પિતાજીનું શ્રાદ્ધ – નરસિંહ આખ્યાન

[ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત ‘ભક્ત નરસિંહ મહેતા’ માંથી સાભાર.]

narshihmehtaપુત્ર વિયોગને લગભગ છ માસ પસાર થયા બાદ શ્રાદ્ધના દિવસો આવ્યા. સામાન્ય રીતે ગુજરાત-કાઠિયાવાડનાં બધાં લોકો ભાદરવા મહિનાના પિતૃપક્ષમાં પોતપોતાના પિતૃઓને નિમિત્તે પિંડદાન કરી શ્રાદ્ધવિધિ કરે છે. અને તે દિવસે બ્રાહ્મણોને તેમ જ સગા-સંબંધીઓને ભોજન કરાવે છે. નરસિંહ મહેતાના પિતાજીની શ્રાદ્ધ તિથિ સાતમી હતી. મોટાભાઈ બંસીધરે તે દિવસે શ્રાદ્ધ કરવાનું નક્કી કરી, આગલા દિવસે બ્રાહ્મણને અને અન્ય જ્ઞાતિબંધુઓને ભોજનનાં આમંત્રણ આપી દીધાં. કુળના રિવાજ મુજબ તે નરસિંહરામને ઘેર પણ નોતરું આપવા આવ્યા અને કહ્યું – ‘નરસિંહ ! કાલે પિતાજીનું શ્રાદ્ધ છે, એટલે હું તને સહકુટુંબ મારે ત્યાં જમવાનું આમંત્રણ આપવા આવ્યો છું. તારી પત્નીને તો આજે જ મોકલી આપજે, કારણ કે ત્યાં ઘણાં પ્રકારનું કામ-કાજ રહેશે. તું પણ કાલે સવારે સાત વાગ્યા સુધીમાં આવી જજે, વૈરાગીઓના અખાડામાં એક દિવસ ન જતો.’

નરસિંહરામે અત્યંત શાંત ચિત્તથી જવાબ આપ્યો – ‘મોટાભાઈ ! સાધુ-સંતો તો મને પ્રાણથીયે વધુ પ્યારા છે. તેથી હું તો સંતોની સેવા કરીને જ આવીશ. મારી પત્ની પણ ભગવાનનું નૈવેધ તૈયાર કરીને પછી જ કાલે આવશે.’
‘અહો હો ! ભીખ માગી માગીને સાધુઓની સેવા કરવાનો દંભ કરનારનો આટલો મિજાજ !…. જો તું આટલી બે-પરવાહી રાખે છે તો પછી પિતાજીનું શ્રાદ્ધ પણ કેમ નથી કરી લેતો ? પાસે એક ફૂટી કોડીયે નથી અને અભિમાનનો પાર નહીં !’ બંસીધર ક્રોધથી લાલચોળ થઈ બોલ્યો.
‘મોટાભાઈ ! આપની આજ્ઞા છે તો હું પણ પિતાજીનું શ્રાદ્ધ કરીશ. અને મારી શક્તિ અનુસાર બે-ચાર બ્રાહ્મણોને જમાડી દઈશ. શ્રાદ્ધમાં સગાં-સંબંધી અને જ્ઞાતિ બંધુઓને જમાડવાનો જે પરસ્પર રિવાજ છે, તે જો કે સારો છે; પરંતુ આપણે તો ‘श्रद्धया दीयते अनेनेति श्राद्धम’ એ શાસ્ત્ર-વચનને ભૂલીને જ્ઞાતિજનોને જ સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં પોતાના પિતૃઓનો ઉદ્ધાર સમજી બેઠા છીએ તે યોગ્ય નથી.’ પોતાની સ્વાભાવિક શાંતિ સાથે નરસિંહરામે ઉત્તર આપ્યો.

આટલું સાંભળતાં જ બંસીધરને તો દાઝ્યા ઉપર ડામ દીધો ! તેની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ અને ઘેર જઈ તેણે બધી વિગત દુરિતગૌરીને કહી સંભળાવી. દુરિતગૌરીનો પારો પણ ઊંચે ચડી ગયો. તેણે દિયર પરનો બધો ગુસ્સો પતિ પર ઠાલવવો શરૂ કર્યો. તે બોલી : ‘તો તમે એ કાળમુખાને ઘેર ગયા જ શું કામ ? હું તો એ ભગત-ભગતાણીને પહેલેથી જ સારી રીતે ઓળખું છું. જો શ્રાદ્ધમાં નહીં આવે તો તેમાં આપણું શું બગડી જવાનું હતું ? કાનખજૂરાનો એક પગ કપાઈ જવાથી શું એ લંગડો થઈ જાય છે કે ?’

આ બાજુ નરસિંહ મહેતાએ શ્રાદ્ધ કરવાનું નક્કી કરી નાખ્યું. પણ ઘરમાં એક શેર અનાજનુંયે ઠેકાણું ન હતું. છતાંયે ભક્તરાજ તો નિશ્ચિંત હતા. તેઓ તો પોતાના એક માત્ર સ્વામી ભગવાનની સામે બેસીને કીર્તન કરવા લાગ્યા. માણેકબાઈએ તેમની બેફિકરાઈ જોઈ, પાસે જઈ કહ્યું – ‘સ્વામીનાથ ! આપે આવતી કાલે પિતાજીનું શ્રાદ્ધ કરવાનો નિશ્ચય કર્યો છે, અને ઘરમાં શેરભર પણ અનાજ નથી. પહેલાં એની વ્યવસ્થા કરવી જોઈએ.’
‘પ્રિયે ! પહેલાં મને ભગવાનનું ભજન કરી લેવા દે, પછી હું બજારમાં જઈ થોડી સામગ્રી ઉઘાર લઈ આવવા પ્રયત્ન કરીશ. જો કંઈ ઉધાર મળ્યું તો ભલે, નહીં તો મારો નાથ જાણે અને પિતૃઓ જાણે.’ ભગતે ઉત્તર આપ્યો.
‘સ્વામી, આપણે પરમાત્માને નાથ તો માની બેઠા છીએ પણ એમને ત્યાં ન્યાય ક્યાં છે ? જુઓને, મોટા ભાઈને ઘેર અઢળક સંપત્તિ છે અને આપણને પેટ ભરવાની ચિંતા ઘેરી રહે છે.’ આટલું બોલતાં માણેકબાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.
‘સાધ્વી ! તું ઘણી વાર આવી ઘૃણિત અશ્રદ્ધા વ્યક્ત કરી મિથ્યા ભાષણ કરે છે. આજે પણ તેં મારા નાથ પર વ્યર્થ દોષારોપણ કરી નાખ્યું. ભગવાન તો ન્યાયી અને અત્યંત દયાળુ છે. તેમને ત્યાં પાપ-પુણ્યના બરાબર લેખાં-જોખાં થાય છે. મારું દુર્ભાગ્ય છે કે તું મારી અર્ધાંગિની થઈને પણ અશ્રદ્ધાનો ભાવ ધરાવે છે. પ્રિયે ! હું વારંવાર કહી ચૂક્યો છું અને આજે પણ કહું છું કે જે સાચું સોનું હોય છે, તેને જ ઘર્ષણ, છેદન, તાપન અને તાડન આદિ દુ:ખો સહન કરીને કસોટી પર ચડવું પડે છે. સોની માટે તો એ જ ઉચિત છે કે તે લોખંડ આદિ અન્ય હલકી ધાતુઓની પરીક્ષા ન કરે, પણ શુદ્ધ સોનાની જ પરીક્ષા કરે, વાસ્તવમાં આજે આપણી કસોટી થઈ રહી છે, અને આવી કસોટી એ જ મનુષ્યની સાચી પરીક્ષા છે. મને તો દઢ વિશ્વાસ છે કે પરમપિતાના દરબારમાં ક્યારેય ભૂલથી પણ અન્યાય નથી થતો.’ નરસિંહરામે ખૂબ જ ભારપૂર્વક અને ભાવપૂર્વક પત્નીનું સમાધાન કર્યું.
‘નાથ ! ક્ષમા કરો, મારી આંખ ઊઘડી ગઈ છે. હવે પછી કદાચ આનાથી કોઈ અધિક વિપત્તિના દિવસો આવશે તો પણ હું વિચલિત નહીં થાઉં અને પરમ કૃપાળુ જગન્નાથ પર પૂર્ણ વિશ્વાસ રાખીશ. મારી પાસે આ જે બે માસા સોનાના બૂટિયો છે તે વેચીને આવશ્યક સામગ્રી લઈ આવીએ અને કાલનું કામ પતાવી દઈએ.’ આટલું કહી તેણે કાનમાંથી આભૂષણ કાઢી, મહેતાજીના હાથમાં મૂક્યા. સાચી અર્ધાંગિની એ જ છે કે જે પતિને આપત્તિના સમયે ધીરજ આપી, તેના દુ:ખમાં ભાગીદાર બને.
धीरज धर्म मित्र अरु नारी।
आपद काल परिखिअहिं चारी ॥
નિર્ધન સ્થિતિમાં જ સ્ત્રીની પરીક્ષા થાય છે. માણેકબાઈના દાગીના લઈ મહેતાજી બજારમાં ગયા અને તે વેચીને તેમણે કેટલીક જરૂરી ચીજ-વસ્તુઓ ખરીદી. માત્ર ઘી લેવાનું બાકી રહી ગયું. અન્ય વસ્તુઓ લઈ તેઓ ઘેર આવ્યા. માણેકબાઈએ બધી વસ્તુઓ તપાસીને કહ્યું : ‘નાથ ! આટલી સામગ્રીમાં માત્ર છ-સાત માણસો પૂરતી રસોઈ બની શકશે. તેથી ત્રણ-ચાર બ્રાહ્મણો અને પુરોહિતજીને જમવાનું નિમંત્રણ આપી આવો.’

મહેતાજી નાગર-ચોરા પર આવ્યા ત્યાં જ્ઞાતિના કેટલાંક પ્રતિષ્ઠિત લોકો બેઠા હતા. ભક્તરાજને જોઈ પ્રસન્નરાય નામના એક નાગર હસતા હસતા બોલ્યાં : ‘કેમ ભગતજી ! કઈ બાજુ ચાલ્યા ?’
‘ભાઈ ! કાલે પિતાજીનું શ્રાદ્ધ છે, એટલે બે-ચાર નાગર ભાઈઓ અને પુરોહિતજીને ભોજનનું નિમંત્રણ આપવા આવ્યો છું.’ નરસિંહરામે સરળતાથી કહ્યું.
‘તો પછી બે-ચાર ભાઈઓ જ શું કામ ? બાકીનાનો શું વાંક ? શું આ બધા લોકો આપના પિતાજીના શ્રાદ્ધ નિમિત્તે આપને ઘેર આવી ભગવાનનો પ્રસાદ ન લઈ શકે ?’ નાગર જ્ઞાતિના પુરોહિતે મજાકમાં કહ્યું.
‘મહારાજ ! ભગવાનના પ્રસાદના તો સૌ અધિકારી છે. પણ કાલે તો મારા મોટાભાઈને ત્યાં શ્રાદ્ધ નિમિત્તે સમસ્ત જ્ઞાતિને નિમંત્રણ હશે જ, પછી મારા ગરીબને ઘેર આવવાનું કોણ પસંદ કરશે ?’ નરસિંહરામે નિરભિમાન વાણીથી કહ્યું.
‘મહેતાજી ! બંસીધરને ઘરે જ્ઞાતિ-ભોજનનું નિમંત્રણ હોવા છતાં આપે દુ:ખ લગાડવાનું કોઈ કારણ નથી. અમે બધા લોકો આપને ઘેર આવી, ભગવાનને નિવેદિત કરેલ પ્રસાદ અવશ્ય ગ્રહણ કરીશું અને એ રીતે અમારા દેહને પવિત્ર કરીશું, આપની ઈચ્છા પૂરી થઈ જશે.’ પ્રસન્નરાયે બગ-ભક્તિ પ્રકટ કરતા કહ્યું. કોઈની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે દુર્જનો અત્યંત નમ્ર બની જાય છે. પ્રસન્નરાયના આ ભાવને ત્યાં એકઠા મળેલા બધા નાગર ગૃહસ્થોએ માથા હલાવી ઉત્સાહિત કર્યો. તે સૌએ વિચાર કર્યો કે જો નરસિંહરામ આજે સમગ્ર જ્ઞાતિને આમંત્રણ આપી દે તો જોવા જેવો તાલ થાય. જોઈએ કાલે તે કેટલા માણસોને જમાડવાની વ્યવસ્થા કરી શકે છે. પરંતુ શુદ્ધ હૃદયના માણસને તો સર્વત્ર પોતાની જેમ શુદ્ધતા જ દેખાય છે. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે જ્યારે જ્ઞાતિના બધા પ્રતિષ્ઠિત લોકો ભગવદપ્રસાદની અપેક્ષા રાખી રહ્યા છે, તો તેનો અનાદર કરવો એ ઠીક નથી. વળી જ્ઞાતિ-ગંગાના આગમનથી મારું આંગણું પવિત્ર થશે. આ પ્રકારનો ભાવ મનમાં આવતાં જ તેમણે પરમાત્માનું સ્મરણ કર્યું અને નક્કી કર્યું કે નિમંત્રણ તો આખી નાતને આપી જ દઉં, પછી જે ભગવાનની મરજી હશે તે થશે. બસ તેમણે પુરોહિતને કહી દીધું : ‘પુરોહિતજી ! આપ જ્ઞાતિના સાતસોયે ઘેર સાગમટે ભોજનનું નિમંત્રણ આપી આવો. આવતી કાલે સાંજે ‘શ્રી દ્વારકાધીશ કી જય’નો ઘોષ કરતા જ્ઞાતિ-ભાઈ મારી ઝૂંપડીને પાવન કરશે. એ પણ એક આનંદનો વિષય હશે.’
‘જેવી આપની આજ્ઞા.’ કહીને પુરોહિતજી ઉઠ્યા અને જૂનાગઢની સમગ્ર નાગર જ્ઞાતિને સહકુટુંબ નરસિંહ મહેતાને ત્યાં જમવાનું નિમંત્રણ આપી આવ્યા.

આ નિમંત્રણની ચર્ચા આખી નાગર-જ્ઞાતિમાં ફેલાઈ ગઈ. જે જાતનો માણસ તેવી જાતની તે કલ્પના કરતો હતો. કોઈ કહેતું : ‘આજે લોકોએ ભક્તરાજને બરાબર ફસાવી દીધા, ક્યારેય તેનું ઘર જોવાની તક મળતી ન હતી.’ કોઈ કહેતું – ‘અરે ! આ તો કોરું નોતરું જ છે, બાકી તેને ઘેર ગોપીચંદન અને કરતાલ સિવાય બીજું છે શું ? આ બાવો આખી નાતને ભલા ક્યાંથી ખવરાવવાનો હતો ? જ્યારે જમવાનો સમય થયે બોલાવવા આવે ત્યારે સાચું માનવું !’ કોઈ કહેતું : ‘જુઓ ભાઈ, આપણે કાંઈ ખાધા વિના ભૂખે થોડા મરીએ છીએ ? આ વખતે તો એ નક્કી થઈ જશે કે તે સાચો ભગત છે કે પછી લોકોને ઠગવા માટે વેશ બનાવી રાખ્યો છે. જો સાચો ભગત હશે તો બધાને ભોજનથી તૃપ્ત કરી, પોતાનું વચન પાળી બતાવશે, નહીંતર પોતાનું કાળું મોઢું પછી દુનિયાને બતાવી પણ નહીં શકે.’ કોઈ કહેતું – ‘અરે ! આણે કોઈ ‘અક્કલના અંધા અને ગાંઠના પૂરા’ એવા કોઈ ભોળા માણસને જાળમાં ફસાવ્યો હશે અને તેના જોરે આજે તેનામાં આટલી ઉદારતા ફૂટી નીકળી લાગે છે.’ આ રીતે જેટલા મોઢા તેટલી વાતો થવા લાગી.

બીજે દિવસે સવાર થતાં જ ભજન આદિથી પરવારી નરસિંહ મહેતા તો ઘીનું વાસણ લઈ બજારમાં ચાલ્યા. એ વીતરાગી સંતને ક્યાં ખબર હતી કે સમસ્ત જ્ઞાતિને ભોજન કરાવવા માટે જરૂરી ઘી આટલા નાનકડા વાસણમાં સમાઈ શકે કે નહીં ? એ તો પોતાના ભજનની ધૂનમાં ઘેરથી નીકળી પડ્યા. એમને જોતાં જ એક વેપારીએ પ્રશ્ન કર્યો : ‘કાં મહેતાજી, ક્યાં ચાલ્યા ? કંઈ ચીજ-વસ્તુ લેવા નીકળ્યા છો ? કોઈ સાધુ-મંડળી તો નથી આવીને ?’
‘નહીં શેઠજી, સાધુ-મંડળી તો નથી આવી, પણ આજે પિતાજીનું શ્રાદ્ધ હોઈ બ્રહ્મ-ભોજન કરાવવા માટે દસ મણ ઘીની જરૂર છે. આપની પાસે સારું ઘી હોય તો બતાવો ને !’ ભક્તરાજે ઉત્તર આપ્યો.
‘ઘીના પૈસા રોકડા લઈને આવ્યા છો કે ઉધાર લેવું છે ?’ વેપારીએ પૂછ્યું.
‘ભાઈ ! પૈસા અત્યારે તો નથી, એક મહિનામાં જરૂર ચુકવી દઈશ.’ શેઠે વિચાર કર્યો, આ કંગાળ માણસ એક મહિનામાં ત્રણસો રૂપિયા ક્યાંથી કાઢવાનો હતો ? તેની પાસે કોઈ આવકનું સાધન તો છે નહીં, આટલી મોટી રકમનું ઉધાર આપવું એ બરાબર નથી. તેણે કહ્યું : ‘ભક્તરાજ ! મારી પાસે એટલું ઘી તો હાજરમાં નથી; લાચાર છું.’

નરસિંહરામ આગળ વધ્યા. એક ભગવદભક્ત વેપારીએ તેમને પ્રણામ કરી, આગમનનું કારણ પૂછ્યું. નરસિંહ મહેતાએ બધી વાત વિસ્તારથી કહી અને ઘી વિશે પૂછ્યું. વેપારીએ નમ્રતાપૂર્વક કહ્યું : ‘ભગતજી ! આપને જેટલું જોઈએ તેટલું ઘી મારે ત્યાંથી લઈ જાઓ. પરંતુ પહેલાં મને બે-ચાર ભજનો સંભળાવો.’ ચાતકને સ્વાતિનું જળ મળી જાય, કોઈ નિર્ધન માણસને અકસ્માત ધનનો મોટો ખજાનો હાથ લાગી જાય અને તેને જેટલો આનંદ થાય તેનાથીયે અનેક ગણો આનંદ ભક્તરાજને થયો. તેમણે વિચાર્યું-જ્ઞાતિ ભોજન તો સાંજે કરાવવાનું છે; ભજન કરવાનો આવો સુંદર અવસર પછી ક્યારે મળશે ? બસ એ વેપારીની દુકાનમાં આસન જમાવી બેસી ગયા અને અત્યંત પ્રેમપૂર્વક ભગવતસંકીર્તન કરવા લાગ્યા. તેમની સુમધુર અને પ્રેમથી તરબોળ વાણી સાંભળી થોડી જ વારમાં ત્યાં અસંખ્ય માણસો એકઠા થઈ ગયા અને ભગતજી જ્ઞાતિ-ભોજન અને પિતૃશ્રાદ્ધને ભૂલીને પ્રભુ-ભજનમાં લીન થઈ ગયા.

ભક્તરાજ તો બધું ભૂલીને ભગવદપ્રેમમાં ડૂબી ગયા હતા; પણ જે ભગવાન પર તેમને આટલો ઊંડો પ્રેમ હતો અને જેમણે તેના યોગક્ષેમ વહન કરવાનો ભાર પોતાના ઉપર લઈ લીધો હતો એ પ્રભુ કેવી રીતે નિશ્ચિંત રહી શકે ? ભગવાને પોતાના ધામમાં બેઠા વિચાર કર્યો કે મારો ભક્ત તો ભજનમાં લાગી ગયો છે. તેને એ વાતનો લેશમાત્ર ખ્યાલ નથી રહ્યો કે પિતાજીનું શ્રાદ્ધ કરવાનું છે અને આટલા લોકોના ભોજનની વ્યવસ્થા કરવાની છે. જો હું પોતે એ માટેની બધી વ્યવસ્થા નહી કરું તો આજે ભક્તની આબરૂ જશે અને મારું પણ ભક્તવત્સલતાનું બિરુદ લજવાશે. તેમણે તુરત અક્રૂરજીને બોલાવીને આજ્ઞા કરી કે ‘આપ વેપારીનો વેશ ધારણ કરી શ્રાદ્ધ અને બ્રહ્મ-ભોજન માટે જરૂરી બધી જ આવશ્યક ચીજ-વસ્તુઓ મહેતાજીને ઘેર પહોંચતી કરો, હું પોતે પણ નરસિંહ મહેતાનું રૂપ લઈ તુરત ત્યાં આવી રહ્યો છું.’

મહેતાજીને બજારમાં ગયે ઘણો સમય થઈ ગયો હતો. માણેકબાઈ વિચારવા લાગ્યા-શું થયું હશે, હજુ ઘી લઈને પાછા નથી ફર્યા ? શું ઘી નહીં મળ્યું હોય ? જો ઘી નહીં મળે તો શ્રાદ્ધનું અને બ્રાહ્મણોનું ભોજન કેવી રીતે થશે ? શું આજે મારે આંગણેથી બ્રાહ્મણો ભૂખ્યા પાછા જશે ? અરેરે, તો તો કેટલું પાપ લાગશે ? મહેતાજી તો ખૂબ બેદરકાર છે. લાગે છે કે ક્યાંય સાધુઓની જમાતમાં જઈને બેઠા હશે. અને કામ-કાજ ભૂલી ગયા હશે. નહીં તો પાછા તો આવ્યા જ હોય ને ? હે ભગવાન ! આજે લાજ કેમ રહેશે ? માણેકબાઈ આવા વિચારમાં બેચેન હતા કે એકાએક ભગવાનની આજ્ઞા અનુસાર શેઠના વેશમાં અક્રૂરજી બધો સામાન એક ગાડામાં ભરાવીને આવી પહોંચ્યા, માણેકબાઈની ચિંતા તુરત ગાયબ થઈ ગઈ અને તે અત્યંત પ્રસન્નતા સાથે બધી સામગ્રી યોગ્ય જગ્યાએ ઉતરાવવા લાગ્યા. થોડીવારમાં સ્વયં ભગવાન પણ નરસિંહ મહેતાના રૂપમાં ઘી લઈને આવી પહોંચ્યા. આ ગુપ્ત રહસ્યને કોઈ જાણી શક્યું નહીં. માણેકબાઈએ મહેતા વેશધારી ભગવાનને પૂછ્યું : ‘આટલી બધી વાર ક્યાં લગાડી ? હું તો ચિંતામાં પડી ગઈ હતી. આ બધો સામાન ક્યાંથી મેળવ્યો ?’
‘સતી ! આજે પિતાજીના શ્રાદ્ધ નિમિત્તે આખી નાગરી નાતને જમાડવાની ભગવાનની ઈચ્છા છે. આ બધો સામાન તેમણે જ આપ્યો છે.’ ભગવાને હર્ષ સાથે ઉત્તર આપ્યો.
‘નાથ ! હું રસોઈ-પાણીની બધી વ્યવસ્થા કરું છું. આપ જલદીથી પુરોહિતજીને બોલાવી લાવો. બપોરનો સમય થવા આવ્યો છે; હવે શ્રાદ્ધનું કાર્ય આરંભ કરી દેવું જોઈએ.’ માણેકબાઈએ કહ્યું.

ભક્તના વેશમાં ભગવાન પુરોહિતને ઘેર પહોંચ્યા. તેમણે વિનમ્ર સ્વરથી કહ્યું : ‘પુરોહિતજી ! સમય થઈ ગયો છે, આપ કૃપા કરી મારે ઘેર પધારી એકોદષ્ટિ શ્રાદ્ધ કરાવી આપો.’ આ સ્વાર્થી દુનિયામાં ધનવાનનું જ અધિક માન હોય છે; સર્વત્ર ધનવાન જ પૂજ્ય માનવામાં આપે છે. નિર્ધન વ્યક્તિ કદાચ ગુણવાન હોય, તો પણ તેના તરફ કોઈ ધ્યાન આપતું નથી. આથી જ તો નીતિકારે ત્યાં સુધી લખ્યું છે કે –
ज्ञानवृद्धास्तपोवृद्धा वयोवृद्धास्तथापरे ।
ते सर्वे धनवृद्धस्य द्वारे तिष्ठन्ति किंकरा: ।।
અર્થાત, જ્ઞાની, તપસ્વી અને વયોવૃદ્ધ મનુષ્યઓએ પણ ધનવાન માણસના દરવાજા પર દાસની જેમ રહેવું પડે છે. ‘આપણા ભગતજી પણ લોકદષ્ટિએ નિર્ધન જ હતા ને ? તો પછી તેમનું કામ કરવા માટે પુરોહિત ક્યાંથી તૈયાર થાય ? તેની સ્થૂળ દષ્ટિએ તો સાચો યજમાન એ જ હતો કે જે ખૂબ દક્ષિણા આપે. તેથી તેણે સ્વાર્થમાં આંધળા બની કહ્યું : ‘નરસિંહરામ ! તમે તો જાણો જ છો કે આજે બંસીધરભાઈનું પણ નિમંત્રણ આવેલ છે પછી તેમને છોડી તમારે ઘેર કેમ આવી શકું ?’
‘કેમ પુરોહિતજી ! શું હું તમારો યજમાન નથી કે ? આપની દષ્ટિમાં તો ગરીબ-અમીર બધાં યજમાન સરખા હોવા જોઈએ.’ નરસિંહરૂપધારી ભગવાને કહ્યું.
‘બધાં યજમાન સરખા તે વળી કેમ હોઈ શકે ? તેં તો આખી જિંદગીમાં આજે પહેલીવાર નિમંત્રણ આપ્યું છે, જ્યારે બંસીધર તો દર સાલ નિયમિત રીતે અમને બોલાવતો રહે છે. વળી તું ભિખારી દક્ષિણા પણ કેટલી આપવાનો હતો ? બરાબરી બતાવવા નીકળ્યો છે !’ પુરોહિતે તિરસ્કાર ભર્યા શબ્દોમાં કહ્યું.
‘ભલે મહાશય ! તો તમે ત્યાગપત્ર લખી આપો કે આજથી હું નરસિંહનો પુરોહિત નથી. હું કોઈ બીજા બ્રાહ્મણોને શોધી લઈશ.’ ભગવાને કહ્યું. પુરોહિતે તાનમાં આવીને રાજીનામુ લખી આપ્યું. પત્ર લઈ ભગવાન ત્યાંથી ચાલતા થયા.

રસ્તામાં એક અભણ ગરીબ બ્રાહ્મણ મળી ગયો. ભગવાને તેને કહ્યું : ‘મહારાજ ! આપ મારે ઘેર એકોદષ્ટિ શ્રાદ્ધની વિધિ કરાવવા માટે પધારશો ?’
બ્રાહ્મણે નમ્રતાપૂર્વક કહ્યું : ‘નરસિંહરામજી ! હું કંઈ ભણ્યો-ગણ્યો નથી, માત્ર ખેતી કામ કરી ગુજરાન ચલાવું છું એટલે હું આપના કામને યોગ્ય નથી; કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી લાવો.’
‘મહારાજ ! આપ જ સાચા બ્રાહ્મણ છો અને બધું જ જાણો છો. જે બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં, અહંકારના નશામાં ચૂર છે, એ બ્રાહ્મણત્વથી ઘણો દૂર છે. મારે એવા બ્રાહ્મણની જરૂર નથી. આપ કૃપા કરી મારે ત્યાં પધારો. આપ દ્વારા મારું કામ સમ્પન્ન થઈ જશે.’ આમ કહી ભગવાન તે અભણ બ્રાહ્મણને ઘેર લાવ્યા.

ભગવાનની આજ્ઞા અનુસાર ઘર પર શ્રાદ્ધ માટેની જરૂરી બધી ચીજ-વસ્તુઓ તૈયાર જ હતી. ભગવાન પોતે નરસિંહના વેશમાં શ્રાદ્ધ સરાવવા બેસી ગયા. ભગવાનનો સ્પર્શ થતાં પેલો અભણ બ્રાહ્મણ સઘળા વેદ-શાસ્ત્રોનો પ્રકાંડ વિદ્વાન બની ગયો અને અત્યંત વિધિપૂર્વક બધું કામ પૂર્ણ કરાવ્યું. જે સર્વ સમર્થ પરમાત્મા ‘મૂકં કરોતિ વાચાલં’ ની દિવ્યશક્તિ ધરાવે છે, તેમને માટે આમ કરવું તેમાં શું આશ્ચર્ય છે ? શ્રાદ્ધ વિધિ સમાપ્ત થયા પછી ભગવાને બ્રાહ્મણને પચાસ સોનામહોરો દક્ષિણામાં આપી. અને અત્યંત આદર સાથે ભોજન કરાવ્યું. નાગર-વેષધારી ભગવાનના અનુચરોને સમસ્ત નાગર-જ્ઞાતિને બોલાવીને અત્યંત પ્રેમ અને આદર સહિત ભોજન કરાવ્યું. બધા લોકો ખૂબ જ સંતુષ્ટ થયા. આ રીતે સાંજ થતાં સુધીમાં તો બધું કાર્ય સારી રીતે આટોપી ભગવાન પોતાના અનુચરો સાથે અંતર્ધાન થઈ ગયા.

બધું કામ સમાપ્ત કરી અંતે માણેકબાઈ પોતે પ્રસાદ લેવાની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં હાથમાં ઘીનો ડબ્બો લઈને ભગતજી ઘરમાં દાખલ થયા. ખૂબ મોડું થઈ જવાને કારણે અને શ્રાદ્ધ ન કરી શકવાને કારણે તેઓ મનમાં ને મનમાં સંકોચાઈ રહ્યા હતા. તેમને આ રીતે જોતાં જ માણેકબાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું : ‘સ્વામી બધાંને જમાડીને, વિદાય કર્યા પછી વળી તમે આ શું લઈ આવ્યાં ?’
‘અરે, તું શું કહે છે ? શ્રાદ્ધ અને બ્રહ્મ-ભોજન થઈ ગયાં ? હું તો સવારમાં ઘી લેવા ગયો હતો તે અત્યારે આવી રહ્યો છું. રસ્તામાં એક ભગત મળી ગયા, તેમને થોડા ભજન સંભળાવી સીધો ચાલ્યો આવું છું. એ કારણે મારે વિલંબ પણ થઈ ગયો.’ નરસિંહરામે નવાઈ પામતા કહ્યું.
‘તો પછી વિધિવત શ્રાદ્ધ કરાવી, હજારો માણસોને ભોજન કોણે કરાવ્યું ? હું તો ચોખ્ખું જોઈ રહી હતી કે આ બધું આપ જ કરી રહ્યાં હતાં. આપ મારી સાથે આવી મજાક શું કામ કરો છો ?’ માણેકબાઈએ આશ્ચર્યચકિત થઈ કહ્યું.
‘પ્રિયે ! હું મજાક નથી કરતો. હું તો હજુ બજારમાંથી ચાલ્યો જ આવું છું. ચોક્કસ એ બધું કામ મારા વ્હાલા પ્રિયતમ શ્રીકૃષ્ણે જ પાર પાડ્યું છે. મારું રૂપ ધારણ કરી સ્વયં મનમોહને જ મારા ધર્મની રક્ષા કરી છે. ભગવાનની કેટલી મહાન કૃપા છે !’ આટલું કહેતા તો પતિ-પત્ની બન્નેનાં નેત્રો પ્રેમાશ્રુથી છલકાઈ ગયાં અને તેઓ પ્રેમમગ્ન બની ભગવદભજન કરવા લાગ્યા.

[કુલ પાન : 144. કિંમત રૂ. 20. પ્રાપ્તિસ્થાન : ગીતાપ્રેસ, ગોરખપુર. અથવા નજીકના બુકસ્ટૉલ. અથવા www.gitapress.org ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આમ બેસાય, બેટા ! – નાનાભાઈ હ. જેબલિયા
આસ્થા – હરિભાઉ મહાજન Next »   

15 પ્રતિભાવો : પિતાજીનું શ્રાદ્ધ – નરસિંહ આખ્યાન

 1. nayan panchal says:

  “તું ઘણી વાર આવી ઘૃણિત અશ્રદ્ધા વ્યક્ત કરી મિથ્યા ભાષણ કરે છે. આજે પણ તેં મારા નાથ પર વ્યર્થ દોષારોપણ કરી નાખ્યું. ભગવાન તો ન્યાયી અને અત્યંત દયાળુ છે. તેમને ત્યાં પાપ-પુણ્યના બરાબર લેખાં-જોખાં થાય છે. ”

  “જે સાચું સોનું હોય છે, તેને જ ઘર્ષણ, છેદન, તાપન અને તાડન આદિ દુ:ખો સહન કરીને કસોટી પર ચડવું પડે છે. સોની માટે તો એ જ ઉચિત છે કે તે લોખંડ આદિ અન્ય હલકી ધાતુઓની પરીક્ષા ન કરે, પણ શુદ્ધ સોનાની જ પરીક્ષા કરે, વાસ્તવમાં આજે આપણી કસોટી થઈ રહી છે, અને આવી કસોટી એ જ મનુષ્યની સાચી પરીક્ષા છે.”

  “કોઈની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે દુર્જનો અત્યંત નમ્ર બની જાય છે. ”

  “પરંતુ શુદ્ધ હૃદયના માણસને તો સર્વત્ર પોતાની જેમ શુદ્ધતા જ દેખાય છે. ”

  “ભક્તરાજ તો બધું ભૂલીને ભગવદપ્રેમમાં ડૂબી ગયા હતા; પણ જે ભગવાન પર તેમને આટલો ઊંડો પ્રેમ હતો અને જેમણે તેના યોગક્ષેમ વહન કરવાનો ભાર પોતાના ઉપર લઈ લીધો હતો એ પ્રભુ કેવી રીતે નિશ્ચિંત રહી શકે ?”

  દિવસ સુધરી ગયો. મૃગેશભાઈનો ખૂબ ખૂબ આભાર.

  નયન

 2. Dr. Mukesh Pandya says:

  ભક્તની વહારે ભગવાન. એ આજે પણ એટલું જ સાચું છે, પણ સવાલ એ છે કે નરસિંહ મહેતા જેવા ભક્ત ક્યાં છે?

 3. Yogini says:

  Thnx Mrugeshbhai, maja aavi gai.

 4. Maharshi says:

  મેતે લીધી તપેલી હાથ જો, ધરણિધરનું નામ જપો..
  એક વૈષ્ણવજન નું હાટ જો..

 5. pragnaju says:

  નરસિંહ મહેતા બ્રાહ્મણ હોવા છતાં હરિજનવાસમાં ભજન ગાવા માટે ગયા આથી જ્ઞાતિજનોને ગમ્યું નહીં. તેમને નાત બહાર મૂકયા. એ જ જ્ઞાતિજનો આજે ગર્વભેર કહે છે કે મહેતાજી અમારા છે.
  આ જ રીતે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા લઇને શામળશા શેઠના નામે હૂંડી લખી આપી અને ભગવાન દ્વારિકાધીશે શામળાશા શેઠનો વેશ ધરીને હૂંડીનાં બધાં જ નાણાં યાત્રીઓને ચૂકવી આપ્યાં. આ જ રીતે મહેતાજીના જીવનમાં શામળશાનો વિવાહ, પત્નીનું મરણ, પિતાજીનું શ્રાદ્ધ, જ્ઞાતિએ કરેલો બહિષ્કાર આવા અનેક અનેક ચમત્કારો વાંચીને આપણને મહેતાજીના ચરણમાં માથું નમાવવાની ઇરછા થઇ જાય.
  આપણે પણ મહેતાજીનું એકાદ પદ વાંચી.
  ભાવપૂર્વક જીવનમાં ઉતારીને કૃષ્ણકૃપાના ભાગીદાર બનીએ.

 6. ArpitaShyamal says:

  ખુબ જ ખુબ જ સરસ ….વાચતા વાચતા જાણે ભક્તિભાવ ના સાગર મા તરતા હોઇ તેવુ લાગ્યુ…

  Thanks a lot Mrugesh bhai for such a nice thought..

 7. Divyant Shah says:

  ખુબ જ ખુબ જ સરસ

 8. Dr.Paresh J Thakkar says:

  Excellent This is real intellectual love and trust towards God.

 9. Dr.Paresh J Thakkar says:

  સા તુ પરમ પ્રેમ સ્વરુપા અમ્રુત સ્વરુપા ભક્તિ સ્વરુપ એતલે નરસિહ મહેતાઆપ્ના જિવન મા પન ભગવાન આપનિ અરજ ભગવાન સ્વિકારે ચે પન આપ્ને યાદ નથિ રખ્તા.

 10. jigna acharya says:

  aavo aartical vache ana bhagya no pan uday thai jaay ne bhagvan bharose jivnar no bedo paar

 11. BHAVESH says:

  ખુબજ સરસ
  -ભવેશ એન. પટેલ મોરબી
  મો. ૯૮૨૫૭૬૪૧૦૦

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.