ઉત્તરાર્ધ – રાજેશ અંતાણી

[‘જલારામદીપ’ સામાયિક – 300મા વિશેષાંકમાંથી સાભાર.]

ઈલેક્ટ્રિસીટી ટાવર પાસેથી રિક્ષા વળી. કાચા ઉબડખાબડ રસ્તા પરથી કૂદતી રિક્ષા પાછી સડક પર આવીને સોસાયટીમાં વળાંક લીધો. રિક્ષા ફંટાતી નાની શેરીના ખૂણા પર આવેલી પાનની કૅબિન પાસે ઊભી. રિક્ષામાંથી ઊતરીને, પૈસા ચૂકવીને એ પાનવાળા પાસે ગયા. ખીસામાંથી કાગળ કાઢીને પાનવાળા સામે વાંચ્યું. એ કોઈકનું સરનામું પૂછતા હોય એવું જણાયું. પાનવાળાએ હાથમાં પકડેલી દાંડીથી ઘરની દિશા બતાવી. એ પાનવાળાના લંબાયેલા હાથ તરફ જોઈને, જે ઘર તરફ જવું હતું એ ઘરને શોધવા લાગ્યા. થોડી ઓછી સમજણ પડી હોય તેમ આજુબાજુ હાથ તરફ જઈને ધીમે પગલે ઘર તરફ વળ્યા.

અગાસીમાં કપડાં લેવા ગયેલી સુષ્માએ આ દશ્ય જોયું. રિક્ષામાંથી ઊતરેલી વ્યક્તિ એમના ઘર તરફ જ આવે છે એવો અણસાર જાગ્યો. સુષ્મા આવનાર, ઘર શોધતી વ્યક્તિને ઓળખતી ન હતી. એમને ઘર તરફ આવતા જોઈને સુષ્મા વળગણી ઉપર લટકતાં કપડાં ઝડપથી ઊતારવા લાગી. કપડાં સૂકવવાના તાર પર લટકતી, સરકતી કિલપોની એણે પરવાહ ન કરી. એ ઝડપથી પાછી વળી. બેડરૂમમાં, પલંગ પર કપડાંનો ઢગલો મૂકીને એ ઝડપથી દાદર ઊતરવા લાગી. જાણે આગંતૂકની રાહ જોતી હોય એમ ઉત્સાહપૂર્વક ઝડપથી નીચે ઊતરીને દીવાનખંડમાં આવી ગઈ. આજે કૉલેજમાં રજા હતી એટલે બધું જ કામ નિરાંતે ધીમે ધીમે કરેલું. ઘરમાં ઘણી બધી ચીજો વેરવિખેર પડેલી હતી. ઊર્વી તો વહેલી બહાર જવા નીકળી ગઈ હતી. એણે દીવાનખંડમાં પડેલી બધી જ ચીજવસ્તુને વ્યવસ્થિત ગોઠવી અને બારણા પાસે ઊભી રહી. લાગ્યું, હમણાં જ ડોરબેલનો અવાજ નિ:સ્તબ્ધતામાં ફરી વળશે.

એણે બારણું ખોલી નાંખ્યું.
સામે જોયું તો એ એના ઘર પાસે જ ઊભા હતા. એમના હાથમાં કાગળ હતો. ઝીણી આંખો કરીને એ મકાન નંબર શોધતા હતા. બારણા વચ્ચે ઊભેલી સ્ત્રીને જોઈને એ જરા ખમચાયા. એમને થયું, કશીક ભૂલ થતી લાગે છે. જે ઘરમાં સ્ત્રી બારણા વચ્ચે ઊભી હોય એ ઘર દિલીપનું ન હોઈ શકે. એ મૂંઝવણમાં પડી ગયા. બારણા વચ્ચે ઊભેલી સ્ત્રીને દિલીપના ઘર વિશે પૂછવાની લાલચને એ રોકી ન શક્યા. એમણે ઊંચે જોયું. છાતીમાં શ્વાસ ભરીને સ્ત્રીને પૂછ્યું :
‘દિ…લી…પ… પંડ્યાનું ઘર ક્યું ? આ…જ.. ?’
સુષ્મા બહાર આવી. એમની નજીક જઈને કહ્યું : ‘હા – આ જ ઘર… આવો, અંદર આવો..’ એમણે હાથમાં પડેલો કાગળ ખીસામાં નાખી દીધો. એ ઘર તરફ ઝાંપો ખોલીને પ્રવેશ કરવા લાગ્યા. સુષ્મા એમની અંદર આવવાની રાહ જોયા વિના ઘરમાં પાછી ફરી. થોડું ચાલીને જોયું તો કમ્પાઉન્ડમાં જ ઊભા રહી ગયા હતા. એ જોઈને સુષ્માએ એમને કહ્યું : ‘આવો… આવો.. અંદર આવો.. ઊભા કેમ રહી ગયા ?’

સુષ્માના અવાજથી એમના ચહેરા પર વિશ્વાસ જાગ્યો. ધીમે પગલે પગથિયાં ચડીને છેક દીવાનખંડ સુધી આવી ગયા. શંકાની નજરે આજુબાજુ જોવા લાગ્યા. સામેની દીવાલ પર લટકતા ફોટાને જોઈને એ ચમક્યા. એ ફોટો દિલીપનો હતો. રંગીન ફોટામાં દિલીપ હસે છે. ફોટાને સુખડના હારથી ઢંકાયેલો જોઈ એ થથરી ગયા. દિલીપ હવે નથી ?
‘બેસો.. બેસો, ભાઈ.’ સુષ્માએ ધીમેથી કહ્યું. એમના સમગ્ર અસ્તિત્વ પર દિલીપના ન હોવાનું વજન ઊતરી આવ્યું હતું. એ ગંભીર બની ગયા હતા. કશું જ વિચાર્યા વિના સોફા પર બેસી ગયા. દિલીપના ઘરનો દીવાનખંડ ધારીધારીને જોવા લાગ્યા. એ યાદ કરવા લાગ્યા. એ ત્રણેક વરસ પહેલાં અહીં આવેલા ત્યારે જે રીતે આ દીવાનખંડ ગોઠવાયેલો હતો એ રીતે જ ગોઠવાયેલો છે. બધું જ યથાવત. ફક્ત દિલીપની સુખડના હારવાળી તસ્વીર દીવાલ પર ટિંગાઈ ગઈ છે.
‘તમે… તમારો પરિચય….’ એમની સામે બેઠેલી સ્ત્રી એમને પૂછી રહી હતી. આ સોફા પર દિલીપ હંમેશાં બેસતો. ઠાવકાઈથી વાતો કરતો.
‘હું દિલીપનો મિત્ર છું. આજે જ અહીં વડોદરા આવ્યો છું. એને મળવા દોડી આવ્યો. પણ એ મને ન મળ્યો.’ એ લગભગ રડી પડ્યા. એમના બોલાયેલા છેલ્લા શબ્દોમાં ભીનાશ ઊતરી આવી. સુષ્મા ઊભી થઈ.

એ નીચું માથું કરીને, ખામોશ બનીને મિત્રની સ્મૃતિ અને એમના વિયોગની પીડામાં ઊંડા ઊતરી ગયા.
‘લો…પાણી…!’
એમણે ઊંચું જોયું. સ્ત્રી પાણીનો પ્યાલો ધરીને ઊભી હતી. એમણે પાણી પીધું. પાણી પી લીધા પછી પણ એમને કળ વળી ન હતી. એમણે ભીના અવાજે સ્ત્રીને પૂછ્યું : ‘આ… ક્યારે બની ગયું ?’
‘ગયે વરસે આ જ દિવસોમાં….’ સુષ્માએ કહ્યું.
સુષ્માનો અવાજ પણ ભીનો થતો જતો હતો.
‘મને ખબર ક્યાંથી હોય ? ગયે વરસે તો હું આ જ દિવસોમાં સ્ટેટ ગયો હતો. હમણાં પાછો ફર્યો અને ત્રણ ચાર માસ તો હું મારા વતન ભૂજમાં રહ્યો. અહીં મારી દીકરી રહે છે. એને ત્યાં પ્રસંગ હતો. આજે જ સવારે આવ્યો છું. દિલીપને મળવા દોડી આવ્યો પણ દિલીપ જ મને ન મળ્યો.’ એ ફરી રડી પડ્યા.

પછી એ સ્વસ્થ થયા… ‘અમે નાનપણના મિત્રો. મારું નામ જયંત – જયંત શુક્લ. હું અહીં વડોદરા આવતો ત્યારે મળવાનું થતું. એમની પત્નીનાં અવસાન પછી તો એ ભૂજ પણ આવ્યો નથી.’ પણ કંઈક અચાનક યાદ આવ્યું હોય એમ બોલ્યા : ‘એની દીકરી ઊર્વી ક્યાં છે ?’
‘એ અહીં જ છે. હમણાં થોડીવાર પહેલાં જ બહાર ગઈ. વહેલા આવવાનું કહી ગઈ છે એટલે તરત જ પાછી આવવી જોઈએ. તમે સ્વસ્થ થાવ. આપણે પહેલી જ વાર મળ્યા છીએ. ઘણી બધી વાતો પણ કરવાની છે.’ સુષ્મા સ્વસ્થ થઈને ઊભી થઈ. કીચન તરફ ગઈ. એ દીવાનખંડમાં એકલા પડ્યા. એ પરોક્ષરીતે દિલીપની ઉપસ્થિતિને અનુભવવા લાગ્યા. દિલીપ પત્નીનાં અવસાન પછી ઘણાં વરસો એકલો રહ્યો હતો. બૅંકમાં ઑફિસર હતો. એક દીકરી પણ છે. એ તો હવે મોટી થઈ ગઈ હશે. એટલે તો એ દિલીપ પાસે ખાસ વાત કરવા પણ આવ્યા હતા. પણ અહીં તો દિલીપના જીવનનો ઉતરાર્ધ તો કંઈક ન સમજી શકાય એવો જોવા મળ્યો. આ સ્ત્રીને કદી જોઈ પણ નથી. આ અંગે દિલીપે પણ ક્યારેય કશી વાત પણ કરી નથી. આ સ્ત્રી તો દિલીપના ઘરને પોતાનું ઘર સમજીને રહે છે. કોણ હશે આ સ્ત્રી ?

‘લો… ચા પીઓ..’ સુષ્માએ કહ્યું. ચાનો કપ ટિપૉય પર મૂક્યો. એ ચાને જોઈ રહ્યા. આંખો સામેથી લીસોટો પસાર થઈ ગયો. એ અહીં આવતા ત્યારે દિલીપ ચા બનાવીને લઈને આવતો. પણ આ સામેના સોફા પર પલાંઠી જમાવીને પૂછતો : ‘કેવી થઈ છે ચા ?’
એમણે ચાનો કપ નજીક ખેંચ્યો.
‘મારું નામ સુષ્મા છે. હું પણ ભૂજની વતની છું.’ એ ચમક્યા.
‘વિનાશક ધરતીકંપની દુર્ઘટનામાં મારા માતાપિતા પરિવાર બધું જ ગયું. હું અહીં મારા મામા સાથે આવી. એમણે ધરતીકંપ પહેલાં જ અહીંનું ઘર વેચી નાખેલું. એ ઈસ્ટઆફ્રિકા જવાના હતા. એ દિલીપના મિત્ર હતા. દિલીપના ઉપરના મકાનમાં હું ભાડે રહેવા આવી. મને અહીંની કૉલેજમાં લૅક્ચરશીપ મળી. હું અને દિલીપ નજીક આવતાં ગયાં. ઊર્વી મને મમ્મી કહેવા લાગી. મારા અને દિલીપના સંબંધની વચ્ચે ન માની શકાય એટલું અંતર પડી ગયું. એ વરસે એમની અચાનક તબિયત બગડી અને એ અમને તદ્દન એકલા મૂકીને ચાલ્યા ગયા. જતાં પહેલાં ઊર્વીની જવાબદારી મને સોંપીને ગયા. ઊર્વી મિકેનિકલ ઍન્જિનિયર છે. અત્યારે એક પ્રાઈવેટ ફર્મમાં જૉબ કરે છે. હું અને દિલીપ એમના છેલ્લા શ્વાસ સુધી મિત્રો જ રહ્યા. વિનાશક ધરતીકંપની દુર્ઘટના પછી તરત જ મને આ બીજો કારમો આઘાત મળ્યો. જે આધાર-આશ્રય મળ્યો એ પણ ગયો.’ સુષ્મા એકીશ્વાસે બોલતી હતી અને રડતી હતી.
‘ઊર્વીનાં લગ્ન….’ એમણે ધીમા અવાજે કહ્યું.
‘લગ્નની વાત કરું છું તો છંછેડાઈ ઊઠે છે. કહે છે કે હું લગ્ન કરીને ચાલી જઈશ પછી તમારું કોણ ?’
‘કેવો સંયોગ ઊભો થયો છે, સુષ્મા. જાણે દિલીપે જ મને તમારી પાસે મોકલ્યો છે.’
‘કઈ રીતે ?’
‘આમ તો હું પ્રસંગે જ અહીં આવું છું. દિલીપને મળવા અને ઊર્વી માટે એક વાત પણ લઈને આવ્યો છું.’
‘એમ ? કોની ? કોણ છે ? કોઈ તમારા કુટુંબમાં છે ?’
‘હા. એ મારો દીકરાનો પુત્ર છે. મારો દોહિત્ર – એ અહીં આઈ.પી.સી.એલ.માં સર્વિસ કરે છે. પણ હવે એ વાત તમારી પાસે મૂકું છું.’
‘આઈ.પી.સી.એલ. માં સર્વિસ ? શું નામ છે એનું ?’
‘માનસ – માનસ પાઠક…’
‘ખરેખર ? શું વાત કરો છો ?’ સુષ્મા ખડખડાટ હસવા લાગી.

‘કેમ હસો છો ?’ એ નવાઈથી સુષ્માને જોઈ રહ્યા.
‘કેવો યોગાનુયોગ છે !! આજે સવારથી જ બધું ચમત્કાર જેવું બને છે.’ સુષ્મા હસવા લાગી.
‘એ કેવી રીતે ?’ એમને નવાઈ લાગી.
‘ખરી વાત કહું ? ઊર્વી સાથે આજે સવારે જ લગ્ન અંગે ઉગ્ર વિવાદ થયો. મેં જિદ્દ કરી, તું લગ્ન કરી જ લે. મેં એને સમજાવી. છેવટે મેં એને કહ્યું તારા પરિચયમાં કોઈ છોકરો હોય તો મને કહે. પહેલાં એ ના પાડતી રહી, પછી એ એના પરિચિત છોકરાને લઈ આવવા કબૂલ થઈ. એ અત્યારે, એ છોકરાને લઈને આવતી જ હશે. હા, ઊર્વીએ માનસ જ નામ કહેલું. આઈ.પી.સી.એલ…. કદાચ એ તમારો દોહિત્ર તો નહીં હોય ને ! લ્યો, આવી પણ ગયાં એ લોકો…’

‘મમ્મી….. આ રહ્યો – માનસ. જોઈ લે એને, મન ભરીને….’ ઊર્વીએ પ્રવેશતાં જ કહ્યું. પછી ક્ષણ રોકાઈ. એમને જોઈ બોલી : ‘અરે જયંતકાકા, તમે ?’
‘ઓળખી ગઈ, દીકરી ?’
‘તમને કેમ ન ઓળખું… પપ્પા તમને દરરોજ યાદ કરતા હતા. એ ગયા ત્યારે પણ તમને યાદ કરતા હતા.’ ઊર્વીનો અવાજ ભીનો થઈ ગયો.
એમણે માનસ તરફ જોયું.
‘અરે ! નાનાબાપુ….. તમે અહીં ?’
‘તને પકડવા જ અહીં આવ્યો છું. ચાલો, તમે બંને મારી સામે બેસો.’ એ કમરામાં ચારેતરફ જોવા લાગ્યા. દિલીપની અનુપસ્થિતિનું વજન અચાનક ઊતરી આવ્યું. પછી ધીમા અવાજે એમણે કહ્યું : ‘સુષ્મા, તમે મારા મિત્ર દિલીપના જીવનનો ઉત્તરાર્ધ એમની તરફના તમારા સાચા પ્રેમથી સાચવી લીધો છે.’

એમણે ઊર્વીનો હાથ માનસના હાથમાં મૂક્યો અને એ ઊભી થયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંબંધ (લઘુકથા) – અશ્વિન મ. વસાવડા
ચાલો રિપેરિંગ કરીએ – પ્રદ્યુમ્ન આચાર્ય Next »   

11 પ્રતિભાવો : ઉત્તરાર્ધ – રાજેશ અંતાણી

 1. nayan panchal says:

  જોઈએ એટલી મજા ન આવી.

  વાર્તામાં ઉંડાણ ન લાગ્યુ.

  sorry

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  વાર્તા તો વાર્તા છે ક્યારેક ગમે અને ક્યારેક ન પણ ગમે. પણ લખવું અને વાંચવુ તે મહત્વનું છે.

 3. rac says:

  વાર્તા બરાબર ન હતી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.