કુટુંબમાં પરિવર્તન – ધીરુબહેન પટેલ

[તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘જન્મભૂમિ – અમૃત મહોત્સવ વિશેષાંક : 2008’ માંથી સાભાર.]

family1

છેલ્લાં પંચોતેર વર્ષમાં આપણાં જીવનમૂલ્યોમાં જે પરિવર્તન આવ્યું છે તેની સ્પષ્ટ અને તીવ્ર અસર આપણી કુટુંબવ્યવસ્થા પર દેખાય છે. આપણા પારસી બંધુઓની કહેવત પ્રમાણે ‘જુન્નું તે સુન્નું’ એવું ન માનીએ તોપણ ‘પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ’ એ શ્લોકમાં હૃદયપૂર્વક સૂર પુરાવી શકાય એવુંય લાગતું નથી. વિવિધ જાતિ, ધર્મ, પ્રદેશો અને ભાષાઓનો વિચાર કરતાં કુટુંબનાં અનેક સ્વરૂપ દેખાશે પણ એનો અભ્યાસ કરવાનું કે અભિપ્રાય બાંધવાનું આપણું કામ નથી.

આપણે તો માણસ સ્વકેન્દ્રી હતો તેમાંથી એક ડગલું આગળ વધ્યો અને પત્ની કે બાળકોની જવાબદારી સ્વીકારતાં શીખ્યો એ ક્ષણને કુટુંબવ્યવસ્થાનાં મંડાણની પળ ગણી શકીએ. ત્યાર પછી આ એકમનો વિસ્તાર થતો ગયો અને સગાંવહાલાં, પાડોશીઓ, જાતિના લોકો, દેશના લોકો, પરદેશના લોકો એમ કરતાં કરતાં ‘વસુધૈવ કુટુંબકમ’ લગી આપણે પહોંચ્યા, પરંતુ એ ઉન્નત આદર્શ વાસ્તવિકતાની ભૂમિથી ઘણો દૂર રહ્યો – સામાન્ય માણસને માટે. એકંદરે એ પણ સમજી શકાય એવું છે. નહીંતર અખબારોમાં રોજ સવારે જે સમાચાર અગ્રસ્થાને આવે છે તે જીરવવા મુશ્કેલ બની જાય.

આપણે જીવવું છે – જિવાય ત્યાં લગી. જિંદગીનાં સુખ માણવાં છે – મળે ત્યાં સુધી. દુ:ખથી દૂર રહેવું છે – બને ત્યાં સુધી અને ‘વસુધૈવ કુટુંબકમ’ આકાશમાં ચમકતા તારા જેવો દૂરનો આદર્શ રહે તેમાં જ આપણી ભલાઈ છે. આવાં નિષ્ઠુર સત્યો ગમે તો નહીં પણ સમજવાં અને સ્વીકારવાં પડે – આપણે સામાન્ય માનવ હોઈએ ત્યાં સુધી. માટે આપણે કુટુંબ એટલે માતાપિતા, ભાઈબહેન જેવાં નિકટનાં સગાં અને પત્ની તથા બાળકોનું એકમ એમ સ્વીકારીને આગળ ચાલીએ તો આપણને આ પોણી સદીમાં તેમાં શા શા ફેરફાર થયા તે જોવાનું અને તે વિશે વિચારવાનું સુગમ થઈ પડશે.

વ્યક્તિવાદના ઉદયની સાથે સંયુક્ત કુટુંબો તૂટ્યાં. પ્રબળ આર્થિક પ્રવાહોની સામે ઝઝૂમવાનું બળ નહીં હોવાને કારણે બે જાતની અસર થઈ. કામકાજ કરી શકે તેવી વધારે વ્યક્તિઓ હોય તો કુટુંબની સદ્ધરતા વધે એ વિચારથી કુટુંબો મોટાં થયાં અને સ્થળાંતર થવાથી જ ટકી શકાશે એ વિચારથી કુટુંબના ભાગલા થયા અને કુટુંબો નાનાં બન્યાં. યાંત્રિક વિકાસ અને શહેરોની રચના એ પણ કુટુંબવ્યવસ્થા પર અસર કરનારું એક મોટું પરિબળ. પરંતુ આપણે કારણોને બદલે પરિણામનું નિરીક્ષણ કરીએ તો દેખાશે કે ગુજરાતી કુટુંબનું સ્વરૂપ ઘણું જ બદલાઈ ગયું છે. જ્યાં કેન્દ્રસ્થાને પહેલાં પુરુષ બિરાજતો હતો ત્યાં હવે બાળકો આવી ગયાં છે. આખા ઘરનંુ સમયપત્રક બાળકોની અભ્યાસ પાછળની અને પછી અભ્યાસનો થાક ઉતારવાની પ્રવૃત્તિઓ અનુસાર ગોઠવાય છે. વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે પુરુષો તથા સ્ત્રીઓને વધારે સમય કમાણી કરવામાં ગાળવો પડે છે. વડીલોની હાજરી આવકારદાયક ગણાતી નથી એટલે ‘સબ સબકી સમાલીઓ, મૈઁ મેરી ફોડતા હૂં’ ને કારણે એકલતા વધતી ગઈ છે. એકબીજાને પ્રશ્નો પૂછવા તે સભ્ય વર્તન ગણાતું નથી એટલે સંશયના ધુમ્મસમાં બધા અટવાયા કરે છે અને વિખૂટા પડતા જાય છે.

family2

પહેલાં ઘરની આવક પ્રમાણે વ્યવહાર ગોઠવાતો હતો, જ્યારે હવે આવક પૂરતી હોય કે ન હોય, અમુક ખર્ચા કરવા જ પડે એવું કૌટુંબિક અને સામાજિક દબાણ વધતું જાય છે. આને લીધે કમાણીના અવનવા રસ્તા અપનાવવા જરૂરી બની જાય છે, જેમાં જોખમ કેટલું હોય છે એનો ખરો અંદાજ કોઈને આવતો નથી. કમાનાર વ્યક્તિ કાં તો આંધળુકિયાં કરીને પૈસાનાં પોટલાં બાંધી લાવે છે અથવા પોતાની અક્ષમતાના ભાનથી પિડાયા કરે છે અને માનસિક રોગોને નોતરે છે. પ્રેમમાં પડવું, સ્વૈચ્છિક લગ્ન કરવું, છૂટાછેડા લેવા, લગ્નબાહ્ય સંબંધો રાખવા એ બધું સ્વાભાવિક ગણાય છે. કોઈ ચૂં કે ચાં કરવા જાય તો જુનવાણી અને પછાત ગણાય છે. આ સંજોગોમાં કુટુંબના મિજાગરા ઢીલા પડે તેની શી નવાઈ ? વળી મજાની વાત એ છે કે આ પ્રગતિવાદી વ્યક્તિઓ પાછી રડવા માટે વડીલોના કે કુટુંબના સભ્યોના જ ખભા શોધે છે જે દરેક વખતે સુલભ નથી હોતા.

બાળક નાનું હોય ત્યારથી જ ભણવાનું, વ્યક્તિત્વ ખીલવવાનું, હંમેશાં પ્રથમ સ્થાન જાળવવાનું દબાણ એને માથે લાદવામાં આવે છે. સ્પર્ધા એના જીવનનો એક મહત્વનો અંશ બની જાય છે અને એમાં પાછળ પડવાથી એ પોતાની જાતને ગુનેગાર સમજે છે. આ ભાવનાને ખંખેરી નાખવા એ વિચિત્ર મનોરંજનોને આશરે જાય છે. ક્યારેક બચી જાય છે તો ક્યારેક ખુવાર થઈ જાય છે. સફળ થવાની કિંમત પણ આકરી હોય છે. પરદેશગમન અને ત્યાં જ સ્થાયી થવાનું મળે એ એક સિદ્ધિ ગણાય છે. પછી મા-બાપ સાથેના સંબંધ કેવા રહે ? તમાચો મારીને ગાલ લાલ રાખવાના ખેલ બધે ચાલે છે. અંતરના ઊંડાણમાં સુખી હોય એવી વ્યક્તિઓ વિરલ થતી જાય છે.

ઊજળી બાજુ જોઈએ તો પહેલાંના કરતાં નિખાલસતા વધી છે. વડીલો જોહુકમી કરવાનું ભૂલી ગયા છે. મૈત્રીનું વર્ચસ્વ વધવાને કારણે કુટુંબના જેવું જ એક બીજું વિશાળ વર્તુળ વ્યક્તિની આસપાસ રચાય છે. એમાં ટકી રહેવા માટે સહિષ્ણુતા વધારવી પડે છે, તો મનગમતી પ્રવૃત્તિ કરવી, વિચારોની આપ-લે કરવી, એકબીજાની પડખે ઊભા રહેવું એવા ફાયદા પણ દેખાય છે. પહેલાં મિત્રોની પસંદગીમાં પણ કુટુંબના સભ્યોની સંમતિ આવશ્યક ગણાતી, હાલ એવું રહ્યું નથી. પણ વ્યક્તિની પોતાની માનસિક પરિપકવતા પ્રમાણે આવા સંબંધો બંધાય છે ને ટકે છે. આ કારણે કુટુંબનું મહત્વ ઘટે છે, તો વ્યક્તિની સ્વતંત્રતા વધે છે. આને એક ઈષ્ટાપત્તિ ગણી શકાય. પહેલાં કુટુંબો વ્યક્તિની આસપાસ એક અડીખમ દીવાલ રચી દેતાં જેને લીધે સલામતીનો અનુભવ થતો તેવું હવે રહ્યું નથી. મોકળાશ મળી છે, જેની પાંખોમાં જેટલું જોર તેટલું ઊંચું તે ઊડે, પરંતુ નિ:સ્વાર્થ પ્રેમની અને પોતાનાપણાની એક ભાવના જીવનમાં જુદું જ નૂર પ્રગટાવતી તેનો વિકલ્પ ક્યાં ?

કોઈ પરિવર્તન કાયમી નથી હોતું. જીવનનો પ્રવાહ એટલો પ્રબળ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિ કાયમી બની જાય અને બંધિયારપણાને નોતરે તે તેને સ્વીકાર્ય નથી. કુટુંબનું સ્વરૂપ બદલાયું છે તે આપણે બધા જોઈએ છીએ. આપણા અનુભવ પ્રમાણે તે ફરી બદલાશે અને ભાવિ પેઢીઓ પોતાના સ્વપ્ન પ્રમાણે તેને સ્વીકારશે અથવા નવેસરથી ઘડશે. એમને આપણી શુભેચ્છાઓ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચમારને બોલે – ઝવેરચંદ મેઘાણી
ગૃહલક્ષ્મી – દિલીપ ઓઝા Next »   

10 પ્રતિભાવો : કુટુંબમાં પરિવર્તન – ધીરુબહેન પટેલ

 1. nayan panchal says:

  સાચી વાત છે. પરિવર્તન તો સંસારનો નિયમ છે.

  Every coin has two sides.

  હવે તો મોટા શહેરોમાં ન્યૂક્લિયર ફૅમિલીની બોલબાલા છે. “પહેલો સગો તે પાડોશી” કહેવત હવે પહેલા જેટલી અર્થપૂર્ણ નથી રહી. પહેલા સંબંધોમાં જે ઉત્કટતા હતી તે હવે ઓછી થતી જાય છે. આજે માણસ વધુ ને વધુ પ્રેક્ટિકલ થતો જાય છે.

  માણસે માણસે સુખની વ્યાખ્યા બદલાતી જાય છે. જે કેટલાક માટે સૌથી મહત્વનુ છે, તે બીજાની નજરમા લાગણીવેડા છે. સંવેદનશીલ લોકો “emotional fool” તરીકે ઓળખાય છે.

  જો કે આજના ગળાકાપ હરીફાઈના સમયમાં લોકોની insecurities સ્વભાવિક છે. દરેકને પોતાનુ જીવનધોરણ ઊંચુ લાવવુ છે તો તેના માટે કંઇક ‘ભોગ’ આપવો પડે.

  કશો વાંધો નહી, પરિવર્તન તો સંસારનો નિયમ છે.

  Mother Teresa said “If you start judging people, it will become difficult to love them.”

  નયન

 2. gopal parekh says:

  વાસ્તવિકતા જેનાથી આપણે સૌ આઘા ભાગવાનો સતત પ્રયત્ન કરીએ છીએ,જેને સ્વીકારતા ડર લાગેછૅ

 3. કલ્પેશ says:

  દરેક વસ્તુના ફાયદા/નુકસાન છે.
  બસ, આંધળુ અનુકરણ ના કરીએ અને આ આંધળી-દોડથી દૂર રહીએ.

 4. pragnaju says:

  “કોઈ પરિવર્તન કાયમી નથી હોતું. જીવનનો પ્રવાહ એટલો પ્રબળ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિ કાયમી બની જાય અને બંધિયારપણાને નોતરે તે તેને સ્વીકાર્ય નથી.” એ સ્વીકારીને જ સંતો સગુણાત્મક પરિવર્તનનો આગ્રહ રાખે છે.
  ભારતમાં બદલાઇ રહેલી જીવનશૈલીના કારણે ડાયાબિટીસ, હ્રદયરોગ અને કેન્સર જેવા મામલાઓમાં વધારો જૉવા મળી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવનારા એક દાયકામાં આ બીમારીઓના કારણે થનારા મોતની સંખ્યામાં પણ ૧૭ ટકાનો વધારો થવાનો અનુમાન વ્યકત કર્યું છે.‘ખોરાક અને શારીરિક ક્રિયાશીલતા દ્વારા કામકાજનાં સ્થળો પર સંક્રામક બીમારીઓથી બચાવ’ નામના એક રિપોર્ટ અનુસાર ૨૦૦૫માં ભારતને તેના કર્મચારીઓના ખરાબ આરોગ્યના કારણે ૮.૭ અબજ ડોલરનું નુકસાન વેઠવું પડ્યું હતું. આ ખર્ચ ૨૦૧૫માં સાત ગણો વધીને ૫૪ અબજ ડોલર સુધી પહોંચી જશે.

 5. Neela says:

  સાચી વાત છે. જનરેશન ગેપ ઘટાડવા પરિવર્તન અપનાવવું જરૂરી છે.

 6. Maharshi says:

  વિચારવા લાયક ચિંતન…

 7. Nilesh says:

  “નિ:સ્વાર્થ પ્રેમની અને પોતાનાપણાની એક ભાવના”

  આ જોવી હોય તો અમારા સ્વાધ્યાય પરિવારમાં જોડાવવા આપને હાર્દિક નિમંત્રણ છે!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.