- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાવાઝોડું – યશવંત કડીકર

[‘કિશોર હાસ્યકથાઓ’ પુસ્તકમાંથી પ્રસ્તુત બાળવાર્તા સાભાર.]

એક ગામમાં એક ડોશી રહેતી હતી. એમને એક દીકરો હતો. એક દિવસ એમનો દીકરો ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં ગયો. ત્યારે આકાશમાં કાળાં વાદળો ઘેરાયાં. જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને વા-વંટોળ ઉમટ્યો. ડોશીએ આ જોયું તો એણે છોકરાંને બૂમ પાડતાં કહ્યું : ‘મોટું વાવાઝોડું આવી રહ્યું છે. ઘેટાં-બકરાં લઈને ઘેર પાછો આવ.’

ઝાડીમાં ઘેટા-બકરાંની તાકમાં બેઠેલો વાઘ ડોશીનો અવાજ સાંભળીને ચમક્યો. વિચારવા લાગ્યો – આ વાવાઝોડું વળી શું બલા છે ? જંગલમાં એક એકથી ચઢિયાતાં ખૂંખાર અને બળવાન જાનવરો તો છે પણ વાવાઝોડાનું નામ કદી સાંભળ્યું નથી. હવે આ કઈ વસ્તુ જંગલમાં આવી છે. જરૂર આ કોઈ ખતરનાક વસ્તુ હશે. આમ વિચારીને વાઘ મનોમન ડરી ગયો અને વાવાઝોડાના મારથી બચવા માટે ચૂપચાપ ઝાડીમાંથી નીકળી ઘેટાં-બકરાંમાં ભળી ગયો.

થોડી વારમાં છોકરો ઘેટાં-બકરાંને લઈને ઘેર પાછો આવ્યો અને એમને વાડામાં બંધ કરી દીધાં. એના ઘેર આવતાં વરસાદ પણ શરૂ થઈ ગયો. આંધી-વરસાદ અને તોફાનનું જોર જામ્યું. ત્યારે ચોરને ચોરી કરવાનું મન થયું. આ મોકો છે. વિચારીને તે અર્ધી રાતના ડોશીના વાડામાં ઘૂસી ગયો અને ઘેટાં-બકરાંને ફેંદવા લાગ્યો. તે એક તાજા-માજા બકરાને ચોરી જવા માગતો હતો. અચાનક એના હાથમાં વાઘની ગરદન આવી ગઈ. ચોરે વિચાર્યું કે આજ સૌથી તગડો માલ છે. સાચવીને એના ગળામાં દોરડું બાંધી દીધું અને એને ખેંચીને બહાર લાવ્યો. વાઘને થયું કે હવે એની ખેર નથી. તોફાને એને અહીં પણ ન છોડ્યું. તે ભયથી ધ્રૂજતો ચૂપચાપ એની પાછળ ચાલવા લાગ્યો. અંધારી રાતમાં તે વાઘને લઈને દૂર નીકળી ગયો. સવાર થતાં અજવાળામાં એણે જોયું કે બકરાની જગ્યાએ તે વાઘને બાંધીને લઈ આવ્યો છે. તે ડરના માર્યા એ ગભરાઈ ગયો અને વાઘને ત્યાં જ મૂકીને એ ભાગી નીકળ્યો અને નજદીકના એક ઝાડના પોલાણમાં છૂપાઈ ગયો.

એના હાથમાંથી છૂટીને વાઘ પણ જંગલની તરફ ભાગ્યો. જંગલમાં એને ગભરાઈને ભાગતો જોઈને રીંછે એને રોકીને પૂછ્યું : ‘વાઘ રાજા, આજ આટલા ઝડપથી ક્યાં દાવ મારવા નીકળ્યા છો ?’ રીંછને જોઈ વાઘના જીવમાં જીવ આવ્યો. હાંફતાં હાંફતા તે બોલ્યો : ‘શું કહું કાળિયા રાજા ! હવે આ જંગલમાં આપણી દાળ નહિ ગળે. હવે અહીં એક ભયાનક જાનવર આવી પહોંચ્યું છે. એનું નામ વાવાઝોડું છે. મને લાગે છે કે એ આ જંગલમાં કોઈને રહેવા નહિ દે. એની જાળમાંથી માંડ બચીને ભાગી આવ્યો છું. જો મારા ગળામાં એના હાથનું બાંધેલું દોરડું છે. એ એવું ખતરનાક છે કે ગળેથી પકડીને જ સૌને કાબૂમાં રાખે છે.’

વાઘની વાત સાંભળીને રીંછ એના બે પગ પર ઊભું થઈ ગયું. ‘શું કહ્યું ? અમારામાં સૌથી બળવાન આ જંગલમાં સિંહ સિવાય બીજું કોણ હોઈ શકે ? હવે મારી સાથે આવીને બતાવો એ દુષ્ટને. મારા એક જ પંજાથી એનો ચહેરો છુંદી ન નાખું તો કહેજો. રીંછને લઈને વાઘ એ બાજુ ચાલ્યો જ્યાં વાવાઝોડાનાં સકંજામાંથી એ ભાગી નીકળ્યો હતો. વાવાઝોડાની ખૂબ શોધ કરી પણ એને ક્યાંય કશું જોવા ન મળ્યું. છેવટે રીંછ થાકીને પેલા ઝાડની બખોલ પાસે આવીને બેઠું, જ્યાં ચોર સંતાયો હતો. બન્ને સામસામે બેસીને વાવાઝોડાની રાહ જોવા લાગ્યા. તે આજુબાજુમાં ક્યાંક નજરે પડશે તો એની હાલત ખરાબ કરી નાખશે. ગુસ્સામાં આવીને રીંછ એના હાથપગ પછાડવા લાગ્યું : ‘ક્યાં છે, પેલો પાજી ?’ ધીમે ધીમે એનું પૂછડું ઝાડની બખોલમાં ગયું. જ્યારે ચોરે જોયું કે રીંછનું પૂછડું એના મોં પાસે આવી ગયું છે તો એણે બન્ને હાથથી જોશથી પૂંછડું પકડી લીધું અને એણે પૂરી તાકાતથી ખેંચવા માંડ્યું.

એકદમ તો રીંછ સમજી ન શક્યું કે શું થયું ? પણ વાવાઝોડાનો ખ્યાલ આવતાં જ તે ચીસ પાડી ઊઠ્યું. એણે પણ પોતાનું પૂંછડું છોડાવવા માટે પૂરેપૂરું જોર લગાવ્યું. પરિણામ એ આવ્યું કે રીંછનું પૂછડું નીકળીને ચોરના હાથમાં આવી ગયું. વગર પૂંછડે, જીવ બચાવીને રીંછ ત્યાંથી ભાગી નીકળ્યું. બન્ને ભાગતાં ભાગતાં દૂર દૂર ચાલ્યા ગયાં અને એક ગાઢ જંગલમાં પહોંચીને શ્વાસ લેવા લાગ્યા. ગજબ થયો. આ કેવું જાનવર છે જે પૂંછડા તરફથી પણ અચાનક હુમલો કરે છે. તેઓ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા હતા ત્યાં એક સિંહની નજર એમના પર પડી. એમને ગભરાયેલા જોઈને સિંહે પૂછતાછ કરી.
‘શું પૂછો છો જંગલના રાજા ? હવે તો જંગલમાં તમારા માટે રહેવાનું મુશ્કેલ છે. તમારાથી પણ વધુ બળવાન વાવાઝોડા નામનું જાનવર આ જંગલમાં આવ્યું છે.’ રીંછે કહ્યું કે એણે એક ઝાટકાથી એનું પૂંછડું ઉડાવી દીધું. વાધે પણ આગળ આવીને પોતાની ગરદન પર બાંધેલું દોરડું બતાવ્યું. બંને એ સિંહને કહ્યું કે હવે આ જંગલ છોડીને બીજે ક્યાંક ચાલ્યા જવું જોઈએ.
સિંહને એમની વાત પર ગુસ્સો આવ્યો. એણે કહ્યું : ‘તમે બધા કાયર છો. શું કોઈનું મોત આવ્યું છે કે મારા હોવા છતાં આ જંગલમાં પગ મૂકવાની હિંમત કરે ? હવે ચાલો મને બતાવો કે કેવું છે એ વાવાઝોડું. એક જ ઝાપટમાં એને મારીને ખતમ ના કરી નાખું તો મારું નામ સિંહ નહિ.’

ત્રણે મળીને એ તરફ ચાલ્યા જ્યાં વાવાઝોડાએ રીંછની પૂંછ ઉખાડી હતી. એમને ઘટાદાર ઝાડીઓ અને અંધકારમાં વાવાઝોડાની તપાસ કરી, પણ કંઈ નજરે ન પડ્યું. આ દરમિયાન પેલો ચોર પોતાનો જીવ બચાવવા ઝાડની બખોલમાંથી નીકળીને ઝાડની સૌથી ઊંચી ડાળ પર જઈને બેઠો, જ્યાં પાંદડાં વચ્ચે કંઈ જ દેખાતું નહતું. ખૂબ શોધાશોધ પછી વાવાઝોડું નજરે ન પડ્યું તો સિંહે ગુસ્સામાં આવીને ગરજવા માંડ્યું. એની ગર્જના સાંભળી છોડ-ઝાડ ધ્રૂજવા લાગ્યાં. ડરનો માર્યો ચોર પણ ધ્રૂજવા લાગ્યો. એના હાથમાંથી ડાળી છૂટી ગઈ અને એ ધડામ કરતો સિંહની ઉપર આવીને પડ્યો.

સિંહને લાગ્યું કે જાણે કોઈ પહાડ એના ઉપર આવીને પડ્યો છે. એકાએક એના પર વાવાઝોડાનો હુમલો થયેલો સમજીને તે કૂદીને ભાગ્યો. ચોરને પણ એક જ રસ્તો સૂઝ્યો. એણે સિંહની કેડ જોશથી પકડી રાખી જેથી એનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. હવે તો જીવ પર આવી ગયો. તો પણ પોતાનો જીવ બચાવવા માટે તે લાંબી ફલાંગો ભરતો દૂર નીકળી ગયો. આટલા લાંબા પ્રવાસને કારણે ચોર ખૂબ જ થાકી ગયો હતો. ધીમે ધીમે એની પકડ ઢીલી પડી ગઈ. અને તે જમીન પર પડી ગયો. પણ સિંહને તો પાછળ જોવાની ફૂરસદ જ ક્યાં હતી ! તે ગાંડાની જેમ ભાગતો જ રહ્યો. જાન બચી તો લાખો પાયે !

ખૂબ દૂર ગયા પછી ત્રણે ફરી મળી ગયા. જ્યારે સિંહના તો હોશ-કોશ પણ ઊડી ગયા હતા. બોલ્યો : ‘સાચે જ, આ વાવાઝોડું તો ખૂબ જ ખતરનાક છે. પણ તમે બરાબર એને ઓળખ્યું નહિ. તે ન તો ગળું પકડે છે કે ન પૂંછડા પર હુમલો કરે છે. લાગે છે કે એને સવારી કરવાનો બહુ શોખ છે. જો મને ખબર હોત કે તે આવી જોરદાર સવારી કરે છે તો એને શોધવા ન જાત. એટલે હવે આપણે આ જંગલને છોડીને ક્યાંક ચાલ્યા જવું જોઈએ….’ કહીને ત્રણેયે એ જંગલમાંથી વિદાય લઈ લીધી.