જીવનપ્રેરક સત્યઘટનાઓ – સંકલિત

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

[1] સબસે ઊંચી પ્રેમ સગાઈ – મોહનલાલ માંકડિયા (અમેરિકા)

આજે સંકુચિતતા તથા સ્વાર્થને લીધે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે પણ અનુભવે એમ લાગે છે કે ક્યાંકને ક્યાંક હજુ કરુણાનો દીપક જલે છે.

હું ઓરિસ્સા-સંબલપુરમાં 33 વરસ રહ્યો છું. ગામડે ગામડે નાના માણસોથી લઈને મિનિસ્ટર લેવલના માણસોના સંપર્કમાં આવ્યો. 1962માં હું સંબલપુરથી મારા ધંધાની જગ્યાએ 70 માઈલ દૂર આવેલા ગામ ‘ગજબંધ’ જવા નીકળ્યો. બે વાગે 50 માઈલ બરગઢ બરપાલી સુધી તો મારી મોટરસાયકલ બરાબર ચાલી. અને પછી રસ્તામાં કેનાલ રોડ (હીરાકુંડ ડેમ) ઉપર નિર્જન રસ્તે ખરાબ થઈ ગઈ. ખૂબ કિક મારી, પ્લગ સાફ કર્યો પણ કશું વળ્યું નહીં. અંધારું થઈ ગયું. તમરાં બોલવા લાગ્યાં. જંગલ રસ્તો, રીંછની બીક, મન થોડું ગભરાણું. શું કરવું એ વિચારું ત્યાં ઝાંખા પ્રકાશમાં કોઈક આવતું જણાયું. એક માજી એક પૂળો ઘાસ લઈને આવતાં જણાયાં. જીવમાં જીવ આવ્યો. મોટરસાયકલ ઢસડતો હતો ત્યાં માજીએ કહ્યું કે ‘મોટરસાયકલ ખરાબ થઈ ગઈ ?’
મેં કહ્યું : ‘માજી, નથી ચાલતી. જ્યાં જવું છે તે ગજબંધ બહુ દૂર છે. રાતનો સમય છે, ભાલુ-રીંછની બીક છે.’
એમણે કહ્યું : ‘ચાલો મારી સાથે.’ હું તો માજીની પાછળ ચાલ્યો. એક જગ્યાએ મોટરસાયકલ રખાવી દીધી.

તેમના ઘેર ગયાં. માજીની વહુએ ઝડપથી ખાટલો ઢાળ્યો, ચાદર પાથરી, પાણીનો લોટો-ગ્લાસ, નેપકિન સાચવીને રાખ્યાં હશે તે આપ્યાં. મહેમાન માટે આ ઘર કોઈ સુખી નહીં પણ આગંતુક આવે તો કામ લાગે એવું. આશ્ચર્ય તો એ વાતનું થયું કે વહુને કશું કહેવું ન પડ્યું. માજી બે વખત ઘરમાંથી બહાર આવ્યાં ને પાછાં અંદર ગયાં. પોણા કલાક પછી માજીએ કહ્યું : ‘ચાલ મારી સાથે.’ હું એમની પાછળ ચાલ્યો. બ્રાહ્મણનું ઘર આવ્યું. આસન બિછાવેલ ત્યાં બેસાડ્યો અને પાતર પાણી ગોઠવી, રોટલી-બે જાતનાં શાક, દાળ ભાત પ્રેમથી જમાડ્યો. માજીએ ગામની દુકાનમાંથી સીધું લઈ આપી ગોરને ઘેર મારી ભોજનની વ્યવસ્થા કરી હતી. મારે શું સગાઈ ? આવું કોણ કરે ? જેનામાં કરુણા હોય, પ્રેમની લાગણી હોય તે જ વિચારી શકે કે વટેમાર્ગુ ક્યાં જશે ? કેટલો દુ:ખી થશે ! ગામડામાં એક ઘાસનાં ઝૂંપડામાં રહેનારની આ કેવી ખાનદાની સચવાઈ રહી છે ! જમી પરવારી, થોડી વાતો કરી (ઉડિયા ભાષા જાણું) અને મેં પાંચ રૂ. આપવા માંડ્યા તો ગોર બાપા મને કહે : ‘હું બ્રાહ્મણ છું. માગવું-લેવું એમાં અમોને સંકોચ ન હોય. પણ બાબુ, આજ ન લેવાય. મેં કહ્યું કે કેમ ? તો મને કહે, ‘તું અમારા સમસ્ત ગામનો અતિથિ-મહેમાન છે.’ આવી લાગણી, આવા પ્રેમનું મૂલ્ય હું કઈ રીતે ચૂકવી શકવાનો હતો ?

સવારમાં માજી આવ્યાં. ‘ચાલ….તારી મોટરસાયકલ રિપેર થઈ ગઈ છે.’ બર્મામાં યુદ્ધ સમયે તે ગામનો એક કારીગર લશ્કરમાં હતો. તેણે રિપેર કરી આપી. મેં તેને તથા કારીગરને પૈસા લેવા માટે આગ્રહ કર્યો પણ એણે ન લીધા. કારીગરનું તો પહેરણ પણ ચીંથરેહાલ પણ તોય સૌના મોઢે એક જ વાત : ‘તું ગામનો મહેમાન !’ એક-દોઢ માસ પછી ગોર માટે ધોતિયું, માજીની વહુ માટે સાડી અને પેલા કારીગર માટે શર્ટ આપી આવ્યો અને માજીનો આભાર માનીને નીકળી ગયો.
.
[2] અમે તો ધન્ય થઈ ગયા ! – ભૂપેન્દ્ર કે મહેતા (રાજકોટ)

‘મોટાઓની મોટાઈ જોઈ થાક્યો
નાનાઓની મોટાઈ જોઈ જીવું છું.’

ઉપરોક્ત પંક્તિઓનો વાસ્તવિક જીવનમાં ઘણાંને કેટલીયે વાર અનુભવ થયો હશે. વાસ્તવમાં સમાજ બને છે, ટકે છે, વિકાસ કરે છે આવા નાના માણસો થકી જ. નાના માણસોની ઉદારતા અને દરિયાવદિલીનો અનુભવ ધરતીથી બે ફૂટ અધ્ધર ચાલનારને વાસ્તવિક ભૂમિ ઉપર લાવી દે છે.

લગભગ 15 માસ પહેલાં અમે ચાર મિત્રોએ અમારાં અત્યંત ટાંચાં આર્થિક સાધનો વડે બાળકોને શાળાજીવનથી જ પુસ્તકો વાંચતાં કરવાનું અભિયાન આરંભ્યું. જેમાં દર મહિને વિદ્યાર્થીએ એક સુંદર પુસ્તક વાંચી, તેનો સાર/બોધ એક ફૂલસ્કેપમાં લખી મોકલવાનો હોય છે. આ માટે કોઈ પ્રવેશ ફી અમે રાખી નથી. અને દરેક મહિને, દરેક ધોરણ દીઠ, પ્રાપ્ત ‘એન્ટ્રી’માંથી દર 25 ‘એન્ટ્રી’ દીઠ એક શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી બીજે મહિને જે-તે શાળામાં જઈ તેમની પ્રાર્થનાસભામાં અન્ય વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે પુરસ્કાર સ્વરૂપે પુસ્તકો જ પ્રદાન કરવાનું ધોરણ રાખ્યું છે.

દર મહિને આ રીતે વિવિધ શાળામાં જવાનું બને છે. એક શાળામાં પટાવાળાની કક્ષાનું કામ કરતાં એક બહેન અમારી આ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરતાં હશે. ખૂબ જ ઓછું ભણેલ આ બહેનનો પગાર રૂ. 1500. પ્રત્યેક વર્ષે એમને બાર રજા મળે. આ બહેનના પતિ કોઈ બાંધકામની કંપનીમાં સામાન્ય નોકરી કરે. એ બહેન જો વર્ષ દરમિયાન 12થી વધુ રજાઓનો ઉપયોગ કરે તો પ્રતિદિનના રૂ. 50 લેખે પગાર કપાઈ જાય અને 12 રજામાંથી ઓછી રજાનો ઉપયોગ કરે તો બચેલી રજા માટે પ્રતિદિનના 50 રૂ. લેખે વધારાનો પગાર મળે.

દર મહિને અમને તેમની શાળામાં આવતા જોઈ, બાળકોના માનસિક વિકાસની આ પ્રવૃત્તિ જોઈ તેમને પણ આ યજ્ઞમાં પોતાના તરફથી આહુતિ આપવાની ઈચ્છા થઈ આવી. આ વર્ષે એમણે અત્યંત કરકસર કરી ફક્ત છ જ રજાઓનો ઉપયોગ કર્યો અને જે છ રજા બચી તેના રૂ. 300નું રોકડમાં રૂપાંતર કરાવી એ પૈસા અમારી આ પ્રવૃત્તિને ભેટ તરીકે આપ્યા. આ જોઈને અમે તો અત્યંત ગળગળા થઈ ગયા. અમારા મોઢામાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહીં. કરુણા અને આનંદના મિશ્રણથી અમે તો ભઈ ધન્ય થઈ ગયા ! બાળકો માટે અમે કંઈક કરીએ છીએ તેવો અમારો મદ ઘડીના છઠ્ઠાના ભાગમાં ચકનાચૂર થઈ ગયો. કેટલાય સુખી, સાધનસંપન્ન મિત્રો, સજ્જનોએ આ પ્રવૃત્તિમાંથી યોગદાન આપવાની ઑફર કરેલી પરંતુ ક્યારેય ખિસ્સામાંથી હાથ બહાર કાઢ્યો નથી. જ્યારે આ અર્ધશિક્ષિત નારીએ અમારા સહુના હૃદય વલોવી નાખ્યાં. સુશ્રી સુધા મૂર્તિ દ્વારા થતા સમાજોપયોગી દાનની તોલે આને મૂકીએ તો તે અતિશયોક્તિ નહીં ગણાય.
.
[3] ચાર આંસુ – બે દુ:ખનાં, બે સુખનાં. – હીરાલાલ ‘ચિરાગ’ (વડોદરા)

કરસન શહેરને છેડે આવેલ લાકડાની ‘સૉ મિલ’નો ચોકીદાર પગના લકવાને કારણે લંગડાતો ચાલે અને બોલવામાં પણ થોડું થોથવાય. પ્રૌઢ અવસ્થા ‘સૉ મિલ’માં ચોકીદારી કરી મહિને રૂ. 400 રળી લે. પત્ની આસપાસની સોસાયટીનાં બે-ચાર ઘરમાં વાસણ-પોતું કરી ત્રણસોક કમાઈ લાવે. બાર મહિને કોઈક ઘરેથી ઊતરેલ વસ્ત્ર મળી જાય. આમ જીવનના દિવસો કપાતા જાય. આ દંપતીને એકનું એક સંતાન એટલે મંગળદાસ. પરંતુ બધા મગાના નામે જ ઓળખે. કરસનને ભણવાનો ઘણો જ અભરખો હતો, પરંતુ દારૂડિયા બાપને કારણે ચાર ચોપડી, પછી ભણતર છોડી દેવું પડેલું. એટલે એ જ દિવસે મનમાં ગાંઠ વાળેલી કે સંતાનને ગમે તેમ ભણાવવો જ છે. આ દઢતાને કારણે મંગળને ભણાવવા પાછળ મન લગાડેલું. મંગળની મા હાઈસ્કૂલના પ્રિન્સિપાલના ઘરે વાસણ પાણી કરે એટલે ફીમાં માફી મળેલી, અને પુસ્તકો પણ ગરીબ વિદ્યાર્થી ફંડમાંથી મળી જતાં. મંગળ ભણવામાં ઘણો જ હોશિયાર. આ વર્ષે શાળામાં પહેલા નંબરે બારમું પાસ કર્યું એટલે કરસને પ્રિન્સિપાલ સાહેબને પ્રાર્થના કરી કે કોઈ જગાએ કારકુનમાં ગોઠવી દો તો મહેરબાની. પ્રિન્સિપાલ સાહેબે કહ્યું કે આવા હોશિયાર વિદ્યાર્થીને કારકુન બનાવી એની વધુ અભ્યાસની ગતિ રોકી ન શકાય. એને યુનિવર્સિટીના વિજ્ઞાન વિભાગમાં બી.એસ.સી. માટે મોકલવો જોઈએ. કરસન અને એની પત્નીએ વિચાર્યું ભલે એકટાણું કરીશું. પણ દીકરાને ભણાવીશું.

ઘણા સારા માર્કસને કારણે મંગળને વિજ્ઞાન ફેકલ્ટીમાં સરળતાથી એડમિશન મળી ગયું. પહેલા દિવસે કરસન મંગાને કપાળે કંકુનો ચાંદલો અને ઘણી જ મુસીબતે બચાવેલા નાણાંમાંથી સિવડાવેલ લેંઘો અને ખમીશ પહેરાવી યુનિવર્સિટી કેમ્પસમાં મંગાને મૂકવા ગયો. ફેકલ્ટીના પ્રાંગણમાં પગ મૂકતાં જ સિનિયર વિદ્યાર્થીઓનું ટોળું મંગાને ફરી વળ્યું. રેગિંગની શરૂઆત થઈ. ફેકલ્ટીના એફ.આરે કહ્યું : ‘ચાલ દોસ્ત, તારી ઓળખ આપ. કઈ હાઈસ્કૂલમાંથી આવે છે. તારો શોખ શું છે ? દોસ્ત, તારી પાસેથી તો આજનું લંચ લેવાની ઈચ્છા છે પરંતુ તારા લેંઘા-ખમીશનો પહેરવેશ જોઈ અમે ફક્ત આઈસ્ક્રીમ પર રાજી થઈ જઈશું.’ મંગાના ગજવામાં તો એક નવો પૈસો પણ નહોતો. એણે થોડે દૂર ઊભેલા પોતાના બાપ તરફ જોયું. કરસને વિદ્યાર્થીઓને કહ્યું : ‘હું ચારસો રૂ.ની ચોકીદારની નોકરી કરું છું, અને આની મા લોકોનાં વાસણ પાણી કરી ત્રણસો રૂ. મેળવે છે. અમે કેટલીયે વાર એક ટંકથી નિભાવી લઈએ છીએ. અમારી આર્થિક પરિસ્થિતિ જોઈ અમને આ આદેશમાં મુક્તિ આપો.’ આ વાક્ય પૂરું કરતાં જ કરસનની આંખમાંથી બે આંસુ સરી પડ્યાં, દુ:ખનાં !

ઉપરોક્ત, પ્રસંગ પછી ત્રણેક વર્ષ બાદ યુનિવર્સિટીના પ્રાંગણમાં ભવ્ય મંડપ બંધાયો હતો. શહેરના માનનીય વ્યક્તિઓ ખુરશીઓ શોભાવી રહી હતી. મંચ પર કુલપતિજી, અતિથિ વિશેષ સાથે બિરાજમાન હતા. પ્રવચનો પછી વિદ્યાર્થીઓને ‘ગોલ્ડ મેડલ’ એનાયત કરવાનો કાર્યક્રમ શરૂ થયો. પહેલું જ નામ મંગાનું પોકારાયું. મંગળદાસને 97% માર્કસ મેળવવા બદલ બે ‘ગોલ્ડમેડલ’ એનાયત કરવામાં આવ્યા. મંડપ તાલીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. વિદ્યાર્થીઓ ખુશીથી ચિચયારીઓ પાડવા લાગ્યા. આ દશ્ય જોઈ મંડપના એક ખૂણે ઊભેલા કરસનની આંખમાંથી બે આંસુ સરી પડ્યાં – સુખનાં !
.
[4] સલામ છે એની પતિપરાયણની ભાવનાને – અરુણ ત્રિવેદી (અમદાવાદ)

ધોલેરા (બંદર) વિસ્તારના દરિયાકાંઠાના ગામડાંઓમાં વિકલાંગોને સહાયરૂપ થવા અમદાવાદની એક સંસ્થા તરફથી અમે ગામેગામ ફરતા હતા. સરપંચ, ગામના બે-ચાર આગેવાનો, પ્રાથમિક શાળાના આચાર્યને મળીને અમે ખાસ કરીને શાળાએ જતા અપંગ બાળકોને ટ્રાઈસીકલ, કૃત્રિમ હાથ-પગ વગેરે વિનામૂલ્યે આપવાનો સર્વે કરી રહ્યા હતા.

ઝાંખી ગામમાં અમારો સર્વે ચાલતો હતો, એવામાં એક આધેડ વયની બાઈએ મને પ્રશ્ન કર્યો, ‘સાહેબ, મને એક ત્રણ પૈડાવાળી સાયકલ ના આપો ?’ પ્રથમ નજરે એકદમ તંદુરસ્ત લાગતી એ બાઈને મેં સામેથી પ્રશ્ન કર્યો. ‘તમારા માટે ?’ એ બાઈ થોડી છોભીલી પડી ગઈ. ‘ના સાહેબ. મારા ઘરવાળા માટે. એ અપંગ છે.’ અમારા નિયમ મુજબ ડૉક્ટરને લઈને અમે તેણીના ઘેર ગયા. અને જોયું, તો એનો ઘરવાળો સંપૂર્ણપણે અપંગ અને છેલ્લાં પચ્ચીસ વર્ષથી પથારીવશ હતો. ડૉક્ટરે અભિપ્રાય જણાવ્યો. ‘આ ભાઈ…. સાઈકલ પર બેસી શકે તેમ જ નથી. અને તેના બંને હાથ પણ સાઈકલનું સ્ટિયરિંગ પકડી શકે તેમ નથી.’

અડોશપડોશમાંથી બધાંએ આ બાઈ માટે કાંઈક કરી આપવાની આજીજી કરી. મારાથી એ બાઈને પુછાઈ ગયું : ‘તમારો ઘરવાળો સાવ અપંગ છે, એને સાઈકલ આપવાથી શું ફાયદો ?’
એ બાઈની આંખ ચૂઈ પડી. ‘સાહેબ… પચ્ચીસ વર્ષથી મારો ધણી પથારીવશ છે. એને બહાર જવાનું, હરવા-ફરવાનું મન ના થાય ? મને એમ કે સાઈકલ મળશે, તો એને બેસાડીને આખા ગામમાં ફેરવીશ. એ ગામના લોકોને મળે, તો એને કેટલો આનંદ થાય !… જેવી ઉપરવાળાની મરજી…’ બાઈ રડતી રડતી એના ખોરડામાં ચાલી ગઈ. એની પતિ પરાયણની ભાવનાએ અમને કાંઈક મદદરૂપ થવા બેબશ કર્યા.

ડૉક્ટરના સૂચન મુજબ અમે એ બાઈને હાથલારી ભેટ આપી. કમાણી કરી શકે એ આશયથી થોડાંક શાકભાજી પણ લાવી આપ્યાં. એના ધણીને આ હાથલારીમાં સુવડાવી એ બાઈ ગામમાં ફરવા માંડી. ઘરે ઘરે ફરતાં મલકતાં ગ્રામજનોને જોઈ એનો ધણી પણ હરખાવા માંડ્યો. આ દશ્ય જોઈ અમારા દરેકની પણ આંખો ભીંજાણી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તડ ને ફડ – વર્ષાબેન જોષી
તમને કેટલાં છોકરાં ? – હરિશ્ચંદ્ર Next »   

10 પ્રતિભાવો : જીવનપ્રેરક સત્યઘટનાઓ – સંકલિત

 1. nayan panchal says:

  સરસ ઘટનાઓ.

  જ્યારે કોઈકની સેવા કરવાનો મોકો મળે તો લઈ લેવો, કદાચ પછી નહીં પણ મળે.

  નયન

 2. nandlal says:

  અતિ સુન્દર , ગુજરાતિ ભાશા ધન્ય .

  ઓશો ના લેખો થિ આ વધુ ખિલશે.

 3. manvant says:

  અભિનઁદન મૃગેશભાઇને…આવાઁ ધૂળમાઁથી રત્નો
  શોધીને વાઁચકો આગળ મૂકવા બદલ !પહેલો લેખ
  ખૂબ જ ગમ્યો ! તમારી શોધને બિરદાવવી જ પડે !

 4. એ હાવ સાચી વાત સે દાદા…

  અભિનંદન…

 5. Kavita says:

  Very good & an eye opener stories. Everyone has a right to get education. Also people need help in various way. It is an honour to help someone in life.

 6. અતુલ જાની (આગંતુક) says:

  સબસે ઊંચી પ્રેમ સગાઈ – માનવ જો ધારે તો પ્રેમ વડે અન્ય માનવ માટે શું ન કરી શકે તેનો અહેસાસ કરાવી આપતી ઘટના

  અમે તો ધન્ય થઈ ગયા – બુદ્ધ ભગવાનની મુર્તી બનાવાવા માટે નાનકડી બાળાએ આપેલ નાનકડૉ સિક્કો યાદ આવી ગયો.

  ચાર આંસુ – બે દુ:ખનાં, બે સુખનાં – આ ઘટના વાંચતા વાંચતા મારી આંખમાંથી પણ ચાર આંસુ સરી પડ્યા.

  સલામ છે એની પતિપરાયણની ભાવનાને – પત્થરને પણ પોતાના પ્રેમથી ચેતનવંતો બનાવતા સમાજની સ્ત્રિઓ જ્યારે પોતાના પતિમાં પરમાત્માની ભાવના કરે છે ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ ઑળંગી જાય છે.

 7. Ashutosh Desai says:

  આવા લેખો ખુબ સુન્દર લાગે પરન્તુ દરેક ને મારિ એક માત્ર વિનતિ કે આવા લેખો માથિ કૈન્ક બોધ લયિ એને જિવન મ ઉતારે અને જરુર આ યાદ કરિ બિજા ને હેલ્પ કરે તોજ મ્રુગેશભાઇ નિ આ મહેનત સાર્થક થૈ ગઆશે

 8. Pravin V. Patel says:

  ઘટનાઓ વાંચતાં ભાગ્યેજ કોઇ પથ્થરદિલ બની શક્યું હશે! પથદર્શક બનતી આ ઘટનાઓ સાચેજ જીવનપ્રેરક છે. આવી ઘટનાઓ વધુને વધુ જાણવા મળે એવી આશા જરુર રહે. પ્રેષકમિત્રોને અભિનંદન.

 9. chetan patel says:

  THANKS A LOTS MAZZA AVE GHAI IN MY SMALL TOWN IN SOUTH DAKOTA USA WE DONT HAVE ANY OTHER GUJRATI FAMILY NOW THIS SITE IS MY BEST FRIEND SEE ANY TIME I WENT SEE AND I LOVE GUJRATI RIDING DR THAKER IS MY FARVITE I LIKE TO SPEAK DR THAKER IF DONT MIND GIVE MY EMAIL ADDS DR THAKER OR SEND ME DR THAKER PHONE NUMBER I LIKE TO SEND SOME DONACTION WHAT I HAVE TO DO

  cpatel1194@msn.com
  chetan patel/ DAYS INN
  519 crook st
  custer,SD 57730

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.