મધુવનના મેયર – મનોજ દાસ

[ ‘મધુવનના મેયર’ નામક નવલિકાના પ્રસિદ્ધ ઊડિયા ભાષાના લેખક શ્રી મનોજ દાસને 1990-99ના દસકા દરમિયાન વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલ ગ્રંથોમાંથી પસંદગી પામેલ એમની નવલકથા ‘અમૃત ફૂલ’ને અનુલક્ષી પ્રતિષ્ઠિત ‘સરસ્વતી સન્માન’ 2001ના વર્ષમાં પ્રાપ્ત થયું હતું. કે.કે. બિરલા ફાઉન્ડેશને સરસ્વતી સન્માન સ્થાપિત કર્યું છે. એ સન્માન હેઠળ રૂ. પાંચ લાખનું પારિતોષિક એનાયત થાય છે. તેમની આ પ્રસ્તુત વાર્તાનો ગુજરાતી અનુવાદ રેણુકાબેન સોનીએ કર્યો છે.]

ઓહોહો ! આકાશ આવું ગાઢ આસમાની છે ! અને તારા આટલા તેજસ્વી છે ! હોડીમાં બેસીને દિવ્યસિંહબાબુએ જિંદગીમાં પહેલી વાર અનુભવ્યું અને તેઓ નવાઈ પામ્યા ! હોડી વહી રહી છે. ઠંડા વહેતા પવનથી દિવ્યસિંહબાબુનું મન શાંત થયું. તેમના મનમાંથી, દિલમાંથી દુ:ખ, ચિંતા અને ક્ષોભ રૂના પોલાની જેમ ઊડી ગયાં, અંધારામાં લુપ્ત થઈ ગયાં ! નહીં તો કદાચ તેઓ તે બધાંને ઊડતાં જોઈ શક્યા હોત !

શી ખબર કેટલા વાગ્યા હશે. તેમણે રોજની જેમ કાંડાં તરફ નજર કરી. હવે તેમને યાદ આવ્યું કે કાંડા પરથી ઘડિયાળ ઉતારી તેમણે પેન્ટના ખિસ્સામાં મૂક્યું હતું. પરોઢ થવાની તૈયારી હતી. મધુવન નગરીના લોકો શું વિચારતાં હશે ? કેવી કલ્પના કરતાં હશે ? એકાએક દિવ્યસિંહબાબુ હસી પડ્યા. લાંબા રુદન પછીનું એ હાસ્ય ઘણું મધુર, પોતીકું લાગતું હતું. બાર કલાક પહેલાં તેઓ નગરસભાની બેઠકમાં હસ્યા હતા. પણ આ હાસ્ય અને પેલા હાસ્ય વચ્ચે આકાશ પાતળનો ફરક હતો. કલાકો સુધી રડ્યા પછી જૂના હાસ્યની ટેવ તેઓ ભૂલી ગયા હતા. પાછલી રાતની અનુભૂતિ તેમને આ પ્રૌઢાવસ્થાના બદલે ત્રીસ વર્ષ પહેલાં થઈ હોત તો ? આખી જિંદગી લોકોની સાથે ઝઘડો કરી ‘જેની લાઠી તેની ભેંસ’ની નીતિ અપનાવી તેઓ આટલા પ્રખ્યાત બન્યા ન હોત તો કદાચ તેઓ આજની જેમ મધુવન નગરીના મેયર બન્યા ન હોત, પણ તેમનો જીવનપ્રવાહ ધીમાન અને શ્રીમાન જરૂર બન્યો હોત !

બાર કલાક પહેલાં જ્યારે વૃદ્ધ સુદર્શનબાબુ ભાષણ આપતાં આપતાં રડી પડ્યા હતા, ત્યારે તેમને જોઈને દિવ્યસિંહબાબુ હસતા હતા – જોકે હસતી વખતે તેમણે મોં પર રૂમાલ રાખ્યો હતો. તેમને નવાઈ લાગી હતી કે સુદર્શનબાબુનું મગજ તો નથી બગડી ગયું ને ? નહીંતર તેમના જેવો નિવૃત્ત વૃદ્ધ અધ્યાપક આવી નાની બાબતમાં રડે ખરો ? મેયરપદ માટેની ચૂંટણીમાં દિવ્યસિંહની સામે હાર્યા ત્યારે સુદર્શનબાબુને ખૂબ દુ:ખ થયું હતું. દિવ્યસિંહબાબુ એક વખત તેમના શિષ્ય હતા. આ જ કારણસર તેમને વધારે લાગી આવ્યું હતું. દિવ્યસિંહબાબુને તેમનું દુ:ખ ઓછું કરવા એક-બે સ્નેહીઓ જોડે કહેવડાવ્યું હતું કે પુત્રના હાથે પિતાના પરાજય અને શિષ્યના હાથે ગુરુનો પરાજય એ વિજયનું બીજું રૂપ છે. સુદર્શનબાબુએ જવાબમાં કઠોર વેણ કહ્યાં હતાં કે આર્ય વચનનો વિદ્યા કે જ્ઞાનના જય પરાજય જોડે સંબંધ હોઈ શકે છે પણ લાંચના જૂઠ અને દગાખોરીથી ખરડાયેલી ચૂંટણીના વિજય પરાજય જોડે એનો સંબંધ જોડવો એ નરી મૂર્ખાઈ છે.

ગઈકાલે સુદર્શનબાબુએ નગરસભાની બેઠકમાં આપેલા ભાષણ પર દિવ્યસિંહબાબુ હસ્યા હતા. સુદર્શનબાબુએ ભાષણમાં ગાયો-ભેંસોના ઉત્પાત વિશે એવા ગંભીર બની બોલતા હતા કે જાણે હિટલરની સેનાએ મધુવન નગરી પર આક્રમણ કર્યું ન હોય. હમણાં હમણાંની એક ગાય પોતાનાં કરતૂત વડે મધુવન નગરીમાં ઘણી પ્રસિદ્ધ બની હતી. તેના ઉપદ્રવની વાત કરતાં સુદર્શનબાબુ રડી પડ્યા હતાં ! તે ગાય ચોરી કરવામાં ઉસ્તાદ હતી, એટલું જ નહીં પણ તેનું ભાષાજ્ઞાન પણ એટલું બધું સમૃદ્ધ હતું કે એના સાંભળતાં કોઈ જો એને ‘ચોર’ કહે તો તેનું આવી બને. મોંમાંથી ચોરનો ‘ચો’ શબ્દ નીકળે તે સાથે જ ગાય ગુસ્સે થઈ શિંગડાં ઊંચકી તેની સામે જુએ અને શબ્દ પૂરો થતાંની સાથે તો એણે બોલનાર પર આક્રમણ કર્યું જ હોય. સુદર્શનબાબુની વહાલી પૌત્રીની બી.એ.ની પરીક્ષા ચાલતી હતી. એણે સાઈકૉલૉજી ઑનર્સ વિષયના પ્રોફેસરે આપેલાં લેકચરોની અને પ્રેક્ટિકલ વિષયની બે નોટ બનાવેલી હતી. બપોરની વેળાએ વરંડામાં બેસી તે વાંચતી હતી. વાંચતાં વાંચતાં તે જરી ઊંઘી ગઈ. ઊંઘ ઊડી ત્યારે જોયું તો પૂંઠા સાથેની એક આખી નોટ અદશ્ય થઈ ગઈ હતી. અને બીજી નોટનું અડધું ચાવેલું પૂંઠું માત્ર ત્યાં પડ્યું હતું. અને આ પરાક્રમ કરનાર ચોટ્ટી ગાય ઘરના આંગણામાંથી બહાર જતી રહી હતી. સુદર્શનબાબુ પૌત્રીના દુ:ખે દુ:ખી થઈ સભામાં રડી પડ્યા હતા !

કદાચ સુદર્શનબાબુએ પોતાને હસતા જોયા હશે અને તેથી દુ:ખી થયા હશે એમ સમજી વાતનો ખુલાસો કરવા દિવ્યસિંહબાબુ સભા પૂરી થયા પછી તેમને મળ્યા હતા અને કહ્યું હતું, ‘સાહેબ, ખોટું ના લગાડશો. આપ જરા વધારે પડતા લાગણીવશ થઈ જાઓ છો !’
સુદર્શનબાબુએ ગુસ્સાથી તેમની સામે જોઈ કહ્યું : ‘એટલે ?’
દિવ્યસિંહે કહ્યું : ‘એટલે એમ કે સાહેબ, યુગો યુગોથી ગાય માત્ર એક જાનવર છે.’
સુદર્શનબાબુએ કહ્યું : ‘એ વાતની મેં ક્યાં ના કહી ? પણ મારે એમ કહેવું છે કે યુગો યુગોના એ જાનવરના ત્રાસમાંથી નગરસભા અમને મુક્તિ અપાવશે કે નહીં ?’
દિવ્યસિંહે કહ્યું : ‘સાહેબ, ગાય થોડાં કાગળિયાં ચાવી ગઈ એમાં કઈ મોટી દોલત લૂંટાઈ ગઈ ? શું થઈ ગયું ?’ સુદર્શનબાબુ થોડી વાર માટે મૂઢ બની ગયા.
પછી બોલ્યા : ‘શું કહ્યું ? છોકરીએ બે વર્ષની મહેનતે બનાવેલી નોટ, શહેરમાં આટલી મોટી નગરસભા છતાં એક સામાન્ય ગાય ચાવી જાય છે અને તમે કહો છો કે કઈ મોટી દોલત લૂંટાઈ ગઈ ? શું થઈ ગયું ?’ આ સાંભળી દિવ્યસિંહ ફરી હસી પડ્યા.
સુદર્શનબાબુએ મોટો નિસાસો નાખી કહ્યું : ‘દિવ્યસિંહ, તમે નહીં સમજો, નહીં સમજો. હું જેમ આનો વધારે વિચાર કરું છું તેમ હું વધારે ને વધારે અસહાયતા અનુભવું છું. કાયદો અને વ્યવસ્થા માટે સરકાર ઘણું બધું કરે, કદાચ નોટના નાશના બદલામાં પૈસા પણ ચૂકવે, પણ માણસ કેટલો બધો પામર છે ! કેટલો બધો પામર !’
દિવ્યસિંહે કહ્યું : ‘ના, સાહેબ ! આપ વિચારો છો તેટલો માણસ પામર નથી….હા હા હા !’ સુદર્શનબાબુ લાકડીના ટેકે ઊભા થયા. ‘મારી વાત સમજવી સહેલી નથી દિવ્યસિંહ ! હવે વધારે દલીલ કરશો નહીં. મને દુ:ખ સાથે જીવવા દો ! મને મારા દુ:ખ સાથે જીવવા દો !’ આમ કહી તેઓ ચાલી ગયા હતા. દિવ્યસિંહબાબુ આગળ દલીલ કરવા થનગની રહ્યા હતા, પણ તેમને મોકો મળ્યો નહીં. સુદર્શનબાબુને વધારે ચીડવવા તેઓ જોરથી હસવા લાગ્યા.

પણ આ કમનસીબ કહેવાતા બનાવના કારણે વૃદ્ધ અધ્યાપકનું હૃદય બળતું હતું. બાર કલાક પહેલાં દિવ્યસિંહને સુદર્શનબાબુની વાત ગળે ઊતરી ન હતી. તેમને તેમના કામમાં હંમેશાં બુદ્ધિ અને કૌશલ્યથી સફળતા મળી હતી. ઘણી વાર તેમણે ભૂલો પણ કરી હતી પણ જીવનયાત્રામાં પરાજયને જયમાં ફેરવી તે ભૂલો તેમણે સુધારી લીધી હતી. પામર ? ના, તેમણે જિંદગીમાં કદી પણ પામરતા કે નિ:સહાયતા અનુભવી નથી. તેમને કદી ધન, જન કે મનોબળની ખોટ પડી નથી.

પરોઢ થવા આવ્યું છે. સૂર્યોદય થવાની વેળાની આવી શીતલ પળો કેટલી મધુર લાગે છે ! દિવ્યસિંહે નૌકા પર વ્યવસ્થિત રીતે બેસી ઊંડો શ્વાસ લીધો.

કાલે ગોધૂલિ વેળાએ આવા ઊંડા શ્વાસ લેવા તો તેઓ નદીકિનારે આવ્યા હતા. નગરસભાની બેઠક પછી તેમનો જીવ બળતો હતો. મનમાં કોઈ અકળ પીડા તેઓ અનુભવતા હતા. નદીકિનારો નિર્જન હતો. કારમાંથી ઊતરી તેઓ પ્રવાહની નજીક આવ્યા. કોણ જાણે કેમ અચાનક નદીના સ્વચ્છ પાણીનો, જળના ધીમા પ્રવાહનો સ્પર્શ પામવા તેમનું બાથરૂમમાં નહાવા ટેવાયેલું શરીર ચંચળ બની ગયું. શહેરવાસીઓને ફરવા માટે નદી પર બીજા ઘણાં સ્થળ છે પણ દિવ્યસિંહબાબુ જ્યાં આવ્યા છે તે સ્થળ નિર્જન છે. કોઈ માણસ અહીં નથી. દિવ્યસિંહે ઘડિયાળ, પેન્ટ અને બંડી ઉતારી એક પથ્થર પર મૂક્યાં અને પછી એ પાણીમાં ઊતર્યા.

તેમણે ઘણી વાર આ નદીમાં સ્નાન કર્યું છે, ઘણાં વર્ષો પહેલાં કૉલેજમાં ભણતા હતા ત્યારે, પણ આવા નિર્જન ઘાટ પર નહીં. એ લોકો નદીના જે ઘાટ પર નહાતા ત્યાંથી થોડે દૂર એક મહિલા કૉલેજ હતી. તેઓ અને તેમના મિત્રો નદીમાં તરતાં તરતાં તોફાનમસ્તી કરતા અને છોકરીઓને હૉસ્ટેલ પર સંભળાય તેવી જોરજોરથી બૂમો પાડતા. પણ તેમની બૂમો કોઈના પણ હૃદયને સ્પર્શ કર્યા વગર દીવાલને સ્પર્શીને પાછી આવતી. આજે તે વાત યાદ કરી દિવ્યસિંહબાબુ હસ્યા. બીજાને આકર્ષવાની તેમની અભિલાષા ઘણા વખતે પૂરી થઈ હતી. વર્ષો પહેલાં જ્યારે તેમણે પહેલુંવહેલું સભાઓમાં બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેમની પરલોકવાસી માતાએ તેમને કહ્યું હતું : ‘દીકરા હવે પછી તું સભામાં ભાષણ કરતો નહી !’ જવાબમાં નવાસવા વક્તાએ સવાલ કર્યો હતો : ‘કેમ ?’ માએ કહ્યું : ‘તને લોકોની નજર લાગી જશે – તું સુકાઈ જઈશ !’ પણ સુકાવાને બદલે છેલ્લાં પચ્ચીસ વર્ષથી તેઓ ધીમે ધીમે જાડા થતા ગયા છે. ગયા વર્ષે મ્યુનિસિપાલિટીની ચૂંટણી થઈ ત્યારે તેમના વિરોધીઓ તેમને દિવ્યસિંહના બદલે દિવ્યહાથી કહેતા હતા.

આ બધું યાદ કરતાં કરતાં અચાનક તેઓ ચમક્યા. નાહતા નાહતા આંતરવસ્ત્રમાં કંઈક જીવડું પેસી ગયું હોય એવું એમને લાગ્યું. તેમણે ઝટઝટ બાકી રહેલા વસ્ત્રો પણ શરીર પરથી દૂર કર્યા. હજી તો કંઈ સમજે એ પહેલાં જ તેમના હાથમાંથી તે સરકીને નદીના પ્રવાહમાં તણાઈ ગયા. કંઈ નહીં. અહીં એકાંતમાં તો ચાલી જશે એમ તેમણે વિચાર્યું. હવે પાણીમાંથી બહાર નીકળવું જોઈએ એવું લાગતાં તેમણે કિનારા તરફ નજર કરી. જોયું તો કિનારા પર કોઈ સફેદ પ્રાણી તેમને ફરતું દેખાયું. તરત જ તેમણે તે ઓળખ્યું. તે ગાય હતી. તેમને બીક લાગી કે પ્રોફેસરને રડાવ્યા હતા એ ચોર ગાય તો આ નહીં ? તેઓ ઝટઝટ નિ:વસ્ત્ર બહાર નીકળી આવ્યા. જોયું તો તેમના બુશ-શર્ટ અને બંડી ચાવી નાખી ને હવે ગાય આરામથી તેમનું પેન્ટ ચાવતી હતી. ‘હટ… હટ…’ ની બૂમ પાડીને દિવ્યસિંહબાબુએ તે ગાય તરફ થોડું પાણી ઊડાડ્યું. ગાય ભાગી – મોમાં અડધું ચાવી ખાધેલું પેન્ટ લઈને !

દિવ્યસિંહે ચારે તરફ નજર નાખી. જોયું તો કિનારા પર કોઈ નથી. ઉઘાડા શરીરે મેયર સાહેબ આ ચોર ગાયનો મુકાબલો કરવા દોડ્યા. ગાય ખૂબ ઝડપથી ભાગી. તે જ ક્ષણે દૂરથી એક જીપ આવતી દેખાઈ. તેની બત્તીના પ્રકાશમાં એક ક્ષણભર તેમનું ભીનું શરીર ઝબૂકી ઊઠ્યું – તરત જ નીચે બેસી જઈ દેડકાંની જેમ કૂદતાં કૂદતાં તેઓ ફરી પાણીમાં ઊતરી પડ્યા. જીપ એક ચીસ સાથે બ્રેક મારી ઊભી રહી. જીપમાંથી ત્રણ જણ ઊતર્યા. પાણીમાં છુપાઈ બેઠેલા દિવ્યસિંહને આ નવાઈ પામેલા લોકોની થોડીઘણી વાતચીત કંઈક સંભળાતી હતી. તેમાં એક સુદર્શનબાબુને ઓળખી લીધા. બીજા હતા તેમની મ્યુનિસિપાલિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને તેમના બે સહકર્મચારીઓ.
‘અરે, હમણાં કોઈ જાનવર નદીમાં કૂદી પડ્યું.’ એક જણે કહ્યું.
‘ભગવાન જાણે શું હશે ! ગોરિયા જેવું લાગતું હતું.’ બીજાને કહ્યું.
ત્રીજાએ કહ્યું : ‘મધુવનમાં ગોરિલા વળી ક્યાંથી આવી વસ્યા ?’
‘ભગવાન જાણે ! પણ તેનું માથું અને શરીર માણસ જેવું લાગતું હતું.’
‘ગમે તેમ, પણ કોઈ જાનવર હતું એ નક્કી.’
‘હેં, હિમમાનવ કે એવું કોઈ તો નહીં હોય !’
થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહીં. પણ એક જણ બોલ્યો : ‘પેલી કાર કોની છે ?’
‘ભગવાન જાણે ! અરે ! હા, ઓળખી ! આ તો, આ તો આપણા મેયર સાહેબની છે !’
‘કાર તો ખાલી છે ! સાહેબ ક્યાં ?’
ફરી બધા ચૂપ ! સાહેબને બોલાવવા એક જાણે બૂમ પાડી : ‘સાહેબ ! ઓ સાહેબ …!’ બધા થોડી વાર ચૂપ રહી એકબીજાનાં મોં સામે જોઈ રહ્યા. તે પછી એક જણ ગંભીર બની બોલ્યો : ‘સાહેબ, આવી રીતે ગાંડી સૂની મૂકી ક્યાંય જાય નહીં. શી ખબર શું હશે ! મને કંઈક ગડબડ લાગે છે. ચાલો, સાહેબના ઘેર જઈ તપાસ કરીએ !’ એ લોકો જીપમાં બેસી જતા રહ્યા.

દિવ્યસિંહ શરમથી ધ્રૂજી રહ્યા હતા. હવે શું કરવું ? કાર દોડાવીને ઘેર પહોંચી જઉં ? પણ ત્યાં તો અત્યારે એન્જિનિયર વગેરે તેમને શોધતા હશે, વિસ્મય અને ચિંતાગ્રસ્ત કુટુંબીઓ આંગણામાં ભેગા થયાં હશે. હું કાર પાર્ક કરવા જઈશ કે દરવાન આવી કારનો દરવાજો ખોલવા ઊભો રહેશે. હું શું મોં લઈને કારમાંથી નીચે ઊતરીશ ? વિચારમાં પંદર મિનિટ પસાર થઈ ગઈ. આ પંદર મિનિટ શાંતિની હતી. તેમને થયું આહ ! અત્યારે મારો કોઈ ખાસ દોસ્ત નદીકિનારે ફરવા આવી ચડે તો સારું ! તો હું એને ધીમેથી બધું સમજાવુ6 અને એ મારે ઘેર જઈ મારાં કપડાં લઈ આવે. આહ ! કોઈ ચમત્કાર થાય અને નદીમાં કોઈનું ધોતિયું તણાઈ આવે અને મારા હાથમાં આવી જાય ! આ સિવાય કોઈ ઉપાય દેખાતો નથી. હવે જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાછો અહીં આવે તો પાણીમાં ઊભો થઈને એને હું બધી વાત કહું. પછી એન્જિનિયર મારે ઘેર જઈ મારાં કપડાં લાવી આપશે. એ વિના અહીંથી બહાર નીકળાશે નહીં.

ફરી દૂરથી ગાડીનું અજવાળું દેખાયું. એક નહીં કેટલી ગાડીઓ તેમની કારની બાજુમાં આવી ઊભી રહી. સૌથી પહેલી એન્જિનિયરની ગાડી હતી. તે પછીની ગાડીમાં દિવ્યસિંહના નાના ભાઈ તેમની યુરોપિયન પત્ની સાથે ઊતર્યા. આ શું ? તેની પાછળની ગાડીમાંથી આ કોણ ઊતર્યું ! અરે, આ તો પોલીસ ? તેની પાછળ વળી એક ગાડી આવી. શહેરની આ જૂનામાં જૂની ગાડી હતી. અરે, એમાંથી ઊતર્યા વૃદ્ધ અધ્યાપક સુદર્શનરાય ! બાપ રે ! અચાનક દિવ્યસિંહની છાતીમાંથી એક ડૂસકું બહાર આવ્યું. તેમને થયું કે નાનાભાઈની યુરોપિયન પત્નીના દેખતાં મારી દયનીય સ્થિતિ જાહેર કરવાની હિંમત હું કદાચ કરી શકું, પણ પ્રોફેસર સુદર્શનરાયની આગળ એવી રીતે કેમ પ્રગટ થવાય ? હજુ ત્રણ કલાક પહેલાં જ ચોટ્ટી ગાયના પ્રસંગ પર વૃદ્ધ સુદર્શનબાબુ રડતા હતા ત્યારે હું તેમને હસતો હતો.

દિવ્યસિંહબાબુ નદીમાં કિનારાથી વધારે દૂર જતા રહ્યા. આવેલા લોકો નદીના પાણીમાં ટોર્ચનો પ્રકાશ ફેંકી રહ્યા હતા, આસિસ્ટન્ટ એન્જિનિયર ચારે બાજુ ‘સાહેબ… સાહેબ’ ની બૂમો પાડી તેમને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એટલામાં એક મોટી પોલીસવાન ત્યાં આવી પહોંચી. દિવ્યસિંહબાબુનો ડૂમો વધતો જતો હતો. હાય ! માણસ શું આટલો નિ:સહાય ? આટલો પામર ! એની આવી હાલત પણ થતી હશે શું ? કોઈ અદશ્ય શક્તિના ચક્રવ્યૂહનો હું ભોગ બન્યો છું શું ? શા માટે ? શા માટે ? ઘવાયેલા અહંકાર અને ડૂમાના આવેગમાં તેઓ પાણીમાં ક્યારેક ચાલીને તો ક્યારેક તરીને આગળને આગળ વધી ગયા. તેઓ ખૂબ દૂર નીકળી ગયા. આગળ એક હોડી બાંધેલી હતી. દિવ્યસિંહબાબુએ હતું એટલું જોર કરી હોડી છૂટી કરી તેમાં પોતે ચઢી ગયા. હોડી નદીના પ્રવાહમાં તરવા લાગી. જ્યારે ઊભેલી ગાડીઓથી તેઓ ખૂબ જ દૂર નીકળી ગયા ત્યારે તેમનો જીવ હેઠો બેઠો. તેમની છાતીનો ડૂમો ઊતર્યો. તેઓ ખૂબ જોરથી રડી પડ્યા.

ઘણાં ઘણાં વર્ષો પહેલાં તેઓ નગ્નાવસ્થામાં માના ખોળામાં કે પિતાની છાતીમાં માથું સંતાડી રડ્યા હશે. પણ પછી ઘણાં વર્ષો લગી તેઓ ક્યાં કદી રડ્યા છે ? રડે પણ કોની પાસે ? મોટા થયા પછી તો બધા તેમને સન્માનની ભાવનાથી જુએ છે – પિતા, માતા, પત્ની, ભાઈ, બહેન બધાં જ ! પણ એક ક્ષણમાં એવી ઊથલપાથલ થઈ ગઈ કે તેમને ભાન થઈ ગયું કે હું સાવ એકલો છું ! હોડી વહી રહી છે. સાંકડા પટવાળી નદીમાં કોઈ વાર કિનારે અથડાય છે તો કોઈ વાર વળી મધપ્રવાહમાં તરે છે. નદીની બંને બાજુ સૂનાં ખેતરો છે, ઉપર આકાશ છે. પેલી જૂની સ્મૃતિની મધુર ક્ષણોવાળી માના ખોળા જેવી આ નદી છે અને પિતાની છાતી જેવું વિશાળ આ આકાશ છે ! આજે આવી આ મધુર ક્ષણોમાં તેઓ જો નહીં રડે તો ક્યારે રડશે ? ઘણા વખત પછી તેમને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ન પડી. ઊંઘમાં તેમણે સપનું જોયું. એક નાનું પક્ષી પાંખો ફફડાવી ઘટાટોપ વાદળને વીંધી આગળ ધપી રહ્યું હતું !

રાત્રીના છેલ્લા પહોરે તેમની ઊંઘ ઊડી ત્યારે હોડી એક જગ્યાએ જઈ અટકી હતી. તેઓ નીચે ઊતર્યા અને હાથ વડે હોડીને ધક્કો મારી ફરી હોડી પર ચડી બેઠા હવે તેમનું મન ધીમે ધીમે હળવું થવા લાગ્યું હતું. હોડી ફરી એક જગ્યાએ જઈ અટકી. પરોઢ થઈ ચૂક્યું હતું. કિનારા પર એક નાની છોકરી ઝાડી પાસે ઊભી હતી. શરીરને બને તેટલું હોડીની અંદર છૂપાવી માથું ઊંચું કરી દિવ્યસિંહબાબુએ છોકરીને કહ્યું : ‘દીકરી, મારી પાસે કપડાં નથી. મને પહેરવા માટે કંઈક આપશે ?’
છોકરીના મોં પર નવાઈ અને દયાનો ભાવ પ્રગટ્યો : ‘લે ને !’ તેણે કહ્યું અને તરત જ પોતાના નાના શરીર પરથી મેલું ફ્રૉક ઉતારી તેણે તો હોડીમાં ફેંક્યું : ‘લે પહેર !’
દિવ્યસિંહબાબુએ ફ્રૉકને ચૂમ્યું. તેમને મનમાં થયું : ‘કાશ હું આ ફ્રૉક પહેરી શક્તો હોત ! પછી તેમણે કહ્યું : ‘દીકરી, મને આ થશે નહીં, હું મોટો માણસ છું.’
‘ઓહ ! તું મોટો માણસ છે ? મારા બાપા જેવડો ? તો ઊભો રહે !’ કહી છોકરી દોડતી ગઈ, બે મિનિટ પછી તે એક ટુવાલ લઈને આવી પહોંચી. બોલી : ‘એ ઈ મોટા માણસ ! લે આ પહેર.’ ખૂબ સંતોષ સાથે દિવ્યસિંહબાબુએ ટુવાલ પહેર્યો અને હોડીમાંથી ઊતરી ઝાડી પકડી ધીમે ધીમે કિનારે આવ્યા. છોકરીની પાછળ તેના માછીમાર બાપા પણ નવાઈ પામતા ત્યાં આવી પહોંચ્યા હતા. હવે દિવ્યસિંહબાબુએ જરાય શરમાયા વગર પોતાનો પરિચય આપ્યો. પછી તેઓ માછીમારની સાથે તેની ઝૂંપડી ગયા. ત્યાં આખી ઘટના એને કહી સંભળાવી. ગાયે કપડાં ચાવી ખાધાની વાત સાંભળી માછીમારને નવાઈ લાગી. તે સહાનુભૂતિપૂર્વક સાંભળી રહ્યો. તે રસ્તે થઈને શહેર તરફ બસ જતી હતી. એક કલાક પછી માછીમારે આપેલું ધોયેલું ધોતિયું પહેરી દિવ્યસિંહબાબુ પાછા પોતાના શહેરમાં આવ્યા.

તે વખતે આખા શહેરના લોકો નાનાં નાનાં ટોળામાં ભેગા થઈ સવારનું ‘મધુવન સમાચાર’ છાપુ વાંચતા હતા. તેમાં લખ્યું હતું : ‘મેયર રહસ્યમય રીતે અદશ્ય !’ છાપાના પહેલા જ પાને મોટા અક્ષરે તેમના અદશ્ય થવાનાં સંભવિત કારણો આપવામાં આવ્યાં હતાં – અપહરણ ? હત્યા ? આત્મહત્યા ? આવી કંઈ કંઈ સાચી ખોટી કલ્પનાઓ હતી. ત્યાં કોઈ એક વિચિત્ર જાનવર નદીમાં કૂદી પડ્યાનું પણ લખેલું હતું. બીજી તરફ તેમના પેન્ટનો પટ્ટો અને ચાવેલા પેન્ટનો એક ટુકડો મળી આવ્યાનું લખેલું હતું. અને તેનાથી કોકડું વધારે ગૂંચવાયું હતું. છાપાના વિશેષ સંવાદદાતાને પ્રોફેસર કાઉન્સિલના વડા સુદર્શનરાયે કહ્યું હતું કે મને ખાતરી છે કે ગઈકાલે નગરસભાની બેઠકમાં ગુસ્સે થઈ મેયરે કુખ્યાત ચોટ્ટી ગાયને ચેલેન્જ કરી હતી, તેના જવાબમાં એ ગાય મેયરને આખા ને આખા ચાવી ખાઈ ગઈ છે ! અને છેલ્લે વૃદ્ધ પ્રોફેસરે રડતાં રડતાં ગાયને પકડી પાડવાની માગણી કરી હતી. સંવાદદાતાએ જણાવ્યું હતું કે પોલીસ અને કૉર્પોરેશનના કર્મચારીઓ ગાયની સઘન તપાસ કરી રહ્યા છે.

પણ દિવ્યસિંહબાબુ પોતાનામાં એક નવાઈભર્યું પરિવર્તન અનુભવી રહ્યા હતા. કોઈ ને કોઈ પણ જાતનું નિવેદન આપવાની તેમને ઈચ્છા થતી ન હતી. માત્ર એક વાર સુદર્શનરાયની પાસે જઈને કહેવાનું તેમને મન થતું હતું કે : ‘સાહેબ, મનુષ્ય પામર છે ! નિ:સહાય છે ! અને નિ:સહાયતા શી છે તેનો મને અનુભવ થયો છે. હવે હું પુખ્ત બન્યો છું.’

(‘મનોજ દાસની વાર્તાઓ’)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોને પસંદ કરું ? – જ્યોતિબેન થાનકી
અનોખો આરો – ગીતા ત્રિવેદી Next »   

18 પ્રતિભાવો : મધુવનના મેયર – મનોજ દાસ

 1. nayan panchal says:

  અત્યંત સુંદર વાર્તા.

  સમય સૌને પોતાની લાયકાતનું ભાન કરાવી દે છે. તેથી જ સારા સમયમાં અથવા તો સત્તાની શક્તિથી માણસે મદમાં છકી ન જવુ જોઈએ.

  અહીં ગાયને “ખરાબ સમય”નું રૂપક ગણીને વિચારી શકાય કે કોઇ પણ તેની અડફેટમાં આવી શકે છે. પોતાને મોટા ગણતા માણસોએ આવા સમયમાં નાનામાં નાના માણસની પણ મદદ લેવી પડે છે.

  નયન

 2. “સમય બહુત બલવાન હૈ !!!”

  કોઇ ને કોઇ ચીજને નિમિત્ત બનાવીને સમય મનુષ્યને પોતે પણ એક પ્રાણી જ છે એ વાતની અનુભૂતિ કરાવે જ છે ..

  મ્યાનમારમાં લાખથી વધુ માણસો વાવાઝોડામાં મૃત્યુ પામ્યા .. ૨૦૦૧ માં ભૂકંપમાં કંઈ કેટલાયે લોકો ગયા ..સુનામી થી અસંખ્યા લોકો ગયા …. અને ૧૯૯૧ ની ઈરાક વોર વખતે દરિયામાં છોડાયેલા ક્રુડ-ઓઈલથી કેટલા બતકો અને બીજા અન્ય દરિયાઈ જીવ મૃત્યુ પામ્યા ?? છે કોઇને ખબર ?? અત્યાર સુધીમાં માનવનિર્મિત દુષણોથી કેટલાં પશુ-પંખી કે વૃક્ષો નાશ પામ્યા ?? અને કેટલાયે નામશેષ થયા ?? કોઇ ને અંદાજ પણ નથી !!

  તો મનુષ્યને કેમ એવું લાગે છે કે એ આ બધાથી અલગ છે ??? નેચર માટે બધા સમાન છે !! ..

  મનુષ્ય જેટલી જલ્દી આ વાત સમજે એટલું સારું છે !! 🙂

 3. અતુલ જાની (આગંતુક) says:

  માત્ર એક વાર સુદર્શનરાયની પાસે જઈને કહેવાનું તેમને મન થતું હતું કે : ‘સાહેબ, મનુષ્ય પામર છે ! નિ:સહાય છે ! અને નિ:સહાયતા શી છે તેનો મને અનુભવ થયો છે. હવે હું પુખ્ત બન્યો છું.’

  ખરેખર મનુષ્ય પામર પણ નથી અને મહાન પણ નથી. માત્ર સંજોગો અને વિચાર તેને પામર કે મહાન બનાવે છે. ગાંડાના શરીર પર પણ વસ્ત્રો નથી હોતા છતા તેને પામરતા કે નિઃસહાયતાની લગણી નથી થતી કારણકે લજ્જા શું છે તેની તેને ખબર જ નથી.

  ઘટના જ્યારે બીજા સાથે બને છે ત્યારે આપણને ઘણી નાની અને ઘણી વખત હસવા જેવી લાગે છે પરંતુ તે જ ઘટના જ્યારે પોતાની સાથે બને છે ત્યારે જ તેની ગંભીરતા સમજાય છે.

  સરસ રીતે નીરુપણ થયેલી નવલિકા માણવાની મજા પડી.

 4. pragnaju says:

  સર્વાંગ સુંદર વારતા
  “માત્ર એક વાર સુદર્શનરાયની પાસે જઈને કહેવાનું તેમને મન થતું હતું કે : ‘સાહેબ, મનુષ્ય પામર છે ! નિ:સહાય છે ! અને નિ:સહાયતા શી છે તેનો મને અનુભવ થયો છે. હવે હું પુખ્ત બન્યો છું.’ કેવી સરસ અભિવ્યક્તી!

 5. Maharshi says:

  સરસ વાર્તા…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.