- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શિક્ષણની સ્વસ્થ વિભાવના – વિનોબા ભાવે

[‘શિક્ષણ-વિચાર’ નામના પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આજનું આ શિક્ષણ હરગિજ ન ખપે

આજકાલ એમ કહેવાય છે કે વિદ્યાર્થીઓ તદ્દન ઉદ્ધત ને ઉદ્દંડ બની ગયા છે, એમનામાં શિસ્ત જેવું કાંઈ રહ્યું નથી. હવે, એ વાત સાચી કે વિદ્યાર્થીઓમાં આજે અસંતોષ ઘણો વધી ગયો છે અને તે અવારનવાર જુદી જુદી રીતે પ્રગટ થતો રહે છે. પરંતુ તેનું કારણ વિદ્યાર્થીઓ બગડી ગયા છે એમ નહીં, પણ શિક્ષણ બગડી ગયું છે, એ છે. આજે એમને શિક્ષણ જ એટલું રદ્દી અપાઈ રહ્યું છે કે મને તો વિદ્યાર્થીઓમાં જે અસંતોષ જોવા મળે છે, તે હજી ઘણો ઓછો લાગે છે. મને તો આવા રદ્દી શિક્ષણ છતાં તેઓ આટલી શિસ્ત હજી કેમ રાખી શકે છે, તેનું જ ઘણું આશ્ચર્ય થાય છે !

અંગ્રેજીમાં ‘ટ્રાન્સફર્ડ એપિથેટ’ નામનો એક અલંકાર છે. તેમાં એકને લાગુ પડતું વિશેષણ બીજાને માથે ચઢાવી દેવામાં આવે છે. આવું જ કાંઈક આમાં થઈ રહ્યું છે. શિક્ષણની આજની પદ્ધતિ સદંતર નકામી છે, છેક જ સાવ રદ્દી છે. પણ તેને જે ગાળ દેવી છે, તે નાહકના વિદ્યાર્થીઓને દે છે ! આજે તો જે કાંઈ ચાલી રહ્યું છે, તેને માટે હું જુવાન પેઢીને ગુનેગાર માનતો નથી, ગુનેગાર તો આજનું શિક્ષણ છે. આટલાં વરસોમાં આપણે જેટલું ખરાબમાં ખરાબ આપી શકાય તેટલું ખરાબ શિક્ષણ આપ્યું છે, અને તેનાં ફળ આજે ભોગવીએ છીએ. મને તો આશ્ચર્ય એ થાય છે કે આટલું કચરાપટ્ટી શિક્ષણ અપાય છે, છતાં જુવાનો આટલા શાંત કેવી રીતે રહે છે !

જો એમ જાહેર કરવામાં આવે કે રદ્દીમાં રદ્દી શિક્ષણનો નમૂનો રજૂ કરાશે, તેને મહાવીર ચક્ર આપવામાં આવશે, તો મને લાગે છે કે આજના શિક્ષણને મહાવીર ચક્ર મળે ! આનાથી બદતર શિક્ષણની યોજના કોઈ બીજી હોઈ ન શકે. આજની આપણી શિક્ષણ પદ્ધતિ અત્યંત અસ્વાભાવિક, વિપરીત અને હાસ્યાસ્પદ બની ગઈ છે. આજની તેની હાલત જોઈને મને તો એમ કહેવાની હિંમત જ નથી થતી કે બધાંને સાક્ષર બનાવો, તો સમાજનું કલ્યાણ થશે. હું તો વિદ્યાર્થીઓને એમ કહીશ કે આજના આ શિક્ષણ સામે વિદ્રોહ કરો અને શાળા-કૉલેજો છોડીને નીકળી પડો. એ રીતે આજની શાળા-કૉલેજો જો એક વાર ખાલી થઈ જશે, તો જ સરકાર અને સમાજ ઉપર આજના આ શિક્ષણમાં તત્કાળ ધરમૂળથી ફેરફાર કરવાનું દબાણ આવશે.

આજના આ અનર્થકારક શિક્ષણથી મને બેહદ અસંતોષ છે. અને તે આજનો નથી, હું પોતે સ્કૂલ-કૉલેજ ભણતો હતો, ત્યારનો છે. અને આજે તો આ શિક્ષણ વધારે બગડ્યું છે. હું જ્યારે ભણતો, ત્યારે મને થતું કે મારા જીવનની એક-એક ક્ષણ સાવ નકામી જઈ રહી છે. તેમાં કશુંયે જીવનોપયોગી જ્ઞાન નથી મળતું. હું ત્યારે વર્ગમાં પૂરી હાજરીયે નહોતો આપતો અને છેવટે એક દિવસ મારી પાસે જેટલાં સર્ટિફિકેટ હતાં, તે બધાં બાળી નાખીને કૉલેજ અને ઘર છોડીને હું નીકળી પડ્યો. મને આજ સુધી આનો કશો પસ્તાવો નથી થયો. હું તો આજના વિદ્યાર્થીઓને ય આ જ સલાહ આપીશ. આમ, મને તો લાગે છે કે આજની પરિસ્થિતિ જોતાં આજનો વિદ્યાર્થી વધારે વિનયી છે અને શિસ્તનું વધારે પાલન કરી રહ્યો છે. આજની પરિસ્થિતિમાં હું જો વિદ્યાર્થી હોત, તો ચોક્કસ એમનાં કરતાં વધારે શિસ્તહીન હોત. આમાં કોઈ શક નથી. આપણા પ્રાચીન ગ્રંથોમાં ‘વિદ્યા’ ને પણ ‘વિનય’ નામ આપ્યું છે. શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીને ‘વિનીત’ કહે છે. એટલે આદર્શ શિક્ષણનું પરિણામ જરૂર વિનયમાં આવવું જોઈએ. પરંતુ આ વિનય એટલે ગુલામી નહીં. બલ્કે, વિદ્યાસંપન્ન વિનય તો સમાજની ખોટી કલ્પનાઓ તેમજ દૂષણોનો સામનો કરવા માટે ઊભો થઈ જશે. આજના શિક્ષણ સામે તો આવો વિદ્રોહ કરવાનો હોય.

સ્કૂલ-કૉલેજને વિદ્યાલય કહે છે, એટલે વિદ્યાનું સ્થાન. પરંતુ આજે તો આ વિદ્યાલયનો અર્થ થઈ ગયો છે – જ્યાં વિદ્યાનો લય થાય છે, જ્યાં વિદ્યા લુપ્ત થાય છે. આજે આપણા દેશમાં હજારો વિદ્યાલયોમાં લાખો વિદ્યાર્થીઓ ભણે છે, પરંતુ તેઓ એક વાર પરીક્ષા આપે છે કે પછી જાણે જુલાબ લીધો હોય તેમ એમના જ્ઞાનનું રેચન થઈ જાય છે, એમનું બધું જ્ઞાન ખતમ થઈ જાય છે ! આવું થાય છે, કારણ કે આજના શિક્ષણને જીવન સાથે કોઈ સંબંધ નથી રહેતો. કહે છે કે, અમે તો તેને શિક્ષણ આપીને ભાવિ જીવન માટે તૈયાર કરી રહ્યા છીએ. જાણે કે શિક્ષણ મેળવતી વખતે તે જીવન જીવતો જ ન હોય ! જીવવાનું તો એક વાર શિક્ષણ મેળવી લીધા પછી છે ! પહેલાં બધું શીખી લેવું અને પછી જીવવું ! જાણે જીવવું અને શીખવું, એ બે ચીજ સાવ અલગ-અલગ ન હોય ! ખરું જોતાં, જેનો જીવવા સાથે સંબંધ નથી, તેને મરવું જ કહેવાય. આવી રીતે આજની વિચિત્ર શિક્ષણ પદ્ધતિને કારણે જીવનના બે ટુકડા પડી જાય છે. આયુષ્યનાં પહેલાં પંદર-વીસ વરસમાં માણસ જીવવાની ઝંઝટમાં પડ્યા વિના માત્ર શિક્ષણ પ્રાપ્ત કરે અને ત્યાર બાદ શિક્ષણને પેટીમાં પૂરી દઈને મરવા સુધી જીવે !

કુદરતની યોજનાની આ સાવ વિરુદ્ધ છે. હાથભર લંબાઈનું બાળક સાડા ત્રણ હાથનું કઈ રીતે થઈ જાય છે, તે તેના કે બીજાઓન ધ્યાનમાંયે નથી આવતું. શરીરની વૃદ્ધિ એકદમ નહીં, પણ રોજ-રોજ ક્ષણે-ક્ષણે થતી રહે છે. તેને લીધે તેનું ભાન સુદ્ધાં નથી થતું. રાતે સૂતા હોય ત્યારે બે ફૂટના હતા અને સવારે ઊઠ્યા ને જોયું તો અઢી ફૂટના થઈ ગયા, એવો કુદરતનો ક્રમ નથી. પરંતુ આજની શિક્ષણપદ્ધતિના તો ઢંગ એવા છે કે વિદ્યાર્થી અમુક વર્ષના અંતિમ દિવસ સુધી જીવનની બાબતમાં સંપૂર્ણપણે બેજવાબદાર રહે, તોય કાંઈ વાંધો નહીં. એટલું જ નહીં, તેણે બેજવાબદાર રહેવું જોઈએ અને આગામી વર્ષનો પહેલો દિવસ થતાં જ બધી જવાબદારી ઉપાડી લેવા તૈયાર થઈ જવું જોઈએ. એટલે કે સંપૂર્ણ બેજવાબદારીમાંથી સંપૂર્ણ જવાબદારીમાં સીધો હનુમાન-કૂદકો મારવાનો ! આવો હનુમાન-કૂદકો મારવા જતાં હાથ-પગ ભાંગે, તો તેમાં શું આશ્ચર્ય !

આજનું શિક્ષણ કાળક્ષય કરનારું છે. તેનાથી વિદ્યાર્થીઓનો માત્ર કાળક્ષય થતો રહે છે. સમય પસાર થતો રહે છે. એક વાર મેટ્રિકમાં ભણતા એક વિદ્યાર્થીને મેં પૂછ્યું :
‘કેમ ભાઈ, આગળ શું કરવાના ?’
‘આગળ શું, આગળ કૉલેજમાં જઈશ.’
‘ઠીક છે. કૉલેજમાં તો જશો, પણ તે પછી શું ?’
‘અત્યારથી તેનો વિચાર શું કરવો ? આગળ જોયું જશે.’
પછી ત્રણ વરસ બાદ એ જ વિદ્યાર્થીને એ જ સવાલ પૂછ્યો, તો કહે ‘હજી સુધી કાંઈ વિચાર નથી થયો.’
‘પણ કાંઈક તો વિચાર્યું હશે ને !’
‘શું વિચારું ? કાંઈ સૂઝતું નથી, પણ હજી તો દોઢ વરસ બાકી છે. આગળ જોયું જશે.’
‘આગળ જોયું જશે’ – આ એ જ શબ્દો છે, જે ત્રણ વરસ પહેલાંયે કહેવાયા હતા, પરંતુ પહેલાંના અવાજમાં બેફિકરાઈ હતી, આજના અવાજમાં થોડી ચિંતા વરતાતી હતી.

પછી દોઢ વરસ બાદ એ જ વિદ્યાર્થીને – અથવા કહો કે હવે એ જ ‘ગૃહસ્થ’ ને એ જ પ્રશ્ન પૂછ્યો. આ વખતે એનો ચહેરો ચિંતાગ્રસ્ત જણાતો હતો. અવાજની બેફિકરાઈ બિલકુલ ગાયબ થઈ ગઈ હતી. ‘તત: કિમ ? તત: કિમ ?’ – શંકરાચાર્યનો પૂછેલો આ સનાતન પ્રશ્ન હવે તેના મગજમાં એકદમ ઘૂમરાઈ રહ્યો હતો, પણ તેની પાસે એનો કોઈ જવાબ નહોતો.

આજે થઈ રહ્યું છે એવું કે વીસ વરસનો ઉત્સાહી યુવાન અધ્યયનમાં મગ્ન છે. જાતજાતના ઊંચા વિચારોના મહેલ ચણી રહ્યો છે, પરંતુ એકદમ જ્યારે પેટનો પ્રશ્ન તેની સામે આવે છે, ત્યારે બિચારો દીન બની જાય છે. જીવનની જવાબદારી શી ચીજ છે, તેની આજ સુધી તેને બિલકુલ કલ્પના જ નહોતી, અને હવે એકાએક તેની સામે પહાડ આવીને ખડો થઈ ગયો ! આજ સુધી તો આગળ ને આગળ ધકેલ્યે રાખ્યું, પણ હવે શું કરવું ? ખરું જોતાં, જીવનની જવાબદારી એ કાંઈ ડરામણી ચીજ થોડી છે કે તેનાથી ભાગતા રહીએ ? એ તો આનંદથી ઓતપ્રોત છે. એવી જ રીતે જીવન આખું કેળવણીથી ભરપૂર છે. જે માણસ જીવનની જવાબદારીથી વંચિત રહ્યો, તે જીવનની કેળવણીથીયે વંચિત રહ્યો, એમ નક્કી માનજો. જીવન જો જીવવાલાયક હોય, તો બાળકોને નાનપણથી જ તેમાં દાખલ કરો. તેના વિના એમને જીવનનું શિક્ષણ હરગિજ મળવાનું નથી. ગીતા જેમ કુરુક્ષેત્રમાં કહેવાય, તેમ જીવનનું શિક્ષણ પણ જીવન-ક્ષેત્રમાં જ આપી શકાય. આના વિના જીવનમાં અને શિક્ષણમાં કોઈ પ્રાણ જ નથી રહેતો. જીવન વિના શિક્ષણ નિષ્પ્રાણ છે, અને શિક્ષણ વિના જીવન નિષ્ફળ છે.

તરતાં શીખવું હોય તો પાણીમાં ઊતરવું જ પડે, પાણીની બહાર રહીને તરતાં ન શીખી શકાય. જેને તરતાં શીખવું હોય, તેને પાણીમાં ઉતારવો જ પડે, તેનો પાણી સાથે સંબંધ જોડી દેવો પડે, અને પછી જ તેને તરવાની કળાના પાઠ આપી શકાય. કોઈ જો એમ કહે કે જ્યાં સુધી મને તરતાં નહીં આવડી જાય ત્યાં સુધી હું પાણીમાં નહીં પડું, તો શું થાય ? જીવન અને શિક્ષણ બિલકુલ એકરૂપ છે, એમને અલગ-અલગ કરી દેવાથી કોઈ કામ નહીં થાય. જીવન સાથે ઓતપ્રોત થવાની કળા, એ જ તો શિક્ષણ છે. જીવન જીવવાની પ્રક્રિયામાં જ શિક્ષણ મળતું જાય છે. એટલે વિદ્યાર્થીને વર્તમાનમાં જીવનથી અલિપ્ત રાખીને તેને ભવિષ્યના જીવનનું શિક્ષણ આપી શકાય જ નહીં.

આજની શિક્ષણપદ્ધતિમાં બીજા તો ઘણા દોષ છે, પરંતુ તેમાં સૌથી મોટો વિચારદોષ આ પેસી ગયો છે કે જીવનના અમુક વરસો માત્ર શિક્ષણ મેળવવાનું છે અને ત્યાર બાદ જીવન જીવવાની શરૂઆત થાય છે. આ રીતે જીવનના બે ટુકડા કરી દેવાય છે, તે આજની શિક્ષણપદ્ધતિનો સૌથી મોટો વિચારદોષ છે. તેથી આજે ચાલે છે તે શિક્ષણ જલદી બંધ થવું જોઈએ. વિદ્યાર્થીઓને મારે એ જ કહેવું છે કે એકી અવાજે તેઓ કહી દે કે અમને આજનું આ શિક્ષણ હરગિજ નથી ખપતું.
.
[2] આઝાદ દેશમાં ગુલામીનો જૂનો ઝંડો !

આપણું એ એક મોટું દુર્ભાગ્ય છે કે દેશ આઝાદ બન્યો પણ આઝાદ ભારતમાં એની એ ગુલામીકાળની શિક્ષણપદ્ધતિ જ કાયમ રહી. 1947ની 15મી ઑગસ્ટે દેશ આઝાદ થયો. આપણો એ પહેલો સ્વાતંત્ર્ય-દિન. તેની ઉજવણી નિમિત્તે વર્ધામાં સભા રાખેલી. મને બોલાવેલો. મેં તે સભામાં લોકોને પૂછ્યું કે જુઓ ભાઈ, સ્વરાજ્ય મળી ગયું, તો હવે આ નવા રાજ્યમાં જૂનો ઝંડો એક દિવસ પણ ચાલશે ખરો ? લોકો કહે, હરગિજ નહીં ચાલે. મેં કહ્યું : ‘જો જૂનો ઝંડો ચાલુ રાખીએ, તો તેનો અર્થ એ થાય કે હજી જૂનું રાજ્ય કાયમ છે. માટે જૂનો ઝંડો ઉતારી જ નાખવો પડે અને તેની જગ્યાએ નવો ઝંડો ચઢાવી દેવો પડે. તો જેમ નવું રાજ્ય એટલે નવો ઝંડો, તે જ રીતે નવા રાજ્યમાં શિક્ષણ પણ નવું. જેમ 15મી ઓગસ્ટે આઝાદ થતાવેંત ઈંગ્લેન્ડનો યુનિયન જેક નીચે ઉતારી નખાયો અને તેની જગ્યાએ આપણો ત્રિરંગો ઝંડો ચઢાવાયો, તેમ અંગ્રેજોની જૂની શિક્ષણપદ્ધતિ કાઢીને તત્કાળ તેની જગ્યાએ નવી શિક્ષણપદ્ધતિ શરૂ કરવી જોઈએ. આઝાદ થયા પછીયે જો જૂની ઢબનું શિક્ષણ ચાલ્યા કરે, તો એમ સમજવું કે રાજ્યનું નવાપણું ઉપર-ઉપરનું છે, હજી જૂના રાજ્યનું જ એક્સ્ટેન્શન ચાલી રહ્યું છે.

જો મારા હાથમાં રાજ્ય હોત, તો હું બધા વિદ્યાર્થીઓને ત્રણ મહિનાની છુટ્ટી આપી દેત અને કહેત કે ખેલો, કૂદો, થોડા મજબૂત બનો, થોડું કાંઈક કામ કરો, સ્વરાજ્યનો આનંદ માણો. ત્યાં સુધીમાં શિક્ષણશાસ્ત્રીઓનું સંમેલન મળશે અને ત્રણ મહિનામાં શિક્ષણનું નવું માળખું તૈયાર કરી દેશે. મારું જો ચાલત, તો હું આમ કરત. દોષપૂર્ણ શિક્ષણપદ્ધતિ ચાલુ રાખવાથી જેટલી હાનિ પહોંચી તેટલી હાનિ તમામ શાળા-કૉલેજોમાં છુટ્ટી આપી દેવાથી ન પહોંચત. પરંતુ તેને બદલે આટલાં બધાં વરસો સુધી આપણા દેશમાં શિક્ષણનું માળખું એનું એ જૂનું-પુરાણું અંગ્રેજોનું બનાવેલું જ ચાલુ રહ્યું. આને લીધે દેશને કેટલું બધું નુકશાન પહોંચ્યું છે, તેનો આપણને પૂરો ખ્યાલ નથી. આ ખ્યાલ ત્યારે જ આવે, જ્યારે શિક્ષણની બાબતમાં આપણે ત્યાંની ખરી વાસ્તવિકતાની આપણને જાણ થાય.

શિક્ષણ અંગેનું ખેડાણ આપણા દેશમાં પહેલેથી થતું આવ્યું છે. ત્યારે યુરોપમાં કદાચ શિક્ષણનો આરંભ પણ નહીં થયો હોય. આનો ઉલ્લેખ ઠેઠ ઉપનિષદોમાંયે જોવા મળે છે. ઉપનિષદમાં એક રાજા પોતાના રાજ્યનું વર્ણન કરી રહ્યો છે : ‘ન અવિદ્વાન’ – મારા રાજ્યમાં વિદ્વાન ન હોય એવું કોઈ નથી. માત્ર ભણેલા-ગણેલા જ નહીં, બધા વિદ્વાન છે. આના ઉપરથી શિક્ષણનો વ્યાપ આપણે ત્યાં પહેલેથી કેટલો હતો, તેનો ખ્યાલ આવે છે. અને અંગ્રેજો અહીં આવ્યા, ત્યારે આપણા દેશમાં શિક્ષણ અંગે શી સ્થિતિ હતી ? આ સ્થિતિ વિશે કોઈ કલ્પનાથી નહીં પણ દસ્તાવેજી આધારભૂત માહિતી ઉપરથી આપણે જાણી શકીએ છીએ. 300 વરસ પહેલાંની વાત છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લોકો બંગાળમાં આવી ગયા હતા. એ જમાનામાં ઈંગલેન્ડથી હિંદુસ્તાન બાર હજાર માઈલનું અંતર હતું અને આજનાં વાહન-વ્યવહારનાં તેમ જ બીજાં સાધનો તે દિવસોમાં હતા નહીં. એવા સંજોગોમાં આટલે દૂર આવીને એમણે વેપાર શરૂ કર્યો. અને તેની સાથે સાથે આવું બધું પણ કર્યું ! ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લોકોએ બંગાળમાં દરેક ગામનો સર્વે કર્યો. તે સર્વે બધો વિગતે લખી રાખ્યો છે, અને તેનાં પુસ્તકો પણ છપાયાં છે. તેમાંથી કેટલાંક પુસ્તકો મને જોવા મળ્યાં હતાં. તેમાં કેટલીક આશ્ચર્યજનક માહિતી છે.

સાવ નાનાં નાનાં ગામડાં સુધી તે લોકો પહોંચ્યા હતા અને ત્યાંની ઝીણી ઝીણી માહિતી એમણે ભેળી કરી હતી. એમના રેકોર્ડમાં લખેલું છે કે ત્યારે બંગાળમાં દર 400 માણસ પાછળ એક નિશાળ છે. એટલે કે લગભગ દરેક ગામમાં નિશાળ હતી. ઠીક છે કે શિક્ષણની પદ્ધતિ જૂની હશે. તે જમાનામાં જે પદ્ધતિ હતી, તેમાં તે શિક્ષણ અપાતું. પરંતુ જો કોઈ એમ માનતું હોય કે અંગ્રેજો અહીં આવ્યા તે વખતે આપણો દેશ નિરક્ષર હતો, અને અંગ્રેજોએ જ આવીને અહીં વ્યાપક શિક્ષણ શરૂ કર્યું, તો એમ માનવું તદ્દન ભૂલભરેલું છે. દસ્તાવેજી એવી ઐતિહાસિક હકીકત આનાથી કંઈક જૂદું જ કહી જાય છે. ત્યારની આપણી ગ્રામ-વ્યવસ્થાનું થોડું વર્ણન ડૉ. એની બેસન્ટની ચોપડીમાંયે વાંચવા મળે છે. તેમાં પણ શિક્ષણ અંગે આવી જ સ્થિતિનું વર્ણન છે. તે વખતે ગામેગામ ગ્રામ-પંચાયત હતી. તેનાં કાર્યોમાં એક કાર્ય નિશાળ ચલાવવાનુંયે હતું. અને ગામમાં આવાં જેટલાં કામો ચાલતાં, તેને માટે થોડો થોડો હિસ્સો દરેક ખેડૂત પાસેથી મળતો. બહુ વ્યવસ્થિત ગ્રામીણ યોજના હતી. આનું થોડું વર્ણન ડૉ. એની બેસન્ટની ચોપડીમાં વાંચવા મળે છે. આ ગ્રામ-વ્યવસ્થાને અંગ્રેજોએ ઈરાદાપૂર્વક તોડી અને તેને છિન્નભિન્ન કરી નાખી. આમ, અંગ્રેજો અહીં આવ્યા, ત્યારે આપણે ત્યાં શિક્ષણની શી સ્થિતિ હતી, તેની સાચી માહિતી આપણને હોવી જોઈએ. તો જ અંગ્રેજોનાં કરતૂતોથી આપણા દેશને કેવું અને કેટલું નુકશાન થયું છે, તેનો યથાર્થ ખ્યાલ આપણને આવી શકશે.

અંગ્રેજોને તો અહીં વેપાર કરવો હતો. પરંતુ વેપાર કરતાં-કરતાં રાજ્ય પણ હાથમાં આવ્યું, ત્યારે શિક્ષણનો સવાલ ઊઠ્યો. એક વિચાર એ હતો કે જૂની ઢબે જે શિક્ષણ અપાય છે, તે ચાલુ રહે. પરંતુ મેકોલેએ કહ્યું કે આપણે આપણી ઢબનું શિક્ષણ આપીએ. આખરે મેકોલેની વાત માન્ય થઈ અને અંગ્રેજ સરકાર દ્વારા અપાતું શિક્ષણ ચાલુ થયું. તે શિક્ષણ આપણા દેશ ઉપર લાદવામાં આવ્યું.

અંગ્રેજોએ અહીંની પોતાની શિક્ષણ-પદ્ધતિ નક્કી કરતી વખતે ખાસ બે વાત ધ્યાનમાં રાખી. એક તો આ શિક્ષણ એવું હોય, જેના દ્વારા એમને અહીં પોતાનું શાસન ચલાવવામાં મદદ કરે એવા લોકો તૈયાર થાય. અર્થાત અહીંના લોકોની ગુલામીની વૃત્તિ ટકી રહે અને મજબૂત થતી જાય. પરંતુ આટલું જ પૂરતું નહોતું. કેમ કે એમણે જોયું કે અહીંના લોકો પોતાના વિશે અને પોતાની સંસ્કૃતિ વિશે હજી ગૌરવ સેવે છે. એમણે જો કે અંગ્રેજોના બળ આગળ નમતું જોખ્યું હતું અને અંગ્રેજોનું રાજ્ય માન્ય કર્યું હતું, કેમ કે અંગ્રેજો આગળ પોતે હારી ગયા હતા. તેમ છતાં પોતાના કરતાં અંગ્રેજો અને અંગ્રેજોની સંસ્કૃતિને તેઓ હજી ચઢિયાતી માનતા થયા નહોતા. આ સ્થિતિ અંગ્રેજોને ખતરનાક લાગી, પોતાનું રાજ્ય અહીં સ્થાયી કરવામાં આ વસ્તુ એમને વિક્ષેપરૂપ લાગી. રાજ્યકર્તાની સંસ્કૃતિ માટે અહોભાવ ન હોય તો રાજ્યની સ્થિરતાની દષ્ટિએ તે એક ખતરો જ ગણાય. તેથી અંગ્રેજોની સંસ્કૃતિ શ્રેષ્ઠ છે, એવું અહીંની પ્રજાના મનમાં ઠસાવવું અત્યંત જરૂરી હતું. અને તે શિક્ષણ મારફત થઈ શકે. આમ, અંગ્રેજોએ શિક્ષણની જે નવી પદ્ધતિ અહીં ઊભી કરી, તેમાં આ બે મુખ્ય હેતુ હતા – રાજ્ય ચલાવવામાં મદદરૂપ થાય એવા માણસો તૈયાર થાય અને અંગ્રેજી સંસ્કૃતિની શ્રેષ્ઠતા લોકોના માનસમાં બરાબર ઠસતી જાય. આવી શિક્ષણપદ્ધતિ અંગ્રેજોએ અહીં ઊભી કરી.

આને લીધે આપણા દેશમાં સાર્વત્રિક શિક્ષણનું જે માળખું હતું તે તૂટી પડ્યું. ગ્રામ-વ્યવસ્થા જેમ જેમ નબળી પડતી ગઈ, તેમ તેમ ગ્રામીણ શિક્ષણની આખી વ્યવસ્થા પડી ભાંગી. તેને બદલે અંગ્રેજોની ઊભી કરેલી શિક્ષણ-વ્યવસ્થા અહીં સ્થાપિત થતી ગઈ. પરંતુ તે કાંઈ સર્વત્ર પહોંચી નહીં, તે તો બહુ મર્યાદિત લોકો સુધી જ સીમિત રહી. અંગ્રેજોના શાસન દરમ્યાન અહીં માત્ર 10 થી 12 ટકા પ્રજા સુધી આ શિક્ષણ પહોંચી શક્યું. એટલે કે બાકીના 88% લોકો અશિક્ષિત જ રહ્યા. અંગ્રેજો અહીં આવ્યા ત્યારે અહીંની પ્રજા અશિક્ષિત નહોતી, પરંતુ ત્યાર બાદ લોકો અશિક્ષિત બનતા ગયા. અંગ્રેજોએ આવીને પ્રજાના બે ટુકડા કરી નાખ્યા. અંગ્રેજોનું શિક્ષણ પામેલા 10-12 ટકા લોકો શિક્ષિત અને વિદ્વાન કહેવાયા અને બાકીના બધા અશિક્ષિત ગમાર ! આવી રીતે સમાજને વિભાજિત કરી નાખનારું બહુ મોટું પાપ અંગ્રેજોની શિક્ષણપ્રથાએ આ દેશમાં કર્યું. અંગ્રેજોએ કરેલા આ ટુકડા આજ સુધી કાયમ છે.

સારાંશ કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જમાનામાં દર 400 માણસે એક પાઠશાળા કે મદરસા હતા. એ જમાનાની વિદ્યા માટે થોડું અરબીનું ને સંસ્કૃતનું જ્ઞાન જરૂરી હતું. અર્થાત અક્ષરજ્ઞાન મેળવ્યા પછી જ એ મળતું હશે. તે વખતની પદ્ધતિ મુજબ તે શિક્ષણ મળતું હતું. પરંતુ તે વખતે આ દેશ નિરક્ષર નહોતો. અંગ્રેજોએ અહીં મુઠ્ઠીભરને પોતાનું શિક્ષણ આપીને બાકીના બધાને નિરક્ષર બનાવી દીધા ! અને ધીરે ધીરે દેશમાં શિક્ષિતો અને અશિક્ષિતો વચ્ચે એક દીવાલ ઊભી થતી ગઈ, જે આજ સુધી કાયમ છે. આ વસ્તુએ આપણા દેશનું ભારે નુકશાન કર્યું છે. ચાતુર્વર્ણ્ય પદ્ધતિ કરતાંયે અત્યંત ખરાબ આ અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિ સાબિત થઈ છે. તેણે એક વિશેષ વર્ગ ઊભો કર્યો અને સમાજમાં નવો વર્ગભેદ નિર્માણ કર્યો, સમાજના ટુકડા કરી નાખ્યા.

આ શિક્ષણપદ્ધતિમાં ત્રિદોષ છે, જે કફ-વાત-પિત્તના પ્રકોપ જેવા ભયાનક છે. પહેલો દોષ એ કે તેણે સમાજના ટુકડા કર્યા અને એક નવો વર્ગ ઊભો કર્યો, જે સામાન્ય પ્રજાથી પોતાને ઊંચો માનતો થયો. તેનું મોઢું શહેરો તરફનું થઈ ગયું. તે વર્ગના લોકો બીજાઓ સાથે હળી-મળીને રહી શક્યા નહીં.

બીજો દોષ એ કે જેમને આ શિક્ષણ મળ્યું, તેમનું જીવનધોરણ બીજાઓ કરતાં ઘણું ઊંચું બની ગયું. અગાઉ આપણે ત્યાં જ્ઞાનની સાથે સાદાઈ અને ત્યાગને જોડવામાં આવેલાં. અંગ્રેજોની વિદ્યા સાથે પૈસો જોડાયો અને તેથી શિક્ષત થવાની સાથે ભોગપરાયણતા વધી. પરિણામે, વિદ્યાની નહીં, પૈસાની વાસના વધતી રહી.

ત્રીજો દોષ એ કે આ શિક્ષણ સાથે કામને જોડવામાં ન આવ્યું. આ શિક્ષણ વ્યવસાયપરક નથી, અનુત્પાદક છે. પરિણામે, આ શિક્ષણ મેળવેલો કામ કર્યા વિના બધા ભોગ મેળવવા ઈચ્છે છે એટલું જ નહીં, બલ્કે તે કામ કરવાને, શરીરશ્રમને નીચો માને છે. આનો અર્થ એ કે તેનામાં ઉત્પાદન કરવાની અક્ક્લ તો છે નહીં, માત્ર ભોગ ભોગવવાની જ અક્ક્લ છે.

આવા ત્રિદોષવાળું અંગ્રેજોનું શિક્ષણ આપણા દેશને પાયમાલ કરી ગયું છે. ક્યારેક કોઈ કહે છે કે તમે આ શિક્ષણને આટલું બધું નકામું કહો છો, પણ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ વગેરે પણ આ જ શિક્ષણની પેદાશ છે ને ! પરંતુ આ ખોટો વિચાર છે. ગાંધી, નહેરુ જેવા કાંઈ આજના શિક્ષણનું પરિણામ નથી, તેઓ બધા તો આજના નકામા શિક્ષણ છતાં ચમક્યા છે. તેઓ આ નકામા શિક્ષણથી ઉપર ઊઠી ગયા છે, બહાર નીકળી ગયા છે, એટલે તેજસ્વીતા દેખાડી શક્યા. પથ્થર ગળામાં બાંધ્યો હોય તેમ છતાં નદી પાર કરી જનારા પથ્થરને કારણે તરી ગયા, એમ તો નહીં માનો ને ? એ ભલે તરી ગયા, પણ તરવું હોય તેના ગળે આવો પથ્થર બંધાયેલો ન હોવો જોઈએ, એમ જ આપણે કહીશું. એવું જ આજના આ શિક્ષણનું છે. તે ગળે બાંધેલા પથ્થર જેવું છે. તે દૂર થવું જ જોઈએ.

[કુલ પાન : 110. કિંમત રૂ. 25. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન. ભૂમિપુત્ર, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ગુજરાત. ફોન નંબર : +91 265 2437957. ]