુને પટાવીને દવાના કબાટમાં બાટલી મૂકીને પાછી રસોડામાં આવી ત્યારે માયાબહેન શાક કાપવા મંડી પડેલાં.

‘તું તો બહુ ધીમી છે. કોઈ કામનો ઝટ પાર ના આવે. ખબર છે, પેલી રીનાનેય એના બે દિયરોને જમાડીને મોકલવાના હોય છે, પણ આશાબહેન તો કહેતા હતાં કે, રીનાનો ઝપાટો જોવા જેવો છે. બંનેને ગરમ ગરમ રોટલી જમાડે અને સવારનાં બધાં કામોમાં પહોંચી વળે.’ બેલા પહેલેથી જ સમજુ અને ઓછાબોલી હતી. એણે કશો જવાબ આપ્યો નહિ. પણ એને ગળે ડૂમો ભરાઈ આવ્યો. વાતવાતમાં કોઈ પણ કારણ વગર એને ઠપકો સાંભળવો પડતો અથવા કોઈની સાથેની સરખામણીમાં એને ઊતરતી સાબિત કરવામાં આવતી ત્યારે એને પુષ્કળ જ લાગી આવતું. બેલા સુશીલ કુટુંબમાંથી આવેલી સુંદર સંસ્કાર અને અભ્યાસ પામેલી સદગુણી કન્યા હતી. પોતાનાં કાર્યોમાં તે હંમેશાં ચોક્કસ અને વ્યવસ્થિત હતી. લગ્ન કરીને સાસરે આવી ત્યારથી તેના દિલમાં સૌને પોતાની વિવેકી વર્તણૂકથી જીતી લેવાના કોડ હતા. બીનાને તે નાનીબહેન જેવો જ પ્રેમ આપતી. માયાબહેન માટે સાસુ પ્રત્યેનો આદર તે ક્યારેય ચૂકી ન હતી. એનું ભણતર એને બહારના કાર્યક્ષેત્રમાં પણ સુંદર વ્યવસાય આપી શકે એવું હતું. છતાં એને એવા જાહેરજીવનમાં પડવાના કોડ ન હતા. ઘરનું દરેક કામ એ દિલ લગાવીને કરતી તથા ઘરનાં કામો પ્રત્યે રૂચિ દર્શાવતી.

છતાં માયાબહેનની દષ્ટિ જ કંઈ જુદી હતી. વહુના કોડભર્યા અંતરને પારખવાનો એમણે ક્યારેય પ્રયત્ન કર્યો નહોતો. એને એના કામમાં અધૂરી સાબિત કરવામાં જ એમને રસ હતો. બેલાએ બાના માટે જમવાનું ટેબલ રોજની ટેવ મુજબ સજાવીને ગોઠવ્યું. બીનાને ભાવતું અથાણું પણ કાઢીને મૂકવાનું એ ક્યારેય ચૂકતી નહિ.
‘અરે, આવી સુશોભિત રીતે ગોઠવેલી વાનગીઓ જોઈને તો મને બમણી ભૂખ લાગી ગઈ.’ તૈયાર થઈને જમવા આવેલી બીનાએ ખુરશી પર ગોઠવાતાં કહ્યું : ‘ભાભી, તમે જ્યારથી આ ઘરમાં આવ્યાં છો ને, ત્યારથી મારું વજન વધવા માડ્યું છે, હં !’
‘બીના, તું શારીરિક વજનની વાત કરે છે કે વર્ચસ્વ અથવા કિંમતના અર્થની ?’ બેલાએ મજાક કરતાં પૂછ્યું.
‘લ્યો, તમને વાતવાતમાં મજાક પણ તરત સૂઝી આવે છે. આટલી ઠાવકાઈમાં પણ આવું ટીખળ ક્યાંથી સંતાડ્યું છે ?’… બેલા તથા બીનાને સારાં બહેનપણાં થઈ ગયેલાં. બેના ઘરમાં નાની છતાં સમજુ હતી. ભાભીની કાર્યકુશળતા એણે ઘણીવાર પિછાણી હતી. એવી હોશિયાર ભાભી મેળવવાનો એને ગર્વ પણ હતો. એની ચકોર નજર માયાબહેનની કેટલીક ટકોરથી ફિક્કા પડી જતાં ભાભીના મુખને જોઈ લીધા વિના રહેતી નહીં. તરત તેને પોતાની માની સહજ વાગ્ધારા ભાભીના હૃદય માટે કેવી બાણ સમાન પુરવાર થતી હશે તેનો ખ્યાલ આવી જતો.

આવી કોઈ વાતની ફરિયાદ બેલા હોઠ પર લાવતી નહીં અથવા કોઈ વાર પણ બેલા બોલતી નહીં. એ વર્તણૂક ધ્યાનમાં લીધા પછી તો બીનાની નજરમાં બેલાનું મૂલ્ય અનેકગણું વધી ગયું. પોતે કૉલેજમાં સંસ્કૃતના વિષયમાં કુલીનતા અને સંસ્કારિતાનું મૂલ્ય આંકતાં સુભાષિતો ભણતી ત્યારે તેને આચારમાં મૂકનાર સાક્ષાત દેવી પોતાના જ ઘરમાં છે એવી પ્રતીતિ ઘણીવાર એને થતી. ઘણીવાર બંને એકલા બેઠાં હોય ત્યારે બીના પૂછી નાંખતી, ‘ભાભી, મમ્મીની ઘણી વાતોથી તમને બહુ માઠું લાગે છે ને ?’ બેલા વાતને જુદો જ મરોડ આપતી, ‘ખરું પૂછો તો મારે મનમાં ના લાવવું જોઈએ. મારી ક્ષતિઓ દૂર કરવાની સમજ એમાંથી મળી રહે છે એવું મન મનાવી લેવું જોઈએ.’ બેલાના દિલની વિશાળતા પર બીના આફરીન થઈ જતી.

એક સાંજે આશાબહેન માયાબહેનને ત્યાં મળવા આવેલાં. બેલા ટીનુ ઊંઘમાંથી ઊઠ્યો હતો તેને દૂધ આપી પછી એને તૈયાર કરવાના કામમાં પરોવાયેલી. બીના કૉલેજમાંથી વહેલી ઘેર આવી ગયેલી. તેથી તે ચા કરવા રસોડામાં ગઈ. અચાનક કાચ તૂટવાનો અવાજ સંભળાતાં માયાબહેન રસોડામાં દોડી આવ્યાં. અભરાઈ ઉપરથી કપ-રકાબી ઉતારતાં બીનાનાં હાથમાંથી કાચના બે પ્યાલા ફૂટીને કચ્ચરઘાણ થઈ ગયા હતા, તે જોઈને તે બોલી ઊઠ્યાં : ‘અરે બીના, તને કાચ વાગ્યો તો નથી ને ? કંઈ નહિ બેટા, એમાં જીવ ના બાળીશ. મૂઆ આ કાચનાં વાસણો તો એમ જ કોઈ વાર આવરદા ખૂટે કે ફૂટી જાય. એમ થાય તો જ નવાં કપરકાબી વસાવી શકાય ને !’ આશાબહેન પણ અવાજ સાંભળતાં માયાબેનની પાછળ જ ઊઠીને અંદર આવેલાં. તેમણે કહ્યું : ‘એ તો કોઈ વાર નુકશાનીના યોગો જ આવે છે. અમારી રીના એમ તો કાળજીવાળી. પણ એકવાર એના હાથમાંથી તેલની ટોયલી જ પડી ગયેલી ને બધું તેલ ઢોળાઈ ગયેલું. એ છોભીલી પડી ગયેલી કે હું એને બોલીશ, પણ ભાઈ, કોઈ વાર એવી ભૂલ આપણાથી પણ નથી થતી ? એટલે મેં તો એને સાંત્વન આપ્યું કે આપણે ત્યાં નુકશાનીનો યોગ ચાલતો હશે !’

ટીનુનું કામ પડતું મૂકીને બીનાને તૂટેલા કાચના ટુકડા ઊંચકવાની મદદે દોડી આવેલી બેલાનું અંતર છાની રીતે રુદન કરી ઊઠ્યું. બે દિવસ પહેલાં જ વર્ષોજૂની થઈ ગયેલી છીણીનો પાયો એનાથી દૂધી છીણતાં તૂટી ગયેલો, ત્યારે એને માયાબહેનનો સખત ઠપકો સાંભળવો પડેલો : ‘તને બધી વસ્તુઓ સહેલાઈથી મળી ગઈ છે ને એટલે કોઈ વસ્તુની કિંમત નથી. આ હું કેટલાં વર્ષોથી વસ્તુઓ જાળવી જાળવીને વાપરું છું. અને તને કોઈ વસ્તુની સાચવણી આવડતી જ નથી.’
‘હશે મમ્મી ! એ તો કોઈ વાર જૂની વસ્તુ તૂટે તો ખરી જ ને !’ બીના બેલાની વહારે ધાઈ હતી.

પણ તે દિવસના ઠપકા કરતાં માયાબહેનના આજના બોલ વધારે વેધક નીવડવાના હતા. તેમણે તો આશાબહેન સમક્ષ કહેવા માડ્યું હતું : ‘એ તો ઠીક છે, પણ આ અમારી બેલાને હાથે બધું તૂટે બહુ. થોડા વખત પહેલાં ફર્નિચર લૂછતાં એક ફોટો પાડીને ફોડી નાંખેલો. હમણાં બે દિવસ પર મારી કેવી સારી છીણીનો પાયો જ તોડી નાખ્યો.’ પોતાની વાતમાં મશગૂલ બંને સાસુઓએ બેલાને ત્યાંથી પસાર થતી ગણકારી નહીં, પણ બીનાની ચકોર આંખોએ ભાભીના નીચા નમી ગયેલા મુખની લાલાશ નીરખી લીધેલી.

રાતે જમીને બેલા ટીનુને સુવાડવા રૂમમાં લઈ ગઈ હતી. એના પતિ વિનયભાઈ બહારગામ ગયેલા હોવાથી ઘરમાં હાજર ન હતા. બીના માયાબહેન મેગેઝિન, ઉથલાવતાં હતાં તેની પાસે જઈને બેસી ગઈ.
‘મમ્મી !’ તેણે ધીરે અવાજે કહ્યું, ‘આજની તારી વર્તણૂક મને બિલકુલ ના ગમી.’
‘શેની વાત કરે છે બીના ?’ માયાબહેને મેગેઝિનમાંથી ઊંચું જોતાં પૂછ્યું.
‘આશાબહેનની આગળ તેં ભાભીના વાંક દર્શાવ્યા તે બરાબર ના કર્યું !’
‘એ તો અમે સહજ રીતે વાતોએ ચઢી ગયેલાં.’
‘પણ તેં એ જોયું છે કે આશાબહેન હંમેશાં રીનાભાભીનાં વખાણ જ કરે છે. કોઈ દિવસ એમના દોષ આપણી સમક્ષ છતા કરતાં નથી. આજે તેલ ઢોળાયાની વાત કરી, પણ ઠપકો આપીને નહીં.’
‘પણ મને નુકશાન થાય ત્યારે ઠપકો તો આપું ને ?’
‘તો પછી આજે મારાથી કપ ફૂટયા ત્યારે પણ તને નુકશાન તો થયું જ, તો મને એ કારણે કેમ કશો ઠપકો ના આપ્યો ?’ આ અણધાર્યા પ્રશ્નથી માયાબહેન એક ક્ષણ માટે અટકી ગયાં. તેનો લાભ લઈને બીનાએ આગળ ચલાવ્યું :
‘કારણ કે, હું તારી દીકરી અને બેલા તારી વહુ એટલે પારકી, એટલું જ ને ? પણ મમ્મી, એટલો તો વિચાર કર કે ભાભી પણ આપણે ઘેર આવીને રહ્યાં છે ત્યારથી પારકું ઘર પોતાનું કરીને રહ્યાં છે. એ આપણને સૌને પોતાની વ્યક્તિ ગણીને પ્રેમ આપવા પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે સાચી સાસુ તરીકે તારે એમને પણ આપણાં કુટુંબી તરીકે જ સ્વીકારી લેવાં જોઈએ. એમને માટે પોતાની દીકરી જેવો જ પ્રેમભાવ રાખવો જોઈએ. પરંતુ તારા મનમાંથી હજુ એ પારકા ઘરની, પારકી રીતરસમવાળી એટલે પારકી જ ગણાય એ સંકુચિત મનોભાવ ટળતો જ નથી. જો તું એમને પણ ‘પોતાની’ વ્યક્તિ ગણીને અપનાવી લે, તો જેમ મારે હાથે કપ ભાંગ્યા, ત્યારે ‘હશે, એવી ભૂલ ક્યારેક તો થાય !’ એવો ક્ષમાભાવ મારે માટે જાગ્યો, તેમ એમને માટે પણ એમની ભૂલ વખતે એવો ભાવ જાગે અને ખમી લેવાની તારી તૈયારી વધે. દરેક વખતે ઠપકો આપવાનું મન ના થાય, પણ સહાનુભૂતિ પણ જાગે.’

પોતાની જ દીકરીને મોઢે આવાં ડહાપણભર્યાં વચનો સાંભળી માયાબહેન અવાક થઈ ગયાં. પોતાની ક્ષતિ નીકળે ત્યારે તેને સ્વીકારે અને તેને તપાસીને સુધારવા પ્રયત્ન કરે એવાં ઉદાર તો એ હતાં જ. થોડીવાર વિચાર કરીને તેમણે કહ્યું : ‘સાચી વાત છે તારી બીના ! એ રીતે બેલાની વર્તણૂંક આપણી સાથે ઘણી જ પ્રેમાળ રહી છે. એણે ક્યારેય આપણાં કુટુંબીઓને પારકાં નથી ગણ્યાં. મારે પણ એની સાથે અલાયદો વ્યવહાર ના રાખવો જોઈએ.’
‘મમ્મી, એક વાર તારા મનમાં તું બેલાને આત્મીયતાથી જોઈશ અને પોતાના કુટુંબીજન તરીકે સ્વીકારી લઈશ, પછી તને એની ભૂલો બીજાની આગળ છતી કરવાનું મન નહીં થાય; પણ છાવરી લેવાનું મન થશે. તું કોઈ દિવસ ઠપકાની દષ્ટિથી મારી ભૂલો બીજી સ્ત્રીઓને મોઢે ગણાવે છે ? મેં કપ ફોડ્યા તે તું કડવી વાણીથી કોઈને કહેવા જઈશ ? ભાભી આપણા ઘરમાં આવી આપણી સાથે રહે છે, માટે આપણાં જ છે એવી સ્વીકૃતિ આવવાથી, એવી મનોવૃત્તિ કેળવવાથી એમની ભૂલો પણ તું સ્વીકારી શકીશ, તેમની તરફ તને ઘૃણા નહીં થાય. એવી સ્વીકૃતિ જ સાચા પ્રેમનું પ્રથમ સોપાન ગણાય.’
માયાબહેન પોતાની દીકરી તરફ માનભેર જોઈ રહ્યાં અને બોલ્યાં : ‘તેં મનોવૃત્તિઓનો સરસ અભ્યાસ કર્યો લાગે છે. તું કહીશ કે આશાબહેન એવી જ મનોવૃત્તિ ધરાવે છે.’
‘જરૂર વળી. એમણે એ પ્રેમાળ અને વિશાળ મનોવૃત્તિને કારણે જ રીના ભાભીના કોઈ દોષ આપણી સમક્ષ ગણાવ્યા નથી. એનો અર્થ એમ તો ના જ થાય ને કે રીનાભાભી સર્વગુણસંપન્ન છે અને એમના કોઈ કાર્યમાં ક્યાંય ક્ષતિ જોવા જ નહિ મળતી હોય ! એક દિવસ સવારે હું ઈસ્ત્રીનાં કપડાં આપવા એમને ઘેર ગયેલી. ત્યારે રીનાભાભી રસોઈના કાર્યમાં પરોવાયેલાં હતાં એટલે હું જ સૂવાનાં ખંડમાં કપડાં મૂકવા ગઈ હતી. ત્યાં બધાનાં કપડાં એટલાં અસ્તવ્યસત રીતે પડેલાં હતાં કે તું જો એમની સાસુ હોત તો જરૂર ઠપકો આપ્યા વિના ના રહેત, કે આ રૂમ આટલો અવ્યવસ્થિત કેમ છે ! પરંતુ એમને રસોઈનું કામ ઉતાવળમાં કરવાનું હોય ત્યારે વસ્તુઓ વ્યવસ્થિત કરવાના કામને ગૌણ સ્થાન આપવું જ પડે અને પાછળથી એ કામ ઉકેલવાનું રાખવું પડે !’

‘એમ ? આશાબહેન તો જે રીતે રીનાની વાતો કરે છે તે રીતે એના કાર્યમાં કોઈ ક્ષતિ હોઈ શકે એવું ક્યારેય દેખાય જ નહિ ! એમ તો આપણી બેલા પણ ઘણી જ સુઘડ અને વ્યવસ્થિત છે.’
‘જો, તને પણ ‘આપણી બેલા’નો પ્રેમભાવ જાગ્યો એટલે એમના ગુણ જોવાનું પણ મન થયું ને ? એકવાર તું એમને પારકી ગણવાનું છોડીને તેમની ભૂલો કાઢવાની તારી દષ્ટિ બદલીશ, કે તરત એમના અનેક સદગુણો તરફ તું ધ્યાન દોરી શકીશ ને તેમાંથી એમને માટે માન અને પ્રેમ જાગૃત થશે. સાચે જ, ઘરની વહુ તરીકે આવી વ્યક્તિ મેળવવી એ આપણું સદભાગ્ય કહેવાય.’ માયાબહેનની આંખો સામે એક ક્ષણમાં અનેક બનાવો પસાર થઈ ગયા. દરેક વખતે પોતાની સાથેના કે વિનય અથવા બીનાની સાથેના વ્યવહારમાં બેલાની નમ્ર વર્તણૂક સૌથી ઉપર તરવરી આવી. અત્યાર સુધી કોઈ દિવસ નહોતો દેખાયો એવો બેલાનો નિર્દોષ અને વિવેકી ચહેરો આજે એમની દષ્ટિ સામે ખડો થયો.

તેમણે કહ્યું, ‘સાચી વાત છે. આપણાં કુટુંબીજનોને કલહના વમળોમાં ગોથાં ખવડાવે એવી એ નથી, પરંતુ સમજુ અને સંસ્કારી છે. સહુની સાથે સંપીને રહી શકે એવી છે. એનો એ ગુણ તો સાચે જ માન આપવા યોગ્ય છે.’
‘મમ્મી, ઘણીવાર મારા મનમાં પ્રશ્ન ઊઠે છે કે કોઈ પણ સાસુ પોતાના દીકરાનું જીવન પોતાના ઉરની મધુરતાઓથી ભરી દીધા પછી એના જ સુખી દાંપત્યજીવનના આધારસ્તંભરૂપ એની જ અર્ધાંગિની ઉપર કટુતાઓ વરસાવી એને ગૂંગળાવી કેમ નાખતી હશે. અને તે પણ પોતે જ ભૂતકાળમાં એવી જ અસહાય વહુ તરીકે જીવન વિતાવ્યું હોય તો પણ !’
‘એ તો બીના, માનસશાસ્ત્રના તારા વિષયમાં રિસર્ચપેપર લખવા માટે સરસ વિષય છે. પણ મનોવૃત્તિના તારા અભ્યાસે આજે મને તેં સાચે જ એક નવી દષ્ટિ આપી છે. બેલાને કે તેના દીકરાનેય આજ પછી હું ક્યારેય પારકા નહીં ગણું.’

બીજો દિવસ ઊગ્યો અને સાથે સાથે બેલાના જીવનમાં જાણે સોનાનો સૂરજ ઊગ્યો. અતીતમાં અનેક પરાજિત ક્ષણોને મનોમન સહી લેતી બેલા પોતાની સંસ્કારિતાથી કુટુંબીજનોમાં એના પ્રત્યે અતિ દુર્લભ એવો નિર્મળ પ્રેમભાવ અને સમભાવ જાગૃત કરવામાં વિજયને વરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૂજા – અલકા ભટ્ટ
પરાયું તો કેવળ આપણું મન ! – ચન્દા રાવલ Next »   

24 પ્રતિભાવો : નવી દષ્ટિ – જાનકી શાહ

 1. nayan panchal says:

  સરસ વાર્તા.

  “ઘણીવાર મારા મનમાં પ્રશ્ન ઊઠે છે કે કોઈ પણ સાસુ પોતાના દીકરાનું જીવન પોતાના ઉરની મધુરતાઓથી ભરી દીધા પછી એના જ સુખી દાંપત્યજીવનના આધારસ્તંભરૂપ એની જ અર્ધાંગિની ઉપર કટુતાઓ વરસાવી એને ગૂંગળાવી કેમ નાખતી હશે. અને તે પણ પોતે જ ભૂતકાળમાં એવી જ અસહાય વહુ તરીકે જીવન વિતાવ્યું હોય તો પણ !’”

  ક્દાચ આ માનસશાસ્ત્રનો વિષય છે. નવી સાસુ એવુ વિચારતી હશે કે મારી સાસુ તો આવી હતી અને તે પણ અજાણપણે પોતાની સાસુનુ વર્તન આચરણમાં મૂકી દેતા હશે. કદાચ નવી બનેલી સાસુને insecurity પણ થતી હશે કે હવે ‘મારો’ દીકરો બીજાનો તો નહીં થઈ જાયને!!

  દરેક સાસુ-વહુ-નણંદની ત્રિપુટીએ વાંચવા જેવી વાર્તા.

  નયન

 2. Kavita says:

  Very good meaningful story. Last paragraph should be read and understood by every one.

 3. Mohit Parikh says:

  very nice story. Give respect to get respect.

 4. Palakh says:

  very good story…..definitely should be read by sasu-bahu.
  While in this story sasu was the culprit, many times bahu also does not consider her in-laws as her own family and always try to pick point her mother-in-laws mistakes. When both sasu and bahu think that they are now bonded in a family than only a family can prosper.

 5. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ!

  સ્ત્રીના જુદા જુદા સ્વરુપ.

 6. Harikrishna says:

  What a good writing : There is one ‘old’ saying in Gujarati;
  ‘ઘરઙા વિના ગાડા ના ચાલે’ – In this fast changing world shall we change it to: ‘જુવાનિયા વિના સસાર ના ચાલે’

 7. અતુલ જાની (આગંતુક) says:

  અતીતમાં અનેક પરાજિત ક્ષણોને મનોમન સહી લેતી બેલા પોતાની સંસ્કારિતાથી કુટુંબીજનોમાં એના પ્રત્યે અતિ દુર્લભ એવો નિર્મળ પ્રેમભાવ અને સમભાવ જાગૃત કરવામાં વિજયને વરી.

  વાહ !

 8. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબ જ સરસ

 9. lmpatel says:

  દરેક સાસુ, વહુ અને નણંદ આવા ન બની શકે ?

 10. ભાવના શુક્લ says:

  સુંદર રજુઆત… સંબંધોની કોમળતાઓની..

 11. Rajni Gohil says:

  માણસ પોતની ર્દષ્ટિ છોડી બીજાની ર્દષ્ટિથી જુએ તો અડધું જગત શાન્ત થઇ જાય. સમજવા લાયક વાર્તા છે. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ સમભાવ રાખીએ તો એની કિંમત. દીકરીની જેમ વહુની સાથે પણ પ્રેમથી વર્તન કરવાથી સાસુ-વહુના પ્રોબ્લેમ રહે જ નહીં તે વાત આ વાર્તા આપણને શીખવી જાય છે. પ્રેમ આપવાથી પ્રેમ બેવડાય છે.

  Love is the only law of life.

  આચાર્ય વિજય રત્નસુન્દરસૂરિશ્વરજી મહારાજે લખેલ “અમ્રુત જ્યારે આંખમાં પ્રવેશે છે” રત્નત્રયી ટ્રસ્ટનું પુસ્તક દરેક સાસુમા ને વંચાવવા જેવું છે. દરેક સ્ત્રીએ પણ વાંચવા જેવું છે, ભવિષ્યમાં તે સાસુ બનવાની ને?

  ક્યારેક વહુ પણ સારા સાસુમા પ્રત્યે ખરાબ વર્તન રાખતી હોય છે. તેમના માટે પણ પુસ્તક – ઝેર જ્યારે નીતરી જાય છે. બંન્ને પુસ્તકો છેલ્લે સુધી વાંચકને જકડી રાખે તેવાં છે.

 12. rupal says:

  i really apprieciate of all good thoughts which you spread in all over the world. through this site. i recommond (if possible) can you send me some of the best provobs or thoughts of great person’s about ambition or inspiration for my 18 year old son? which give him a new path for starting his educational career.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.