તડ ને ફડ – વર્ષાબેન જોષી

[‘અખંડ આનંદ’ મે-2008 માંથી સાભાર.]

‘એય, સાંભળો તો….’ મનજી સવારમાં ઘર બહાર પગ મૂકતો હતો. ત્યાં જ તેની પત્ની શારદાએ ધીરેથી ટહુકો કર્યો. મનજી આગળ જતો અટકી ગયો. શારદાને ટીકી ટીકીને જોવા લાગ્યો. મનમાં બબડ્યો પણ ખરો. ‘મને ખબર છે… તારે શું કામ છે.’
સાડીના છેડા નીચેથી પરબીડિયું કાઢીને શારદા બોલી : ‘આને ટપાલ પેટીમાં નાખી દેજ્યો.’
‘એ…હો…’ કહીને મનજીએ પરબીડિયું ઝૂંટવી લીધું. શારદાની નજર સામે જ એણે આપેલા પરબીડિયાને મસળી નાખવાની ઈચ્છા થઈ આવી. પણ તેણે ગુસ્સાને રોકી લીધો.

શારદાને પણ મનજીના આવા વર્તનથી થોડુંક આશ્ચર્ય થયું. પણ ઝાઝું ગણકાર્યા વિના એ મનજી સામે મલકીને રસોડામાં જતી રહી. મનજીએ ધૂંધવાતા મને કવરને બેવડું કરીને ખિસ્સામાં નાંખ્યું. ટપાલપેટી ગામના ચોરે ટીંગાતી હતી. ચોરા તરફ જવાના બદલે તેની વિરુદ્ધ દિશામાં રમેશના ઘર તરફ પગલાં માંડ્યાં. રમેશ તેનો નાનપણનો ભાઈબંધ હતો. ભણેલો હતો.

મનજીના મનમાં ગુસ્સાનો ચરુ ઊકળતો હતો : ‘તને એમ કે મને કંઈ ખબર નથી ? રાતે છાનીમાની ઊઠીને ફાનસના અજવાળે તું લખતી’તી. ઈ બધુંય આ ભાયડો જોતો’તો. તને એમકે આ અભણ મનજીને શું ખબર પડવાની છે. મનજીને તેં સાવ ડોબા જેવો માન્યો હશે, કાં ? પણ તનેય ભૂ ન પાઈ દઉં તો મારું નામ મનજી નહીં. તું ભણેલી છો તે શું થયું ? મારાથી છાની છાની ટપાલું લખવા માંડી ? કોણ જાણે શું ય લખ્યું હશે એના બાપને ? નક્કી એવું લખ્યું હશે કે મને આ અભણ હાર્યે ક્યાં ભટકાડી મને અહીં જરાય ગમતું નથી. અહીંથી મને તેડી જાવ. બસ મારી જ ફરિયાદ કરી હશે….. પણ ઈ ભણેશરીની દીકરી જાણતી નથી કે હવે એના બાપને અહીંનો ઉંબરો પણ નહીં ચડવા દઉં ! શું લખ્યું છે એ પહેલાં રમેશ પાસે જઈને વંચાવી લઉં.. બધું જાણી લઉં પછી એ ભણેલીની ખેર નથી. તેની ઓકાત ખાટી ન કરી નાખું તો મારું નામ… મનજી નૈ !!!’

રમેશના ઘર તરફ વળતાં મનજીને થયું મને થોડું ઘણું વાંચતાં આવડતું હોત તો મારે આમ કોઈની પાસે વંચાવા ન જવું પડત. પણ વાંધો નૈ. આજે એને ય બતાડી દઉં કે…
‘રમેશ….’ સાદ સાંભળીને રમેશ બહાર આવ્યો. એને બાવડેથી પકડીને મનજી એકાંત જગ્યાએ લઈ ગયો.
‘પણ ક્યાં લઈ જાય છે ?’ રમેશ મનજીની પાછળ પાછળ ઢસડાતો ચાલવા લાગ્યો.
ખિસ્સામાંથી કવર કાઢીને મનજીએ કહ્યું : ‘લે, આ વાંચી દેખાડ…. ઈવડી, એણે શું લખ્યું છે ઈ…’
‘આ તો… આ તો… ભાભીએ ટપાલ લખી છે. તેના પિતાને ત્યાં….’
‘હવે ભાભીનો સવાદિયો થા મા, મને ખબર છે. એણે એમાં શું લખ્યું છે ઈ ભસવા માંડ. એટલે ઘેર જઈને તારી ભાભીને ય મજા ચખાડું…’ મનજીનો રોષ ઊછળતો હતો. રમેશે હળવેથી બંધ કવર ખોલ્યું. પછી વાંચવા લાગ્યો. જેમ જેમ વાંચતો ગયો, મનજી સાંભળતો ગયો. તેમ તેમ મનજી વિષે લખેલાં વાક્યોથી એ ભીંજતો ગયો.

શારદાએ તેના પિતાજીને લખ્યું હતું કે, એ ભણ્યા નથી. પણ એટલા હેતાળવા છે કે ન પૂછો વાત. એની કોઠાસૂઝ ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે. મને તો એકેય વાતે ઓછું જ નથી આવવા દેતા. મારી ખૂબ જ કાળજી રાખે છે. કામઢા એવા છે કે કામ કરતાં થાકે જ નહીં. મારે પરાણે તેની પાસેથી કામ છોડાવવું પડે છે. થોડા ખીજાળ છે પણ તરત જ ગુસ્સો ઊતરી જાય છે. મને ઘણીવાર થાય છે કે એ ભણેલ હોત તો ? તો તો સોનામાં સુગંધ ભળત. થાય છે કે તેને હું જ ભણાવું ને વાંચતાં લખતાં શીખવી દઉં… પણ એને મારી પાસે ભણતાં નાનપ લાગે તો ? એને અપમાન જેવું લાગે તો ? એટલે એને હું કહી શકતી નથી. તમે આવો ત્યારે મારા વતી તમે એને વાત કરજો. જેથી એને નાનપ ન લાગે…..
‘બસ…. બસ… રમેશ, બસ….’ રમેશને આગળ વાંચતો અટકાવીને મનજી બોલ્યો, ‘હવે આગળ નથી વાંચવું…’
‘અરે, પણ હજી તો ઘણુંય બાકી છે..’ રમેશે વ્યંગમાં કહ્યું.
‘બસ… હું હૈયા ફૂટ્યો…. કે હીરાને કાચ માની બેઠો… સબળાને મેં સાવ અબળા માની…’ આંખના ખૂણા લૂછતો મનજી બોલ્યો : ‘જે સ્ત્રીને માને અબળા, ઈ પુરુષ નબળા. હવે હું જ તારી ભાભી પાસે ભણીશ… એમાં નાનપ શેની ?’

પછી સ્વસ્થ થઈને અસલ રંગમાં આવીને મનજી બોલ્યો : ‘બસ, તમારા ભણેલાની આ કઠણાઈ, મોંએથી હોય એવું ફાટે નહીં અને અમે તો હોય એવું તડ ને ફડ કરીએ.’ આમ કહીને મનજી દોડ્યો ચોરા બાજુ, ટપાલ નાખવા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લોપામુદ્રાનો ગૃહસ્થાશ્રમ – બાલકૃષ્ણ વૈદ્ય
જીવનપ્રેરક સત્યઘટનાઓ – સંકલિત Next »   

7 પ્રતિભાવો : તડ ને ફડ – વર્ષાબેન જોષી

 1. nayan panchal says:

  તડ ને ફડ હોવુ એ બેધારી તલવાર જેવુ છે.

  આજના સમયમાં સાચુ બોલવાવાળી જીભ અને સાચુ સાંભળવાવાળા કાન મળવા મુશ્કેલ છે.

  નયન

 2. urmila says:

  બસ, તમારા ભણેલાની આ કઠણાઈ, મોંએથી હોય એવું ફાટે નહીં અને અમે તો હોય એવું તડ ને ફડ કરીએ.’ આમ કહીને મનજી દોડ્યો ચોરા બાજુ,

  This is the example of the healthy lifestyle-when you are transparent with your family members – you can avoid lot of problems occuring in your mind and making yourself sick with stress and worry and somtimes destroying the family unit

 3. અતુલ જાની (આગંતુક) says:

  શંકા ખતરનાક છે અને જ્યાં સુધી તેનું સમાધાન નથી મળતું ત્યાં સુધી માણસના મનને ચેન નથી પડતું.

 4. Jinal says:

  આજ્ની દુનિયા મા તડ ને ફ્ડ ના કહી દેવાય નહી તો લેવા ના દેવા થઈ જાય્..
  પણ વાર્તા સારી છે !!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.