- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આમ બેસાય, બેટા ! – નાનાભાઈ હ. જેબલિયા

‘મારે એવા માણસો ધર્મશાળામાં ન જોઈએ.’ સોનેરી ફ્રેમનાં ચશ્માંની ડાબી ડાંડલી તર્જની વડે આઘીપાછી કરીને શાંતિલાલ દેસાઈએ તાપીબાઈ ધર્મશાળાના મહેતાજીને કહી દીધું : ‘એને છૂટો કરીને મને ખબર આપો.’
‘અરે, પણ બાપા !’ મહેતાજી વનરાવનદાસે વલોપાત, કકળાટ, આજીજી બધુંય પોતાના ગળામાં ભરીને આ ભાગ્યશાળી લાગતા ખોળિયાને મનાવવા માટે મરણિયો પ્રયાસ કરવાની કોશિશ કરી, પણ શું કરે વનરાવનદાસ ? શાંતિલાલ દેસાઈ ઊભા થઈને ચાલતા જ થઈ ગયા. સામે પણ ન જોયું. અને જતા રહ્યા પોતાના અંગત રૂમમાં. અને પછી તો વનરાવનદાસનેય ભાન થયું કે હવે કોઈ વાતમાં માલ નથી. શેઠ ઘણો ઘણો વિચાર કરીને બોલે છે. અને બોલ્યા પછી એને વળગી રહે છે. એ જેટલા જાડા એટલા જ પાછા ઊંડા, અને ઊંડા એટલા જ ભરેલા, એનો ખાલીપો ખખડે નહીં, કાંકરી પણ પડે તો ટપ ન થાય – તળિયે જ જતી રહે, છાની માની…. !

તાપીબાઈ ધર્મશાળાના સુવાંગ દાતા આ શાંતિલાલ દેસાઈ, વરસમાં બે વાર નવાનગરના રેલવે સ્ટેશનના ફર્સ્ટકલાસના ડબ્બામાંથી ઊતરતા, ત્યારે અભણમાં અભણ માણસને પણ જાણ થઈ જતી કે આ જ કાં તો તાપીબાની નિર્વાણતિથિ છે, અને કાં તો ધર્મશાળાનો સ્થાપનાદિન – દિવસ ગમે તે હોય, પણ તાપીબા ધર્મશાળાની આસપાસના અર્ધાકિલોમીટરની ત્રિજ્યાવાળા પરિઘના વસવાટમાં રાજીપો પથરાઈ જતો. સંખ્યાબંધ નાકનાં ફોરણાં આગળ તે દી લાડુ, જલેબી, દાળ-ભાત અને ઊંધિયાની ફોરમ મઘમઘી ઊઠતી ! હાસ્તો, શાંતિલાલનાં માતા તાપીબા જીવીય જાણ્યાં કે જેના નામે આ ધર્મશાળા બંધાણી અને મરી પણ જાણ્યાં કે એ દિવસે હજારો માણસોને ભાત ભાતનાં ભોજન મળતાં…. ઉમેરામાં દર વરસે શેઠ તરફથી નાનકડી એવી શૈક્ષણિક સખાવત પણ જાહેર થતી. ક્યારેક શાળા, માધ્યમિક શાળાનાં બાળકોને ગણવેશ મળી જતો કે ક્યારેક એ સૌનાં દફતર નવા ચોપડા-બુકોથી છલકાઈ જતાં !

પણ આજે શાંતિલાલ દેસાઈને કોણ જાણે શુંયે સૂઝ્યું કે, સુમન નામના બાજંદા છોકરાને ધર્મશાળામાંથી છૂટો કરી દીધો. છોકરો જો અજાણ્યો કે બહારનો હોત તો આ વાત વહેવારિક ગણાત : ‘હશે ભાઈ, સુમન ગમે તેવો હોશિયાર હોય, ભલો અને આવડતવાળો હોય – પણ ધર્મશાળા શાંતિલાલ દેસાઈની સુવાંગ છે. ધણીનો કોઈ ધણી ખરો ?’ પણ આ છોકરો તો શાંતિલાલ દેસાઈ માટે વેગળો ભલે, પણ તોય આંગળીના નખ જેવો હતો. સુમનના બાપ ચૂનીલાલ અને શેઠ શાંતિલાલ એક જ ગામના, એક જ શેરીના અને વતનમાં એક જ સાથે હાટડીઓ ખોલી વેપારી બનેલા બાળમિત્રો હતા. નસીબ નામની હાથણીએ શાંતિલાલ દેસાઈ ઉપર સંપત્તિનો કળશો ઢોળી દીધો ને ચૂનીલાલને તમાચો મારી દીધો. ચૂનીલાલ ટી.બીમાં પટકાયો. વેપાર ભાંગ્યો, ઘર ધોવાયું અને સૌને સલામ કરી દીધી – પત્ની એની પાછળ….! સુમન બિચારો માંડ માંડ મેટ્રિક થયો, પણ હવે ? પરંતુ હવેનો આ પ્રશ્નાર્થ શાંતિલાલના એક પોસ્ટકાર્ડથી પૂર્ણવિરામમાં પરિણમી ગયો. ધર્મશાળાના પ્રમુખને લખી નાખ્યું કે, સુમનને રૂપિયા દોઢસોના પગારથી આપણી ધર્મશાળામાં ગમે તે જગ્યા ઉપર ગોઠવી દેશો. અને ઘણી બધી જગ્યાવાળી તાપીબાઈ ધર્મશાળાના આંગણામાં નોકરીવંતો થઈને સુમન રોકાઈ ગયો. પછી ડાળી-પાંદડે ફેલાઈ ગયો. સુમન એટલે તાપીબા ધર્મશાળાના આંગણામાં ચાર તસુ કાગળનો પવન ઊડતો ટુકડો જોઈ લો !

સુમન ધર્મશાળાના કૂવે ડંકી ધમતો દેખાય, ઝાડને પાણી પાતો દેખાય, કોઈ મુસાફરને ચીજવસ્તુ લાવી દેવા રોડ ઉપર આંટા મારતો દેખાય, ધર્મશાળાના વાસણ ગણતો, ગાદલાં, ગોદડાં કાઢતો, મહેતાજીની કેબિનમાં બેસીને ઉતારુઓને ભાડાની પહોંચોં ફાડી દેતો દેખાય અને ધર્મશાળાના ડેલામાં ચોકીદારપણું કરતો પણ દેખાય…! વહેલી સવારના પાંચના ડંકાથી પગ ઉપાડતો સુમન રાત્રે અગિયારના ડંકા સુધી ધમધમતો હોય… સુમન એટલે આ ધર્મશાળામાં દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી…..
કોઈ એને પૂછ્તું : ‘હેં સુમન, તું આ ધર્મશાળામાં કઈ પોસ્ટ ઉપર છો ?’ ભીનાવાનના નમણા ચહેરામાં સંગેમરમરની હોય એવી સ્વચ્છ આંખો હસાવીને સુમન જવાબ આપતો : ‘પોસ્ટ વળી કેવી ! આપણે તો સબ બંદરકા વેપારી…!’
‘તુંયે ઠીક છે ! ભલા’દમી ! આટલું બધું !’
જવાબમાં બે ક્રિયાઓ કરતો સુમન – એક તો એ તરત પગ ઉપાડતો અને બીજું વિનયભર્યું હસી દેતો. હાસ્તો… ચીંથડી બાંધીને સાતમે પાતાળ રાખવા જેવો એ જવાબ કાંઈ લાગટ સૌને બતાડાય ખરો ?

શાંતિલાલ દેસાઈએ કોઈને મોઢે વાત કહેલ કે છોકરાને અત્યારે તો ધર્મશાળામાં ગોઠવ્યો છે પણ એનામાં જો દિવેલ હશે તો આગળ ઉપર વિચારીશું…. આ દિવેલ શેઠ શાંતિલાલને ક્યાંથી જડશે એની સુમનને કેમ ખબર પડે ? માટે તો સુમને હનુમાનજીની જેમ પર્વતને ઉપાડ્યો હતો… હર કામમાં એ લાગણીઓ ભેળવતો અને ગમે તે કામ એ ઉપાડી લેતો. કદાચ ઝાડને પાણી પાવાની ક્રિયામાંથીય શેઠને ‘દિવેલ’ મળી આવે. પરંતુ પાંચ પાંચ વરસને અંતેય શેઠ શાંતિલાલે ક્યાંય દિવેલની શોધ ન કરી. ન તો સુમનને પગાર વધારો મળ્યો કે ન એનાં અભ્યાસ અને આવડતના કારણે બઢતી મળી ! જે થવું હોય એ થાય. સુમને સારાં વાક્યોથી મઢીને શેઠને દઝાડે એવો પત્ર લખ્યો : ‘તમે મારા પિતાની ભાઈબંધી સ્વીકારતા હો કે ન સ્વીકારતા હો, પણ સમાજે જે સ્વીકારેલી છે, એની એ રૂઈએ મારી સામે સંખ્યાબંધ આંગળીઓ ચીંધાય છે કે જુઓ, આ એના ભાઈબંધનો છોકરો છે – દોઢસોમાં બિચ્ચારો બધાય ઢસડબોળા કરે છે….. માટે કાકા ! પગાર ન વધારો તો કાંઈ નહીં, પણ મારી લાયકાતને શોભે એવો એકાદ હોદ્દો તો આપો….!’
પણ કેવો હોદ્દો અને કેવી વાત ! સુમન લાલચે લાલચે ઢસડબોળા કરતો રહ્યો. એનાથી બીજું થઈ પણ શું શકે ? ધર્મશાળાનાં વાસણો, પલંગો, અને પાગરણનો ડેડસ્ટોક લખનાર, પહોંચોના આંકડાના સરવાળા કરનાર અને એમાંથી જ ભાગ્યનો સૂરજ ઊગવાની પ્રતીક્ષા કરનાર બીજે જાય પણ ક્યાં ? છેવટે એણે મહેતાજીને આગ્રહ કર્યો, ‘હવે તમે કાંક ઈલાજ કરો અને શેઠને સમજાવો. હું તો થાક્યો છું……!’ અને મહેતાજીએ આજે ઈલાજ કર્યો. શેઠ આવ્યા કે સરભરા કરીને એની સામે પલાંઠી વાળીને સુમનવાળી વાત મૂકી.
શેઠે સામો સવાલ કર્યો : ‘છોકરો કેવોક ?’
મહેતાજી સુમનના ચિત્રમાં રંગ પૂરવા તૈયાર થયા કે શેઠે ઉમેર્યું : ‘કોઈ બે પાંદડે થવાની દાનત ખરી કે પછી રામેરામ ?’
‘હોય કાંઈ બાપા !’ મહેતાજી ગળગળા થઈને બોલ્યા : ‘મેં ઘણાં વરસ કાઢ્યાં આંહીં, પણ સુમન તો સુમન છે. કરમની કોઈ નબળી રેખા દોરાઈ ગઈ એના કપાળમાં, નકર છોકરો તો છોકરો ! એ, એનું કામ, એની ધીરજ, એનો ખંત, અનુમાન, તર્કશક્તિ…. વાત મેલી દો. એને બચ્ચાડા જીવને પગારવધારો આપો; સારી જગ્યા ઉપર મૂકો. એણે તમને ખોબો એક કાગળ લખ્યા. દીધાની દયા ભલી, શેઠ સાહેબ !’
‘દયા !’ મહેતાજીના હોઠ ઉપર ઝાપટ મારીને ‘દયા’ નામના શબ્દને શેઠે આંચકી લીધો : ‘દયા-બયા કાંઈ નહીં…. એને ધર્મશાળામાંથી છૂટો કરી દો. મારે એવા માણસ ન જોઈએ.’ અને શેઠ ચાલતા થયા. તાજા લખાયેલા મેલા જેવો ચહેરો લઈ મહેતાજી સુમનને એનાં ભાગ્ય ફૂટ્યાની કળોતરી સંભળાવી આવ્યા. આખી ધર્મશાળામાં અરેરાટી ફરી વળી : ‘સુમનને બચ્ચાડાને કાઢી મેલ્યો ! આટલાં વરસે !’

બીજી બાજુ સુમન સ્ટેશનના બાંકડા ઉપર મુસાફરના પોટલાની જેમ બેસી પડ્યો !
‘કાં કાકા !’ સુમન ચોંકી ગયો. શેઠનો નાનો દીકરો સુમનના ખભા પર હાથ મૂકીને ઊભો હતો : ‘કેમ આમ બેઠા છો ?’
‘તારા બાપુજીએ મને બઢતી આપી, રશ્મિ…..’ અવસાદથી સુમન બોલ્યો : ‘મેં ઘણાં વરસ સેવા કરીને !’
‘કબૂલ. પણ હવે ? રશ્મિ હસ્યો, ‘હવે શું કરવાના ?’
‘હવે બીજું શું ? પગે તો નહીં લગાય, રશ્મિ ?’
‘પગે નહીં, ધંધે લાગવું છે ?’ રશ્મિ હસ્યો : ‘બોલો મુંબઈ આવવું છે ? દોઢસો રૂપિયા અને ખાવું-પીવું મારી સાથે….’
‘તારા બાપુજી…’
‘જવા દો એ બધું…. રિઝર્વેશન લેતો આવું ?’
ધર્મશાળામાં પહોંચ ફાડતાં માથું હલાવતો સુમન હા ભણી ગયો. ધુમાડાના એકાદ વાદળમાં સુમનને લપેટીને ગાડીએ પૈડાં ફેરવ્યાં અને એકાદ વ્હીસલ મારી ને એને બોરીવલી સ્ટેશને ઉતારી દીધો ! સુમન વળી પાછો મુંબઈમાં રોપાવા માટે મૂળિયાં મૂકતો રહ્યો, ડાળી-પાંદડાં કાઢીને પાંગરતો રહ્યો ?: સવારના પાંચ અને રાતના અગિયાર – નામું લખવું, ઉઘરાણી કરવી, સોદા પાડવા, માલ ખરીદવો, વેચવો. એક એક કામમાં સુમન વેંત વેંત પણ પગારવધારામાં તસુ તસુ…. !
‘ખાઓ પીઓ અને આનંદ કરો સુમનકાકા ! પગાર તમારા ખાતામાં જમા થાય છે. શેઠને તમારા માટે માન છે..!’

હાથરૂમાલ જેવડાં મુંબઈના રાત્રીના આકાશમાં કયાંક ક્યાંક ટમકતા તારાની પછવાડે ભાગ્યનો સૂરજ ઊગવાનાં સપનાં દેખ્યાં કરે સુમન અને પછી મુંબઈનાં કારખાનાંઓની વાગતી વ્હીસલ જેવો નિશ્વાસ મૂકે છે : ‘ક્યાંક પેટવડિયે રળાવવાની આ બીજી યુક્તિ તો નથી ને આ લોકોની ?’ મુંબઈના ડામર રોડને સુમને સાત સાત વરસ ઘસ્યા…. સાત સાત વરસ એ મુંબઈના વાહનોની જેમ ગાજતો રહ્યો, દોડતો રહ્યો, ખખડતો રહ્યો પણ આખરે એની ધીરજનાં પહોંચબુકનાં બધાંય પાનાં ખૂટી ગયાં ! પોતે આવ્યા પછી શેઠનો ધંધો વધ્યો, ધંધાનો વ્યાપ વધ્યો, ગ્રાહકો વધ્યા પણ સુમનનો પગાર જ ન વધ્યો !
શેઠે નવી શાખા ખોલવાની તારીખ નક્કી કરી. સુમન ઉપરનો વેંત બોજો બીજો વધ્યો !
‘હવે મારે દેશમાં જતા રહેવું છે કાકા !’ શાંતિલાલ દેસાઈની સોનેરી ફ્રેમ આગળ કંટાળેલો, થાકેલો, મેલો ચહેરો માંડીને સુમન કકળ્યો, ‘મને હવે ગમતું નથી, કાકા !’
શેઠ ઉદાર થઈને હસ્યા : ‘એવું કંઈ હોય છોકરા ! રોકાઈ જા. આપણી નવી શાખા શરૂ થાય પછી જજે, બસ ?’ પાણીને રેલો ફંટાય એમ સુમન શેઠ આગળ ફંટાયો. મનોમન દ્રવ્યો : ‘હા રોકાઈ જા સુમન ! લુખ્ખેલુખ્ખો પણ રોકાઈ જા ! તને આવા સંબંધોનો લાભ બીજે ક્યાં મળવાનો !’
‘ભલે કાકા’ કહીને સુમન હસ્યો.
‘બસ ત્યારે…..’ સોનેરી ફ્રેમ માપસર ઊંચીનીચી થઈ.

નવી શાખાનું ઉદ્દઘાટન નક્કી થયું. સુમનને ભાગે પારાવાર દોડાદોડી આવી. છેવટે નિરાંત મળી ત્યારે સુમને નવી શાખાના બારણામાં પગ મૂક્યો અને ચોંક્યો. નવી શાખા પર મોટું પાટિયું ઝૂલતું હતું : ‘દેસાઈ શાંતિલાલ ઍન્ડ સુમનરાયની કું.’………
‘તું આ નવી શાખાનો અરધો ભાગીદાર છે છોકરા !’ સોનેરી ફ્રેમ માપસર હલીચલી. સુમન બાઘો બનીને જોઈ રહ્યો. શેઠનો હાથ એના ખભા પર હતો. અવાજમાં પિતા જેવો રણકો.
‘જો બેટા ! મારે તને ગરીબ દેખીને મદદ નહોતી કરવી. લોકો એવી મદદને વખાણત. પણ તારા સ્વમાનનું શું ? તારો રીતસરનો હક્ક તને મળે છે. દર માસે તારા ખાતામાં એક હજાર જમા થાય છે. સાત વરસના ચોર્યાસી હજાર તારા ભાગે જમા લઈને આ પેઢી શરૂ થઈ છે. તાપીબા ધર્મશાળામાં બસો-અઢીસોનો પગાર લઈને તારે મહેતાજી થવું હતું, કાં મુરખા ? મારા ભાઈબંધનો છોકરો મારી ધર્મશાળાનો મહેતાજી શોભે કે મારી પેઢીનો ભાગીદાર ?
‘કાકા….’ સુમનની આંખે ઝળઝળિયાં આવ્યાં, ‘મેં તમને જેમતેમ કલ્પયા….’
‘છૂટો થઈને સ્ટેશન બેઠો હતો એટલે, કાં ?’ અને શાંતિલાલ દેસાઈએ સુમનનું બાવડું પકડીને પોતાની પાસે બેસાડ્યો : ‘રેલ્વે સ્ટેશને ન બેસાય, બેટા ! આમ, મારી બાજુમાં શેઠ થઈને બેસાય.’