તમને કેટલાં છોકરાં ? – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

જાણે ફક્ત ચાલતી ગાડીની જ ટિકિટ હોય તેમ ગાડી થોભતાં જ સ્ટેશને-સ્ટેશને ઊતરતા અને ગાડી ચાલુ થતાં ફરી ચઢવાની આદતવાળા જે પુરુષો હોય છે એમાંનો આ મનોહર પણ હતો. આ સ્ટેશન મોટું હતું. સામેની સીટ ખાલી થતાં એક બાઈ આવીને બેઠી. સુધા એનું નિરીક્ષણ કરી રહી હતી, ત્યાં પ્લેટફોર્મ પરથી મનોહરે પૂછ્યું, ‘ચા પીવી છે ?’
‘અત્યારે ચા ? બાર વાગ્યા બાર ! હવે અંદર આવો તો ખાવાનું કાઢીએ.’
‘ગાડી અહીં અડધો કલાક થોભશે.’
‘લ્યો, આ પાણી ભરી લાવો. અને કેળાં લાવજો, પરોઠાં સાથે ખાવા.’ આમ કહેતાં સુધાની વેધક નજર એના હાથમાંની સિગારેટ પર પડી એટલે તે ફેંકી દઈ મનોહર લહેકાથી બોલ્યો, ‘જેવી રાણી સરકારની આજ્ઞા ! બોલો, બીજું કાંઈ ?’

સુધા મલકાઈ. ‘બીજું શું ? ઝટ ઝટ આવો !’ સુધાએ જોયું કે સામેવાળી બાઈ એમને ટીકી ટીકીને જોયા કરતી હતી. બંનેની આંખ મળી એટલે એણે પૂછ્યું : ‘મુંબઈથી બેઠાં ?’
‘હા, જલગાંવ જવું છે.’ સુધા બોલી.
‘ત્યાં જ રહો છો ?’
‘ના, આ તો સાસુને મળવા.’
‘તો પછી બંને જ નીકળ્યાં ?’

આ પ્રશ્નથી સુધા સાવધ થઈ ગઈ. આવી પ્રશ્નોત્તરીએ અનેક વાર એનું મર્મસ્થાન વીંધાયું હતું. સ્ત્રીઓ સાથેની વાતચીત અમારા ‘એ’, સાસુ-નણંદ, દેરાણી-જેઠાણી પરથી ફરતી-ફરતી ‘બાળકો કેટલાં ?’ પર જ આવી જતી. અને ત્યારે સુધાને ઠેસ વાગતી. ‘છોકરાં નથી’ એમ સાંભળતાની સાથે સામેવાળી સ્ત્રી એના ઉપર એવો દયાભાવ બતાવતી કે સુધા દાઝી જતી ! એનું ‘સોરી’ સુધાને તમાચાની જેમ વાગતું. ક્યારેક સોરી કહેવાની તક આપતાં પહેલાં જ સુધા ઝટ ઝટ બોલી જતી : ‘છોકરાં હોય તો આવી રીતે ગમે ત્યારે થોડું જ બહાર નીકળાય છે ? પરીક્ષા ને માંદગી ને….’

પણ સામેવાળી સાંભળે તો ને ? એની ખણખોદ ચાલુ જ હોય – ‘દિયર ? નણંદ… ? એમને તો બાળકો ખરાં ને ? તો પછી તમારી જ બાબતમાં આમ કેમ ?….’ અને પછી રહસ્યમયતા વધારવા ખાનગી સૂરમાં પુછાતું : ‘લગ્નને કેટલાં વરસ થયાં ? કોઈ ઉપાય કર્યા ? ડૉક્ટર-બૉક્ટર ?’ સુધાને તડ ને ફડ કહી દેવાનું મન થઈ જતું કે, ‘મારી બૈ, તારે આટલી શી પંચાત !’ સુધા તો એટલું જ કહેતી કે ‘છોકરાં નથી.’ તેમાં ‘ગમે તેમ કરીને છોકરાં જોઈએ જ’ એવો ભાવ ક્યારેય નથી હોતો. છતાં સામેની સ્ત્રી એ ભાવ ગૃહિત માનીને જ ચાલે છે. અને ત્યારે જે ભારેખમ વાતાવરણ ઊભું થાય છે તેનાથી સુધાને ગૂંગળામણ થઈ જાય છે. તે વખતે પોતે ઓશિયાળું મોઢું કરે, એવી જ આજુબાજુની અપેક્ષા ! ત્યારે હળવા કે આનંદી દેખાવું એ પણ જાણે ગુનો ન હોય ! એટલે આજે સુધાએ એક નવી તરકીબ અજમાવી. એણે હસતાં હસતાં કહ્યું, ‘આજકાલ છોકરાંવને માબાપ સાથે નીકળવું ક્યાં ગમે છે ?’
‘છોકરાં મોટાં હશે ?’
એક જુઠ્ઠું બીજાં દસ બોલાવે : ‘હા, મોટો અગિયારમીમાં, નાની નવમીમાં….’ પછી તો જેઠાણી-દેરાણી, એમને કેટલાં, વગેરે ચાલ્યું. વિષય બદલવા સુધાએ પૂછ્યું, ‘તમે ક્યાં જાઓ છો ?’
‘નાગપુર. એમને ઑફિસનું કામ છે.’
આગળ શું બોલવું તે ન સૂઝતાં સુધાએ પૂછી પાડ્યું : ‘છોકરાંવને કોની પાસે મૂકી આવ્યાં ?’
‘એટલી નસીબદાર નથી હું.’

‘સોરી હં !’ સુધાથી અજાણપણે જ બોલી જવાયું. હવે કેમ વર્તવું એ ક્ષણભર એને સમજાયું નહીં. ખોટું બોલવા જતાં એ પોતે આજે સાવ ઊલટી જ ભૂમિકામાં આવી પડી હતી. વાતાવરણની ખામોશી તોડવા સુધાએ કાંઈક ખાવાનું ધર્યું.
‘ના, આજે શુક્રવાર ને ! મારે નિર્જળા….’
સુધા અવાક થઈ ગઈ. સામેવાળીના ચહેરા પરની વ્યથા – વેદના સ્પર્શી ગઈ. અને સાવ અવશપણે એ કહેવા લાગી : ‘થશે હોં, જરૂર થશે. હજી તો તમે નાનાં છો. ડૉક્ટર શું કહે છે ? અમારા ઓળખીતા છે એક ડૉક્ટર.’ બોલતાં-બોલતાં બોલી જવાયું. અને સુધા એકદમ ભાનમાં આવી. પોતે શું બોલતી હતી ? સામેની સ્ત્રીના આશ્વાસન માટે, પોતાને જેની તીવ્ર ચીડ હતી તે જ વાત એ પોતે શું કામ કરતી હતી ? છોકરાં ન હોવાં એ કાંઈ કમીપણું નથી, દૂષણ નથી. જીવનમાં એવી તો કેટલીય વસ્તુ આપણી ઈચ્છા છતાં મળી શકતી નથી, તેમાંની આ પણ એક, એમ સમજીને તેને ખાતર જીવનનો બધો આનંદ ખુવાર કરી દેવો નહીં – એવું પોતાનું તત્વજ્ઞાન એ હવે આ બાઈને શી રીતે સમજાવે ?

એ બારી બહાર જોતી રહી. એની આંખો ભરાઈ આવી. પણ પોતે કોના માટે રડે છે તેની એને ખબર નહોતી.
(શ્રી મંદાકિની ભારદ્વાજની મરાઠી વાર્તાને આધારે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનપ્રેરક સત્યઘટનાઓ – સંકલિત
નાનાવિધ ચટપટા ચાટ – મીના મહેતા Next »   

16 પ્રતિભાવો : તમને કેટલાં છોકરાં ? – હરિશ્ચંદ્ર

 1. pragnaju says:

  ખૂબ સુંદર હ્રુદય સ્પર્શી આપણા સમાજની વાત…
  આ જમાનામાં પણ હજુ-“છોકરાં ન હોવાં એ કાંઈ કમીપણું નથી, દૂષણ નથી. જીવનમાં એવી તો કેટલીય વસ્તુ આપણી ઈચ્છા છતાં મળી શકતી નથી, તેમાંની આ પણ એક, એમ સમજીને તેને ખાતર જીવનનો બધો આનંદ ખુવાર કરી દેવો નહીં –” કેવી રીતે સમજાવવું ?તેની વેદનાની સરસ અભિવ્યક્તી

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ !

 3. nayan panchal says:

  સરસ વાર્તા.

  એક આડવાતઃ કેટલાક લોકો આજીવન નિસંતાન રહેવા કરતા બાળકોને દત્તક લેવાનું કેમ પસંદ નહી કરતા હોય!

  નયન

 4. ધવલ says:

  ‘હરીશ્ચંદ્ર’ ની પારખુ નજરને સલામ !

 5. Sarika Patel says:

  Very nice story.

  Why everybody couldn’t understand her feelings?

 6. samir says:

  beautiful story!

 7. સરસ,
  વીણેલા ફૂલ એ તો ટુંકી વાર્તાઓનો ખજાનો છે…

 8. અતુલ જાની (આગંતુક) says:

  ભારતિય સંસ્કૃતિમાં બાળકો ન હોવા તે દુઃખની વાત ગણાય છે કારણ કે ભારતમાં લગ્ન તે ભોગ માટે નહીં પરંતુ સમાજવ્યવસ્થાની પરંપરા ચલાવતા ચલાવતા સુંદર સંતાનો સમાજને અર્પણ કરીને પછી ધીરે ધીરે નિવૃત્તિમાં સરકી જવુ તેવા વિચાર પર રચાય છે. આવા સમયે બાળકો ન હોય તો ગૃહસ્થ પોતે સમાજનું કે પિત્રુનું ઋણ નથી ચુકવી શક્યા તેવો ભાવ અનુભવે છે.

  અલબત્ત કોઈ કારણસર બાળકો ન થયા હોય તો તેમના તરફ દીલસોજી બતાવીને આપણે આમ તો તેમને આઘાત જ પહોંચાડતા જોઈએ છીએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.