સાચો નાગરિક ધર્મ – ડૉ. અબ્દુલ કલામ

[ રાષ્ટ્રપતિ બનતા પહેલાનું માનનીય ડૉ. કલામ સાહેબનું આ વક્તવ્ય શ્રી વનરાજભાઈ પટેલને એટલું સ્પર્શી ગયું કે તેમણે તેનો ગુજરાતી અનુવાદ કરીને જનજાગૃતિ માટે 1,00,000 કરતાં પણ વધુ નકલો પ્રકાશિત કરીને વહેંચી. ત્યારબાદ પ્રસ્તુત વક્તવ્ય લોકચાહના મેળવીને અખબારોમાં પણ સ્થાન પામ્યું. રીડગુજરાતીને આ પુસ્તિકા ભેટ આપવા બદલ શ્રી વનરાજભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. પુસ્તિકાની નકલ મેળવવા કે પ્રતિભાવ પાઠવવા આપ તેમનો +91 9898512121 પર સંપર્ક કરી શકો છો.]

મારા પ્યારા દેશવાસીઓ,

[ત્રણ આકાંક્ષાઓ]
ભારત માટે મારી પાસે ત્રણ આકાંક્ષાઓ છે. 3000 વર્ષનો આપણો ઈતિહાસ તપાસતા, સમગ્ર દુનિયામાંથી જુદા-જુદા લોકો ભારતમાં આવ્યા, તેમણે આપણા પર આક્રમણ કર્યું, આપણી ભૂમિ કબજે કરી, આપણને પરાજિત કરી આપણી માનસિકતાને ગુલામ બનાવી. સિકંદરથી માંડીને ગ્રીક, તુર્ક, મોગલ, ફિરંગી, અંગ્રેજ, ફ્રેંચ તથા વલંદાઓ આવ્યા અને આપણને લૂંટ્યા, આપણું જે કંઈ હતું તે સાથે લઈ ગયા. તેમ છતાં, 3000 વર્ષના ઈતિહાસમાં આપણે આવું વર્તન બીજા કોઈ રાષ્ટ્ર સાથે કર્યું નથી. આપણે બીજા કોઈને પરાજિત કર્યા નથી. આપણે કોઈની જમીન, સંસ્કૃતિ કે ઈતિહાસ છીનવ્યા નથી કે આપણી જીવનશૈલી તેમના પર લાદી નથી. શા માટે ? કેમ કે આપણે બીજાની સ્વતંત્રતાનો આદર કરીએ છીએ. આથી જ મારી સૌ પ્રથમ આકાંક્ષા છે : સ્વતંત્રતા. હું માનું છું કે ભારતે સ્વતંત્ર થવાની સૌ પ્રથમ ઝંખના 1857માં પ્રકટ કરી, કે જ્યારે આપણે સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી. આ એવી સ્વતંત્રતા છે કે જેનું આપણે રક્ષણ કરવું જોઈએ, પોષણ કરવું જોઈએ અને મજબૂત બનાવવી જોઈએ. જો આપણે સ્વતંત્ર નહીં હોઈએ તો આપણી કોઈ ઈજ્જત નથી.

મારી ભારત માટેની બીજી આકાંક્ષા છે : વિકાસ. છેલ્લા 50 વર્ષથી આપણે વિકાસશીલ રાષ્ટ્ર છીએ. હવે એ સમય આવી પહોંચ્યો છે કે આપણે આપણા રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર તરીકે નિહાળવું જોઈએ. આપણું ભારત કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જી.ડી.પી)ની દષ્ટિએ સમગ્ર વિશ્વમાં પ્રથમ પાંચ રાષ્ટ્રોમાં સ્થાન પામે છે. આપણે મોટાભાગની બાબતોમાં 10%નો વિકાસદર ધરાવીએ છીએ. આપણી ગરીબી રેખા સતત નીચે ઉતરી રહી છે. આપણી ઉપલબ્ધિઓ વૈશ્વિકકક્ષાએ ગણનાપાત્ર છે. આમ છતાં આપણે હજુ આપણા દેશને વિકસિત રાષ્ટ્ર, સ્વનિર્ભર રાષ્ટ્ર અને સ્વયંસલામત રાષ્ટ્ર તરીકે જોવાનો આત્મવિશ્વાસ ધરાવતા નથી. શું આ યોગ્ય છે ?

મારી ત્રીજી આકાંક્ષા. ભારતે વિશ્વ સમક્ષ ઉન્નત મસ્તકે ઊભું રહેવું પડશે, કારણ કે હું માનું છું કે જ્યાં સુધી આપણે આવી રીતે નહીં વર્તીએ ત્યાં સુધી કોઈ આપણને સન્માન નહીં આપે. ફક્ત શક્તિ જ શક્તિને આદર આપે છે. આપણે ફક્ત લશ્કરી દષ્ટિએ જ નહીં પરંતુ આર્થિક દષ્ટિએ પણ સક્ષમ બનવું જોઈએ. આ બંને બાબતોમાં સમાંતર પ્રગતિ થવી જોઈએ. ભારતના ત્રણ મહામાનવો સાથે કાર્ય કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. અવકાશ વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈ, એમના અનુગામી પ્રો. સતીશ ધવન અને આણ્વિક પદાર્થના પિતામહ ડૉ. બ્રહ્મપ્રકાશ. મને એમની સાથે નજીકથી કાર્ય કરવાનો અવકાશ મળ્યો તેને હું મારા જીવનની મહાન ઉપલબ્ધિ ગણું છું.

[ચાર કીર્તિસ્તંભ]
હું મારા જીવનના ચાર મહત્વના કીર્તિસ્તંભ ગણાવીશ.

[1] ઈસરો સંસ્થામાં મેં ગાળેલાં 20 વર્ષો. સૌ પ્રથમ ભારતીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV)ના પ્રોજેક્ટ ડીરેક્ટર તરીકે કામ કરવાનો અવસર અહીં પ્રાપ્ત થયો. આ એ જ પ્રક્ષેપણ યાન (SLV-3) છે કે જેણે ‘રોહિણી’ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. મારી વૈજ્ઞાનિક કારકીર્દિમાં આ વર્ષોએ ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો છે.

[2] ઈસરોના કાર્યકાળ બાદ હું DRDO સાથે જોડાયો અને ભારતના ગાઈડેડ મિસાઈલ કાર્યક્રમનો ભાગ બન્યો. 1994માં ‘અગ્નિ’ મિસાઈલનું સફળ પરીક્ષણ એ મારા જીવનનો બીજો કીર્તિસ્તંભ બની રહ્યો.

[3] ભૂગર્ભ અણુ પરીક્ષણોમાં ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને DRDOની મહત્વની ભાગીદારી હતી. ભારત આ પરીક્ષણ સ્વતંત્ર રીતે કરી શકે છે અને ભારત એક વિકાસશીલ નહીં પરંતુ વિકસિત રાષ્ટ્ર છે તેવું સાબિત કરતી આ ઘટનાનો સહિયારો આનંદ મેં અને મારી ટીમે માણ્યો. આ મારા જીવનનો ત્રીજો કીર્તિસ્તંભ બની રહ્યો. એક ભારતીય નાગરિક તરીકે તેનું મને ગૌરવ છે. હાલમાં આપણે અગ્નિ મિસાઈલ માટે Re-Entry સ્ટ્રક્ચર વિકસીત કરેલ છે. કે જેમાં આપણે એક નવો પદાર્થ બનાવ્યો છે. આ અત્યંત હળવા પદાર્થને ‘કાર્બન-કાર્બન’ કહેવાય છે.

[4] એક દિવસ નિઝામ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડીકલ સાયન્સના એક ઓર્થોપેડિક સર્જન મારી લેબોરેટરીની મુલાકાતે પધાર્યા. તેમણે આ નવા પદાર્થને ઊંચકી જોયો. અને તેની હળવાશ જોઈને પ્રભાવિત થયા. અને મને તેમની હોસ્પિટલ પર ખેંચી ગયા અને ત્યાંના દર્દીઓને બતાવ્યા. ત્યાં કેટલાક નાના વિકલાંગ છોકરા-છોકરીઓ ત્રણ કિલો વજન ધરાવતાં કેલીપર્સ પહેરીને ઘસડાતા હતા. એ ડૉક્ટરે મને કહ્યું : ‘મહેરબાની કરીને મારા દર્દીઓનું આ દુ:ખ નિવારો.’ ત્રણ જ અઠવાડિયામાં અમે ફક્ત ત્રણસો ગ્રામ વજન ધરાવતા ‘ફ્લોર રીએક્શન ઓર્થોસીસ’ કેલીપર્સ તૈયાર કર્યા અને તેને ઓર્થોપેડિક સેન્ટર પર લઈ ગયા. આ હળવાફૂલ કેલીપર્સ પહેરીને આસાનીથી હરીફરી શકાય તેવી કલ્પના પણ આ બાળકોને ન હતી. તેમના મા-બાપની આંખોમાં ખુશીના આંસુ હતાં. વિજ્ઞાનનો આવો માનવતાવાદી ઉપયોગ મારા જીવનનો ચોથો કીર્તિમાન હતો.

[પ્રસાર માધ્યમો]
આપણાં પ્રસાર માધ્યમો શા માટે નકારાત્મક છે ? આપણી શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ અને શક્તિઓને ઓળખવામાં આપણે શા માટે ઊણા ઉતરીએ છીએ ? આપણે એક મહાન રાષ્ટ્ર છીએ. આપણી પાસે અસંખ્ય આશ્ચર્યચકિત કરી દેનારી સફળતાઓની હારમાળા છે. પરંતુ આપણે તેનો સ્વીકાર-પ્રચાર કરતા નથી. શા માટે ?
[1] આપણે દૂધ ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં મોખરે છીએ.
[2] આપણે રીમોટ સંચાલિત ઉપગ્રહો તૈયાર કરવામાં મોખરે છીએ.
[3] આપણે વૈશ્વિક કક્ષાએ ઘઉં ઉત્પાદનમાં બીજા સ્થાને છીએ.
[4] ચોખાના ઉત્પાદનમાં પણ આપણે બીજા સ્થાને છીએ.
[5] ડૉ. સુદર્શનની સિદ્ધિને નિહાળો. તેમણે એક આદિવાસી ગામડાંને સ્વનિર્ભર, સ્વયંસંચાલિત આદર્શ ગામડું બનાવ્યું છે. આવી અગણિત ઉપલબ્ધિઓ આપણી પાસે છે. પરંતુ આપણાં પ્રસાર માધ્યમો દુર્ઘટના, માઠાં સમાચારો, નિષ્ફળતા અને કૌભાંડોના પ્રસારણમાં જ રચ્યા પચ્યા રહે છે.

હું એક વખત તેલ-અવીવમાં ઈઝરાયલી ન્યુઝપેપર વાંચતો હતો. આગલા દિવસે ત્રાસવાદીઓ દ્વારા ભયંકર બોંબમારો અને ભારે જાનહાની થઈ હતી. પરંતુ એ ન્યુઝ પેપરના પહેલા પાના પર એક યહૂદી સજ્જનનો ફોટોગ્રાફ હતો કે જેમણે પોતાના મરુભૂમિ સમા ખેતરને પાંચ વર્ષમાં નંદનવન બનાવી દીધું હતું. સૌને જાગૃત કરે તેવી આ પ્રેરણાદાયી તસવીર અને અહેવાલ હતા. જ્યારે આગલા દિવસની દુર્ઘટના અને જાનહાનીના સમાચાર અંદરના પાને સામાન્ય ઘટનારૂપે હતા. જ્યારે ભારતમાં આપણે મોત, આતંકવાદ, માંદગી, રેલદુર્ઘટનાઓ અને કૌભાંડોને ભરપેટ વાંચીએ-સાંભળીએ છીએ. શા માટે આપણે આવા નકારાત્મક છીએ ?

[પરદેશી વસ્તુઓની ઘેલછા]
બીજો એક પ્રશ્ન થાય છે : આપણને પરદેશી વસ્તુઓનું ઘેલછાભર્યું વળગણ શા માટે છે ? આપણને પરદેશી ટી.વી. જોઈએ છે. પરદેશી કપડાં જોઈએ છે. આપણને પરદેશી તંત્રવિજ્ઞાન ગમે છે. દરેક આયાતી ચીજવસ્તુઓની ઘેલછા શા માટે ? શું આપણે એ નથી જાણતા કે આત્મસન્માન ફક્ત આત્મનિર્ભરતા દ્વારા જ આવે છે ? હું આજે અહીં આવ્યો ત્યારે એક 14 વર્ષની દીકરીએ મારા હસ્તાક્ષર માગ્યા. મેં તેને તેના જીવનનું ધ્યેય શું છે તેવું પૂછ્યું. તેણે કહ્યું : ‘હું સંપૂર્ણ વિકસિત ભારતમાં જીવવા માગું છું.’ આપણે સૌએ તે છોકરી માટે વિકસિત ભારતનું નિર્માણ કરવું પડશે. તમારે ગાઈ-વગાડીને કહેવું પડશે – ભારત અલ્પવિકસિત રાષ્ટ્ર નથી, એ એક અતિ વિકસિત રાષ્ટ્ર છે.

તમે કહેતા આવ્યા છો કે આપણી સરકાર કાર્યક્ષમ નથી. તમે કહેતા આવ્યા છો કે આપણા કાયદાઓ અપર્યાપ્ત અને જરીપુરાણા છે. તમે કહો છો કે આપણી મ્યુનિસિપાલીટી યોગ્ય સફાઈ નથી જાળવતી. તમે કહો છો કે આપણાં ટેલીફોન બરાબર કામ નથી આપતા. આપણી રેલવે એક ફારસ છે. આપણી વિમાની સેવા દુનિયામાં સૌથી ખરાબ છે. ટપાલો તેના નિયત સરનામે કદી પહોંચતી નથી. આપણો દેશ અધ:પતનના આરે છે…. આવું તમે કહો છો, તમે કહો છો, તમે કહો છો…. પરંતુ દેશ માટે તમે શું કરો છો ? ધારો કે એક માણસ અહીંથી સીંગાપોર જાય છે. એને કોઈ એક નામ આપો – તમારું જ નામ આપીએ. તેનો એક ચહેરો કલ્પી લો – તમારો જ ચહેરો કલ્પી લો. તમે સિંગાપોર એરપોર્ટની બહાર નીકળો છો અને તમારી માનસિકતા બદલી જાય છે. અહીં તમે સિગારેટનું ઠૂંઠું રોડ પર ફેંકતા નથી કે રસ્તા પર કશું ખાતા નથી. ત્યાંના રસ્તા અને મેટ્રો રેલવે જોઈને તમે અચંબિત થઈ જાઓ છો. ત્યાંના પ્રસિદ્ધ આર્કેડ રોડ પર પસાર થવા માટે તમે પાંચ ડોલર (અંદાજે રૂ. 60) ચૂકવો છો કે જે રસ્તો આપણા મુંબઈ ના માહિમ કોઝવે કે પેડર રોડ જેવો જ છે. પાર્કિંગ લોટમાં નિયત સમય કરતાં વધારે સમય વાહન પાર્ક કરવા બદલ ચૂકવવા પડતા ચાર્જ સામે તમારો હોદ્દો કે ઓળખ તમારી કશી જ મદદ નહીં કરે. આવા વખતે સિંગાપોરમાં તમે કોઈને દોષિત નથી ઠરાવતા. શું તમે કોઈને દોષ આપો છો ?

રમઝાન માસ દરમિયાન દુબઈમાં જાહેરમાં કશું ખાવાની હિંમત તમે નથી કરતા. જેદ્દાહમાં તમે માથું ઢાંક્યા સિવાય બહાર નીકળી નથી શકતા. લંડનમાં તમે ટેલીફોન કર્મચારીને 10 પાઉન્ડ આપીને ખરીદવાની હિંમત નથી કરી શકતા કે જેથી તે તમારા STD-ISD કોલ્સ બીજાના બીલમાં ચડાવી દે. વોશીંગ્ટનમાં 55માઈલ/કલાકથી વધુ ગતિએ ગાડી ચલાવતી વખતે તમે ટ્રાફિક પોલીસને ધમકાવીને ‘જાનતા હૈ સાલા મૈં કૌન હું ?’ એમ નથી કહી શકતા અથવા તો હું ‘ફલાણા-ફલાણાનો દીકરો કે જમાઈ છું’ એવું પણ નથી કહી શકતા. તમારા ગુન્હા બદલ દંડ ભરો અને ચાલતી પકડો. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના બીચની સ્વચ્છતા તમે જોઈ છે ? ત્યાં તમે ખાલી નાળિયેરનું કોચલું ગમે ત્યાં નથી ફેંકતા. ટોકિયોની શેરીમાં તમે પાનની પિચકારી શા માટે નથી મારતા ? બોસ્ટન યુનિવર્સિટીમાં ભણો ત્યારે પરીક્ષામાં ગેરરીતી કે નકલી સર્ટીફીકેટ શા માટે નથી અજમાવતા ? હજુ આપણે તમારી જ વાત કરીએ છીએ. તમે કે જે બીજા દેશમાં ત્યાંના નીતિનિયમોનું પાલન કરો છો અને આદર આપો છો, તે જ તમે તમારા દેશમાં ન કરી શકો ? પરંતુ જેવા તમે ભારતની ધરતી પર ઉતરો છો એ જ ક્ષણે તમે કાગળના ડૂચા કે સિગારેટના ઠૂંઠા રસ્તા પર ફેંકતા જરા પણ સંકોચ અનુભવતા નથી. તમે બહારના દેશમાં જવાબદાર નાગરિક બનીને રહી શકો છો તો ભારતમાં શા માટે નહીં ?

એક વખત એક મુલાકાતમાં મુંબઈના ખ્યાતનામ પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર તીનઈકરે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો : ‘શ્રીમંત લોકો પોતાના કૂતરાને રસ્તા પર ગમે ત્યાં ઝાડો-પેશાબ કરાવે છે અને આ જ લોકો સુધરાઈની બીનકાર્યક્ષમતા અને ગંદા રસ્તાઓની ફરિયાદ કરે છે. શું તેઓ ઑફિસરો પાસેથી એવી અપેક્ષા રાખે છે કે જ્યારે તેમના કૂતરાઓ રસ્તા ગંદા કરે ત્યારે તરત ઑફિસરો ઝાડુ લઈને રસ્તા સાફ કરવા હાજર થઈ જાય ? અમેરિકામાં પોતાના કૂતરાએ ગંદો કરેલ રસ્તો માલિકે જાતે જ સાફ કરવો પડે છે. એવું જ જાપાનમાં છે. શું ભારતીય નાગરિક અહીં આવી જવાબદારી અદા કરશે ?’ તેઓએ સાચું જ કહ્યું. આપણે ચૂંટણીઓ યોજીએ છીએ. સરકાર પસંદ કરીએ છીએ અને પછી બધી જ જવાબદારી ભૂલી જઈએ છીએ. આપણું યોગદાન સંપૂર્ણપણે નકારાત્મક હોવા છતાં એવું ઈચ્છીએ છીએ કે સરકાર આપણા માટે કંઈક કરે. આપણે ઈચ્છીએ છીએ કે સરકાર સ્વચ્છતા જાળવે પરંતુ આપણે ગમે ત્યાં કચરો ફેંકવાનું બંધ નથી કરતા કે રસ્તા પર પડેલો કચરો નજીકની કચરાપેટીમાં નાખવાની કાળજી પણ આપણે નથી લેતા. આપણે એવું ઈચ્છીએ છીએ કે ટ્રેઈનમાં સાફસુથરા બાથરૂમ હોય પરંતુ આપણે બાથરૂમનો યોગ્ય ઉપયોગ કેમ કરવો તે શીખવા જરા પણ તૈયાર નથી.

આપણે વિમાની સેવાઓ પાસે ઉત્તમ ખોરાક, શ્રેષ્ઠ પ્રસાધનોની અપેક્ષા રાખીએ છીએ પણ આપણે નાની ચીજવસ્તુઓની ઉઠાંતરી કરવાનું છોડતા નથી. ફરજ પરના કર્મચારીઓ પણ યોગ્ય સેવા અને સંસાધનો પ્રવાસી સુધી પહોંચાડતા નથી. સ્ત્રી શોષણ, દહેજ પ્રથા, કન્યા જન્મ જેવા સળગતા સામાજિક પ્રશ્નો માટે આપણે જાહેરમાં જોરદાર બળાપા કાઢીએ છીએ. પરંતુ અંગત જીવનમાં એથી ઊલટું જ વર્તન કરીએ છીએ. આપણું બહાનું શું હોય છે ? : ‘આ આખી સીસ્ટમ જ બદલવી જોઈએ. મારા એકથી શું થઈ શકે ?’ બધા જ આવું વિચારીશું તો પરિવર્તન કેમ આવશે ? સીસ્ટમ આખરે શું છે ? બહુ સીધી રીતે કહીએ તો આપણા પાડોશી, આપણો મહોલ્લો, આપણું શહેર, સમાજ અને સરકારને સીસ્ટમ કહીએ છીએ પરંતુ તેમાંથી મારી અને તમારી બાદબાકી થઈ જાય છે. ખરેખર જ્યારે આપણે સીસ્ટમ માટે કંઈક પ્રદાન કરવાનો સમય આવે છે ત્યારે આપણે આપણા પરિવાર સાથે બંધ કોચલામાં બેસી જઈએ છીએ. પછી એવી અપેક્ષા રાખીએ છીએ કે દૂર દેશમાંથી કોઈ ‘મિસ્ટર કલીન’ અહીં આવે અને કોઈ જાદુઈ છડી વડે પરિવર્તન લાવે.

આળસુ અને ડરપોક વિચારોથી ગ્રસ્ત એવા આપણે અમેરિકાની સમૃદ્ધિ અને સીસ્ટમના વખાણ કરવા લાગીએ છીએ. ન્યુયોર્કમાં ભય અને અસલામતી જણાય ત્યારે આપણે ઈંગ્લૅન્ડનું શરણું શોધીએ છીએ. ત્યાં બેરોજગારી વધે છે ત્યારે આપણે ગલ્ફ તરફ ભાગીએ છીએ. જ્યારે ગલ્ફમાં લડાઈ થાય છે ત્યારે આપણને આપણું વતન યાદ આવે છે અને આપણને બચાવવા માટે ભારતની બીનકાર્યક્ષમ સરકારને પોકારીએ છીએ. આપણે સૌ દેશનો દુરઉપયોગ કરીને લૂંટી રહ્યા છીએ. કોઈ સીસ્ટમને મજબૂત બનાવવા માટે આગળ આવતું નથી. આપણે આપણા અંતરાત્માને ‘પૈસા’ પાસે ગીરો મૂકી દીધો છે.

વ્હાલા ભારતીયો, હું ઈચ્છું છું કે મારું આ પ્રવચન આપને વિચારતા કરી દે તેવું, આપની અંત:ચેતનાને જગાડે તેવું, આપના અંતરાત્માને ખૂંચે તેવું બની રહે. હું જહોન કેનેડીના શબ્દોને આપણા માટે આપણા સંદર્ભે પ્રયોજું છું : ‘અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો, જેવા આજે છે તેવા સમૃદ્ધ ભારતના નિર્માણ માટે શું કરવા જેવું છે અને તે માટે આપણે શું કરી શકીએ તેમ છીએ તેવું આપણી જાતને પૂછીએ.’

ચાલો, ભારતને જેની જરૂર છે તેવું કંઈક કરીએ.
આભાર.

– અબ્દુલ કલામ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરાયું તો કેવળ આપણું મન ! – ચન્દા રાવલ
લોપામુદ્રાનો ગૃહસ્થાશ્રમ – બાલકૃષ્ણ વૈદ્ય Next »   

8 પ્રતિભાવો : સાચો નાગરિક ધર્મ – ડૉ. અબ્દુલ કલામ

 1. nayan panchal says:

  [ત્રણ આકાંક્ષાઓ]
  સૌ પ્રથમ આકાંક્ષા છે : સ્વતંત્રતા

  આપણે છેલ્લા ૬૦ વર્ષથી સ્વતંત્ર છીએ, “આપણે કોઈની જમીન, સંસ્કૃતિ કે ઈતિહાસ છીનવ્યા નથી કે આપણી જીવનશૈલી તેમના પર લાદી નથી. ” પરંતુ આપણે શીખવા જેવુ શીખતા પણ નથી. બ્રિટન, ફ્રાંસ, જર્મની, જાપાન, અમેરિકા આ બધા જ દેશોનુ અર્થતંત્ર ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ પછી ખાડે ગયુ હતુ, પરંતુ સખત મહેનતે અને નક્ક્રર પગલાને લીધે આજે તેઓ ક્યા પહોંચી ગયા છે. આપણે માત્ર છેલ્લા ૧૫-૧૬ વર્ષોથી વિકાસ તરફ ગતિ કરી છે.

  [ચાર કીર્તિસ્તંભ]

  અબ્દુલ કલામ એક અત્યંત સામાન્ય કુટુંબમાં જનમ્યા હતા. પરંતુ તેઓ કટ્ટર હતા. તેમની દેશદાઝની લાગણી, કંઈક કરી દેખાડવાની તમન્ના કટ્ટર હતી. હું આવી કટ્ટરતાનો પૂરો હિમાયતી છું.

  “છેલ્લા 50 વર્ષથી આપણે વિકાસશીલ રાષ્ટ્ર છીએ. હવે એ સમય આવી પહોંચ્યો છે કે આપણે આપણા રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર તરીકે નિહાળવું જોઈએ. ” કેટલા નાગરિકોને વિકાસ અને વિકાસશીલ દેશો વચ્ચેનો તફાવત ખબર છે? બાળપણથી જ વિદ્યાર્થીઓના મનમા પ્રબળ દેશભાવના જગાવે તેવુ શિક્ષણ હોવુ જોઈએ. મેં અત્યાર સુધી ભણેલા બધા વિષયોમાં નાગરિકશાસ્ત્ર મને સૌથી boring લાગતો, પછી હું ક્યાથી સારો નાગરિક બની શકુ??

  લોકો ઉગતા સૂર્યને જ પૂજે છે. જો આપણે ઉન્નતિ કરીશુ તો બધા સામેથી આવશે. આજે આપણી પાસે નારાયણ મૂર્તિ, સામ પિત્રોડા જેવા લોકો છે અને મને પૂરેપૂરી આશા છે કે આપણી પેઢી જરૂર આ દેશને વધુ ને વધુ ઉપર લઈ જશે.

  [પ્રસાર માધ્યમો]

  કશુ બોલવા જેવુ નથી. Great power comes with great responsibility.

  [પરદેશી વસ્તુઓની ઘેલછા]
  હુ હાલમાં હોન્ગકોન્ગ ખાતે છુ અને ડૉ. કલામ સાથે સંપૂર્ણ સહમત છુ. જ્યા સુધી પબ્લિકમાં self discipline નહીં આવે ત્યા સુધી આવી જ સ્થિતી રહેશે. વધુ કશુ નહી કરવાનુ, માત્ર પોતે જ પોતાની ફરજ બરાબર બજાવવાની. દેશભક્તિ માટે સરહદ પર જવાની જરૂર નથી.

  Recommended Reading: Wings of fire, Ignited minds, India 2020

  Recommended Movie: Aparichit.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  બળાપો તો આપણા સહુના મનમાં છે અને તેનો ઉકેલ પણ કલામ સાહેબે છેલ્લા વાક્યમાં આપી દિધો.

  ચાલો, ભારતને જેની જરૂર છે તેવું કંઈક કરીએ.

 3. pragnaju says:

  કેટલીય વાર વાંચેલુ-ઈ-મેઈલમાં ફરીને મોકલેલુ-બધાને ગમેલું તથા કેટલાકે તે રીતે જીવવાનો પ્રયત્ન પણ શરુ કર્યો તે કલામ સાહેબના અમર પ્રવચન બદલ આભાર્

 4. Niraj says:

  I had just came across a very good site. Hope you 2 will like it!
  This is of more interest to people in abroad.
  Just visit http://kiva.org/

 5. radhika says:

  BE proud and say loud… we r Indian………….

  એક ભાર્ તિય હોવા નુ મેને અભીમાન છઍ,…..અને ભર તિય સન્સ્કર મરિ જન્દગિ નો સન્તોસ છએ……….

 6. Maharshi says:

  wonderful

 7. Dr.Aniket says:

  Good one….a touching lecture

 8. LALIT says:

  જો દરેક ભારતીય આ અનુસરે તો આના થી આપણા દેશ મા બહુ મોટો બદલાવ આવશે. આપણે આશાવાદી બનીયે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.