પરાયું તો કેવળ આપણું મન ! – ચન્દા રાવલ

ચારે ભાઈઓમાં નરેન બે પૈસે સુખી. તેમાં વળી અનાયાસે સાસરું સારું પૈસાદાર મળી ગયું. એટલે સમૃદ્ધિમાં ઊછરેલી જયાએ નરેન્દ્રના ઘરની કાયાપલટ કરી નાખી. રહેવાના ઠાઠમાઠ સાથે સાથે સંસ્કારોની સૌરભ પણ ખૂબ હતી. એટલે પરણીને આવતાંની સાથે જ જયાએ નિકટની વ્યક્તિઓ, મિત્રો અને નોકરોમાં પણ પોતાનું આગવું સ્થાન મેળવી લીધું હતું – સિવાય કે વાસંતી.

સુખીસમૃદ્ધ ભાઈને ઘેર રહેવાની હોંશ ત્રણે બહેનો કરે તે સ્વાભાવિક હતું. મોટી બે બહેનો તો ક્યારેક જ આવી શકતી ને તૃપ્ત મને આશિષવર્ષા કરી જતી. નરેન કુટુંબ માટે અડધો અડધો થઈ જતો. પૈસાદારોના ઠાલા વિવેક ને પોલા આવકાર તરફ એને સખત નફરત હતી. પોતે પૈસાદાર થયો ત્યારથી આ બાબતની સખત તકેદારી રાખતો કે પોતે પણ ક્યાંક પોલો પોલો, ઠાલો ઠાલો ન થઈ જાય. બેવડા જોરથી કુટુંબમાં લપેટાઈ જતો. ઘણીવાર જયાને અન્યાય કરી નાખતો. પણ ચરચરાટી ઉપરના સ્તરથી જ શમી જતી. જયાની શાંત સંસ્કારી રીતભાતથી બન્ને વચ્ચે પ્રીતિની મધુરતા છવાઈ ગઈ હતી. નરેન ખૂબ આગ્રહથી ભાઈઓ-બહેનોને નોતરે. એ લોકો પહેલાં, પછી આખી દુનિયા !

જયા પણ અંગત કાળજી લઈને સૌને સાચવાનો આગ્રહ રાખે, લાગણીપૂર્વક બધાની કાળજી લ્યે. ભર્યા ઘરમાં ઊછરેલી જયાને કોઈ આવે ત્યારે વધુ આનંદ આવતો. કુટુંબની દરેક વ્યક્તિને પોતાની ગણીને લાડ કરતી. કાળજી કરતી પોતાની માતા જયાનો આદર્શ હતી. એટલે સવારની ચાથી માંડીને નહાવાનું પાણી, પાટલો, સાબુ, ભાવતી વાનગીઓથી લઈને રાત્રે પથારી રજાઈ વગેરેનું સૂવા સમય સુધીનું તમામ ધ્યાન રાખવામાં જયા સુખ પામતી. પોતાની સાથે સાથે નોકરોને પણ ખડે પગે રાખતી, પોતાનાં જેઠ-દિયર-નણંદો માટે !

આમ છતાં ક્યાંકથી જ્યારે નરેન એનો વાંક શોધી કાઢીને બધાની રૂબરૂમાં કડક શબ્દોમાં ઝાટકી નાખે ત્યારે જયાનું મન જરૂર ખારું થઈ જતું. સૌને પોતાના કરવા મથતી જયાને સમજાતું ન હતું કે નરેન શા માટે આમ કરતો હશે ! એ બધાં પૈસેટકે પોતાના કરતાં ઓછા સુખી છે. બલકે સાધારણ સ્થિતિનાં છે એવું જયાને કદીય યાદ આવતું ન હતું. નરેન શા માટે પરિસ્થિતિના આવા ભેદ ભૂલી નહીં શકતો હોય ? આ બધાં નરેનનાં સગાં છે, જયાનાં નહીં એવું જાણે ઢોલ પીટીપીટીને નરેન એને કહી રહ્યો હતો અને બધાને પોતાનાં મનથી મનાવતી જયાના મનમાં એક ઉલ્કાપાત થઈ જતો. લાગણીઓના આકાશમાં વિહરતાં વિહરતાં જાણે કે અચાનક ધરતી પર પતન થઈ જતું ! નરેનની જેમ જ વાસંતીના મનમાં પણ કાયમ એવી જ શંકા રહેતી કે પૈસાદારોનો ઘમંડ તો તોડવો જ જોઈએ. ભાભી આટલી બધી કાળજી બતાવે તે ખરી હોઈ શકે જ નહીં. અમસ્તુંય નણંદ-ભોજાઈ વચ્ચે પ્રેમ હોઈ શકે જ નહીં. ભાભીઓને પતિના પ્રેમમાં ભાગ પડાવનાર ગમે જ નહીં. આજે દસેક વર્ષના લગ્નજીવન બાદ પણ વાસંતી કદીય પોતાની નણંદ કે સાસુ-જેઠ વગેરેને આટલું વહાલ કરી શકી ન હતી. પહેલી જ વાર સાસરે પગ મૂકેલો ત્યારે દિયર તો સાવ આવડો અમથો, મોટીબહેનના લાડકા ભાણિયા જેવો જ હતો. પણ તોય વાસંતી કદી ભૂલી શકી ન હતી કે આ પોતાનો નહીં, પરણ્યાનો સગો છે. ભાણિયાની જેમ એ પણ જ્યારે વાસંતીના ખોળામાં ચડી બેસતો ત્યારે લોકલાજે એ ચૂપ તો જરૂર રહેતી પણ મનમાં તો ખૂબ રોષ થતો, અકળાઈ ઊઠતી ! અભડાઈ જતી હોય તેમ એની આંખો એ બાળક સામે જોઈ રહેતી અને દિયર ઊઠી જ જતો !… ને આ ભાભી ! કેમ કરીને આટલી બધી લાગણી બતાવે છે ! કે પછી પૈસાદારોને બધા જ પ્રકારનો ઢોંગ આવડતો હશે ! એમ જ હોવું જોઈએ…. આવી બધી માન્યતાઓને કારણે જયાની રીતિઓમાં ક્યાં ક્યાં ક્ષતિઓ છે તેનું સંશોધન કરવાનો ઉદ્યમ વાસંતીને પ્રિય થઈ પડતો – જ્યારે જ્યારે એ ભાઈને ઘેર આવતી ત્યારે….

એવા જ એક દિવસની આ વાત છે. નરેનને ઘેર બેચાર દિવસ ગાળવા વાસંતી આવી હતી. ભાઈબહેન હેતપ્રીતથી હસીરમીને વાતોમાં મશગૂલ હતાં. બીજા ઓરડામાં નોકરોને જરૂરી સૂચનાઓ આપી રહેલી જયાનો કંઠસ્વર સંભળાતો હતો. ન જાણે શા કારણે એ ત્યાં જ રોકાઈ રહી હતી. રાહ જોઈને કંટાળેલા નરેનથી હવે ન રહેવાયું. બહેન આવી છે તેની પાસે બેસવાને બદલે જયા શું કરે છે ? ગરીબ ઘરની ગરીબડી બહેનને ખોટું લાગશે. નરેને બૂમ પાડી.
‘કેટલી વાર છે, જયા ? શું કરે છે ? અહીં આવ.’
‘આવું છું…’ ઉત્તરની સાથે સાથે જ જયા ભાઈબહેન પાસે પહોંચી.
વાસંતીએ પૂછ્યું : ‘શું કામમાં પડી ગયાં હતાં, ભાભી ? એકાદો નોકર નથી આવ્યો કે શું ?’
હસીને જયાએ કહ્યું : ‘ના, બધા જ છે.’
જરા કડવાશથી નરેન બોલ્યો : ‘તો પછી ? વાસંતી બેચાર દિવસ રહેવાની છે. પછી નહિ થાય બધું ?’ કડવાશ પારખ્યા છતાં જયાએ મોં હસતું રાખ્યું. પણ મનનો વ્યાપાર બંધ શી રીતે રહે ! વાસંતી બેચાર દિવસ માટે આવી હતી, ખરી વાત. પણ કેટલામી વાર ? વારંવાર આવે છે ને વારંવાર આવશે. આ શહેરમાં રહેતા એક ડૉક્ટરની સારવાર માફક આવી ગઈ છે. પોતાને ગામથી ચાર-છ સ્ટેશન દૂર આ શહેરમાં એટલે વારંવાર આવવાનું થાય છે. રોકાવાનું સ્થળ છે એટલે વાસંતીને ફાવી ગયું હતું. દવા અને હવા ઉપરાંત ભાઈને ઘેર આરામ અને આનંદ પણ મળી જતો. સાસરામાં કદી મન મૂકીને વાસંતી ભળી શકી ન હતી. કાયમ પરાયું જ લાગ્યું હતું. પોતાનો વર પણ હજી સુધી પરાયો જ રહ્યો હતો. એટલે આટલે વર્ષે પણ વાસંતી ભાઈને ઘેર આવે ત્યારે જ મુક્તભાવે હસે, બોલે ! તબિયતમાં બેવડો-ત્રેવડો ફાયદો થાય. વાસંતી આવે છે ને સાજી થતી જાય છે, ક્ષય લાગુ પડી ગયો હોય તેવા ક્ષીણ શરીરમાં લોહી ભરાવા લાગ્યું છે જોઈને જયા પણ રાજી થતી !

જયા મૌન રહી એટલે વાસંતીએ પૂછ્યું : ‘શું કરતાં હતાં ભાભી ?’ જવાબ વાળવાની જયાને ઈચ્છા ન હતી પણ નરેનની નજરે ફરજ પાડી.
‘સ્ટોરરૂમ સાફ કરાવતી હતી. ચીજવસ્તુ સાફસૂફ કરાવી મેળ કરતી હતી.’ છેલ્લા વાક્યે વાસંતીને રમૂજ થઈ. પૈસાદારોને ચીજવસ્તુનો શો હિસાબ ! ટેવ મુજબ કટાક્ષ થઈ ગયો, ‘એમ !’ જયાને હાડોહાડ લાગી ગયો એ એક શબ્દ. મહાપરાણે સંયમ જાળવ્યો. કંઈક કારણસર, થોડીવારે નરેન ત્યાંથી જતો રહ્યો, એટલે વાસંતી ફરી બોલી : ‘તમારી આ સ્ટોર-સફાઈ ને મેળની વાત ખૂબ ગમી ભાભી !’
જે વાત જયા કરવા માગતી ન હતી તેને વાસંતી છોડવા પણ માગતી નથી – જોઈને જયાએ પૂછ્યું : ‘કેમ ?’
‘તમને તે આ બધી વસ્તુઓનો શો હિસાબ ! એક કહેતાં એકવીસ ખરીદી શકો. ખોવાય તોય શું !’
હસી નાખવા જયાએ કહ્યું : ‘તો તો તમે મને ફૂવડ જ કહો ને ?’ પણ ભાભીની અકળામણ છાની ન રહી વાસંતીથી. જોઈને થોડો આનંદ થઈ આવ્યો. પોતાને પજવીને એની નણંદ પણ ખુશ નહોતી થતી ! વાસંતી બોલી તો નહિ પણ આંખોથી હસીને જયાના હૈયા પર જોરથી પટકાઈ – જાણે લપડાકો લગાવી દીધી ! જયાનું સ્વમાન ક્યારેક જ ઘવાય. પણ જો ઘવાય તો ચૂપ ન રહે.
પૂછ્યું : ‘કેમ, હસો છો કેમ ?’
વાસંતી બોલી શકી નહિ. ભાભીના કંઠસ્વરની રુક્ષતાથી ડરી જઈને બાજુમાં પડેલું મેગેઝિન ઉપાડીને પાનાં ફેરવવા લાગી. દિનચર્યામાં વાત ભૂલાઈ ગઈ. નરેન મિત્રને ઘેર ગયો હતો.

સાંજ સોહામણી લાગતી હતી. હવાની લિજ્જત માણતાં માણતાં નણંદભોજાઈ મધુમાલતીના માંડવા નીચે બેઠાં બેઠાં બિઝિકની રમત જમાવી રહ્યાં હતાં. બાજુમાં પડેલી નાસ્તાની રકાબીઓ અજાણપણે જ ખાલી થઈ ગઈ હતી. બન્ને ખુશમિજાજ હતાં. થોડીવારે નોકર પાણીભર્યા પ્યાલા મૂકવા આવ્યો. પ્યાલા તરફ નજર પડતાં જયાનું રમતમાંથી ધ્યાનભંગ થયું.
પૂછ્યું : ‘જડ્યો પછી ?’
નોકરે કહ્યું : ‘ના, બહેન.’
‘તો જય ક્યાં ! કામવાળી આવે ત્યારે એને કહેજે કે એના ઘરમાં ફરીવાર બરોબર તપાસ કરે. છાશબાશ લઈ ગઈ હોય ને પછી ભૂલી ગઈ હોય.’
‘હા..જી.’ નોકર જતો રહ્યો.
વાસંતીએ પૂછ્યું : ‘શું નથી જડતું ભાભી ?’
‘સવારની શોધ ચાલે છે.’
‘પણ શેની ?’
‘સ્ટોરમાં મેળ કરતી હતી ત્યારે એક પિત્તળનો પ્યાલો ઓછો થાય છે. નવા સ્ટેનલેસના લાવી છું એટલે છેક આજે ધ્યાન ગયું. ક્યાં ગયો, કોને આપ્યો કંઈ યાદ નથી આવતું !’
‘એમાં આટલા બધાં અકળાઈ શું ગયાં ભાભી ? મારો ભાઈ તો ખૂબ કમાય છે. બીજો આણજો.’
‘એ બરોબર. પણ ખોવાય તે તો સારું નહિ.’ વળી મૌન. અવાજ કેવળ પાનાંનો, નાસ્તાનો, પાણીનો ને હવે ચાનો ! બાકી નીરવતા. અગાઉની આહલાદકતા ન જાણે શાથી અદશ્ય થઈ ગઈ. વાતાવરણમાં એક પ્રકારનો બોજ આવી પડ્યો.
અચાનક જ્યાએ પૂછ્યું : ‘વાસંતીબહેન, ત્રણચાર મહિના પહેલાં તમે ઉનાળામાં આવેલાં ને પાછા જતાં હતાં ત્યારે મેં તમને એક પ્યાલો આપ્યો હતો ?’
‘ગરમી ઘણી હતી ને હું ઘેરથી લાવવાનું ભૂલી ગયેલી.’ પકડાયેલા ચોરની જેમ વાસંતીએ દબાયેલા અવાજે જવાબ આપ્યો : ‘પાછો લાવવાનું યાદ ન રહ્યું.’
મધુરતાથી જયાએ કહ્યું : ‘એનો વાંધો નહીં, પણ વહેલા બોલ્યાં હોત તો સારું થાત. નકામા બાપડા નોકરો દંડાઈ જાત.’

ભાભીએ ગુસ્સો ન કર્યો એટલે વાસંતીએ જોર કર્યું. તોછડાઈથી બોલી :
‘એક પ્યાલાની તમારા ઘરમાં શી વિસાત છે, ભાભી ?’ ને પછી નારાજીનો દેખાવ કરીને ઉમેર્યું : ‘આટલા માટે જ અમે કહીએ છીએ કે પૈસાદારોના જીવ બહુ સાંકડા.’
તોય જયા ચૂપ રહીને પાનાં વહેંચવા લાગી.
વાસંતીથી રહેવાયું નહીં. ‘મને તો અહીં આવવાનો જરાય અભરખો નથી. પણ નરેન બહુ આગ્રહ કરે છે એટલે….’
જયા એકદમ બોલી ઊઠી, ‘વાસંતીબહેન, વાત આડેપાટે ન ચડાવો. તમારા આવવા સાથે આનો શો સંબંધ છે ?’
‘કેમ નહીં ? આવું છું ત્યારે જ આવી બધી ગણતરી થાય છે ને !’ વાસંતીનું મોં ચડી ગયું એ જોઈ જયા જરા ટટ્ટાર થઈ ગઈ. ખોટું તો એને લાગવું જોઈતું હતું. પૈસાદારોના જીવ શું વાસંતી કરતાં જુદી જાતના હશે ? પ્યાલો તો એના જીવમાં સંતાઈ ગયો હતો ! જ્યા જ્યારે બોલી ત્યારે અવાજમાં કાકલૂદી ન હતી તેમજ ક્રોધ પણ ન હતો. સ્થિરતાથી પૂછ્યું : ‘બહેન, આવો જ પ્રસંગ જો મોટીબહેનને ઘેર ઊભો થયો હોત તો ?’
‘તો ? મોટીબહેનને શું કામ વચમાં લાવો છો ? હું એક જ બસ ન થઈ ?’ અવાજના છણકાથી વાસંતીએ પોતાને ખોટું લાગ્યું છે તે હવે જરાય છાનું ન રાખ્યું.
ડગ્યા વિના જયાએ પૂછ્યું : ‘મોટીબહેને પ્યાલો શોધ્યો હોત, તમને પૂછ્યું હોત તો ? ખરાબ લાગત તમને ?’
આવા પ્રશ્નની અપેક્ષા ન હતી. જવાબ આપ્યો : ‘ના.’
જયાએ સરળતાથી પૂછ્યું : ‘તો પછી મેં પૂછ્યું તો શું કામ ખરાબ લાગ્યું, બહેન ? હું તમારી મા-જણી નથી માટે ? પરાઈ છું માટે ?’
ચમકીને વાસંતી બોલી ઊઠી : ‘ભાભી !’
‘ભાભી ! ખરું, ભાભી છું… પણ તમારી મોટીબહેન જેવી નથી ? એવા જ ભાવથી તમને સ્નેહ નથી કરતી શું ?’ જયા બોલી.

વાસંતી ટગર ટગર જયા સામે જોઈ રહી. ભાભી શું કહેવા માગે છે તે હજી પૂરેપૂરું સમજાયું ન હતું. વાસંતીને વિચારમાં જોઈને જયા ફરી બોલી :
‘પ્યાલો શોધ્યો ન હોત તો તમે જ, વાસંતીબહેન, એમ કહેત કે પૈસાદારની દીકરી છે ને ! સાવ ફૂવડ ! આમ જ મારા ભાઈના ઘરમાંથી કેટલીય વસ્તુઓ ઊપડી જતી હશે. કંઈ ભાન નહીં રહેતું હોય.’
‘ભાભી !’ વાસંતી અકળાઈ ઊઠી.
તે તરફ દુર્લક્ષ્ય સેવીને જયાએ પૂરું કર્યું : ‘ને પૂછું તો કહેશો કે જીવ નાનો છે પૈસાદારનો !’
મરણિયો પ્રયાસ કરતાં વાસંતીએ પોતાની માન્યતા દુહરાવી, ‘એ તો ખરું જ ને !’
‘કેવી રીતે ? આ જ પ્રશ્ન મોટીબહેન પૂછે તો જીવ એવડો ને એવડો ને ભાભી પૂછે તો ટૂંકો થઈ જાય ? વાસંતીબહેન, શા માટે બહેન અને ભાભીમાં ફેર જુઓ છો ? અમને તમારાં થવા જ કેમ નથી દેતાં ? શા માટે અમને પરાયાં રાખો છો ?’
વાસંતી પણ વિચારમાં પડી ગઈ, ‘શા માટે ?’
તક જોઈને જયાએ આગળ ચલાવ્યું : ‘ખરું પૂછો તો, તમે બહેન, આ પોતીકાં ને પારકાંના ભેદભાવમાં ડૂબીને તમારે ઘેર મન મૂકીને સૌનાં થઈ શકતાં નથી. સૌને પોતાનાં કરી શકતાં નથી. હસી-બોલી, રમી-જમી શકતા નથી. એ જ તમારો મૂળ રોગ છે. એકલુંઅટૂલું મન પછી શુષ્ક થઈ જાય ને શરીર પર અસર પડે. અહીં હો ત્યારે ખિલખિલાટ હસો ને પોતાને ઘેર જાઓ એટલે ફરી પેલા જાળામાં ગૂંચવાઈ જાઓ.’

વાસંતીની આંખોમાંથી ટપ ટપ આંસુ ટપકવા લાગ્યાં. નણંદનો હાથ પ્રેમપૂર્વક પંપાળતાં પંપાળતાં જયાએ કહ્યું : ‘આ દુનિયામાં વાસંતીબહેન, કોઈ જ પોતાનું નથી. પોતાનો પતિ પણ નહીં. ને કોઈ પરાયું પણ નથી. પરાયું તો છે કેવળ આપણું જ મન ! કંઈ કહ્યું ન માને. પ્રેમ કરતાંઆવડે તો જ જીતી જઈએ આ ગણતરીબાજ દુનિયામાં ! કેવળ પ્રેમ જ પોતાનો છે !’ વાસંતીની વરસતી આંખોને જોતાં જોતાં પોતાની ઊભરાતી આંખો માંડ માંડ વારતાં જયાએ જાણે કે પોતાને જ કહ્યું :
‘પરાયું તો છે કેવળ આપણું મન ! કદી ન ઓળખાયું એ !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નવી દષ્ટિ – જાનકી શાહ
સાચો નાગરિક ધર્મ – ડૉ. અબ્દુલ કલામ Next »   

17 પ્રતિભાવો : પરાયું તો કેવળ આપણું મન ! – ચન્દા રાવલ

 1. nayan panchal says:

  અદભૂત. મજા આવી ગઈ.

  જયાબહેને તો છેલ્લી ઓવરોમાં સરસ રમઝટ બોલાવી દીધી.

  “દ્રષ્ટિ તેવી સૃષ્ટિ”. “જેને કમળો હોય તેને બધુ પીળુ જ દેખાય.”

  માણસનુ મન ખરેખર વિચિત્ર છે. ખૂબ સમજદાર લોકો પણ ઘણીવાર આટલી સાદી વાત સમજી નથી શકતા. પોતાના-પારકાની ગણતરી કર્યા કરે છે અને તેમા સંબંધોની મીઠાશ માણવાનુ ભૂલી જાય છે.

  “…પણ ભાભીની અકળામણ છાની ન રહી વાસંતીથી. જોઈને થોડો આનંદ થઈ આવ્યો. પોતાને પજવીને એની નણંદ પણ ખુશ નહોતી થતી !”
  ખબર નથી પડતી બીજાની પરેશાનીથી લોકો કેમ ખુશ થતા હશે? ઘણીવાર લોકો સહાનુભૂતિના શબ્દો કહે તેમા પણ તેમનો છૂપો આનંદ અનુભવી શકાય છે.

  નયન

 2. urmila says:

  પરાયું તો છે કેવળ આપણું મન ! કદી ન ઓળખાયું એ !’

  this is so true

 3. Apeksha Hathi says:

  ખુબ સરસ વાત કરી આપે.

  આ વાર્તા વાન્ચી ને મને મનહર ભાઈ શામિલ ની એક કાવ્ય પક્તિ યાદ આવે છે….

  “સમ્બન્ધ પછી ખાસ નજર આવે છે

  હર હાલમા વિશ્વાસ નજર આવે છે,

  વરસાદ અગર પ્રેમનો વરસાવે તો

  ભીનાશનુ આકાશ નજર આવે છે.”

  આનન્દ આવ્યો.

  અપેક્ષા હાથી.

 4. Neal says:

  Story is good but it’s like cobweb ..as it’s bit of mess in writing hard to understand as writer put so much in it..but good try

 5. Kavita says:

  બહુ જ સરસ વાત. ઘેર ઘેર માટી ના ચુલા.
  કારણ કૅ પોતાની નણદ ઍવી છે ઍટલે હુ પણ ઍવુ કરુ મારી ભાભી સાથૅ. વાસંતી જૅવી કેટલી હશૅ આ દુનિયામાં .

 6. pragnaju says:

  સુંદર વાર્તા
  “કોઈ જ પોતાનું નથી. પોતાનો પતિ પણ નહીં. ને કોઈ પરાયું પણ નથી. પરાયું તો છે કેવળ આપણું જ મન ! કંઈ કહ્યું ન માને. પ્રેમ કરતાંઆવડે તો જ જીતી જઈએ આ ગણતરીબાજ દુનિયામાં ! કેવળ પ્રેમ જ પોતાનો છે !’જયાની કેટલી સત્ય વાત્

 7. Dhaval B. Shah says:

  Nice story, indeed.

 8. Harshad Patel says:

  Our social custom palys a major roll and misunderstanding between clsoe relatives get twisted in various ways. This story is the spendid example!

 9. tejas says:

  ખુબ જ સરસ વાત
  કદાચ દરેક ના ઘર મા ૧ જયા હોય કે જે વાસન્તિ ને સમ્જાવિ શકે

 10. Devendra soni says:

  અદભુત્ત,
  ચન્દા બેન્,
  જે અભિવ્યક્તિ ની આપણા સમાજ મા જરૂર ચ્હે. તે બરાબર રિતે,માવજત પુરવક રજુ કરી ચ્હે.
  આભાર !!!
  દેવેન્દ્ર સોની

 11. ભાવના શુક્લ says:

  માનવસ્વભાવની વિચિત્રતાની સુંદર અભિવ્યક્તિ… ક્યારેક આપણુ મન પણ જે છે એને વિશ્વાસથી જોતુ જ અને સ્વિકારતુ જ નથી. કશુ ક ખુબ સારુ કેમ હોઇ જ શકે તેજ અવઢવમા માણવાનુ ભુલીને દોષો શોધવાના નકારાત્મક વલણને સાફલ્ય સમજે છે. જોકે તેના થી સારપને કોઇ ફરક પડતો નથી…

 12. Rajni Gohil says:

  આ ગણતરીબાજ દુનિયામાં ! કેવળ પ્રેમ જ પોતાનો છે !’ વાસંતીની વરસતી આંખોને જોતાં જોતાં પોતાની ઊભરાતી આંખો માંડ માંડ વારતાં જયાએ જાણે કે પોતાને જ કહ્યું :
  ‘પરાયું તો છે કેવળ આપણું મન ! કદી ન ઓળખાયું એ.

  Be a master of mind and be master mind. Sai Baba.

  મન જીત્યું તેણે જગ જીત્યું. મન પર કાબુ રાખીને જયાએ કેટલું સુંદર પરિણામ મેળવ્યું તેના પરથી બોધપાઠ લેવાનું આપણે શીખવા જેવું છે વાસંતીની માફક પૂર્વગ્રહ રાખવાથી કેવું પરિણામ આવે તે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. ચંદાબેનની આ વાર્તા સરસ બોધપાઠ આપી જાય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.