- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ચાલો રિપેરિંગ કરીએ – પ્રદ્યુમ્ન આચાર્ય

[‘નવનીત સમર્પણ’ – જુલાઈ 2008 માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર.]

સામાન્ય રીતે એવું મનાય છે કે મૌલિક પ્રતિભાશાળી વ્યક્તિઓ શોધખોળ કરે છે, જ્યારે સરેરાશ સામાન્ય બુદ્ધિઆંક ધરાવનારને રિપેરિંગ કરવું વધારે માફક આવે છે. પરંતુ મને આ લાગુ પડતું નથી. હું તો એમ સિદ્ધ કરવા માગું છું કે રિપેરિંગમાં પણ મૌલિકતા, કલ્પનાશીલતા હોઈ શકે. એક વખત અમારો સીલિંગફેન ચાલુ થતો ન હતો. બંદાએ લાકડી ઉઠાવી પંખાનાં પાંખિયામાં નાખી લાકડી જોરથી ઘુમાવી, પંખો ફરફર ફરવા માંડ્યો. એક વખત પાણી ચઢાવવાની મોટર બગડી ગયેલી. સ્વિચ ઑન કરી જોરથી એક લાત મોટરને મારેલી. મોટર ઘરરરર….. ચાલુ થઈ ગઈ ! ઘણી વસ્તુ ધોકાથી પાશરી થતી હોય છે !

કોઈ પણ વસ્તુ જોતાં જ મારા મનમાં ભાવ જાગે છે કે તે વસ્તુ બગડી જાય તો કેવું સારું ! મારા હાથમાં ખંજવાળ આવવા લાગે છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી, રિપેરિંગનાં લક્ષણ શાળામાંથી, મારાં તમામ પુસ્તકો, નોટબુકો સદાય પાટાપિંડીવાળાં જ રહેતાં. સો પુસ્તકોની વચ્ચેથી પણ મારું પુસ્તક માખણના લોંદામાંથી વાળ ખેંચી કાઢે તેમ ખેંચી કાઢતો. શાહીવાળી પેન, ઈન્ડિયનપેનોના રિપેરિંગમાં માસ્ટરી હતી. જેની જાહેરાત શાહીના ડાઘાવાળાં મારાં કપડાં કરતાં હતાં. મારા વર્ગના કોઈ છોકરાની પેનના મોઢિયા પર મારા દાંતનાં નિશાન ન હોય તે બની શકતું જ નહીં. પેન ચાલુ થઈ છે કે નહીં તે જોવા પેન છંટકારતાં લગભગ તમામ છોકરાઓનાં કપડાં પર શાહી જોવા મળતી જે જોવાથી ઘરે મા-બાપની પ્રસાદી અવશ્ય પ્રાપ્ત થતી. આ રિપરિંગના ઉત્સાહ અને સૂઝબૂઝ કૉલેજમાં પણ જળવાઈ રહેલાં.

રિપેરિંગ સ્વાવલંબી બનાવે છે. એકાગ્રશક્તિ ખીલે છે. પૈસાની બચત થાય છે. કોઈની ઓશિયાળી કે લાચારી કરવી પડતી નથી. સમયનો સદુપયોગ થાય છે. પણ મારી પત્નીનો અભિપ્રાય તદ્દન જુદો અને વિરુદ્ધ દિશાનો છે. તે સમજતી નથી. નવું નવું, નવ દિવસ પછી તો રિપેરિંગ જ એક માત્ર આધાર છે. પછી તે સંસાર હોય કે લગ્નજીવન. પણ તે મારા હાથમાં ડિસમિસ, પકડપાનાં જુએ છે ત્યાં કકળાટ કરવા માંડે છે. હિસ્ટીરિયા આવી જાય છે. આંખના ડોળા ઉપર ચઢી જાય છે. આથી કકળાટ નિવારવા હું બહુધા તેને જાણ ન થાય અગર તે બહાર ગઈ હોય ત્યારે રિપેરિંગ કરું છું, પણ દરેક વખતે આ શક્ય બનતું નથી. તે તેનો કકળાટ ચાલુ રાખે છે. હું મારું રિપેરિંગ ચાલુ રાખું છું. આપણને ક્યાં ઝઘડવાની ફુરસદ છે ? તે એટલું સમજી શકતી નથી, છેલ્લે તો રિપેરિંગ તેની સવલત, સગવડ માટે છે. ઘરમાં મોટે ભાગે એવી વસ્તુ બગડે છે જે સ્ત્રીઓના ઉપયોગની હોય છે. સ્ત્રીઓ જ ઘરનો વ્યવહાર ચલાવે છે.

મારી પાસે એક રેડિયો (બે બેન્ડ ટ્રાન્ઝિસ્ટર) હતો. શરૂઆતમાં સારું કામ આપ્યું. પછી કેન્સરના દર્દીનો અવાજ પ્રથમ ધીમો થઈ જાય છે અને પછી વિલીન થઈ જાય છે તેવું જ કાંઈક રેડિયોમાં થયું. પહેલાં બુધવારે બિનાકાનો એ કાર્યક્રમ આવતો. રેડિયોમાં સ્ટેશન મેળવું એટલી વારમાં તો કાર્યક્રમ પૂરો થઈ જતો ! મેં વિચાર્ંિર રેડિયોનું કાંઈક કરવું જોઈએ. સાંભળ્યું હતું સ્નેહનું સિંચન ગમે તેવી મૂક-જડ વસ્તુને પણ મુખરિત કરી શકે છે. એટલે દરજીના સંચામાં તેલ પૂરવા કૂંપી આવે છે તે કૂંપીથી સ્નેહનું સિંચન કર્યું. ‘વધુ સ્નેહ, વધુ મુખરતા’ પ્રમાણે સિંચન કર્યું. વધુ માત્રામાં સિંચન થઈ ગયેલું. તે અતિરિક્ત તેલથી મારા કેશના મૂળને પોષણ આપ્યું પણ અતિસ્નેહથી રેડિયો મૂંઝાઈ ગયો. અને પહેલાં તો સહેજ અવાજ નીકળતો તે પણ ગૂંગળાઈને બંધ થઈ ગયો. પછી એમ લાગ્યું કે હમારે બસકી બાત નહીં હૈ, તેથી મારી પત્નીને ખબર ન પડે તેમ રેડિયો રિપેરર પાસે લઈ ગયો. રેડિયો રિપેરરે રેડિયો ખોલ્યો. તેમાં તેલ પૂરેલું જોયું. રેડિયો તેલતેલાણ હતો. તેણે રેડિયો સામે જોયું, પછી ક્યાંય સુધી મારી સામે જોઈ રહ્યો. તેની વાણી બંધ થઈ ગઈ હતી. પછી કાંઈક સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેણે પૂછ્યું : ‘આ મહાન કારીગર કોણ છે ?’ જવાબ આપવામાં મારું અભિમાન પ્રદર્શિત થઈ જાય આથી નમ્રતાથી મૌન ધારણ કર્યું. વળી તેણે રેડિયો સામે જોયું. પછી મારી સામે જોયું. પછી મરેલા ઉંદરને પકડી દૂર રાખે તેમ રેડિયો એક હાથથી પકડ્યો અને પછી કહે : ‘આ મહાન કારીગરને મારા પ્રણામ કહેજો.’ અને પછી રેડિયો પાછો આપ્યો. મને થયું તે સંપૂર્ણ રીતે પરિપક્વ નીવડેલ કારીગર ન હતો. તેથી બીજા રિપેરરને બતાવ્યો. રેડિયો ખોલતાં જ તેને અરેરાટી થઈ ગઈ. ખોલ્યો હતો તે જ સ્થિતિમાં મને પાછો આપ્યો અને કહ્યું આમાં તેલ તો છે જ હવે માત્ર ગ્યાસતેલ અને દિવાસળીની પેટીની જરૂર છે. રેડિયોને મોક્ષની જરૂર છે. રેડિયો મેં પાછો લઈ લીધો અને ઘરના ભંડકિયામાં મૂકી દીધો. હજુ આજે 15 વર્ષ પછી પણ સ્નેહનું સિંચન કરેલું તેની મહેકથી ભંડકિયું તરબતર થઈ જાય છે.

મારી પાસે સ્વિસ કંપનીનું ડબા ઘડિયાળ (એલાર્મ કલોક) થોડો સમય ઠીક ચાલ્યું. પછી સમયનો અને એલાર્મનો મેળ રહ્યો નહીં. એલાર્મ મનસ્વી થઈ ગયું. તેના કારણે અમે ઘણી ટ્રેન, બસ ચૂકી ગયા છીએ. આ એલાર્મ કલોકને હાથ પર લેવા વિચાર્યું. કોઈ મહાન કારીગર કોઈ કાર્ય માટે ઉદ્યુક્ત થાય ત્યારે વસ્તુ હાથ પર લીધી તેમ બોલાય છે. અમે પણ ઘડિયાળ હાથ પર લીધી. પોલીસ આરોપીને રિમાન્ડ પર લે તે મુજબ, અગર ડૉક્ટર દર્દીને ઑપરેશન ટેબલ પર લે તે મુજબ.

પ્રથમ તેને ખોલવાનું નક્કી કર્યું અને એલાર્મ વાગવા પાછળ ક્યાં પરિબળો કામ કરે છે તે જાણવું આવશ્યક હતું. પાછળની બન્ને ચાવી કાઢી નાખી, બે સ્ક્રૂ કાઢી નાખ્યાં. ઢાંકણ ખુલ્લું થયું, એટલે ડિસમિસથી બહાર દેખાતી સ્પ્રિંગને ટપારી, તરત ઘડિયાળની બહાર. તેની પાછળની સ્પ્રિંગને કાઢી તો તેની પછીની સ્પ્રિંગને આઘાત લાગ્યો અને વૃદ્ધ માણસ ઢળી પડે તેમ ઢળી પડી. ઘડિયાળમાં બાલચક્ર હોય છે તેવો ખ્યાલ હતો. તો પછી તેમાં જુવાનચક્ર પણ હોવું જોઈએ. અગર બાલચક્ર એટલે વાળમાં વીંટાયેલ ચક્ર તેવો પણ અર્થ થાય. ઘડિયાળમાં અત્યંત ઝીણા તાર સાથેનું ચક્ર દેખાયું. તેણે આપોઆપ શરણાગતિ સ્વીકારી. પછી તો ચોમાસામાં મંકોડા દરમાંથી ઢગલાબંધ બહાર નીકળે તેમ તમામ ચક્ર, સ્પ્રિંગ, સ્ક્રૂ, બેલેન્સ બહાર આવી ગયાં. પરંતુ અત્યારે શું કરવું તેની મૂંઝવણ થઈ. સૈનિકનાં આંતરડાં દુશ્મનોએ બહાર કાઢી નાખ્યાં હોય તેવી સ્થિતિ ઘડિયાળની થઈ. હવે અંગઉપાંગોને ઘડિયાળમાં પુન:સ્થાપિત કરી શકાશે નહીં તેમ લાગતાં, ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. તેમાં ઘડિયાળની લાશને મૂકી, ગાંઠ વાળી દીધી. પત્નીને ખબર ન પડે તેમ ઘર બહાર નીકળી ઘડિયાળ રિપેરરની દુકાને ગયો અને તેનાં ચરણે લાશ ધરી દીધી. તેણે પૂછ્યું આમાં શું છે ? તેણે ગભરાઈને એવી રીતે પૂછ્યું જાણે પોટલામાં આરડીએક્સ હોય ! મેં કાંઈ જવાબ ન આપ્યો, કેમ કે તેને શું કહેવું તે દ્વિધા હતી. તેમાં ઘડિયાળ હતી છતાં ઘડિયાળ ન હતી ! મેં કાંઈ જવાબ ન આપ્યો પણ પોસ્ટમોર્ટમ કરેલા શબને કપડામાંથી બહાર કાઢે તેમ રૂમાલની ગાંઠ છોડી સઘળાં અંગઉપાંગો અનાવૃત કરી દીધાં. અનાવૃતં સકલં અસ્થિ પિંજરમ ! ઘડિયાળી અવાક રહી ગયો. જાણે વાચા હરાઈ ગઈ. ટી.વી. સિરિયલમાં એક પાત્ર બીજા પાત્ર સામે જુએ ત્યારે છૂ…. જેવો અવાજ થાય છે. તેવું જ કાંઈક અત્રે થયું. ઘડિયાળીએ મારી સામે જોયું, છૂ… પછી બીજા ગ્રાહકો સામે જોયું, છૂ…. વળી મારી સામે, છૂ…. પછી દીવાલ પરના ભગવાનની છબી સામે, છૂ… પછી ઘડિયાળના કંકાલ સામે, છૂ…. પછી ઉપર આકાશ સામે, છૂ….

વળી પછી કાંઈક સ્વસ્થતા પ્રાપ્ત થતાં પૂછ્યું કે આ મહાન કાર્ય કોણે કર્યું છે ? હું થોથવાઈ ગયો પછી ગભરાતાં કહ્યું : ‘જી આ દેહધારીએ.’
મને પૂછ્યું : ‘આ ઘડિયાળ આવી રીતે કેમ કરીને ખોલ્યું ?’ મનમાં બોલ્યો તે સિક્રેટ છે પણ કંઈ બોલ્યો નહીં. મને કહે : ‘આ ઘડિયાળને રિપેર કરવાની મારી કોઈ શક્તિ નથી. મારી પચ્ચીસ વર્ષની કારકિર્દીમાં કોઈ આ રીતે ઘડિયાળ લાવ્યું નથી. (સરખાવો – બાપુ આટલા સમય આટલાં પુષ્પ નીચે કદી સૂતા નથી.) ધન્ય છે, તમને. એક કામ કરો આ ઘડિયાળ સ્વિસ કંપનીને મોકલી આપો. અને તે સાથે લખજો – પડકાર ઝીલી શકો છો ? હા હવે આ તમારી અમાનત ઉઠાવી લો. પવન આવવા દો. મને પરસેવો છૂટી ગયો છે.’ ફરી રૂમાલમાં મૂકી ગાંઠ વાળી ઘરે છાનોમાનો ભંડકિયામાં રૂમાલ સહિત મૂકી આવ્યો. ભંડકિયામાં એક એકથી અજાયબ વસ્તુઓ પડેલી છે જેને મારા હસ્તનો સ્પર્શ થયો છે. અમારા ઘરમાં દરેક વસ્તુ બબ્બે છે. રેડિયો, ટી.વી., પંખા, ઈસ્ત્રી, ચાર્જર, એરકૂલર વગેરે. એક ઉપર, એક વસ્તુ નીચે. લંડનનું મેડમ તુસાડનું મીણના પૂતળાનું મ્યુઝિયમ મારા ભંડકિયાની વસ્તુ પાસે પાણી ભરે, કેમ કે તે અસલી છે. અનેક ઝંઝાવાત, કકળાટ સામે ભંડકિયું જીવની પેઠે જાળવેલું છે. કહેવાય છે કે વિશ્વમાં એક દિવસ એવો આવશે જ્યારે સઘળી મૃત વ્યક્તિ સજીવન થઈ જશે. મને પૂરો ભરોસો છે તે દિવસે મારા ભંડકિયાની તમામ વસ્તુ પૂર્વસ્થિતિને પ્રાપ્ત થઈ જશે. હાલ મારા બેડરૂમમાં ઘડી ઘડી આળ મૂકતું નિરંતર ટક ટક કરતું ઘડિયાળ છે જ.

મને સપનાં પણ રિપેરિંગનાં આવે છે, તે પણ ભવ્ય. મને સપનું આવ્યું. અનરાધાર વરસાદ પડ્યો. નદીનાળાં છલકાઈ ગયાં. સાબરમતી ડેમ ઑવરફ્લો થયો. પાણી ધસમસતું આવે છે. ડેમના દરવાજા તરત ખોલવા પડે તેમ છે. તેમ ન થાય તો ડેમ તણાઈ જાય. સાથે આખું અમદાવાદ તણાઈ જાય. ભયંકર હોનારત થાય. સરકારના અને કોર્પોરેશનના ઈજનેરો, અધિકારીઓ તનતોડ મહેનત કરે છે. પણ ડેમના દરવાજા ખૂલતા નથી. તેવામાં એક અધિકારીનું મારા પર ધ્યાન પડ્યું. તેણે તેના બોસના કાનમાં વાત કરી. તે હાથ જોડતો મારી પાસે આવ્યો. આજીજી, કાકલૂદી કરી. ભયંકર હોનારતમાંથી બચાવી લેવા કાલાવાલા કર્યા. મેં ડેમના દરવાજાનું નિરીક્ષણ કર્યું. તમામ સ્કૂ, ચેનલ પર કેરોસીન છંટાવ્યું. સ્ક્રૂ ઢીલા કર્યા, પછી દરવાજા નીચે પરાઈ ભરાવી. દરવાજા સડસડાટ ખૂલી ગયા ! અમદાવાદ હોનારતમાંથી ઊગરી ગયું. તે વર્ષે ‘શ્રેષ્ઠ માનવતાવાદી રિપેરર કેટેગરી’નો ઈલકાબ મને મળ્યો.

પણ રિપેરિંગ મારી પત્નીને રાશ આવતું નથી. મારા રિપેરિંગ કામને ઉધામા જ સમજે છે. મારા હાથમાં ડિસમિસ કે પકડ કે પાનું જુએ છે ત્યાં તેને અમંગળની એંધાણી થાય છે. ડિસમિસ કે પકડને તેણી એ.કે. 47 રાઈફલ કહે છે. રિપેરિંગ એક આતંકવાદ છે તેમ કહે છે. ઘરેલું હિંસા અટકાવવાના કાયદામાં રિપેરિંગનો સમાવેશ થાય છે કે કેમ ? તે અંગે ખાનગી રીતે અભિપ્રાય લઈ ચૂકી છે. મારા હાથમાં હથિયાર જુએ કે આજીજી કરવા માંડે છે. ‘પિયર જવાની જીદ નહીં કરું. દિવસમાં દશ વાર ચા બનાવી આપીશ. વહેલા નાહી લેવા કચકચ નહીં કરું, પણ મહેરબાની કરી હથિયાર મ્યાન કરો.’ ઘણી વાર તો માત્ર તેને ડરાવવા હથિયાર ટેબલ પર ખખડાવું છું તો તરત તે શીરો, વેડમી, લાડુ બનાવી આપે છે. રિપેરિંગ માટે જરૂરી તમામ હથિયારની એક ડૉક્ટર બેગ રાખી છે.

એક વખત હું હિંડોળે બેઠો હતો. ત્યાં ટપ…ટપ…ટપ…. એવો અવાજ આવવા લાગ્યો. મને થયું કોઈ બિચારી દુખિયારી બાઈ જંગલમાં રડે છે. બોર બોર જેવડાં આંસુ પાડે છે. પણ મારા ઘરે દુખિયારી કોણ હોઈ શકે ? રસોડામાંથી અવાજ આવતો હતો. ત્યાં જઈને જોયું તો રસોડાનો નળ ટપકતો હતો. હું રાજી રાજી થઈ ગયો. ખુશીથી ઝૂમી ઊઠ્યો. કૂદકા મારવા લાગ્યો. ઘણા દિવસના ઉપવાસનાં પારણાં થશે તેનો આનંદ છલકાવા લાગ્યો. હાથમાં ખૂજલી આવવા લાગી. મારી ખાસ ‘ડૉક્ટર’ બેગ લઈ આવ્યો. તે ખૂલવાનો અવાજ થતાં જ પત્ની હાંફળીફાંફળી દોડતી આવી અને પૂછ્યું : ‘કેમ બેગ લીધી છે ?’ મેં કહ્યું : ‘નળ રિપેર કરવા.’ તેણી કહે : ‘ભાઈસાબ હું તમને પગે લાગું છું. હું પ્લમ્બરને બોલાવી લાવીશ પણ મહેરબાની કરી ‘ખાસડા-કટર’ બેગ બંધ કરો. મેં કહ્યું : ‘નળમાં વાઈસર બગડી ગયું છે તેની કિંમત થાય માત્ર પચાસ પૈસા અને પ્લમ્બર પડાવી લેશે પચ્ચીસ રૂપિયા (પૂર્વ સ્થિતિ પ્રાપપાર્થ પ્રમાર્જતમ્ – ગુજરાતી ભાષાંતર : રિપેરિંગ). વાઈસર બદલવું પાંચ મિનિટનું કામ છે.
તેણી કહે : ‘તમારે ઑફિસ જવાનો વખત થયો છે. દાળ, ભાત, શાક થઈ ગયાં છે. તમે જમવા બેસો હું ગરમ રોટલી ઉતારું છું.’ પણ હું આજે કાંઈ પણ સાંભળવાના મૂડમાં ન હતો. ‘રીડ પડ્યે રજપૂત છીપે નહીં.’
મેં કહ્યું : ‘તું ગભરાઈશ નહીં. આ કામ તો ફટાકામાં થઈ ગયું સમજ. માત્ર થોડી મદદ મને કરજે.’ પત્નીને લાગ્યું કે માટીડો વાર્યો રહે તેમ નથી. તેથી માતાજીની સ્તુતિ કરવા લાગી.

મેં કામ હાથ પર લીધું. મેં કહ્યું : ‘એ વાંદરી પાનું લાવજે.’
તેણીએ પૂછ્યું : એ જમ્બુર પાનું પણ લાવું કે કેમ ?’ મારા સહવાસના કારણે રિપેરિંગનાં ઘણાં સાધનોની તેને પહેચાન છે. (રિપેરિંગનાં સાધનો પર એક અલગ સ્વતંત્ર લેખ થઈ શકે છે.) મે વાંદરી પાનું લઈ ધીમે ધીમે નળના આંટા ખોલવા માંડ્યા. જેવો નળ ખૂલ્યો કે પાણીની ધાર છેક કોઠાર સુધી પહોંચી ગઈ. હું પણ પલળી ગયો. આ જોઈ મારી પત્ની રીતસર છાજિયા લેવા માંડી : ‘હાય હાય, લોટના ડબામાં પાણી, મારો બાર મહિનાનો મસાલો પાણી પાણી, તેલનાં ડબામાં પાણી. હે ભગવાન, આના ઉધામાથી ત્રાસી ગઈ છું. મારા નસીબે જ આવો ધણી ક્યાં લખાયો હતો ?’ તેને ગભરાટ છૂટવા માંડ્યો હતો. બેબાકળી થઈ ગઈ હતી. મેં કહ્યું : ‘જો આમાં આખા ગામને સંભળાવવાથી કશું નહીં વળે. એક તપેલી અગર કથરોટ આપ કે જેથી પાણીના ધોધને કોઠારમાં જતો અટકાવી શકાય. ત્યાં સુધી નળ પર હાથ દાબી રાખું છું.’ તે કથરોટ લાવી. બેગમાંથી વાઈસર કાઢી દે. બેગમાંથી વાઈસર મળ્યું નહીં. આ બાજુ મારો હાથ દુ:ખવા લાગ્યો હતો. મેં કહ્યું : ‘હવે ધાબા પરની ટાંકીનો વાલ્વ બંધ કરી આવ.’
તેણે કકળાટ કરી મૂક્યો : ‘હે ભગવાન આવું બધું પહેલાં કરીને ઉપાડો લેવો હતોને !’ કડભાંગલી વાસીદું વાળે અને એમ બોલતાં અગાશી પર જવા લાગી. મેં કહ્યું : ‘પહેલાં ત્રાસ કે કથરોટ આપ.’ તેણે કથરોટ-ત્રાસ આપ્યો. જેવો મેં હાથ બદલવા નળ પરથી હાથ લીધો કે નળ સામે ધરી રાખેલા ત્રાસ પર પાણીની ધાર પડી તે અથડાઈને રસોડાના પ્લેટફોર્મ પર ઊડી. સઘળું પાણી પાણી થઈ ગયું. દાળમાં પાણી, શાકમાં પાણી, લોટ પાણીમાં તરબોળ, ગૅસનો ચૂલો પાણી પાણી. શ્રીમતી દોડતી આવી છાતી કૂટવા લાગી : ‘હે ભગવાન, કયા ભવનાં પાપ કર્યાં હશે ? હાય…હાય…. હવે હું શેની રસોઈ બનાવીશ ? આવું દોઢડહાપણ કરવાનું કોણે કહ્યું હતું ? મારી પાણીની ટાંકી ખાલી થઈ ગઈ… હવે બે દિવસે પાણી આવશે… મારું સ્નાન કેવી રીતે કાઢશો ? ઉપરનો વાલ્વ બંધ થતો નથી. હવે શું કરું ?’

મેં કહ્યું : ‘જો કકળાટ કરવાથી કાંઈ નહીં વળે. એક કામ કર. વેલણ અને કપડાનો ટુકડો લાવ. નળમાં ભરાવી પાણી બંધ કરીએ.’ બરાબર આ જ વખતે ઑફિસમાંથી ફૉન આવ્યો કે સાહેબ બોલાવે છે. તેણી વેલણ અને કપડાનો ટુકડો લાવી તે વેલણ પર વીંટીં નળમાં ઘાલ્યું, પણ કપડું વધારે વીંટાળેલું તેથી નળમાં વેલણનો પ્રવેશ થઈ શક્યો નહીં. વળી વેલણ પરનું કપડું કાઢી, નળમાં ઘાલ્યું. આ સમય દરમિયાન ઘણું પાણી વહી ગયું. રસોડું જળબંબાકાર થઈ ગયું. દરમિયાન વળી ઑફિસમાંથી ફરી ફોન આવ્યો. સાહેબ હમણાં ને હમણાં બોલાવે છે. સાહેબની ચેમ્બરનો પંખો બગડી ગયો છે. ‘રિપેરિંગ યશસે’ મેં શ્રીમતી સામે જોયું. પણ નળમાં ઘાલેલા વેલણ સામે ન જોયું. મારી ખાસ બેગ બંધ કરી ને મેં ઑફિસની બેગ લીધી. જમવાનો પ્રશ્ન, સમય કે ઈચ્છા ન હતી. જતાં જતાં મેં શ્રીમતીજીને કહ્યું : ‘નળ રિપેરિંગ મુશ્કેલ નથી પણ બીજું વાઈસર ન હતું તેથી આટલી તકલીફ થઈ. યોગ્ય લાગે તો પ્લમ્બરને બોલાવશો, નહીં તો સાંજે ફરી કામ હાથ પર લઈશું.’

સાંજે આવીને જોયું તો શ્રીમતીએ પ્લમ્બરને બોલાવી નળ રિપેર કરાવી લીધો હતો. શ્રીમતીજી કહે : ‘પ્લમ્બર નળમાં વેલણ ઘાલેલું એ જોઈને હસી હસીને બેવળ વળી ગયો. રિપેરિંગના રૂપિયા પચ્ચીસ નહીં રૂપિયા પચાસ લીધા અને ધમકી આપતો ગયો છે કે જો હવે વેલણ નળમાં ઘાલ્યું હશે તો નળને હાથ અડાડવાનો નથી.’