- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

લોપામુદ્રાનો ગૃહસ્થાશ્રમ – બાલકૃષ્ણ વૈદ્ય

[‘જનકલ્યાણ’ સામાયિક-એપ્રિલ-2001 માંથી સાભાર.]

‘મહારાજ, આપ આટલા બધા ઉદાસ કેમ રહો છો ? દિવસે પણ કોઈ કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. રાત્રે નિદ્રા પણ કરતા નથી. રાત આખી પડખાં ફેરવ્યા કરો છો. નથી ખાતા, નથી પીતા. લોકો સાથે પણ હળતામળતા નથી. શું થયું છે આપને ?’ મહારાણીએ વિદર્ભરાજને પૂછ્યું. રાજા મહારાણી સામે શૂન્ય આંખે જોઈ રહ્યા. કંઈ બોલ્યા નહિ.
‘અમને બધાંને બહુ ચિંતા થાય છે. મંત્રીજી પણ કાલે ચિંતા વ્યક્ત કરતા હતા કે મહારાજ સતત ઉદાસ રહે છે. કંઈ અત્યંત અમંગલ થતું લાગે છે. કોઈ બળવાન આક્રમણ આવી રહ્યું છે ? શા માટે આપ આટલા ઉદાસ રહો છો ?’ મહારાણીએ રાજાના ખભે હાથ મૂકી કહ્યું.
‘શું કહું તમને ? જેમ કળણમાં પડ્યા હોઈએ અને તેમાંથી બહાર નીકળવા જેમ જેમ વધારે પ્રયત્ન કરીએ તેમ તેમ વધારે ઊંડા ઊતરતા જઈએ એવું થાય છે. વિચાર કરવા છતાં કંઈ સૂઝતું નથી.’ રાજાએ વ્યથિત થઈને કહ્યું.
‘વાત કરો તો કંઈક ખબર પડે. કંઈ નહિ તો આપ તો એટલા હળવા થાઓ. શું છે એ આજ આપ કહો જ. ત્યાં સુધી હું આપને અહીંથી ખસવા નહિ દઉં.’ મહારાણીએ કહ્યું અને રાજાના હાથ પકડી રાખ્યા.

‘વાત નાની છે, છતાં ઘણી મોટી છે. અગસ્ત્ય મુનિનું નામ તો તમે સાંભળ્યું હશે. મોટા તપસ્વી અને પ્રતાપી ઋષિ છે. હજી યુવાન છે, પણ એમનો પ્રભાવ સર્વત્ર પડે છે. એ આવ્યા છે અને કહે છે, મારે ગૃહસ્થાશ્રમ માંડવો છે. એને માટે હું યોગ્ય કન્યા શોધું છું. તમારી પુત્રી લોપામુદ્રાની પ્રશંસા મેં સાંભળી છે. મારે એની મુલાકાત લેવી છે. એ જો સંમત થાય, અમારું બંનેનું મન માને તો વિચારીએ. આપણી લોપાને તો તમે જાણો છો. એ પણ આવો કોઈ પ્રતાપી વર મેળવવાની ધૂનમાં છે. એટલે એ તો તરત સંમત થઈ જશે. પણ અગસ્ત્ય મુનિ તો રહ્યા અરણ્યવાસી, તપસ્વી; અને લોપામુદ્રા છે રાજકુમારી. રાજમહેલમાં તમારા લાડકોડમાં ઊછરી છે. એ તાનમાં ને તાનમાં હા પાડી દે. આ ઉંમર જ કલ્પનાના જગતમાં જીવવાની છે. પણ આપણે તો વાસ્તવિક પરિસ્થિતિ જોવી જોઈએ ને ? એટલે એ બંનેની મુલાકાત ગોઠવવાનું મન થતું નથી. અને આવા મોટા ઋષિની ફક્ત મુલાકાત માટેની માગણીની ના પણ પાડી શકાતી નથી. આ ચિંતા છે. એ અંદરથી મારો જીવ કોરી ખાય છે.’

રાજાએ પોતાની આંતરવ્યથા વિસ્તારથી કહી દીધી. આ સાંભળીને મહારાણી પણ વિચારમાં પડી ગયાં. એમને પણ ચિંતા ઘેરી વળી. એમની નજર સામે વૃક્ષોની છાલનાં વસ્ત્રોમાં, ઘાસની ઝૂંપડીમાં ચૂલો ફૂંકતી હોય એવી લોપા તરવા માંડી. એથી એ વધારે અકળાયાં. આંખમાં પાણી પણ ભરાઈ આવ્યાં. પરંતુ માતાપિતાને ખ્યાલ ન હતો કે બારણાની આડે ઊભેલી લોપામુદ્રા આ ચર્ચા સાંભળે છે. પિતાજીની ઉદાસીનતા જોઈને એને પણ ચિંતા થતી હતી. એટલે માએ જ્યારે પિતાજી પાસેથી દિલની વ્યથા કાઢવાનો પ્રયાસ આદર્યો છે એ જોયું ત્યારથી જ એ એક બાજુ, કોઈની નજરે ન ચડે એમ ઊભી રહીને ચર્ચા સાંભળતી હતી. રાજા તો વાત પતાવીને તરત નીકળી ગયા. મહારાણી હજી ઊભાં હતાં. આંખમાંથી આંસુ પડતાં હતાં. હવે લોપા એકદમ અંદર આવી અને બોલી : ‘મા, આવી ક્ષુલ્લક વાત માટે આંસુ પાડવાની કોઈ જરૂર નથી. પિતાજી આવી નાની વાત માટે આટલી બધી ચિંતા શા માટે કરે છે ? અગસ્ત્ય ઋષિ કોઈ વાઘદીપડો નથી, કે એમને મળવામાં આટલો બધો વિચાર કરવો પડે. એમને નિશ્ચિંતપણે કહેવરાવી દો કે આજે સાંજે ઉપવનમાં તેઓ પધારે…. હું એમને ત્યાં મળીશ.’
‘દીકરી, વાઘદીપડાને તો તું પહોંચી વળે એવી છો. મને એની ચિંતા નથી. પરંતુ એ ઋષિ છે. એમનું જીવનધોરણ જ જુદું. કંદમૂળ બાફીને ખાઈ લે. ફળ-ફૂલ ખાય. ભાજી રાંધીને ખાય. ભોંય પર મૃગચર્મ પાથરીને સૂઈ રહે. ઝાડની છાલ પહેરીને ફરતા રહે. એમની સાથે રહેવાની તું કદાચ હા પાડી દે એવી અમને ચિંતા છે. તારો સ્વભાવ અમે જાણીએ છીએ ને !’ માએ મીઠાશથી કહ્યું.
‘એ ચિંતા ન કરો મા. હું એ બધાંને પહોંચી વળીશ. મને આત્મવિશ્વાસ છે.’ લોપામુદ્રાએ મક્કમતાથી કહ્યું.

સાંજે ઉપવનમાં બંને મળ્યાં. લોપામુદ્રા જેવા પ્રતાપી પુરુષની ઝંખના કરતી હતી એવા જ અગસ્ત્યમુનિ હતા. પૌરુષની મૂર્તિસમા. એમનું જ્ઞાન અગાધ હતું. એમનું તેજ પણ અનેરું હતું. લોપામુદ્રા પણ એમનાથી ઓછી ઊતરે એવી ન હતી. એણે ઋષિને ચકાસવા પૂછ્યું : ‘આપ એક રાજકુમારીની સાથે લગ્ન કરવાનું વિચારો છો ત્યારે એનાં પરિણામ પણ વિચાર્યાં છે ને ?’ ઋષિએ પ્રતિપશ્નથી જ જવાબ આપ્યો : ‘તમે રાજકુમારી છો છતાં જંગલમાં એક ઝૂંપડીમાં વસનારા ઋષિ સાથે લગ્ન કરવા તૈયાર થતાં હો તો તમારે પણ એ વિચારવાનું રહે ને ? ભેગાંમળીને બંને એ વખતે ઊભી થતી પરિસ્થિતિનો સખ્યભાવે ઉકેલ શોધી કાઢીશું. એનું જ નામ સહજીવન. પડકારો સામાન્ય જ હોય તો એવા જીવનમાં મઝા પણ શું પડે ? લોપાને આ જવાબ ગમ્યો.

બંનેએ નક્કી કરી લીધું. માતાપિતાને આ સંકલ્પ જણાવ્યો. રાજારાણીએ કચવાતે મને પણ દીકરીની ઈચ્છાને સંમતિ આપી. લગ્ન થઈ ગયાં. અને બંને સ્વગૃહે-આશ્રમે પહોંચી ગયાં.
‘લોપા, તારે કેટલા પુત્રો જોઈએ ?’ અગસ્ત્ય મુનિએ એક દિવસ હસતાં હસતાં પૂછ્યું.
‘મારે તો પરાક્રમી હોય એવો એક જ પુત્ર હોય તો પણ સંતોષ થશે. જેવાતેવા સો પુત્રોની માતા થવાની મને ઝંખના નથી.’ લોપામુદ્રાએ ગંભીરતાથી જવાબ આપ્યો.
પણ ફરી પૂછ્યું : ‘આજે કેમ આ પ્રશ્ન ઊઠ્યો ? આપણે તપ કરીએ છીએ. આનંદ છે.’ લોપામુદ્રા સમજી ગઈ હતી. એની આંખમાં તોફાન હતું.
‘લોપા, આપણે ગૃહસ્થાશ્રમ માટે તો લગ્ન કર્યાં છે. તપ તો હું કે તું એકલાં પણ કરી શકતાં હતાં. ગૃહસ્થાશ્રમ એકલાથી નથી ચાલતો.’ ઋષિએ કહ્યું.
‘એ તો હું પણ સમજું છું, ઋષિરાજ, પરંતુ આપણે તો અહીં વાતાવરણ તપશ્ચર્યાનું જ રાખ્યું છે. એટલે મેં માન્યું છે કે મને તપશ્ચર્યાનો અનુભવ નથી એટલે થોડાં વર્ષો આપ એ તકનો મને લાભ મળે એમ ઈચ્છો છો. એટલે હું વધારે ખુશી થઈ, મને એ ગમ્યું.’ લોપામુદ્રા ગંભીરતાથી બોલી હતી પણ એની આંખોમાં રમત દેખાતી હતી.
‘આ દિવસો તેં એ અર્થમાં લીધા એ મને ગમ્યું લોપા, પણ હવે મને થાય છે કે આપણે ગૃહસ્થાશ્રમનો આરંભ કરીએ.’ ઋષિને સાચી વાત પર આવવું પડ્યું. લોપામુદ્રા મનમાં હસતી હતી.

‘આપ શું કહો છો ?’ મહર્ષિની વાત સાંભળીને લોપામુદ્રા ચમકી ગઈ હોય એમ બોલી, ‘આ તપશ્ચર્યાના વાતાવરણમાં સંસારનો ઉપભોગ ! ના, મહારાજ, બંને જીવન જુદાં છે. તપસ્વીજીવનનો પરિવેશ જુદો હોય અને સાંસારિક ભોગજીવનનો પરિવેશ પણ જુદો હોય. બંને એક થઈ શકે નહિ. ઉપભોગાત્મક જીવનમાં તપને પુષ્ટિ આપે એવા પરિવેશનો મેળ જ ન ખાય. અને તપસ્વી જીવનવાળા માનસને પુષ્ટ કરવું હોય ત્યારે એમાં ઉપભોગાત્મક જીવનનો પરિવેશ હોઈ ન શકે. માણસનું મન સંસ્કારોના આધારે ચાલે છે. જે સંસ્કારોને ઉદ્દીપ્ત કરવા હોય અથવા થવા દેવા હોય એને અનુરૂપ વાતાવરણ હોય. એનાથી ઊલટું વાતાવરણ હોય તો સંસ્કારોનું સાંકર્ય ઊભું થાય. ન તપનું સુખ રહે, ન ભોગનું સુખ મળે. પરસ્પરવિરોધી ભાવોમાં ચિત્ત ચૂંથાઈ જાય. આ ઝૂંપડીમાં, આ તપશ્ચર્યાના વાતાવરણમાં વર્ષો સુધી તપશ્ચર્યા કરવા હું તૈયાર છું. પણ જો સંસાર માંડવો હોય તો સંસારને અનુરૂપ વાતાવરણ ઊભું કરવું જ પડશે. આપને શું લાગે છે ?’

અગસ્ત્યઋષિની ધારણા બહારનો આ પ્રશ્ન હતો, છતાં લોપામુદ્રાની વાત સત્ય હતી, બુદ્ધિગમ્ય હતી. લોપામુદ્રાના સ્વતંત્ર વ્યક્તિત્વની પ્રતિભા ઋષિને આ વાતથી સ્પષ્ટ સમજાઈ ગઈ. એ વિચાર કરતા થઈ ગયા. ધીમે રહીને બોલ્યા : ‘અત્યાર સુધી હું માનતો હતો કે સગવડોની વૃદ્ધિ તપનો ક્ષય કરનારી છે. પણ તારી વાત સાચી છે લોપા. આપણી પાસે તો આ ઝૂંપડી અને આટલી મામૂલીશી ઘરવકરી છે. એ સિવાય તો કંઈ નથી.’ વધુ ઢીલા થઈને બોલ્યા : ‘તું કંઈક ઉપાય બતાવ.’
હસીને લોપામુદ્રા કહે : ‘એમ કરો. પહેલાં જેમ પત્ની શોધવા નીકળ્યા હતા એમ હવે ગૃહસ્થાશ્રમને શોભે એવી ઘરવખરી શોધવા નીકળી પડો.’
ઋષિ પણ હસીને કહે છે : ‘આ સમજણ મોડી આવી. તારી પાસેથી આવી.’

મહર્ષિ અગસ્ત્ય ગૃહસ્થાશ્રમ માંડવા માટે અનુરૂપ ઘર વસાવવાના હેતુથી ધન મેળવવા નીકળી પડ્યા. સૌથી પહેલાં તેઓ રાજા શ્રુતર્વા પાસે ગયા અને કહ્યું : ‘ગુરુકુળ માટે નહિ, ગૃહસ્થાશ્રમ માંડવા માટે ધન જોઈએ છે. રાજ્યની અન્ય જવાબદારીઓને બાધા ન પહોંચે એ રીતે ધન હોય તો મને આપો.’ રાજાએ પોતાના રાજ્યનો સમસ્ત આયવ્યયનો હિસાબ રજૂ કર્યો, ‘આમાં ક્યાંય ધન બચત હોય તો ખુશીથી લઈ જાઓ !’ આવી કોઈ રકમ બચતી ન હતી એટલે ત્યાંથી રાજા બ્રધ્નશ્વ પાસે ઋષિ ગયા. શ્રુતર્વા સાથે આવ્યા. ત્યાં પણ આ જ સ્થિતિ હતી. ત્યાંથી બધા ત્રસદસ્યુ રાજા પાસે ગયા. ત્યાં પણ આ જ પરિસ્થિતિ હતી. ગુરુકુળો માટે નાણાં મુકાયેલાં હતાં, કોઈના ગૃહસ્થાશ્રમ માટે નહિ. છેવટે નિર્ણય થયો કે કોઈ આર્ય રાજા પાસે તો ધનનો એવો પરિગ્રહ નહિ નીકળે. અસુરો પાસેથી નીકળે. વાતાપિ અને ઈલ્વલ બે અસુર ભાઈઓ પાસે પુષ્કળ ધનનો પરિગ્રહ છે. ચાલો ત્યાં જઈએ. રાજાઓ પણ સાથે આવ્યા. ઈલ્વલ અને વાતાપિએ ઋષિ અને રાજાઓનો સારી રીતે આદરસત્કાર કર્યો. રાજાઓએ સાંભળ્યું હતું કે આ અસુરો અત્યંત ક્રૂર છે પણ દેખાવ ઘણો નમ્ર અને વિવેકી રાખે છે. તેથી રાજાએ ઋષિને ચેતવ્યા કે અસુરો એની સરહદ સુધી આપણને વળાવવા આવશે અને પછી ઓચિંતા આક્રમણ કરીને મારી નાખશે અને આપેલું બધું ધન પાછું મેળવી લેશે. ઋષિ સાવધ હતા. સરહદ નજીક આવ્યા. વાતાપિ જેવો આક્રમણ કરવા ગયો કે તરત ઋષિએ એવો પ્રબળ હુંકાર કર્યો કે વાતાપિ ધ્રૂજી ઊઠ્યો. હાથમાંથી અસ્ત્ર પડી ગયું. એણે ઋષિની ક્ષમા માગી. અને ઋષિ બધું ધન લઈને ઘેર આવ્યા. લોપામુદ્રાને આપ્યું, કહ્યું, ‘હવે તારા ગૃહસ્થાશ્રમની જેવી સજાવટ કરવી હોય તેવી કર.’

આમ મહર્ષિ અગસ્ત્ય અને લોપામુદ્રાનો ગૃહસ્થાશ્રમ શરૂ થયો. લોપામુદ્રાને ગર્ભ રહ્યો. પુત્ર જન્મ્યો. એનું નામ ઋભુ પાડ્યું. ઋષિ ખૂબ પ્રસન્ન હતાં. થોડા વર્ષો બાળકને રમાડવામાં અને મોટો કરવામાં વીત્યાં. ઓચિંતા એક દિવસ મહર્ષિ દંડ અને કમંડલુ લઈને ઊભા થયા, અને બોલ્યા, ‘લોપા, હું સમજું છું, પુત્રને ઉછેરવાની એને શિક્ષણ આપવાની જવાબદારી આપણી બંનેની છે. પણ મારી સમક્ષ સંસ્કૃતિવિસ્તારનું વિશાળ કાર્ય પડ્યું છે. એ મને સાદ કરે છે. મારી રાહ જુએ છે. મારો ગૃહસ્થાશ્રમ હવે પૂરો થયો. તું મને પ્રસન્ન મનથી વિદાય આપ તો હું જાઉં.’
લોપામુદ્રા જરાય વિચલિત ન થઈ. ઘડીક એ વિચારી રહી, પછી બોલી, ‘આ કાર્ય આપણે બંનેએ કરવાનું વિચારેલું. અહીં આપણે એ સાથે મળીને કરતાં જ હતાં પરંતુ આપની વાત સાચી છે. હવે બહાર નીકળવાનો સમય પાકી ગયો છે. ઋભુ નાનો છે એટલે બંને તો નીકળી નહિ શકીએ. ઋભુને હું સંભાળીશ અને અહીં રહીને જે સમય મળે એમાં આપણું કામ પણ ચાલશે. આપ ખુશીથી સિધાવો. આપનું જીવનકાર્ય આગળ ધપાવો. હું એની આડે નહિ આવું. ઋભુને ઉછેરવો, એને શિક્ષણ આપવું એ પણ એવડું જ મોટું કામ છે, હું તે બજાવીશ. હું પત્ની તરીકે આપના જીવનકાર્યમાં અવરોધરૂપ બનવાનું, આપને ઘરના બંધનમાં રાખવાનું પાપ નહિ કરું. હું આપને ગળે ઘંટીનું પડ નહિ બનું. આપ ખુશીથી સિધાવો.’

‘ધન્ય લોપામુદ્રા, મેં તારી પાસેથી આવા જવાબની જ આશા રાખી હતી. સખ્યમાં, સહજીવનમાં બંને સ્વતંત્ર હોય, સંયુક્તધર્મ ઉપરાંત દરેકને સ્વધર્મ પણ હોય. એકબીજાને બને ત્યાં સુધી બોજારૂપ-અવરોધરૂપ ન બને, એ જ સાચું સહજીવન છે. છતાંય એકબીજા પ્રત્યેનો પણ આપણો ધર્મ છે. જ્યારે પણ ખપ પડે ત્યારે સ્મરણમાત્રથી હું હાજર થઈશ. મારે ખપ પડશે ત્યારે તું આવી પહોંચજે.’ લોપા અને ઋભુ બંનેને મળીને ઋષિ ચાલી નીકળ્યા. અગસ્ત્ય મુનિ વિંધ્યાચળ વટાવીને દક્ષિણમાં ગયા. સમુદ્રના ટાપુમાં નિવાસ કરીને રંજાડતા કાલેયોનો ત્રાસ સમુદ્રમાં જઈને દૂર કર્યો. કાલેયોને વશ કર્યા એથી કહેવાયું કે અગસ્ત્ય સમુદ્ર પી ગયા અને ત્યાંથી નાવ વાટે જાવા-સુમાત્રા-કંબોજ સુધી પહોંચ્યા અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો. એ દેશોમાં આજે પણ એમનંુ નામ જાણીતું છે.
*****

‘લોપા, ગામમાં વાત ચાલે છે તેં સાંભળી કે નહિ ?’ લોપામુદ્રાની નાનપણની બહેનપણી સુવર્ણા પણ અહીં રહેતી હતી. એણે આવીને એક દિવસ પૂછ્યું. લોપામુદ્રા ઋભુને ભણાવતી હતી.
‘મને ક્યાં વખત મળે છે બહેન ? અત્યારે ઘડીક ઋભુને ભણાવીશ. પછી એ ગુરુજીને ત્યાં વેદપાઠ માટે જશે. અને હું બાળસંગોપન કેન્દ્રમાં જઈશ. માતાઓને બાળઉછેર શીખવતાં જ સાંજ પડી જાય છે. શું વાત ચાલે છે ?’ લોપામુદ્રાએ પૂછ્યું.
‘અહીંના શ્રેષ્ઠી કીર્તિચંદ્રજી વહાણો લઈને વ્યાપાર માટે જાવા ગયેલા. ત્યાંના લોકો ભારતથી આવેલા કોઈ ઋષિની બહુ પ્રશંસા કરતા હતા. એથી કીર્તિચંદ્રજી એમને મળવા ગયા. ત્યાં તો અગસ્ત્ય મુનિને જોયા. ત્યાંની એક યુવતી સાથે લગ્ન કર્યાં છે. એનેય એક દીકરો છે. ઋષિએ કીર્તિચંદ્રજીને તારા અને ઋભુના કુશળસમાચાર પૂછ્યા અને કહ્યું કે કહેજો, મારું કાર્ય સરસ રીતે વિસ્તરી રહ્યું છે. લોકોનો પ્રતિસાદ બહુ સારો છે.’ સુવર્ણાએ કહ્યું.
‘વાહ, ખૂબ આનંદ થયો. વિંધ્યાચળ વટાવ્યો અને કાલેયોને વશ કર્યા પછી કંઈ સમાચાર જ ન હતા. સંસ્કૃતિપ્રચારનું કાર્ય તેમનું દૂરપૂર્વના દેશોમાં પણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે એ જાણીને જીવમાં પ્રસન્નતા થઈ. સારા સામાચાર લાવી.’ લોપાએ કહ્યું.
‘તને આનંદ થયો !’ સુવર્ણા રોષે ભરાઈને બોલી, ‘તને રોષ નથી ચડતો ? મને તો હતું કે તું ક્રોધથી ધૂંવાપૂંવા થઈ જઈશ. તને તો આનંદ થાય છે ! બીજી પરણીને બેઠા, એની ઈર્ષ્યા પણ નથી થતી ? ગૃહસ્થાશ્રમ ચલાવવો હતો તો તું અહીં હતી જ ને ! તને છોડીને ગયા અને ત્યાં આવું કરે છે છતાં તને રોષ નથી ચડતો ? તુંય વિચિત્ર છે.’
‘તું મહર્ષિને અન્યાય કરે છે, સુવર્ણા ! તું એમને ઓળખતી નથી. તેઓ અલૌકિક છે.’ લોપામુદ્રાએ ભાવભર્યા મુખે કહ્યું.
‘નવી નવી પરણતા ફરે એ અલૌકિકતા છે ! મને તો તારી વાત જ સમજતી નથી.’ સુવર્ણાએ રોષભેર કહ્યું.
‘તેઓ મહર્ષિ છે. આ દેશમાં જ નહિ, સમસ્ત વિશ્વમાં એમને સંસ્કૃતિ વિકસાવવી છે. અને એ પણ દરેક દેશની, દરેક પ્રજાની પોતપોતાની વિશિષ્ટતાના પાયા પર. પ્રત્યેક સંસ્કૃતિ ફૂલની જેમ સહજ રીતે વિકસે અને પ્રત્યેક સંસ્કૃતિનાં શુભ લક્ષણોને બીજી સંસ્કૃતિઓ પોતાની સંસ્કૃતિમાં અપનાવે, વિકસાવે. એમ દરેક દેશમાં, પ્રજામાં, સંસ્કૃતિનાં શુભતત્વોનું આદાનપ્રદાન થાય, આપણાં ઉત્તમ તત્વો બીજાઓ લે, બીજાઓનાં ઉત્તમ તત્વો આપણે લઈએ, આમ વિશ્વની સંસ્કૃતિ વિકસતી રહે, એવા સંબંધો ઊભા કરવાનું એમનું જીવનકાર્ય છે. એ બહુ મોટું કાર્ય છે.’ લોપામુદ્રાએ ગંભીરતાથી કહ્યું. પણ સુવર્ણા હજુ રોષમાં હતી, તે બોલી :
‘લગ્ને લગ્ને કુંવારાલાલ કઈ સંસ્કૃતિ ઊભી કરવા માગે છે ? તું તો ક્રાંતિકારી હતી. આપણે ત્યાંની બહુપત્નીપ્રથાનો વિરોધ તું જ કરતી હતી !’
‘હજીય હું એનો વિરોધ કરું જ છું. છતાં એ રિવાજ હજી ગયો નથી. સારા સારા માણસો પણ કોઈ ને કોઈ નિમિત્તે અપવાદ ઊભો કરીને બીજી સ્ત્રી પરણે છે. પુરુષો આવા અપવાદ ઊભા કરવામાં કુશળ છે. મહર્ષિ પણ એમાંથી બાદ રહી શક્યા નહિ એથી મને રમૂજ થાય છે.’ લોપામુદ્રાએ હસીને કહ્યું : ‘એમની ગેરહાજરીમાં અત્યારે શું કહું ? આવશે ત્યારે તે પોતે જ કહેશે.’
‘તને ઈર્ષ્યા થવાને બદલે હસવું આવે છે ?’ સુવર્ણાએ તપીને કહ્યું.
‘ઈર્ષ્યા તો જેનું સુખ અધૂરું હોય તેને થાય. હું તો મારા સુખથી પરિતુષ્ટ છું. મને શા માટે ઈર્ષ્યા થાય ? મહર્ષિના આ પગલાને હું તારી રીતે નહિ મૂલવું.’ લોપામુદ્રાએ શાંતિથી કહ્યું.
‘તારા જેવી પેલીનીય દશા કરશે. સંસ્કૃતિનો પ્રચાર કરવો છે તો લગ્ન શા માટે કરે છે ? બ્રહ્મચારી રહે ને ! જેથી એને પરણનારીને તો પાળેલાં વેંઢારવાં ન પડે. તારે એકલીએ ઋભુને માટે એકલે હાથે કેટલું કરવું પડે છે !’ સુવર્ણા બોલી.
‘મહર્ષિ પ્રવાસે નીકળ્યા ત્યારે આ ચર્ચા થઈ જ હતી. લગ્ન વખતે પણ ચર્ચા થઈ જ હતી. તેઓ ગૃહસ્થાશ્રમમાં કાયમ માટે બંધાવા ઈચ્છતા જ ન હતા. છતાં મેં એમને પસંદ કરેલા. મને ખાતરી છે કે જાવાની યુવતી સાથે પણ એમણે આ સ્પષ્ટતા કરી જ હશે. મને એમનામાં વિશ્વાસ છે.’ લોપામુદ્રાએ શ્રદ્ધાભર્યા સ્વરે કહ્યું.

‘પુરુષો આમ જ સ્વચ્છંદ ખેલતા ફરે છે.’ સુવર્ણાએ કડવાશપૂર્વક કહ્યું અને ઉમેર્યું : ‘સ્ત્રીઓ આમ કરવા જાય તો ?’
‘આપણી સ્ત્રીઓની પ્રકૃતિ જ ભિન્ન છે, બહેન ! આપણે સમગ્રતાથી સંબંધ જોડીએ છીએ. પતિ, સંતાન, ઘર, કુટુંબ બધાં પાછળ આપણે સમગ્રપણે વળગીએ છીએ. સ્ત્રીને મન માતૃત્વ એ પરિપૂર્ણ કાર્ય છે. એ આપણું જીવનકાર્ય છે. એમાંથી આપણે મુક્ત થઈ જ શકતાં નથી. પુરુષ મુક્ત થઈ શકે છે. કુદરતે જ એમને એવી અનુકૂળતા આપી છે. આપણે પુરુષોનો વાદ ન લઈ શકીએ. આપણે આપણી રીતમાં જ ચાલવું જોઈએ. આપણે તો બાળક મોટું થાય, સ્વતંત્રપણે રમતું, રહેતું થાય પછી જ બીજાં કામ ઉપાડવાનો સમય મેળવી શકીએ. કાળક્રમે એવોય સમય આવશે જેમાં સ્ત્રીઓનાં પણ સ્વતંત્ર જીવનકાર્યો વિકસ્યાં હશે, ત્યારે બીજી દિશાઓ પણ ઊઘડશે. હું પણ અત્યારે આવી દિશામાં જ કામ કરી રહી છું.’ લોપામુદ્રા ગંભીરભાવે બોલતી હતી.
‘તને બીજા બાળકની ઈચ્છા થતી નથી !’ સુવર્ણાએ નવી દલીલ કરી.
‘ના, મહર્ષિ સાથે આ વાત તો બહુ વહેલી થઈ ગઈ હતી. મેં જ કહ્યું હતું કે મારે તો સો પુત્રોની ગરજ સારે એવો એક જ પુત્ર જોઈએ. વધારે સંતાનની માતા સંતાનોનું ઉત્તમ ઘડતર કરી શકતી નથી અને એની સામે અન્ય જીવનકાર્યો માટેની દિશા પણ ઊઘડતી નથી, વિકસતી નથી. મહર્ષિ ગયા ત્યારે પણ મારી સંમતિ લઈને ગયેલા. મેં કહેલું કે તમે તમારો સ્વધર્મ બજાવો. હું મારા ઋભુને ઉછેરીશ, ભણાવીશ. હું તમારી કોટે ઘંટીનું પડ બનવા નથી માગતી.’ લોપામુદ્રાએ ગૌરવભેર કહ્યું, ‘સ્ત્રી પણ મનુષ્ય છે અને મનુષ્યજીવનના બીજા આયામો પણ છે….’
‘પણ દીકરા પ્રત્યેની તારી એકલીની જ જવાબદારી ! ઋષિની કંઈ જવાબદારી જ નહિ ?’ સુવર્ણાએ અધવચ્ચે જ એની અકળામણ વ્યક્ત કરી : ‘તો તો પુરુષોને ફાવતું જડે. અને મનુષ્યજીવનની તેં શું વાત કરી ? હું સમજી નહિ.’

‘જવા માટે મહર્ષિએ જ્યારે મારી સંમતિ માગી ત્યારે આ ચર્ચા પણ થઈ જ હતી. મેં એમના જીવનકાર્યની અને ઋભુને ઉછેરવાની બંને જવાબદારીઓ તોળી જોઈ. મને લાગ્યું કે દીકરાને ઉછેરવા-ભણાવવાની જવાબદારી તો હું એકલી પણ ઉઠાવી શકીશ. એમનું જીવનકાર્ય ઘણું મોટું છે. અને અત્યારે તો એ કાર્ય તેઓ જ કરી શકે એમ છે. એમને અહીં શા માટે ગોંઘી રાખવા ? એટલે મેં રાજીખુશીથી એમને જવા દીધા. પણ આ ધોરણ બધાને અને બધે વખતે લાગુ ન પડે. પુરુષ ઉપર પણ એની જવાબદારી છે જ. વધારે જવાબદારી છે….. અને તું મનુષ્યજીવનનું પૂછતી હતી. સ્ત્રી પણ મનુષ્ય છે, એ ભૂલવું ન જોઈએ. મનુષ્યજીવનના ઘણા આયામો છે. આપણી સંકુચિતતાએ ગૃહસ્થાશ્રમને બહુ સંકુચિત કરી નાખ્યો છે. બાળકો, વૃદ્ધો, બીમારો, અતિથિઓ અને મનુષ્યજીવન માટે પણ ગૃહ અને ગૃહસ્થાશ્રમ બહુ જરૂરી છે. મનુષ્યજીવનનો એ મહત્વનો આયામ છે. પણ એ જ માત્ર મનુષ્યજીવન નથી. જીવન ઘણું વિશાળ છે, અનંત છે અને એના અસંખ્ય આયામો વિકસાવી શકાય એમ છે. મનુષ્યજીવનને આપણે ઘરમાં જ બાંધી ન રાખીએ.’ લોપામુદ્રાએ મીઠાશથી કહ્યું અને ઉમેર્યું : ‘પુરુષોની જેમ જ સ્ત્રીઓ પણ ઘણી જવાબદારીઓ ઉપાડી શકે એમ છે. સ્ત્રીઓ મંત્રદ્રષ્ટા પણ બની શકે છે અને રાજકર્તા પણ બની શકે છે.’
‘તો પછી ઘરનું શું થાય ?’ સુવર્ણાએ વચ્ચે પૂછયું.
‘ઘરમાંથી મુક્ત થવું એટલે ઘર છોડી દેવું એમ નહિ. એના અહંતા-મમતાના મજબૂત વાડામાંથી બહાર નીકળી જઈએ. એમાંથી મુક્ત થઈએ તો તરત આપણી નજરે ચડશે કે ઘણા મા વગરનાં બાળકો માની હૂંફ ઝંખતાં હોય છે. ઘણા સંતાનવિહોણા વૃદ્ધો, આશ્રયવિહોણા રોગીઓ કોઈ સ્નેહભર્યા હાથની શુશ્રૂષા માગતા હોય છે. સુખની ઝંખના કરતાં કેટલાંય દંપતીઓ અણસમજથી કે સ્વભાવદોષથી નજીવાં કારણે કલેશ વેઠતાં હોય છે. રસોઈની પદ્ધતિને બદલીએ તો કેટલીય સ્ત્રીઓ રસોડામાંથી મુક્ત થઈને વધારે મહત્વનું કામ કરી શકે એમ છે. હજી સમાજમાં સ્ત્રીઓને દેખીને રઘવાયા થતા અને તક મળે તો બળાત્કાર ગુજારતા પુરુષો છે. એને કારણે સ્ત્રીઓને સ્વતંત્રતા રૂંધાય છે. એવા પુરુષોનું શિક્ષણ પણ આપણે સ્ત્રીઓ જ હાથમાં લઈ શકીએ એ બહુ મોટું સંસ્કૃતિસર્જન છે. ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓને પરાધીન ગણીને કચડી રાખતા પુરુષોને પણ આપણે જ સંસ્કારી બનાવવા પડશે. સ્ત્રી પાસે એ શક્તિ છે અને સ્ત્રીઓ જ તે કરી શકે એમ છે. પરંતુ એ માટે સ્ત્રીઓએ પણ વાસના અને અહંતા-મમતાની ક્ષુલ્લકતામાંથી મુક્ત થવું પડશે. સાચા મનુષ્ય બનવું પડશે. મહર્ષિ આવી સ્ત્રીની શોધમાં જ હતા.’ લોપામુદ્રા બોલતી હતી.
‘અને એમને તું મળી ગઈ…’ સુવર્ણાએ લોપામુદ્રાને ચૂંટી ખણતાં કહ્યું : ‘તું અને તારા મહર્ષિ બંને અદ્દભુત છો. આવાં સ્ત્રીપુરુષ ભગવાને બહુ ઓછાં ઘડ્યાં છે.’
‘મારે તો મનુષ્યત્વથી પણ પર ઊઠીને શુદ્ધ ચૈતન્યના અધિષ્ઠાનમાં જીવવાની ચાવી એમની પાસેથી શીખવી છે, જેના પ્રકાશમાં સ્ત્રીત્વ અને મનુષ્યત્વની સમસ્ત ગુણવત્તા બદલાઈ જાય. જગતની ક્ષુલ્લક વાતો એને સ્પર્શે જ નહિ. એમને પામીને હું તો ધન્ય બની છું.’ લોપામુદ્રા મુગ્ધભાવે બોલતી હતી. સુવર્ણા એને અહોભાવપૂર્વક જોઈ રહી…