અનોખો આરો – ગીતા ત્રિવેદી

[‘અખંડઆનંદ’ જૂન 2008માંથી સાભાર.]
‘સુમી મારાં ચશ્માં ક્યાં છે ?’ કમલકાંતે રોજની ટેવ મુજબ પૂછ્યું.
‘એ સામે ટેબલ પર પડ્યાં.’ સુમનબહેને રોજિંદો એ જ જવાબ વાળ્યો. ચાર દાયકા પછી પણ આ દંપતી સાવ સહજતાથી સહજીવનની કેડી પર ચાલી રહ્યું છે.
‘કાંત, મારા મંડળમાંથી ગોરજ વૃદ્ધાશ્રમ જોવા જવાનો કાર્યક્રમ ગોઠવાયો છે, તો કાલે હું ત્યાં જવાની છું.’ કદાચ સંમતિ ન મળે એ વિચારે સુમનબહેને પોતાની ઈચ્છા પ્રથમ જ જણાવી દીધી.
‘હા, જઈ આવ. એક દિવસનો વાંધો નહીં. પરંતુ સુમી, તું તો જાણે છે કે વધારે દિવસ મને તારા વિના ફાવે નહીં.’ સાઠ વર્ષે પણ બાળક જેવા પતિ સામે મીઠું મલકી તે રસોડામાં ગયાં.

આશ્રમેથી પાછાં ફરેલાં સુમનબહેન વ્યથિત રહેવા લાગ્યાં તે પ્રોફેસર કમલકાંતે નોંધ્યું. રોજની જેમ દરેક કાર્યમાં સહજતા ન લાગતાં, ત્રણેક દિવસ બાદ કમલકાંતે પૂછ્યું : ‘સુમી, ગોરજ આશ્રમ જઈ આવ્યા પછી તને ઉદાસ જોઉં છું. શું વાત છે ?’
વાતને કેવી રીતે કહેવી તે ન સમજતાં સુમનબહેન બોલ્યાં : ‘મારે ગોરજ જવું છે.’
કમલકાંત તેના વાક્યનો અર્થ સમજ્યા નહીં તેથી પૂછ્યું : ‘ક્યાં જવું છે તારે ?’
‘મારે ગોરજ આશ્રમમાં સેવા આપવા જવું છે. ત્યાં આ સમાજથી તરછોડાયેલા – રકતપિત્તના દર્દીઓ છે. માનસિક રીતે નબળી બાળાઓ છે જેને પ્રેમ, હૂંફ અને સમય આપવાની જરૂર છે. કાંત, આ સમાજ પાસેથી ઘણું બધું લીધું છે. કદાચ કોઈ અજાણી વ્યક્તિને મદદરૂપ થઈ તેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ જરૂર કરી શકાય.’ સુમનબહેને પોતાની રીતે કમલકાંતને ત્યાં જવા વિશે સમજાવ્યું.

કમલકાંતે સુમનબહેનની આંખોમાં એક દઢ નિર્ધાર જોયો. તેમણે કહ્યું : ‘પણ હું ત્યાં ન આવી શકું. મને ત્યાં નહીં ફાવે. આમ પણ હું કોઈનું દુ:ખ જોઈ શકતો નથી.’
‘કાંત, હું એકલી જ જવા માગું છું.’ સુમનબહેને હવે ચોખવટ કરી. થોડીક ક્ષણો એમ જ વીતી ગઈ. કમલકાંત વિચારી રહ્યા. ચાર દાયકા સાથે વિતાવ્યા છતાં સુમીનું પોતાનું પણ કોઈ સમણું છે તે વિષે તેમણે ક્યારે ય વિચાર્યું જ નહોતું. પોતાના અસ્તિત્વમાં તેણે તેનું અસ્તિત્વ ઓગાળી દીધું હતું. આજે આ વાત વસમી લાગતી હતી. સુમી વિનાના જીવનની કલ્પના માત્રથી કમલકાંત ફફડી ઊઠ્યા.

કમલકાંતનો હાથ પોતાના હાથમાં લઈને સુમનબહેન બોલ્યાં : ‘કાંત, પ્રૌઢાવસ્થાને આરે ઊભેલાં આપણે બંને વાસ્તવમાં તદ્દન જુદી પ્રકૃતિનાં છીએ, છતાં આ ચાર દાયકામાં તમને મારી જરૂર જણાતાં એક જીવનસંગિનીને નાતે મેં મારી દરેક ફરજ બજાવી છે. હવે બાળકોની પોતાની દુનિયા છે જેમાં આપણી હવે બહુ જરૂર નથી ત્યારે થાય છે કે જીવનનો થોડોક સમય આપણે આપણને ગમતું કંઈ કામ કરી કેમ ન વિતાવીએ અને પ્રૌઢત્વ ને વૃદ્ધત્વને ગરિમા પ્રદાન કરીએ.’ કમલકાંત સુમનબહેનની વાતોથી નવાઈ પામ્યા. આજે તેમનામાં રહેતી નવી સુમનને એ અનાયાસે મળી ગયા.

બીજે અઠવાડિયે સુમનબહેન ગોરજ ચાલ્યાં ગયાં. કમલકાંતને સુમી વિનાનું ઘર જાણે ખાવા ધાતું હતું. દીકરો-વહુ વિચારી રહ્યાં કે મમ્મીને આ ઉંમરે આ શું સૂઝ્યું ? ધીમે ધીમે પોતાની જાતને આ નવા વાતાવરણમાં ગોઠવવાનો પ્રયાસ કમલકાંત કરી રહ્યા. શરૂ શરૂમાં સુમી પર ગુસ્સો આવતો, પરંતુ સામે સુમી તો હતી નહીં. કોને કહે ? તેમના બાજુના ફલૅટમાં રહેતો પિન્ટુ તેમની પાસે વાર્તા સાંભળવા આવતો. તેનાં મમ્મી, પપ્પા બંને નોકરી કરતાં હોવાથી તેને આ દાદાજી સાથે ખૂબ ફાવતું. આ નાનકડી એવી ઘટનાએ કમલકાંતને એક નવો વિચાર આપ્યો. તેમનો ભોંયતળિયાનો ફલૅટ ખાલી હોવાથી ત્યાં તેમણે આજુબાજુમાં રહેતાં અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને માતૃભાષા ગુજરાતીમાં રસ લેતાં કરવાનું વિચાર્યું. તેઓ થોડી ચિત્રોવાળી વાર્તાની નાની પુસ્તિકાઓ લાવ્યા. બાળકોને અઠવાડિયામાં એક વખત ભેગાં કરતાં. નાનાં જોડકણાં, કવિતાઓ, વાર્તા વગેરે રસપૂર્વક કહેતા. બાળકોને પણ નવું જાણવા મળતું, ચૉકલેટ મળતી. ક્યારેક આઈસ્ક્રીમ મળતો. આથી તેઓ પણ દાદાજીને ત્યાં આવી જતાં.

આમ, દાદાજીના ઘણા બધા બાળ દોસ્તો થઈ ગયા. તેમનાં માતાપિતા પણ ખૂબ જ ખુશ હતાં. તેઓ પોતાનાં બાળકોને જે આપવા અસમર્થ હતાં તે આ દાદાજી આપતા હતા. પિન્ટુના પપ્પા એક વખત પોતાની ગાડી લઈને બધાં બાળકોને પિકનિક માટે લઈ ગયા.

આ બાજુ ગોરજ સંસ્થાનો વાર્ષિકોત્સવ હોવાથી સુમનબહેને બધાંને આવવા માટે આમંત્રણ મોકલ્યું. કમલકાંત આ સમારંભમાં ગયા. સંસ્થાના પ્રમુખ નર્મદાબહેને સંસ્થાનો પરિચય આપ્યો અને ખાસ સેવા બદલ સુમનબહેનનું સન્માન કર્યું. સમારંભ પૂરો થતાં આશ્રમને બાંકડે બંને જણ નિરાંતે બેઠાં : ‘કાંત, કેમ છો ?’ જાણે સુમનબહેનની આંખો પૂછી રહી.
‘સુમી, હું મજામાં છું.’ કમલકાંતે સુમનબહેનના સવાલનો જવાબ આપ્યો. સુમનબહેન શરમાઈ ગયાં. વર્ષો પછી પણ તેમના મનની વાત કમલકાંત એ જ રીતે વાંચી લે છે.
‘સુમી, હું તો તારો આભાર માનવા જ અહીં આવ્યો છું. અભિનંદન, સુમી. જો કે તારે કોઈ સન્માનની જરૂર નથી. તેં સાચું જ કહ્યું હતું કે સમાજ પાસેથી લીધેલું કોઈક રીતે ચૂકવવું, એમાં જ જીવનની સાર્થકતા છે.’ આટલું કહીને તેમણે પોતાની પ્રવૃત્તિ વિશે સુમનબહેનને વાત કરી.
‘કાંત, આપણે આજે ખરા અર્થમાં એકમેકને સમજ્યાં છીએ. આપણા ચાર દાયકાના દાંપત્યજીવનનો સાર એટલે જ પોતપોતાનાં વ્યક્તિત્વ સાથે એકમેકથી જોડાયેલ આપણે….’ પાસેથી પસાર થતી હવા જાણે આ શબ્દોને ઝીલી રહી….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મધુવનના મેયર – મનોજ દાસ
ઘરમાં ઘર ને એમાં ઘર – રીના મહેતા Next »   

15 પ્રતિભાવો : અનોખો આરો – ગીતા ત્રિવેદી

 1. nayan panchal says:

  સરસ વાર્તા.

  સમાજને કંઇક પાછું આપવુ જ જોઇએ, અને શક્ય હોય તો બને તેટલુ જલ્દી.

  નયન

 2. sujata says:

  ખાલીપા ની ભ ર પા ઇ બ ધા ન થી ક રી શ ક તા……..સું દ ર લે ખ્……

 3. Palakh says:

  Great article, this story reveals my retirement plan. Staying in US for a long time, I have decided to earn good enough to help my family and spend retirement in India. Buy a small house near an ashram and voluntarily work there. Till now we have always taken from the society and will still take for another few years, but when we have sufficient in our plate to fullfill our responsibilities we should give it back to the society in one or the other form. Many times by giving one gets an enormous pleasure.

 4. Mohit Parikh says:

  We may be surrounded by many and still feel alone. And sometime we may be alone and still feel contended. What is intimacy?

 5. Ranjitsinh Rathod says:

  સરસ લેખ,

  સમાજને કંઇક પાછું આપવુ એ બરાબર પણ ચાર દાયકા ના સુખી દાપત્ય જીવન પછી અલગ રહેવાની વાત કઈ હજમ ના થઈ.

 6. varsha tanna says:

  આ વાર્તામાઁ સાચુ દામ્પત્ય નિતરે છે.

 7. NARESH CHOKSHI says:

  ખુબ જ સરસ
  વાત. ઘડ પન સારી રીતે પસાર કરવા માટે પ્રેરણા દાયક લેખ.

  નરેશ ચોકશી.

 8. Vaishali Maheshwari says:

  Thank you Ms. Geeta Trivedi for this inspiring story.

  We have taken a lot from the society, so we should find ways to give something for the betterment of the society.

  Professor Kamalkaant and Sumanben are getting internal satisfaction and happiness at this age by doing activities of their interest and helping the society also. Very good utilization of skills and time.

  Thank you once again.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.