ગૃહલક્ષ્મી – દિલીપ ઓઝા

દિનકરનાં લગ્ન થયાંને ચાર દિવસ થઈ ગયા હતા. મહેમાનોએ વિદાય લીધી હતી. ઘરમાં માત્ર કુટુંબનાં સભ્યો જ હવે હતા. તેથી ચંદુલાલે સમસ્ત કુટુંબનો સિનેમાનો પ્રોગ્રામ રાખ્યો હતો. દિનકરને બહારથી આવતાં થોડું મોડું થયું હતું. તેથી બે રિક્ષા કરીને બધાં સમયસર પહોંચી ગયાં.

દિનકરની પત્ની રશ્મિ ખુશખુશાલ હતી. તેને લાગ્યું કે જો સસરા જ હરવાફરવાના અને સિનેમાનાટકના શોખીન હશે તો તેમને બે જણને મુક્તવિહાર કરવાની થોડા ના પાડશે ? સિનેમા જોઈને બહાર નીકળ્યા પછી બધાંએ જમવાનું બહાર પતાવી લીધું. ચંદુલાલનાં પત્ની સવિતાબહેન આટલો બધો ખર્ચ થયો તેથી બબડતાં રહ્યાં, પણ ચંદુલાલ સાંભળે તો ને ?

રશ્મિ ખરેખર નસીબદાર હતી. તેને એવું ઘર મળ્યું હતું કે પોતાની જાતને તે ખૂબ જ સુખી માનવા લાગી. તેના સસરા ચંદુલાલ ખૂબ મોજીલા સ્વભાવના અને આનંદી હતા. સાસુ સવિતાબહેન પણ તેને દીકરી જેમ સાચવતાં. તેનાં બે નણંદ તથા એક દિયર રશ્મિ સાથે એટલાં હળીમળી ગયાં હતાં કે રશ્મિને હવે પરાયું લાગતું ન હતું. અને દિનકરની તો શી વાત કરવી ? પાંચે આંગળીએ ગોરમાને પૂજ્યાં હોય તેને આવો વર મળે. દિનકર રશ્મિને એટલો ચાહવા મંડ્યો હતો કે રશ્મિને કદીક શંકા જતી કે તે સાચોસાચ તેને પ્રેમ કરે છે કે નાટક કરે છે ? પણ પછી તે અભિજ્ઞાનશાકુંતલને યાદ કરતી કે, અતિશય પ્રેમ શંકાશીલ છે.

ચંદુલાલ રેવન્યુ ઑફિસમાં હેડકલાર્ક હતા. તે મહેનતુ અને બાહોશ હતા. પરંતુ સરકારી નિયમોને કારણે ઑફિસમાં આવી શક્યા નહિ. સંતાનોમાં તેમને બે દીકરા અને બે દીકરી હતાં. હેડકલાર્ક હોવાને કારણે તેમને પગાર ઠીક મળતો, પણ થોડા ખર્ચાળ હતા તેથી તેમની પાસે બચત ખાસ થયેલી નહિ. જે થોડીઘણી બચત થયેલી તે તેમણે દિનકરનાં લગ્નમાં ખર્ચી નાખી. ચંદુલાલે પહેલો પ્રસંગ ધામધૂમથી ઊજવ્યો. બીજા પ્રસંગને હજુ પાંચ વર્ષની વાર હતી, તેથી ચંદુલાલે સારો એવો ખર્ચ કર્યો. દિનકરની નોકરી તેના ગામમાં જ હતી. આથી પિતાપુત્રના બે પગાર આવતા. પરંતુ તેમ છતાં બચત બિલકુલ થતી નહિ. અને બચત થાય પણ શી રીતે ? મહિનામાં બેથી ત્રણ સિનેમા, એકાદ નાટક અને એકાદ નાનકડો પ્રવાસ – જેમાં ઓછામાં ઓછો પાંચસો-હજાર ખર્ચ થઈ જાય. તદુપરાંત સવિતાબહેન પણ કોઈ વાર સત્યનારાયણની કથા કે ભજનનો પ્રોગ્રામ ગોઠવે. આવક જેટલી થતી તેટલો ખર્ચ થતો અને જીવનધોરણ બધાનું ઊંચું હતું તેથી ઘરમાં કદી કંકાસ કે કલેશ થતો નહિ.

આમ છતાં રશ્મિને લાગ્યું કે આ બરાબર થતું નથી. તેણે ઘણીવાર દિનકરને ઘરનો ખર્ચ ઘટાડવો જોઈએ તેમ કહ્યું હતું. પરંતુ દિનકર હંમેશ હસીને વાત ઉડાવી દેતો. તેથી રશ્મિએ એકવાર દિનકરને બદલી કરાવવા કહ્યું. દિનકરે પ્રથમ તો ઘણી આનાકાની કરી. રશ્મિને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ રશ્મિ એકની-બે ન થઈ. પોતાનું નવુંનવું દામ્પત્ય છિન્નભિન્ન થાય તેવી દિનકરની હરગિજ ઈચ્છા ન હતી. આખરે દિનકરની બદલી બહારગામ થઈ. ચંદુલાલ તથા સાવિતાબહેનને આ ગમ્યું નહિ. તેમને એવો વહેમ પણ પડ્યો કે રશ્મિની ઈચ્છાથી દિનકરે બદલી કરાવી હશે. પણ આખરે તો મા-બાપ હતાં ને ? તેમણે મન મનાવ્યું કે બદલી થઈ છે, કંઈ જુદાં નથી થયાં ! ભલે બે જણ સુખી થાય. દિનકરનો પત્ર અઠવાડિયામાં અચૂક એકવાર આવે. બે-ત્રણ મહિને દિનકર અને રશ્મિ ઘેર પણ આવે. બહારગામ બદલી થાય પછી દિનકર ચંદુલાલને પૈસા મોકલતો ન હતો. ચંદુલાલે એક-બે વાર દિનકરને આ બાબત રૂબરૂમાં કહ્યું પણ હતું. દિનકરે હમણાં નવું ઘર હોવાથી નવી વસ્તુઓ વસાવવાની હોવાથી બચત થતી નથી એમ બચાવલક્ષી જવાબ આપેલો.

દિનકર તેના પિતાજીને પૈસા મોકલતો નહતો પણ એનું દિલ તો દુણાતું હતું. તેને થતું કે રશ્મિએ નવી નવી વસ્તુઓ ખરીદવાનો બહુ આગ્રહ ન રાખવો જોઈએ. જેટલું છે તેનાથી ચલાવી લેવું જોઈએ. દિનકરને તેનાં માતાપિતા પ્રત્યે અપૂર્વ પ્રેમ અને ગૌરવ હતાં. તેમણે તેને ખૂબ સુખમાં ઉછેર્યો હતો. તેથી જ તેને એ વાતનું ખૂબ લાગી આવતું કે હવે તેણે તેના માબાપને મદદ કરવી જોઈએ ત્યારે તે કંઈ આપી શકતો ન હતો. એક દિવસ રશ્મિએ કહ્યું : ‘હું આપણાં બંનેના નામની ચોપડી બેન્કમાંથી કઢાવી લાવી છું. હવેથી દર મહિને બેન્કમાં બસો રૂપિયા મૂકવાના છે. ઘરમાં જરૂરી વસ્તુઓ હવે આવી ગઈ છે, તેથી આટલી બચત તો થવી જ જોઈએ.’
દિનકર થોડો ચિડાઈ ગયો. તે ગુસ્સામાં બોલી ઊઠ્યો :
‘બાપુજીને પૈસા મોકલવાને બદલે તું બેન્કમાં મૂકવાની વાત કરે છે ? આપણે આટલા સ્વાર્થી ન બનવું જોઈએ.’
રશ્મિએ શાંતિથી કહ્યું : ‘બાપુજીને પગાર તો આવે છે ને ? પગાર ન આવતો હોય તો બરાબર. બાપુજીને પેન્શન પર જીવવાનું થશે ત્યારે હું જ મનીઑર્ડર કરીશ.’
બંને વચ્ચે ખૂબ ખૂબ દલીલબાજી થઈ. પરંતુ રશ્મિ મક્કમ હતી. રશ્મિના દઢ નિશ્ચય આગળ દિનકરને નમતું જોખવું પડ્યું. તેણે અંતે મન મનાવ્યું કે બાપુજીને હજી પગાર તો આવે છે ને ! પેન્શન મળશે પછી તો રશ્મિ પોતે જ મનીઓર્ડર કરવાની વાત કરે છે પછી શો વાંધો છે ? આમ થોડો અવરોધ આવ્યો હતો તેને બંનેનું દામ્પત્ય વટાવી ગયું અને ફરી પ્રસન્ન બની રહ્યું.

સમયને જતાં કંઈ વાર લાગે છે ? દિનકરને બહારગામ બદલી થયાને પાંચેક વર્ષ થઈ ગયાં. ચંદુલાલને એક પગારમાં થોડી આર્થિક સંકડામણ લાગતી હતી. પરંતુ તેમનો જીવ હજી એવો ને એવો મોજી રહ્યો હતો. ખર્ચ કરતાં તે પાછું વળીને જોતા નહિ. ખાવાપીવાનું, પહેરવાનું બધું ઊંચી જાતનું તેઓ રાખતા. જરૂર પડ્યે લૉન લેતા કે ઉધાર-ઉછીનું કરતાં તેઓ અચકાતા નહિ. પરંતુ ખર્ચ ઓછો કરીને બચત કરે તો ચંદુલાલ શાના ? પણ હવે થોડી ચિંતા શરૂ થઈ હતી. દિનકરની નાની બહેન જયાનું આ વર્ષે લગ્ન લેવાનું હતું. જયાને સાસરિયાં બહુ સારાં મળ્યાં હતાં. ચંદુલાલની આબરૂ પણ નાતમાં ઘણી સારી હતી. બીજી કશી ચિંતા ચંદુલાલને ન હતી. ચંદુલાલને માત્ર પૈસાની ચિંતા હતી. આવી ચિંતામાં ને ચિંતામાં ચંદુલાલની તબિયત બગડી હતી.

તેમણે પુત્રને લંબાણપૂર્વક પત્ર લખ્યો હતો કે જયાનાં લગ્ન લેવાનાં છે અને પોતાની તબિયત બરાબર રહેતી નથી, તેથી બંને જણ એક આંટો આવી જાય. દિનકરને પત્ર મળતાં તુરત જ ઘરે જવા તૈયાર થઈ ગયો. તેને એક વિચાર આવી ગયો કે તે રશ્મિને બેન્કમાંથી પૈસા ઉપાડવાનું કહે, પરંતુ તેને લાગ્યું કે રશ્મિ માનશે નહિ. આથી મનમાં આવેલો વિચાર તેણે દાબી દીધો. રશ્મિએ ‘ખાસ કામ છે’ કહી એક દિવસ મોડું કર્યું. બંને જણ તેમના ગામ ગયાં ત્યારે નાનાં ભાઈબહેનોએ ઉત્સાહથી ભાઈભાભીને આવકાર્યાં. દિનકર તેના બાપુજીના રૂમમાં ગયો. તે તો હેબતાઈ જ ગયો ! ચંદુલાલ ચિંતાઓને કારણે એકદમ કૃશ થઈ ગયા હતા. તેમણે દિનકરને આશીર્વાદ આપ્યા. દિનકર ખૂબ જ ઢીલો થઈ ગયો. ચંદુલાલે ધીમે ધીમે વાત શરૂ કરી કે જયાનાં લગ્ન આવતા મહિનામાં રાખ્યાં છે અને પૈસાની મોટી ચિંતા છે.

આ બાજુ રશ્મિ સવિતાબહેન પાસે બેસીને વાતો કરતી હતી. રશ્મિને લાગ્યું કે ઘરનાં બધાં માણસોનું નૂર જ ઊડી ગયું છે ! હવે તેને ખાતરી થઈ કે તેણે જે પગલું લીધું હતું તે તદ્દન વાજબી હતું. ચા તૈયાર થઈ જતાં સવિતાબહેને રશ્મિને ચા લઈ જવા કહ્યું. રશ્મિ ચા લઈને ગઈ. તેણે બહાર ઊભા રહીને તેના સસરા તથા પતિની વાતચીત સાંભળી. તે ધીમે પગલે અંદર ગઈ. ચા મૂકીને તેના સસરાને વંદન કર્યાં. ચંદુલાલે હૃદયથી આશીર્વાદ આપ્યા. પછી ધીરે રહીને રશ્મિએ એક કવર ચંદુલાલના હાથમાં આપ્યું.
ચંદુલાલે કવર અંદર જોયા વગર પૂછ્યું : ‘આમાં શું છે ?’
રશ્મિએ કહ્યું : ‘બાપુજી, તેમાં એંસી હજાર રૂપિયાનો ચેક છે. જયાબહેનનાં લગ્ન છે તેથી પૈસા તો જોઈશે ને ? બાપુજી, મારો અપરાધ ક્ષમા કરશો. અહીં આવ્યા પછી ટૂંક સમયમાં મેં જોઈ લીધું હતું કે આપણી આવક ઘણી હોવા છતાં ખર્ચ પણ એટલો જ હોવાથી આપણે કશી બચત કરી શકતાં ન હતાં. હું જો આ બાબતમાં કશું કહું તો કોઈને ગમે નહિ. તેથી મારે નાછૂટકે તેમની બદલી કરાવવી પડી. ફરીથી અવિનય બદલ માફી માગું છું.’

ચંદુલાલના વદન ઉપર હર્ષ છવાઈ ગયો. તેઓ આનંદના અતિરેકમાં બોલી ઊઠ્યા : ‘બેટા, તું અમારી વહુ નથી પણ અમારા ઘરની સાક્ષાત લક્ષ્મી છે. તને મેળવીને અમે ધન્ય થયાં છીએ. તેં પ્રતિમાસ અહીં પૈસા મોકલ્યા હોત તો વપરાઈ ગયા હોત. તારી સૂઝ માટે મને અનહદ માન ઊપજે છે.’ રશ્મિને આવતાં વાર લાગી તેથી ઘરનાં બધાં ચંદુલાલના રૂમમાં આવી ગયાં હતાં. ચેકની વાત સાંભળી બધાં પુલકિત થઈ ઊઠ્યાં. દિનકર પણ મીઠા રોષ સાથે રશ્મિ સામે જોઈ લેતો હતો અને તેને એકાંતમાં અભિનંદવા તલસી રહ્યો હતો.

ઘરમાંથી ઘણા દિવસોનું ચિંતાનું વાતાવરણ દૂર થયું અને સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કુટુંબમાં પરિવર્તન – ધીરુબહેન પટેલ
નવસર્જકોનું સર્જન – સંકલિત Next »   

9 પ્રતિભાવો : ગૃહલક્ષ્મી – દિલીપ ઓઝા

 1. nayan panchal says:

  સરસ feelgood વાર્તા.

  ઘરમાં એક માણસ રશ્મિ જેવુ હોય તો પરિવારની નૌકાને દિશાશૂન્ય થતા બચાવી લે છે. એટલે જ તો પત્ની/વહુને home minister નો દરજ્જો આપવામા આવે છે.

  આજે જ્યારે ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોનની બોલબાલા છે ત્યારે આવી વાર્તા વધારે પ્રસ્તુત બની જાય છે.

  નયન

 2. સરસ વાત, ઘરની વહુ જો સારી તો ઘરને સ્વર્ગ બનાવે નહીંતો ઘરના ને સ્વર્ગવાસી…

  આજના હાઈટેક જમાનામાં બચતની સીમાઓ જ્યારે ફક્ત ઈનકમટેક્સ બચાવવાપૂરતી સીમીત થઈ ગઈ છે તે સમયમાં પ્રસ્તુત વાત…

 3. dipika says:

  even i want to save money from my part time job:(

 4. Dipika D Patel says:

  અને મારો તો મોટા ભાગનો પગાર બચતમાં જ જાય છે, પણ મારા ધમુરાજા (પતિદેવ) કદીએ ખર્ચાની ગણતરી કરતા નથી!

 5. સુંદર વાર્તા .

 6. Gira says:

  aww beautiful small story tells alot!! sweet!! 😀

 7. BINDI says:

  good story!!!!!!!!!!

 8. Vaishali Maheshwari says:

  Nice story that teaches how can we save money. Rashmi was truly a good house-wife and a good daughter-in-law, who saved money and helped her in-laws in times of need.

  Got a nice feeling after reading this story.

  Thank you Mr. Dilip Ozha.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.