કોને પસંદ કરું ? – જ્યોતિબેન થાનકી

‘બહેન, નમસ્તે !’
‘નમસ્તે, આવ પંકજ. અત્યારમાં કંઈ ? મુંબઈથી ક્યારે આવ્યો ?’
‘બહેન, આવ્યાને તો આજે ચાર દિવસ થઈ ગયા, પણ મન ચગડોળે ચડ્યું છે એટલે તમારી સલાહ લેવા આવ્યો છું.’
‘કેમ, એવું તે શું થયું કે મન ચગડોળે ચઢ્યું ? અને તે પણ તારા જેવા સ્વસ્થ અને શાંતચિત્તે વિચાર કરનાર યુવાનનું ?’
‘બહેન, પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે કે જેમ જેમ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરું છું તેમ તેમ ગુંચવાતો જાઉં છું, અને મુંઝવણ વધતી જાય છે એટલે થયું કે, ભણતો હતો ત્યારે મુસીબતમાં તમારી પાસેથી ઉકેલ મળી જતો તેમ, આજે પણ તમે જરૂર મદદરૂપ થશો.’
‘ભલે આવ્યો. બનશે તો હું જરૂર મદદરૂપ થઈશ, પણ એ તો કહે, તારી સર્વિસમાં તો બધું બરાબર ચાલે છે ને ?’
‘હા બહેન, એમાં કોઈ મુશ્કેલી નથી. કંપની આ જાન્યુઆરીથી મને પ્રમોશન આપશે. હું સિનિયર એકાઉન્ટન્ટ બની જઈશ. લગભગ 15000 રૂ. જેટલો પગાર થઈ જશે.’
‘મારી દષ્ટિએ સી.એ. થયેલાને માટે એટલો પગાર તો ઓછો કહેવાય.’
‘હા, પણ મારે તો કંપનીમાં કામ કરવાનો અનુભવ લેવો છે. પછી તો હું મારી પોતાની જ પેઢી ખોલી લઈશ. એટલે એમાં હવે મને કોઈ મુશ્કેલી નથી.’
‘તો પછી મુશ્કેલી ક્યાં છે ?’

અર્થશાસ્ત્રના અધ્યાપક સુધાબહેન, એક સમયના પોતાના તેજસ્વી વિદ્યાર્થીની મૂંઝવણને માપતાં તેને નીરખી રહ્યાં. તેમને લાગ્યું કે સાચ્ચે જ તે જીવનના કોઈ અટપટા પ્રશ્નમાંથી કે કોઈ મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યો છે. હંમેશા શાંત અને સ્વસ્થ દેખાતો એનો ચહેરો થોડો તંગ બનેલો હતો. શું મુંબઈમાં કોઈ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હશે અને તેના માતાપિતા ઈન્કાર કરતાં હશે ? ના, પંકજ માટે એવું વિચારી શકાય જ નહીં. એ કદી યુવતીઓના પડછાયામાં પણ આવતો ન હતો, પછી પ્રેમમાં તો ક્યાંથી પડે ? તો પછી આ ઉંમરે બીજી કઈ મૂંઝવણ હોય ? સુધાબહેનના મનમાંથી વિચારો ઝડપથી પસાર થવા લાગ્યા. તેઓ પંકજનાં શિક્ષિત માતાપિતાને સારી રીતે ઓળખતાં હતાં અને તેઓ પંકજના કોઈ કાર્યમાં ક્યારેય અવરોધ ઊભા કરે તેમ ન હતાં. તો પછી થયું છે શું ?

બહેનના ચહેરા ઉપર ઝડપથી બદલાતા જતા ભાવોને જોઈને પંકજને પણ એ કળી જતા વાર ન લાગી કે બહેન શું વિચારી રહ્યાં છે. આથી સ્પષ્ટતાં કરતાં એણે કહ્યું : ‘બહેન, તમે જે ધારો છો એવું નથી. હા, વાત તો છે મારા લગ્નની જ અને મારી પસંદગીની જ.’
‘તો પછી એમાં તને મૂંઝવણ શાની થાય છે ?’
‘એ જ તો તમને કહેવા આવ્યો છું. બહેન, અનેક છોકરીઓનાં માબાપો તરફથી કહેણ આવેલાં છે. પરંતુ મમ્મી-પપ્પા કહે છે કે આપણને બધી રીતે અનુરૂપ ન હોય તો પણ બધી છોકરીઓને જોવા જવી અને પછી તેને ના પાડવી એ આપણને શોભે નહીં. આથી એમણે બે છોકરીઓને પસંદ કરી છે. બંનેના કુટુંબોનો અમને પરિચય છે. બંને કુળવાન અને ખાનદાન ઘર છે. મમ્મી-પપ્પાએ મારા ઉપર પસંદગી કરવાનું છોડ્યું છે. બહેન, તમે જાણો છો કે છોકરીઓ સાથે વાત કરતાં પણ મને સંકોચ થતો હતો અને હજુ પણ એમાં બહુ ફેર પડ્યો નથી. પસંદગીની બાબતમાં મને બિલકુલ સમજ પડતી નથી, આથી મેં મમ્મીને કહ્યું : ‘તમને પસંદ પડે તે કહો.’
તો પપ્પાએ મને કહ્યું : ‘જો પંકજ, અમે અમારી દષ્ટિએ તને કહીએ, પણ તમારી યુવાનોની દષ્ટિ અમારા કરતાં જુદી રીતે વિચારતી હોય અને વળી અમારાં કરતાં તમારે જુદા જ વાતાવરણમાં જુદા જ પ્રકારની રહેણીકરણીમાં રહેવાનું હોય તેથી અમારી પસંદગી કે વિચારો કામ ન લાગે. હા, અમે તો સારું પાત્ર બતાવીએ અને તેનાં બધાં જ પાસાઓ તારી આગળ રજુ કરી શકીએ. પણ તારા જીવનનો નિર્ણય તો તારે જ લેવો જોઈએ.’

‘તારા પપ્પાની વાત એકદમ સાચી છે’, સુધાબહેને કહ્યું, ‘એક ઉત્તમ શિક્ષક અને આદર્શ પિતા પાસેથી આ જ આશા રાખી શકાય.’
‘પણ બહેન, આથી હું કોઈ જ નિર્ણય લઈ શકતો નથી. કદાચ તમે મને આમાં જરૂર મદદરૂપ થઈ શકશો. કેમ કે, મારી જેમ એ બંને તમારી પણ વિદ્યાર્થીનીઓ છે. એક આર્ટસની અને બીજી કોમર્સની છે.’
‘તો પછી આર્ટસ અને કોમર્સ વચ્ચે તને પસંદગીની સમસ્યા ઉદ્દભવી છે ?’ પંકજના મનનો ભાર હળવો કરવા તેમણે રમૂજ કરી.
‘બહેન, રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા તમે શીખવતાં હતાં ત્યારે તમે પસંદગીની સમસ્યા વિશે સમજાવતાં કહ્યું હતું કે ‘ફક્ત આર્થિક ક્ષેત્રમાં જ નહીં પણ જીવનમાં પણ માનવી સમક્ષ પસંદગીની સમસ્યાઓ ઉદ્દભવે છે. કોઈક પસંદગીની સમસ્યાઓ એવી હોય છે કે અવળી પસંદગી થઈ જાય તો આખી જિંદગી બરબાર થઈ જાય છે.’ ત્યારે તો મુગ્ધાવસ્થામાં એ શબ્દો સાંભળી લીધા હતા અને અમે મિત્રો પિરિયડ ભરવો કે નહીં, ટ્યુટોરિયલ આપવો કે નહીં વગેરેની પસંદગીની સમસ્યાની મજાક પણ કરતા પણ ત્યારે આ સમસ્યા આટલી ગંભીર હશે એની બિલકુલ ખબર ન હતી. અને મને હજુય ખબર પડી પણ ન હોત – જો આ રીતે મારા જીવનમાં આ સમસ્યા આવી ન હોત તો !’
‘પંકજ, મને ખરેખર આનંદ થયો કે આઠ વરસે પણ તને આ બધું યાદ છે.’
‘બહેન, એ તો જીવન સાથે જડાયેલા શબ્દો છે; એને યાદ રાખવા નથી પડતા. જીવાતા જીવનની સમસ્યાઓ દ્વારા એ બધા આપોઆપ પ્રગટ થતા રહે છે.’

‘હા, તો તું કોર્મસનો માણસ. તો પછી કોમર્સ ગ્રેજ્યુએટને પસંદ કરી લે. એથી તમારા બંનેનું ક્ષેત્ર એક જ રહેશે. વળી, ભવિષ્યમાં તારી પેઢીમાં એ તને મદદરૂપ પણ બનશે.’
‘ એ પણ મેં વિચારી જોયું, પણ મમ્મીની વાત પણ વિચારવા જેવી છે. તેઓ કહે છે કે, ‘જો તું પોતે જ ખૂબ કમાણી કરી શકતો હોય તો તારે ધંધામાં પત્નીની મદદ લેવી જોઈએ નહીં. પત્ની તારા ધંધાના બોજ કરતાં ઘરનો બોજો સંપૂર્ણપણે ઊઠાવી લે તેવું તું ઈચ્છતો હોય તો મારી દષ્ટિએ શીલા સારી છે.’ અને પપ્પાએ એમાં સૂર પૂરાવતાં કહ્યું : ‘હા બેટા, એ છે તો સામાન્ય શિક્ષકની પુત્રી, પણ કેળવાયેલી છે, હોંશિયાર છે. હા, બહારની ચમકદમક કે ટાપટીપ એનમાં નથી પણ એ રીતે પણ એ કેળવાઈ શકે એવી તો લાગે છે. જો કે રૂપા પણ એટલી જ હોંશિયાર છે. એ પણ ભણવામાં હોંશિયાર છે. શ્રીમંત કુટુંબની છે. આથી મુંબઈના વાતાવરણમાં ઝડપથી ગોઠવાઈ શકશે. તારી જ્યાં ઈચ્છા હશે ત્યાં અમે નક્કી કરીશું.’ આમ કહીને એમણે મારા ઉપર નિર્ણય છોડ્યો છે. બહેન, તમે શીલા ને રૂપા બંનેને ભણાવી છે. આથી, તમે જ કહો કે હું કોને પસંદ કરું ?’

સાંભળતાં જ સુધાબહેનની નજર સામે સૌમ્ય, શાંત, સહેજ શામળી પણ નમણી, મૃદુભાષિણી શીલા તરવરી રહી. પહેલા જ ટ્યુટોરિયલ વખતે શીલાએ સુધાબહેનનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સ્વચ્છ મરોડદાર અક્ષરો, મુદ્દાસર લખાણ અને સમગ્ર ઉત્તરમાં ક્યાંય છેકછાક નહીં અને વિષયવસ્તુને બરાબર અનુરૂપ લખાણ હતું. આથી એમણે શીલાને આવી સુંદર રજુઆત બદલ અભિનંદન આપ્યા હતા. એ પછી તો શીલા સાથે પરિચય વધતો ગયો અને એ પરિચય આત્મીયતામાં પરિણમ્યો. ‘પુરુષ સમોવડી નારી’ એ નિબંધ સ્પર્ધામાં શીલાનાં લખેલા વાક્યો એમને અત્યંત પ્રભાવિત કરી ગયેલા : ‘નારીએ શા માટે પુરુષ સમોવડી બનવા પ્રયત્ન કરવો જોઈએ ? એ પ્રયત્ન એ જ નારીનું અપમાન છે, જે નારી, પોતે જ પોતાને હાથે કરી રહી છે. નારી એ સર્જન શક્તિ છે. એ પુરુષોને જેવા ઘડે છે તેવા પુરુષો સર્જાય છે. એ રીતે સમગ્ર વિશ્વમાં જે કંઈ કાર્યો પુરુષો દ્વારા થાય છે એ નારીના સર્જનનું જ પરિણામ છે. નારી પોતે શ્રેષ્ઠ છે જ. એણે શ્રેષ્ઠતા સાબિત કરવાની જરૂર જ નથી.’ આ સમગ્ર નિબંધ શીલાના સુસંવાદી વ્યક્તિત્વ અને એની પ્રબળ આંતરિક શક્તિનું પ્રતિબિંબ પાડતો હતો. આવી શીલાની સાથે પંકજનું ગોઠવાય તો સોનામાં સુગંધ ભળે પણ ત્યાં જ બીજો એક ગૌર, ચબરાક, તેજસ્વી ચહેરો એમની નજર સામે ઊપસી આવ્યો અને એમના કાનમાં શબ્દો ગુંજી રહ્યા : ‘હવે એ યુગ આથમી ગયો છે, કે સ્ત્રી ઘરની ચાર દીવાલો વચ્ચે પૂરાઈને રહે. નવા યુગની નારીને પોતાનું આગવું વ્યક્તિત્વ છે. પોતાની સ્વતંત્ર ઓળખ છે….’ કૉલેજની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનતી રૂપાના એ શબ્દો હતા. દેખાવે સુંદર, સ્વતંત્ર પંખિણી જેવી મુક્ત, હસમુખી, વાચાળ રૂપા તો પ્રથમ નજરે જ સહુને ગમી જાય તેવી હતી. ભણવામાં તો હોંશિયાર હતી જ પણ સાથે ગરબા, નાટક અને વક્તૃત્વમાં પણ તેની બરાબરી કરી શકે તેવું કોઈ ન હતું. બહોળું મિત્રમંડળ ધરાવતી રૂપા જ્યાં જતી ત્યાં પોતાનું વાતાવરણ સર્જી દેતી. આવી રૂપા પણ પંકજ માટે કંઈ ખોટી તો નહોતી જ.

‘બહેન, તમે પણ મૂંઝવણમાં પડી ગયાં ને ?’
‘હા પંકજ, તારી પસંદગીની સમસ્યા ખરેખર કપરી છે. આમાં તારી મૂંઝવણ સાચી છે. કોઈ નિર્ણય ઉપર તાત્કાલિક આવી શકાય તેવું નથી. બંને મારી માનીતી વિદ્યાર્થીનીઓ છે. પોતપોતાની રીતે બંને પોતાના ક્ષેત્રોમાં આગવી પ્રતિભા ધરાવે છે. તું બંનેમાંથી જેને પસંદ કરીશ તે ઉત્તમ જ છે, પણ તારે કેવા પ્રકારનું જીવન જીવવું છે એને આધારે તારે પસંદગી કરવી જોઈએ.’
‘કેમ ?’
‘જો તું એવું ઈચ્છતો હોય કે તારી પત્ની તને બધા જ કાર્યોમાં સાથ આપે – પાર્ટી, પિકનિકો, મહેફિલોમાં એ સહુને પ્રભાવિત કરે, ‘સોફિસ્ટીકેટેડ સોસાયટી’ માં એ ભળી જાય અને તારી સાથે ખભેખભા મિલાવીને બહાર હરેફરે તો એ બધું રૂપા આપી શકશે. એમ લાગે તો તું રૂપાને પસંદ કર. એ તને આ બધામાં સાથ આપશે. એટલું જ નહીં, તારા વર્તુળમાં એની પ્રતિભાથી અને એની વાચાળતાથી તારો માનમોભો પણ વધશે.’
‘બહેન, બીજું એ કે એ શ્રીમંત કુટુંબમાંથી આવે છે. એટલે ઉચ્ચવર્ગની રીતરસમો એને શીખવવી નહીં પડે. એ મિલમાલિકો ને અતિ શ્રીમંતોના પરિવારોમાં પણ ભળી શકશે.’

પસંદગી રૂપા પ્રત્યે ઢળતી જાય છે, એ સુધાબહેનથી છાનું ન રહ્યું. એટલે એમણે કહ્યું : ‘એના શ્રીમંત પિતાની મોટી ઓથ પણ તને મળે ને ?’
‘એમણે પપ્પાને ઓફર કરી જ છે કે પંકજને સ્વતંત્ર પેઢી મુંબઈમાં સ્થાપવી હોય તો તેઓ બધી રીતે મદદ કરશે અને તેમને મુંબઈમાં ઘણી ઓળખાણો પણ છે એટલે મને કામ પણ મળી રહેશે. પરંતુ બહેન, હું મારા પગ ઉપર ઊભો રહીને જ આગળ વધીશ, બીજાના ટેકાથી નહીં, એ મારો સંકલ્પ છે. એટલે પૈસાની તો વાત જ નથી પણ રૂપા તમને ગમી ને ?’
‘હા. જરૂર ગમી છે. એ તારા બાહ્ય જીવનના ચળકાટને વધુ ભભકભર્યું બનાવી શકશે. પણ ઊભો રહે, કોઈપણ નિર્ણય પર આવતાં પહેલાં હજુ પૂરતો વિચાર કરજે.’ અચાનક સુધાબહેનને યાદ આવ્યું અને તે અંદરના ઓરડામાં ગયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે એમના હાથમાં એક નોટબુક હતી. પંકજના હાથમાં મૂક્તાં કહ્યું : ‘આ શીલાની નોટબુક છે. એ જરા જો. પ્રશ્નના જવાબો કેવી રીતે લખવા એનું પ્રત્યક્ષ માર્ગદર્શન આ નોટ દ્વારા હું મારા વિદ્યાર્થીઓને આપું છું.’
પંકજે નોટ હાથમાં લીધી. ગુલાબનાં ફૂલોના કેલેન્ડરનું સુંદર પૂંઠું ચઢાવેલું હતું. પહેલું જ પાનું ખોલ્યું તો સુંદર ઝીણી આકર્ષક ડિઝાઈનની વચ્ચે સુંદર અક્ષરોમાં એક વાક્ય લખ્યું હતું : ‘પ્રભુનો સ્પર્શ હોય તો બધું જ સુંદર બની જાય છે.’ પછી એણે નોટમાં લખેલા ઉત્તરોને ધ્યાનથી જોયા. સ્વચ્છતા, સુઘડતા, સુંદરતા અને સ્પષ્ટતા એમાંથી પ્રગટ થતાં હતાં. નોટનું અવલોકન કરી પંકજે સુધાબહેનને નોટ પાછી આપતાં કહ્યું : ‘આ પણ સરસ છે, નહીં બહેન ?’
‘હા, એ તો છે જ.’
સુધાબહેનને કૉલેજ જવાનું મોડું થશે એમ વિચારી પંકજ પછી ઊભો થઈ ગયો અને બોલ્યો : ‘બહેન, અત્યારમાં મેં તમારો બહુ સમય લીધો, પણ હવે તમે મને વિચારવા માટેની એક ચોક્કસ દિશા બતાવી છે એ માટે હું તમારો ખૂબ આભારી છું.’
‘પંકજ, બુદ્ધિથી નહીં, હૃદયથી નિર્ણય લેજે. વિચારો તો વધુ ગૂંચવશે. ભગવાન તને તારા જીવનને અનુરૂપ સાચો નિર્ણય લેવામાં મદદ કરે.’ એવા સુધાબહેનના આશીર્વાદ લઈ એ ચાલ્યો ગયો.

તે રાત્રે પણ તે સૂઈ શક્યો નહીં. સુધાબહેનના શબ્દો તેના માનસપટ પર વારંવાર ઊપસતા રહ્યા…..જેવો તારો નિર્ણય હશે એવું તારું જીવન રચાશે…. એક બાજુ ચબરાક, રૂપવતી, જાજ્જ્વલ્યમાન, તેજસ્વિની રૂપા હતી, તો બીજી બાજુ સૌમ્ય, શાંત, વિનમ્ર, શામળી શીલા હતી. સુધાબહેને રૂપાની તરફેણ કરી હતી. શીલા માટે તો ખાસ કંઈ બોલ્યાપણું ન હતું પણ નોટ તેના હાથમાં મૂકીને કંઈ પણ બોલ્યા વગર એમણે શીલા વિશે ઘણું બધું કહી દીધું. એનું આંતર વ્યક્તિત્વ જ પ્રગટ કરીને શું એની એ રીતે તરફેણ નહોતી કરી ? એનું મન અનેક રીતે વિચારી રહ્યું….. એનો કોઈ અંત જ નહોતો પણ હવે તેણે કોઈક નિર્ણય પર તો આવવાનું જ હતું. આખરે એણે વિચારોના ઘમસાણને પોતાના મનમાંથી બળપૂર્વક હાંકી કાઢ્યું. પોતાના મનને શાંત કર્યું. મનની દોડધામ શમી જતાં એણે પોતાના હૃદયમાં એકાગ્રતા સાધી તો તેના હૃદયમાં પેલા સુંદર અક્ષરો ઝળકવા લાગ્યા : ‘પ્રભુનો સ્પર્શ હોય તો બધું જ સુંદર બની જાય છે.’ આ વાક્ય પર એકાગ્રતા કરતો કરતો તે ક્યારે ઊંઘી ગયો તેની તેને ખબર ન પડી. સવારે ઊઠ્યો ત્યારે તેના મનનું તોફાન શમી ગયું હતું અને તે હળવોફૂલ બની ગયો હતો. તેણે પોતાની પસંદગીની વાત મમ્મી-પપ્પાને કરી ત્યારે પુત્રની પસંદગી પર પપ્પાને પોતાની સમગ્ર જીવનસાધના સફળ થઈ હોય એવું લાગ્યું. મમ્મીને થયું કે એનો પુત્ર કસોટીમાંથી સુવર્ણ બની બહાર આવ્યો છે.

બીજે દિવસે જ્યારે એણે સુધાબહેનને પોતાનો નિર્ણય જણાવ્યો ત્યારે આનંદવિભોર બનતાં સુધાબહેને કહેલું : ‘તારી આ પસંદગીમાં તને જિંદગીમાં ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે’ – એ વાક્ય આજે વીસ વર્ષ પછી પણ એટલું જ સાચું છે. વીસ વરસના દાંપત્યજીવનમાં એને એક ક્ષણ માટે પણ એની પસંદગીનો અફસોસ થયો નથી. એનો મોટો પુત્ર અક્ષત કોમ્પ્યુટર ટૅકનોલૉજીના અખિલ ભારતીય કક્ષાના એડમીશન ટેસ્ટમાં સર્વ પ્રથમ આવ્યો. નાનો પુત્ર એનો વારસો સંભાળવા ટી.વાય. બી.કૉમમાં અભ્યાસ કરી રહ્યો હતો. એના એક પ્રશ્ને તો પંકજના જીવનના વીસ વર્ષનો પરદો હટાવી દીધો અને જાણે એણે આજે જ નિર્ણય લીધો હોય એવી તાજગી ને પ્રસન્નતા એના મુખ પર ફરી વળ્યાં.
‘ડેડી, તમે શું વિચારમાં પડી ગયાં ? ધૈવત સાથે ફોન પર હું આટલી બધી વાત કરીને આવ્યો તોય તમે હજુ નાસ્તો પણ નથી કર્યો ?’
‘અને હું ન્હાઈને આવી ગઈ તોય તારા ડેડીએ નાસ્તો પૂરો કર્યો નથી ! અજય, આજે તારા ડેડી ખૂબ આનંદમાં લાગે છે.’

‘હું તો સદાય આનંદમાં જ હોઉં છું, પણ આજે વિશેષ. અજયના એક પ્રશ્ને મને મારા જીવનની એક નિર્ણાયક ઘડીનું દર્શન કરાવ્યું. બેટા અજય, તેં પ્રશ્ન પૂછ્યો હતોને કે પેઢીને ટૂંકા ગાળામાં ઘણો નફો જણાતો હોય તો તેવો ઑર્ડર પેઢીએ સ્વીકારવો કે નહીં ? – એ તારા પ્રશ્ન પર હું વિચાર કરતો હતો.’
‘ઓહ, એ પ્રશ્નમાં તમે આટલા બધા ખોવાઈ ગયા હતા ?’
‘હા અજય, પેઢીમાં જ નહીં, જીવનમાંય ઘણીવાર ટૂંકા ગાળામાં ફાયદો કરે પણ લાંબે ગાળે નુકશાન કરે એવા નિર્ણયો લેવાઈ જાય તો પેઢી તો નુકશાન ભરપાઈ કરી શકે, પણ જીવનમાં થયેલું નુકશાન ભરપાઈ થતું નથી. આથી ટૂંકાગાળામાં કદાચ ફાયદો જણાતો ન હોય તો પણ લાંબે ગાળે નફો આપે એવા જ નિર્ણયો પેઢી શું કે વ્યક્તિ શું – દરેકે લેવા જોઈએ. સાચો નિર્ણય લેવામાં આવે તો પછી લાંબે ગાળે નફો નફો જ રહે છે ને ક્યારેય પસ્તાવાનો વખત આવતો નથી.’ એમ કહીને એણે એવી પ્રેમભરી નજરે શીલા સામે જોયું કે લાંબાગાળાનો નિર્ણય એટલે શું તે અજયને સ્પષ્ટપણે સમજાઈ ગયું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તા-લેખન સ્પર્ધા 2008 – તંત્રી
મધુવનના મેયર – મનોજ દાસ Next »   

23 પ્રતિભાવો : કોને પસંદ કરું ? – જ્યોતિબેન થાનકી

 1. nayan panchal says:

  “ફક્ત આર્થિક ક્ષેત્રમાં જ નહીં પણ જીવનમાં પણ માનવી સમક્ષ પસંદગીની સમસ્યાઓ ઉદ્દભવે છે. ”

  સરસ લેખ. The Matrix માં એક સંવાદ છે, ” The problem is choice”. આખરે તો આપણુ જીવન આપણે કરેલી પસંદગીઓના આધારે જ ઘડાતુ હોય છે.

  નયન

 2. sujata says:

  નારી પોતે શ્રેષ્ઠ છે જ. એણે શ્રેષ્ઠતા સાબિત કરવાની જરૂર જ નથી………..સુંદર રજૂઆત્…………

 3. Jatan says:

  ઘણા સમય પછી આ વાર્તા વાંચી. ઘણો આનંદ થયો.

 4. urmila says:

  nice story after a long time – lot of philosophy of practical life and guidance –

  હા અજય, પેઢીમાં જ નહીં, જીવનમાંય ઘણીવાર ટૂંકા ગાળામાં ફાયદો કરે પણ લાંબે ગાળે નુકશાન કરે એવા નિર્ણયો લેવાઈ જાય તો પેઢી તો નુકશાન ભરપાઈ કરી શકે, પણ જીવનમાં થયેલું નુકશાન ભરપાઈ થતું નથી. આથી ટૂંકાગાળામાં કદાચ ફાયદો જણાતો ન હોય તો પણ લાંબે ગાળે નફો આપે એવા જ નિર્ણયો પેઢી શું કે વ્યક્તિ શું – દરેકે લેવા જોઈએ. સાચો નિર્ણય લેવામાં આવે તો પછી લાંબે ગાળે નફો નફો જ રહે છે ને ક્યારેય પસ્તાવાનો વખત આવતો નથી.’

 5. અતુલ જાની (આગંતુક) says:

  શ્રીમદ ભગવદગીતામાં ૩ જાતના ૧. સાત્વિક ૨. રાજસ અને ૩.તામસ સુખની વ્યાખ્યા કરતા નીચેના સુંદર શ્લોકો આપેલા છે.

  યત્તદગ્રે વિષમિવ પરિણામેઅમૃતોપમમ્ |
  તત્સુખં સાત્ત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ || અધ્યાય ૧૮, શ્લોક ૩૭

  પહેલા ઝેરસમું અને અંતે મીઠું જે ,
  પ્રસન્ન મન અંતર કરે, સાત્વિક સુખ છે તે.

  વિષયેન્દ્રિયસંયોગાદ્યત્તદગ્રેઅમૃતોપમમ્ |
  પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ || અધ્યાય ૧૮, શ્લોક ૩૮

  ઈન્દ્રિયોના સ્વાદથી પહેલાં મીઠું જે ,
  અંતે ઝેર સમાન છે, રાજસ સુખ છે તે.

  યદગ્રે ચાનુબન્ધે ચ સુખં મોહનમાત્મનઃ |
  નિદ્રાલસ્યપ્રમાદોત્થં તત્તામસમુદાહ્રતમ્ || અધ્યાય ૧૮, શ્લોક ૩૯

  પહેલાં ને અંતેય જે મનને મોહ કરે ,
  પ્રમાદ આળસ ઊંઘ તે તામસ સુખ સૌ છે.

 6. Himanshu says:

  Oo…. I think I am ‘Tamasi’…… as I love to Sleep….. 🙁

 7. Varun says:

  The choice by the protagonist is stupid.
  Nobody in their right mind would decide about a life partner based a fancy handwriting and a neat book cover.

  But such is the mentality of the teachers in Gujarat today.
  The ability of students is judged not by what they know but if they can puke out their mugged textbook without any “chek-chak”.
  Presentation is really much more than fancy handwriting and underling and using different colored markers.

  Even thinking of applying Game Theory to human relations like marriage, is asking for disaster big time.

 8. Mohit Parikh says:

  Liked it very much. Especially what Shila says about women. no lady should try to be equivalent to men. They are different, and far ahead.

 9. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ!

  આવી જ એક વારતા આજ લેખીકાની છે.. “જમાના પ્રમાણે” જે હુ ૧૧ મા ધોરણમાં ભણતી. તેમાં પણ એક સામાન્ય દેખાતી દીકરી ની વાત છે. જ્યારે તે લગ્ન ની ઉંમરે પહોંચે છે ત્યારે તેના પિતા જ જેમણે સાદગીના પાઠ શિખ્વ્યા છે તે તેણીને બહ્યા ટાપટીપ કરવાનુ કહે છે. ને તેણી તેમ કરે પણ છે…ત્યારે તેના પિતા ને થાય છે કે મારી દીકરી બદલાઇ ગઇ છે પણ તે હવે મારી દીકરી નથી રહી.

 10. jigisha says:

  “જેવો તારો નિર્ણય હશે એવું તારું જીવન રચાશે…. ”
  ખરેખર સાચિ વાત ………our life is a reflection of our desition……..very nice story………..

 11. Dhaval B. Shah says:

  Nice story!!

 12. pragna says:

  પ્રેય અને શ્રેય માન્થિ શ્રેય નિ પસન્દગિ કરવા મા જ સાચુ સુખ

 13. Vaishali Maheshwari says:

  ‘પ્રભુનો સ્પર્શ હોય તો બધું જ સુંદર બની જાય છે.’

  Very good story. It was a great pleasure reading this. Not much ups and downs in the story. Very smooth flow of thoughts.

  It all depends on what do we choose in our lives.
  We are the creators of our own destiny.
  Before deciding on anything, we should think about many factors, look at things from different angles and then reach to a final decision.

  Thank you Jyotiben for this wonderful story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.