આસ્થા – હરિભાઉ મહાજન

‘અલ્યા, આ પંખા શું કરવા ચાલુ રાખ્યા છે ?’
‘ગરમી કેટલી લાગે છે, તે તો જુઓ. રહેવાતું નથી પંખા વગર.’
‘એમ તે કેટલી ગરમી છે ? આ તે કંઈ વધારે કહેવાય ? તમે તો જાણે પારો બાવને પહોંચી ગયો હોય એમ કરો છો. જરા સહન કરતાં શીખો. લાઈટનું મોટું બિલ નહિ ભરાય ને કપાઈ જશે તો પછી સમૂળગા…’
‘…તમે તો જેમાં ને તેમાં ટકટક કર્યા કરો છો. પંખા નહિ ચલાવવાના, લાઈટ નહિ કરવાની, ટી.વી. ચેનલો કાઢી નાખવાની. ગેસ બાળવા પર નિયંત્રણ. વઘારમાં તેલ ઓછું વાપરવાનું. જ્યાં જુઓ ત્યાં તમારી કરકસરની જ વાત. આ તે કરકસર કે કંજૂસાઈ ?’ ધર્મપત્ની છંછેડાઈને બોલ્યાં, ‘આમ તે કંઈ જીવાય ?’
‘કરો ત્યારે તમારે જેમ કરવું હોય તેમ. પરિસ્થિતિ સમજીને ન વર્તવું હોય તો પછી જે હાલત થાય તે વેઠજો.’ પોતાની અકળામણ ઠાલવીને ચીનુભાઈ બબડતા બબડતા બહાર નીકળી ગયા.

ચીનુભાઈના ટોકવાથી વિજયાબેને ગુસ્સામાં પંખાની સ્વીચ ઑફ કરી હતી, તે પિતાજી બહાર નીકળતાં જ આરતીએ ઑન કરી દીધી ! પંખા નીચે ઊભી રહીને ઓઢણીથી મોઢું, ગળું લૂછવા લાગી. બીજા રૂમમાં દક્ષેશનો પંખો ફૂલ સ્પીડમાં ફરતો જ હતો. ચીનુભાઈને જાણે પંખા ચક્કર ચક્કર ફરતા જોઈને જ ચક્કર આવી જતાં. આમેય કેટલાક સમયથી એમનું મગજ ચકરાવા જ માંડ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ કથળતી જતી હતી. વધતી જતી મોંઘવારીમાં ઘર ચલાવવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું જતું હતું. પણ ઘરનાં તો કોઈ સમજવા જ તૈયાર નહોતાં. દક્ષેશ તો જાણે બાઈક ને મોબાઈલ વગર ભણાય જ નહિ, એવું માનતો હતો ! આરતીને પણ સ્કૂટી ને મોબાઈલ વિના ચાલે તેમ નહોતું. સુખી ઘરમાંથી આવેલી એમની પત્ની પણ તકલીફ વેઠવાની ટેવ પાડતા તૈયાર નહોતી. એવું કંઈ સૂચન થતાં જ એની બરછી જેવી જીભ કામે લાગી જતી ! એની તીખી પ્રતિક્રિયાથી ચીનુભાઈનું જાણે ચેતન જ હણાઈ જતું. પછી કંઈ બોલવાની હિંમત જ રહેતી નહિ. ચીનુભાઈના ઘરડાં મા જ કંઈક સમજી શકતાં. પણ વહુ અને મોટાં થયેલાં છોકરાં આગળ એમની તો જાણે કંઈ હસ્તી જ નહોતી.

પહેલાં ચીનુભાઈનો બારેક હજારનો પગાર આવતો ત્યારે તો બધું ઠીક હતું. પણ ફરજિયાત વી.આર.એસ. લઈને છૂટા થવું પડ્યું ત્યારથી મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. ચારે તરફ પ્રસરેલો બેકારીનો હાઉ સારું ભણેલાઓને પણ ડરાવતો હતો. કવોલિફાઈડ યુવક-યુવતીઓ પણ લાયકાત પ્રમાણેની નોકરી નહિ મળવાથી જે મળે તે બે-અઢી હજારની નોકરીમાં પેસી જતાં. એવી સ્થિતિમાં મેટ્રિક પાસ ચીનુભાઈને વધારે સારી નોકરી ક્યાંથી મળે ? નાછૂટકે એ એક મોટા સ્ટોરમાં ત્રણ હજારમાં રહી ગયા હતા. વી.આર.એસ. લેતાં મળેલી રકમ અને અત્યાર સુધી કરેલી થોડી ઘણી બચત ઝડપથી ઘસાવા લાગી હતી. દીકરો હજી કૉલેજના બીજા વર્ષમાં હતો અને દીકરી બારમામાં. વધતી મોંઘવારી, ટૂંકી આવક અને પહોંચ બહારના ખર્ચાઓથી ચીનુભાઈ સતત ચિંતાગ્રસ્ત રહેતા. ખાસ તો એ ચિંતાઓ એમની એકલાની જ હતી. ઘરનાં બીજાંઓને તો જાણે કંઈ નિસ્બત જ નહોતી ! એમને તો બસ લાવો, આવો ને લાવો !

‘જુઓ, મારાથી થયું ત્યાં સુધી મેં બધું કર્યું, ને તમે બધાં માગો તે બધું લાવી આપતો રહ્યો. સારી નોકરી હતી ત્યાં સુધી તો એ બધું ચાલ્યું પણ હવે….’ ખર્ચનો કોઈ મુદ્દો ઊભો થતાં ચીનુભાઈ લાચારી દર્શાવતા આમ બોલવા માંડે. પણ એ પૂરું બોલી રહે એ પહેલાં જ પ્રતિક્રિયા આવે !
‘જે જોઈએ તે જોઈએ જ. એમાં શી રીતે ચાલે ? તમે તો કાલે ઊઠીને કહેશો કે ખાવા-પીવાનુંયે બંધ કરો. પહેરવા-ઓઢવાનું પણ બંધ કરો….’ પત્નીની નિર્મમ જીભ ચાલવા માંડે કે ચીનુભાઈ બોલવા-સાંભળવાનું પડતું મૂકીને નીચી મૂંડીએ બહાર જ નીકળી જાય. પણ એમ જીભાજોડી ટાળી શકાય. સંકટ તો ટળે નહિ ને ? ને અહીં તો ચીનુભાઈની જાણે પનોતી જ બેઠી હતી. સંકટ વધારે ઘેરું થતું જતું હતું. રોજ નિયમિત પાઠપૂજા કરનાર ચીનુભાઈની ઈશ્વર પ્રત્યેની આસ્થા પણ હવે ડગમગવા લાગી હતી. સેવા-આરાધનામાં રસ ઘટવા લાગ્યો હતો. ચિત્ત જ ડામાડોળ થઈ ગયું હતું. કારણ કોઈ રાહત તો દેખાતી નહોતી. ઊલટું નવા નવા આઘાતો જાણે આસમાનમાંથી ઊતરી આવતા હતા !

‘ચીનુભાઈ, મને દિલગીરી થાય છે, પણ હવે આમ કર્યા વગર છૂટકો નથી. આપણા રોડ પર આસપાસ બીજા ત્રણ-ચાર નવા સ્ટોર નીકળ્યા છે. એ સુપરસ્ટોર તો ખરા જ, પણ એક તો પાછો દેશવ્યાપી કંપનીનો મેગાસ્ટોર શરૂ થયો છે. હવે ગ્રાહકો એ તરફ વળવા લાગ્યા છે. આપણો ધંધો લગભગ અર્ધો થઈ જવા આવ્યો છે. એટલે સ્ટાફ ઓછો કર્યા વગર છૂટકો નથી. તમને આટલો મહિનો ચાલુ રાખીએ છીએ. આવતી પહેલીથી તમને અને બીજા બે જણને છૂટા કરીએ છીએ.’ ચૌદમી તારીખે સ્ટોરના શેઠે ચીનુભાઈને નોટિસ આપી દીધી. ચીનુભાઈને લાગ્યું કે માથે વીજળી જ ત્રાટકી ! એમની તો ઘડીક બુદ્ધિ જ બહેર મારી ગઈ. કરિયાણાવાળાનું બિલ દર મહિને પૂરું નહિ ચૂકવવાથી રકમ ચડતી જ જતી હતી. કોર્પોરેશનનો વેરો પણ ભરી શકાયો નહોતો. વીમાનાં પ્રીમિયમ ભરવાનું તો બંધ જ થઈ ગયું હતું. એમ અનેક બાબતોમાં વધી ગયેલી આર્થિક જવાબદારીઓની ભીંસ વધતી જ જતી હતી. ઘરમાંથી કોઈનો સહકાર મળતો નહોતો. એ બધાં તો એમની અપેક્ષાઓને જ મહત્વ આપનારાં હતાં. આમથી તેમથી ઉછીના આણેલા પણ વાયદા પ્રમાણે પાછા વાળી શકાતા નહોતા. બંને છોકરાની ફી ભરવા માટે તો વ્યાજે પૈસા લાવવા પડ્યા હતા. એના ઊંચા વ્યાજની રકમ ને મૂડી પાછી ચૂકવવાની ચિંતા…. ચીનુભાઈ જાણે નિરાશાના અંધકારમાં ડૂબી રહ્યા હતા. એમને કંઈ સૂઝતું નહોતું. ચેન પડતું નહોતું. ખાવા-પીવાનું પણ ભાવતું નહોતું. જાણે રુચિ જ ખલાસ થઈ ગઈ હતી ! છૂટા થવાની નોટિસથી એમનો ઉદ્વેગ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. રહ્યોસહ્યો થોડો ટેકો હતો એ પણ જતો રહ્યો હતો. હવે પાછું બીજે કામ શોધવાનું. ને એ મળશે જ એનીય ક્યાં ખાત્રી હતી ? હવે શું થશે, એ વિકરાળ પ્રશ્નથી એમની મતિને જ જાણે પક્ષાઘાત થઈ ગયો હતો.

બીજે દિવસે ચીનુભાઈ નોકરી પર ન ગયા. ન જઈ શક્યા. ટાઈમે ઘેરથી નીકળ્યા તો ખરા. પણ સ્ટોર પર જવાનું છોડીને બગીચામાં જઈને બેઠા. મૂંઝવણોનો ઉકેલ જડતો નહોતો, તેથી હવે એમને જીવનનો અંત આણવાના વિચાર આવવા માંડ્યા હતા. હા, એ જ રસ્તો છે. હવે બીજો કોઈ જ ઉકેલ નથી. બેધ્યાનપણે એ એવું બબડતા પણ ખરા. એ આમ ચિત્તભ્રમ જેવી સ્થિતિમાં કલાકેક બેઠા હશે, ત્યાં એક કાકા હાથમાં છાપું ખોલી વાંચવા લાગ્યા. એકાદ વિગત વાંચી લીધા પછી એ છાપામાંથી બહાર મોઢું ફેરવીને ચીનુભાઈ પર નજર નાખી લેતા.
‘અરે બાપ રે ! આ ઠંડીએ તો આ વર્ષે હદ કરી નાંખી છે. પાછલાં કેટલાંય વર્ષોમાં આવી ઠંડી પડી નથી. તમે વાંચ્યું, આજના છાપામાં આવ્યું છે તે ?’ હાથમાં ખોલેલું છાપું પકડી રાખતાં ચીનુભાઈ તરફ વળીને એ બોલ્યા : ‘ગઈ રાતે આપણા શહેરમાં જ ઠંડીથી ઠૂંઠવાઈને બે જણ મરી ગયા.’
‘હેં ?’ ચીનુભાઈએ બરાબર ધ્યાનથી સાંભળ્યું નહોતું.
‘અરે શું હેં હેં કરો છો ? ઠંડીથી આપણા રાજ્યમાં સાત જણ મરી ગયા, એમ કહું છું. આ છાપામાં આવ્યું છે.’ છાપાનું એ સમાચારવાળું પાન બતાવતાં કાકા બોલ્યા, ‘ને એમાંના બે તો આપણા શહેરના જ.’
‘હા, હા. આ બે-ચાર દિવસથી ઘણી ઠંડી પડવા માંડી છે.’ ચીનુભાઈએ નિરસ જવાબ આપ્યો.
‘ને આગાહી છે કે હજી તો ઘણી વધારે પડશે. સાત ડિગ્રી જેટલી નીચે તો ઊતરી જ ગઈ છે. ચાર કે ત્રણે તો નહિ પહોંચે ને ? તો તો ઘર બહાર પગ મૂકવાનું પણ મુશ્કેલ થઈ જાય. ઉત્તર ભારતમાં કેટલાંક સ્થળે તો પારો શૂન્ય અને એનીય નીચે આવી ગયો છે. ખુલ્લામાં રહેતા ગરીબોની શું હાલત હશે ?’
‘ખરી વાત છે તમારી. છેલ્લાં ઘણા વર્ષોમાં આવી ઠંડી પડી નથી. આપણા દેશમાં તો અતિવૃષ્ટિ, અસહ્ય ગરમી અને કાતિલ ઠંડી નિરાધાર અકિંચનોને મુક્તિ અપાવે છે ! આ વર્ષે ઠંડી એની ફરજ બરાબર બજાવશે એમ લાગે છે.’ ફિક્કું હસતાં ચીનુભાઈ માર્મિક રીતે બોલ્યા. આમ તો એ ઔપચારિક રીતે જ બોલ્યા. કાકાની વાતમાં રસ લેવા જેટલી મન:સ્થિતિ જ ક્યાં હતી ? પણ ‘મુક્તિ’ શબ્દનો પ્રયોગ પોતે કેમ કર્યો, એનું એમને જ આશ્ચર્ય થયું. જોકે એમનું ખરું ધ્યાન તો હવે ઠંડીથી સાત જણ મરી ગયા, એ મુદ્દા પર કેન્દ્રિત થઈ ગયું હતું અને તેથી જ એમને ‘મુક્તિ’નો કુદરત દ્વારા મુક્તિનો ખ્યાલ આવ્યો હશે ? વિચાર કરતાં ચીનુભાઈને લાગ્યું કે મરવાનો આ વધારે સહેલો ઉપાય છે.

ચીનુભાઈએ બગીચામાં આવીને આત્મહત્યા કરવાની રીતનો વિચાર કરવા જ માંડ્યો હતો. મૂંઝવણો વધતી જ જતી હોય, ને એમાંથી નીકળવાનો કોઈ જ માર્ગ ન મળે તો માણસ આત્મહત્યા તરફ વળે છે. રોજબરોજ આવી ઘટનાઓ બનતી રહે છે. કોઈ ઊંચા બિલ્ડિંગ પરથી પડીને મરે છે. કોઈ પોતાને ગોળીએ દે છે. કોઈ પોતાના શરીર પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપાવાનું વધારે અનુકૂળ લાગે છે, તો કોઈ વળી ગાડીના પાટા પર સૂઈ જાય છે. ઝેર પીને જીવનનો અંત આણવાના પણ અસંખ્ય કિસ્સા બનતા રહે છે. કૂવામાં ભૂસકો મારવાનું પણ કેટલાકને ઠીક લાગે છે. ચીનુભાઈના મગજમાં પણ આવા અનેક ઉપાય ખદબદવા લાગ્યા હતા. આમ તો ધ્રૂજી જવાય એવી ઠંડી હતી જ પણ ચીનુભાઈ તો પરાણે જીવ કાઢી નાંખવામાં વેઠવી પડતી વેદનાના ખ્યાલ માત્રથી જ ધ્રૂજવા લાગ્યા હતા. વિચાર કરતાં એમને લાગ્યું કે એ રીતે મરવાની હિંમત એમનાથી નહિ થાય.

‘જુઓને તમેય કંપી રહ્યા છો. મારી જેમ કોટ પહેરીને નીકળવું’તું ને. અડધિયા સ્વેટરને ગાંઠે એવી આ ઠંડી નથી.’ ચીનુભાઈના બાંય વગરના સ્વેટરનો ઉલ્લેખ કરતાં પેલા કાકા હસીને બોલ્યા. એ ક્યારના ઠંડીને જ મહત્વ આપી રહ્યા હતા. જાણે ચીનુભાઈના મગજમાં ઠંડીનું મહત્વ ઠસાવવા માગતા હોય ! કદાચ એમનો એવો આશય ન પણ હોય, પણ અપ્રત્યક્ષ રીતે એમણે ઠંડીનો ‘ઉપાય’ તરીકે ઉપયોગ કરવાના નવા વિકલ્પનો સંકેત કરી જ દીધો હતો ! ‘બેસો ત્યારે, હું જાઉં’ એમ કહી, પેપરની ગડી વાળી કાકા ચાલતા થયા. ચીનુભાઈ કંઈક ખુશીથી એમને જતા જોઈ રહ્યા. લપ ટળી એ રીતે નહિ, પણ એમણે અજાણતાં સહેલો રસ્તો ચીંધ્યો એની ખુશી ! બીજા બધા ઉપાયોનો વિચાર કરતાં ચીનુભાઈ નકારમાં માથું હલાવતા. જીવનથી એટલા બધા કંટાળ્યા હતા કે મરવું તો હતું જ. પણ પ્રચલિત ઉપાયોમાંથી કોઈ અજમાવવાની હિંમત નહોતી ચાલતી. કાકાએ અચાનક જ આવીને, ભલે અજાણતાં, પણ એમને જાણે અનુકૂળ આવે એવો ઉપાય દેખાડી દીધો ! ઠંડીમાં પડ્યા પડ્યા ઠરીને મરી જવાનું પ્રમાણમાં સહેલું છે. વિચાર કરતાં કરતાં ચીનુભાઈ એ નિર્ણય પર આવી ગયા. ને છેવટે એમનો એ નિર્ણય મક્કમ થઈ ગયો.

તે દિવસે ઘરનાં બધાં સૂઈ ગયા પછી રાત્રે બારના સુમારે ધીમેથી બારણું ઉઘાડીને એ બહાર પડ્યા. રસ્તા સુમસામ હતા. રોજના કરતાં આજે જાણે પારો ઘણો નીચે આવી ગયો હતો. કદાચ ત્રણ કે બે સેલ્સિયસ પણ હોય. આવી અસાધારણ ઠંડીમાં ચહલપહલ ક્યાંથી દેખાય ? કોઈ કૂતરુંય ભસે એમ નહોતું ! ‘પડ બા પડ. જેટલું વધારે પડાય એટલું પડ. મારે આજે તારી જ, તારા ભીષણ બાહુપાશની જરૂર છે. માટે જરાય દયા ન દાખવતી. અરે, ખરેખર તો તારી એ નિર્દયતા જ મારા માટે મોટી દયા બની જશે !’ ચીનુભાઈ મનોમન બોલીને, ધ્રૂજતા હોવા છતાં, પોતાની કલ્પના પર હસ્યા. નિર્ણય કરી લીધા પછી હવે એમનું ચિત્ત પ્રસન્ન હતું. લાખ દુ:ખોની એક દવા એમને મળી ગઈ હતી !

ત્રીસેક મિનિટ ચાલીને એ મોટા રસ્તા પર આવ્યા. થોડે આગલ વધ્યા, ને પછી રસ્તો છોડી ફૂટપાથ પર ચડ્યા. ફૂટપાથ પહોળો હતો. ત્યાં થોડાં થોડાં અંતરે સિમેન્ટના બાંકડા હતા. ત્રણેક બાંકડાઓ પર તો કોઈ નિરાધાર વ્યક્તિઓ ટૂંટિયું વાળીને ફાટેલા વસ્ત્ર ઓઢીને સૂતી હતી. એમની દશા જોઈને ન સમજાતું હતું કે, આવી અસહ્ય ઠંડીમાં એ પાતળાં આવરણો રક્ષણ આપવા માટે પૂરતાં નહોતાં. મેલીઘેલી ગોદડીઓ પણ ઓછી પડે, એવું હતું. વચમાં વચમાં એમાંનું કોઈ ખાંસતું હતું. થોડે દૂર એક ખાલી બાંકડો ચીનુભાઈની નજરે ચડ્યો. એમાં એમને ‘નસીબ’ની અનુકૂળતાનો સંકેત દેખાયો ! સિમેન્ટનો એ બાંકડો પણ આવી ઠંડીમાં બરફની પાટ જેવો થઈ ગયો હતો. ચીનુભાઈ ત્યાં જઈને બેઠા. આમતેમ જોયું. ક્યાંયકોઈ જાગતા માણસનો સંચાર નહોતો. દૂરના બાંકડા નીચે એક કૂતરું સળવળ્યું. કણસતું હોય એવું લાગ્યું. બાજુના લીમડા પર કોઈ પક્ષીએ ફફડાટ કર્યો. સામેની લાઈનમાં એક બંગલાની લાઈટ બંધ થઈ. ઓહો ! અત્યાર સુધી જાગીને એ શું કરતા હશે ? એક તો વાગી ગયો હશે. ટી.વ પર કદાચ કોઈ રોમેન્ટિક ફિલ્મ જોતા હશે ? હા, સાધનસંપન્ન એવા કેટલાક લોકોને જીવન ધબકતું અને ગતિશીલ રાખવા માટે આવા ઉપાયોની જરૂર પડતી હશે ! જીવન ઠંડું ન પડી જાય એ જોવાનું ને ! એ ખ્યાલે ચીનુભાઈ સહેજ હસ્યા. હા, હવે એ હસી શકવાના મૂડમાં આવી ગયા હતા !

એમણે સ્વેટર કાઢી નાખ્યું. શર્ટ પણ કાઢી નાખ્યું. શરીર ખુલ્લું થતાં જ ઠંડી હવા શરીરને ડંખવા લાગી. જોરદાર કંપન આવી ગયું. હાથની મુઠ્ઠીઓ ભીંસાવા લાગી. દાંત કડડ કરવા લાગ્યા. ચીનુભાઈએ શર્ટ અને સ્વેટરનો ડૂચો વાળીને માથા નીચે મૂકવા ઓશિકા જેવું કર્યું. ને માથું એના પર જેમ તેમ ગોઠવીને લંબાવ્યું. ખુલ્લા શરીરને ઠંડાગાર બાંકડાનો સ્પર્શ થતાં જ જાણે અસહ્ય ઠંડો દાહ થયો. ચીનુભાઈના મોંમાંથી પીડાનો સિસકારો નીકળી ગયો. પગ સંકોચાઈ ગયા. ટૂંટિયું વળાઈ ગયું. બદનમાં જાણે કંપવા આવી ગયો. ધ્રૂજારી વધતી ચાલી. પણ ચીનુભાઈ અકલ્પ્ય ધીરજ ધરીને પડી રહ્યા. એમને તો આજે ધ્યેય સિદ્ધ કરવું હતું ! પંદરેક મિનિટમાં તો જે થવી જોઈએ તે અસર થવા માંડી. કાંપતા શરીરમાં ગરમી પેદા થવા લાગી હોય એવું લાગ્યું. તાવ ભરાવા માંડ્યો હતો. ધીમે ધીમે વધતો જતો હતો. એ અનુભવે ચીનુભાઈને તો સંતોષ જ થયો ! અંત તરફ ગતિ થતી હોય એવું લાગ્યું. દસેક મિનિટમાં તો તાવ ખૂબ વધી ગયો. ભાન ઓછું થવા લાગ્યું હોય, એવો અહેસાસ થયો. ત્યાં તો દૂરના બાંકડા નીચેના કૂતરાનો નિર્બળ અવાજ આવ્યો. ચીનુભાઈને લાગ્યું કે એનો પણ કદાચ એ છેલ્લો ચિત્કાર હશે. બાજુના લીમડા પરથી ધબ્બ દઈને કંઈક પડ્યું. ઠંડી સહન નહિ થવાથી પક્ષી મરીને નીચે પડ્યું હશે. સરતા ભાન સાથે પણ ચીનુભાઈએ અનુકૂળ તર્ક કર્યો. ને એ પછી એમના ચિત્તની અનંત સમાધિ તરફ ગતિ થવા માંડી. અસહ્ય ઠંડીમાં પણ ભારે તાવના કારણે શરીર અંગારાની જેમ ધખી રહ્યું હતું. મગજની નસો ફાટફાટ થવા લાગી હતી. જાણે અંતિમ વિસ્ફોટની ઘડી આવી પહોંચી હતી. પણ…

….પણ ત્યાં તો ધબાકા સાથે એમના પર જ કંઈક પડ્યું !
‘બિચારાની કેવી હાલત છે !’ ચીનુભાઈના કાને અવાજ અથડાયો. સરી જતા ભાવે સહેજ પીછેહઠ કરી. અવાજ તરફ ધ્યાન ગયું. ક્ષણ બે ક્ષણમાં જ એમનું શરીર ઢંકાઈ ગયાનો એમને ભાસ થયો.
‘આ ભાઈ આજની રાતમાં જ કદાચ મરી જાત. આટલી બેહદ ઠંડી ને પાછો ઉઘાડો સૂતો છે ! કદાચ પીધેલો હશે.’ દૂર જતો અવાજ સંભળાયો. કોઈ વાત કરતું હોય એમ લાગ્યું, ‘આપણે ઓઢાડેલો ધાબળો કદાચ એને થોડી રાહત આપે, ને એ બચી જાય. એવું બને.’
‘નસીબની વાત છે. આવા કેટલાય દુખિયારાઓનો આવો અંત આવતો હશે. પેપરમાં તો હવે રોજરોજ આવા કરુણ કિસ્સાના સમાચાર આવવા માંડ્યા છે.’ બીજું પણ કોઈ બોલતું હતું. વાતચીતનો અવાજ દૂર જતો હતો. ચીનુભાઈ બચેલા થોડા ભાન સાથે પડી રહ્યા. એમને તો હવે માણસનો સંસર્ગ ટાળવો જ હતો. વાતચીતનો અવાજ સંભળાતો બંધ થતાં એમણે શરીર પર ઓઢાડવામાં આવેલો ધાબળો પ્રયત્નપૂર્વક દૂર કર્યો.

થોડી વારે એમના પગ પાસે કંઈક સળવળ્યું. એમને લાગ્યું કે કોઈ કૂતરું ધાબળામાં ભરાઈ જવા મથતું હશે. એમણે ધાબળો દૂર ખસેડવા માટે પગ હલાવ્યો. પણ ધાબળો પાછો એમના શરીર પર ઢંકાઈ ગયો !
‘માફ કરજો, ભાઈ, તમને ઠંડા પડી ગયેલા જોઈને હું સમજ્યો કે તમે આ આકરી ઠંડી સહન નહિ થવાથી દેવશરણ થઈ ગયા. મારા બાંકડાની બાજુના બાંકડા પર એક વૃદ્ધ બાઈ બહુ ધ્રૂજી રહી છે. એનાથી એક ધાબળે ઠંડી વેઠાતી નહિ હોય, એટલે આ તમારો ધાબળો હું એને ઓઢાડવા લઈ જતો હતો. પણ હવે તમે જ ઓઢી રાખો. તમે જીવતા છો એ જાણીને આનંદ થયો.’ ચીનુભાઈને સમદુખિયાગણીને એણે હમદર્દી બતાવી.
‘માફ કરજો હં. સુઈ જાવ. ભગવાન કેવો દયાળુ છે ! સુખી માણસોના દિલમાં આવો દયાભાવ પ્રગટાવે છે, તે એ લોકો આપણા જેવા ગરીબોને ધાબળા ઓઢાડી જાય છે. નહિ તો આવી ઠંડીમાં આપણે ક્યારનાય મરી ગયા હોત. મરવું કોને ગમે ?’ ધાબળો મળતાં ઠંડી જેમ-તેમ વેઠી લેવાશે, એવો આશાવાદ એના બોલવામાં ડોકાતો હતો. કેવી પ્રબળ જિજીવિષા ! મન અને શરીર પરસ્પર સંકળાયેલાં છે. મનની હાલત શરીરને અને શારીરિક સ્થિતિ મનને અસર કરે છે. પેલા ભાઈની વાત સાંભળતાં સાંભળતાં જ ચીનુભાઈની ઓસરતી જતી ચેતના જાગૃત થવા લાગી હતી. એનું કથન જાણે એમને કોઈ નવો જીવનમંત્ર આપી રહ્યું હતું ! એમનામાં સ્ફૂર્તિ આવવા માંડી.

બોલતાં બોલતાં પેલો માણસ પાછો વળતો હતો, ત્યાં જ ચીનુભાઈ અચાનક બેઠા થઈ ગયા. હવે એ પુન: ભાનમાં આવી ગયા.
‘ભાઈ… એ ભાઈ, લો લેતા જાવ. મારે જરૂર નથી. ઓઢાડો એ બાઈને.’ ચીનુભાઈએ હાક મારીને પેલા ભાઈને પાછો બોલાવી, પોતે ઊભા થઈને એને ધાબળો આપ્યો. અને પોતાનાં શર્ટ, સ્વેટર પહેરી ઘર તરફ ચાલવા માંડ્યું. તાવ હતો. પણ હવે એમનામાં કોઈ ગૂઢ શક્તિનો સંચાર થવા લાગ્યો હતો. તેમણે વિચાર્યું કે જેમની પાસે કંઈ નથી એવા આ લોકોને ભગવાનમાં આસ્થા છે, ને ભગવાને આપેલું જીવન ટકાવવાની પ્રબળ ઈચ્છા છે. ને હું દુ:ખોથી નાસીપાસ થઈને, ઈશ્વરે ભેટ આપેલ અમૂલ્ય મનુષ્ય-જીવનનો અંત આણવા નીકળ્યો છું. ચીનુભાઈને એ વિચારે પોતાની જાત પર તિરસ્કાર આવી ગયો. પેલા ભાઈનું કથન ચીનુભાઈના ચિત્તમાં જાણે સંજીવની જ રોપી ગયું ! ઈશ્વરમાં આસ્થા રાખીને દુ:ખો સહન કરતાં ધીરજ રાખીને પ્રયત્નો કરતાં રહીએ તો કોઈ સારો ઉકેલ મળી આવે. ચીનુભાઈનું વિચારચક્ર હવે જુદી રીતે ચાલવા લાગ્યું ! પેલા ભાઈની જિજીવિષાએ ચીનુભાઈને જીવનવિષયક આસ્થાની ફિલસૂફી જ દર્શાવી દીધી !

હજી એ થોડાં ડગલાં જ ચાલ્યા હશે ત્યાં તો એક કાર એમની પાસે આવીને અટકી. કારમાંથી ગરમ કપડામાં સજ્જ બે વ્યક્તિઓ બહાર નીકળીને એમની પાસે આવી. બાંકડાનો નિર્દેશ કરતા એક જણ બોલ્યા :
‘આ બાંકડા પર તમે સૂતા હતા ને ? અમે તમને ધાબળો પણ ઓઢાડ્યો હતો…’
‘હા. મારે જરૂર નહોતી એટલે જેને જરૂર હતી એને મેં આપી દીધો.’ એટલું કહી ચીનુભાઈ ફરી પગ ઉપાડ્યા. બંને જણ ઘડીભર એમને કુતૂહલ મિશ્રિત આશ્ચર્યથી જોઈ રહ્યા. ‘જરૂર નહોતી’ એ એમને કંઈ સમજાયું નહિ.
‘જરા થોભો તો ખરા.’ આધેડ વયના માણસે કહ્યું, ‘પણ, તમે તો આટલી ઠંડીમાં ખુલ્લા શરીરે ટૂંટિયું વાળીને ધ્રૂજતા સૂતા હતા ! ને એટલે તો અમે ધાબળો ઓઢાડ્યો હતો. ને તમે કહો છો જરૂર નહોતી !’
‘માફ કરજો. તમે દાખવેલી દયા માટે હું તમારો આભારી છું. પણ મારી સમસ્યા જુદી છે. એના ઉકેલ માટે જ હું બાંકડા પર સૂતો હતો. મારે સખત ઠંડીની જરૂર જ હતી, પણ આ તમારી પ્રવૃત્તિમાંથી અનાયાસે જ મને નવું જ્ઞાન લાધ્યું. મારી મુશ્કેલીઓનો ઉકેલ શોધવાનો મેં લીધેલો માર્ગ યોગ્ય નથી, એનું મને ભાન થયું. જેમના જીવનમાં સુખ જેવું ખાસ કશું જ નથી, એ પણ દાનમાં મળેલો ધાબળો ઓઢીને જીવ બચાવવા માગે છે, એ દશ્યે મારા માટે જાણે ચમત્કાર જ સર્જ્યો. જીવનનો આમ અંત આણવો જે હું કરવા માગતો હતો તે, અક્ષમ્ય ગુનો છે, એ મને પેલા નિરાધારોની પ્રબળ જિજીવિષાએ સમજાવી દીધું છે.’ બાંકડે સૂતેલા ગરીબો તરફ હાથ દાખવતાં ચીનુભાઈ બોલ્યા. ભાવાવેશથી એમની આંખો પણ ભીની થઈ ગઈ. બંનેનું કુતૂહલ ઊલટું વધ્યું. ચીનુભાઈના કથનમાં એમને સ્પષ્ટ કંઈ સમજાયું નહિ.
‘માફ કરજો, તમારી અંગત બાબતમાં માથું મારવું એ બરાબર નથી. પણ તમે કહો છો તે બરાબર કંઈ સમજાયું નહિ. તમારી શું સમસ્યા છે ? તમે સારા ઘરના અને સુશિક્ષિત લાગો છો. અમે તમને કંઈ ઉપયોગી થઈ શકીએ એમ હોય તો…’

એ ભાઈના નિખાલસ અને હમદર્દીભર્યા શબ્દો સાંભળતાં જ ચીનુભાઈના હૃદયનો ભાર અનિયંત્રિત થઈને અશ્રુ વાટે બહાર વહેવા લાગ્યો. બેમાંના યુવાન ભાઈએ એમનો હાથ પકડી લીધો ને એમને પાછા બાંકડા તરફ વાળ્યા.
‘બેસો જરા વાત કરીએ. વાંધો ન હોય તો તમારી મૂંઝવણ શું છે, તે અમને જણાવો.’ યુવાને સહાનુભૂતિથી કહ્યું. ચીનુભાઈએ આંખો લૂછવા માંડી અને એમ કરતાં કરતાં જ પોતાની દાસ્તાન સંભળાવવાની હિંમત એકઠી કરી લીધી. પહેલાં તો એમને ખચકાટ થયો. પણ ભગવાને જ કદાચ કોઈ તક ઊભી કરી હોય, એવું વિચારીને એમણે બાંકડા પર સૂવા આવવાના કારણ સુધીની બધી વાત કરી દીધી.
‘અરેરે ! ચાલો, તમે જીવનનો અંત આણવાનો વિચાર માંડી વાળ્યો, એ ઘણું સારું કર્યું. તમારી સમસ્યા તો જાણે ઉકલી જ ગઈ, પણ અમારીયે ઉકલી ગઈ.’
‘તમારી સમસ્યા ?’ હવે આશ્ચર્ય પામવાનો ચીનુભાઈનો વારો હતો.
‘હા. અમારી સંસ્થામાં સંચાલક તરીકે એક વૃદ્ધ વડીલ કામ કરતા હતા. તેઓ અઠવાડિયા પહેલાં જ ગુજરી ગયા. અમને એમની જગ્યાએ કોઈ યોગ્ય વ્યક્તિની જરૂર છે જ. જો તમે એ જવાબદારી સંભાળી લો તો અમને આનંદ થશે. અમારી અને તમારી બંનેની મૂંઝવણ દૂર થશે. એમને સંસ્થા તરફથી છ હજાર પગાર આપવામાં આવતો હતો. આમ તો એમનું કૌશલ્ય, નિષ્ઠા અને ધગશના પ્રમાણમાં તો ઓછું જ કહેવાય, પણ સેવાભાવી સ્વભાવના હોવાથી એમને કોઈ લોભ નહોતો. એ સંતોષપૂર્વક વહીવટ સંભાળતા. એમને એમની ખોટ તો સાલશે જ. પણ તમને અનુકૂળ હોય તો તમે એ જવાબદારી સંભાળી લો. એમને જે મળતું એ તમને પણ મળશે.’ આધેડ ઉંમરના સદગૃહસ્થે ચીનુભાઈના વાંસે હાથ મૂકીને કહ્યું.

‘વાહ પ્રભુ ! તારી લીલા અગાધ છે !’ આકાશ તરફ હાથ જોડીને ચીનુભાઈ બોલ્યા. ઈશ્વર વિશે અવિશ્વાસ જાગેલો, એ માટે હવે એમને પશ્ચાત્તાપ થવા લાગ્યો.
‘તમે ભગવાનના દૂત બનીને જ મારું સંકટમોચન કરવા આવ્યા હો એમ લાગે છે.’ જોડેલા હાથ પેલા સદગૃહસ્થ તરફ વાળીને ચીનુભાઈએ કહ્યું : ‘મને આપનું સૂચન માન્ય છે. આપ જે કંઈ સોંપશો એ હું પણ નિષ્ઠાપૂર્વક કરીશ. મારી આવી વિષમ સ્થિતિમાં આપે મને આવી અમૂલ્ય તક આપી એ માટે હું આપનો…’ ચીનુભાઈનું ગળું રૂંધાયું. આંખો વરસવા લાગી.
‘…..બસ, બસ. આભાર માનવાની કંઈ આવશ્યકતા નથી. અમે કંઈ જ કરતા નથી. બધું એ જ કરાવે છે. અમે તો માત્ર નિમિત્ત છીએ.’ ચીનુભાઈને આગળ બોલતા અટકાવીને એ સદગૃહસ્થ બોલ્યા : ‘તમારી અનુકૂળતાએ આવી જજો.’ ચીનુભાઈને પોતાનું ઓળખકાર્ડ આપીને બંનેએ વિદાય લીધી.

ચીનુભાઈના મનમાં જીવન પ્રત્યેની આસ્થાનું એક નવું જ ઝરણું ફૂટી નીકળ્યું. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પુનર્જીવિત થઈને દઢ થઈ. ચીનુભાઈના પગ હિંમત અને ઉત્સાહ સાથે ઘરના માર્ગે વળ્યા. જાણે નવો અવતાર મળ્યો હોય એવા જુસ્સામાં ઠંડીનો તો ખ્યાલ જ ન રહ્યો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પિતાજીનું શ્રાદ્ધ – નરસિંહ આખ્યાન
નવો રસ્તો – પ્રમિલા નાનિવડેકર Next »   

19 પ્રતિભાવો : આસ્થા – હરિભાઉ મહાજન

  1. nayan panchal says:

    “..આભાર માનવાની કંઈ આવશ્યકતા નથી. અમે કંઈ જ કરતા નથી. બધું એ જ કરાવે છે. અમે તો માત્ર નિમિત્ત છીએ.’ ”

    આત્મહત્યા કરવા માટે તો ખૂબ બધી હિંમતની, સાહસની જરૂર પડે છે. તેના કરતા તો જીવન જીવવુ વધારે સહેલુ છે.

    Whenever you feel low or depressed, remember you are the same sperm who won battle against million others.

    ઉપરવાળામાં વિશ્વાસ તો રાખવો જ પડે. જો તે એક દરવાજો બંધ કરશે તો એક દરવાજો ખોલશે પણ ખરો. આપણી તેનામાં આસ્થા શરતી ન હોવી જોઇએ. જેટલી આસ્થા તેનામાં સારા દિવસોમા હોય તેટલી જ આસ્થા ખરાબ દિવસોમાં પણ હોવી જોઇએ.

    નયન

  2. Ami says:

    એકદમ સાચી વાત. કદી પણ ભગવાન પરની આસ્થા ખોવી નહિં – મુશ્કેલીઓ માં તો ખાસ.

  3. Dhaval B. Shah says:

    ખુબ જ સુન્દર.

  4. Shamita Shah says:

    નયન ભાઈ ની કહેવત સરસ લાગી….

    “When you are low and depressed……

    લેખ સરસ…

  5. Maharshi says:

    “હા. અમારી સંસ્થામાં સંચાલક તરીકે એક વૃદ્ધ વડીલ કામ કરતા હતા. તેઓ અઠવાડિયા પહેલાં જ ગુજરી ગયા.”

    કદાચ ઠંડી ને લીધે…

  6. suresh says:

    આસ્થા અનુભવ ને સ્વાનુભવ જેવુ લાગ્યુ…..

  7. Harikrishna says:

    Very heart touching tale. It reminds me of the very popular saying ;
    ‘Every cloud has a silver lining’

  8. Mahendra Shah says:

    The movie It is a WONDERFUL LIFE has more or less the same message.

  9. Gira says:

    I like the word Astha… I think that it is linked with the word Swasthata… =) જો માનવી નુ મન સ્વસ્થતા થી ફુલ્લિત હશે તો એ માનવી ન માં જરુર આસ્થા રહેલી હશે. =) very nice stroy giving a message of sustaining life having with faith in God and courage in one-self. Thanks for the inspiration story.. =)

  10. jigisha says:

    “માફ કરજો હં. સુઈ જાવ. ભગવાન કેવો દયાળુ છે ! સુખી માણસોના દિલમાં આવો દયાભાવ પ્રગટાવે છે, તે એ લોકો આપણા જેવા ગરીબોને ધાબળા ઓઢાડી જાય છે. નહિ તો આવી ઠંડીમાં આપણે ક્યારનાય મરી ગયા હોત. મરવું કોને ગમે ?”
    અહિ એક વાત સરસ લગિ એ કે જે સમ્રુદ્ધ છે એ બિજાને મદદ કરે છે ……જો ખરેખર જેને ભગવાને બધુ આપ્યુ છે એ જરુરિયાતમન્દ લોકો ને આપે તો ઘનિ બધિ સમ્સ્યા નો ઉકેલ આવિ જાય…….

  11. Nimisha says:

    This is really a wonderful inspirational story. I like it very much. So many times we are accepting problems as problems rather than accepting as challange in life. I believe that each problem comes with opportunity.
    I have a small poem on “trouble”. I would like to share with you.

    Don’t say trouble, trouble troubles you.
    If you say trouble trouble, trouble will double trouble you.
    If you say s(ease),trouble tumbles.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.