નવો રસ્તો – પ્રમિલા નાનિવડેકર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

એ સાચે જ સ્વાતિ હતી. બે-ત્રણ વાર મેં બરાબર ધ્યાનથી જોયું. ખરું જોતાં ‘ઈન્ડિયન કૉફી હાઉસ’ માં જઈને એને બરાબર ખબર પાડવાનો મારો વિચાર હતો. પણ સુનીલે કહ્યું : ‘ના, ના, જવા દે… આપણે વિચાર કરીને રસ્તો શોધી કાઢીશું. હજુ બહુ મોડું થયું નથી.’

સુનીલ સ્વાતિ કરતાં બે વર્ષ મોટો છે. પણ કેટલો શાંત ! કેટલી સમજણ છે એને ! કદાચ સ્વાતિ મારા પર ગઈ હશે. હા, લોકોની સામે નહીં, પણ મનમાં તો હું કબૂલ કરી જ લઉં કે મને સ્વતંત્રતા ગમે છે. કદાચ એ સ્વતંત્રતાને તમે સ્વચ્છંદતા પણ કહેશો, પણ મારું મન હમેશાં જીવનની મોજ માણવા માટે તલસતું હોય છે એ વાત સાચી. આખરે જિંદગી છે શા માટે ? આખો જન્મ શિસ્ત અને સંયમની બેડીઓ શા માટે ? શા માટે પિક્ચર, પિકનિક અને આનંદના બીજાં સાધનો પર નિયંત્રણ ? હવે ચાળીસની ઉંમરે મને જો આવું લાગે તો પછી સ્વાતિ તો… ઉંમર જ છે એની હવે… આ જ વિચારસરણીથી હું સ્વાતિને ટોકવાનું ટાળ્યા કરતી હતી. એના પિતાજી પણ જૂના વિચારના તો નથી જ; પણ કાચી ઉંમરે છોકરાંઓમાં શિસ્ત જોઈએ એ એમનો સિદ્ધાંત ખરો. અને એ પ્રમાણે એમણે સુનીલને કેળવ્યો છે.

હા, તો ઘણીવાર મેં કનોટ પ્લેસમાં હિપ્પી જોયા હતા. એ એમનાં કપડાં, એ બાબરી, ચાલવું ને બોલવું…. કંઈ જ મને ગમ્યું ન હતું. ‘આવી ગંદકીમાં શું સુખ મળતું હશે આ લોકોને ?’ એ જ પ્રશ્ન મને સતાવ્યા કરતો; તે પણ એમને જોતી ત્યારે જ. એ કરતાં વધુ મહત્વ મેં એમને આપ્યું ન હતું. કંઈ કારણ જ ન હતું ને ! પણ સ્વાતિને એ ટોળીમાં જોઈને મારું મન ઠેકાણે ન રહ્યું. છોકરી આપણા હાથમાંથી જવાની એ બીકે હું બેચેન થઈ ગઈ. મારી કેટલીયે બહેનપણીઓનાં છોકરાં જોતજોતામાં હિપ્પી બની ગયાં હતાં. ‘લેડિઝ કલબ’માં કેટલીયે વાર ચર્ચાઓ થઈ હતી, પણ કોઈ આ રોગ ઉપર ઉપાય શોધી શક્યું ન હતું. યુનિવર્સિટી હોસ્ટેલમાં તો એલ.એસ.ડી, ગાંજો વગેરે પણ ચાલતું એમ લોકો કહેતા.

એટલે જ તો સ્વાતિને પહેલેથી જ એના ભાઈ સુનીલ સાથે આવવા જવાની ટેવ પાડી હતી. હજુ સુધી સ્વાતિ પર મને વિશ્વાસ હતો. એ કરતાંયે સ્પષ્ટ કહું તો થોડું અભિમાન પણ હતું. હું સમજતી હતી કે મેં દીકરીને સારી કેળવણી આપી. છૂટ પણ આપી અને શિક્ષણ પણ અપાવ્યું. સ્વાતિને પણ ખબર કે, મા કેટલા પ્રેમથી, વિશ્વાસથી એનું બધું કામ કરે છે. એ બગડે નહીં…. પણ ગયા બે-ચાર મહિનાથી એના આચારવિચાર માં ઘણો ફેરફાર આવ્યો હતો. એની કડવાશ ધ્યાનમાં આવતા સુધી તો હું પણ નિશ્ચિંત જ હતી ને ?

એક દિવસ મેં એને કહ્યું : ‘ચાર-સાડાચાર સુધી તૈયાર રહેજે, હં સ્વાતિ ! આપણે કરોલબાગ જવાનું છે. થોડી ચીજોય લાવવી છે, અને પછી પેલા દેસાઈને…’
‘મારે નથી આવવું.’ વચમાં જ એણે તોછડાઈથી કહ્યું, ‘હું સુસી ફર્નાન્ડિઝને ત્યાં જવાની છું. મેં પહેલેથી જ કહ્યું છે.’
‘અરે, પણ ફોન કર એને… કહેજે કે…’
‘એ નહીં બને.’ મારી વાત વચમાં જ કાપીને એણે સંભળાવ્યું : ‘મારી ઘણી બહેનપણીઓ આવવાની છે. ડિસ્કશન કરવાનાં છીએ અમે….’ હું પણ પછી ચૂપ રહી. જવા દે. ‘મૂડ’માં નથી લાગતી. પણ સુનીલને કંઈ ગમ્યું નહીં. આજ સુધી અમે ચારે સાથે જવાના કાર્યક્રમોમાં આવાં વિઘ્નો ન હતાં… પણ સુનીલ કદાચ સમજી ગયો હતો. એણે પછી હઠ કરીને કરોલબાગનો કાર્યક્રમ રદ કરાવ્યો, અને અમે કનોટ પ્લેસ ગયાં. મોટા ભાઈ તરીકે સુનીલ એને વધારે સારી રીતે ઓળખતો હતો એ મને ત્યારે જ સમજાયું.

આમ તો અમારી સ્વાતિ સારી છે. બધાંની સાથે હળીમળીને રહે તેવી, મમતાળુ અને વાતોડિયણ. ભણવામાં જોકે બહુ હોશિયાર નથી, પણ ‘સ્માર્ટ’ છે. ઘરમાં એ ન હોય તો સૂનું સૂનું લાગે. પણ હમણાં એ જરા ચૂપચાપ જ રહેવા લાગી હતી. બહેનપણીઓ સાથે દુકાનમાં જઈને લુંગીઓ જેવા કપડાં લઈ આવી હતી. તે પણ એવાં લાલપીળાં ચોકઠાંવાળાં કે મને તો ગમે જ નહીં. પણ સ્વાતિ કહેતી : ‘આવી જ ફેશન છે હવે.’ અને એની બહેનપણીઓ પણ એવા જ વેશમાં દેખાતી. સ્વાતિ સુંદર તો નથી પણ એના વાળ અને એની આંખો જોતાં જ ગમી જાય એવાં છે. એને ‘બૉબ’ ગમતાં નહીં, બે ચોટલામાં જ તે હંમેશાં દેખાતી હતી, પણ હવે ? વાળ ખુલ્લા જ રાખતી, અને તે પણ તેલ વગર ! વાળ ધોવાનોયે કંટાળો. હવે અઢાર વરસની છોકરીને મા પણ કેટલું કહે ? આખો દિવસ પલંગ પર પડી રહેવાની એની ટેવ પણ નવી જ હતી. પહેલાં તો હું માનતી કે તબિયત ઠીક નહીં હોય પણ પછી…

સુનીલની આંખો બધું જ જોતી હતી. બહારની દુનિયામાં હરપળે થતા ફેરફાર એ જોતો હતો. સ્વાતિના સ્વભાવનું પરિવર્તન એને ક્યારનુંયે સમજાયું હોવું જોઈએ. એ મને પૂછ્યા કરતો : ‘મમ્મી, સ્વાતિ ક્યાં ગઈ છે ? હજુ કેમ આવી નથી ? એની ઓરડી કેમ ગંદી પડી છે ? સાફ કેમ કરતી નથી ?’ પણ એ વખતે મારા લેડીઝ કલબના કાર્યક્રમોમાં ને બીજા કામોમાં મને નવરાશ ન હતી. હું ટૂંકા જવાબ આપતી. અને સુનીલ ચૂપ થઈ જતો. પણ પછી તો એના મિત્ર પણ એને કંઈ કંઈ કહેવા માંડ્યા. કૉલેજના પિરિયડમાં ગુલ્લો મારીને હોસ્ટેલમાં જતી સ્વાતિ, એનો બદલનારો મિત્રપરિવાર, એ બધાં તરફ નાપસંદગી દર્શાવવા લાગ્યાં. અને સુનીલે પણ બેચાર વાર સ્વાતિને એવા લોકો સાથે જોઈ. એક-બે વાર એ બસડ્રાઈવર સાથે ઝઘડી, ત્યારે એને ચૂપ કરવાનો પ્રત્યન સુનીલે કર્યો તો બધાંની સામે એને જ સંભળાવી દીધું અને બસમાંથી નીચે ઊતરી ગઈ. સુનીલ માટે એને અભિમાન હતું, પણ હવે એ કૉલેજમાં સુનીલને ટાળતી જ. ઘેર પણ મોડેથી આવતી… તે દિવસે કનોટ પ્લેસથી પાછાં ફરતાં સુનીલે મને આ બધું કહ્યું.

સુનિલના પિતાજી તો મૌન ધારીને જ બેઠા હતા. પણ ઘેર આવતાં જ એમણે મને પૂછ્યું :
‘શો વિચાર છે હવે ?’
‘વિચાર કેવો વળી ? મેં ગુસ્સામાં જ કહ્યું : ‘કાલથી એને પૂરી રાખું છું ઘરમાં. જોજો ને !’
એ હસી પડ્યા : ‘રાણી સરકાર ! તમારો જમાનો ગયો. હવે કંઈ એવું બધું ચાલે નહીં. વિચાર્યા વગર કંઈ કરશો તો, દીકરી ગુમાવશો.’ પછી અમે બધાંએ પોતપોતાના વિચાર તપાસ્યા, એનાં પરિણામોની કલ્પનાઓ કરી જોઈ. આખરે સુનીલ અને એના પિતાજી એક તરફના નીકળ્યા, મારે એમને મદદ કરવી જ રહી. સુનીલ અમારો ‘લીડર’ હતો. એ કહે એ પ્રમાણે અમારે કરવાનું હતું, અને સ્વાતિને તો ખબર પડવા દેવાની ન હતી. ‘ચાલો, હવે નવી પેઢીનો નવો રસ્તો…’ મેં મનમાં કહ્યું, ‘પણ આ બાબતમાં જો આ નવું લોહી ભૂલ કરશે તો સુધારવા માટે વખત ક્યાં છે ?’ છતાંયે મારા કરતાં સુનીલ એની બેન સ્વાતિને સારી રીતે જાણતો હતો, એ સત્ય હું સમજતી હતી. એટલે જ આશા હતી ! હવે અમારું મિશન શરૂ થયું…. ‘ઑપરેશન સ્વાતિ !!’

બીજા દિવસથી ધીરે ધીરે અમારા ઘરમાં ફેરફાર થવા લાગ્યા. રસોઈયો રજા પર ગયો, અને મને મદદ કરવા માટે સ્વાતિને કો’ક કો’ક વાર રસોડામાં આવવાની જરૂર પડવા લાગી. સુનીલની ઓરડીમાં ભગવાનની સ્થાપના થઈ અને સવારે અગરબત્તીની સુવાસ સાથે અમને ભજનો સંભળાવા લાગ્યાં. ‘હંબગ’ કહીને મોં મચકોડનારી સ્વાતિને પણ કો’કવાર ભાઈ માટે ચંદન ઘસી આપવાનું કે દિવેટ કરવાનું કામ કરવું જ પડતું. બીજી તરફ સુનીલના મિત્રોની અવરજવર વધી. એમની ચર્ચાઓમાં-હસવામાં સ્વાતિ પણ ખેંચાવા લાગી. ક્યારેક એમને સ્વાતિના હાથનાં બટાકાવડાં વગર સાંજ ફિક્કી લાગવા માંડી, તો ક્યારેક એ લોકો જ સ્વાતિની મદદથી રસોઈનો કબજો લેવા લાગ્યા.

એના બાપુજીનો ફરવા જવાનો શોખ જાગૃત થયો અને રોજ રાત્રે જમ્યા પછી અમે ચારે દિલ્લીના સુંદર રસ્તા ઉપર ફરવા જવા લાગ્યા. એ વખતે ગપ્પાં, અંતકડી, વાંચેલી સારી વાર્તાઓના ખજાના ઊઘડવા લાગ્યા. મેં ‘લેડિઝ કલબ’ છોડ્યું અને ઘરમાં જ ભરવાગૂંથવાના કે બીજા કામોમાં ચિત્ત પરોવ્યું. મને નવી ડિઝાઈનો શોધી આપવામાં સ્વાતિને રસ પડવા માંડ્યો…અને….અને….. ધીમે ધીમે અલીબાબાની જાદુઈ ગુફાઓના દરવાજા ખૂલ્યા. સ્વાતિ બદલાવા લાગી. ઘરમાં એને રસ પડવા લાગ્યો. બહારનું આકર્ષણ ઓછું થયું. ‘બાપુજી માટે સ્વેટર બનાવું ?’… ‘પડદા નવા સીવવા પડશે’ જેવાં વાક્યો એને મોઢે સાંભળીને હું હરખાવા માંડી.

આ દિવાળીમાં સુનીલે એને ભેટમાં ઑંકારનાથની મોટી રેકર્ડ આપી. અમારા ઘરમાં હવે પૉપ મ્યુઝિક અને સિનેસંગીતના કોલાહલને બદલે ‘અસલ’ શાસ્ત્રીય સંગીત ગૂંજવા લાગ્યું. સ્વાતિને પણ કો’ક વાર ગાવાની ચાનક ચઢવા લાગી. અને એકવાર તો, સવારમાં રેડિયો પર આવતું મીરાંબાઈનું ભજન લખી લેતાં મેં એને મારી પોતાની આંખે જોઈ ! હવે એની બહેનપણીઓ બદલાઈ છે. જરા ‘નરમ’ લાગતી બહેનપણીઓ આજકાલ અમારા ઘરમાં દેખાય છે….. આ પરિવર્તન જોઈને મને આગળનો નવો રસ્તો ચોખ્ખો દેખાય છે. સુનીલ અને એના બાપુજીએ શોધેલો એ રસ્તો બરાબર છે, એ હવે મને સમજાય છે.

આજકાલનાં સ્ત્રી-સ્વતંત્રતાનાં ગપ્પાં થોડે અંશે ઠીક હોય, તો પણ સ્ત્રી અને પુરુષ બન્નેને ઘરનાં કેટલાંક બંધનો આવશ્યક છે, અને જોખમી ઉંમરમાં તો એ જરૂરી જ છે. નહીં તો, જોરથી બદલાનારા સમાજના પ્રવાહમાં આપણાં સંતાનો ક્યાં વહી જશે તે ખબર નહીં પડે. એમના વિચારોની હોડી દિશાહીન હોય છે. ધ્યેયનું શઢ હજુ બરાબર ખોલાયું નથી હોતું, અને ઘરનાં જાણકાર માણસો જો સુકાન પણ છોડી દે તો આ નવી પેઢીની દશા શી થશે ? મને સ્વતંત્રતા ગમે છે, મેં તમને અગાઉ કહ્યું જ. પણ બહારના આકર્ષણ કરતાં, ઘરની મોહિની જોરદાર જોઈએ, તો જ ભવિષ્યની કંઈ આશા કરી શકાય.

સ્વાતિને આ ખબર નથી. હજુ એને કહેવાની જરૂર પણ નથી ને ! એટલી જવાબદારી માટે હજુ જરા વાર છે. પણ હાં…. હવે હું એને માટે સારું ઘર-વર શોધું છું. તમારી નજરે કોઈ ચઢે તો જરૂર જણાવજો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આસ્થા – હરિભાઉ મહાજન
આ જિંદગી ભૂલપ્રધાન – રતિલાલ બોરીસાગર Next »   

17 પ્રતિભાવો : નવો રસ્તો – પ્રમિલા નાનિવડેકર

 1. nayan panchal says:

  “જોરથી બદલાનારા સમાજના પ્રવાહમાં આપણાં સંતાનો ક્યાં વહી જશે તે ખબર નહીં પડે. એમના વિચારોની હોડી દિશાહીન હોય છે. ધ્યેયનું શઢ હજુ બરાબર ખોલાયું નથી હોતું, અને ઘરનાં જાણકાર માણસો જો સુકાન પણ છોડી દે તો આ નવી પેઢીની દશા શી થશે ? ”

  સરસ વાર્તા.

  બાળક જ્યારે બાલ્યાવસ્થામાથી કિશોરાવસ્થામા અને પછી યુવાવસ્થામા પ્રવેશે છે ત્યારે શારિરીક અને માનસિક રીતે થતા ફેરફારોને લીધે વાણી, વર્તન, શોખ બધુ બદલાવા માંડે છે અને કોઈપણ વ્યક્તિના જીવનમાં આ તબક્કો તેના બાકીના જીવન માટે ખૂબ critical હોય છે.

  જો મા-બાપ સંતાન પર જોહુકમી કરવા જાય તો તેનાથી વસ્તુ સુધરવાને બદલે વધારે બગડી જાય છે. તેમના guide બનીને માર્ગદર્શન આપો, પરંતુ પસંદગી તેમને પોતાને કરવા દો. આખરે તો સંતાનો પણ પોતાનુ હિત જ ઇચ્છતા હોય છે.

  નયન

 2. Dr. Mukesh Pandya says:

  સમાજ સુધારણાનો પહેલો પાયો.

 3. ફેમિલી નો સહકાર વ્યક્તિના ઘડતરમાં કેટલો અને કેવો ભાગ ભજવી શકે એનો ઉત્તમ દાખલો .. !!!

  ખુબ આભાર ..

 4. Dhaval B. Shah says:

  ખુબ જ સરસ વાર્તા.

 5. jahnavi mehta says:

  ખુબ જ સાચી વાર્તા,
  ઘરના સભ્યોનુ વર્તન અને વ્યવહાર બાળમાનસ પર અસર કરે છે. મારી પોતાની વાત કરુ તો, મારો બાળપણમા જિદ્ સ્વ્ભાવ હતો. પણ મારા માતા-પિતાના તેમની જિન્દગી તરફ્ના વલણને જોઇને હુ એક વાત શિખિ કે કશુક જતુ કરિને કે બિજાને આપિને જે મળે છે, તે જિદ કરિને મેળવેલ ચિજ કરતા મુલ્યવાન છે.
  તેમના પ્રેમ ને કારણે મારા વહાણને પણ દિશા મળી. અને હુ ખુબ પ્રગતિ કરી શકી.
  બધુ મેળવવાની જિદ છોડીને ઘણુ બધુ મેળવી શકી.

 6. Shamita Shah says:

  ખુબ જ સાચુ ઉદાહરન. આજ ના દરેક મા બાપ એ સ્વીકારવા અને સમજવા જેવી વાત.

 7. Ambaram K Sanghani says:

  પ્રમિલાબહેન,

  બહુ જ સુંદર લેખ; ખૂબ ખૂબ આભાર.

  શબ્દો ક્યારેક પાંગળા પૂરવાર થાય છે, પણ સુધારાની શરુઆત પોતાનાથી કરીએ તો ધારી અસર પડશે જ. બાળકથી તે મોટા સુધી સૌને એ દેખાશે અને સમજાશે.

  જો Stephen Covey નું Seven Habits of highly effective people પુસ્તક વાંચશો તો તેમાં પણ આવા ઉદાહરણો મળશે.

  મ્રુગેશભાઈનો પણ આભાર.

 8. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા.

 9. pragnaju says:

  “એમના વિચારોની હોડી દિશાહીન હોય છે. ધ્યેયનું શઢ હજુ બરાબર ખોલાયું નથી હોતું, અને ઘરનાં જાણકાર માણસો જો સુકાન પણ છોડી દે તો આ નવી પેઢીની દશા શી થશે ?” વધારે પડતી ફિકરને બદલે મા-બાપ પ્રેમ રાખે અને પોતાના વર્તનથી દાખલો બેસાડે તો “જોરથી બદલાનારા સમાજના પ્રવાહમાં આપણાં સંતાનો ક્યાં વહી જશે તે ખબર નહીં પડે ” એવું નહીં થાય તેવો વિશ્વાસ રાખો

 10. Nilesh says:

  સરસ વાર્તા!

 11. DHARA says:

  Really it’s true story.

 12. rita saujani says:

  If every teenager’s parents approach this stage in the same manner, the society will have high standard of life!

 13. Rajni Gohil says:

  બળથી જે કામ ન થાય તે કળથી થાય. સ્વાતી જેવા પ્રોબ્લેમ ઘણાને હશે તેમને આ વાર્તા પરથી માર્ગદર્શન જરુર મળી રહેશે. હિંમત રાખીને આત્મવિશ્વાસથી જો કામ કરીએ તો નવો રસ્તો જરુરથી મળી રહે છે. Basically divinity is in all human beings, we just need to draw it out. When there is a will there is a way.

  Nice and helpful story. Hope many people will find the solution the way Sunil did.

 14. Rajni Gohil says:

  બળથી જે કામ ન થાય તે કળથી થાય. સ્વાતી જેવા પ્રોબ્લેમ ઘણાને હશે તેમને આ વાર્તા પરથી માર્ગદર્શન જરુર મળી રહેશે. હિંમત રાખીને આત્મવિશ્વાસથી જો કામ કરીએ તો નવો રસ્તો જરુરથી મળી રહે છે.

  Basically divinity is in all human beings, we just need to draw it out. When there is a will there is a way. Character is most important thing in our life.

  Nice and helpful story. Hope many people will find the solution the way Sunil did.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.