- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આ જિંદગી ભૂલપ્રધાન – રતિલાલ બોરીસાગર

જીવન શું છે, શા માટે છે એ અંગે પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને આજ સુધીના અનેક તત્વચિંતકોએ જાતજાતનું ચિંતન કર્યું છે. ચિંતનના અનેક ગ્રંથો લખાયા છે. આ બધું વાંચવાને કારણે મારા એક સ્નેહી હસવાનું ભૂલી ગયા છે. ગંભીર વાચનને પરિણામે અમારા બીજા એક સ્નેહીના કેટલાક વાળ વહેલા જતા રહ્યા છે ને જે રહ્યા છે તેનો કાળો રંગ જતો રહ્યો છે. એક સ્વજન કોઈ પણ પ્રશ્ન આવે છે ત્યારે એ અંગે ઉપનિષદોમાં શું કહ્યું છે, ગીતામાં શું કહ્યું છે, સોક્રેટિસે શું કહ્યું છે, રસેલે શું કહ્યું છે, વિવેકાનંદનો આ અંગે શો મત છે, ગાંધીજી હોત તો આ પ્રશ્નનો કઈ રીતે વિચાર કરે એમ વિચારી પ્રશ્નનો ઉત્તર શોધવા મથે છે. પરિણામે પ્રશ્ન ને પોતે – બંને વધારે ગૂંચવાઈ જાય છે.

મેં એકવાર એમને મજાકમાં કહ્યું : ‘ચામાં મસાલો નાખવા અંગે રોમાંરોલાનો શો મત છે તે જાણો છો ?’ આ સાંભળીને એમણે તરત ડાયરી ને પેન કાઢ્યાં અને કહ્યું : ‘બોલો, શો મત છે ?’ આ બધા સ્નેહીઓની દશા જોઈ મેં નક્કી કર્યું છે કે જીવન વિશે કદી ચિંતા કે ચિંતન કરવાં નહિ. જીવન જીવવું – આનંદથી જીવવું. એટલે જિંદગી વિશે આ પ્રશ્ન આવ્યો ત્યારે હું થોડો મૂંઝાઈ ગયો પણ પછી ખ્યાલ આવ્યો કે આમાં ચિંતન કરીને લખવાનું એ આપણા પોતાના જીવનના સંદર્ભમાં જવાબ આપવાનો છે એટલે થોડી રાહત થઈ.

મારી પોતાની જિંદગી ભૂલપ્રધાન છે એવું મને કોઈક વાર ને મારાં સ્વજનોને ઘણી વાર લાગ્યું છે. બહુ વિચાર કરીને ખોટા નિર્ણયો લે એ વ્યક્તિ બુદ્ધિમાન હોય એવું કહેવાય છે. ચા પીવાના, વહેલા સૂઈ મોડા ઊઠવાના, બસને બદલે રિક્ષામાં જવાના, સારું ને ઝાઝું જમવાના, ગપ્પાં મારવાના – આવા વિચારો હું કરી શકું છું ખરો. આવા વિચારોને બને એટલા જલદી અમલમાં મૂકી વિચાર ને વર્તનની એકવાક્યતા પણ સિદ્ધ કરું છું પરંતુ એ સિવાય વિચાર કરવાની વૃત્તિ કે પ્રવૃત્તિથી મારું મગજ ઘણું દૂર રહે છે. એટલે હું બુદ્ધિપ્રધાન વ્યક્તિ નથી. મારી કોઈ વાત સાથે સંમત ન થનારા પણ મારા અભિપ્રાય જોડે બિલકુલ સંમત છે. પણ ખોટા નિર્ણયો હું બહુ ઝડપથી કરી શકું છું એટલે ભૂલપ્રધાન વ્યક્તિ હોવાનો દાવો હું જરૂર કરી શકું. મુશ્કેલી એટલી છે કે મારી ભૂલોની મને જલદી ખબર પડતી નથી. મોટે ભાગે બીજા જ મને મારી ભૂલોની સમજણ આપે છે. અભ્યાસ, નોકરી ને લગ્ન – માનવજીવનનાં સૌથી અગત્યનાં ક્ષેત્રો છે. આ ત્રણેય ક્ષેત્રે મેં ભૂલોની પરંપરા સર્જી છે. આ ભૂલો યાદ કરું છું ત્યારે મારું મન એકદમ ફ્રેશ થઈ જાય છે. મારા જીવનને આનંદદાયક બનાવવામાં મારી ભૂલોનો ઘણો મોટો ફાળો છે. આ ભૂલોથી કંઈ પીડા ભોગવવી પડી હોય તો બીજાઓએ ભોગવી છે.

કૉલેજમાં માત્ર એક વર્ષ નોકરી કરી હું પ્રાથમિક શાળામાં શિક્ષક થઈ ગયો. ભણવાની જંજાળમાંથી છૂટવાને કારણે હું આનંદમાં મારા દિવસો વ્યતીત કરતો હતો ત્યાં બધાએ મને સમજાવ્યું કે તમે અભ્યાસ છોડીને ઘણી મોટી ભૂલ કરી છે માટે હજુ ભણવાનું ચાલુ કરો. લોકોની વાતમાં હું ફસાયો. એકલવ્યની જેમ મેં એક્સટર્નલ અભ્યાસ શરૂ કર્યો. ઈન્ટર આર્ટસમાં પહેલે વર્ષે લાગ્યું કે આ જ વર્ષે પરીક્ષા આપીશ તો પ્રથમ વર્ગ નહીં આવે. મારા જેવો તેજસ્વી કારકિર્દી ધરાવતો વિદ્યાર્થી બીજા વર્ગમાં પાસ થાય તે યુનિવર્સિટી માટે સારું ન કહેવાય એમ માની મેં ડ્રોપ લીધો. પછીના વર્ષે પરીક્ષા આપી. એ જમાનામાં પરીક્ષકોને પેપરો બરાબર વાંચી માર્કસ આપવાની કુટેવ હતી. મારા હસ્તાક્ષર ઘણા સારા એટલે મેં જે કંઈ લખ્યું હતું તે પરીક્ષકોને બરાબર વંચાયું. પરિણામે હું ત્રીજા વર્ગમાં પાસ થયો – એક વિષયમાં તો નાપાસ થતાં થતાં રહી ગયો. પછી મારા મિત્રોએ સમજાવ્યું કે ડ્રોપ લીધો એ ભૂલ હતી. સારા માર્કસે પાસ થવું હોય તો ડ્રોપ લેવાનું બંધ કરી કાં અક્ષરો બગાડ ને કાં વાંચીને આંખો બગાડ (પરીક્ષામાં સારા માર્કસ મેળવવાના આધુનિક ઉપાયોથી એ જમાનાના લોકો તદ્દન અજ્ઞાન હતા.)

અક્ષરો બગાડવાનું કે વાંચીને આંખો બગાડવાનું મારાથી બની શક્યું નહિ, પણ ડ્રોપ લેવાની ઉજ્જવળ પરંપરા મેં ચાલુ રાખી, એટલું જ નહિ એ પરંપરાને અધિક ઉજ્જવળ બનાવી. ઈન્ટરમાં એક વાર ડ્રોપ લીધો હતો તેની સંખ્યા બમણી કરી, બી.એ. અને એમ.એ.માં બબ્બે વાર ડ્રોપ લીધા. (મારા મિત્રો મને એમ.ડી. – માસ્ટર ઑફ ડ્રોપ કહેતા.) પી.એચ.ડી.માં ત્રણ વાર રજિસ્ટ્રેશન કેન્સલ થયું છે ને ચોથી વાર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. (યુનિવર્સિટીના મકાનની એકાદ દિવાલ મારી ફીમાંથી બની હશે.) મારા ચોથી વારના ગાઈડ ચૌદ વર્ષે પી.એચ.ડી. થયા છે. હું જે ગતિએ અભ્યાસ કરું છું તે જોતાં પી.એચ.ડી થતાં મને વીસેક વર્ષ લાગશે એવો એમને ભય છે. વિદ્વત્તાથી હું મારા ગુરુને પરાજિત કરી શકું એમ નથી, પણ સમયાવધિના મુદ્દા પર હું એમની કારકિર્દી ઝાંખી પાડી દેવાની મહત્વાકાંક્ષા સેવું છું. શિષ્યથી પરાજિત થવામાં ગુરુને આનંદ થાય એવી ભારતીય પરંપરા છે. હું ભલે આ રીતે પણ ગુરુને અપાર આનંદ આપી શકીશ એવી મને આશા છે. આજીવન વિદ્યાર્થી રહેવાના મને પાર વિનાના લાભો થયા છે. સ્કૂલમાં ભણતો ત્યારે ઘરકામ ન કરવું પડે માટે હું લેસન કર્યા કરતો. વડીલો આને મારો વિદ્યાપ્રેમ સમજી મને ઘરકામમાંથી મુક્તિ આપતા. આ યુક્તિ મેં આજ સુધી ચાલુ રાખી છે. આના કારણે રાજકુળમાં ન જન્મ્યો હોવા છતાં એશઆરામવાળી જિંદગી જીવી શક્યો છું.

પ્રાથમિક શાળામાં શિક્ષક હતો ત્યારે મને પોસ્ટઑફિસમાં કલાર્ક તરીકે નોકરી મળી. મારા પગારમાં એ જમાનામાં એક ધડાકે ચાળીસ રૂપિયાનો માતબર વધારો થતો હતો તેથી મેં એ નોકરી સ્વીકારી લીધી. પોસ્ટઑફિસમાં મેં છ મહિના નોકરી કરી. ‘આતંકવાદ’ જેવો શબ્દ ભારતની કોઈ ભાષામાં નહોતો તે જમાનામાં મેં મારી નાનકડી પોસ્ટઑફિસમાં આતંકવાદ ફેલાવી દીધો હતો. ટ્રેનિંગ પૂરી થઈ ને રીતસરની નોકરી શરૂ થઈ એના પહેલા જ દિવસે મેં મનીઓર્ડરની મૂળ અને એની નકલ એમ બે પહોંચ ફાડીને કોઈને આપી દીધી ! એ યુગમાં મનીઓર્ડરની એક ઓરિજિનલ અને બે નકલ એમ ત્રણ પહોંચો બનાવાતી. ટ્રેનિંગ દરમિયાન હું ક્યારેક આ શીખ્યો પણ હોઈશ. પણ કર્ણ જે કંઈ વિદ્યા શીખ્યો હતો તે ખરે સમયે ભૂલી ગયો તેમ હું મનીઓર્ડરની પહોંચ ફાડતી વખતે, કોઈનો શાપ ન હોવા છતાં, શીખેલું ભૂલી ગયો. ઈસ્યૂ થયેલાં મનીઓર્ડર ચેક કરતી વખતે પોસ્ટમાસ્ટરનું ધ્યાન ગયું ને સુદર્શનચક્ર લઈ ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પર ધસી આવ્યા હતા એમ એક હાથમાં મનીઓર્ડર રજિસ્ટર લઈ મારા પર ધસી આવ્યા : ‘જેલમાં જવું છે !’ એમણે પૂછયું. ‘ના સાહેબ, અહીં ઠીક છે.’ મેં કહ્યું. વસમી પળોમાં પણ મજાક કરી શકવાની મારી શક્તિની કદર કરવાને બદલે એ વધારે ગુસ્સે થયા. આખરે બે-ત્રણ કારકુનો પણ પોસ્ટમાસ્તરની સહાયમાં જોડાયા ત્યારે હું સમજી શક્યો કે મેં એકને બદલે બે રસીદ આપી દીધી હતી, જે ગુનાસર ‘જેલયોગ’ની શક્યતા ઊભી થતી હતી. પોસ્ટઑફિસના કાયદા જેણે બનાવ્યા એને ખ્યાલ હશે કે વીસમી સદીના અર્ધા રસ્તે મારી સેવાઓ પોસ્ટખાતાને મળવાની છે એટલે એમણે અગમચેતી વાપરીને મનીઓર્ડર ફોર્મમાં મનીઓર્ડર કરનારનું સરનામું લખવાની પ્રથા પાડી હશે. મનીઓર્ડર ફોર્મની મદદથી અમે એનું ઘર શોધી કાઢ્યું. પણ એ માણસ તો આદર્શ નાગરિક હતો. પોતે જે મનિઑર્ડર કર્યું છે તે પહોંચી જ જવાનું છે એવી એને અટલ શ્રદ્ધા હતી એટલે એણે રસ્તામાં જ પહોંચોં ફાડી નાખેલી. સરકારી તંત્રમાં એક ભારતીય નાગરિકની અટલ શ્રદ્ધા જોઈ મને અત્યંત આનંદ થયો. પણ પોસ્ટમાસ્તર ગભરાઈ ગયા. એમણે ડિવિઝનલ સુપરિટેન્ડન્ટને અર્જન્ટ કૉલ કરી આ વિષમ પરિસ્થિતિની જાણ કરી. પછી આ પરિસ્થિતિ કેવી રીતે હલ કરવામાં આવી તેની મને કંઈ ખબર પડી નહિ, પરંતુ મને ગંભીર ચેતવણી મળી. અલબત્ત, આ પ્રસંગથી આખા ડિવિઝનમાં મારી કીર્તિ ફેલાઈ ગઈ. મારી બદલી પોતાની પોસ્ટઑફિસમાં ન થાય તે માટે ડિવિઝનના દરેક પોસ્ટમાસ્તર લાગવગ લગાડવા માંડ્યા એટલો ગભરાટ મેં ફેલાવી દીધો. ટપાલખાતાને આ પ્રસંગથી ઘણો લાભ થયો એમ હું માનું છું. મનીઓર્ડરની ત્રણ ને બદલે બે પહોંચો કરવાનો ફાયદો થયો છે. આ સુધારાનો યશ મને જાય છે એમ હું માનું છું.

નોકરીની શરૂઆતના તબક્કે જ મને ગંભીર ચેતવણી મળી છતાં ભૂલો કરવાની મારી વૃત્તિ ને પ્રવૃત્તિમાં ખાસ ફરક ન પડ્યો. મારા કામ ઉપરાંત બીજા મિત્રોને મદદ કરવા હું સદાય તત્પર રહેતો. પણ મિત્રો મારી મદદ લેતાં ખૂબ જ ગભરાતા. હું મદદ ન કરું એને જ એ સૌથી મોટી મદદ ગણતા; પણ પોસ્ટમાસ્તર તો દરેક કામના અર્ધા ભાગીદાર રહેતા. એટલે મારી સાથે જોડાયેલા રહેવા સિવાય એમનો છૂટકો નહોતો. સાંજે બધા છૂટી જાય પણ હું ને પોસ્ટમાસ્તર હિસાબ મેળવ્યા કરતા. રાતના સાડા આઠ-નવ વાગ્યાનું તો સામાન્ય હતું, પરંતુ મહત્તમ રેકોર્ડ રાતના સાડાત્રણનો નોંધાયેલો. દેશની વધુમાં વધુ સેવા કરવાની તક મને તો મળી જ, પણ મારે કારણે મારા પોસ્ટમાસ્તરને પણ મળી. અલબત્ત, પોસ્ટમાસ્તર આની જોઈએ એવી કદર કરી શક્યા નહોતા. તેઓ તો એકદમ ગભરાઈ ગયા હતા. થોડા થોડા વખતે એમની તબિયત બગડવા માંડતી. રાત્રે ઊંઘમાં ‘આ છોકરો મારી નોકરી ખોવરાવશે, આ છોકરો મને જેલમાં નખાવશે.’ એમ બબડતા. ધીમે ધીમે એમને અનિદ્રાનો રોગ લાગુ પડ્યો. બધા મને કહેવા લાગ્યા કે ‘તમારે કારણે એમની નોકરી તો કદાચ નહિ જાય, પણ પોતે જરૂર જતા રહેશે.’ પોસ્ટમાસ્તરનાં પત્ની મારા ગામનાં હતાં – એ નાતે હું એમને ફોઈ કહેતો. ફોઈનું સૌભાગ્ય અખંડ રાખવા આખરે મેં પોસ્ટઑફિસમાંથી રાજીનામું આપી દીધું.

મારા રાજીનામાથી મારા પોસ્ટમાસ્તર તો ભયમુક્ત થયા જ, પણ ‘આ છોકરો મારી ઑફિસમાં આવશે તો મારું શું થશે.’ એ ખ્યાલે ફફડતા ડિવિઝનના દરેક પોસ્ટમાસ્તરે નિરાંતનો અનુભવ કર્યો. ‘Service before self’ પોસ્ટઑફિસનું સૂત્ર છે. પોસ્ટઑફિસની નોકરી કરી એ દરમિયાન આ સૂત્ર મેં મારા જીવનમાં તો ઉતાર્યું જ, પણ મારા પોસ્ટમાસ્તરે પણ આ સૂત્રનો ખરો અમલ મારા કારણે જ કરેલો. મેં જો લાંબો કાળ પોસ્ટઑફિસની નોકરી કરી હોત તો મારા કોઈ પોસ્ટમાસ્તર (જો એ ગાંડા ન થઈ ગયા હોત તો) પદ્મવિભૂષણના ઈલકાબથી વિભૂષિત થયા હોત એમાં મારા મનમાં કોઈ શંકા નથી.)

જીવનનું ત્રીજું મહત્વનું ક્ષેત્ર લગ્ન છે. મારા મોટા ભાઈએ લગ્ન માટે અનેક કન્યાઓ જોયેલી. ઝાઝી કન્યાઓને જોઈ એ એવા ગૂંચવાઈ ગયેલા કે જલદી નિર્ણય કરવાનું એમને માટે મુશ્કેલ બની ગયેલું. આ કારણે એ ઠીકઠીક મોટી ઉંમર સુધી ‘તૂ છૂપી હૈ કહાં ?’ ગાતાં ભાભીને શોધતા રહ્યા. છેવટે જે સૌ પહેલી કન્યા જોયેલી તેની સાથે જ એમનાં લગ્ન થયાં. મોટાભાઈની ભૂલમાંથી બોધ ગ્રહણ કરવાનો મેં નિશ્ચય કર્યો. પ્રાચીન કાળમાં રાજકુમારીઓનાં લગ્ન માટે એક પદ્ધતિ હતી. સવારના દરવાજે ઊઘડતાં જે પુરુષ પહેલો પ્રવેશ કરે તેના પર દરવાજે ઊભેલી હાથીણી કળશ ઢોળતી અને એ સદભાગી પુરુષ રાજકુમારીનું પાણિગ્રહણ કરતો. નબળી આર્થિક સ્થિતિને કારણે હું સ્ટેનલેસ સ્ટીલનો કળશ પણ વસાવી શકું તેમ નહોતો એટલે હાથણી વસાવવાનું ને એ કોઈ કન્યા પર કળશ ઢોળે ત્યાં સુધી એનું મેનટેનન્સ ચલાવવાનું તો મારા માટે શક્ય જ નહોતું. એટલે જે કન્યાની ઑફર પહેલાં આવે એને ભાર્યાપદે સ્થાપી દેવાનું મેં નક્કી કર્યું અને એનો વિનાવિલંબે અમલ કર્યો. મારી અનન્ય નિષ્ઠાથી પત્ની પ્રભાવિત થઈ જશે એમ મેં માનેલું. જીવનના આ મહત્વના ક્ષેત્રે ભૂલરહિત કદમ ઉઠાવ્યા બદલ હું મગરૂરી અનુભવતો હતો. પણ મારી આ મગરૂરી બહુ લાંબું ન ટકી. પત્ની સાથે આત્મીયતા બંધાઈ એટલે એણે જીવનના અત્યંત મહત્વના ક્ષેત્રે આવું ઉતાવળીયું પગલું ભરવા બદલ મને ઠપકો આપ્યો. મેં કહ્યું : ‘એમ કર્યું એટલે તો આપણે મળી શક્યા’
તેણે કહ્યું : ‘એટલે તો કહું છું, તમે બીજી કન્યાઓ જોવાનું ચાલુ રાખ્યું હોત તો હું બચી જાતને !’